×

અ બ્રીફ નોટ અબાઉટ રાઈટર - જર્નલિસ્ટ આશુ પટેલ પત્રકારત્વમાં ત્રણ દાયકાની કરીઅર દરમિયાન આશુ પટેલે 'સમકાલીન', 'સંદેશ', 'મુંબઈ સમાચાર', “યુવદર્શન', “અભિયાન', 'ફેમિના', 'ગુજરાતમિત્ર', ગુજરાત ગાર્ડિયન', “ગુજરાત સમાચાર', “દિવ્ય ભાસ્કર' વગેરે પ્રકાશનોમાં કલમ ચલાવી. તેમણે આ પૈકી અનેક અગ્રણી અખબારોની મુંબઈ આવૃત્તિના સિટી એડિટર અને રેસિડન્ટ એડિટર તરીકે પણ ફરજ બજાવી. આ દરમિયાન તેમણે અનેક નૉવેલ્સ, ડોક્યુ-નોવેલ્સ, રસપ્રદ શ્રેણીઓ તથા સાપ્તાહિક અને દૈનિક કૉલમો લખી. તેમની અનેક નૉંવેલ્સ 'ગુજરાત સમાચાર', 'સંદેશ', 'મુબઈ સમાચાર' અને ‘દિવ્ય ભાસ્કર' જેવા અગ્રણી અખબારોમાં પ્રકાશિત થઈ ચુકી છે. વર્તમાન સમયમાં તેઓ ગુજરાતી ભાષાના પ્રિમિયમ મૅગેઝિન ‘કૉકટેલ ઝિંદગી’ના એડિટર છે. તેઓ ‘મુંબઈ સમાચાર'માં દૈનિક કૉલમ ‘સુખનો પાસવર્ડ' લખી રહ્યા છે જે ખૂબ વાચકપ્રિય બની છે. આ ઉપરાંત તેઓ ‘દિવ્ય ભાસ્કર' દૈનિકમાં સાપ્તાહિક કૉલમ ‘બ્લૅક એન્ડ વ્હાઈટ' પણ લખી રહ્યા છે, તો અમેરિકાના ઈન્ડિયન-અમેરિકન વીકલી ન્યુઝપેપર ‘હાય ઈન્ડિયા’માં, ઓસ્ટ્રેલિયાના ગુજરાતી વીકલી ‘નમસ્કાર’માં અને ન્યુ ઝીલૅન્ડના ગુજરાતી વીકલી ‘આપણું ગુજરાત’માં પણ તેમના લેખો પ્રકાશિત થાય છે. અત્યાર સુધીમાં તેમના 47 પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. ત્રણ દાયકાની જર્નલિઝમ કરીઅર દરમિયાન તેઓ વીસ હજારથી વધુ લેખો-અહેવાલો લખી ચૂક્યા છે. તેમની નોવેલ ‘બાત એક રાત કી’ ભારતના સૌથી વધુ સર્ક્યુલેશન ધરાવતા હિન્દી અખબાર ‘દૈનિક ભાસ્કર’માં દૈનિક ધારાવાહિકરૂપે પ્રકાશિત થઈ હતી. કોઈ પણ ગુજરાતી લેખક કે પત્રકારની નોવેલ હિન્દી અખબારમાં પ્રકાશિત થઈ હોય એવી એ પહેલી ઘટના હતી. ગયા વર્ષે તેમની નોવેલ અગ્રણી ગુજરાતી દૈનિક ‘દિવ્ય ભાસ્કર’માં પ્રકાશિત થઈ ત્યારે ગુજરાતી અખબારોમાં નોવેલ રાઈટિંગ ક્ષેત્રે એક નવો ચીલો પડ્યો હતો. તેમની નોવેલના પાત્રોને જાણીતા ફિલ્મ કલાકારોએ ચહેરા આપ્યા હતા એટલે કે તેમણે આશુ પટેલની નોવેલના પાત્રો માટે મોડેલિંગ કર્યું હતું. આ ઉપરાંત પણ એ નોવેલથી અનેક રેકર્ડ્સ સર્જાયા હતા. એ નોવેલ શરૂ થઈ એ અગાઉ તેના અભૂતપૂર્વ કૅમ્પેઈનને કારણે સર્જાયેલ હાઈપને કારણે અનેક ગુજરાતી ટીવી ચેનલ્સે એમના ન્યુઝ બુલેટિનમાં એ નોવેલ વિશે ન્યુઝ પ્રસારીત કર્યા હતા! એ નોવેલ થોડા સમય અગાઉ પુસ્તકાકારે પ્રકાશિત થઈ. એનું લોકાર્પણ વિખ્યાત યોગગુરુ બાબા રામદેવના હાથે થયું હતું. આશુ પટેલે જાણીતા ફોટો-જર્નલિસ્ટ ફ્રેન્ડ દિલીપ ઠાકર સાથે મળીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર અંગ્રેજી અને ગુજરાતી કોફી ટૅબલ બુક્સ તૈયાર કરી હતી. એ બુક્સનું લૉન્ચિંગ યુનિયન મિનિસ્ટર સ્મ્રુતિ ઈરાની અને પુરુષોત્તમ રુપાલાના હસ્તે સેંકડો સેલિબ્રિટી અને પાવર પીપલની હાજરીમાં મુંબઈના નેસ્કો ઈનડૉર ગ્રાઉન્ડમાં થયું ત્યારે અઢાર હજાર માણસોએ એમાં હાજરી આપી હતી. ભારતમાં કોઈ પણ બુકનું લૉન્ચિંગ આટલા વિશાળ સ્તર પર થયું હોય એવો એ એક માત્ર કિસ્સો છે. આશુ પટેલે પત્રકાર તરીકે અમેરિકા, હોંગકોંગ, મકાઉ, થાઈલૅન્ડ, ચાઈના, દુબઈ સહિત કેટલાય દેશોના પ્રવાસ કર્યા છે. જે પૈકી અનેક દેશોમાં તો તેઓ ત્યાંની સરકારના ગેસ્ટ તરીકે પ્રવાસે ગયા હતા. અમેરિકન સરકારના વિદેશ ખાતાના ખાસ આમંત્રિત મહેમાન તરીકે તેમણે અમેરિકાની મુલાકાત લીધી હતી. એ વખતે તેમને આખા અમેરિકામાં ફરવાની તથા અમેરિકન સંસદસભ્યો અને અમેરિકાના વિદેશ ખાતાના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાતની તક મળી હતી. એ પ્રવાસ દરમિયાન તેમણે અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટી, શિકાગોની મેડિલ સ્કૂલ ઓફ જર્નલિઝમ અને સૅન ફ્રાન્સિસ્કો યુનિવર્સિટીમાં સ્પીચ પણ આપી હતી. આશુ પટેલની અંગ્રેજી નોવેલ “મૅડમ એક્સ' પરથી બોલીવુડના પ્રોમિનન્ટ ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયા હિન્દી ફિલ્મ બનાવી રહ્યા છે. તેઓ અનેક ગુજરાતી-હિન્દી ફિલ્મમાં સ્ક્રિપ્ટ કન્સલ્ટન્ટ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ ડિરેક્ટર તરીકે એક ઍનિમેશન ફિલ્મ બનાવી રહ્યા છે.