Madhu vani 6 books and stories free download online pdf in Gujarati

મધુ-વાણી - 6

મધુ-વાણી – 6

(છેલ્લું પ્રકરણ)

બાળકીના દૂધ પી લીધા પછી વાણીએ રૂમાલથી નીપલ સાફ કરી, અને બ્રા-ટી શર્ટ નીચા કર્યા. મેં કહ્યું "વાણી, હવે તું જઈ શકે છે." તે મને જ તાકી રહી હતી, કશું બોલી નહિ કે ઉભી થઇ નહિ. મેં ફરી કહ્યું તો તે રડવા લાગી, "મારો તમને ડિસ્ટર્બ કરવાનો કે દુઃખી કરવાનો જરાય ઈરાદો નથી, તમે હંમેશા ખુશ રહેજો, સાચું કહું તો હું કશું આપવા નહિ પણ તમને જોવા જ આવી હતી, તમને બંને ને ખુશ જોઈને મારો થોડો ભાર ઓછો થયો."

"ભાર? શેનો ભાર?"

"કશું નહિ." ને મધુ સામે જોઈને બોલી, "મને તારી સાથે વાત કરવી છે, મારી સાથે નીચે આવ."

મધુએ મારી સામે જોયું, મેં હકારમાં આંખ નમાવી. ને બોલ્યો, "વાત કરીને નીચેથી જ જતી રહેજે, પાછી અહીં આવવાની જરૂર નથી."

"ભલે, પાછી નહિ આવું... જાઉં છું, બંને એક-બીજાનું ધ્યાન રાખજો અને ખુશ રહેજો..." કહીને વાણીએ શોપિંગ બેગ્સ લીધી, પછી દીકરીને ઊંચકી, અને મારી સામે ઉભી રહી, તે રડતી હતી, બોલી "જાઉં છું, હવે ક્યારેય નહિ આવું. મારી દીકરીને તો કિસ કરી શકે ને?? કે મારી જેમ તે પણ અછૂત થઇ ગઈ?"

મેં તેની પાસેથી બાળકીને લીધી, અને તે નિર્દોષ પરીના હળવેથી ગાલ અને હોંઠ ચુમ્યા, મને ડર લાગ્યો કે મારા બરછટ હોંઠથી તે ઢીંગલીના ગાલ ઉઝરડાઈ ન જાય... તેણે પોતાની દીકરી લીધી, મધુએ વાણી પાસેથી લઈને બાળકીને ઊંચકી લીધી, વાણીએ શોપિંગ બેગો ઊંચકી અને બંને જવા લાગ્યા. મેં કહ્યું "વાણી..." તે ઉભી રહી ગઈ અને મારી સામે જોઈ રહી, હું બોલ્યો "કશું નહિ, એક સારી માં બનીને બતાવજે. શું નામ છે, બેબીનું?"

"મધુ."

કહીને તે બહાર જતી રહી. હું અને મધુ એક-બીજા સામે જોઈ રહ્યા હતા, મધુ પણ વાણીની પાછળ જતી રહી. સારું થયું મધુ પણ વાણી સાથે ગઈ, નહીતો મધુની સામે હું રડી શકતો નહિ. લંગડાતો જઈને મોં ધોયું, વાણી એક શોપિંગ બેગ ભૂલી ગઈ હતી, મધુને ફોન કરીને કહી દીધું.

કલાકેક પછી મધુ એકલી આવી, હું આતુરતાથી તેની જ વાટ જોઈ રહ્યો હતો. મધુ ખુરશી ખેંચીને મારી સામે બેસી ગઈ. "શું કહેતી હતી? શું જોઈએ છે? અને આ બેગ લેવા કેમ ના આવી?"

"ફરી કોઈવાર લઇ જશે, સાચવી રાખવાનું કહેતી ગઈ છે." કહીને મધુ ઉઠીને વાણીની શોપિંગ બેગ કબાટમાં મૂકી, અને ફરી મારી સામે બેઠી. "બોલ ને, શું કહ્યું?"

"ઘણું બધું, અને આમ જોઈએ તો કશું નહિ..."

"એટલે? બધી જ વાત કર."

"પોતાની જ વાતો કરી, ખુબ જ દુઃખી છે."

"કેમ? તેની જ પસંદ છે, પ્યાર કરે છે, અને ખાસ તો તેને જે જોઈતું હતું તે પૈસા પણ છે, હવે શું ખૂટે છે?"

