Sambandh books and stories free download online pdf in Gujarati

સંબંધ

નવલિકા

સંબંધ

સોનલ ગોસલીયા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


સંબંધ

“આવો આવો રહીમભાઇ આજે સવાર સવારમાં ભૂલા પડ્યા ? ”

“અરે ના, ના. ભાભી કાલે સલમાનો મૂંહબોલ્યો ભાઇ શોએબ આવ્યો હતો. એને બસસ્ટેન્ડે મૂકવા આવ્યો હતો, તો થયું ચાલ મારા યારને મળતો જાઉં ને ચારૂભાભીના હાથની મસ્ત આદુવાળી ચાહ પીતો જાઉં. ઊઠયો છે કે નહી એ કુંભકર્ણ ?” ત્યાંતો અંદરથી અવાજ આવ્યો, “સુધર ગયા સવેરા મેરા ,જો તુમ તશરીફ લાયે, સુનકે અવાજ યાર કી હમ ઊઠ કે ચલે આયે.” “વાહ. વાહ માશાઅલ્લાહ. તારો આ અંદાજ મને વારંવાર અહીંયા ખેંચી લાવે છે.” બોલતાં જ રહીમ અને રમેશે એકબીજાને ભેટીને આવકાર્યા.ખૂબ જૂના મિત્રો. એકબીજા માટે જીવ પણ આપી શકે એવી ગાઢ મિત્રતા. બન્ને શાયરાના મિજાજ્વાળા. જિંદગી ખૂબ મોજથી જીવવામાં માનનારા. ચારૂ બન્ને માટે ચા બનાવવા ગઇ. બન્ને વાતો કરતા કરતા હસતા હતા ત્યાં અચાનક સલમા આવી. “અરે કયા બાત હૈ બેગમ ? મેરી યાદ ઇતની આયી કી તુમ ભી ખીંચી ચલી આયી ?” પણ સલમાના મુખ પર ઉદાસીના ભાવ વર્તાતા હતા.એણે રહીમને બાજુમાં લઇ જઇને કહ્યું,“મારા પાકીટમાંથી હજાર રૂપિયા ગયા. લાગે છે શોએબ જ ચોરી ગયો. રાત્રે તો મેં મૂક્યા હતા.પછી કોઇ આવ્યું પણ નથી. સાવ નફ્ફટ ને લુચ્ચો. બહેનનું પાકીટ મારે ? અલ્લાહથી પણ નથી ડરતો એ કમીનો ? ” રહીમ વિચારે ચડી ગયો. સલમાની વાત તો સાચી જ હતી. બીજું તો કોઇ આવ્યું જ ન હતું. શોએબ આવું કરે ? “ના.ના. મારૂં મન જરાય નથી માનતું. તું શાંતિ રાખ, આપણે પહેલા ઘરમાં બધે જોઇ લઇએ. કદાચ તારાથી આડાઅવળા મૂકાઇ ગયા હશે. પહેલા સરસ ચાય પી લઇએ પછી જઇએ.” રમેશને લાગ્યું કે સલમાભાભી કંઇક ગડમથલમાં છે પણ પૂછવું યોગ્ય ના લાગ્યું. ચા પીને છૂટા પડ્યા.

રસ્તામાં રહીમ વિચારવા લાગ્યો.શોએબ ખૂબ ખાનદાન છોકરો છે. એ આવું નીચ કામ ના કરે. તો રૂપિયા લીધા કોણે ? ઘરે આવી બધું તપાસી જોયું, કબાટ ,ખાનાં,કેબીનેટ વગેરે પણ પૈસા ન મળ્યા. સલમા રડવા લાગી. “મેં કેટલી કરકસર કરી બચાવ્યા હતા આ રૂપિયા. હાથે કામ કરીને બચાવું છું તાકી કયારેક ખુદા ના કરે કોઇ બિમારી આવે તો સંકટ સમયે આપણને કામ લાગે.આ મહિને હજાર રૂપિયા બચ્યા હતા. ત્રણ મહિના પહેલાં તમને ટાઇફોઇડ થયો હતો ત્યારે આવા બચાવેલા રૂપિયામાં થી તો તમારી દવા,ફળ,ડોક્ટરનો ખર્ચો નીકળ્યો હતો. બોલતાં બોલતાં હીબકાં લેતી હતી સલમા.

