Drashtibhed books and stories free download online pdf in Gujarati

કેવી દ્ષ્ટિ કેળવવી ?

દ્રષ્ટિભેદ


સમગ્ર સૃષ્ટિ આજે આપણી દ્રષ્ટિની મોહતાજ છે...જ્યારે સ્કૂલમાં ભણતા ત્યારે એક સુવાક્ય બોર્ડ પર અવારનવાર ટાંકતા...'જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ' ત્યારે બહુ નહોતું સમજાતુ..એના માટે ગુજરાતીનાં શિક્ષક અર્થવિસ્તાર કરે ત્યારે માંડ ગળે ઉતરતું આજે જેમ જેમ ઘડાતા ગયા જીવનના અનુભવો વધતા ગયા તેમ તેમ ખ્યાલ આવતો જાય છે,સ્હેજ વધારે સ્પષ્ટ રીતે જો કહેવા જાઉં તો એનો અર્થ કંઈક આમ કરી શકાય.

મનુષ્ય પાસે આમ જોવાં જઈએ તો આપણે આપણી દ્રષ્ટિને ઘણાં પ્રકારમાં વહેંચી શકીશું,પરંતુ હું અહીં જે વાત કરવા માંગુ છું તે છે કોઈપણ પરિસ્થિતિને આપણે કેવી રીતે મૂલવીએ છીએ તે દ્રષ્ટિની,કહે છે ને 'કમળો હોય એને પીળું જ દેખાય' બસ એવું જ કંઈક..રંગઅંધતા કે પ્રકાશની અંધતા હોય ને એતો ખરેખર અંધ જ હોય છે પરંતુ હું જે વાત કરું છું તે આપણી વિચાર અંધતાની છે,આ વિચાર અંધતાનો ભરડો કળિયુગનું સાચું દર્શન કરાવે છે,આપણે આપણી મૌલિક વિચારશક્તિને સંપૂર્ણ પણે ગુમાવી બેઠાં છીએ,હૃદયથી જ્યારે માણસ જાતે સારું નરસું સમજી ન શકે ને ત્યારે આવું થાય છે.

સંત શ્રી મોરારિબાપુ આ વાત એમની કથામાં વારંવાર દોહરાવે છે કે જે કંઈ છે એ શુભ-અશુભ તત્વ આપણી દ્રષ્ટિમાં જ સમાયેલું છે.હવે મારી વાત પર પાછી ફરતા કહું તો હું એ દ્રષ્ટિની વાત કરું છું જેમાં આપણી માનસિકતા વ્યક્ત થાય છે,સારું તો કોઈનું કરીએ નહીં પણ ખરાબ થતું અટકાવવા જેટલી નૈતિકતા પણ આપણાંમાં રહી નથી અને રોજબરોજની નાની નાશી બાબતોમાં આપણી દ્રષ્ટિ હીનતાને લઈને વિકાસ કે સુધારાવાદ તરફ પ્રયાણ કરવાને બદલે વિકટતા અને જટીલતા તરફ જઈ રહ્યા છીએ.

