Password - 15 books and stories free download online pdf in Gujarati

પાસવર્ડ - 15

પ્રકરણ નં.૧૫

ખુફિયા ઇન્ટેલિજન્સ એજન્સીના ચીફ જ્યોર્જ ડિસોઝાએ તેના માસ્ટર પ્લાન મુજબ આગળ ધપવા માટે હાથ પર લીધેલા એક સિક્રેટ ઇન્ટરનેશનલ ઓપરેશન માટે સરકારને વિશ્વાસમાં લઇ લીધી હતી. તેના વફાદાર ઓફિસરો અધિરાજનાં ગ્રુપમાં સામેલ થવા માટે પોતાના કામે લાગી ગયા હતા. તેઓએ અધિરાજનાં જ વિશ્વાસુ બનીને તેની સાથે કામ કરતા રહી આ સિક્રેટ મિશનને આખરી અંજામ આપવા માંગતા હતા.

પી.આર. કન્સલ્ટન્સીના ટોચના બે મહારથીઓના અપહરણ અને સેન્ટ્રલ જેલના ભયાનક હત્યા કાંડ બાદ પોલીસ કમિશનર અભય કુમારના બંગલાના કમ્પાઉન્ડમાંથી મળેલી બબ્બે લાશો, અને ત્યારબાદ ગૃહ મંત્રીને મળેલી ધમકી ભીતરમાં ખરેખર શું રંધાઈ રહયું છે તેની વિગતો મેળવવા પોલીસ ખાતામાં રહેલા પોતાના બાતમીદારો પાસેથી શક્ય તેટલી વિગતો મેળવી લીધી. પોલીસે તપાસ દરમ્યાન જે માહિતી ઉપર વિશેષ ધ્યાન આપવાનું ટાળ્યું હતું તેમાં ઊંડા ઉતારવાનું નક્કી કરી ઇન્ટેલિજન્સ ઓફિસરોએ અધિરાજ સુધી પહોંચવાના રસ્તા પર આગળ નીકળી ગયા.

તેઓએ સોના ચાંદીના મોટા વ્યાપારી તરીકેની પ્રતિષ્ઠા ધરાવતા લક્ષ્મીકાંત અને શિપિંગ બિઝનેસના મહારથી ગોપાલદાસ દ્વારા થયેલા મનાતા રૂ. ૨૦ કરોડના વ્યવહાર વિશે તપાસ કરતા ખ્યાલ આવ્યો કે, ખરેખર આ મોટી રકમનો વ્યવહાર થયો જ હતો. પોલીસ તંત્રને તો આ આર્થિક વ્યવહાર થવા વિશે માત્ર શંકા જ હતી, પરંતુ ઇન્ટેલિજન્સ ઓફિસરોએ આ નાણાકીય લેવડ દેવડ કયા વચેટીયા માણસની મદદથી થઇ હતી એ પણ શોધી કાઢ્યું હતું. આ વ્યક્તિ સુધી પહોંચવામાં તેઓને પોતાના ખાનગી બાતમીદારો ઉપયોગી થયા હતા. આ એક એવી કડી હતી કે, જે તેઓને અધિરાજની રહસ્યમય ગુફા સુધી દોરી જઈ શકે એમ હતી.

તપાસ દરમ્યાન એ જાણીને તેઓ ચોંકી ઉઠ્યા હતા કે, લક્ષ્મીકાંત અને ગોપાલદાસે રૂ. ૨૦ કરોડની રકમ રાજ્યના નાણા મંત્રી અનંતરાયને આપી હતી. મતલબ સાફ હતો કે, આ ત્રિપુટી વચ્ચે ખાનગીમાં કોઈ ખીચડી પાકી રહી હતી. પાંચેય ઇન્ટેલિજન્સ ઓફિસરોએ આ મુદ્દા પર ઊંડી ચર્ચા કરતા તેઓને એ સમજાઈ ગયું કે, અધિરાજના ચક્રવ્યૂહમાં ઘુસવા માટે સર્વપ્રથમ તો અનંતરાયના ગ્રુપમાં સામેલ થવું જરૂરી છે.

