Priytama - 1 books and stories free download online pdf in Gujarati

પ્રિયતમાં ભાગ -૧

પ્રિયતમા : ભાગ -૧

જ્યારથી ભારતીનો તારકને મળવા માટેનો ફોન આવ્યો છે ત્યારથી તારક ભારતીને મળવા થનગની રહ્યો છે. અરે પોતે પરણેલો છે તે ભાન પણ તારક ભૂલી ગયો છે. આ બાજુ તારકનો પુત્ર કીશોરાવાસ્થાએ પહોંચેલ છે જયારે ભારતીની દીકરી તરુણાવસ્થાના ડગર પર પગ મૂકી રહી છે.

તારક પરણેલો છે, રચના તેની પત્ની છે. અને એક પુત્ર પંદરેક વર્ષનો છે. લગ્ન જીવન સુખી છે. રચના દેખાવડી, ભણેલી, અને સમજદાર છે. બીજી બાજુ ભારતી પણ એક પુત્રીની માતા છે. તેના પતિનું યુવાન વયે મૃત્યુ થયેલ છે, છતાં પણ પોતાની બીજું સાસુ પ્રત્યેની લાગણીને કારણે ફરીથી લગ્ન કરેલ નથી. વૃંદા નામની તેર વર્ષની પુત્રી છે. જે ખુબ જ સુંદર છે. અને ભણવાની સાથે નૃત્યની તાલીમ લઇ રહી છે.

ભારતીને તારક એક જ ગામના, અને ગામની સ્કુલમાં સાથે જ ભણતા. ગામ પણ સુંદર ગોકુળિયા ગામ જેવું. બાજુમાં જ સુંદર તળાવ, તેમાં હંસ, બતક, માછલીઓ તળાવની શોભામાં અભીવૃદ્ધિ કરે. ગામમાં વડલા, લીમડા, પીપળ, પીપળા, બોરડી, ગુલમહોર, વગેરે વ્રુક્ષોના સાનીન્ધ્યમાં પંખીઓ કલરવ કરે ગામમાં ગ્રામ પંચાયત દ્વારા એક સરસ બગીચો બનાવ્યો છે, જેમાં ગુલાબ, ગલગોટો, જાસુદ, ચમેલી, ચંપો, બારમાસી, લાલ કરેણ, પીળા કારણ, રાત રાણી, ગુલમહોર, વગેરના છોડ રોપવામાં આવ્યા છે. છોકરાઓ માટે હીંચકા, લપસરણી અને બીજા જાત જાતના રમવાના સાધનો વસાવ્યા છે.

ગામ લોકોનું માનીએ તો તારક અને ભારતીના જન્મ વચ્ચે માંડ ત્રણ ચાર મહિનાનો ફરક. બંનેના ઘર પણ અડોઅડ આવેલા. ભારતી તારક કરતા ત્રણ મહિના મોડી જન્મેલ. આખા ગામમાં આ બે બાળકો બહુ દેખાવડા અને પરાણે વહાલા લાગે તેવા એટલે નવરાશના સમયે ગામ આખું બંનેને સાથે જ રમાડવા લઇ જાય.

તારક અને ભારતીની મમ્મીને છોકરા ધવડાવવા માટે ધક્કો થાય. પણ ગામ લોકો બંનેને રમાડવાની જીદ છોડે જ નહિ, જાણે ગામમાં બાલ કૃષ્ણ અને રૂપકડી રાધાનો ફરીથી જન્મ થયો હોય. ભારતી અને તારક પણ પોતાના ઘેર જવાને બદલે જે લોકો રમાડવા લઇ ગયા હોય ત્યાં રમ્યા જ કરે.

બંને સ્કુલે ભણવા પણ સાથે જ બેઠા, સ્કુલ ટીચર ભણાવવાને બદલે ભારતીને રમાડ્યા કરે. ભારતીને રમાડવામાંથી નવરી પડે ત્યારે વર્ગને ભણાવે. ભારતી અને તારકની બેઠક પણ જોડા જોડ. સ્કુલમાં ભારતીના તોફાન ચાલુ જ હોય. જયારે તારક શાંત પ્રકૃતિનો. સ્કુલમાં બીજા છોકરા સાથે વાતો પણ કરે નહિ.