રહીમ એક સામાન્ય કારકુન તરીકે નોકરી કરે. ખૂબ સાધારણ પરિસ્થિતિ, ૫ હજાર રૂપિયા નો પગાર.એમાં વહેવાર, તહેવાર,ઉજવણી બધું જ પુરૂં પાડવું પડે.સલમા ખૂબ સમજુ પત્ની. એ હાથે કામ કરે, અંધ સસરાને પ્રેમથી સાચવે. નણંદને ખૂબ સરસ રીતે પરણાવી. સલમા અને રહીમનાં લગ્નને ૧૫ વર્ષ વીતી ગયાં.તેઓ સદાય બધી પરિસ્થિતિમાં ખુશ રહે પણ એક દુઃખ સદાય એમને કોરી ખાય. તેઓને સંતાન ન હતું.સલમાને આ વાતથી દિલમાં અધૂરાપણું લાગે. મનમાં માતૃત્વની ઝંખના સળવળતી રહે. ઘણી બધી મન્નત માની, ઘણા બધા ત્યાગ કર્યા ખુદાને રીઝવવા. પણ જાણે એની કોખ સૂની રાખવાનું વિધાતાએ નક્કી કરી લીધું હતું. રહીમને રૂપિયા ગયા,એનું દુઃખ તો ખૂબ થયું, પરંતુ વિશેષ દુઃખ એ થયું કે સલમા ખૂબ રડશે, કેટલો જીવ બાળશે ?એ પૈસા જમા કરતી તો પણ મારાને અબ્બા માટે જ ને ? આવી સ્ત્રીની આંખનું એક આંસુ લાખ લાખ નિસાસાભર્યુ હોય. રહીમ આ ઉદાસ ચહેરે નોકરીએ ગયો. આ બાજુ રમેશ અને ચારૂ ખૂબ પરેશાન હતા. “એવું શું થયું કે સલમાભાભી આમ હાંફળાં-ફાંફળાં આવ્યાં હતાં ? જરૂર કંઇક મોટી વાત હશે. તમે સ્કૂલ જતાં પહેલા રહીમભાઇને મળતા જજો ને. મનને થોડી શાંતિ થાય.” “હા ચારૂ હું પણ એવું જ વિચારતો હતો. હું એને મળતો જઇશ. અને હા.આજે પોસ્ટનું રીકરીંગ પાકે છે, એ રૂપિયાથી તારા દાગીના છોડાવી લઇશું.” ચારૂની આંખમાં ચમક આવી ગઇ.રમેશ ગયા પછી વિચારે ચઢી ગઇ. રમેશનો એક શેર એને ખૂબ ગમે “ગમ કી ધૂપ, ખુશી કી છાંવ હૈ જિંદગી. રોશન સવેરા ઉદાસી કી શામ હે જિંદગી. જો મિલા ઉસમે બેપનાહ ખુશીયાં સમેટ લો, વરના રોજ નયે જખ્મ દેતી હે જિંદગી.” આ વાત જીવનની ફિલસૂફી રજૂ કરે છે ને? ઠીક ઠીક આવકમાં પણ ખૂબ સરસ રીતે જીવતું આ યુગલ,ખરેખર જિંદગીને ચેલેન્જ કરે છે,એવું કહી શકાય. ઘરમાં ૧૨ વર્ષની અપંગ દીકરીને જીવથી વધુ સાચવી લેતા આ પતિપત્નીએ દીકરીની દવા કે ચાકરીમાં કોઇ કસર ન રાખતા.ઘણા બધા ડોક્ટરોને દેખાડ્યું.જુદા જુદા અભિપ્રાય આવતા.કોઇ કહે ઓપરેશનનો ચાન્સ લેવાય,પણ કોઇ જ ગેરન્ટી નહીં. તો કોઇ ડોક્ટર ફિઝીયોથેરાપી કરાવવની સલાહ આપે.અમુક ડોક્ટરોએ સ્પષ્ટ કહી દીધું કે પથારીમાં સૂતાં સૂતાં જીવન જીવશે આ છોકરી.મા બાપે ઓપરેશન કરાવવાનું નક્કી તો કર્યું પણ રૂપિયા કયાંથી ભેગા થાય ? ચારૂએ એના દાગીના ગીરવે મૂકી દેવા કહ્યું. પણ આપણી પરીનું ઓપરેશન તો કરાવીશું જ. દાગીના નહીં પહેરૂં તો કદાચ આબરૂ જ જશે ને ? પણ મારી લાડલી ચાલતી થશે તો મારૂં જીવન ધન્ય થઇ જશે.આવી રૂપાળી, નમણી દીકરીને પથારીમાં પડ્યા રહેવાનું ?ખૂબ હિમ્મત કરી ઓપરેશન કરાવ્યું પણ જરા પણ ફાયદો ના થયો.દીકરીના માથે હાથ ફેરવતાં ચારૂ મનમાં બોલી પડી “મારી વહાલી,તારી હિમ્મત ને સહનશક્તિને હું સાષ્ટાંગ પ્રણામ કરૂં છું. મારી જ કૂખમાં કોઇ ખામી હશે, જે તું ભોગવે છે. હું તારી ગુનેગાર છું. તારી લાગણી હું તારી માસુમ આંખોમાં જોઇ શકું છું. ભલે તું બોલી નથી શકતી પણ તારા મનની સઘળી વાત આ મા પોતાના હ્ય્દયમાં અનુભવે છે. મને માફ કરજે મારી પરી. મા તરીકે હું કેટલી લાચારી અનુભવું છું, એ કદાચ મારો ઇશ્વર જ જાણે છે.

