Brahman Itihas - 2 books and stories free download online pdf in Gujarati

બ્રાહ્મણ ઈતિહાસ (૨)

બ્રાહ્મણ ઇતિહાસ પ્રકરણ ૧માં આપણે પેરેગ્રાફ ૧ થી ૯ જોયા. હવે આગળ.

૧૦) પૌરાણિક કાળના બ્રાહ્મણો:

સત્યયુગના સમયમાં એટલેકે મહાભારતના યુદ્ધની પૂર્વે હજારો વર્ષ પહેલાંથી હિંદુસ્તાનમાં ઉત્તર સંસ્કૃતિનો આરંભ થઈ ગયો હતો. છેક પ્રાચીન કાળમાં પ્રાચીન સરસ્વતી નદીથી સિંધુ નદી સુધીના સુપ્રસિદ્ધ પ્રદેશમાં બ્રાહ્મણોની જ વસ્તી હતી. તેઓના મુખ્ય ધર્મ તો તપશ્ચર્યાનો હતો, છતાં ક્રમે ક્રમે તેઓએ યજ્ઞાદિ કર્મોની પણ યોજના કરી હતી. નદીઓના તટો ઉપર ફળફૂલથી લચી રહેલાં અરણ્યોમાં આશ્રમો બાંધીને અથવા પર્વતોની ગુફાઓમાં માત્ર વલ્કલ ધારણ કરી અને ફળકંદથી ક્ષુધાશાંતિ કરીને તેઓ દેવતત્ત્વ, ઈશ્વરતત્ત્વ અને બ્રહ્મતત્ત્વનું ચિંતવન કરવામાં જ પોતાનું આયુષ્ય ગાળતા. સમાધિ અવસ્થામાં તેઓને જે જે સત્યોની પ્રતીતિ થતી, તે તે સત્યોને તેઓ પોતાની કાવ્ય વાણીમાં અમર કરી ગયા છે. તેથી તેઓ ઋષિઓ અથવા મંત્રદ્રષ્ટાઓ કહેવાય છે. અને તેથી જ તેઓનાં કાવ્યો મંત્રો અથવા વેદજ્ઞાન કહેવાય છે.

વેદકાળના મહાન બ્રાહ્મણો જેઓ ઋષિઓ તરીકે જાણીતા હતા, એમણે આધ્યાત્મિકતાથી ભરપૂર અને વિદ્વતાપૂર્ણ અનેક ગ્રંથોની રચના કરી છે, જેમાં ૪ વેદ, ૪ ઉપવેદ, ૪ બ્રાહ્મણ ગ્રંથ, ૬ આરણ્યક ગ્રંથ, ૧૦૮ ઉપનિષદ, ૬ વેદાંગ અને ૬ દર્શનનો સમાવેશ થાય છે. આ વૈદિક સાહિત્યની રચના પછીના સમયમાં ઋષિઓએ ૧૦૦થી પણ વધારે સ્મૃતિગ્રંથો, ૧૦૦થી પણ વધારે સંહિતાઓ, ૧૮ પુરાણો, ૧૮ ઉપપુરાણો, અનેક સુત્રગ્રંથો, અનેક પ્રાતીશાખ્ય, મહાભારત જેવા ગ્રંથો રચેલા છે. આ બધા જ ગ્રંથો શાસ્ત્રો તરીકે ઓળખાય છે.

આ બધા ગ્રંથોમાં આધ્યાત્મિક જ્ઞાન ઉપરાંત ભૌતિક વિજ્ઞાન, ખગોળ, ભૂગોળ, શિલ્પ, વર્ણાશ્રમ, રાજા અને પ્રજાના ધર્મનાં વર્ણન પણ છે. ઉપરાંત તેમાં બ્રહ્મ, સૃષ્ટિ, ગણિત, તત્વજ્ઞાન, યુદ્ધકલા, નાટ્ય શાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, યોગ, આયુર્વેદ, વાણીજ્ય, કૃષિ, ધનુર્વિદ્યા, નૌકા, વિમાન, દુરસંચાર (તાર -ટેલીગ્રામ), જેવા વિષયોનાં વર્ણન પણ છે.

આ ગ્રંથોનું જ્ઞાન આજે પણ પ્રસ્તુત છે અને મનુષ્યને ઉચ્ચ જીવન જીવવાનું જ્ઞાન અને પ્રેરણા આપતા રહે છે. તેમાંથી કેટલાય ગ્રંથોનું અનેક વિદેશી ભાષાઓમાં ભાષાંતર થયેલું છે અને વિશ્વભરના વિદ્વાનોએ આ ગ્રંથોમાં દર્શાવેલ જ્ઞાન, વિજ્ઞાન અને આધ્યાત્મિકતાની અત્યંત સરાહના કરેલી છે. આ બધા ગ્રંથો અને તેમાં સમાવિષ્ટ જ્ઞાન એ ભારતના બ્રાહ્મણો તરફથી જગતને મોટી સાંસ્કૃતિક ભેટ છે.

બ્રાહ્મણકાળનો અથવા સત્યયુગના કાળનો નિર્ણય કરવા સચોટ પ્રમાણ તો ઉપલબ્ધ સાધન નથી; તોપણ ઋગ્વેદિક ઇંડિઆ નામના ગ્રંથમાં અવિનાશચંદ્ર દાસે દર્શાવ્યું છે કે, ભૂસ્તરના ચતુર્થ યુગ પહેલાં એટલે લગભગ સાડાપાંચ લાખ વર્ષ પહેલાં સપ્તસિંધુ પ્રદેશની ચારે બાજુ મોટા મોટા સમુદ્રો હતા, તે સમયમાં ઋગ્વેદના કેટલાક મંત્રો રચાયા છે. તે ઉપરથી બ્રાહ્મણકાળ ઓછાંમાં ઓછાં સાડાપાંચ લાખ વર્ષો પહેલાં પ્રવર્તતો હતો, એમ તેઓ અનુમાન કરે છે.