ભારતી દેખાવમાં સાવ નિર્દોષ લાગે, પણ ભારે ચાલાક અને ચિબાવલી, છાનું માનું નાનું તોફાન કરે અને નામ આવે તારકનું. કોઈક વાર કોઈ શિક્ષક તારકને આકરી સજા કરે તો ભારતી આંખો પટપટાવી કબૂલી લે કે તોફાન મેં કર્યું હતું. શિક્ષક તેના ભોળા ચહેરા તરફ જોઈ રહે અને તારકને માફ કરી દે.

થોડા મોટા થયા એટલે તારક અને ભારતી તળાવમાં સાથે નાહવા જાય, ભારતીને તરતા પણ સારું આવડે. જયારે તારકને તરતા બરાબર ન આવડે એટલે તળાવના કિનારે છબછબીયા કર્યા કરે. ભારતીને ભીના કપડામાં તારક જોયા કરે. તળાવમાં કપડા ધોવા આવેલી વહુઆરુઓ જે તારક અને ભારતીને ભાભીઓ થાય તેઓ મજાક કર્યા કરે. તારકભાઈ ત્યાં શું જુઓ છો? તેવું કોઈ બટક બોલી ભાભી કહે અને તારક શરમાઈ જાય. અને સહુ ખડખડાટ હસી પડે.

બાળપણની મૈત્રી ક્યારે પ્રેમમાં પલટાઈ ગઈ તેની બંનેમાંથી કોઈને ખબર ન પડી, SSC પછી ભારતી પીટીસી માટે વઢવાણ ગઈ અને આ બાજુ તારક વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ ૧૧ /૧૨ માં જોડાઈ ગયો. (ઇસવી સન ૧૯૭૯ વખતે ધોરણ ૧૦ પછી પીટીસીમાં એડમીશન મળતું અને સરકારી નિશાળમાં શિક્ષક/શિક્ષિકા તરીકે નોકરી મળી જતી.)

હવે તારકને અને ભારતીને એક બીજા વિના ઉદાસી ઘેરી વળતી. ત્યારે મોબાઈલ ફોન પણ નહોતા. એક બીજા વિના દિવસ પૂરો થાય નહિ, જો દિવસ માંડ માંડ વીતે તો રાત કેમેય કરીને ખૂટે નહિ.

તારકને ભારતી વિના ગોઠે નહિ, પેલી બાજુ ભારતી પણ એકલી એકલી હિજરાયા કરે. તારકને ખાવાનું ભાવે નહિ, રાતે ઊંઘ આવે નહિ. તારકનું શરીર દિન પ્રતિદિન નબળું પડતું ગયું. ઘરના સહુ ચિંતામાં પડી ગયા. તારકને ડોકટર પાસે બતાવ્યું તો નિદાન થયું કે ખાસ ચિંતા કરવા જેવું નથી, શરીરમાં નબળાઈ આવી ગઈ છે. ડોકટરે શક્તિની અને વિટામીનની દવાઓ આપી.

તારકના મિત્રને આ વાતની ખબર પડી એટલે તારક પાસે આવ્યો, તેણે વાતનો નીચોડ લીધો અને પછી તે ભારતીના ઘેર ગયો ભારતીની બેન સરિતાને સમજાવી ભારતીનું સરનામું લઇ તારકને આપ્યું અને કહ્યું કે લે સરનામું એક પત્ર લખી નાખ એટલે હૈયું હળવું થશે. ભારતીનું સરનામું તારકને મળ્યું પણ હવે પત્રમાં લખવું શું? તારક વિચારે છે.

તારક વિચાર્યા કરે છે, હજુ સુધી કોઈને પત્ર લખ્યો નથી, પત્ર લખવાનો મહાવરો નથી. સ્કુલમાં પત્ર લેખનનો એક સવાલ આવતો, પણ તેવો પત્ર તો અહીં લખાય નહિ. લાંબા મનોમંથન પછી તારકે થોડા વાક્યો લખ્યા.