“ચારૂ ઓ ચારૂ.” આંખના આંસુ લૂછતી વિચારોમાંથી બહાર આવી પ્રત્યુત્તર આપ્યો.“આવી. બોલો શું થયું ?કેમ પાછા આવ્યા ?” “હુ રહીમને મળવા ગયો હતો.એણે બધી વાત કરી સવારની.કહી રમેશે ચારૂને વિગતવાર વાત કહી. ચારૂ, તું સલમાભાભીનો સ્વભાવ જાણે છે ને ? પૈસા ગયા એ બહુ મોટી વાત નથી, પણ એ બચાવેલા પૈસા સાથે એમની લાગણીઓ સંકળાયેલી હતી. હજાર રૂપિયા એવી મોટી રકમ નથી જેનો આટલો શોક મનાવવાય.પણ કોઇ ચોરી જાય એ વધુ દુઃખ થાય, માંગી ને લઇ જાય એના કરતાં.” ચારૂ વિચારમાં પડી ગઇ ચાર પાંચ દિવસ પહેલા સલમા એને બજારમાં મળી ગઇ હતી. એ થોડી ઉદાસ લાગી એટલે સહજભાવથી મારાથી પૂછાઇ ગયુ “શું વાત છે સલમાભાભી.કોઇ મૂંઝવણમાં છો ?” “શું કહુ ચારૂભાભી, આમનો મોતીયો પાકી ગયો છે. ડોક્ટરે તાત્કાલીક ઓપરેશન કરાવવા કહ્યું છે. ભલે સરકારી હોસ્પીટલમાં કરાવી લઇશું. પણ એમને સારૂ ખવડાવીને સ્વસ્થ તો રાખવા જ પડે ને ? શીરો ખવડાવીશ,ફળો ખવડાવીશ.ખૂબ સાચવી લઇશ.પણ એ માનતા જ નથી.આવતા મહીને આવતા મહીને કહીને ટાળ્યા કરે છે.મે એટલા સારૂ જ તો હજાર રૂપિયા બચાવ્યા છે.તાકી હવે પૈસાથી કામ ન અટકે.બસ એ માની જાય એટલે ખુદાની મહેરબાની.” ચારૂએ આશ્વાસન આપતા કહ્યુ,“એમના દોસ્તની વાત તો માનશે જ ને ?અમે મનાવવા આવીશું.” આમ વાત થઇ પછી સીધા આજે મળ્યા રહીમભાઇ ને આવા સમાચાર આપ્યા.હું જ સલમાની વેદના સમજી શકું. કેટલી મહાન છે એ સ્ત્રી. પતિ માટે તો આટલી કરકસર કરી ભેગા કર્યા હતા એ રૂપિયા. “ચારૂ.તું પાછી ક્યા વિચારે ચડી ગઇ? ચલ હવે હું સ્કૂલ તરફ જાઉં? ટીચર મોડા આવે એ કેમ ચાલે ?” બપોરે ચારૂ કામ પતાવી દીકરી પરી સૂઇ ગઇ પછી સલમાને મળવા ગઇ.ઉદાસ સલમા સાથે ઘણી બધી વાત કરી, સાથે ચા પીધી. સલમાને થોડી રાહત લાગી ચારૂના સમજાવ્યા પછી. સલમા વચ્ચે એના સસરાને ચા પણ પીવડાવવા આવી. બન્નેએ ખૂબ વાતો કરી.ચારૂને યાદ આવ્યું કે પરી ઊઠી ગઇ હશે.એની માસૂમ આંખો મને શોધતી હશે.એ ઊભી થઇ ચારૂની રજા લઇ ઘરે ગઇ. દરવાજો ખોલતાં જોયું કે પરી જાગી ગઇ હતી. ચારૂને જોઇને જાણે પૂછતી હતી “મમ્મી તું ક્યાં ગઇ હતી ?”ચારૂ એના માથે હાથ ફેરવતાં બોલી “પરી.