Saubhagyavati books and stories free download online pdf in Gujarati

સૌભાગ્યવતી

સૌભાગ્યવતી

રઈશ મનીઆર

પાણિયારું ધોઇને કંકીએ માટલાં વીંછળ્યાં. માટલામાં ચોખ્ખું પાણી ભરી માટલાં પાણિયારે ગોઠવ્યાં. શાળાનો બેલ પડવાને ફક્ત દસ મિનિટની વાર હતી અને હજુ એને ત્રણ વર્ગની સફાઇ કરવાની બાકી હતી. પોતાના ભાગનું કામ પતાવીને પરવારી ગયેલી વિમલી સાથે વાત કરવાની ખૂબ ઇચ્છા હતી તે રોકીને એ ઓરડા સાફ કરવા લાગી. એને થયું આજે વિમલી એના ધણી સાથે ઝઘડી હશે એટલે જ જલ્દી આવી ગઇ. એને યાદ આવ્યું, કાંતાકાકીના રમેશે એની વહુને કાઢી મૂકેલી એ વિષે વિમલી પાસેથી તાજા ખબર લેવાની બાકી હતી. આમ જુઓ તો વિમલી એક હરતા ફરતા સમાચારપત્ર જેવી હતી. પેપરનું પાનું ઊડે એમ જ એની સાડીનો છેડો ઊડતો. હેડ માસ્તરની ઓફિસમાંથી એક ટાંકણી લાવી મારી દેવાનું એને મન થતું. અરે હા! નિશાળના હેડ માસ્તર પરમારસાહેબની બદલી થઇ, એના બદલે આજે કોઇ નવા હેડમાસ્તર આવવાના હતા, એ કોણ અને કેવા હશે, એ જાણવાની પણ કંકીના મનમાં ઇંતેજારી હતી.

કંકી ઓરડો વાળી રહી હતી અને એની સાડીનો છેડો પકડીને એનો નાનકો રડી રહ્યો હતો. દોઢ વર્ષની ઉંમરમાં એ ફક્ત રડવાનું જ શીખ્યો હતો. કંકીએ નાનકાને એક ઝાપટ મારી એટલે એણે જોરથી રડવાનું ચાલુ કર્યું. કંકીને થયું, આ બધા એના લાડકોડ થોડા દિવસના છે. ત્રણ મહીના પછી બીજો નાનકો કે નાનકી જનમશે એટલી આ નાનકો મહોલ્લાના છોકરા ભેળો રમતો થઇ જશે. એને યાદ આવ્યું કે બીજું બાળક જનમશે એટલે નાનકાનું કઇ નામ પાડવું પડશે. એને ઘેર આજ ચલન હતું, કે બીજું જન્મે પછી જ પહેલાનું નામ પડે, પાડવું પડે. આમ કરતાં કરતાં એ છ બાળકોની મા બની ચૂકી હતી અને છવ્વીસ વરસની ઉંમરમાં હજુ સાતમાને જ્ન્મ આપવાની હતી. પેલી ગ્રામસેવિકાએ કરેલી ઓપરેશન કરાવવાની વાત એણે જ્યારે પોતાના પતિના કાને નાખેલી ત્યારે પડેલા તમાચાની ગૂંજ હજુ એના કાનોમાં હતી. કંકીને ક્યારેક કામ કરતાં કરતાં ચક્કર આવી જતાં તો એ ફસડાઇની બેસી જતી બેંચના ટેકે. એને પોતાના ગામની શાળા યાદ આવી જતી. અગિયાર વરસની ઉંમરે જીદ કરીને એ પહેલા ધોરણમાં દાખલ થયેલી અને બીજા ધોરણની પરીક્ષા આપે એ પહેલા એના લગ્ન થઇ ગયેલા. એનો પતિ ચીમન પાઘડી પહેરી ઘોડે બેસીને આવેલો ત્યારેય વાંદરા જેવો લાગતો હતો....ને હવે તો પાછો એ ઘરડો થયો હતો.

