Hansa Ramshi books and stories free download online pdf in Gujarati

હંસા રામશી કેસ

હંસા રામશી કેસ

મશીન કરતાં પતરાં, બારી-દરવાજાના કર્કશ અવાજ વધુ આવતા હતા. ઉબડખાબડ રસ્તા પર શરીરના સાંધા છૂટા કરી મુકે એવા થડકાઓ સાથે, રણ જેવા સુકાભઠ્ઠ વિસ્તારમાં એકધારી દોઢ કલાકથી ખખડધજ બસ ચાલી જતી હતી.

જ્યારે હું બસમાં ચઢ્યો ત્યારે ડ્રાઈવર અને કંડકટર સહિત ફક્ત છ વ્યક્તિઓ જ બસમાં હતી. પણ જાણે મારી હાજરીની કોઈને કોઈ જ દરકાર ન હોય તેવું લાગતું હતું.

બસ ઉપડી પછી, ટીકીટનું કામ પતાવીને કંડકટર બેઠો, મને હતું કે થોડીવાર મારી સાથે વાતો કરશે, એને પણ જાણે કોઈ જ પડી ન હોય એમ પોતાનો હિસાબ કરીને ડ્રાઈવરની બાજુમાં જઈને બસી ગયો. હું પણ ઊંઘવાની કોશિશ કરતો રહ્યો.

છેલ્લા કેટલા કલાકોથી બસ ભયંકર અવાજ કરતી એકધારી દોડી જ રહી હતી. ગળું સુકાઈને રણ બની જાય એવી તરસ ઉપરાંત કકડીને ભૂખ પણ લાગી હતી. ન તો ક્યાંય રોડસાઈડ ઢાબા જેવું આવે, ન કોઈ ઝાડનો છાંયો. સાવ અંતરિયાળ વિસ્તાર હતો.

....

અચાનક એક હળવા ધક્કા સાથે બસ ઉભી રહી ગઈ ને મારી તંદ્રાવસ્થા તૂટી.

બસમાંથી બહાર આવીને જોયું, તો એક તદ્દન દેસી ટાઈપની હાઈવે હોટેલ જેવું હતું. આજુબાજુની ખાલી જગ્યામાં સારાં એવાં વૃક્ષો હતાં એટલે ઉનાળાની બળબળતી બપોરે પણ કુદરતી શાંતિ અને ઠંડક મળે એવું અનુભવાયું. આમ પણ, સતત ખખડતી રહેતી બસનો અવાજ બંધ થયો હતો એટલે સૂનકાર તો થઇ જ ગયો હતો.. રીલેક્સ ફિલ થયું. આજુબાજુમાં જગ્યા શોધી, હળવા થઇને ફરી હોટેલ પર આવ્યો.

શું મળતું હશે અહી ? ખાવા જેવું હશે કે નહી ? હોટેલના દીદાર તો લાગતા નથી કે કાંઈ ઢંગની વસ્તુ મળે ! એનીવે, જે મળે એ, થોડું ખાઈએ, એટલે રાહત થઇ જાય.. એમ વિચારીને હું એક ખાટલે બેઠો.

....

જમી લીધા પછીની બસની સફર બહુ કપરી થઇ ગઈ હતી. એક તરફ ઊંઘ આવે, એમાં બસનો અતિશય ખખડાટ, ગરમ લૂ લાગતો પવન.. ઉપરથી ઢાબાનું અતિશય તેલવાળું ને તીખું ખાવાને કારણે એસીડીટી પણ થવા લાગી હતી.

....

લગભગ સાડા છ ની આસપાસ ફરીવાર બસ ઝાટકો મારીને ઉભી રહી. હું ઊંઘરેટી હાલતમાં આમતેમ જોતો હતો ને કંડકટરે કહ્યું, ઉતરો બધાય.. બસ ખોટકાણી..

ઓત્તારી.. હવે ?

હવે જોઈએ.. ડ્રાઈવર કાંઇક સમારકામ કરે તો બસ હાલશે.. બાકી રામરામ.. બેહો.