સૌ પ્રથમ વાત કરું તો કહીશ કે ઘણાં લોકોની દ્રષ્ટિ ખૂબ જ મર્યાદિત હોય છે,સંકુચિત પણ ન કહી શકાય અને ન તેને ઉદારતામાં ખપાવી શકાય,વિચારવાનો પણ જાણે ટેક્ષ લાગતો હોય તેમ આ પ્રકારનાં લોકો ક્યારેય પોતાની જે તે વાતને સ્વતંત્ર રીતે મૂલવી જ નથી શકતા...રખેને વધુ વિચારાઈ ગયાનો ક્યાંક દંડ ન ભોગવવો પડે ? મહાભારતનાં યુધ્ધનો એક દાખલો આપું કે અર્જુન ને વિષાદ હતો તો ગીતાનું સર્જન થયું પરંતુ આ પ્રકારની દ્રષ્ટિવાળા લોકોને પ્રશ્ન સતાવે તો ડરીને માત્ર એક જ તરફી વિચાર કરોને તરત જ હાર માની લેશે અથવા તો કોઈનાં ચડાવ્યા ચડી ને હારે કે જીતે મર કાંતો મારનારો દે એમ બસ ઉતરી પડશે જંગનાં મેદાનમાં, અરે પણ ભાઈ આ જીવન છે જંગનું મેદાન નહીં...કોઈપણ પરિસ્થિતિ માં જો મૂકાઈ જાવ છો તો તેનાં દરેક પાસાનો અભ્યાસ કરો...આપણી દીકરી કોલેજમાં ભણે છે એની સારે ભણતી એની બહેનપણીને કોઈક સાથે પ્રેમ થયો...આપણી દીકરીનું એની સાથે બોલવાનું બંધ...શા માટે...કદાચ દીકરીની જે બહેનપણી છે તેને ઘરમાં એવી કૉઈ વાત સતાવતી હશે કે કોઈ ત્રીજી સાવ બહારની વ્યક્તિ તરફ એ ઢળી હશે..અથવા તો ખરેખર એને જેની સાથે પ્રેમ છે એના જેવો બીજો કોઈ ઉત્તમ સાથી એને ન પણ મળત...અને આ બે મમાંથી કોઈ નહીં તો સવ ત્રીજું કારણ કે આપણી દીકરી જ કદાચ એ વ્યકિત હોઈ શકે જે પેલી છોકરી અને એના માતાપિતા વચ્ચે સમાધાન કારી હોઈએ છોકરીને ભાગવા નહીં દે અને એના ઘરમાં પેલા છોકરાને પણ તેની બહેનપણીના માતાપિતા સાથે મેળાપ કરાવી આપી કોઈ વચલો રસ્તો શોધી આપશે ? ના....આમાંનું કંઈ જ વિચારવાની નૈતિક હિંમત આ પ્રકારના લોકોમાં નથી...બસ સડે ને ત્યાંથી વાઢવું અરે દવા પણ તો થઈ શકે ને મિત્રો....

બસ બીજો પ્રકાર આવે છે એવા મનુષ્યોનો જેઓ હંમેશા દ્વિપક્ષીય વિચારે છે..નરો વા કુંજરો વા ની સાથિતિમાં જ તેઓનું આખું જીવન પસાર થાય છે....આમાં એ લોકો પોતે કંઈ મેળવે ન મેળવે પરંતુ સામેવાળાનું અહિત ચોક્કસ કરશે. કૉઈપણ ઘટનાને મૂલવવાની એમની પોતાની મૌલિકતા જાણે મરી પરવારી હોય છે,ક્યારેય કૉઈપણ બાબતે ન તો એ જમા પાસુ જોઈ શકે છે ન તો એની નકારાત્મક અસરો જોઈ શકે છે..જે દાખલો ઉપર આપ્યો એ જ વાત જો આવા લોકો સાથે બને તો માતેપિતા પાસે આવીને એમની દીકરીની વાતો કરશે કે સારુ છે હોં તમે છો નહીંતર છોકરીઓની જાતનો ભરોસો નહીં તમારી દીકરી તો સારી છે કોઈ વાતે કેવું ન પડે...કેટલી ફોરવર્ડ..છોકરાઓ સાથે બોલે પણ મર્યાદાભંગ..અહં ક્યારેય ન કરે...જો ખરેખર તેઓ જે બોલે તે જ વિચારીને કહેતા હોયને તો તો ઘણું સારું પરંતુ મનમાં તો વિચારે કે જોયું કેટલા મૂરખ માબાપ છે છોકરી ક્યાં શું કરે છે એય ભાન નથી....અને બીજી બાજુ એ જ છોકરીને જઈને કહેશે કે તારા માબાપ ને તો કાંઈ ચિંતા જ નથી તારી સારું છે તેં તારી જિંદગીનો ફૈંસલો કરી નાંખ્યો છે નહીંતર તારા માતાપિતાની અકલ પ્રમાણે જો કોઈકને શોધત તો દુખી જ થાત...એટલે ઓલી છોકરી બિચારી એનાં માતાપિતાની વિરોધમાં જવાનો એણે વિચાર સુધ્ધાં ન કર્યૉ હોય તે વિરોધી બની જાય...મિત્રો આ કરતાં તો મંથરાય સારી...કારણ એને ખબર હતી કે પોતે શું કરી રહી છે....ક્યારેય એવી દ્રષ્ટિ ન રાખવી જે સઘળા પાસાં તો ન વિચારે પરંતુ ખોટી દિશામાં દોરી જઈને નુકશેનકર્તા જરૂરથી સાબિત થાય.