કંકી ઘણીવાર વિચારતી કે ચીમન એને પ્રેમ કરતો હતો ખરો? પછી એણે મન મનાવ્યું કે આ છ છ છોકરા શું એનો પુરાવો ન હતો? કોઇવાર ચીમન ખૂબ વ્હાલ વરસાવતો, જ્યારે દારૂ પીને આવતો ત્યારે.. અને કહેતો, “કંકી., મેં તને ખૂબ દુખી કરી..” આમ કહી કંકીના શરીર પર પડેલા બીડીના ડામના નિશાનને ચૂમતો ચૂમતો ઉંઘી જતો. ઠીક છે.. કંકીને થતું ધણી તો એવો જ હોય.

આવી હાલતમાંય કંકી ચાર ચાર ઘરનું વાસીદું વાળતી, નિશાળમાં પાણી ભરતી ને સફાઇ કરતી. બધું કરતાં સાતસો રૂપરડી કમાઇને સાસુના ચરણે ધરતી. આ બધું કરવા છતાંય જ્યારે સાસુ મેહણાં ટોણાં સંભળાવતી ત્યારે એને લાગી આવતું. પણ સાસુ મક્કમપણે માનતી કે એણે જેટલું વેઠ્યું હતું એના હિસાબમાં તો કંકી સાસરામાં લહેર કરે છે. કંકીને થતું, કદાચ સાચી વાત હોય! સાસુને તો એ સહી લેતી પણ કરડી નજરથી જોતો સસરો..! આ સસરાના પાપે જ એની જેઠાણીએ કૂવો પૂરેલો એમ જ્યારે ગામ લોકો કહેતા ત્યારે એને કમકમાટી છૂટી જતી. બાળકોનાં નામ તો એને યાદ રહેતાં નહીં પણ આપઘાતનો વિચાર આવે ત્યારે એમના ચિત્રો જરૂર એની સામે ખડા થઇ જતાં.

મોટો જે ફક્ત ચડ્ડી પહેરીને ફરતો અને બીજો નંબરનો ફક્ત ગંજી પહેરી ફરતો. ત્રીજા નંબરની છોકરીનું નાક કાયમ ટપકતું રહેતું અને ચોથા નંબરની છોકરી ખૂબ માંદી હતી પણ એના ખાનદાનમાં છોકરીઓની દવા કરાવવાનો રિવાજ ન હતો. બીજા બે’ક બાળકો પણ હતાં.

નિશાળનો બેલ વાગ્યો અને એની વિચાર તન્દ્રા તૂટી. દોડતાં ભાગતાં છોકરાંઓની વચ્ચેથી સફેદ સાડીવાળા એક બાઇ ઓફિસ તરફ આવી. કંકી એને પહેલીવાર જોઇ રહી હતી. એને જોઇને પરમારસાહેબે ઓફિસની બહાર આવીને નમસ્કાર કર્યા અને પછી સ્મિતપૂર્વક વાતો કરી. કંકી માટે આ આશ્ચર્યની વાત હતી કેમ કે પરમાર સાહેબને કદી સ્ત્રીઓ સાથે શિષ્ટ રીતે વાત કરતાં એણે જોયા નહોતા. પરમાર સાહેબે એને ઓફિસના કબાટની ચાવી આપી અને વિદાય લીધી. વિમલીએ કંકીને કાનમાં કહ્યું “અલી.. આ તો આપણા નવા હેડમાસ્તર છે.. સુવર્ણાબેન..” એક સ્ત્રી હેડમાસ્તર હોય એ કંકીના અનુભવ વિશ્વની બહારની વાત હતી. પણ જ્યારે આચાર્યની ખુરશી પર છટાથી એ સફેદ સાડીવાળી બાઇ બેઠી ત્યારે કંકી એ પણ માનવું પડ્યું.

