Sundartani samasyaoma salaah books and stories free download online pdf in Gujarati

સુંદરતાની સમસ્યાઓમાં સલાહ

સુંદરતાની સમસ્યાઓમાં સલાહ

મીતલ ઠક્કર

ભાગ-3

* પરસેવો બહુ વળતો હોવાથી મેકઅપ જલદી ખરાબ થઇ જતો હોય તો તૈલીય મેકઅપના સ્થાને પાવડરયુક્ત સૌંદર્ય પ્રસાધનનો ઉપયોગ કરો. દિવસમાં ત્રણ-ચાર વખત ચહેરો ધોશો. તમે એવા સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરો જે ખાસ તૈલીય ત્વચા માટે બનાવવામાં આવ્યા હોય.

* સંવેદનશીલ ત્વચા માટે કુદરતી બ્યુટી પ્રોડક્ટ પ્રભાવકારી છે. ત્વચા પ્રમાણે ઉપચાર કરવો જોઇએ. રૂક્ષ ત્વચા પર યોગ્ય મોઈશ્ચરાઇઝરનો ઉપયોગ ન થતો હોય તો ત્વચાની સંવેદનશીલતા વધી જતી હોય છે. આવામાં એલોવિરા, વીટજર્મ અને મધ જેવા પદાર્થોનો ઉપયોગ કરવો જોઇેએ. વીટજર્મ ઓઇલ બજારમાં ઉપલબ્ધ છે. તે એક સારું એન્ટી ઓક્સીડન્ટ છે. તેમાં ચંદન, લવિંગ, નીલગિરી, હળદર, ફુદીનો, લીમડો વગેરેથી તૈયાર કરેલા ક્રીમ વાપરવા. સ્ક્રબનો ઉપયોગ કરવો નહીં. તેનાથી ત્વચામાં ખીલનું સંક્રમણ ફેલાશે.

* ચહેરા પર ઊગતા વાળ માટે નિષ્ણાતની સલાહ લઇ લેસર થેરપી કરાવી શકો છો. આ ઉપરાંત ઘરગથ્થુ ઉપચાર દ્વારા પણ આ સમસ્યાથી છૂટકારો પામી શકો છો.
બે ચમચા ચણાના લોટમાં ચાર ટીપાં મધ તેમજ થોડુ કાચું દૂધ ભેળવવું. અને મુલાયમ પેસ્ટ બનાવવી. અને ચહેરા પર દસ મિનિટ લગાડી રાખવી. દસ મિનિટ બાદ ભીની આંગળીઓથી આ પેસ્ટ ધીરે ધીરે ચહેરા પરથી દૂર કરવી. નિયમિત આ ઉપચાર કરવાથી ફાયદો થશે.

* લગ્ન સમયે ત્વચા હેલ્ધી લાગે તથા ગ્લો કરે તે માટે પ્રોફેશનલ બ્યુટિશિયન પાસે જ ફેશિયલ કરાવવું. ફેશિયલ હંમેશા સ્કિન ટાઇપને ધ્યાનમાં રાખીને કરાવવું તેમજ તે અનુસાર સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ થવો જોઇએ. જો ત્વચા વધારે પડતી રૂક્ષ અથવા સંવેદનશીલ હોય તો તે રીતે ફેશિયલ કરાવવું જોઇએ. વધારે પડતી ડ્રાય સ્કિન પર સ્ક્રબ તથા સ્ટીમનું પ્રમાણ નહીંવત હોય છે. ત્વચાની કોઇ પણ પ્રકારની ટ્રીટમેન્ટ લેતા હોય તો તે બ્યુટિશિયનને પહેલાંથી જણાવી દેવું. લગ્ન પહેલાં કોઇ અવનવા સૌંદર્ય પ્રસાધનોનો પ્રયોગ કરવો નહીં. જો તે ત્વચાને માફક નહીં આવે તો એલર્જી થવાની શક્યતા રહે છે. સવારે સનસ્ક્રિન અને રાતના મોઇશ્ચરાઇઝિંગ ક્રિમનો ઉપયોગ જરૂર કરવો.

* ત્વચા માટે સુરક્ષા જરૂરી છે. સનસ્ક્રીન અને મોઇશ્ચરાઇઝરથી ત્વચા સુરક્ષિત રાખી શકાય છે. વધુ પડતા તડકાથી ત્વચા પ્રભાવિત થતાં વૃદ્ધ થઇ જાય છે. તડકાને કારણે ત્વચાના આંતર અને બાહ્ય બન્ને પડ પ્રભાવિત થાય છે. તેથી તડકામાં જતી વખતે ત્વચા સંવેદનશીલ તેમજ રૂક્ષ થઇ જાય છે. અને એટલે જ એસપીએફ ૩૦ લગાડવું જરૂરી બને છે.