"હા, પણ તે કહે છે કે પૈસા સિવાય બીજું કઈં જ નથી. તે સન્તુષ્ટ નથી."

"અમુક વ્યક્તિઓ ક્યારેય સંતુષ્ટ થતી જ નથી, વાણી પણ એવી જ છે."

"હા, તેને બધું જ જોઈએ છે, પૈસા પણ અને તું પણ... હવે તેને તારી ખોટ લાગે છે, હવે તારી કિંમત સમજાઈ.."

"એટલે? તે...? બરાબર બોલ, તે શું ચાહે છે?"

"તેને પૈસા અને બધું તો મળી ગયું, પણ તું નહોતો.. તે પેલામાં તને શોધવા લાગી... તારો પ્રેમ, સમર્પિતતા, દિલેરી, તારી સેન્સ ઓફ હ્યુમર, તારી લાગણીશીલતા, તારું ભોળપણ, બધું જ લૂંટાવી દેવાની હિમ્મત અને મર્દાનગી..... અને તે દર વખતે નિરાશ જ થતી. અને અંતર વધતું જ ગયું, હવે તો બોલવાના પણ સબંધ નથી, કાયદેસર પતિ-પત્ની છે, પણ પેલો પુણે રહે છે અને વાણી વાશી.. ડિલિવરી વખતે પણ તે આવ્યો નહોતો, કે દીકરીને પણ હજુ સુધી જોઈ નથી. ખર્ચ બધો જ આપે છે."

"હવે તેને જોઈએ છે શું?"

"ખબર નથી, અસંબદ્ધ બોલતી હતી, તને છોડીને ખુબ પસ્તાઈ રહી છે, મને સલાહ આપવા લાગી કે તેને તું જરાય દુઃખી ના કરતી, લાખોમાં કોઈક જ તારા જેવા હોય છે, ખુશ રહેજો, તને પ્યાર કરે છે, તું તો તેની પત્ની છે, બાકી તો તેની રખાત તરીકે ઓળખાવામાં પણ ગર્વ થાય એવો છે તું, વગેરે વગેરે બોલી."

મધુની આંખમાં આંસુ હતા, તે આગળ બોલી "મને ડર લાગે છે, મારુ દિલ તારા જેટલું મોટું નથી, તું તારા પ્યારને હસતા મોઢે જવા દીધો, તું જોતો રહ્યો, પણ હું એવી નથી."

કહીને મધુ ખુલીને રડી પડી. મધુને છાતી સાથે ભીંસીને બોલ્યો "તું મને ઓળખતી નથી? દરેક વસ્તુનો એક સમય હોય છે, તે સમયે જો આપણે તેને જવા દઈએ, પછી તે ફરી ક્યારેય આવતી નથી, અને આ જ વાત વાણીએ સમજી લેવાની જરૂર છે. તે બીજાને શું સમજે છે? પ્યાદા? બધા તેની મરજી મુજબ અને તે ચલાવશે તેમ ચાલશે? છોડ, તું દિમાગ ખરાબ ના કર, તને ભરોસો તો છે ને, મારા પર?"

"હા, એટલે જ તો તેણે મને કહી તે રજે રજ વાત તને કરી દીધી."

"છોડ... હવે વાણી આ ઘરમાં આવવી ન જોઈએ, સમજી? તે બેગ મને લાગે છે કે જાણી ને ભૂલી ગઈ છે, કે જેથી લેવાને બહાને ફરી આવી શકાય...ગમે-તેમ, તેની દીકરી ખુબ જ પ્યારી છે, નહિ? અને નામ કેમ મધુ, કયા અધિકારથી રાખ્યું છે? "

મધુ ખીલખીલાટ હસી પડી, ગમે-તેમ તે હસી તે મને ગમ્યું. હસતા હસતા તે બોલી "હા, બહુ જ ક્યૂટ છે, અને અધિકાર? કેમ નામ પર મારો કોપી રાઈટ છે?"

***

બે મહિના પછી આજે સવારથી જ વાણી મને ફોન કરતી હતી, પણ હું ઉપાડતો નથી. મધુને પણ તેના કોલ આવ્યા, તેનેય મેં રિસીવ કરવા દીધો નહિ. હું ડરી રહ્યો છું, મને મારા પર જ વિશ્વાસ નથી, ના, ના.. મારાથી ક્યાંક મધુને અન્યાય ન થઇ જાય. મધુ કશું બોલતી નહોતી, પણ મને ખબર હતી કે તે વાણીના ફોન આવવાને કારણે ખુબ જ ડિસ્ટર્બ હતી. મને તેની ચિંતા હતી, ગમે ત્યારે તેને ડિલિવરી થઇ શકે... હું ઉચાટમાં જ હતો, કામની પણ સમજ પડતી નહોતી. આ રીતે રહેવાય નહિ, હવે ફોન આવશે તો ચોખ્ખી વાત કરી લઈશ.. મધુને પણ કહી દીધું કે હવે ફોન આવે તો મને આપજે.

