Dubata Suraje lavyu Prabhat - 8 books and stories free download online pdf in Gujarati

ડૂબતા સૂરજે લાવ્યું પ્રભાત - 8

( ગયા ભાગમાં આપણે જોયું કે સ્વર્ણિમ શુભાંગીની દેવીના ઘરમાં પ્રવેશવા નિષ્ઠા સાથે લગ્ન કરવાની હા પાડી દે છે. અને નિત્યાના જીવનમાં નિરાશાના વાદળો છવાઈ જાય છે. બીજે દિવસે નિષ્ઠાનું ઘર જોવા સ્વર્ણિમ પ્રવેશે છે નિષ્ઠાના આગ્રહથી નિત્યા પણ ત્યાં આવી હોય છે. જેવો સ્વર્ણિમ ઘરમાં પ્રવેશે છે ત્યાં અચાનક સોનાનો નકશી ઘડો પડે છે અને આખા ઘરમાં સોનાના સિક્કાનો રણકાર ગુંજી ઉઠે છે હવે આગળ ....)


સોનાના સિક્કા ભરેલો ઘડો પડી જતાં બધાનું ધ્યાન એના પર ગયું. એ ઘડો ક્યાંથી કોઈના હાથમાં આવ્યો! અને તૂટી ગયો એજ શુભાંગીની ને સમજાતું નહોતું. નિત્યા, નિષ્ઠા અને સ્વર્ણિમ ત્રણેયનું ધ્યાન એના પર ગયું. " મમ્મી આ ઘડો કેવો! અને એમાંથી આટલા સોનાના સિક્કા ક્યાંથી પડ્યા! પહેલા તો આવો ઘડો ક્યાય નથી જોયો!" નિષ્ઠાએ આશ્ચર્યથી શુભાંગીની દેવીને પૂછ્યું. શુભાંગીની દેવી સહેજ વાર મૂંઝાઈ ગયા,પણ પછી સ્વસ્થ બની બોલ્યા, " અરે! આ ઘડો તો મેં વરસો પહેલાં આપણી કન્યાશાળા માટે દાન તરીકે રાખ્યો હતો, પણ ખરા સમયેજ મળ્યો નહોતો! અને આજે મળ્યો!" " તો તો મમ્મી સ્વર્ણિમના પગલા કેટલા શુભ કહેવાય નહીં! એમના પગલાં પડતાં જ આટલું સારું કામ થઈ ગયું" નિષ્ઠાએ કહ્યું. "હા બેટા! ખરી વાત છે તારી, શુભાંગીની એ સ્વર્ણિમ સામે જોઈ કહ્યું." " ના નિષ્ઠા હજી સારું કામ થયું નથી. આ ઘડો માં શુભાંગીની એ જે કામ માટે રાખ્યો હતો, એ તો પૂરું થવા દે!ચાલ હમણાં જ આ ઘડો કન્યાશાળામાં પહોંચાડી દઈએ! " સ્વર્ણિમે શુભાંગીની સામે જોઈ વ્યંગમાં હસ્યુ.શુભાંગીની ને એમ હતું કે પછી ગમે તેમ કરીને ઘડાના સિક્કાનો બંદોબસ્ત કરી લેશે પણ સ્વર્ણિમે તો તાત્કાલિક એનો નિકાલ જ કરાવી દીધો! " હા ખૂબ સારો વિચાર છે નઈ નિત્યા? પણ સ્વર્ણિમ એમાં આપણે જવાની જરૂર નથી! હું હમણાં જ ટ્રસ્ટી ને બોલાવી પહોંચાડી દઉં છું.બરાબર ને મમ્મી?" નિષ્ઠાએ કહ્યું. " હા, હા એમા મને શું વાંધો હોય!?" શુભાંગીની એ કચવાટથી કહ્યું.