આજે સલમા આન્ટીને થોડું સ્મિત આપી આવી. મારી સાથે વાતો કરી એનું મન ઘણું હળવું થયું.સારૂ કર્યુ ને રાજા?” પરીએ ડોકું હલાવી “હા” કહ્યું. સાંજે રહીમ ઘરે ગયો ત્યારે સલમા રસોઇ બનાવતી હતી. રહીમ એની પાસે જઇને બોલ્યો “જો સલમા. જીવ ના બાળીશ. ગયા તો ગયા પૈસા.જેણે લીધા એની પણ કોઇ મજબૂરી જ હશે ને ?” સલમા સ્વસ્થ થઇને બોલી “તમારી વાત સાવ સાચી છે. આજે ચારૂભાભી આવ્યાં હતાં, એ પણ મને આજ સમજાવતાં હતાં. ચાલો કાંઇ નહી.અલ્લાહ સૌનું ભલું કરે.” કહી કામે વળગી ગઇ. રાત્રે સૂતાં પહેલાં ચાદર ઝાપટવા ગાદલું ખસેડ્યું, તો એણે જોયું કે ત્યાં ૫૦૦રૂા.ની બે નોટ પડી હતી.એણે બૂમાબૂમ કરી મૂકી,“મળી ગયા મારા પૈસા. ખુદા તારો લાખ લાખ શુકર માનું છું. અરે રે રૂપિયા અહીંયા મૂકાઇ ગયા હશે ને હું ભૂલકણી કયાં કયાં શોધતી રહી.રબ મને કદીય માફ નહી કરે, મેં શોએબ વિશે કેવું કેવું વિચાર્યુ? મને માફ કર ખુદા.” રહીમ પણ ખુશખુશાલ થઇ ગયો. બન્ને જણા ખુશખબરી આપવા રમેશને ત્યાં ગયા. રમેશ અને ચારૂ પણ અત્યંત ખુશ થયા. “હવે મોતીયાનું ઓપરેશન વેળાસર કરાવી લો રહીમભાઇ.” ચારૂએ ટકોર કરી. અઠવાડિયા પછી ઓપરેશન ની તારીખ આવી. ખૂબ સરસ રીતે ઓપરેશન પતી ગયું. ૧૦ દિવસની રજા લઇ રહીમે ઘરે આરામ કર્યો. સલમાને તો જાણે પોતાની કોઇ ગમતી વસ્તુ મળી ગઇ હોય એટલો આનંદ થયો. પતિને આરામ કરતા જોઇ, એ મનમાં ખુદાનો આભાર માન્યા કરતી. મારી સાચી લાગણીથી ભેગા કરેલા રૂપિયા મારા પતિના સ્વાસ્થ્ય માટે વપરાયા. આમ સમય વીતવા લાગ્યો. ઇદ નજીક આવવાથી સલમાએ ઘરની સફાઇ શરૂ કરી.કબાટમાં એક ડબ્બી જોઇ ને યાદ આવ્યું કે આમાં તો શોએબે આપૅેલ તાવીજ છે. અબ્બાને પહેરાવી દઉં. ડબ્બી ખોલી તો હેબતાઇ ગઇ.તાવીજ સાથે અરે આ પૈસા ? તો પછી પેલા પૈસા કયા ?મને દુઃખી જોઇને રહીમે કોઇ પાસેથી ઉછીના લાવીને મૂકી દીધા હશે. એણે રહીમ ને સોગંદ આપીને સાચુ કહેવા કહ્યું.રહીમે કહ્યું, “સલમા,મેં એવુ કાંઇ જ નથી કર્યુ. આટલું સ્વમાનથી જીવતા આપણે, કોઇ પાસે ઉછીના લઇને આપણા જ મન થી ઊતરી ના જઇએ ?” “તો પછી એ રૂપિયા આવ્યા કયાથી ?” મન અશાંત બની ગયું. શું થયું આ બધું ?કંઇ જ સમજાતુ નથી. અચાનક એના મનમાં કંઇક વિચાર આવ્ય. એ તૈયાર થઇ ચારૂના ઘરે ગઇ.