અહીથી ગામ કેટલું દૂર ?

આઠ-દસ કિલોમીટર જેવું થાતું હશે.. કાં, હાલી નાખવાનો વિચાર છે ? કંડકટર હસ્યો..

હમમમ.. ચાલી જ નખાય, આમ પણ સવારના બસમાં બેસી બેસીને સાંધા જકડાઈ ગયા છે.. પેટમાં પણ કાંઇક હળવું થાય.. એમ કહી મેં ખરેખર ચાલતી પકડી.. કંડકટરને કહેતો ગયો, જો બસ ચાલુ થઇ જાય તો રસ્તામાંથી મને લેતા જજો.. મારી સાથેના ગામડિયા જેવા લાગતા મુસાફરોને જાણે આ રોજનું થયું હોય એમ રોડની ધારે બેસી ગયા હતા.

....

ખભા પર એક શોલ્ડર બેગ સિવાય કોઈ સામાન હતો નહી, પણ એકાદ કિલોમીટર ચાલ્યા પછી એ શોલ્ડર બેગનો પણ ભાર લાગવા લાગ્યો. આખો વિસ્તાર સુકોભઠ્ઠ હતો. ઉનાળાની સાંજ પણ ભારે લૂ વરસાવતી હતી. થોડે સુધી ચાલ્યા પછી એક રડ્યુંખડ્યું ઝાડ દેખાણું તેની નીચે એક પથ્થર પર બેસી, શોલ્ડરબેગમાંથી પાણીની બોટલ કાઢી.

જરા રીલેક્સ થયો.. એકાદી સિગરેટ પણ સળગાવી. કેટલું ચાલ્યો હોઈશ અને હજી કેટલું ચાલવાનું છે એનો કોઈ અંદાજ જ ન હતો. એવું પણ લાગતું નહોતું કે બસ રીપેર થઈને આવશે. હવે તો ચાલીને ગામ સુધી પહોંચવા સિવાય કોઈ જ ઓપ્શન ન રહ્યો..!

જવાનું પણ શેના માટે ? સરકારી કાગળિયાંમાં એક વ્યક્તિની સાઇન લેવા માટે. ફક્ત પાંચ જ મિનીટનું કામ. સાવ બોર્ડર પર આવતું છેવાડાનું ગામ. જ્યાં સુધી પહોંચ્યો નથી ને સાંજ પડી ગઈ છે, હજી તો પહોંચીશ ક્યારે કોણજાણે ! હવે પરીસ્થિતિની ગંભીરતા સમજાવા લાગી.

સાવ છેવાડાનું ગામ છે જ્યાં દિવસમાં એક જ બસ જાય છે. એ જ બસ બીજા દિવસે સવારે પાછી આવે છે. કોઈ રાતવાસાની સગવડતા પણ નહી હોય, બસ હોત તો એના છાપરે સુઈને રાત કાઢી નાખત, પણ હવે રાત્રે શું થશે, કોણ જાણે ! ચાલતો તો થાઉં જ.. બાકી તો અહી જ રાત પડી જશે.. એમ વિચારી હું ઉઠ્યો ને ફરી ચાલતી પકડી.

માંડ સોએક ડગલાં ચાલ્યો હોઈશ ત્યાં પાછળથી કોઈ સંચાર થયાનો સંશય થયો. પાછળ ફરીને જોયું તો દૂરથી એક ટ્રેક્ટર આવતું દેખાયું. ટ્રેક્ટર નજીક આવતાં જ કોઈ યુવાન સ્ત્રીને ટ્રેક્ટર ચલાવતી જોઇને જબરદસ્ત આશ્ચર્યનો ઉછાળો આવ્યો.

મને સડકના કિનારે ઉભેલો જોઇને એ સ્ત્રીએ જ ટ્રેક્ટર રોક્યું ને મને પૂછ્યું.. ગામ જવું છે ? તમારી બસ તો ખોટકાઈને પડી છે.. કેટલું’ક હાલશો ? હાલો.. બેસી જાઓ.

