Dada ho dikari books and stories free download online pdf in Gujarati

દાદા હો દિકરી

' દાદા હો દીકરી '

અંકિતાએ દરરોજની જેમ દાદાને બારી પાસે એમની ગીતા લઇને બેઠેલા જોયા.એની આંગળી ડોરબેલને અડે તે પહેલાં દાદાએ બારણું ખોલ્યું, વહાલથી બોલ્યા 'આવી ગઈ

મારી દીકરી ' અંકિતાએ હસીને કહ્યું, 'તમે ગીતાનો પાઠ કરતા હતા, કેમ જાણ્યું કે હું આવી ?' રસોડામાંથી દાદી આવ્યાં કહે 'તારા દાદા તારા આવવાનો સમય થાય તે પહેલાં સોફામાં બેસી જાય. હું ચા માટે બોલવું તોય સાભળે નહિ, ' દાદા કહે 'મારું ચિત્ત ગીતામાં હોય તેથી ' દાદી હસીને બોલ્યાં 'તમારું ચિત્ત અંકિતાની સફેદ કાર આવી કે નહી તે તરફ હોય.' દાદાની પાસે બેસી અંકિતા બોલી, દાદાની લાડકી છુ ને!' દાદા તમને સરપ્રાઈઝ આપું?' દાદા દાદી વિસ્મયથી અંકિતાને બહાર જઈ કારનું બારણું ખોલતા જોઈ રહ્યાં, કારની આગલી સીટમાં બેઠેલા એક પાંચેક વર્ષના ગોરા બાળકને સંભાળીને ઘરમાં લઈ આવી.બાળક શરમાતો હસતો હતો, અંકિતાને વળગીને બેઠો, દાદી બોલ્યા 'કોણ છે? તારી બહુ માયા લાગે છે.' 'ચાર્લી નાનપણથી મારી સાથે ભળી ગયો છે.'અંકિતા બોલી દાદાએ' ગીતાને' બાજુએ મૂકી ચાર્લીને ખોળામાં બેસાડ્યો, એના સુંવાળા વાળમાં હાથ ફેરવ્યો,

અંકિતાએ ચાર્લીને ગાલ ઉપર વહાલ કરી ઈશારાથી સમજાવ્યું, 'માય ગ્રાંડ પા ' દાદાના મનમાં પ્રશ્નોનો વંટોળ ઉઠ્યો હતો.

દાદા અંકિતાને પ્રશ્ન પૂછતા અટકી ગયા.ગરાજ ખૂલવાનો અવાજ તેમણે સાંભળ્યો, અંકિતાની મમ્મી નીતા આવી.ઘરમાં આવતા વેંત રોજ તો દાદા દાદીને 'જય શ્રી કુષ્ણ ' કહે, પણ આજે એના ચહેરા પર ચીઢ અને નારાજગીના વાદળો દેખાયા, તેણે કડક અવાજે અંકિતાને કહ્યું,

'પેલા જોનના છોકરાને ઘેર કેમ લાવી? દાદા જાણે એમનો ગ્રાંડ સન હોય તેમ એને ખોળામાં ઝૂલાવે છે.' ચાર્લી બધાથી અજાણ દાદાના ખોળામાં ઉઘી ગયો.

દાદા દાદી મહિના પહેલાં ઇન્ડિયાથી આવ્યાં હતાં, શિકાગોમાં એમનાથી ઠંડી સહન થતી નહોતી તેથી ચાર મહિના દેશમાં રહેતા.અંકિતા નાની હતી ત્યારે ઠંડી સહન કરીને પણ અંકિતાને સાચવવા શિકાગો રહેતાં હતાં, પણ હવે અંકિતા કોલેજની ડીગ્રી મેળવી નોકરીએ લાગી ગઈ હતી.એનું પોતાનું એપાર્ટમેન્ટ હતું.પણ દાદાદાદી પ્રત્યેના પ્રેમથી ખેચાઇને રોજ ઘેર આવતી હતી. દાદા નીતાને ઉદ્દેશીને બોલ્યા, આપણી દીકરી ઘેર આવી છે, પ્રેમથી બોલાવીએ તો મીઠું લાગે.' નીતા ચીઢમાં બોલી, 'દાદા તમે જાણતા નથી, આ મૂગાબહેરા ચાર્લીનો પિતા જોન અંકિતાનો ખાસ મિત્ર છે.મને અને પ્રકાશને જરા ય ગમતું નથી, તમે તમારી લાડલીને સમજાવો તો સારું, ''

