Naitik-Anaitik - 1 books and stories free download online pdf in Gujarati

નૈતિક-અનૈતિક ૧

ઘડિયાળ સાંજના ૭ નો સમય બતાવી રહી હતી. માલવની ગાડી ટ્રાફિકને ચીરતી ઘર તરફ જઈ રહી હતી. આજે એની લગ્નની એનિવર્સરી હોવાથી મહેકનો ફોન આવ્યો હતો જલ્દી ઘરે આવવા માટે. આથી એ ઓફિસમાંથી વહેલો ઘરે જવા માટે નીકળ્યો હતો. માલવ અને મહેક. બન્નેનાં લગ્નને આજે ૨ વર્ષ થયા હતાં. બન્ને એકબીજા સાથે સુખી હતા. મહેક એક સાદી-સીધી ઘરેલુ છોકરી હતી. માલવનાં ઘરને એણે સુપેરે સંભાળી લીધું હતું. માલવે ઘરની કોઈ જ બાબતની ચિંતા કરવાની રહેતી નહિ. બધું જ મહેક સંભાળી લેતી. માલવે મહેનતથી પોતાનો બિઝનેસ સેટ કર્યો હતો. તો મહેકે પોતાની મરજીથી ગૃહિણી બનવાનું સ્વીકાર્યું હતું. માલવે પણ સારી એવી પ્રગતિ કરી આ બધું મેળવ્યું હતું. પૈસા ટકે સમૃદ્ધ કહી શકાય એવી એમની પરિસ્થિતિ હતી.

ટ્રાફિકથી કંટાળેલા માલવનાં મોં પર ગુસ્સો અને અકળામણના ભાવ ઉપસી આવ્યાં હતાં. પણ ત્યાં એણે કેશાને જોઈ અને એના ચહેરાના ભાવ બદલાય ગયાં. એણે કેશાને ઈશારો કરી લિફ્ટ આપવા માટે પૂછ્યું અને કેશા ઝડપથી એની ગાડી તરફ આવી. કેશા માલવની ઓફિસમાં માલવનાં હાથ નીચે કામ કરતી હતી. કેશા ખુબ સુંદર અને ફેશનમાં રહેનારી છોકરી હતી. ઑફિસના લગભગ દરેક પુરુષને ક્યાંકને ક્યાંક કેશામાં દિલચસ્પી હતી.

કેશા માલવની ગાડી પાસે આવી.

"સર, તમે આજે આ સમયે અહીંયા?"

"હા કેશા, આજે મારી એનિવર્સરી છે. આથી શ્રીમતીજીનો ફોન આવ્યો હતો વહેલા આવવા માટે."

"અરે! હેપ્પી એનિવર્સરી સર."

"થૅન્ક યુ કેશા. પણ તું આજે અહીંયા શું કરે છે? તું તો આજે રજા પર હતીને?"

"હા સર. સવારે મમ્મીની તબિયત સારી ન હતી એટલે આજે રજા પર હતી. પણ ક્લાર્કનો ફોન આવ્યો ને એક ફાઈલ અતિ મહત્વની હોવાથી એ આપવા આવી ગઈ."

અરે ચાલ પહેલા તું ગાડીમાં બેસી જા. હું તને તારા ઘરે મૂકી દઈશ. હા-ના કરતાં કેશા ગાડી માં બેસી ગઈ. અને બન્ને થોડી વાતો કરતાં-કરતાં કેશાનાં ઘરે પહોંચી ગયાં.

" થૅન્ક યુ સર. સર ચાલોને આજે ચા પી ને જ જાવ. મમ્મીને પણ ગમશે."

"ના ના, આજે મને આમેય ટ્રાફિકના લીધે મોડું થઈ ગયું છે. ફરી ક્યારેક આવીશ."

"ચોક્કસ સર. આજે ઉતાવળ છે એટલે તમને નહિ રોકું. પણ ચા પીવાની બાકી રહી તમારી."

"હા ચોક્કસ. ચલ બાય."