શુભાંગીની સ્વર્ણિમ સામે જોઈ રહી. એને ગુસ્સો આવ્યો પણ એ કઈ કરી શકે એમ નહોતી એટલે છેવટે ત્યાંથી એના કક્ષમાં જતી રહી. " નિત્યા, તું સ્વર્ણિમને ઘર બતાવ હું ટ્રસ્ટી સાહેબ સાથે વાત કરી હમણાં આવું છું. " કહી નિષ્ઠા જતી રહી. છેવટે નિત્યા અને સ્વર્ણિમ દીવાન ખંડમાં એકલા રહ્યા. બંનેની નજર ઘડીભર મળી, સ્થિર રહી. પણ છેવટે નિત્યાએ નજર ફેરવી લીધી. નિત્યાને હજી પણ સમજાતું નહોતું કે સ્વર્ણિમે તેની જોડે આવું કેમ કર્યું! શું એની સાથેનો પ્રેમ એ બધું નાટક હતું.? એ હજી પણ સ્વર્ણિમને એટલો જ પ્રેમ કરતી હતી. આ તરફ સ્વર્ણિમ પણ નિત્યાને બધું જણાવી દેવા માંગતો હતો પણ એ જાણતો હતો કે નિત્યા માં શુભાંગીની પર આંધળો વિશ્વાસ કરે છે. એટલે એણે મૌન જ રહેવું પડે તેમ હતું. બંને ચાલતા હતા પણ બંનેના મન હજી એકબીજામાં જ સ્થિર હતા. બંનેના મનમાં ઘણું બધું હતું પણ કહેવા માટે શબ્દો નહોતા. નિત્યાની આંખો સહેજ સુજેલી હતી જાણે આખી રાત ગઈ કાલે સૂતી ના હોય એવું લાગતું હતું. નિત્યાએ પોતાના આંસુઓ ખૂબ હિંમતથી રોકી રાખ્યા હતા. તે સ્વર્ણિમને એવું લાગવા દેવા નહોતી માંગતી કે તેને કોઈ ફરક પડ્યો છે. સ્વર્ણિમ એથીય વધારે દુખી હતો કેમ કે એના મનમાં નિત્યાને પોતે આપેલા દુખનો ભાર હતો. છેવટે નિત્યાએ મૌન તોડ્યું અને પૂછી લીધું, "શું તે મને ક્યારેય પ્રેમ નહોતો કર્યો સ્વર્ણિમ!?" સ્વર્ણિમ આ સાંભળી થંભી ગયો. નિત્યાને પણ ખબર ના પડી પોતે આ શું બોલી ગઈ! સ્વર્ણિમે નિત્યા સામે જોયું અને થોડી વાર કઈ બોલ્યો નહીં. એ બોલવા જતો હતો ત્યાં જ અચાનક નિષ્ઠા આવતી દેખાઈ એટલે એ અટકી ગયો અને મૌન જ રહ્યો. " કેવું લાગ્યું ઘર સ્વર્ણિમ? નિત્યાએ કંપની આપી કે પછી કંટાળી ગયા!" નિષ્ઠા હસતા હસતા બોલી. " સરસ છે ઘર!" સ્વર્ણિમે બસ આટલું જ કહ્યું.
" તું જઈને વાત કરી આવીને ટ્રસ્ટમાં? " નિત્યાએ પૂછ્યું. " હા, એ લોકો લઈ પણ ગયા પેલા સિક્કા અને ઘડો. " નિષ્ઠાએ કહ્યું. " સરસ, તો ચાલ હવે હું પણ નીકળું,તું તારા થવા વાળા પતિ જોડે વાતો કર! મારે ઘેર મમ્મીની મદદ કરવાની છે! " કહી નિત્યા જતી રહી. પછી નિષ્ઠા અને સ્વર્ણિમ એના રૂમમાં ગયા. ત્યાં વાતો કરતા કરતા અચાનક સ્વર્ણિમની નજર એક ફોટો પર પડી. તેણે આશ્ચર્યથી પૂછ્યું, "આ નાની છોકરી કોણ છે નિષ્ઠા?" નિષ્ઠા હસીને બોલી " અરે એતો હું છું અને બાજુમાં મમ્મી છે!" સ્વર્ણિમ ને આશ્ચર્ય થયું તે બોલ્યો, " શું?? આ તું છે એ તો ચલ સમજાય છે પણ આ મા શુભાંગીની!!, આટલા સાદગી ભર્યાં વસ્ત્રોમાં, કોઈ આભૂષણ ની ના કોઈ ખાસ પહેરવેશ!. બિલકુલ અલગ જ લાગે છે!" " અરે એ વખતે એમનો આટલો વૈભવ નહોતો. આ ખૂબ જુનો ફોટો છે" નિષ્ઠાએ કહ્યું."