અંતરિયાળ વિસ્તારમાં સામેથી અણધારી મળતી લીફ્ટ, એ પણ એક સ્ત્રી ટ્રેક્ટર ડ્રાઈવર..! લીફ્ટ તો લઇ લીધી, પણ મારી તો વાચા જ હણાઈ ગઈ હતી જાણે.

વચમાં ઘડીક રોકાવું પડશે.. ખેતરે કામ છે.. એટલું કહીને એણે ટ્રેક્ટર ચાલતું કર્યું. ગજબની કૂશળતાથી ટ્રેક્ટર ચલાવી રહી હતી એ સ્ત્રી. સાઈડના વ્હીલના મડગાર્ડ પર બેઠો હું એનું નિરીક્ષણ કરતો હતો. ત્રીસથી વધુ ઉંમર નહી હોય, અસલ ગામઠી, મજબૂત કાઠીનું ચૂસ્ત શરીર, ટીપીકલ ગામડાનો પહેરવેશ ચોલી ઉપર ઓઢણી.. એકદમ આકર્ષક લાગે તેવી છે આ સ્ત્રી.

દસેક મિનીટ રોડ પર ટ્રેક્ટર ચાલ્યા પછી ડાબી તરફ એક ચીલા પર એણે ટ્રેક્ટર વાળ્યું. અંદર અંદર ઘણું ગયા પછી એક ખેતરે ટ્રેક્ટર રોક્યું. અંધારું થવા લાગ્યું હતું.

ઉતરો હેઠા.. ઘડીક બેસો, હું આવી.. એમ કહીને એ ખેતરમાં ક્યાં જતી રહી એ તો ન ખ્યાલ આવ્યો પણ, સામે એક ઓરડી હતી, નાના બલ્બનો ઝાંખો પ્રકાશ હતો. કૂવામાંથી પમ્પ વડે પાણી નીકળતું હતું, ત્યાં જઈને મોઢું, હાથ-પગ ધોયાં. જાણે થાક ઉતરી ગયો એવી લાગણી થઇ.

ગામમાં પહોંચીને સીધી સહી જ કરાવી લઉં, એ આશયથી ઓરડી પાસેના ઓટલે બેસીને બેગમાંથી કાગળો કાઢીને જોવા લાગ્યો. અચાનક પેલી સ્ત્રી સાવ નજીકમાં બોલી ત્યારે એની હાજરીનો ખ્યાલ આવ્યો.

ગામમાં કોને મળવાનું છે ?

હેં..?! હું ચમક્યો હતો.. મારા જવાબની રાહ જોયા વગર એ ફરી બોલી.. સહી કરાવીને પાછા કેમ જાશો ? અટાણે તો કોઈ વાહન પણ નહી મળે..

હું.. હવે.. જોવું.. મારા જવાબમાં મને જ કોઈ કોન્ફીડન્સ ન આવ્યો પણ બીજી જ ક્ષણે હું એકદમ ચમકી ઉઠ્યો હતો ! મારે સહી કરાવવાની છે એ આને કેમ ખબર ? એની સામે જોઈ રહ્યો હતો, અંધારા ખેતરમાં ઝાંખા પીળા પ્રકાશમાં એની આંખ ગજબની ચમકી રહી હતી. હું ભારે ગૂંચવાઈ ગયો હતો.. તમે.. તમને.. કેમ ખબર.. કે મારે સહી..

આ કાગળિયાં જોઈને અનુમાન કર્યું કે સહી કરાવવા આવ્યા હશો. કોની સહી કરાવવી છે ?

હંસા.. કરીને કોઈ છે..

હંસા રામશી ?

હા.. તમે ઓળખો છો ?

એ હસી.. હું જ હંસા રામશી...

ઓહ.. પણ.. હું હજી અચંબામાં જ હતો, ત્યાં એ ટ્રેક્ટર પાસે જઈને તેની નાનકડી પેટીમાંથી પોતાનું આધારકાર્ડ લઇ આવી.. લ્યો.. તપાસી લ્યો..

આધારકાર્ડ બરોબર હતું.. લે.. આ તો સરખું પડી ગયું. ગામમાં જઈને શોધવાને બદલે અહી જ આ મળી ગઈ.

