Description
શબ્દાવકાશ.. આ એક એવું ગૃપ..કે જેનાં સભ્યો બધા જ તરવરીયા..અને સદા ઉત્સાહસભર જ હોય છે અને એટલે જ કંઇક ને કંઇક કરવાની તાલાવેલી કોઈને ને કોઈને થતી જ રહેતી હોય છે.
આવી જ રીતે અમુક મહિના પહેલા આ ગૃપના ૧૬ સભ્યોને સાથે મળીને એક વાર્તા લખવાનો વિચાર આવ્યો. આવા વિચાર તો બહુ બધાને આવતા હોય છે, પણ આ સભ્યોએ તો નિર્ણય કર્યો કોઈક બોલ્ડ-ટોપિક પર વાર્તા લખવાનો.
તેમના મતાનુસાર ભ્રુણ હત્યા, દહેજ, નાલાયક દીકરો, વૃદ્ધ માબાપની વેદના, વહુની વગોવણી, દીકરીની વાહવાહ..જેવા વિષયો પર તો એટલું બધું લખાઈ ચુક્યું છે, કે આ બધા વિષયો સાવ જ ચવાઈ ચવાઈને ચીલાચાલુ થઇ ગયા છે. અને માટે જ કોઈ એવો વિષય લેવો જોઈએ કે જેની પર બહુ ઓછું લખાયું હોય.
એટલે બધા સભ્યોને કોઈક એવી વેગળી થીમ લઇ આવવાનું કહેવામાં આવ્યું, કે જેમાંથી કોઈ પણ એક થીમ બહુમતીથી પસંદ કરી, તે થીમને વિસ્તારીને તેની પર એક લાંબી વાર્તા લખી શકાય. [થીમ એટલે..સમજો ને એક વાર્તાની એક સાવ જ આછી પાતળી રૂપરેખા..બસ ચાર-પાંચ લાઈનોમાં]
અને બે ચાર દિવસોમાં જ બધા સભ્યો પાસેથી ઘણી રસપ્રદ થીમ્સ આવી. એજ-ડીફરન્સ એટલે કે વય-તફાવત [પ્રૌઢ પુરુષ અને એક કન્યા, કે આધેડ સ્ત્રી અને યુવાન પુરુષનું પ્રેમ-પ્રકરણ), ડેવીશન ઇન સેકસુઅલ-ટેસ્ટ [હોમોસેકસ્યુઆલીટી, લેસ્બિયનીઝમ] અને આવા આવા ઓફ-બીટ વિષયો પર આધારિત કેટલીક થીમ્સ ગૃપ સમક્ષ આવી ગઈ. આ બધી થીમ્સ જેવી આ ગૃપમાં પ્રસ્તુત થઇ, કે તરત જ બધાને એવું લાગ્યું કે આ લેખન-સફર ખુબ જ રસપ્રદ જ રહેવાની.
અંતે જયારે બધાના મત લેવાયા, તો મહત્તમ મત મળ્યા હોય તેવી આ એક થીમ પસંદ થઇ. અને બસ.. તે ક્ષણથી જ જાણે કે થોકબંધ હોમવર્ક મળી ગયું..આ વિષયમાં સંશોધન કરવાનું હોમવર્ક.
પણ ત્યારે જ પાછો ગૃપમાં એક બીજો ય વિચાર રજુ થયો, કે જે આનાથી ય વધુ રસપ્રદ હતો. અને તે એ, કે આ ૧૬ સભ્યો ૮-૮ સભ્યોની બે ટીમમાં વિભાજીત થઇ જાય. અને પછી આ જ પ્લોટ પર બંને ટીમ પોતપોતાની રીતે વાર્તાને આગળ વધારે, કારણ જે પ્લોટ પસંદ કરવામાં આવ્યો હતો તેને એક પાઈલોટ-પ્લોટ જ કહી શકાય તેમ હતો, કે જેમાં ફક્ત એટલી જ સામગ્રી હતી કે જેનાથી ફક્ત પ્રથમ પ્રકરણ જ લખી શકાય. અને પછી વાર્તાને આગળ કેમ વધારવી તે એક પડકાર જ હતો બંને ટીમ માટે. અને માટે જ બધા સોળેસોળ સભ્યોને આ વિચાર ગમી ગયો. એટલે, તે નવા વિચાર અનુસાર અનુસાર બે ટીમ બની ગઈ, Aટીમ અને Bટીમ.
Aટીમની નેતાગીરી સોંપવામાં આવી અશ્વિન મજીઠિયાને, અને Bટીમના લીડર બનાવવામાં આવ્યા હેમલ વૈષ્ણવને, કે જેમણે પોતે જ આ પાઈલોટ પ્લોટ ગૃપમાં રજુ કર્યો હતો. તેમનો પ્લોટ બહુમતીથી પસંદ કરવામાં આવ્યો હતો, એટલે પ્રથમ પ્રકરણ પણ તેમને ભાગે જ લખવાનું આવ્યું.