આ બ્રાહ્મણકાળમાં અંગિરા, અથર્વ અને ભૃગુ ઋષિઓનાં કુળો મુખ્ય હતાં. અંગિરાના પુત્ર બૃહસ્પતિએ પણિઓનો નાશ કર્યો હતો. વિમદ ઋષિએ પણિઓ પાસેથી અંગિરાઓની ગાયો છોડાવી હતી. નમી આપ્ય ઋષિએ વૃત્રોના સરદાર નમુચિને હરાવીને તેના સો કિલ્લાઓ તોડી નાખ્યા હતા અને તેની રાજધાનીનો નાશ કર્યો હતો. દભીતિએ ધુનિ અને ચુમુરની એક્ત્ર સેનાનો પરાજય કર્યો હતો અને તેઓના ૩૦,૦૦૦ યોદ્ધાઓને રણસંગ્રામમાં કાપી નાખ્યા હતા. એતશ તથા રથે વૃત્રોના ૯૯ કિલ્લાઓ તોડી નાખી તેઓની સેનાનો નાશ કર્યો હતો. ઋજિધાને પિયુઓની સાથે વિગ્રહ થયો હતો. તે વિગ્રહમાં તેણે તેઓનાં કિલ્લાબંધ સો શહેરોનો નાશ કર્યા અને તેઓના સરદાર વૃગંદ સહિત ૫૦,૦૦૦ યોદ્ધાઓને મારી નાખ્યા હતા. અંગિરા ગોત્રના અર્જુનીના પુત્ર કુત્સ ઋષિને તો એક તરફ અસુરોના રાજા શુષ્ણ સાથે નૌકાયુદ્ધ થયું હતું. બીજી તરફ ગાંધર્વો એટલે ગાંધાર દેશના લોકો સાથે તેને લડવું પડ્યું હતું અને ત્રીજી તરફ આર્ય રાજાઓ સાથે પણ તેને અનેક વિગ્રહોમાં ઊતરવું પડ્યું હતું. આ સઘળા વિગ્રહોમાં તેણે વિજયો મેળવ્યા હતા અને એકસંપી કરીને આવેલા રાજાઓને તેણે નમાવ્યા હતા.

પૌરાણિક કાળમાં મહાપ્રતાપી પરશુરામે પૃથ્વીને ૨૧ વાર નક્ષત્રી કરી હતી એવા ઉલ્લેખ શાસ્ત્રોમાં જોવા મળે છે. અર્થાત્ બ્રાહ્મણશ્રેષ્ઠ પરશુરામે જયારે ક્ષત્રિયોનો તાપ અને ત્રાસ બહુ વધી ગયો હતો ત્યારે ૨૧ મોટાં યુધ્ધો લડીને તમામ ક્ષત્રિય રાજાઓને પરાસ્ત કર્યા હતા.

મહાભારત કાળમાં ગુરુ દ્રોણાચાર્ય, ગુરુ કૃપાચાર્ય, અશ્વત્થામા જેવા અનેક મહાશક્તિશાળી બ્રાહ્મણ યોધ્ધાઓ રાજનીતિમાં તેમજ યુદ્ધ દરમ્યાન ઘણો અગત્યનો ભાગ ભજવતા હતા.

આવી અનેક હકીકતો ઉપરથી કહી શકાય કે બ્રાહ્મણકાળમાં બ્રાહ્મણો પાસે વિદ્વતા તો હતી જ, પરંતુ તેની સાથે રાજસત્તા પણ હતી અને બ્રાહ્મણો જ્ઞાન અને શિક્ષણ ઉપરાંત યુદ્ધકલામાં પણ નિપૂર્ણ હતા. તદુપરાંત તે સમયના તપસ્વી બ્રાહ્મણોનાં શરીર પણ એવાં દ્રઢ અને મજબૂત હતાં કે મહર્ષિ દધીચિનાં હાડકાંમાંથી વજ્ર જેવું અમોઘ શસ્ત્ર બનાવવામાં આવ્યું હતું.

પૌરાણિક સમયમાં એટલા બધા ઋષિઓએ પોતાની વિદ્વતા, વીરતા અને કળાકૌશલ્યથી સમાજમાં પ્રભાવ ફેલાવ્યો હતો કે તે બધાનાં નામ લખવામાં તો એક આખો ગ્રંથ જ રચાઈ જાય. તેથી આપણે તેમાંથી થોડાંક જ નામ યાદ કરીશું:

વીરતા:

ભગવાન પરશુરામ, ગુરુ દ્રોણાચાર્ય, અશ્વત્થામા,

આચાર્ય:

મહર્ષિ વશિષ્ઠ (રામ-લક્ષ્મણના ગુરુ), ઋષિ સાંદીપની (કૃષ્ણના ગુરુ), બૃહસ્પતિ (દેવતાઓના ગુરુ), શુક્રાચાર્ય (અસુરોના ગુરુ)

વિદ્વતા:

મહર્ષિ વેદ વ્યાસ, ઋષિ અંગિરા (અગ્નિના સર્જક), મહર્ષિ વસિષ્ઠ, ઋષિ વિશ્વામિત્ર, ઋષિ પરાશર, ઋષિ કશ્યપ, ઋષિ ભારદ્વાજ, ઋષિ ગૌતમ અને ઋષિ જમદગ્નિ (વેદમંત્રોના સર્જક સપ્તર્ષિ), ઋષિ ભૃગુ, ઋષિ અગત્સ્ય, મહાવિદુષી ગાર્ગી, ઋષિ મનુ (મનુસ્મૃતિના રચનાકાર),

વિજ્ઞાન:

ઋષિ પતંજલિ (યોગશાસ્ત્ર), નારદ મુનિ (નાટ્ય શાસ્ત્ર), મહર્ષિ ભૃગુ (જ્યોતિષશાસ્ત્ર), ઋષિ ગૌતમ (ન્યાયશાસ્ત્ર), ઋષિ ચ્યવન (આયુર્વેદ), ઋષિ જૈમિની (તત્વજ્ઞાન), ચરક (મેડિસીન), સુશ્રુત (સર્જરી), પાણિની (વ્યાકરણશાસ્ત્ર),

અન્ય:

ઋષિ દધીચિ (સામર્થ્ય અને સમર્પણ), ભક્ત સુદામા (અજાચક વ્રત અને ભક્તિ),

૧૧) મધ્યકાલીન કાળના બ્રાહ્મણો:

મધ્યકાલીન કાળમાં બ્રાહ્મણોનું પ્રભુત્વ ઘટ્યું હતું, તો પણ સમાજમાં સૌથી વધારે માન બ્રાહ્મણોનું હતું. શિક્ષા અને વિદ્યામાં બધાથી ઊંચા તેઓ જ હતા, તેથી બધા વર્ણોવાળા તેમની પ્રધાનતા માનતા. ઘણાં અગત્યનાં કાર્યો લગભગ બ્રાહ્મણોને માટે જ સુરક્ષિત રહેતાં. તેઓ શાસન કાર્યમાં પણ પૂરતો ભાગ લેતા. પ્રાયઃ મંત્રી અથવા દિવાન પણ બ્રાહ્મણો જ રહેતા અને કોઈ વાર સેનાપતિ પણ બનતા. મૌર્ય યુગમાં આચાર્ય ચાણક્ય પોતાની તેજસ્વી બુદ્ધિ, યુદ્ધકલા, દૂરંદેશી, કુટિલનીતિના જ્ઞાન અને પ્રભાવથી રાજા કરતાં પણ ઊંચું સ્થાન ભોગવતા હતા. મોગલ સમયમાં સેનાપતિ હેમચંદ્રાચાર્ય (હેમુ) પણ બ્રાહ્મણ હતા અને શક્તિશાળી રાજા ગણાતા હતા. અકબરના દરબારનાં નવ રત્નોમાં રાજા બીરબલ. રાજા ટોડરમલ, સંગીત સમ્રાટ તાનસેન વિગેરે પણ બ્રાહ્મણ જ હતા.

ગુર્જર દેશનો પ્રથમ ઉલ્લેખનીય રાજા હરિચંદ્ર બ્રાહ્મણ હતો. મશહુર ચીની મુસાફર યુઆન શ્વાંગ (હ્યુ એન સંગ)ની નોંધ પ્રમાણે ઉજ્જયિનીમાં રાજા બ્રાહ્મણ કુળના હતા. ઉલ્લેખનીય વાત તો એ છે કે દસમી સદીમાં વિધર્મી આક્રમણોનો સામનો કરનાર, મહંમદ ગઝની સામે લડનાર અફઘાનિસ્તાનના શાસકો પણ બ્રાહ્મણ હતા. તદુપરાંત મધ્યયુગમાં અનેક બ્રાહ્મણોએ વિજ્ઞાન, સાહિત્ય અને કળાક્ષેત્રે પણ મોટું યોગદાન આપેલું છે. તેમાંથી યાદ કરીએ કેટલાંક નામ:

રાજકીય:

આચાર્ય ચાણક્ય, હેમચંદ્ર વિક્રમાદિત્ય (સેનાપતિ હેમુ), રાજા બીરબલ, રાજા ટોડરમલ, બાજીરાવ પેશ્વા, માધવરાવ પેશ્વા,

સાહિત્ય:

મહાકવિ કાલીદાસ, કવિ માઘ, દંડી, ભાસ, ભાવભૂતિ, તેનાલીરામ,

સંગીત:

સ્વામી હરિદાસ, (તાનસેનના ગુરુ), સંગીતસમ્રાટ તાનસેન, બૈજુ બાવરા, તાનારીરી,

વિજ્ઞાન:

આર્યભટ્ટ, નાગાર્જુન અને વરાહમિહિર (ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર), બુધાયન અને શ્રીધર (ગણિતશાસ્ત્ર), ભાસ્કરાચાર્ય (ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર અને ગણિતશાસ્ત્ર),

સંત:

આદિ શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, માધવાચાર્ય અને રામાનુજાચાર્ય, સંત જ્ઞાનેશ્વર, સંત એકનાથ, અખંડાનંદ સ્વામી, સમર્થ રામદાસ (શિવાજીના ગુરુ),

ભક્ત કવિ:

સંત તુલશીદાસ, નરશી મહેતા, કવિ પ્રેમાનંદ, દયારામ,

૧૨) અર્વાચીનકાળના બ્રાહ્મણો:

નજીકના ભૂતકાળમાં એટલે કે મરાઠા યુગમાં છત્રપતિ શિવાજીએ તેમના અષ્ટ પ્રધાનમંડળના વડા તરીકે ‘પેશ્વા’ (દિવાન, અમાત્ય)નો હોદ્દો રાખ્યો હતો, જે મુખ્ય પ્રધાન અને મુખ્ય સેનાપતિ જેવો મહત્વનો હોદ્દો હતો. આ હોદ્દા પર પણ બ્રાહ્મણોની વરણી થઇ હતી. કાળક્રમે આ પેશ્વાઓ રાજા બન્યા હતા અને બાજીરાવ પેશ્વા, માધવરાવ પેશ્વા, નાનાસાહેબ પેશ્વા જેવા અનેક બ્રાહ્મણ સરદારોએ ઘણાં વર્ષો સુધી સફળ શાસન કર્યું હતું. બાજીરાવ પેશ્વા તો એટલો બહાદુર લડવૈયો અને કુશળ સેનાપતિ હતો કે તે ૪૨ યુધ્ધો લડ્યો અને તે દરેકમાં વિજયી થયો હતો.

આધુનિક સમયમાં પણ બિહાર અને બંગાળ બાજુના બ્રાહ્મણો લડાયકવૃતિ ધરાવે છે. ઉદાહરણ તરીકે સને ૧૮૪૨માં “બેન્ગાલ આર્મી” નામની લશ્કરની રેજીમેન્ટમાં ૬૭૦૦૦ હિંદુ સૈનિકો હતા, તેમાંથી ૨૫૦૦૦ બ્રાહ્મણ હતા.

પોતાના જ્ઞાન, બુદ્ધિ, ઉચ્ચ શિક્ષણ, વહીવટી ક્ષમતા અને અનુભવના આધારે બ્રાહ્મણો અંગેજ સમય દરમ્યાન અને તે પછી પણ સમાજ પર પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવામાં સફળ રહ્યા હતા. આઝાદી પછીના સમયમાં પણ ઘણા બ્રાહ્મણોએ દેશના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, રાજ્યોના મુખ્યપ્રધાન જેવાં સર્વોચ્ચ સ્થાનો શોભાવ્યાં છે, તેમજ કેન્દ્ર તથા અનેક રાજ્યોમાં પ્રધાનો તરીકે તેમજ ઉચ્ચ સરકારી હોદ્દાઓ પર સફળતાપૂર્વક શાસન પણ કર્યું છે.

જોકે પૌરાણિક કાળની કર્મ આધારિત વર્ણવ્યવસ્થા આધુનિક કાળમાં મહદ્ અંશે ખોરવાઈ ગઈ છે, જેથી બ્રાહ્મણો પોતાનો પરંપરાગત વ્યવસાયો છોડીને અન્ય વ્યવસાયોમાં પરોવાઈ જવા મજબૂર બન્યા છે. ઉપરાંત લોકશાહીનું દૂષણ ગણાય તેવા જાતિવાદ આધારિત રાજકારણના વર્ચસ્વને લીધે અને સમાજમાં ટકાવારીની દ્રષ્ટીએ લઘુમતીમાં હોવાથી (૧૯૩૧ની વસ્તીગણત્રી મુજબ ભારતમાં બ્રાહ્મણોની સંખ્યા કુલ વસ્તીના માત્ર ૪.૩૨% હતી) તેમજ બ્રાહ્મણસમાજ સંગઠિત ના હોવાને લીધે હાલે બ્રાહ્મણો સક્રિય રાજકારણમાં મોટો ભાગ ભજવી શકતા નથી. વળી અમુક સરકારી નીતિઓને લીધે ઉચ્ચ સરકારી હોદ્દાઓ પર પણ બ્રાહ્મણોનું વર્ચસ્વ અત્યારે ઘટી ગયું છે.

હવે આપણે યાદ કરીએ અર્વાચીન કાળના કેટલાક પ્રતિભાશાળી બ્રાહ્મણોને:

૧૮૫૭ના બળવાના આગેવાન:

મંગલ પાંડે, રાણી લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે, નાનાસાહેબ પેશ્વા,

સ્વતંત્ર સેનાની:

લોકમાન્ય ટીળક, સી રાજગોપાલાચારી, ગોવિંદ વલ્લભ પંત, પંડિત મદન મોહન માલવિયા, વીર સાવરકર, ચંદ્રશેખર આઝાદ, રવિશંકર મહારાજ, ગોપાલ કૃષ્ણ ગોખલે, મહાદેવ ગોવિંદ રાનડે, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, જી વી માવલંકર, રાજા રામમોહન રાય,

રાષ્ટ્રપતિ: (કુલ ૬૯ વર્ષમાંથી ૨૨ વર્ષ)

ચક્રવર્તી રાજગોપાલાચારી (ગવર્નર જનરલ), ડો. રાધાકૃષ્ણન્, વી વી ગીરી, શંકર દયાળ શર્મા, પ્રણવ મુખરજી,

વડાપ્રધાન: (કુલ ૬૯ વર્ષમાંથી ૫૦ વર્ષ)

પંડિત જવાહરલાલ નેહરુ, લાલબહાદુર શાસ્ત્રી, ઇન્દિરા ગાંધી, મોરારજીભાઇ દેસાઈ, પી વી નરસિંહરાવ, અટલ બિહારી બાજપાઈ,

સર્વોચ્ચ ભારતરત્ન એવોર્ડ વિભૂષિત: (કુલ ૪૩માંથી ૧૯ બ્રાહ્મણ)