ત્રીજો પ્રકાર એવા લોકોનો આવે છે જેઓ ખરેખર ખૂબ જ ધીરજ પૂર્વક વાત ને સમજશે તેના સારા નરસા પાસા તેમજ તે માટેની તમામ શક્યતાઓનો વિચાર કરશે અને વાતને કોઈ યોગ્ય નિર્ણય સુધી લઈ જશે..આવા લોકોને હું ઉદાર દ્રષ્ટિવાળા કહીશ,તેમનાંમાં એક પ્રકારની ધીરજ તેમ જ નિર્ણયશક્તિ હોય છે...ફરી એ જ દાખલો...બહુ દ્રષ્ટાંત એટલા માટે નહીં કે વાંચનકર્તા ઓને આ દ્રષ્ટિભેદને પારખવું સહેલું લાગે...કે આવા પ્રકારનાં વ્યક્તિઓ છોકરી જે છોકરાનાં પ્રેમમાં હશે તેને મળશે તેની સાચી માહિતી મેળવશે અને છો આગળ વધવા યૉગ્ય હોય તો શું કરીને બંને પરિવારોની સંમતિ મેળવી શકાય તેનો વિચાર કરશે અને આખી વાત કોઈ સારા અંત સુધી પહોંચે ત્યાં સુધી તેમાં મધ્યસ્થીની ભૂમિકા પોતાની જ જવાબદારી સમજીને ખૂબજ ખંતથી અને ધીરજથી પૂરી નિભાવશે અને એ જ રીતે આ સંબંધ જો ભવિષ્યમાં યૉગ્ય સાબિત નહીં થાય તો એ છોકરી અને છોકરાને તેઓની લાગણી ન દુભાય તે રીતે જુદા પાડી અને પોતપોતાની મંઝિલ પર પહોંચાડવા પણ એટલા જ ઉત્સાહથી કાર્યરત રહેશે જેટલા ઉત્સાહથી આ લોકોનું લગ્ન કરાવ્યુ હોત,મિત્રો કૉઈપણ ઘટનાના સારા હોય એટલાંજ નરસા પાસા પણ હોય છે જરૂરછે કુનેસ પૂર્વકની વિચારશીલતા ની અને એ જ સાચુ...

હવે આપની સમક્ષ આ વાત મૂકી આપણે આમાંથી કેવી દ્રષ્ટિ કેળવવી તે આપણાં ઉપર છે...વિજ્ઞાન દિવસે દિવસે પ્રગતિ કરતું જાય છે માતાપિતા અને સંતાનો વચ્ચે જનરેશન ગેપ વધતો જાય છે આવા સમયમાં જો આપણે આપણી દ્રષ્ટિ નહીં કેળવીએ તો આપણે પોતે તો પાછળ રહીશું પરંતુ આપણી નવી પેઢી ને પણ સમજી નહીં શકીએ અને સંવાદને બદલે વિવાદ અને સંગતતાની જગ્યાએ વિસંગતતા જરૂર ઊભી કરીશું, મિત્રો બનો તો કોઈકનાં મદદગાર બનજો...તમારી દ્રષ્ટિ કોઈકનાં જીવનમાં પ્રકાશ પાથરે એવું કરજો પરંતુ અંધકાર તરફ ક્યારેય કોઈશે ન ધકેલશો,પોતાશાં ગમા અણગમા અથવા તો પૂર્વગ્રહને લઈને મહેરબાની કરીને ક્યારેય કોઈની આડખીલી ક્યારેય ન બનશો...તમારી દ્રષ્ટિ કોઈને પ્રકાશ પાડે તેવી ઉદાર બનાવજો ક્યારેય કોઈનાં જીવનમાં અંધારુ લાવે તેવું ક્યારેય ન કરશો....

હા ફરી કહું છું કે આ પણ એક સારી શરુઆત જ છે...પુરું ક્યારેય થતું જ નથી બસ સમજણ વિસ્તરતી જાય છે ...

અસ્તુ.....

-અર્ચના ભટ્ટ, પટેલ