હંસાએ ખેતરની ઓરડી ખોલી નાખી. અહી અંદર બેસો... એટલું કહીને અંદર ટ્યૂબલાઈટ ચાલુ કરી. હવે પ્રકાશ સારો એવો ફેલાઈ ગયો હતો. હું પણ જરા અનુકૂળતા અનુભવતો ઓરડીમાં અંદર પ્રવેશ્યો.

નાનકડી ઓરડી હતી પણ એકદમ સુઘડ, એક પલંગ, એક ખુરશી, એક નાનકડું ટેબલ, સ્ટવ, થોડાં વાસણો, નાનકડો કબાટ, પાણીનું માટલું.. ખેતરમાં રાતવાસો કરવા પૂરતો સરંજામ હતો.. બધું એકદમ વ્યવસ્થિતપણે ગોઠવેલું હતું.

બેસો.. શેની સહી કરવાની છે ?

તમારા પતિ.. મીલીટરીમાં.. બે વર્ષ પહેલાં લડાઈમાં.. (શહીદ થઇ ગયા, એ શબ્દ હું બોલી નહોતો શકતો).. એનું પેન્શન તમને મળે, સરકારી લાભો, જમીન વગેરેની વિધિઓ કરવાના કાગળ છે, વારસદાર તરીકે તમારો હક્ક બને, એના સરકારી કાગળોમાં સહી કરવાની છે. તમે અહી મળી ગયાં એ સારું થયું. અજાણ્યા, સાવ છેવાડાના ગામમાં હું કેમ શોધત તમને !

એ હસતી હતી.. મેં કાગળો તેની તરફ લંબાવ્યા... આમાં જ્યાં જ્યાં ચોકડી કરી છે ત્યાં તમારી સહી કરી આપશો ? એ કાંઈ જ જોયા વગર એ સહી કરવા લાગી. તો પણ હું દરેક પેપર વિશે તેને માહિતી આપવાની કોશિશ કરતો રહ્યો.

બધા પેપર્સ પાછા આપતાં મેં મારો મોબાઈલ નંબર સામેથી આપતાં કહ્યું, મને ફોન કરજો, બધી જાણકારી મળી જશે. તમારી પાસે છે મોબાઈલ ? જો વાંધો ન હોય તો તમારો નંબર પણ આપો. મારે પણ કોઈ કામ અંગે ખૂટતી વિગતો જોઈતી હશે તો તમને ફોન કરી શકું.

હંસાએ કોઈ જ હિચકિચાટ વગર પોતાનો નંબર પણ મને આપી દીધો અને પછી પૂછ્યું.. અટાણે પાછા કેમ જશો ?

હમમ.. એ મોટો પ્રશ્ન છે.. હું માનું છું ગામ પણ એવડું નાનું છે કે ત્યાં કોઈ ગેસ્ટહાઉસ કે ધરમશાળા તો નહી જ હોય..! મારા અવાજમાં ચિંતા હતી એ સાંભળીને એ બોલી. તમને ફાવે તો અહી રોકાઈ જાઓ. સવારે વિચારજો.. અત્યારે ક્યાં જશો ?

હું.. અહી..!! મને કોઈ શબ્દો મળતા ન હતા કે સ્પષ્ટ વિચાર નહોતા આવતા.. પણ સરવાળે એક જ વાત હતી, કે એક તો ગામ સુધી જવું, ઉપરથી ત્યાં કોઈ જ રાતવાસાની વ્યવસ્થા જ નથી એ ચોક્કસ છે. અને આ પોતે જ કહે છે કે અહી રોકાઈ જાઓ. આમ પણ એ તો ટ્રેક્ટર લઈને ગામ જતી રહેશે. એટલે અહી રોકાઈ જવામાં કોઈ વાંધો નથી. સવારે ઉઠીને રોડ સુધી ચાલી નાખું. પછી આવું કોઈ મળી જાય તો પાછો શહેર સુધી પહોંચી જઈશ.. એમ વિચારીને મેં હા પાડી દીધી, એટલે એ ઓરડીના દરવાજાને અટકાવીને બહાર જતી રહી.