* પગની એડીની એટલેકે તળિયાની ત્વચા સખત થઇ જવાની સમસ્યામાં તળિયાની ત્વચાને મુલાયમ કરવા સ્નાન પૂર્વે જૈતૂનના તેલથી માલિશ કરવું અને દસ મિનિટ બાદ સ્નાન કરવું. સ્નાન કરતી વખતે સ્ક્રેપરથી ત્વચા ઘસવી, જેથી મૃત ત્વચા નીકળી જશે. પંદર દિવસે બ્યુટી પાર્લરમાં જઇ પેડીક્યોર કરાવવું. ઘરમાં પણ સ્લીપર કે મુલાયમ ચપ્પલ પહેરી રાખશો.

* ડ્રાય હેર થવાના કારણો ઘણા છે. જેમ કે હોર્મોન્સનું પ્રમાણ, હેરડ્રાયરનો વધુ પડતો ઉપયોગ, હિટેડ રોલર્સનો વધુ વપરાશ, હેર કલર્સ અથવા પર્મિંગ. દિવસ દરમિયાન આઠ-નવ ગ્લાસ પાણી પીવું. જેથી શરીરમાંના ઝેરીલા તત્વો બહાર નીકળશે અને વાળ મુલાયમ તથા ચમકીલા થશે. એલોવીરા જેલથી વાળની રુક્ષતા દૂર થાય છે. તેને વાળમાં લગાડી પણ શકો છો અથવા તો એલોવીરાનો એક ગ્લાસ રસ રોજ સવારે પીવાથી વાળ અને શરીર બન્ને મજબૂત થાય છે. બે પાકા કેળાને છૂંદી તેમાં અડધો કપ વલોવેલું દહીં ભેળવી પેસ્ટ બનાવી વાળમાં ૧૫ મિનિટ સુધી લગાડી રાખવી. એ પછી શેમ્પુ કરો. ફાયદો થશે.

* કાંસકા તથા હેરબ્રશ ખરીદતી વખતે થતી મૂંઝવણમાં એક વાતનું ધ્યાન રાખવું કે તેના દાંતા અણીદાર અથવા બહુ સખત ન હોય. નાયલોન બ્રિસલ્સવાળા બ્રશનો ઉપયોગ કરવો નહીં. વાળના પ્રકારને ધ્યાનમાં રાખી બ્રશની પસંદગી કરવી. વાળ જાડા અને સખત હોય તો અડધા નાયલોન અને અડધા કુદરતી દાંતાવાળા બ્રશનો ઉપયોગ કરવો. હળવા મુલાયમ વાળ માટે કુદરતી દાંતાવાળા બ્રશ કે કાંસકાનો ઉપયોગ કરવો.

* ચહેરા પર ખીલના ડાઘ છૂપાવવા માટે ફાઉન્ડેશન કરતાં કંસિલરનો ઉપયોગ કરવો જોઇએ. હળવા હાથે કંસિલર ખીલ પર લગાડવું. ખીલને ઢાંકવા હોય તો આંગળીના ટેરવા પર કંસિલર લઇ ઉપરના ભાગ પર લગાડવું. ખીલને દૂર કરવાના ઉપાયો પણ કરવા. દહીંમા ચણાનો લોટ ભેળવી ચહેરા પર લગાડવાથી ત્વચા મુલાયમ થાય છે તેમજ ખીલમાં ફાયદો કરે છે.

* વાળમાં જૂં પડી ગઇ હોય તો આદુ, લસણ તથા કાંદાનો રસ ભેળવી વાળની જડમાં લગાડવો. એક કલાક બાદ ધોઇ નાખવું. લીમડાનું તેલ પણ ફાયદાકારક નીવડે છે. લીમડાના પાનને ઝીણા વાટી પેસ્ટ બનાવી તેમાં થોડું કોપરેલ ભેળવી ઉકાળવું. ઠંડુ પડે ત્યારે ગાળીને શીશીમાં ભરી રાખવું. સૂતા પહેલાં વાળમાં આ તેલથી માલિશ કરી સવારે ધોઇ નાખવા.

* શિયાળામાં સદાય હોઠ ફાટી જવાની સમસ્યા અનેકને સતાવતી હોય છે. હોઠની સુરક્ષા કાજે તથા તેનું સૌંદર્ય જાળવી રાખવા રાતે સૂતાં પહેલાં તથા સવારે સ્નાન કર્યા બાદ હોઠ પર શુધ્ધ ઘી લગાડવું. ઘીને બદલે મલાઈ પણ લગાડી શકાય. ઘી કે મલાઈને બદલે બજારમાં ઉપલબ્ધ ઊંચી ગુણવત્તાના લિપસ્ટિક લગાડવાથી પણ ફાયદો થશે.