અચ્છા, તો બરાબર! નિષ્ઠા આમ પૂછવું તો ના જોઈએ પણ તારા પપ્પા..." સ્વર્ણિમે કહ્યું. નિષ્ઠા આ સાંભળી કઈ બોલી નહીં, થોડી ઉદાસ થઈ. " મને માફ કરજે, નિષ્ઠા.. મારે નહોતું પૂછવું જોઈતું.." કહી સ્વર્ણિમ જવા લાગ્યો પણ ત્યાંજ નિષ્ઠાએ તેને અટકાવી બેસાડયો. ના સ્વર્ણિમ તમને જાણવાનો હક છે. " વાત એમ છે કે પપ્પા હું બહુ નાની હતી ત્યારે જ રક્તપિત થી મૃત્યુ પામ્યા હતા અને ત્યારે અમે પાસેનાં કેશવપુરી નગરમાં હતાં. પપ્પાના મૃત્યુ પછી મમ્મીએ તો જાણે જીવનથી સન્યાસ જ લઈ લીધો હતો. અમે જુદા જુદા નગરમાં ફરતા હતા. પણ પછી અમે કર્ણપુરી આવ્યા. અહીં પણ મમ્મી સાધ્વીની જેમ જ જીવતી હતી. માત્ર ફળાહાર કરતી અને આખો દિવસ માળા અને પૂજાઓ જ કરતી. ધીરે ધીરે લોકોને પણ આ વાતની ખબર પડી કે મમ્મી આવી રીતે જીવે છે તો એ લોકો પણ મમ્મીનો ખૂબ આદર કરવા લાગ્યા. ગામના લોકો મા ભવાની પર ખૂબ વિશ્વાસ કરતા હતા. અને મમ્મી પણ એમનું જ ધ્યાન ધરતી હતી. એક દિવસ મમ્મીએ ગામના લોકોને કહ્યું કે મને કાલે રાત્રે સ્વપ્ન આવ્યું છે કે ગામના પાદર પાસેની જમીનમાં કોઈ દૈવી તત્ત્વ રહેલુ છે. માં ભવાની સ્વયં મારા સ્વપ્નમાં આવ્યા હતા. કેટલાક લોકોએ મમ્મીની વાત પર વિશ્વાસ કરીને ત્યાં ખનન કરાવ્યું. તો સાચે જમીનમાંથી માં ની નાની મૂર્તિ નીકળી.. " નિષ્ઠા બોલી રહી હતી તો સ્વર્ણિમે વચ્ચે અટકાવતા પૂછ્યું," તું તો કહે છે કે માતાજીની નાની મૂર્તિ નીકળી અને આજે મંદિરમાં તો કેટલી વિશાળ અને ભવ્ય મૂર્તિ છે! અને મા શુભાંગીની સાધ્વી જેવા તો નથી લાગતા! " "હા સ્વર્ણિમ થોડી ધીરજ રાખ કહું છું આગળ.. એ મૂર્તિ નીકળતા લોકોનો મમ્મી પરનો વિશ્વાસ શરૂ થયો. પછી નગરમાં નાની દેરી બનાવવામાં આવી અને પેલી ખનન કરતા મળેલી મૂર્તિની સ્થાપના કરવામાં આવી. બધાંના આગ્રહથી મમ્મીએ જ એ સ્થાપના કરી. પણ મા દુર્ગાના અનેકો રૂપોમાંથી આ કયું રૂપ હતું એ કોઈ જાણતું નહોતું એટલે મમ્મીએ એમનું નામ ' શ્રી શકામ્બરી દેવી'રાખ્યું
ત્યારબાદ લોકોને મમ્મીમાં થોડી શ્રદ્ધા બેઠી. કારણકે મમ્મીના કહેવાથી જ આ મૂર્તિ મળી હતી. હજી પણ મમ્મી સાદગીથી જ રહેતી હતી. પછી ધીરે ધીરે મમ્મી પાસે કેટલાક લોકો પોતાની અંગત સમસ્યાઓ લઈને આવવા લાગ્યા અને મમ્મી તેમને સમજાવવા લાગી. અને એક દિવસ મમ્મી અને હું નગર છોડી જતાં હતાં કારણકે અમારે બધાં નગરોમાં ફરવાનું હતું અમે કોઈ એક નગરમાં બહુ ના રહેતા. ગામના લોકોને મમ્મીનું જવું ગમ્યું નહીં પણ અમારું જવું જરૂરી હતું. પણ જેવા અમે નગરમાંથી નીકળ્યા કે નગરમાં ભયાનક આગ લાગી અને ભારે