The Master key of life books and stories free download online pdf in Gujarati

ધ માસ્ટર કી ઓફ લાઈફ

“ધ માસ્ટર કી ઓફ લાઈફ” નાં બીજા સોપાનમાં સફળ જિંદગી મેળવવા અથવા તો જિંદગીમાં સફળતા મેળવવા ચાર બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરીશું . મહેનત , જવાબદારી , કાબેલીયત અને પરીસ્થિતિનો સહર્ષ સ્વીકાર. માસ્ટર કીનાં આ ચાર પાસવર્ડ યાદ રાખશો અને જો સમયે તેનો ઉપયોગ કરશો તો અચૂક સફળતા તમારા તરફ દોડતી આવશે . તમને ખ્યાલ છે ને કે, પાસવર્ડ વગર મોલાઈલ પણ ઓપરેટ નથી કરી શકાતો તો પછી આ તો જિંદગીની વાત છે. આવો સમજીએ ...

આજકાલ દરેક માણસને સમૃદ્ધ થવું છે, સફળતા મેળવવી છે પણ તેટલી મહેનત કે જવાબદારી સ્વીકારવી નથી. અરે, નાનામાં નાની જવાબદારીથી પણ તેઓ ખાસ્સા દૂર ભાગે છે. મહેનત અને જવાબદારીથી દૂર થઈને તમે પોતે જ સફળતા અને સમૃદ્ધિથી દૂર જાઓ છો. જવાબદારી ન સ્વીકારવાનું કારણ આપણી અંદર રહેલો આપણો જ પેદા કરેલો છુપો ભય છે. જેમકે,

એ કામ આપણાથી નહીં થાય તો...?

બધા લોકો હાંસી ઉડાવશે,

આમ કહેશે,

તેમ કહેશે,

એનું કામ મારે શા માટે કરવું ?

મને શો ફાયદો ?

બસ, આમ જ આપણે આપણી અંદર રહેલી કાબેલીયતને કે આવડતને દબાવી દઈએ છીએ. જ્યાં સુધી તમે તમારી અંદર રહેલી કાબેલીયતને ઓળખીને બહાર નહીં કાઢો ત્યાં સુધી સફળતા અને સમૃદ્ધિ માત્ર સ્વપ્ન જ બની રહેશે. તમે શું કરી શકો એમ છો એ વાત માત્ર ને માત્ર તમે પોતે જ જાણતા હોવ છો તો તમારી કાબેલિયત નો ઉપયોગ તેમજ કાબેલિયત મુજબની શરૂઆત પણ તમારે જ કરવી પડશે. આખી દુનિયા માંથી કોઈ એક આવશે ને તમારી કાબેલિયતને ઓળખશે ,તમે સફળતાની ટોચે પહોંચાડી દેશે એવી રાહ જોશો તો બેઠા જ રહેશો ,એવું જ કંઈ નહીં થાય અને હા એટલું યાદ રાખજો કે, જ્યાં સુધી તમે તમારી અંદર રહેલા ભયને દૂર નહીં કરો ત્યાં સુધી તમને તમારો ભગવાન પણ કદાચ સફળતા અપાવી નહીં શકે. માટે દરેક પ્રકારના ભયને છોડી કાબેલિયત મુજબ આજે જ અરે, આજે શું અત્યારે જ કામે વળગો ,જવાબદારી સ્વીકારો ...

સફળ વ્યક્તિ એ છે કે જે તેના તરફ ફેંકાયેલા પથ્થરો થી સફળતાની ઈમારતનો મજબુત પાયો ચણી શકે.

ક્યાંક વાંચેલી એક વાર્તા અહીં રજુ કરું છું ,જે આપણને ઘણું બધું સમજાવી જાય છે.

માટીનો કુંજો

ચિનાઈ માટીનો એક સુંદર કુંજો બનાવવાનાં સંકલ્પ સાથે એક કુંભારે માટી કેળવવાનું શરૂ કર્યું. એણે હજુ તો માટીને ગૂંદવાનું શરૂ જ કર્યું હતું ત્યાં જ માટીએ કહ્યું કે, ‘અરે ભાઈ! મને છોડી દે! તારાં આ ઢીંકાપાટું મારાથી જરાય સહન નથી થતાં. કુંભાર હસી પડ્યો.બસ એટલું જ બોલ્યો કે, ‘હજુ નહીં ! હજુ વાર છે !’

થોડી જ વારમાં લાંબી ડોક અને સુંદર આકાર ધરાવતો કુંજો તૈયાર થઇ ગયો. કુંભારે હળવેથી એને ચાકડેથી ઉતાર્યો.પછી તડકામાં સુકવા માટે મૂક્યો. ઉનાળાની કાળઝાળ ગરમી અને બાળી નાખતી લૂનો મારો કૂંજાથી સહન ન થયાં એટલે એણે ફરી એક વખત કુંભારને વિનંતી કરી જોઇ કે,’ભલા માણસ ! તારે હજુ કેટલોક મને મૂકને ? પણ કુંભારનાં હોઠ પર તો ‘હજુ વાર છે.’ ની એક જ વાત હતી. એ તો આટલું કહીને પાછો પોતાના કામે વળગી ગયો.