અંકિતાને અપમાન લાગ્યું, એના અવાજમાં દર્દ ઊભરાયું તે બોલી, 'મમ્મા પ્લીઝ તમે મને સમજવા કોશિશ કરો.હું વિચારીને જોન સાથે સબંઘ રાખું છું, ' એણે પોતાનો જ દીકરો હોય તેવા સ્નેહથી ચાર્લીને દાદા પાસેથી લઈ પોતાના ખભે સૂવાડી બોલી, 'દાદા, કાલે આવીશ' દાદા અચાનક કોઈ મોટી આપત્તિમાં ઘેરાયા હોય તેમ વિમાસણમાં બેસી રહ્યા, બાજુમાં મૂકેલી ગીતાને પોતાના હાથમાં લીધી, ગીતાનો ત્રીજો અઘ્યાય 'કર્મયોગનું' વાચન તેઓ દરરોજ કરતા પરંતુ આ ઘડીએ જાણે સૌ કર્મો થીજી ગયાં .એઓ ઉઠીને અંકિતાને રોકવા ઇચ્છતા હતા, પણ તેમ થયું નહિ, ઘડી પહેલાં આવેલી એમની વહાલી દીકરી પતંગિયા જેવી ચંચલ હતી.એ જઈ રહી છે, કોઈ જવાબદાર માતાની જેમ, અંકિતાની આ નવી ઓળખથી તેઓ કર્મ -અકર્મની દ્વિઘામાં હતા. તેમનો દીકરો પ્રકાશ આવી ગયો.નીતા હજી અકળાયેલી હતી, તેઓની વાતચીત ચાલતી હતી.નીતા પ્રકાશને કહેતી હતી, 'એકની એક છે તેમ માની તમે કદી એને રોકી નહિ એટલે એ મન માન્યુ કરવા લાગી, ' પ્રકાશ ગુસ્સે થઈ બોલ્યો ', અંકિતાને કહી દેજે એણે એનું ધાર્યું જ કરવું હોય તો આપણા ઘરે આવે નહિ ' દાદા પ્રકાશની પાસે બેઠા, એમણે સમજાવટથી કહ્યું

'જમવાનો સમય થયો છે, આપણે ડીનર કરી લઈએ, કાલે શાંતિથી વિચારીને બઘી વાત કરજો'.બઘા જમવા ખાતર જમીને પોતાના રૂમમાં જતા રહ્યાં ઘરમાં આતંકવાદી હુમલાની ચેતવણી અપાઈ હોય તેમ વાતાવરણમાં સન્નાટો હતો.

દાદીની પાછળ રૂમમાં જતા દાદાના પગ ધૂજી ગયા, કોઈ અગોચર ઘટનાના સંકેતથી તેમનું મન ચકરાવે ચઢ્યું હતું. કાલે અંકિતા આવશે ત્યારે તે શું કહેશે? એના ડેડી મમ્મીની વાતને માનશે ખરી? એકની એક દીકરી અને માં-બાપ સામસામા છેડે થઈ જશે તો? દાદાને પોતે મોટા ધર્મસંકટમાં આવી પડ્યા હોય તેવું લાગ્યું!

દાદીએ કહ્યું, 'આમ પૂતળાની જેમ બેસી રહ્યા છો કઈ વાત તો કરો.'

દાદા ઊડી ગુફામાંથી બહાર આવ્યા હોય તેમ કહે, 'ભગવાન કસોટી કરી રહ્યા છે, ગીતાનો 'કર્મયોગ ' જીવનમાં આચરવા પ્રયત્ન કરતો હતો.હાલના સંજોગોમાં મારા નિષ્કામ કર્મથી પણ

મારા સ્વજનોની લાગણી દુભાશે, '

દાદી કહે 'કાઈ સમજાય તેવું બોલો, મને તો લાગે છે આપણે દેશમાં સારા હતાં, પ્રકાશનો ગુસ્સો જોઈ આપણાથી એની વિરુધ્ધ કોઈ પગલું ન લઈ શકાય, પ્રકાશ -નીતાનું મન રાખવું પડે .'

દાદા બોલ્યા, 'તારી વાત સાચી છે, આપણો આધાર આપણા દીકરો-વહુ છે, એમની ખુશીનો પહેલો વિચાર કરવાનો, પણ અંકિતા ય આપણું લોહી, એના દિલને ઘા પડે તો આપણને કારમી પીડા થાય.'ધાર્યું ધણીનું થશે ' હું તો એટલી પ્રાર્થના કરું કે દીકરી અને માં-બાપ વચ્ચે અંતર ન પડી જાય.'

દાદી જણતા હતા કે દાદા અંકિતાની વાત વિગતે જાણ્યા પછી જે યોગ્ય હશે તેમ કરશે.

સવારે પ્રકાશને જોબ પર જવાની ઉતાવળ હતી છતાં ચા પીતા એણે એટલું કહ્યું, 'ઘરમાં કોઈએ અંકિતાને સાથ આપવાનો નથી.'

દાદાને કહેવાનું મન થયું, 'દીકરા, આગળીથી નખ વેગળાં નથી, દીકરીની પીડાથી આપણી આંખમાં આસું આવે.'