માલવ વિચારવા માંડ્યો કે બધા ઓફિસમાં જેવી વાત કરતાં હોય છે કેશા માટે એ એવી છોકરી નથી. આમ તો સીધી છોકરી છે. બધા ઓફિસમાં કેશાના ચરિત્ર વિશે ખુબ વાતો કરતાં. એના ટૂંકા ફેશનેબલ કપડાં અને બધા સાથે તરત ભળી જવાની એની છટાનાં લીધે લોકો એને ચારિત્રહીન સ્ત્રી સમજતા હતાં. અને એટલામાં માલવનું ઘર આવી ગયું. એ ફટાફટ ગાડી મૂકીને ઘરમાં ગયો. એને લાગ્યું કે આજે તો મહેક લડશે જ. એ ૭ વાગ્યે આવવાનું વચન આપીને ૮ વાગ્યે આવ્યો હતો. પણ મહેક સમજુ હતી.

આજે એનિવર્સરી હોવાથી બન્નેનાં કેટલાક પરિવારજનો ને મિત્રો આવ્યાં હતાં. તેમની હાજરીમાં મહેકે ટ્રાફિક અને કથળેલી હાલતનાં રસ્તાનો વાંક કાઢી વાત સંભાળી લીધી. અને માલવને તૈયાર થઈ જવા કહ્યું. માલવ ફટાફટ તૈયાર થઈને નીચે આવી ગયો. માલવ અને મહેકે કેક કાપીને ઉજવણી કરી. ત્યારબાદ બધાં સગાં-સબંધીઓ ભોજન લઈને પોતપોતાના ઘરે ચાલી ગયાં.

માલવે મહેકને ઉંચકી લીધી અને “હેપ્પી એનિવર્સરી માય ડાર્લિંગ” કહીને એને કિસ કરવા માલવ ઝૂક્યો. પણ મહેક શરમાય ગઈ અને એણે માલવનાં હાથમાંથી પોતાની જાતને છોડાવી લીધી. વળી તે રાત્રે માલવ મહેકને પ્રેમ કરવાના મૂડમાં હતો. પણ મહેકની શરમ વચમાં આવી. માલવને લાગતું કે મહેક એને જોઈએ છે એવો પ્રતિભાવ નથી આપતી. પતિ-પત્નીમાં પણ શું શરમાવાનું? આ સમયે માલવનાં મનમાં વિચાર આવ્યો કે આની જગ્યાએ કેશા હોત તો કેવું સારું? અને અચાનક એને પાછો વિચાર આવ્યો કે આ પોતે શું વિચારે છે? આ બરાબર નથી. મહેક એની પત્ની છે અને એના સિવાય કોઈ સ્ત્રીના વિચાર કરવા એ મહેક સાથે થતો અન્યાય છે. આ રીતે પોતાની જાતને દોષ દેતો દેતો સુઈ ગયો.

બીજા દિવસે સવારે રોજની જેમ માલવ તૈયાર થઈ ગયો ઓફિસ જવા માટે. અને મહેકે રોજની જેમ માલવનું વોલેટ, ટાઈ, રૂમાલ,ટિફિન બધું તૈયાર રાખ્યું હતું. અને સવારમાં માલવને પસંદ એવા થેપલા અને દહીં બનાવ્યાં હતાં. માલવ ખુશ થઈ ગયો અને ધરાઈને નાસ્તો કરી એ ઓફિસ જવા નીકળ્યો. આખા રસ્તે એ ગઈ રાતનાં વિચાર પાછળ મનોમંથન કરતો રહ્યો અને પોતાની જાતને કોષતો રહ્યો. શા માટે એને આવો વિચાર આવ્યો? એ એની પત્ની મહેકને ખુબ પ્રેમ કરતો હતો. હા ઘણીવાર એને મહેકની સાદગી ખુંચતી. એને એમ થતું કે મહેક પણ તૈયાર થઈને થોડી ફેશનેબલ રહે તો કેવી સુંદર લાગે? પણ મહેકને મન એનાં સંસ્કાર જ એની મૂડી. એને ખાસ સજીધજીને રહેવું ગમતું નહિ.