કોઈએ દરવાજો નોક કર્યો, અમે બંને થડકી ઉઠ્યા, જરૂર વાણી જ હશે.. મધુ મારી સામે જોઈ રહી હતી. મેં બોલ્યો "મધુ જો વાણી હોય તો તેની બેગ આપીને રવાના કર, અંદર બોલાવીશ નહિ."

મધુ કબાટમાંથી વાણીની બેગ કાઢી, અને બેગ લઇ ને જ દરવાજો ખોલ્યો. બહાર એક આધેડ વયની મરાઠી સ્ત્રી ઉભી હતી. તેના એક હાથમાં બાળકી હતી ને બીજામાં મોટી હેન્ડબેગ હતી. મધુને જોતા જ તે બોલી "મધુમેમ?"

"હા, ક્યા કામ હૈ?"

તે કશું બોલી નહિ, ને બાળકી મધુને ઊંચકાવી દીધી, અને હેન્ડબેગ ઉંબરાની અંદર રૂમમાં મૂકી, અને ફોન લગાવીને મધુને આપ્યો, ને બોલી "મેડમસે કહ દો કી બચ્ચી ઔર સામાન મિલ ગયા હૈ."

મધુએ ફોન લીધો, સાંભળ્યું, ને બોલી "હા, પણ વાત સાંભળ..." ને ફોન બંધ કરીને તે સ્ત્રીને આપ્યો, ને બોલી "આપ જાઈએ."

"શું છે આ બધું? આ બાળકી તો વાણીની મધુ લાગે છે.. કેમ અહીં મોકલી છે?"

"કલાક પછી વાણી ફોન કરશે." કહીને મધુએ બાળકીને બેડ પર સુવડાવી. મને કઈ સમજ પડતી નહોતી. મધુ મારી પાસે આવીને બોલી "લાગે છે આજે ભૂકંપ થશે..."

બાળકી, નાની મધુ રડવા લાગી, મધુએ તેને ઊંચકી, બાળકી મોં ખોલીને મધુની છાતી, નીપલ ફંફોસતી હતી. મધુ મારી સામે જોઈને તાડુકી "ભૂખી છે, બેગમાં જો બોટલ મોકલી છે કે નહિ?"

હું એ ઝીપ ખોલીને મોટી બેગ ઉંધી કરીને ઠાલવી દીધી, બોટલ હતી, સાથે તેના કપડાં વગેરે પણ હતા અને એક નાનું બોક્સ પણ પેક કરેલું હતું, પણ તે બધું જોવા હું રોકાયો નહિ, ને બોટલ લઈને કિચનમાં દૂધ ભરવા ગયો. "સહેજ ગરમ કરજે, અને ખાંડ નાખજે.." મધુ બોલી.

હું રૂમમાં આંટા-ફેરા કરી રહ્યો હતો, સમય પસાર થતો જ નહોતો. નાની મધુ સુઈ ગઈ હતી, મધુ બેડ પર તેની પાસે બેઠી હતી. "વાણીને ફોન કરું??"

"ના, તે કરશે..." કહીને મધુએ મને તેની પાસે બેસાડ્યો, ને બોલી "જો, કેટલી પ્યારી છે, નહિ?" હવે મેં ધ્યાનથી નાની મધુને જોઈ, તે ખુબસુરત, તેની માં જેવી જ હતી. મેં ઝૂકીને તેના ગાલ ચુમ્યા, તે ચમકી ગઈ અને રડવા લાગી. "દૂર રહે, તારી દાઢી વાગે છે."

"મધુ કેમ વાણીએ તેને અહીં મોકલી છે? પાછી નહિ લઇ જાય તો?"

"કોઈ માં આવી દીકરીને છોડી શકે? અને નહિ લઇ જાય તો પણ જો તે કાયદેસર બધું લખી આપતી હોય અને આપણને દત્તક આપતી હોય તો આપણે, હું રાખીશ..."

"આપણનેય આવું જ એક બાળક આવવાનું છે..."