ચક્રવર્તી રાજગોપાલાચારી, જવાહરલાલ નેહરુ, એસ રાધાકૃષ્ણન, ગોવિંદવલ્લભ પંત, લાલબહાદુર શાસ્ત્રી, ઇન્દિરા ગાંધી, મોરારજી દેસાઈ (રાજકીય),

સીવી રામન (ભૌતિકશાસ્ત્ર), એમ વિશ્વેસ્વરૈયા (એન્જીનીયરીંગ), ઘોન્ડો કેશવ કર્વે (સમાજ સુધારક), પાંડુરંગ વામન કાને (સંસ્કૃત વિદ્વાન), વિનોબા ભાવે (ભૂદાન), એમ એસ સુબ્બાલક્ષ્મી (શાસ્ત્રીય સંગીત), પંડિત રવિશંકર (સિતારવાદન), અમર્ત્ય સેન (અર્થશાસ્ત્ર), લતા મંગેશકર (પાર્શ્વસંગીત), ભીમસેન જોશી (શાસ્ત્રીયસંગીત), પ્રો. સી એન આર રાવ (રસાયણશાસ્ત્ર), સચિન તેંડુલકર (ક્રિકેટ).

રાજકીય:

કે બી હેડગેવાર (આર એસ એસના સ્થાપક), નાનાજી દેશમુખ (ભાજપના સ્થાપક), સુષ્મા સ્વરાજ, શીલા દિક્ષિત, કુમાર વિશ્વાસ, ટી એન શેષાન, નીતિન ગડકરી, પ્રમોદ મહાજન, મનોહર જોશી, વિજય બહુગુણા, મણિશંકર ઐયર, રાજેશ પાયલોટ, મુરલી મનોહર જોશી, સીતારામ યેચુરી,

મહિલાઓ:

ઇન્દિરા ગાંધી, સરોજીની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત, જયલલિતા, મમતા બેનરજી, લતા મંગેશકર, સુધામૂર્તિ, સુમિત્રા મહાજન,

સંત:

રામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ, દયાનંદ સરસ્વતી, સ્વામી પ્રભુપાદ (ઇસ્કોન), પાંડુરંગ શાસ્ત્રી, શ્રીરામ શર્મા, સહજાનંદ સ્વામી, યુ જી કૃષ્ણમૂર્તિ, સ્વામી સચ્ચિદાનંદ,

સંગીત:

પંડિત ભીમસેન જોશી, પંડિત રવિશંકર; એમ એસ શુબ્બાલક્ષ્મી, વી ડી આયંગર, પંડિત જસરાજ, શિવકુમાર શર્મા,

કવિ:

રવીન્દ્રનાથ ટાગોર, વીર નર્મદ, ઉમાશંકર જોશી, કવિ દલપતરામ, મહાકવિ નાનાલાલ,

સાહિત્ય:

આર કે નારાયણ, આર કે લક્ષ્મણ, મુનશી પ્રેમચંદ, કનૈયાલાલ મુનશી, ગુણવંતરાય આચાર્ય, નવલરામ મહેતા, જ્યોતીન્દ્ર દવે, ગોવર્ધનરામ ત્રિપાઠી, ધૂમકેતુ, બકુલ ત્રિપાઠી, જીવરામ જોશી, કે કા શાસ્ત્રી, અશોક દવે, વર્ષા અડાલજા, કાજલ ઓઝા વૈદ,

વિજ્ઞાન:

શ્રીનિવાસ રામાનુજમ, સર સી વી રામન, એમ. વિશ્વેશ્વરીયા, શકુંતલાદેવી, યુ આર રાવ, પ્રો. સી એન આર રાવ, રાજા રામન્ના, અમર્ત્યસેન, એસ. ચંદ્રશેખર, ઝંડુ ભટ્ટ.

પ્રોફેશનલ:

રઘુરામ રાજન (આર બી આઈ), નારાયણ મૂર્તિ (ઈન્ફોસીસ), સુંદર પિછાઈ (સીઈઓ, ગુગલ), સત્ય નાદેલા (સીઈઓ, માઈક્રોસોફ્ટ), એન ચંદ્રશેખરન (સીઈઓ, ટી સી એસ), ઇન્દિરા નુઈ (સીઈઓ, પેપ્સી), કે વી કામથ, (આઈ સી આઈ સી આઈ),

ક્રિકેટર:

સચિન તેંદુલકર, સુનીલ ગાવસ્કર, રવિ શાસ્ત્રી, સૌરવ ગાંગુલી, અનિલ કુંબલે, રાહુલ દ્રવિડ, વી વી એસ લક્ષ્મણ, ચંદ્રશેખર, વિનુ માંકડ, જી. વિશ્વનાથ, દિલીપ વેંગસરકર, બાપુ નાડકર્ણી, એમ એલ જયસિંહા, એરાપલ્લી પ્રસન્ના, કીર્તિ આઝાદ, એલ શિવરામકૃષ્ણન, યશપાલ શર્મા, ચેતન શર્મા, કે શ્રીકાંત, અજીત અગરકર, જે શ્રીનાથ, મનોજ પ્રભાકર, રોહીત શર્મા, વેંકટેશ પ્રસાદ, આર અશ્વિન, ઇશાંત શર્મા, દિનેશ કાર્તિક, મુરલી વિજય,

અન્ય રમતવીર:

મેજર ધ્યાનચંદ (હોકી), વિશ્વનાથ આનંદ (ચેસ), રામનાથ કૃષ્ણન (ટેનીસ), રમેશ કૃષ્ણન (ટેનીસ), પ્રકાશ પાદુકોણ (બેડમિન્ટન), યોગેશ્વર દત્ત (કુસ્તી ઓલિમ્પિક મેડાલીસ્ટ),