ચારૂ દીકરીને કોળીયા ભરી જમાડતી હતી.સલમા ચારૂના પગે પડી ગઇ.ચારૂ આશ્ચર્ય માં પડી ગઈ. “આ શું કરો છો સલમાભાભી ?” સલમા ત્રૂટક ત્રૂટક સ્વરમાં બોલી, “તમે કઇ માટીના બનેલા છો ?બીજાની મૂંઝવણના માર્ગદર્શક બની પોતે પોતાની મહાનતા છુપાવવો છો ?તમે આ સ્વભાવથી જાણે સુંદર રંગોનું ધનવાન નજરાણું અર્પણ કરો છો.મારા આંસુઓને સમજી મારા પર અમીદૃષ્ટિ પાથરતો તમારો દિવ્યતેજ ફેલાવતો લાગણીશીલ ચહેરો આજે મારા પતિને સ્પષ્ટ દૃષ્ટિ આપી ધન્ય કરી ગયો.તમે ચૂપચાપ પૈસા મૂકીને જતા રહ્યા. ને હું નિગોડી સમજી કે મારા ખોવાયેલા પૈસા મળી ગયા. આજે મારા પોતાના પૈસા મળી જતાં મને ખ્યાલ આવ્યો કે તમે આ મહાન કામ કરી ગયા ને મને અણસાર સુદ્ધાં ના આવા દીધો. માનવતા હજી જીવિત છે.લોકોમાં એ તમે સાબિત કરી બતાવ્યું. સ્ત્રીની મહાનતા કદીય અંકાતી નથી. મહાનતા સુંદર મનનું બાહ્ય સ્વરૂપ જ છે ને ? ધન્ય છે તમારા જેવી સ્ત્રી ને.” કહેતાં કહેતાં હજાર રૂપિયા પાછા આપી નીકળી ગઇ. સલમાના ગયા પછી દીકરી પરી સામે જોઇ ચારૂ બોલી, “જોયું પરી ? સલમા આન્ટી માટે એ હજાર રૂપિયા કેટલા કિંમતી હતા ? રહીમ અંકલનું ઓપરેશન અટકી જાત ને પૈસા ના મળ્યા હોત તો ? હવે તું જ કહે કે જો મેં જઇને હજાર રૂપિયા મૂકી દીધા, તો કઇ મોટી મહાનતા કરી ?એમના વીખરાયેલા સપનાને મેં સમેટ્યું એમા મેં શું મહાનતા કરી? મારી જગ્યા એ તું હોત તો આવું જ કરત ને રાજા?” દીકરીના આંસુથી ઓશીકું ભીંજાઈ ગયું. એ ટગર ટગર એની મમ્મીને જોતી રહી. જાણે મનોમન બોલતી હોય, “મમ્મી તું હંમેશાં તારી કૂખને દોષ દેતી હોય છે ને , મારી આ પરિસ્થિતિ માટે ? આજે મને ગર્વ થાય છે કે હું કેટલી નસીબદાર છુ ,કે આ માના કૂખેથી મેં જન્મ લીધો. બોલ રાજા તુ પણ આવુ જ કરત ને ? જવાબમાં મીઠું મધુર સ્મીત આપી પરી એ ડોકુ હલાવી “હા” કહ્યું. ચારૂએ એને બાથમાં ભીડી લીધી.એના મનને એક અનોખી રાહત મળી.આજે એના પતિએ લખેલી એક શાયરી સાંભરી,

“રીશ્તે બડે નહીં નીભાનેવાલે બડે હોતે હૈ.

ખુશી બડી નહી,દેનેવાલે બડે હોતે હૈ.

જીંદગી તો હર મોડ પર ઇન્સાન કો અજમાતી હૈ.

કુછ પાકર નહી, કુછ ખોકર ભી મુસ્કુરાનેવાલે

બડે હોતે હૈ.”