"તો? તું છે જ ને... જોડિયા થાય તો આપણે ન રાખીએ?"

"પહેલા મને એમ લાગતું હતું કે હું વાણીને સમજી શક્યો નહતો, હવે મને એમ લાગે છે કે હું તને પણ સમજી શકતો નથી."

"સાત જન્મ પણ ઓછા પડશે... છોડ, વાણી શું કહે છે કે કરવા માંગે છે, તે જાણ્યા પછી વાત..."

રિંગ વાગી, વાણી જ હતી, અમે તેના જ ફોનની રાહ જોઈ રહ્યા હતા. હું સ્પીકર ઓન કરીને બોલ્યો "શું છે આ બધું? છોકરીને અહીં કેમ મોકલી છે?"

"તેનું નામ મધુ છે," અને હસીને વાણી બોલી "તને તકલીફ પડશે, પણ તેને નાની મધુ અને તારી મધુને મોટી મધુ કહેજે, થોડા દિવસમાં ટેવાઈ જઈશ."

"એટલે??"

"તે હવે તમારા બે ની દીકરી છે, હું તેને રાખવા માંગતી નથી."

"નથી રાખવા માંગતી? તો અમે શું કરીએ? અમારી જવાબદારી છે? તેના બાપને આપી દે... પેદા કેમ કરી? ફરજો, લાગણીઓ, વગેરે તો તારાથી જોજનો દૂર છે, અને તેનો બાપ પણ તારા જેવો જ છે?."

"મધુ પણ સાંભળે છે ને? ન સાંભળતી હોય તો સ્પીકર ઓન કર."

"તું એ કહેને કે આ છોકરીનું કરવું શું છે? અમે પોલીસમાં જઈએ?"

વાણી મારા સવાલનો જવાબ આપતી નહોતી, તે બોલતી જ જતી હતી, "છોકરી છોકરી ના કર, તેનું નામ મધુ છે, તેનો બાપ મારા જેવો નથી, પણ હું મધુ તેને આપવા માંગતી નથી, મને વિશ્વાસ નથી.. મારી મધુ સેફ હેન્ડ્સ માં હોવી જોઈએ, અને મારી દીકરી માટે તમે બે કરતા સેફ બીજું કોઈ નથી. તારી, મોટી મધુને પણ હું ઓળખું છું, અને તું તો માં નહિ પણ સવાઈ માં જેવો છે."

હમણાં સુધી મધુ કશું બોલી નહોતી, સાંભળી જ રહી હતી, તે હવે બોલી "વાણી, દીકરી અમને ભળાવી તું આઝાદ, રખડવા માંગે છે, અને નવો શોધીશ? કે બધું છોડીને સન્યાસીની બનવા માંગે છે?"

વાણી હસી પડી, ને બોલી "મધુ, હું સન્યાસ જ લેતી, જો ફરીથી પેરેલાઈઝડ ન થતી તો..."

મારો ગુસ્સો ઉડી ગયો, લાગ્યું કે મારુ ગાળું સુકાઈ રહ્યું છે. "વાણી, શું થયું છે? તું ઠીક તો છે ને?"

"કમરથી નીચે, જમણો પગ પેરેલાઈઝડ છે."

"ક્યારથી? અને તારો પતિ??"

"પંદર દિવસ થયા.. તે પુના છે, અને સાંભળો, હું જઈ રહી છું.. આ ફોન મૂકીને તરત જ હું સ્યુસાઇડ કરવાની છું."

"શું?? વાણી હોશમાં આવ.. એવું ના કર... અને કેમ પણ?"

"મેં સ્યુસાઇડ નોટ લખીને રાખી છે, બધું જ મને જેવું આવડ્યું તેવું લખ્યું છે, કે જેથી તમને કોઈ પ્રોબ્લેમ કે તકલીફ ન થાય.. આત્મહત્યા ક્યારની કરી લેતી, પણ મને મારી દીકરીની ચિંતા હતી, તમે રાખશોને?"

મધુની આંખ પણ ભીની હતી, તે બોલી પડી "હા, હા, અમે રાખીશું, તે અમારી જ દીકરી છે, પણ તું મરવાની વાત ના કર.."

હું પણ બોલ્યો "તું એકલી આઝાદ રહેજે, નાની મધુ અમારી દીકરી છે, તેની તું જરાય ચિંતા ના કર, અને લાઈફ એન્જોય કર..."

"ના, બસ, બહુ થયું.. મને એકલીએ જીવવું નથી.."