આમ તો વયમાં એ કંકી કરતાં દશેક વરસ મોટી હશે પણ એવું લાગતું નહોતું. ચોખ્ખી ધોયેલી સફેદ રંગની સાડીમાં કશાય શણગાર વગર એ સુવર્ણાબેન જાજરમાન લગતાં હતાં, પછી ગામનો સરપંચ જે કૂતરાની જેમ સ્ત્રીની ગંધ પારખતો હતો તે પણ આવીને ઓફિસમાં બેઠો. નીચી નજરે નમ્રતાપૂર્વક વાત કરી રહેલા સરપંચની લંપટતા ક્યાં અદ્રશ્ય થઇ ગઇ તે કંકીને સમજાયું નહીં.

આજે પહેલી તારીખ હતી. હેડમાસ્તરની ઓફિસમાં જઇને પગાર લેવાનો હતો. મનસુખ, જેંતી, રમા, વિમલી બધાં અંગૂઠો મારી પગાર લઇ આવ્યાં. પછી કંકી ગઇ તો સુવર્ણાબેને શાહીવાળું પેડ આગળ ધર્યું. કંકીએ હળવેથી ટેબલ પરથી પેન ઉપાડી અને ચોપડામાં ગરબડિયા અક્ષરે સહી કરી ‘કનકલતા ચીમન’. સુવર્ણાબેન ખુશ થયાં હોય એમ લાગ્યું, “અરે! તને તો સહી કરતાં આવડે છે ને કનકલતા!” પહેલીવાર કોઇએ એને સાચા નામથી બોલાવી. પછી તો બહેને ખૂબ વાત કરી અને કહ્યુંય ખરું કે રોજ મારે ઘેર આવે તો વાંચતાં લખતાં શીખવી દઉં. ચીમનના તમાચા ખાવાની ઇચ્છા નહોતી એટલે કંકીએ ઘરે જઇને આ વાત ચીમનને ન કરી. તોય બીજા કોઇ કારણસર માર તો એણે ખાવો જ પડ્યો.

સાસુનાં કડવા વેણથી બચવા બીજે દિવસે એ વહેલી નિશાળ તરફ નીકળી આવી તો રસ્તે વિમલી મળી ગઇ. વિમલી એ મૂળ વાત પર આવતાં ઝાઝો વખત ના લીધો. “સુવર્ણાબેન તો વિધવા છે. એમના પતિ અકસ્માતમાં મરી ગયેલા. મૂળ તો સુવર્ણાબેન ચાર જ ચોપડી ભણેલાં પણ આફત આવી પડી એટલે ભણી ગણીને હેડ માસ્તર થયાં.”

વિમલી તો હજુય આગળને આગળ કઇ બબડતી રહી પણ કંકીના મનમાં જુદાજ વિચારો સવાર હતા..કદાચ ભણી ગણીને હું હેડમાસ્તર ન બનું પણ પેલી ગ્રામસેવિકા જેવું તો કામ કરી શકું. પતિ બાળકો, સાસુ, માર, ગધ્ધા વૈતરું, કંકાસ આ બધાંથી દૂર કંકીએ પોતાની જાતને સુવર્ણાબેન તરીકે કલ્પી જોઇ.

એણે કલ્પના કરી, સુવર્ણાબેન જેવો જ કનકલતાબેનનો ઠસ્સો હોય તો! આજુ બાજુ દસ પુરુષો ઉભા હોય તોય રસ્તો કરી આપે..સફેદ સાડી, સેન્ડલ, હાથમાં પુસ્તકો, આંખ પર ચશ્મા..વાહ..શો રૂઆબ! એક દિવાસ્વપ્ન ..એક રોમાંચક કલ્પના..એક સુખનું શમણું. ચાલતા ઠોકર વાગી અને ગડથોલું ખાતાં જ વિચારની શૃંખલા તૂટી અને શમણું આમતેમ વેરાઈ ગયું. એના ભાગ્યમાં આ સુખ નો’તું.. ક્યાંથી હોય? એનો પતિ તો જીવતો હતો..!