ચિબાવલી છોકરી,

તારા તોફાનોથી મારો દિવસ દોડવા માંડતો, અને કાજળ ભરી રાત્રીઓ તારા ઘેનના કેફમાં પહાડ પરથી પડતા નદીના પ્રવાહની જેમ કલ કલ કરતી વહેતી રહેતી. પણ હવે લાગે છે કે જાણે સમય થંભી ગયો છે. તારા વિના એક એક પળ મને એક એક યુગ જેવી ભાસે છે. તું મારા જીવનનું એક અભિન્ન અંગ બની ગઈ છો, તારા વિના મારી જિંદગી સુની સુની લાગે છે.

જેમ માછલી પાણી વિના તરફડે તેમ તારા વિના તરફડતો તારક.

ભારતીને જયારે પત્ર મળ્યો ત્યારે તેનું અંગ અંગ આનંદથી ઉભરાય ગયું. તેના બત્રીસે કોઠે દીવા થયા. આજનો દિવસ તેના માટે પ્રેમના ભેટની સોગાદ લાવ્યો. તેનું રોમે રોમ તારકને ઝંખી રહ્યું. તેને થયું કે તેને પંખો ફૂટી નીકળે અને તે તારક પાસે પંહોચી જાય. હ્રદયમાં અનેક પ્રકારના સ્પન્દનો જાગ્યા.

ભારતી સુંદર કલાત્મક લેટર પેડ બજારમાંથી લાવી અને તેના જીવનનો પહેલો પ્રેમ પત્ર લખવા બેઠી.

તે પણ મીઠી મુંજવણ અનુભવી રહી, શું લખું અને શું ન લખું? મન ચકડોળે ચડયું, અંતે દિલમાંથી જેવા શબ્દો નીકળ્યા તેવું લેટર પેડ પર ટપકાવ્યું.

મારા મનના માણીગર,

અહીં તારા વગર મને પણ ચેન નહોતું પડતું, રાત અને દિવસ બસ તારી જ યાદ આવતી, તારક હું રાતોની રાતો રડી છું, તારી યાદમાં વહાવેલ આંસુથી ભીંજાયેલ મારું ઓશીકું મેં સાચવી રાખ્યું છે. તારી સાથે ગુજરેલ એક એક પળ યાદ આવે છે અને આંખોમાં આંસુ બની ટપકે છે.

તારી અને માત્ર તારી જ ભારતી.

હવે તારકની તબિયતમાં સુધારો થયો, ચહેરા પર લાલી આવી, વર્ણ વધુ ગૌર બન્યો, શરીર મજબુત બન્યું. ઘરનાએ માન્યું કે દવાએ અસર કરી. પણ તારકનો મિત્ર જયેશ જાણતો હતો કે આ તો ભારતીની મોહિનીની અસર છે. આ તો પ્રેમ પંથ ઉપર ચાલવાની અસર છે.

નવરાત્રીના તહેવારની રજાઓ પર ભારતી પોતાના ગામ આવી.તારક પોતાની બાઈક લઈને નજીકના શહેરમાં તેડવા ગયો. ભારતીએ આસમાની કલરના કપડા પહેર્યા છે, શહેર ગામથી પંદર કિલોમીટર દુર આવેલ છે. તારક અને ભારતી આઈસ્ક્રીમ પાર્લરમાં જઈને આઈસ્ક્રીમખાવા ગયા. ભારતી અને તારક અડોઅડ બેઠા, એક બીજાના સ્પર્શે બંનેને અમૃતરસમાં તરબોળ કરી દીધા.