મધુ બોલી પડી "વાણી પ્લીસ... તું અહીં આવી જા, અમારી સાથે રહેજે.."

"ઓહો, ઘણું મોટું દિલ છે તારું... પણ મારુ નથી.. મને આખું જ જોઈએ, હું મારી કોઈ વસ્તુ કોઈ સાથે શેર કરતી નથી...મજાક કરું છું, ડાર્લિંગ, પણ મને બચાવવા માટે તું એટલું બોલી તે જ ઘણું છે, ખુબ હિમ્મત અને મોટું દિલ જોઈએ, ખાલી ખાલી કહેવા માટે પણ...મને ખાતરી છે, પણ એકવાર ફરી હું તમારા મોઢે સાંભળવા માંગુ છું, તમે મારી મધુને રાખશોને??"

હું બોલ્યો "હા વાણી, તું જરાય ચિંતા ના કર, તું શાંતિથી રહે.. અમે તને થોડા થોડા દિવસે મળવા પણ આવીશું."

"મળવાનું તો કદાચ આવતા જન્મમાં... મારી દીકરીને તમારા જેવી જ બનાવજો."

"વાણી તું થોભ, આપણે વાત કરી લઈએ, હું ત્યાં આવું છું."

"ના, કોઈ ફાયદો નથી, હું મારો નિર્ણય ફેરવવાની નથી."

"વાણી, હું તને નહિ મરવા દઉં..." કહેતા મારો અવાજ ફાટ્યો. તે હસી પડી, અને બોલી "તું ગમે તેટલી ઝડપ કરે તો પણ દોઢ-બે કલાક વગર અહીં પહોંચી શકે તેમ નથી."

"વાણી વાત કરતી રહે..હમણાં તું ટેંશનમાં છે, પાણી પી, રિલેક્સ થા.. લે મધુથી વાત કર.. હું તારા પતિને ક્યારેય માફ નહિ કરું, તેને લીધે મારી વાણી દુઃખી થઇ છે... જો તે સામે મળશે તો હું તેનું ખૂન કરી નાખીશ..."

"ના, મને તેનો કોઈ વાંક, દોષ દેખાતો નથી. તારી સાથે રહીને મારી અપેક્ષાઓ પુરુષ માટે ખુબ વધારે હતી, હું માનવા લાગી ગઈ હતી કે બધા પુરુષ તારા જેવા જ હોય.. તારા જેવા જ હોવા જોઈએ... બસ, એ કારણે જ હું દુઃખી થઇ છું. છોડ એ બધું.. મારી પાસે મારુ પોતાનું કહી શકાય તેવું જેટલું હતું તે બધું તમને મોકલાવ્યું છે. બે હજારની નોટના ત્રણેક બંડલ છે, અને શોપિંગ બેગ પણ હું ભૂલી નહોતી ગઈ, તેમાં ઘરેણાં છે, જે હું તમને આપવા જ આવી હતી, પણ તમે જે કર્યું મારા માટે તેની સામે હું ઘરેણાં આપતી તો ચીપ લાગતી, એટલે મારાથી બોલી શકાયું નહિ, અને બેગ છોડીને જતી રહી. મારા પતિને ઉદ્દેશીને પણ સ્યુસાઇડ નોટમાં લખ્યું છે, એટલે તે પણ નાની મધુ માટે કોઈ ડખો નહિ કરે, અરે તેને તો કોઈ રસ જ નથી, મારી દીકરીને જોઈ સુધ્ધાં નથી... અને આ છેલ્લા ફોન વિષે પણ ઉલ્લેખ કર્યો છે, એટલે તમને બંને ને કોઈ જ તકલીફ નહિ થાય.. ચાલો જાઉં છું, આવજો.."

"વાણી, વાણી પ્લીસ.." કહેતા હું રડી પડ્યો. મધુ પણ રડી રહી હતી. "વાણી, તું કહીશ એમજ થશે, અને તું કહીશ એમજ હું કરીશ.. તું જઈશ નહિ..."

"વહીલચેરમાં બાલ્કની સુધી તો આવી ગઈ છું, મારી મધુ માટે હું નચિંત થઇ ગઈ છું, એટલે હવે કોઈ ભાર નથી.. મોટી મધુને પણ ખુશ રાખજે, આવજો.." ફોન કટ થઇ ગયો.