તેઓએ ફરી એક વખત બાતમીદારોની મદદ લઇ એ વચેટિયાને શોધી કાઢ્યો. એ શખસ ખુબ જ ગરીબ પરિવારનો હતો. તે માત્ર પૈસા માટે જ વચેટિયાનું કામ કરતો હતો પરિણામે ઇન્ટેલિજન્સ ઓફિસરોનું કામ આસાન થઇ ગયું હતું. પાંચ પૈકી બે ઇન્ટેલિજન્સ ઓફિસરોએ વચેટિયાને મળી લક્ષ્મીકાંત અને ગોપાલદાસનો સંપર્ક કરવાનું નક્કી કર્યું. કેમ કે લક્ષ્મીકાંત અને ગોપાલદાસની ભલામણ વગર અનંતરાય સુધી પહોંચવું લગભગ અશક્ય હતું. અહીં હવે વચેટિયાની ભૂમિકા શરૂ થતી હતી.

બંને ઇન્ટેલિજન્સ ઓફિસરો પૈસા સાથે લઈને સીધા જ વચેટિયાના ઘેર પહોંચી ગયા. શહેરની ઝુંપડપટ્ટીની એક ખોલીમાં રહેતા આ માણસને શરૂઆતમાં તો પોતાના ઘેર આવી ચડેલા આ બંને ઓફિસરો પર સ્વાભાવિક રીતે જ ભરોસો ન્હોતો બેઠો, પરંતુ એકદમ ચકોર અને હોંશિયાર ઇન્ટેલિજન્સ ઓફિસરોએ આ બાતમીદાર વ્યક્તિને તેના ભૂતકાળના ખાનગી કરતૂતો વિશે વાત કરી તેને આશ્ચર્યમાં મુકી દીધો હતો.

પોતાના ગુપ્ત કામો વિશે આ બંને આગંતુકો આટલી બધી માહિતી ધરાવતા હોવાનું જાણીને એ વચેટિયાને ચોક્કસપણે નવાઈ જરૂર લાગી હતી. જો તેઓ ધારે તો પોતાને મુશ્કેલીમાં પણ મુકી શકે તેમ હતા પરંતુ સાથોસાથ તેઓએ એવું કશું જ કર્યું ન્હોતું એ જાણીને વચેટિયાએ રાહતનો શ્વાસ પણ ખેંચ્યો હતો. અલબત આ શખસ સમક્ષ ઇન્ટેલિજન્સ ઓફિસરોએ પોતાની સાચી ઓળખ જાહેર કરી ન્હોતી, અને તેને માત્ર એટલું જ કહ્યું હતું કે, તેઓ પણ લક્ષ્મીકાંત અને ગોપાલદાસ માટે તેઓના માણસ તરીકે કામ કરવા માંગે છે. જો આ કામ તે કરાવી આપશે તો તેને બે લાખ રૂપિયા આપવાનું ઇન્ટેલિજન્સ ઓફિસરોએ વચન આપ્યું હતું. એડવાન્સ પેટે રૂ.૫૦,૦૦૦ ની રકમ તેઓ સાથે જ લઇ ગયા હતા.

વચેટિયાએ તુર્ત જ ગોપાલદાસને ફોન કરીને પોતાના બે ખાસ વિશ્વાસુ માણસોને કામે રાખવાની સ્પેશિયલ ભલામણ કરી દીધી. ગોપાલદાસે એ બંનેને પોતાની ઓફિસે લઇ આવવા વચેટિયાને સૂચના આપતા ઇન્ટેલિજન્સ ઓફિસરોએ વચેટિયાને રૂ.૫૦,૦૦૦ ની રકમ ઓન ધ સ્પોટ આપી દીધી. બાકીની દોઢ લાખની રકમ ગોપાલદાસ સાથે મુલાકાત થાય અને તેની સાથે કામ કરવાનું નક્કી થઇ જાય પછી આપવાનું નક્કી કર્યું. વચેટિયાની મદદને પગલે હવે તેઓ બંને ગોપાલદાસ સુધી પહોંચી શકે એમ હતા. જોકે તેઓનો હવે પછીનો બધો દારોમદાર વચેટિયા પર હતો, અને તે જેટલી ભારપૂર્વક ભલામણ કરી શકે એટલું તેઓનું કામ આસાન થવાનું હતું.