બોલીવુડ:

જેમિની ગણેશન, અશોકકુમાર, ગુરુદત્ત, સુનીલ દત્ત, મનોજકુમાર, ઉત્તમકુમાર, કમલ હસન, અનંત નાગ, શંકર નાગ, અનંત મહાદેવન, મિથુન ચક્રવર્તી, સતીષ કૌશિક, ગીરીશ કર્નાડ, પરેશ રાવળ, અનુપમ ખેર, અજય દેવગણ, મનોજ બાજપાઈ, સંજય દત્ત, મહેશ ભટ્ટ, કપિલ શર્મા,

હેમા માલિની, માધુરી દિક્ષિત, રેખા, શર્મિલા ટાગોર, રતિ અગ્નિહોત્રી, રાણી મુખરજી, મીનાક્ષી શેષાદ્રી, દીપિકા પાદુકોણ, સુસ્મિતા સેન, વિદ્યા બાલન, સોનાલી બેન્દ્રે, શ્રુતિ હસન, અનુષ્કા શર્મા, પ્રાચી દેસાઈ,

મણીરત્નમ, વિશાલ ભારદ્વાજ, સંજય છેલ, પ્રકાશ ઝા,

કિશોરકુમાર, કુમાર શાનુ, હરીહરન, સુરેશ વાડેકર, શંકર મહાદેવન,

લતા, આશા અને ઉષા મંગેશકર, વાણી જયરામ, ઉષા ઉથ્થુપ,

અન્ય:

કૈલાશ સત્યાર્થી (નોબેલ પ્રાઈઝ વિનર સામાજીક કાર્યકર), રાકેશ શર્મા (પ્રથમ ભારતીય અવકાશયાત્રી), સોમનાથ શર્મા (સર્વશ્રેષ્ઠ આર્મી એવોર્ડના પ્રથમ વિજેતા), કે વી કેશવ (આર્મી ચીફ), રજત શર્મા, અર્નબ ગોસ્વામી, રાજદીપ સરદેસાઈ,

૧૩) બ્રાહ્મણોનું મહત્વ:

આપણે જોયું કે પૌરાણિક કાળમાં બ્રાહ્મણો સમાજમાં બહુ જ ઊંચું સ્થાન ધરાવતા હતા. તે સમયે બ્રાહ્મણો વિદ્વાન તો હતા જ, સાથે સાથે બહાદુર યોદ્ધા પણ હતા અને કુશળ રાજનીતિજ્ઞ પણ હતા. ઘણી જગ્યાએ બ્રાહ્મણો રાજા પણ હતા અને તે સિવાયની જગ્યાઓમાં તેઓ રાજાઓના ગુરુ હતા, જેથી રાજકાજના દરેક અગત્યના નિર્ણયમાં તેમની સલાહ લેવાતી. ભગવાન પરશુરામ, ગુરુ દ્રોણ, અશ્વત્થામા જેવા અનેક બ્રાહ્મણ યોધ્ધાઓ તેમની વીરતા માટે ખ્યાતનામ હતા. મહર્ષિ ભૃગુ તો એટલા પ્રભાવશાળી હતા કે સાક્ષાત ભગવાન વિષ્ણુની છાતીમાં તેમણે પગથી પ્રહાર કર્યો ત્યારે સ્વયં વિષ્ણુએ તેમની માફી માગતાં કહ્યું હતું કે મારી કઠોર છાતી વડે આપના નાજૂક પગને ઈજા પહોંચી હશે તે બદલ હું આપની માફી માગું છું. તે સમયમાં આવો હતો બ્રાહ્મણોનો પ્રભાવ.

પરંતુ સમયનું ચક્ર ક્યારેય સ્થિર રહેતું નથી પણ હમેશાં ફરતું જ રહે છે. ચક્રના જે પાસા ઉપર હોય તેમને નીચે આવવું જ પડે છે અને નીચેના પાસા ઉપર તરફ ગતિ કરે છે. તે મુજબ મધ્યકાલીન યુગમાં બ્રાહ્મણોનો પ્રભાવ ઓસરવા લાગ્યો હતો. એક તો જૈન અને બૌદ્ધ ધર્મની સ્થાપના અને પ્રચારથી અને વિદેશી આક્રમણખોરોને લીધે હિંદુ ધર્મનો પ્રભાવ ઘટ્યો. બીજું વર્ણવ્યવસ્થામાં રૂઢીચુસ્તતા વધવાથી સમાજના જુદા જુદા ઘટકો વચ્ચે તણાવ વધ્યો અને સનાતન ધર્મ સમાજનો પીડિત અને શોષિત વર્ગ બીજા ધર્મો અને સંપ્રદાયો તરફ વળ્યો, જેવા કે જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, વૈષ્ણવ સંપ્રદાય, કબીર પંથ, શીખ ધર્મ, વિગેરે. આ બધા ધર્મ અને સંપ્રદાયમાં બ્રાહ્મણોનું અસ્તિત્વ જ નહોતું. ત્રીજું બ્રાહ્મણોએ સમાજને વેદ (પરમેશ્વર દ્વારા અપાયેલ જ્ઞાન) આધારિત આધ્યાત્મિકતાને બદલે પુરાણો જેવાં મનુષ્યો દ્વારા રચાયેલાં શાસ્ત્રો આધારિત ધાર્મિકતા તરફ એટલેકે કર્મકાંડ તરફ વાળ્યો. તદુપરાંત બ્રાહ્મણોએ સમાજના દરેક વર્ગને ધર્મ અને ધાર્મિક ક્રિયાઓનું જ્ઞાન આપવાને બદલે આ દરેક વિધિઓ પોતાને જ હસ્તક રાખી. કર્મકાંડ આધારિત ધર્મની આ વિચારસરણી કાળક્રમે વિજ્ઞાન આધારિત પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ સામે ટકી શકી નહીં, જેને લીધે સનાતન ધર્મ નબળો પડતો ગયો અને બ્રાહ્મણોનો પ્રભાવ પણ ઘટતો ગયો.