મધુ ફોન કરવાની ટ્રાય કરતી રહી, પણ સ્વીચ ઓફ કર્યો હતો. મને મારી જાત પર ખુબ ગુસ્સો આવતો હતો, હું વિવશ, લાચાર અને કઈ જ કરી શકતો નથી તે કારણે મારુ દિમાગ ફાટતું હતું. વાણી ગઈ, મારી વાણી.. હું ટેબલ સાથે માથું પછાડવા લાગ્યો, મધુએ મને પકડી રાખ્યો, તે પણ રડતી હતી. નાની મધુને પણ જાણે કુદરતી સંકેત મળ્યો હોય તેમ અચાનક જાગીને રડવા લાગી, મધુએ તેને ઊંચકીને બચીઓ ભરી અને છાતી સાથે દબાવી દીધી.

પાણી પીને હું થોડો સ્વસ્થ થયો, મધુ બોલી "આપણે વાશી જઈએ.."

"ના"

"કેમ? જવું જોઈએ."

"ના, હું વાણીની વિક્ષત થયેલી લાશ જોવા માંગતો નથી. મારા દિલમાં હું તેનો હસતો અને ખુબસુરત ચહેરો જ યાદ રાખવા માંગુ છું."

***

આજે હું બે દીકરીઓનો બાપ છું, આજે જ હું બીજી દીકરીનો બાપ બન્યો. નાની મધુને તેડીને હું રૂમમાં આવ્યો, મધુ મને જોઈને હસી પડી, અને બેડ પર સુતા સુતા બે હાથ લંબાવીને બોલી "લાવ, મારી દીકરીને રડાવી તો નહોતીને?" કહીને તેણે મારી પાસેથી નાની મધુને લઈને પોતાની છાતી પર ઉંધી સુવડાવી, નાની મધુ પણ હસવા અને મધુના વાળ ખેંચવા લાગી.

મેં મારી નાની દીકરીને ઊંચકી ને મધુ સામે જોયું, તે પણ મને જ જોઈ રહી હતી, તે ખુબ જ ખુશ લગતી હતી. "બિલકુલ તારા જેવી જ છે, કેટલી નાની છે, નહિ?"

"હા, પાંચ જ પાઉન્ડની છે." કહીને મધુની મમ્મીએ મારી પાસેથી લઇ લીધી, અને તેના પપ્પા અને બે ભાઈઓને બતાવી, પછી બોલી "અમે સારા સારા દસેક નામ ચોઈસ કરી રાખ્યા છે, તમે લોકો જોઈ ને પસંદ કરી લેજો."

તરત જ મધુ બોલી પડી "ના મમ્મી, અમે તો અમારું નક્કી કરેલ નામ જ રાખવાના છે. બરાબર ને?" કહીને મારી સામે જોયું.

અમે તો કશું વિચાર્યું જ નહોતું, મધુ કેમ આમ બોલે છે? છતાં પણ તેની હા માં હામી ભરવા મેં કહી દીધું, "હા મમ્મી, અમે જે વિચાર્યું છે તે જ નામ રાખીશું."

તેની મમ્મી મારી તરફ ફરીને બોલી "બહુ સરસ.. શું નામ રાખશો?"

મારી પાસે કોઈ જવાબ નહોતો, કે એ વિષે મારી અને મધુની કોઈ વાત થઇ નહોતી, પણ પાછળથી તરત જ મધુ બોલી પડી "વાણી."

---- સમાપ્ત

વાચક મિત્રો, આભાર તો નહિ માનું, પણ પ્રેમ અને મેસેજનો વરસાદ વરસાવીને મને ભાવુક કરી દીધો. અને હવે તો હું પણ મારી જાતને લેખક માનવા માંડ્યો છું... હા હા હા!

અને આ બધું માતૃભારતી વગર શક્ય જ નહોતું. સાત મહિના પહેલા "અવની" થી શરુ થયેલી સફર ખુબ જ રોમાંચક રહી. આવો જ પ્રેમ અને સાથ આપતા રહેજો, વાંચજો, વંચાવજો અને સૂચન, ગાળો કે અભિપ્રાય આવકાર્ય છે, અને રહેશે...

અવની - ભાગ છ

ખલનાયિકા - ભાગ ત્રણ

રાજપૂતાણી - ભાગ બે

અકળ મન - ભાગ એક

ક્રિશા - ભાગ ચાર

કાન્તા - ભાગ પાંચ

મધુ-વાણી - ભાગ છ

E-mail: ammargraphicsdahod@gmail.com

Facebook: https://www.facebook.com/akil.kagda