ત્રણેય જણા એક કારમાં બેસી ગોપાલદાસે જણાવેલા સરનામે તેની ઓફિસે પહોંચી ગયા. જ્યાં ગોપાલદાસ વાતચિત દરમ્યાન કેવા કેવા સવાલો પૂછી શકે તેની ધારણા કરી બંને ઓફિસરોએ સંભવિત જવાબો ગોખી રાખ્યા હતા.

*******************************

" અનંતરાયની સૂચના મુજબ સ્ટીલના ત્રણેય બોક્સ સરહદ પાર મોકલી દેવા એ નાનકડા ગામના ચોક્કસ લોકોનું ગ્રુપ હરકતમાં આવી ગયું હતું...અનંતરાયના છ એ છ મિત્રો, ડ્રાઈવર અને નેસનો લીડર માટીના બનેલા એક કાચા નેસની નીચે ભોંયરામાં ચાલ્યા પહોંચી ગયા હતા. હવે સ્ટીલના બોક્સને કઈ રીતે અહીંથી સરહદ પાર પહોંચાડવાના છે અને એ માટે તેઓએ કેવી વ્યવસ્થા કરી છે. આખી યોજના અને વ્યવસ્થા વિશે જાણીને તેઓ દંગ રહી ગયા....

તેઓ સૌ બાજુમાં આવેલા અન્ય એક રૂમમાં પ્રવેશ્યા. ફિલ્મોમાં જોવા મળે એમ જ ગ્રુપ લીડરે પોતાના ખિસ્સામાંથી રીમોટ કંટ્રોલ કાઢી તેની એક સ્વીચ દબાવતાં વેંત જ રૂમની એક દિવાલ સાઈડમાં સરકી ગઈ ને એક લાંબી ટનલ દ્રશ્યમાન થઇ. કોલસાની ખાણમાં કોલસો ભરેલી ટ્રોલીને ટ્રેનના પાટાની મદદથી એક સ્થળેથી બીજા સ્થળે લઇ જવામાં આવતી હોય છે એવી જ રીતે અહી ટનલમાં પણ બે પાટા જોવા મળ્યા.

ગ્રુપ લીડરે અનંતરાયના છ એ છ મિત્રો, ડ્રાઈવર અને તેઓની સાથે પોતાના થોડા માણસોની મદદથી એક મોટી ટ્રોલી પર સ્ટીલના ત્રણેય બોક્સ ગોઠવી દીધા. એ ટ્રોલી ધક્કા મારીને ચલાવવી પડે એવી સાદી ન્હોતી. તે ઓટોમેટિક મશીન વડે ચાલતી હતી. ગ્રુપ લીડરે તેઓને કેટલીક જરૂરી સૂચનાઓ આપી. સાથે તેઓને કેટલાક ઓટોમેટિક હથિયારો અને તેઓ એકબીજા સાથે વાતચિત કરી શકે એવા કોમ્યુનિકેશન ડીવાઈસ પણ આપ્યા. હવે તેઓએ ટ્રોલી પર બેસીને દસેક કિલોમીટરનું અંતર એ ટનલમાં જ પસાર કરવાનું હતું. ગ્રુપ લીડરે તેઓને રવાના થવાની સૂચના આપી અને સૌ ટ્રોલી પર બેસી ગયા.