બે ટીમના બે સિક્રેટ ગૃપ ફેસબુક પર બની ગયા, અને પછી ત્યાં જ બધી ચર્ચાઓ થવા લાગી. એક ટીમના સભ્યોનો બીજી ટીમના ફેસબુક-ગૃપમાં પ્રવેશ વર્જ્ય હતો, એટલે આ લેખન-સફર દરમ્યાન એક ટીમ શું અને કેવું લખે છે, તે બીજી ટીમથી સાવ ખાનગી જ રહેતું. તેમ જ સાથે સાથે ફેસબુક પર ત્રીજુ એક ગૃપ એવું બનાવવામાં આવ્યું, કે જે આ સોળેસોળ સભ્યોનું સહિયારું ગૃપ હતું.
એટલે આ સહિયારા ગૃપમાં કાલાંતરે જયારે જયારે બંને ટીમ પોતપોતાની વાર્તાઓના પ્રકરણ અપલોડ કરતી, ત્યારે ત્યારે બંને ટીમના સભ્યો આશ્ચર્યના આંચકા ખાવા લાગ્યા, કે પોતાની ટીમ જે રીતે વાર્તાને આગળ લઇ ગઈ હતી, તેની કરતા સાવ વેગળા જ પ્રકારે સામેવાળી ટીમે તેને આગળ વધારી હતી.
બંને વાર્તાઓની શરૂઆત ભલે સાવ સરખી હતી, હીરો-હિરોઈન અને અમુક પાત્રો પણ ભલે એકસમાન હતા, છતાં ય આગળ જતા બંને વાર્તાના વાર્તા-તત્વ અને માવજતમાં જમીન-અસમાનનો ફરક હતો.
વાર્તા એક, વહેણ બે નામના આ પ્રોજેક્ટને સફળતાપૂર્વક પૂરો કર્યા બાદ, એ અને બી ટીમના બંને સુત્રધારોએ આ બેઉ વાર્તાઓ ફક્ત ૧૬ સભ્યો પુરતી સીમિત ન રાખતા, તેને માતૃભરતી ના વિશાલ વાંચક-ગણ સમક્ષ રજુ કરવાનું નક્કી કર્યું, કે જેથી વાંચકો પણ તે જ રોમાંચનો આસ્વાદ માણી શકે, કે જે એક સમયે અમે ૧૬ સભ્યોએ માણ્યો હતો.
પહેલા બંને વાર્તાઓના એક -એક પ્રકરણ દર અઠવાડિયે રજુ કરવાનો વિચાર આવ્યો, પણ એક સરખા પાત્રોની બે વાર્તા એક સાથે વાંચતા-વાંચતા, વાંચકોના મનમાં કદાચ બંને વાર્તાઓના પ્લોટની ભેળસેળ થઇ જાય, અને શક્યત: તેઓ મૂંઝાઈ પણ જાય. પરિણામસ્વરૂપે કાળ-ક્રમે તેમની રસ-ક્ષતિ થવાની શક્યતાઓને પણ ધ્યાનમાં રાખવી પડી.
એટલે દર અઠવાડિયે બંને વાર્તાના એક-એક પ્રકરણ રજુ કરવાની બદલે, દર અઠવાડિયે એક જ વાર્તાના બે-બે પ્રકરણ રજુ કરવાનું નક્કી થયું. તે અનુસાર આ એક વાર્તા અઢી અક્ષરનો વહેમ પૂરી થયા બાદ, એ જ વાર્તાની શરૂઆત વાંચકોએ ફરીથી વાંચવાની રહેશે, પણ પછી આ વાર્તાને તિમિર મધ્યે તેજ કરણ ના નામે એક નવી જ દિશામાં વહેતી જોવાનો લ્હાવો પણ વાંચકોને મળતો રહેશે.
તો અત્રે પ્રસ્તુત છે, અશ્વિન મજીઠિયાના નેતૃત્વ હેઠળની Aટીમની વાર્તા અઢી અક્ષરનો વહેમ નું આ પહેલું પ્રકરણ, જેના લેખક છે શ્રી હેમલ વૈષ્ણવ, કે જેઓ Bટીમના નેતા પણ છે.
આ વાર્તા પૂરી થયા બાદ તેમની Bટીમની વાર્તા તિમિર મધ્યે તેજ કિરણ પણ વાંચવાનું ન ચૂકશો, નહીં તો એક અનેરા અદ્ભુત અનુભવથી વંચિત રહી જશો.
આભાર,
[શબ્દાવકાશ ગૃપ વતી],
અશ્વિન મજીઠિયા
હેમલ વૈષ્ણવ