બરાબર સુકાઈ ગયા પછી કુંજાને રંગ કરવાનું કુંભારે શરૂ કર્યું. રંગની વાસથી કુંજાને ઉબકા આવ્યા, એણે પોતાને ન રંગવાની કુંભારને વિનંતી કરી જોઈ, પણ માને તો કુંભાર શેનો ? કુંજાની વિનંતીઓ માટે જાણે એના કાન બંધ જ થઈ ગયા હતા. કુંજાને બરાબર રંગ થઈ ગયો અને એ રંગ પણ સુકાઈ ગયો ત્યારે કુંભારે આંગણામાં નીંભાડો સળગાવ્યો. બીજા વાસણો ગોઠવી લીધા પછી એણે કુંજાને હાથમાં લીધો ભડભડતા અગ્નિ વચ્ચે એને એ મૂકવા જતો હતો તે વખતે જ કુંજએ મોટી ચીસ પાડી, અરે ભાઈ ! હવે તો હું નહીં જ બચી શકું, આ આગ તો મારું નામનિશાન મિટાવી દેશે. એલા તને જરાય દયા નથી આવતી ? મને છોડી દઈશ તો તારું શું લૂંટાઈ જવાનું હતું ? કોડી દેને બાપ !. આ વખતે કુંભાર હસ્યો નહીં. પૂરી ગંભીરતાથી એણે કુંજાને કહ્યું, ‘ જો, હું તારી સાથે જ છું. તારું બરાબર ધ્યન રાખું છું. અને હું છું ત્યાં સુધી આ આગ તારું નામનિશાન મિટાવી દે તે વાતમાં માલ નથી. પણ તારે આમાંથી પસાર થવાનું જ છે. આ તારી અગ્નિ પરીક્ષા છે.’ દર વખતે હસીને હજુ વાર છે એમ કહેતા કુંભારનાં વર્તનમાં આવેલા પરિવર્તનથી કુંજાને નવાઈ લાગી.એને હિંમત આવી. કુંભાર સામે એક શ્રધ્ધાભરી નજર નાખીને એણે નીંભાડામાં પ્રવેશ કર્યો. બે દિવસ પછી નીંભાડો ઠારી કુંભારે કુંજાને બહાર કાઢયો. એને બરાબર લૂંછી પૉલિશ કરીને પછી એની સામે એણે અરીસો ધર્યો. પોતાનું અતિ સુંદર સ્વરૂપ નિહાળીને કુંજો આનંદથી નાચી ઉઠ્યો. અરે હું આટ્લો સુંદર લાગું છું ? ખરેખર આ હું જ છું ? એવું પણ એનાથી કહેવાય ગયું. આટલા દિવસોમાં પ્રથમ વખત એણે કુંભારનો આભાર માન્યો.

‘ જો, સાંભળ ! હું તને એક વાત યાદ રાખવાનું કહું છું ’. કુંજા પર વ્હાલથી હાથ ફેરવતાં કુંભારે કહ્યું, ‘ હું પણ જાણું જ છું કે ગુંદાવું અને પગ નીચે કચરાવું એ પીડાદાયક હોય છે. ચાકડા પર ફરવું એ પણ મૂંઝવી નાંખતું જ હોય છે. પણ મેં જો એમ ન કર્યું હોત તો તું માટીનો એક લોંદો જ રહી જાત. તડકામાં સુકાવું એ પણ સહેલી વાત નથી. પણ તને સુંકવ્યો ન હોત તો તારામાં તીરાડો પડી જાત. રંગાતી વખતે ઉબકા આવે, નથી રંગાવું એવી ઇચ્છા પણ થઇ આવે, છતાં પણ જો તારી પર રંગ ન ચડાવ્યો હોત તો તું જિંદગીમાં રંગ શું કહેવાય તે વાતથી જ અજાળ્યો રહી જાત. તારાં આજનાં અદ્દભુત રંગરૂપ છે એમાંનું કંઈપણ ન હોત અને તારી નીંભાડાની અગ્નિપરીક્ષા વખતે તો મને પણ તારી ચિંતા થતી હતી કે, ક્યાંક વધુ પડતી ગરમી તને તોડી ન નાખે, પણ કુંજા તરીકેનું વરસોનું સફળ જીવન જીવવા માટે આ અગ્નિપરીક્ષા અનિવાર્ય હોય છે. અને એ પરીક્ષાના ફળ સ્વરૂપે જ તું આજે એક ઉત્તમ કુંજાનું પદ પામી શક્યો છે. તારું આવું અદ્દભુત સ્વરૂપ જ તને બનાવવાની શરૂઆત કરી ત્યારથી જ મારા મનમાં હતું. મારું એ સ્વપ્ન આજે પૂરું થયું છે. હવે જા ! આનંદથી રહે અને તારું કાર્ય કર, કુંભારે એને હળવેકથી એની જગ્યાએ મૂકી દીધો. કુંજાની આંખમાં આંસુ આવી ગયા હતા.

Glucose:- ભગવાન આપણને ચાકડેથી નીંભાડા સુધી સફર કરાવતો હોય છે એ કંઈ કારણ વગર તો નહીં જ હોય ને ?

એની આપેલી બધી કસોટીઓ પાર કરીએ તો જ આપણે સૌ ઉત્તમ કલાકૃતિનું સ્વરૂપ પામી શકીએ. માટે ઈશ્વરે સર્જેલી દરેક પરીસ્થિતિનો સહર્ષ સ્વીકાર કરો.

ચાવી વગરનું તાળું હોતું જ નથી, એવું તાળું કોઈ બનાવતું જ નથી. તેવી જ રીતે જેમાથી માર્ગ ન મળે તેવી પરીસ્થિતિમાં ઈશ્વર આપણને મૂકતો જ નથી. આપણે તો પ્રયત્નપૂર્વક માર્ગ શોધવાનો છે.

મિત્રો અહીં રજુ થતી માસ્ટર કી આપના જીવનમાં કેટલી ઉપયોગી બની તે તેના ઉપયોગ બાદ ફરી અહીં મુલાકાત લઈ આપની કોમેન્ટ્સ દ્વારા જરૂરથી જણાવશો.