નુકસાન થયું. પણ મા શકામ્બરીની દેરી ને કાંઈ ના થયું. આગ તો થોડી વારમાં શાંત થઈ ગઈ પણ લોકોને એવું જ લાગ્યું કે મમ્મીના જતા રહેવાથી જ આવું થયું. છેવટે લોકો મમ્મીને બોલાવવા અડધે રસ્તે આવ્યા. એમના અતિશય આગ્રહ થી મમ્મી અને હું પાછા આવ્યા અને મમ્મી એ મા શકામ્બરી નું ધ્યાન ધરી આગનું કારણ જણાવ્યું અને વાસ્તવમાં તપાસ કરતા એજ મળ્યું!! બસ ત્યારથી કર્ણપુરીનાં લોકોનો માં પર અતૂટ વિશ્વાસ બેસી ગયો. અને તેમણે મને અને મમ્મીને અહીંજ રોકી લીધા. થોડા દિવસ પછી મનુમામા પણ અમારી જોડે રહેવા આવી ગયા.. મમ્મીએ પોતાનો બધો શ્રેય મા શકામ્બરી ને આપ્યો અને એ દેરી પર લોકોની શ્રદ્ધા વધી ગઈ અને થોડા દિવસોમાં એ દેરીની ભીડ સમાતી નહોતી એટલે મમ્મીની સલાહ અને ઇચ્છાથી પછી ત્યાં એક વિશાળ મંદિર બનાવાનો નિર્ણય લેવાયો. લાખોનું દાન થવા લાગ્યું અને મહા વદ આઠમે મંદિરનો પાયો નખાયો. થોડા દિવસોમાં તો હમણાં છે એ ભવ્ય મંદિર તૈયાર થઈ ગયું અને ચૈત્ર સુદ આઠમ જે મા ભવાનીનો પ્રાગટ્ય દિવસ છે ત્યારે મંદિરનું લોકાર્પણ કરાયું. નગરમાં ઉત્સવ ઉજવાયો. લોકોના મતે આ બધું મમ્મી એટલે કે માં શુભાંગીની ના પ્રતાપે શક્ય બન્યું હતું. એટલે લોકો મમ્મીમાં પણ મા શકામ્બરી વસે છે એમ માનવા લાગ્યા અને મમ્મીએ પણ અનેક વાર એવું સિદ્ધ કર્યું હતું. એટલે લોકોએ મમ્મીના ભગવા વસ્ત્રોનો ત્યાગ કરાવ્યો અને રક્તામ્બર ધારણ કરાવ્યું અને પછી પણ મમ્મીએ અનેક લોકોનું ભલું કર્યું. એકવાર તો એક અપંગને જ સાજો ચાલતો કરી દીધો! તે દિવસથી મમ્મીને પાલખીમાં જ લાવવા લઈ જવામાં આવી. પછી મમ્મીની જવાબદારીઓ વધતા બધો વહીવટ શૈલજા કાકીને સોંપાયો અને આજ સુધી એ વહીવટ કરે છે! પણ એમની ક્યારેય ભૂલ નથી થઈ. અને મા શુભાંગીની એ જે અનેક ટ્રસ્ટ શરૂ કર્યા એ હું સંભાળું છું." નિષ્ઠા છેવટે અટકી. સ્વર્ણિમ ધ્યાનથી બધુ સાંભળી રહ્યો હતો. પછી સ્વર્ણિમ ઘરે જવા રવાના થતો હતો અને નિષ્ઠા તેને મૂકવા દરવાજે જઈ રહી હતી." શું વાત છે, નિષ્ઠા આ ઘરમાં આટલી ચહલ પહલ કેમ છે? શું રોજ જ હોય છે? " સ્વર્ણિમે પૂછ્યું. " ના રોજ આટલી નથી હોતી , એતો પરમદિવસે ચૈત્ર સુદ આઠમ છે એટલે... " " એટલે એજ દિવસ ને જે દિવસે મંદીરની..." " હા એજ દિવસ.. દર 3 વર્ષે એકવાર આ દિવસે મહા ઉત્સવ નું આયોજન થાય છે. મહાયાત્રા નીકળે છે. મહાભોગ ધરાવાય છે! અને ખાસ વાત ખબર છે એ ભોગ મંદીરની બહાર લઈ જઈ શકાતો નથી. એ ત્યાં જ લેવો પડે છે!" નિષ્ઠાએ કીધું.