દસેક મિનીટ જ થઇ હશે ને મને બહાર અવાજ સંભળાયો.. હંસા તો જતી રહી, બહાર કોનો અવાજ હોઈ શકે અત્યારે ? ખેતરમાં સાવ એકાંત, શાંત વાતાવરણમાં જરા ડર લાગે તેવું થઇ આવ્યું. તો પણ, હિંમત કરીને ઓરડીનો દરવાજો ખોલીને બહાર ડોકિયું કર્યું... અને હું ચમક્યો.

કૂવામાંથી નીકળતા પાણીના ધોધ નીચે હંસા ખપ પૂરતાં કપડાં પહેરીને ન્હાઈ રહી હતી. પાણીમાં તરબોળ, ધગધગતું યુવાન શરીર ચાંદનીના અજવાળામાં અતિશય ઉત્તેજક દ્રશ્ય ઉભું કરી રહ્યું હતું. મારા માટે મોટો પ્રશ્ન એ હતો કે મને અહી સુવાનું કહી ને એ તો ગામમાં જતી રહેવાની હતી.. તો અહી ન્હાવા કેમ રોકાઈ ગઈ હશે ! જે હોય એ.. હું જે રીતે જોઈ રહ્યો હતો એ અયોગ્ય હોવા છતાં જે જોઈ રહ્યો હતો એ દ્રશ્ય અતિશય લલચામણું હતું. ઇચ્છવા છતાં હું મારી નજર હટાવી શકતો ન હતો. મને એમ લાગ્યું એ એ હવે ગમે તે ક્ષણે મારા તરફ ફરશે, એટલે અવાજ ન થાય તેમ દરવાજો અટકાવીને હું ફરી પલંગ પર સુઈ ગયો, આંખ બંધ કરી પણ હંસાને જે રૂપમાં જોઈ હતી એ દ્રશ્ય મારી નજરમાંથી ખસતું જ ન હતું. એ જ પરીસ્થિતિમાં જોયેલ દ્રશ્યનો વિચાર કરતાં ક્યારે આંખ મળી ગઈ એ ખ્યાલ ન રહ્યો.

....

અચાનક જ જ્યારે મારા શરીર પર કોઈનો સ્પર્શ થયો ત્યારે આંખ ખૂલી ગઈ. બારીમાંથી આવતા ચાંદનીના પ્રકાશમાં મને હંસાનો ચહેરો, ચમકતી આંખો એકદમ નજીક નજીક દેખાઈ. બસ, પછીની તમામ ઘટનાઓ સ્વપ્ન જેવી હતી.

....

મોડી રાત્રે હંસાએ ઘણી વાતો કરી, પતિ લશ્કરમાં હતો, લગ્ન પછીના જ દિવસે ડ્યૂટી પર જતો રહ્યો. બીજી રજાઓમાં પાછો આવવાનો હતો એના બદલે એના મોતના સમાચાર અને મૃતદેહ જ આવ્યો. ઘણી વાતોના અંતે મને ઊંઘ આવી ગઈ હતી.

....

ખાસો ઉપર ચઢી ગયેલ સૂર્યનો તીવ્ર પ્રકાશ સીધો મારી આંખો પર આવતો હતો, હું ઝબકીને જાગી ગયો, બે-ચાર ક્ષણો પછી સંપૂર્ણ સભાનાવસ્થામાં આવ્યો પછી ખ્યાલ આવ્યો કે હું તો સાવ નિર્જન, બંજર જમીન પર એક ખંડેર જેવી તૂટીફૂટી ચાર દીવાલો વચ્ચે સુતો છું ! ન કોઈ ખેતર, ન ઓરડી, ન કોઈ પલંગ..! કાલ રાત્રે તો.. હંસા.. એનું ટ્રેક્ટર.. એના ખેતરની ઓરડી.. કાલની રાતની ઘટનાઓ ? સપનું તો ન જ હતું ! હું અહી તો હંસા સાથે એના ટ્રેક્ટરમાં બેસીને જ પહોંચ્યો હતો, એ તો ચોક્કસ વાત હતી !