પ્રકાશ અને નીતાના ગયા પછી ચાના વાસણ ધોતાં દાદી બબડતાં હતાં 'આ ઘરડે ધડપણ કેવી મુસીબત આવી પડી, દેશમાં રહ્યાં હોત તો આ જોવું ન પડત '

લંચ પતાવી દાદા રોજની જેમ આરામ કરવાને બદલે ગીતા પાઠ કરતા બારી પાસેના સોફામાં બેસી રહ્યા, હાલના સંજોગોમાં શું કરી શકાય કે જેથી કુટુંબમાં પ્રેમ અતૂટ રહે તે વિશે વિચારી રહ્યા, 'હે હરિ, તમે તો ધર્મ યુધ્ધ કર્યું, પણ આં છે પ્રેમની નાજુક કટોકટી, રેશમની દોરીની ખેચાખેચ ન હોય !' ડોરબેલ વાગતા દાદા વિચારમાંથી જાગ્રત થયા.

'આજે વહેલી આવી ગઈ દીકરી ?, દાદાએ અંકિતાને પૂછ્યુ.

'દાદા કાલે હું અને જોન મારા મમ્મી, ડેડીની લાગણી દુભાય નહિ તે માટે શું કરવું તેની ચિંતા કરતા હતાં, જોન મારા ડીપારટમેન્ટ ના હેડ છે.હી ઈઝ એ ગુડ મેન.સૌની સાથે મિત્રતા રાખે છે.

ત્રણ વર્ષ પહેલાં એની પત્ની કાર અકસ્માતમાં ગુજરી ગઈ.ચાર્લી આઘાતમાં મૂગો થઈ ગયો.એની સારવાર જોન કાળજીપૂર્વક કરાવે છે.તે ચાર્લીને બાપ અને માનો બેવડો પ્રેમ કરે છે.

મારું હદય બાપ -દીકરાના પ્રેમને જોઈ પીગળી જાય છે.મેં ડેડી -મમ્મીને એક વાર જોનને મળવા કેટલું સમજાવ્યા પણ તેઓ ઘસીને ના જ કહે છે.દાદા, તમે જોનને મળો.

દાદી ઉતાવળે બોલ્યા, 'ના, બહેન પ્રકાશની મરજી વગર અમારાથી ન મળાય.'

દાદા કહે ', અકિતા મને તારામાં વિશ્વાસ છે.જોન પ્રેમાળ, કર્તવ્યનિષ્ઠ મિલનસાર છે, એ તારી વાત કબૂલ પણ પ્રકાશ -નીતાને એમની દીકરી જુવાનવયે એક મૂગા બાળકની જવાબદારી લે તેથી દુઃખ થતું હશે.'

'દાદા, મારુ સુખ હવે હું, જોન અને ચાર્લી સાથે જીવન જીવીએ તેમાં છે.મમ્મી -ડેડી રાજી હશે તો લગ્ન કરીશું, ' અંકિતા બોલી

દાદા વિચાર કરીને કહે, ' હું પ્રકાશ -નીતાને તારી વાત સમજાવીશ'

અંકિતા દાદાને વળગી બોલી 'થેકયું દાદા, કાલે આવીશ'

પ્રકાશ અને નીતા ઘેર આવ્યાં ત્યારે જોયું ઇન્ડિયા લઈ જવા માટેની બે મોટી બેગો દાદાના રૂમની બહાર પડી છે.રૂમમાં દાદા -દાદી વચ્ચે બોલાબોલી સભળાઈ,

દાદીનો ખિજાયેલો અવાજ પ્રકાશે સાંભળ્યો, 'તમને આ શું સૂઝયું છે? દેશમાં જવા તેયાર થઈ ગયા.'

'તું મને રોકીશ ના, જે ઘરમાં દીકરીને આવકારો ના મળે ત્યાં મારાથી નહિ રહેવાય, 'દાદા મક્કમતાથી બોલ્યા

પ્રકાશ નીતા એકબીજા સામું જોઇને જાણે પૂછતા હતા ', આપણે દીકરીને સમજ્યા વગર ઘરમાંથી જાકારો આપીએ તે યોગ્ય છે? એનું સુખ શેમાં છે તે આપણે જાણ્યું છે?'

દાદા ધુવાફૂવા થતા રૂમની બહાર આવી બોલ્યા .મને વીક એન્ડ માં એરપોર્ટ પર મૂકી આવજો '.

વીક એન્ડ માં પ્રકાશે ડીનર ગોઠવ્યું .અંકિતા- જોન અને ચાર્લી ડીનર માટે આવ્યાં, દાદા દાદીએ સોને આશીર્વાદ આપ્યા. નીતાએ બટાકાવડા અને ગુલાબજાંબુ આગ્રહ કરી સૌને પીરસ્યાં.

***