માલવ ઓફિસે પહોંચીને એનાં કામમાં વ્યસ્ત થઈ ગયો. પણ બપોરે જયારે કેશા એની ઓફિસમાં એની સહી કરાવવા આવી ત્યારે ફરી ગઈ રાતનાં વિચારે એને વ્યાકુળ કરી દીધો. શું કરવું એ સમજાયું નહિ. આથી એણે પૂછ્યું, "કેશા, હવે તારી મમ્મીને કેમ છે?"

"સારું છે સર. હવે તો દવાનાં લીધે ઘણું સારું છે."

"ચાલો સારું."

"સર કેવી રહી કાલે એનિવર્સરી? મેમ સાથે બરાબર ઉજવણી તો કરી ને?" કેશા એનાં સ્વભાવગત મસ્તી કરતાં બોલી.

"હા હા, સારી રહી ને! સારી રહી." માલવ થોથવાયો.

"અરે સર, આમ ટેન્શન નહિ લો. હું વધારે વિગતો નહિ પૂછું." કેશા હસતી હસતી બોલી.

"ના ના, એમાં ટેન્શન લેવા જેવું કંઈ જ નથી." માલવે હસવાનો પ્રયત્ન કર્યો.

કેશાને માલવ સાથે હસી મજાક કરતી જોઈને ઓફિસનાં અમુક કર્મચારીઓમાં ગણગણાટ ચાલુ થઈ ગયો. "જોયું કેવી રીતે હસી હસીને વાત કરે છે બોસ સાથે?", "નક્કી એનો નવો ટાર્ગેટ આપણાં બોસ છે". એકે વળી ઉમેર્યું "અરે હા, કાલે સાંજે પણ મેં એને બોસ સાથે જતા જોઈ હતી." કેશા બહાર આવતાં જ બધાં પોતપોતાના કામમાં મશગુલ હોવાનો ડોળ કરવા માંડ્યા. કેશાને કોઈ ફરક નહિ પડતો હતો કે કોઈ શું વાત કરે છે? એ પોતાનામાં જ મશગુલ હતી.

માલવને પોતાના વિચાર માટે ખુબ જ ક્ષોભ અનુભવતો હતો. એને મનોમન થતું કે એ મહેક સાથે અન્યાય કરી રહ્યો છે. એનાં તન-મન પર સંપૂર્ણ અધિકાર ફક્ત મહેકનો જ છે. એણે વિચાર્યું લાવ આજે મહેક સાથે ક્યાંક બહાર જાઉં. એને પણ ગમશે અને એની સાથે સમય વિતાવી મને પણ સારું લાગશે. અને બીજા કોઈ વિચાર નહિ આવે. આથી એણે મહેકને ફોન કર્યો.

મહેક ફોન ઉપાડશે? માલવ સાથે બહાર જવા એ તૈયાર થશે? શું માલવ પોતાના વિચારો માટે પશ્ચાતાપ કરી શકશે? કે જાણતા-અજાણતા કેશા એને પોતાની તરફ વધુ ખેંચશે? શું સાચે જ કેશા ચારિત્રહીન છોકરી છે? કે ફક્ત એનાં કપડાં અને વર્તનથી લોકોએ બાંધી લીધેલી પૂર્વધારણા છે? જાણવા માટે વાંચતા રહો "નૈતિક-અનૈતિક"

મારી આ વાર્તા વાંચવા માટે ઘણો ઘણો આભાર. કંઈ અભિપ્રાય, વિચારો કે સૂચન હોય તો મને ચોક્કસ લખી મોકલજો. અને સમય હોય તો મારા બ્લોગની પણ મુલાકાત લેજો અને તમારા અમૂલ્ય અભિપ્રાય કે સૂચન આપજો.

Mail: shivshaktiblog@gmail.com ;

Blog: https://shivayshaktiblog.wordpress.com/