આ તરફ શુભાંગીની કઈ બીજી જ રમત રમવાની તૈયારીમાં હતી. હજી એ વૈભવીવાળો દિવસ અને ઘટના ભૂલી નહોતી. મનમાં વિચારતી હતી કે શૈલજા તારા લીધે મારે, મારે બધા સામે વૈભવીની માફી માંગવી પડી હતી. બહુ ઉડી રહી છે ને તું, તારા પર કાપવાનો સમય આવી ગયો છે. આજે હું તને જવાબ આપીશ, ના ના હું નઈ આખું ગામ તને જવાબ આપશે!

ચૈત્ર સુદ આઠમનો શંખ ફૂંકાઈ ગયો હતો. સૌ તૈયાર થઈ નવા વસ્ત્રો ઘરેણા પહેરી મંદિરમાં આવી ગયા હતા. માં શકામ્બરીને તો ઘરેણાં અને વસ્ત્રોથી અલૌકિક રીતે શણગારાયા હતા. સૌ ખૂબ ખુશ હતા. ત્યાં જ પાલખી આવતા જયનાદ શરૂ થઈ ગયો. આજેતો શુભાંગીની દેવી વાસ્તવમાં માં દુર્ગાનો અવતાર લાગી રહ્યા હતા. માં શુભાંગીની મંદિરમાં પ્રવેશતા હતા ત્યાં એમના પગલાની ધૂળ લોકો માથે ચઢાવતા હતા. આજે તો વળી નગરયાત્રા હતી. માં શુભાંગીની ને પાલખીને બદલે રથમાં વિરાજમાન કરાયા. રથ ખેંચવા લોકોની પડાપડી થતી હતી. આખા નગરમાં રથ ફરવાનો હતો. શૈલજાએ રથની આગળ ચાલવું પડે તેમ હતું. રસ્તામાં જતા લોકો માં શુભાંગીની પર ફૂલો વરસાવતા હતા. નમન કરતા. માં શુભાંગીની પણ બંને હાથથી ભક્તોને આશીર્વાદ આપતા આગળ વધતા હતા. શૈલજા આ બધું જોઈ ખૂબ દુખી હતી. કેટલો આંધળો વિશ્વાસ કરે છે લોકો આ ડાકણ શુભાંગીની ઉપર, પણ જ્યારે એ વિશ્વાસ તૂટશે ત્યારે!!? છેવટે નગરયાત્રા કરી સંધ્યાકાળે રથ પાછો માં શકામ્બરીના મંદિરે આવ્યો. પરંપરા મુજબ શૈલજાએ મા શુભાંગીની ને રથ પરથી ઉતાર્યા અને મંદિરમાં લઈ ગઈ. શુભાંગીની ની નજર શૈલજા સાથે મળી અને તે વ્યંગ માં હસી, "જો શૈલજા મારો પ્રભાવ રતિભર પણ ઓછો નથી થયો.." શુભાંગીની એ ધીમે રહી કાનમાં કહ્યું. " આ તારો છેલ્લો મહા ઉત્સવ છે શુભાંગીની! મનાવી લે મન ભરીને." શૈલજાએ પણ મક્કમતાથી કહ્યું. " એ તો સમય નક્કી કરશે. અને હા તારી માટે એક.. પેલું શું કહેવાય અંગ્રેજીમાં સરપ્રાઇઝ.. બાકી છે શૈલજા.." કહી હસીને શુભાંગીની આગળ મૂર્તિ પાસે જઈ ઉભી રહી.

-હર્ષિલ શાહ અને અભિષેક ત્રિવેદી