અનંતરાયના ગ્રુપમાં સામેલ થયેલા તેના મિત્રોને હવે થોડું થોડું સમજાતું હતું કે, અનંતરાય કેવી ઊંચી અને ઊંડી માયા છે. અત્યાર સુધીમાં તેઓને જે કાંઈ જોવા જાણવા મળ્યું તેનાથી તેઓના હોંશકોશ ઉડી ગયા હતા. તેઓને હવે એ જાણવાની તાલાવેલી હતી કે ટ્રોલી પર દસ કિ.મી.નું અંતર પસાર કર્યા બાદ જ્યારે તેઓ સામે પહોંચશે ત્યારે ત્યાં છેડે શું જોવા મળશે? ટ્રોલી પર બેઠેલા ગ્રુપ લીડરના એક માણસે ટ્રોલી ચાલુ કરી પરંતુ કોઇપણ જાતના અવાજ વગર જ તે દોડવા લાગી હતી. એ ટ્રોલીની બનાવટ જ એવી રીતે કરવામાં આવી હતી કે, તેને કોઇપણ જાતના ઘોંઘાટ વગર પાટા પર દોડાવી શકાતી હતી. ટ્રોલી ધીમે ધીમે પાટા પર સરકતી સરકતી ટનલના અંધકારમાં દુર જવા લાગી. ટ્રોલી પર બેઠેલા અનંતરાયના મિત્રોએ પાછળ વળીને જોયું......... ટનલનો દરવાજો પૂન: સરકવા લાગ્યો ને થોડી પળોમાં જ દરવાજો સાવ બંધ થઇ ગયો.

ખુબ જ ધીમી ગતિએ આગળ ધપી રહેલી ટ્રોલી પર કુલ બાર જણા બેઠા હતા. ટનલમાં અંધકાર હતો. તેઓને કાંઈ દેખાતું ન્હોતું. ગ્રુપ લીડરના એક માણસે ટ્રોલીની એક નાનકડી લાઈટ ચાલુ કરી ને ટનલના અંધકાર વચ્ચે આછા અજવાળામાં તેઓને પાટા દેખાવા લાગ્યા. ટ્રોલી દોડી રહી હતી. આશરે અડધો કલાક જેવા સમય બાદ તેઓ ટનલના બીજા છેડે પહોંચવાની તૈયારીમાં હતા. તેઓ સોએક મીટર દુર હતા ત્યારે તેઓએ જોયું કે, ટનલના એ છેડે પણ શરૂઆતમાં જોવા મળ્યો એવો જ એક દરવાજો આ છેડે પણ હતો અને તે ધીમે ધીમે સરકીને ખુલી રહયો હતો. આખરે ટ્રોલી ટનલના છેડે પહોંચી ગઈ. સૌએ સ્ટીલના ત્રણેય બોક્સ ઉતારી લેવાયા ને રૂમમાં લઇ જવાયા.

ટનલમાંથી સૌ બહાર આવ્યા એ સાથે જ પૂન: દરવાજો સરકવા લાગ્યો ને ધીમે ધીમે ટનલ બંધ થઇ ગઈ. રૂમમાં જાણ્યે કે દિવાલ જેવી જ દિવાલ બની ગઈ. તેઓ સૌ એક મોટા રૂમમાં આવી પહોંચ્યા હતા. રૂમમાં તેઓએ નજર ફેરવી. કોઈ અજાણ્યો માણસ આ રૂમમાં પ્રવેશી પણ જાય તોય તેને એ ખબર પડે એમ ન્હોતું કે, રૂમની કોઈ એક દિવાલ પાછળ દસ કિ.મી. લાંબી ટનલ બનાવાયેલી છે. રૂમમાં ક્યાંય કોઈ દેખાતું ન્હોતું. જોકે થોડી વાર તેઓની આતુરતાનો અંત આવ્યો.

રૂમનો એક નાનકડો દરવાજો ખુલ્યો ને દસેક માણસો અંદર પ્રવેશ્યા. તેઓએ ટ્રોલી પર આવી પહોંચેલા સૌને આવકાર્યા. સ્ટીલના ત્રણેય બોક્સ રૂમમાંથી બહાર લઇ જવાયા. જેવી રીતે હોટલના રૂમમાંથી બહાર આવીએ અને પેસેજ જોવા મળે એવો જ એક પેસેજ તેઓને અહીં જોવા મળ્યો, પણ ફર્ક માત્ર એટલો જ હતો કે અહીં જુદા જુદા રૂમ ન્હોતા. માત્ર લાંબો પેસેજ જ હતો. તેઓ આશ્ચર્ય સાથે તેઓને અનુસર્યા. ટનલની શરૂઆત જ્યાંથી થતી હતી તેવી જ રીતે તેના આ બીજા છેડે પણ ભોયરૂ હોય તેવું અનંતરાયના મિત્રોએ મહેસુસ કર્યું.