જો કે આ મધ્યકાલીન સમયમાં પણ કેટલીક જગ્યાએ બ્રાહ્મણો રાજા તરીકે શાસન કરતા હતા અને કેટલાક રાજાના ગુરુ, મંત્રી, દિવાન, સેનાપતિ અથવા સલાહકાર તરીકે પણ બ્રાહ્મણો હતા, વળી આ જ સમયમાં આદિ શંકરાચાર્યે સનાતન ધર્મને ફરીથી નવપલ્લવિત કર્યો. આમ મધ્યકાલીન યુગમાં બ્રાહ્મણોનો પ્રભાવ ઘટ્યો હતો, છતાં પણ તેઓ સમાજનું એક મહત્વનું અંગ બની રહ્યા હતા.

પરંતુ અર્વાચીનયુગમાં ક્રૂર કાળની થપાટોથી બ્રાહ્મણોની પડતી વધુ તિવ્ર બની અને તેમણે સમાજમાં પોતાનો પ્રભાવ ગુમાવ્યો. એટલું જ નહીં, તેમને પોતાના પરંપરાગત વ્યવસાયો છોડીને અન્ય વ્યવસાયો તરફ વળવાની ફરજ પણ પડી. બ્રાહ્મણો તેમની ધરોહર ગણાય તેવી વૈદિક સંસ્કૃતિથી મધ્યકાલીન સમયથી જ વિમુખ થતા ગયા હતા અને આધુનિક કાળમાં વિજ્ઞાન આધારિત પશ્ચિમી સંસ્કૃતિઓના આક્રમણથી તેમનો પ્રભાવ સાવ સમાપ્ત થઇ ગયો.

જો કે આ કપરા સમયમાં પણ ઘણા બ્રાહ્મણો પોતાના ભવ્ય પ્રભાવી ભૂતકાળના ચમકારા બતાવી શક્યા છે, જેમ કે ૧૮૫૭ના બળવાના મુખ્ય સરદારોમાં મોટા ભાગના સરદારો જેવા કે બળવાની શરૂઆત કરનાર મંગલ પાંડે, છેલ્લા પેશ્વા નાનાસાહેબ પેશ્વા, તાત્યા ટોપે અને રાણી લક્ષ્મીબાઈ તમામ બ્રાહ્મણ હતા. જો કે અંગ્રેજોની ચાલાકી અને દેશી લોકોમાં સંગઠન, નિર્ણયશક્તિ અને યોગ્ય વ્યૂહરચનાના અભાવથી આ બળવો નિષ્ફળ ગયો. પરંતુ જો આ બળવો સફળ થયો હોત, તો આપણા દેશનો ઈતિહાસ અત્યારે ઘણો જ જુદો હોત અને બ્રાહ્મણો પોતાનું વર્ચસ્વ ફરી પ્રસ્થાપિત કરી શક્યા હોત. પરંતુ કદાચ તે કુદરતને મંજુર નહોતું.

તે પછીના સમયમાં એટલે કે આઝાદી ચળવળમાં અને તે પછી પણ અનેક બ્રાહ્મણ નેતાઓ અને બ્રાહ્મણ સમાજસુધારકોએ દેશની આઝાદીની ચળવળ, દેશનો વહીવટ અને વિકાસમાં ઘણો અગત્યનો ભાગ ભજવ્યો છે. બ્રાહ્મણો દેશની કુલ વસ્તીના ૫%થી પણ ઓછું સંખ્યાબળ ધરાવે છે, પરંતુ દેશનું સર્વસત્તાધીશ વડાપ્રધાનપદ અત્યાર સુધીમાં ૭ બ્રાહ્મણોએ સંભાળ્યું છે અને તે પણ કુલ ૫૦ વર્ષો સુધી (આઝાદીથી અત્યાર સુધીનાં કુલ ૬૯ વર્ષમાંથી). તે જ રીતે દેશનું સર્વોચ્ચ બંધારણીયપદ ગણાતું રાષ્ટ્રપતિપદ અત્યાર સુધીમાં ૫ બ્રાહ્મણોએ કુલ ૨૨ વર્ષ માટે શોભાવ્યું છે. તદુપરાંત અસંખ્ય બ્રાહ્મણોએ કેન્દ્રીય પ્રધાનપદ, મુખ્યપ્રધાનપદ, રાજ્યોનાં પ્રધાનપદ તેમજ ઉચ્ચ સરકારી હોદ્દાઓ સંભાળ્યા છે. આમ આધુનિક સમયમાં પણ બ્રાહ્મણો પાસે સત્તા ઘણો વખત રહી છે.