*
ચહેરા પર ખીલ થાય અને તેના ડાઘ પણ રહી જાય એ પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે ખીલને ખોતરવામાં આવ્યા છે. એટલે પહેલાં તો ખીલને સ્પર્શ કરવાનું જ બંધ કરી દેવું. એક ચમચી ચોખાનો લોટ, એક ચમચી લીંબુની છાલનો પાવડર, એક ચમચી જવનો લોટ, એક ચમચી સૂકા લીલા વટાણાનો પાવડરઅને કપૂર ભેળવવું તેમ જ પેસ્ટ બનાવવા તે પ્રમાણમાં ગુલાબ જળ ઉમેરવું. ત્વચા પર સરક્યુલર મુવમેન્ટ (ગોળાકાર)માં સ્ક્રબ કરવું. પસયુક્ત ખીલ પર સ્ક્રબ કે સ્પર્શ કરવું નહીં. ફક્ત ખીલના ડાઘા પર સ્ક્રબ કરવું. નિયમિત કરવાથી અવશ્ય ફાયદો થશે. બાહ્ય કાળજીની સાથે સાથે આંતરિક કાળજી પણ તેટલી જ મહત્ત્વની છે. મીઠાઈ, ચોકલેટ ખાવાનું નહીંવત કરવું. દિવસના ૧૦-૧૫ ગ્લાસ પાણી પીવું. રોજિંદા આહારમાં પાંદડાયુક્ત ભાજી, ફળ તેમ જ સલાડનું પ્રમાણ વધારવું.

* પગની એડીની ફાટેલી ત્વચા પર પીગળેલા મીણમાં મધ ભેળવી લગાડવાથી ચીરા રુઝાય જાય છે. શિયાળાની ઋતુમાં હુંફાળા પાણીમાં ચાર-પાંચ ટીપાં સરસવ તેલના ભેળવી સ્નાન કરવાથી ત્વચા કોમળ મુલાયમ તથા ચમકીલી થશે.

* રુક્ષ ત્વચા માટે આ પેક અસરકારક છે. અડધી ચમચી મધ, એક પાકું કેળું, બેથી ચાર ટીપાં બદામનું શુધ્ધ તેલ, બે ટીપાં ગ્લિસરીન, એક ચમચો ઈંડાની સફેદી અને બે ટીપાં લીંબુનો રસ ભેળવી ચહેરા પર લગાડવું. સુકાઈ ગયા બાદ હુંફાળા પાણીથી ધોઈ નાખવું.

* પાંપણને ઘટ્ટ દેખાડવી હોય તો એક કોટ મસ્કરા લગાડયા પછી આઇશેડોને બ્રશથી ટ્રાન્સલુસન્ટ પાવડર લેશિસ પર લગાડવો. અને એ પછી મસ્કરાનો એક કોટ લગાડવો.
અંતમાં પારદર્શક પાવડર આંખની આસપાસ લગાડવાથી મસ્કરા ફેલાશે નહીં.

* વાળને કલર કરાવ્યા બાદ વાળ રુક્ષ થઇ જાય છે, કેમકે વાળને રંગવા માટેનો રંગ જો ઊચ્ચગુણવત્તાયુક્ત ન હોય તો આડઅસર થઇ શકે છે. તેમજ હળવા રંગથી વાળ રંગવામા આવ્યા હોય તો વાળના પિગમેંટ્શ નાશ પામી શકે છે. વાળ કમજોર થઈ જાય છે. તેથી વાળ ઘેરા રંગથી રંગવા. જ્યારે વાળમાં કાંસકો ફેરવો અથવા તો શેમ્પૂ કરો ત્યારે વાળ ખરવા લાગે છે. વાળને ધોવા માટે હંમેશા હુંફાળા પાણીનો ઉપયોગ કરવો. હેરડાઇ માટે વિશેષ કંડિશનર આવે છે તે વાપરવું. સામાન્ય રીતે હેર ડાઇથી નુકશાન નથી થતું, પરંતુ હેરડાઇમાં રહેલા રસાયણોથી વાળને સુરક્ષિત રાખવા તેની કાળજી વધુ પ્રમાણમાં લેવી પડે છે. જો વાળની કાળજી નિયમિત રીતે લેવાશે તો વાળ રુક્ષ નહીં થાય.

*****