આઈસ્ક્રીમ ખાઈને ભારતી તારકની બાઈકમાં બેઠી, ઉબડ ખાબડ રસ્તાને કારણે ભારતીને તારકને ચીપકીને બેસવું પડ્યું, વારે ઘડીએ મારવી પડતી બ્રેકને કારણે બંનેના શરીરો એક બીજા પર ટકરાવાના કારણે ભારતીનું મુખ શરમથી લાલચોળ થઇ જતું, પણ આ સ્પર્શ આલ્હાદક લાગતો, જાણે વરસોથી અતૃપ્ત ધરા પર વરસતી શીતળ બુંદથી ધરતી મ્હોરી ઉઠી છે. બાળપણની યાદો તાજા થઇ, લહેરાતા ખેતરો, ફૂંકાતો પવન ભારતીની વાળની લટો સાથે રમ્યા કરે છે. અને બાઈક પર બેઠા બેઠા જ તારકે બીજા દિવસના સવારે ભારતીને મળવાના કોલ દીધા.

રાત પડતા જ તારક ભારતીને કેમ મળવું તેનો વ્યૂહ ઘડી રહ્યો છે.

હવે બંને યુવાન થયા, તળાવે તો મળાય નહિ તળાવે તો અરધું ગામ હોય ભારતી જોડે નિરાંતે વાતો કેવી રીતે કરવી?

રામ મંદિરમાં ઘરડા ડોસા ડોસીઓ અલક મલકની વાતો કરતા હોય.

બગીચામાં નાના બાળકો સાથે તેની મમ્મી, પપ્પા, કાકા, દાદા કે દાદી આવેલ હોય.

હા ખેતરમાં નિરાંતે વાતો થાય, પણ ઘણા સમયથી તેણે ખેતરે જવાનું છોડી દીધું છે.

હવે તેનો મોટોભાઈ ખેતરે જાય છે. તેણે ભાઈના ઓરડામાં નજર કરી મોટાભાઈ હજુ ઘેર નથી આવ્યા. હેતાભાભી તેના ભત્રીજાને ધવડાવી રહ્યા છે.

તે સીધો દોડ્યો ભાભી પાસે, ભાભીની બંગડીઓ રમાડતા બોલ્યો ભાભી આ બંગડીઓ તમને સરસ લાગે છે.

એમ? હેતાભાભી બોલ્યા તે સમજી ગયા નક્કી તારકભાઈને કોઈ કામ કઢાવવું હશે.

આ બંગડીઓ તો વરસ પહેલા તમારા ભાઈએ લઇ આપી છે, તમારી નજર છેક આજે પડી?

તારકનો પહેલો દાવ નિષ્ફળ ગયો, તારકે બીજો દાવ ખેલ્યો હું તમારા માટે કેવા કલરની સાડી લઇ આપું?

હેતાભાભીએ ગુસ્સાથી તારકની સામે જોયું, કેમ તમારા ભાઈ મને સાડી નથી લઇ આપતા?

તારક ઓઝપાઈ ગયો, તેની યોજના નિષ્ફળ જશે તેમ લાગ્યું, તેનો ચહેરો મુરઝાય ગયો.

હેતાભાભી મજાક કરતા બોલ્યા, કામ હોય ત્યારે ભાભી ભાભી કહેતા મોઢું સુકાતું નથી, અને જરૂર ન હોય તો ભાભી ક્યાં પડ્યા છે તેનું ધ્યાન રહે છે ખરું?

હવે તારકના જીવમાં જીવ આવ્યો.

ભાભી મારે ભારતીને મળવું છે.

તો મળો ને તમને કોણ રોકે છે?

મારા વ્હાલા ભાભી, તારક ભાભીનો હાથ પોતાના હાથમાં લઇ બોલ્યો, મારે અને ભારતીને થોડી અંગત વાતો કરવી છે. જે ગામમાં તો ક્યાંય થઇ શકે તેમ નથી. પણ કાલે સવારે જો મોટાભાઈની જગ્યાએ ખેતરે હું તમારી સાથે આવું અને તમે આ સંદેશો ભારતીને કહી આવો તો આપણા ખેતરમાં અમે બંને નિરાંતે વાતો કરી શકીએ. અને આના માટે જીવનભર હું તમારો પાડ માનીશ.

મારા વ્હાલા દિયરજી એવો ખોટો પાડ માનવાની જરૂર નથી, પણ મારી પણ એક શરત છે.