બ્રાહ્મણો હંમેશાં સત્તાની આટલી નજીક રહ્યા હોવા છતાં તેને લીધે બ્રાહ્મણસમાજને કે સામાન્ય બ્રાહ્મણવર્ગને કોઈ લાભ થયેલો જણાતો નથી. આપણે તાજેતરમાં જ અનુભવ્યું છે કે અખિલેશ યાદવ યુપીના મુખ્યપ્રધાન બન્યા ત્યારથી યુપીમાં વસતો દરેક યાદવ પોતે જ મુખ્યપ્રધાન બની ગયો હોય તેમ વર્તવા મંડ્યો છે. પરંતુ જયારે કોઈ બ્રાહ્મણ મુખ્યપ્રધાન તો ઠીક, વડાપ્રધાન પણ બની જાય તો દેશના મોટા ભાગના બ્રાહ્મણોને તો કદાચ ખબર જ નથી હોતી કે તે વ્યક્તિ પોતાના સમાજનો માણસ એટલે કે બ્રાહ્મણ છે!

એક લોકવાયકા મુજબ કહેવાય છે કે બ્રાહ્મણની આંખમાં ઝેર હોય છે, અર્થાત્ એક બ્રાહ્મણની પ્રગતિ બીજો બ્રાહ્મણ સહન કરી શકતો નથી. એટલા માટે બ્રાહ્મણો એકબીજાને મદદ કરવાને બદલે નીચે પાડવાની પ્રવૃતિ કરે છે અને તેને લીધે જ બ્રાહ્મણો પ્રગતિ કરી શકતા નથી. પરંતુ આ વાત તદ્દન ખોટી અને મનઘડંત છે. વાસ્તવમાં બ્રાહ્મણ ન્યાયી, આદર્શવાદી અને ઉદાર વિચારસરણી ધરાવતો હોવાથી ‘પોતીકા’ને અયોગ્ય રીતે લાભ આપવા માટે ‘પારકા’ને અન્યાય કરી શકતો નથી.

આ દ્રષ્ટિબિંદુ વધુ સ્પષ્ટ કરીએ. પોતાના મહાન આધ્યાત્મિકતાના વારસાને લીધે બ્રાહ્મણો સંકુચિત વિચારસરણી (પોતાના કુટુંબ કે પોતાના સમાજને જ પ્રાધાન્ય આપવાની માનસિકતા) ધરાવતા નથી. શાસ્ત્રોમાં બ્રાહ્મણોને જે ગુરુમંત્ર આપવામાં આવ્યો છે તે છે सर्वेजनासुखिनो भवन्तु અર્થાત્ બધા જ લોકો સુખી અને સમૃદ્ધ થાઓ તેમજ वसुधैव कुटुम्बकम અર્થાત્ સમગ્ર વિશ્વ એક જ કુટુંબ છે. આમ યુગોપૂર્વેથી બ્રાહ્મણોના જનીન ((જીન્સ)માં સમગ્ર વિશ્વના લોકોના કલ્યાણની ભાવનાનું અમૃત રેડવામાં આવ્યું છે, તો હવે બ્રાહ્મણ કઈ રીતે સ્વાર્થી અને સંકુચિત બની શકે ! એટલા માટે બ્રાહ્મણ જયારે કોઈ ઉચ્ચપદ સંભાળે છે, ત્યારે તે પદની ગરિમાને કાયમ રાખીને સમાજના બધા વર્ગોના ઉત્કર્ષ માટે કાર્ય કરે છે. આમ પોતાના ઉચ્ચ અને આદર્શ વિચારોને લીધે બ્રાહ્મણ પોતાના કુટુંબ કે સમાજ (બ્રાહ્મણસમાજ)ને પ્રાધાન્ય આપવાનો ખ્યાલ છોડીને સમગ્ર સમાજ અને દેશનો વિચાર પહેલાં કરે છે.

૧૪) બ્રાહ્મણોનું ભવિષ્ય:

આપણે જોયું કે દેશ અને સમાજના રાજકીય, શૈક્ષણિક, બૌદ્ધિક, સામાજીક, સાંસ્કૃતિક, ધાર્મિક અને આધ્યાત્મિક વિકાસમાં અગણિત બ્રાહ્મણોએ મહામૂલું યોગદાન આપેલું છે. જો કે આદિકાળથી બ્રાહ્મણો વિરક્ત હોવાને કારણે ધન કે સત્તાથી દૂર રહેતા આવ્યા છે. પણ તેને બ્રાહ્મણોની અક્ષમતા કે કમજોરી સમજવી એ ભૂલભરેલું છે. બ્રાહ્મણો રાજાને ધર્મના માર્ગે ચાલવા માટે નિર્દેશો આપતા જ આવ્યા છે અને જરૂર જણાયે રાજાને પણ દંડ આપવા બ્રાહ્મણો સમર્થ રહ્યા છે. ભગવાન પરશુરામ, ગુરુ દ્રોણ અને આચાર્ય ચાણક્ય જેવાં કેટલાંય ઉદાહરણ ઇતિહાસમાં મોજૂદ છે, જેમણે રાજાઓને પાઠ ભણાવ્યા છે, પરંતુ સત્તા લાલસા રાખી નથી. આધુનિક સમયમાં પણ બ્રાહ્મણોએ દેશનાં સર્વોચ્ચ સ્થાનો સફળતાપૂર્વક શોભાવ્યાં છે. તેથી સમયની માંગ પ્રમાણે જો બ્રાહ્મણો જ્ઞાતિ અને પેટાજ્ઞાતિના ભેદભાવ ભુલાવીને સંગઠિત થાય, તો પોતાના જ્ઞાન, શિક્ષણ અને અનુભવના વારસાના આધારે સમાજમાં પોતાનું ગુમાવેલું વર્ચસ્વ ફરી પ્રાપ્ત કરી શકે છે.