આખરે તેઓ એ પેસેજના છેડે પહોંચ્યા જ્યાં એક દરવાજો જોવા મળ્યો. ત્યાં હાજર રહેલા બે હથિયારધારી ગાર્ડઝ પૈકી એક ગાર્ડે દરવાજો ખોલ્યો ને તેઓ સૌ દરવાજામાંથી થઇ બહાર નીકળ્યા. તેઓની આંખો પહોળી થઇ ગઈ. તેઓ કોઈ ઐતિહાસિક બંગલાના મુખ્ય હોલમાં આવી પહોંચ્યા હતા.

લાલ રંગના પથ્થરોથી બનેલી એ હવેલીના મુખ્ય હોલમાં બરોબર વચ્ચે બિછાવવામાં કલાત્મક સોફા પર એક વ્યક્તિ બેસેલી જોઈ. તેની માત્ર પીઠ જ તેઓને દેખાતી હતી. જેવી એ વ્યક્તિ ઉભી થઇ ને તેને પાછું વળીને જોયું તો અનંતરાયના છ એ છ મિત્રો દંગ રહી ગયા. તેઓની આંખો માની શક્તિ ન્હોતી. એ માણસ બીજું કોઈ નહી પણ ગ્રુપ લીડર પોતે જ હતો. તેને હસતા હસતા સૌને આવકાર્યા...............ગ્રુપ લીડર અહીં ક્યારે પહોંચી ગયો એવો સવાલ તેઓના દિમાગમાં સળવળાટ કરી રહયો હતો.....

*******************************

ભેદી કોડવર્ડ બ્રેક કરવા માટે માથાફોડી કરી રહેલા સુનિલ અને સૂર્યજીત કોમ્પ્યુટર સામે ગોઠવાઈ ગયા હતા.

" આ જો..સૂર્યજીત ....આ સોફ્ટવેરમાં આપણે પેલો કોડવર્ડ આધારિત મેસેજ ટાઈપ કરીએ અને પછી જોઈએ કે કોમ્પ્યુટર આપણને આ શબ્દો અને આંકડા પરથી અસંખ્ય કોમ્બિનેશન બનાવી આપશે." સુનિલે સૂર્યજીતને એ સોફ્ટવેર બતાવતા કહ્યું. કોમ્પ્યુટર કી બોર્ડ પર તેજ ગતિથી તેના આંગળા સ્વીચો દબાવી રહેલા સુનિલે કોડવર્ડ ટાઈપ કર્યો. EATWHY1029384756DPRLOEWASSSEALPODCNKACEOD. જેમાં કુલ ૪૧ કેરેક્ટર હતા.

" સૂર્યજીત આપણે આ ૪૧ કેરેક્ટર ટાઈપ કર્યા છે એટલે કોમ્પ્યુટર તેમાંથી ૪૧ X ૪૧ = ૧૬૮૧ કોમ્બિનેશન બનાવી દેશે." સુનિલે પ્રાથમિક માહિતી આપીને એન્ટર કી દબાવી દીધી. એ સાથે જ કોમ્પ્યુટર સ્ક્રીન પર કુલ ૧૬૮૧ કોમ્બિનેશન ઝબકી ઉઠ્યા. સૂર્યજીત ફાટી આંખોએ તેને નિહાળતો રહી ગયો. " અરે ભગવાન આટલા બધા કોમ્બિનેશન ક્યારે જોઈ શકીશું?" તે મનમાં જ બબડ્યો પરંતુ જાણ્યે કે સુનિલે તેના મનમાં બોલાયેલા શબ્દો સાંભળી લીધા હોય તેમ કહ્યું...

" સૂર્યજીત આ સોફ્ટવેરમાં અન્ય એક મેજિકલ સુવિધા પણ છે.......હવે જો આ સોફ્ટવેરનો જાદૂ. " સુનિલે સર્ચ ઓપ્શનમાં જઈ એક વિશેષ ઓપ્શન પર ક્લિક કર્યું....... " મોસ્ટ સ્યુટેબલ કોમ્બિનેશન્સ ". કોમ્પ્યુટરે કુલ ૧૬૮૧ પૈકી સૌથી વધુ અર્થપૂર્ણ કોમ્બિનેશનોની સૂચિ બતાવી દીધી. બંને જણા એ એ સૂચિમાં દર્શાવાયેલા કોમ્બિનેશન વાંચવા લાગ્યા.