શરત?.....કેવી શરત? માંડ હાલક ડોલક થતી નાવ સ્થિર થઇ હતી, આ પાછી ડૂબશે કે કેમ? તારકને શંકા જાગી.

જો તમારા લગ્ન થાય ત્યારે રોજ રાતે મારી દેરાણી ભારતીએ મારા પગ દબાવવા આવવાનું.

બસ આટલી જ શરત?

તારકે રાહતનો દમ ખેંચ્યો, એના કરતા તમે અમારા ઓરડામાં જ ઊંઘી જજો ને લુચ્ચું હસતા તારક બોલ્યો.

બડે મીંયા તો બડે મીંયા, છોટે મીંયા શુભાનાલ્લ્હ.......કહેતા હેતાભાભીએ તારકનો કાન ખેંચ્યો.

તારકના મુખમાંથી તીણી ચીસ નીકળી ગઈ, તે ખુશ થતો થતો પોતાની પથારીએ આવ્યો.

રાતે તારકના મોટાભાઈ પોતાના ઓરડે આવ્યા એટલે હેતા તેમના પગ દબાવવા લાગી. મોટાભાઈને નવાઈ લાગી. તે ઓરડામાંથી બહાર નીકળવા લાગ્યા.

વળી પાછા ક્યાં જાઓ છો અડધી રાતે? હેતા ખીજાઈ.

આ તો જોવા જાવું છું કે સુરજ પશ્ચિમ દિશામાં તો નથી ઉગ્યોને?

આ વરસોના વ્હાણા વાઈ ગયા ને આજે તું પગ દબાવવા બેઠી.

મારે તમને એક વાત કહેવી છે, તમે ના તો નહિ કહોને?

અરે ગાંડી તારી એક પણ વાત ન માની હોય તેવું બન્યું છે?

ના, ના, એવું તો ક્યારેય બન્યું નથી, હેતા હેતથી પોતાના પતિ સામે જોઈ રહી.

આ તારકભાઈ કાલે ખેતરે આવવાનું કહેતા હતા.

પણ એને તો આગળ ભણવાનું છે, ખેતર માટે હું એકલો જ બસ છું.

પણ એની ઈચ્છા હોય તો કાલે તું અને તારક બંને ખેતરે જજો, બસ.

હેતાને હૈયે ધરપત થઇ.

સવારે વહેલી ઉઠીને હેતા ભારતીને ઘેર ગઈ, ભારતીની માંએ મીઠો આવકાર આપ્યો,

ભારતી ભેંસને ચારો નાખતી હતી.

ભારતીબેન ક્યારે આવ્યા? હેતા બોલી.

હજુ કાલે જ વઢવાણથી આવી અને આજે તો કામમાં જોતરાઈ ગઈ.

હેતાએ ભારતીની પાસે જઈ પોતાના ખેતરે તારકને મળવાની વાત કરી.

સવારમાં તારક મોડે સુધી ઘોરતો રહ્યો, સવારે સુરજની સવારી નીકળી ચુકી છે, હેતાભાભીએ તારકને ઢંઢોળ્યો ઓ ઊંઘણશી, આ બપોર થવા આવ્યો અને હજુ તમે ઘોરો છો, તો પછી ખેતરનું કામ ક્યારે કરશો? કે મારી દેરાણી આજ થી જ ખેતર પર કામ કરવા લાગશે? તારક હકાબકા થઇ ગયો, કેટલા વાગ્યા ભાભી?

વાગવાનું છોડો અને જલ્દી તૈયાર થાવ, ભારતી આપણા ખેતરમાં રાહ જોતી હશે.

તારક ફટાફટ ઉઠયો, જલ્દી જલ્દી દાતણ કરી નવાણીયામાં નાહવા ગયો.

સાથે બપોર માટેનું ભાથું લઇ ભાભી દિયર ખેતરે ચાલ્યા. ખેતરે ગયા ભારતી તારકના ખેતરે પહોંચી ગઈ હતી અને તારકની ચાતક વરસાદની રાહ જુએ તેમ રાહ જોઈ રહી હતી. તારકને જોઈ ભરતીનું ગોરું મુખડું મલકાઈ ઉઠયું, હેતાભાભીએ સાથે લાવેલ ભાથું ખોલ્યું. તેમાંથી ઘેરથી આદુ નાખેલ આખા દુધની ચા બહાર કાઢી અને ત્રણ ગ્લાસમાં નાખી. એક ગ્લાસ ભારતીને આપ્યો, બીજો તારકને આપ્યો અને ત્રીજો ગ્લાસ હેતાએ લીધો.

વાહ ભાભી ઘણા દિવસ પછી આવી રગડા જેવી ચા પીધી, મજા આવી ગઈ. ભારતી બોલી.

પછી તો તને રોજ આવી ચા પીવા મળશે, હસતા હસતા તારક બોલ્યો.

વાતનો મર્મ સમજતા ભારતીના ચહેરા પર શરમનું વાદળ પસાર થઈને વહી ગયું. ભારતીબેન, તારકભાઈ, તમે બંને ખેતરમાં જે ઓરડી બાંધેલ છે, ત્યાં ખાટલો ઢાળેલ જ છે. લો આ પાણીનું બતક (ગામડામાં ખેતરમાં માટીના પાણી ભરવાના પાત્રને બતક કહેવાય છે.) તમે નિરાંતે વાતો કરો, ત્યાં સુધી હું ખેતરનું કામ આટોપું છું.

ઓરડામાં સરસ મજાઓ ખાટલો ઢાળેલ હતો, તેમાં સુંદર મજાની ચાદર પાથરેલ હતી, જેમાં હેતાભાભીએ પોતાના હાથથી ભરત ગુંથણ કામ કરેલ હતું, ઓરડો એકદમ સ્વચ્છ અને સાફ હતો, બારીમાંથી મંદ મંદ પવન વહેતો હતો. ધીમે પગલે તારક અને આરતી ખાટલામાં બેઠા.

તારકે મૃદુતાથી ભારતીનો હાથ પોતાના હાથમાં લીધો, ભારતીના શરીરમાં અણુએ અણુએ જાણે વીજળીનો સંચાર થયો. તેનું હૃદય પુલકિત થઇ ઉઠયું.

હું તારા વિના રહી શકું, મારી પ્રિયતમા....તારક બોલ્યો.

તારકના મુખેથી પ્રિયતમા શબ્દ સાંભળી ભારતીનું હૈયું થોડા ધબકાર ચુકી ગયું.

તે તારકને વેલીની જેમ વીંટળાઈ ગઈ,

ક્યાંય સુધી બંને તેજ સ્થિતિમાં સ્થિર થઇ ગયા.

આખા ઓરડામાં નીરવતા છવાઈ ગઈ.

મારા પ્રિયતમ, હું પણ તમારા વિના રહી શકું તેમ નથી.

તમારા વિના મારી સ્થિતિ જળ વિના તડપતી માછલી જેવી છે.

તમારા લાંબા મૌનને તોડતી ભારતી બોલી.

મારું મન કરે છે કે હું તમારાથી એક પળ અળગી ન થાઉં.

તમારા વિના રાતોની રાતો મારી નીંદર વેરણ બની છે.

રોજ રાતના મારી આંખોથી ટપકતા આંસુને કારણે મારું ઓશીકું ભીંજાયું છે.

કાશ મને પાંખો હોત તો રોજ રાતે ઉડીને તમારી પાસે આવી જાત.

(વધુ આવતા અંકે)

વાચક મિત્રો હાલ મારી બે વાર્તા એક સાથે ચાલે છે. ૧.એક રાત અજાણી છોકરી સાથે અને ૨. પ્રિયતમા ...પ્રિયતમાના બે ભાગ છે જયારે એક રાત અજાણી છોકરી સાથેના ત્રણ ભાગ છે. આ વાર્તા કેવી લાગી? તેના આપના પ્રતિભાવ અવશ્ય આપશો.