જેમાં એક કોમ્બિનેશન તેમને સૌથી વધુ અર્થસભર જણાયું. જેમાં લખાયું હતું કે......

THEWAY1029384756 PLEASELOCKCODEANDPASSWORD

સૂર્યજીત અને સુનિલના ચહેરાઓ પર આશ્ચર્ય અને ખુશી એમ બંને ભાવ જોવા મળી રહયા હતાં. કોયડો ઉકેલાઈ ગયો હતો. તેઓની નજર સામે હવે અર્થપૂર્ણ સંદેશો ઉભરી આવ્યો હતો.

સૂર્યજીતે પોતાના ખિસ્સામાંથી પેલી ચિઠ્ઠી બહાર કાઢી. તેઓએ કોમ્પ્યુટરમાં ૪૧ કેરેક્ટરનો જે કોડ એન્ટર કર્યો હતો તે સૂર્યજીત વાંચવા લાગ્યો. EATWHY1029384756DPRLOEWASSSEALPODCNKACEOD

સુનિલની વાત સો ટકા સાચી હતી. આ સંદેશ ત્રણ હિસ્સામાં લખાયેલો હતો.

EATWHY

1029384756

DPRLOEWASSSEALPODCNKACEOD

જેનો મતલબ કોમ્યુટરના કહેવા મુજબ કાંઈક આવો થતો હતો...

THEWAY

1029384756

PLEASELOCKCODEANDPASSWORD

હવે તેઓ એ સમજવાનો પ્રયાસ કરી રહયા હતાં કે, આ સંદેશ લખનારે તેને કઈ રીતે લખ્યો હતો?

આ સવાલનો જવાબ સુનિલે આપ્યો.

તેણે સૂર્યજીતને કહ્યું કે, " આ કોડ લખનારે સર્વપ્રથમ સામે વાળી વ્યક્તિને આ સંદેશ મોકલ્યો. EATWHY1029384756DPRLOEWASSSEALPODCNKACEOD. સામેની વ્યક્તિ પણ એટલી જ ચતૂર હોવી જોઈએ. આ સંદેશ વાંચીને તેણે એ તુર્ત જ સમજી લીધું હશે કે, આ કોડ બ્રેક કઈ રીતે કરી શકાય. કેમ કે તેઓ માટે આ કાંઈ પ્રથમ અવસર નહી હોય. આવું તો તેઓ ભૂતકાળમાં પણ કરી ચૂક્યા હશે. સામેની વ્યક્તિ એક પળમાં જ સમજી ગઈ હશે કે આ કોડ કેવી રીતે ઉકેલી શકાય? તેણે સૌપ્રથમ EATWHY અક્ષરોને અદલાબદલી કરી તેમાંથી THEWAY શબ્દ તારવી લીધો હશે. THEWAY મતલબ કે આ સંદેશો સમજવા માટેનો રસ્તો.

સુનિલે કોમ્પ્યુટર સ્ક્રીન પર દેખાતા કોમ્બિનેશન પૈકી એક કોમ્બિનેશન પર આંગળી મુકી સૂર્યજીતને સમજાવ્યું કે, " આ કોમ્બિનેશન બરોબર ધ્યાનપૂર્વક ઊંધેથી વાંચતા ખ્યાલ આવે છે કે, સંદેશ લખનારે "પ્લીઝ લોક એન્ડ પાસવર્ડ" અંગ્રેજીમાં લખ્યા બાદ અક્ષરોની આ આખી લાઈન ઉલ્ટાવી નાંખી છે. ધ્યાનથી જો બરોબર. આ લાઈન ઉલ્ટાવી નાંખતા આ રીતે વાંચી શકાય..... DROWSSAPDNAEDOCKCOLESAELP

આ રીતે લાઈન ગોઠવ્યા બાદ તેણે આ પછી તેણે એકથી દસ સુધી લખાયેલા આ 1029384756 ઉપર નજર ફેરવી હશે. મતલબ કે, 1 પછી 0 અને 2 પછી 9 એટલે કે , અંગ્રેજીની આ લાઈનના પહેલા અક્ષર પછી લાઈનનો છેલ્લો અક્ષર અને ત્યારબાદ બીજા અક્ષર સાથે લાઈનનો છેલ્લેથી બીજો અક્ષર ...એમ તેણે એક પછી એક અંગ્રેજી અક્ષરો ગોઠવ્યા હશે. એટલે એ લાઈન પછી કાંઈક આવી બની ગઈ. DPRLOEWASSSEALPODCNKACEOD

પી. આર. કન્સલ્ટન્સી કંપનીના ત્રણ કોમ્પ્યુટરો પૈકી એક કોમ્પ્યુટરમાંથી પછી સંદેશ મોકલનાર વ્યક્તિએ આ આખો કોડવર્ડ કાંઈક આ રીતે મોકલ્યો

EATWHY1029384756DPRLOEWASSSEALPODCNKACEOD

સામે વાળી વ્યક્તિએ આપણે જે રીતે આ કોડને સમજી શક્યા એ જ રીતે તેણે પણ કોડ ઉકેલી નાંખ્યો હશે. જેનો મતલબ આ મુજબ થયો કે, THEWAY1029384756 PLEASELOCKCODEANDPASSWORD

" બોલ સૂર્યજીત....આ સંદેશો તો ક્લીયર થઇ ગયો છે એમ મારૂ માનવું છે. તને શું લાગે છે કે?"

" વાત તો તારી સાચી છે સુનિલ. સંદેશ મોકલનાર માણસે સામે વાળી વ્યક્તિને એટલું કહેવું હતું કે, PLEASELOCKCODEANDPASSWORD. જે તેણે કહી દીધું. હવે નવો સવાલ એ ઉપસ્થિત થાય છે કે, તેણે એવું શા માટે કહેવું પડ્યું હશે કે, PLEASELOCKCODEANDPASSWORD. આ સંદેશો મોકલવવા પાછળનો આશય શું હશે? તેઓ બંને આ સંદેશા મારફત શું છુપાવવા ઇચ્છતા હશે અથવા તો કેવી માહિતી છુપાવવા માંગતા હશે? મને એમ લાગે છે કે સંદેશ લખનાર વ્યક્તિ તેનો આ તમામ ખુફિયા સંદેશાવ્યવહાર કદાચ આ રીતે જ કરતો હશે?"

" તારી વાત સાથે સહમત છું સૂર્યજીત. પી. આર. કન્સલ્ટન્સી કંપનીમાંથી તમે ત્રણ કોમ્પ્યુટરો જપ્ત કર્યા હતા. જે પૈકી એક કોમ્પ્યુટરમાંથી કોઈ વ્યક્તિએ આ આખો કોડવર્ડ મોકલ્યો છે. મને લાગે છે કે તારી તપાસમાં હવે જરૂર પ્રગતિ આવી જશે ખરૂ ને?"

" યસ સુનિલ. આઈ હોપ સો...બાય ધ વે આઈ એમ વેરી ગ્રેટફૂલ તો યુ સુનિલ, તે મારું કામ સરળ કરી આપ્યું. જો તારી મદદ મને ના મળી ના હોત તો કદાચ હું આ કોડ ક્યારેય બ્રેક કરી ના શકત. થેંક યુ યાર ....."

" અરે તુ કાંઈ પાગલ છે કે, આભાર માનવા લાગ્યો ? છો ચાલ હવે શાંતિથી ભોજન કરતા કરતા તારા કેસની તપાસ બાબતે ચર્ચા કરીએ. સંભવ છે કે કાંઈક અર્થસભર તારણ મળી આવે...."

સૂર્યજીતને સુનિલની વાત ખુબ ગમી. તેણે તુર્ત જ સહમતી આપી દીધી. સુનિલે તુર્ત જ તેની પત્નીને ભોજનની થાળી તૈયાર કરવા વિનંતી કરી.......

( વધુ આવતા અંકે....)

*******************************