કાંઈ જ સમજાતું ન હતું. ઉબડખાબડ જમીન પર સુતો હતો એટલે શરીર ભારે જકડાઈ ગયું હતું. પાંચેક મિનીટ પછી મારા મગજમાં કાંઇક વિચિત્ર અકળામણ થાય એવા વિચારો આવવા લાગ્યા. મારી બાજુમાં જ પડેલી મારી બેગ ઉપાડીને હું એકદમ દોડવા જ લાગ્યો. કેટલું દોડ્યો હોઈશ એ ખ્યાલ જ ન આવ્યો, પણ રોડ સુધી પહોંચ્યો એક પથ્થરની ઠોકર ખાઈને પડ્યો. પછી કદાચ હું ભાન ગુમાવતો જતો હતો એટલું જ યાદ રહ્યું.

....

આંખ ખુલી ત્યારે છત પર પંખો ફરતો દેખાયો. મારી આજુબાજુ બે અજાણ્યા ચહેરાઓ દેખાયા. હું જરા ઉઠવા ગયો પણ માથામાં અતિશય સણકા આવતા હતા.

આરામ કરો સાહેબ.. એક ચહેરાનો અવાજ આવ્યો.. તમે રોડની ધારે પડ્યા હતા, હું ત્યાંથી નીકળ્યો ને તમને જોયા.. તમને અહી લઇ આવ્યો. ગામમાં દાકતર તો છે નહી, અમે જ પાટાપીંડી કર્યા.. ત્રણ ચાર કલાક થયા.. તમે આંખ ન ખોલી હોત તો હવે શહેર ભેગા કરવાનું જ વિચારતો હતો.. કેમ લાગે છે હવે ?

એટલામાં એક પ્રૌઢ ઉંમરની એક સ્ત્રી બોલી.. આ લ્યો.. થોડું દૂધ પીવો, હળદરવાળું છે.. સારું લાગશે.. પછી જાત-જાતના પ્રશ્નો થતા રહ્યા.. પણ હું કોઈ જવાબ આપી શકતો ન હતો, હું ફરી પાછો ઊંઘમાં સરી પડ્યો હતો.

....

બીજીવાર આંખ ખુલી ત્યારે ઘણું સારું લાગી રહ્યું હતું. રૂમમાં હું એકલો જ હતો. બારીમાંથી આછું અજવાળું આવી રહ્યું હતું. સવાર હતી કે સાંજ હતી.. સમયનું કોઈ ભાન પડી રહ્યું ન હતું.

પલંગમાંથી ઉઠીને બે-ચાર ડગલાં દરવાજા તરફ ચાલ્યો, ત્યાં જ દરવાજો ખુલ્યો. પહેલીવાર આંખ ખુલી ત્યારે જોયેલ અજાણ્યો ચહેરો સામે આવ્યો..

સારું લાગે છે ને સાહેબ હવે !!

હમમ..હા.. ઘણું ઠીક લાગે છે.. આભાર આપનો.. પણ.. આપની ઓળખ ?

હું અહીનો સરપંચ.. દેવાભાઈ રામશી..

રામશી ! મારા મગજમાં એક સણકા સાથે રામશી શબ્દ ઉછળ્યો.. હું હજી રામશી શબ્દના અંકોડા મેળવવા જાઉં ત્યાં એમણે જ મને પૂછ્યું.. સાહેબ, તમે આ કોર કાંઈ કામે આવ્યા છો ? ગઈકાલ સવારે આમ રોડની ધારે અધવચાળે કેમ પડ્યા હતા ?

ગઈકાલ !! ઓહ.. તો આજ બુધવાર થઇ ગયો ? હું ગઈ કાલનો અહી છું ? હું તો સોમવારે અહી આવવા નીકળ્યો હતો !

લે.. પણ તમારું વાહન ક્યાં ?

વાહન ? ના ભાઈ.. હું તો બસમાં આવતો હતો..

બસ ?? કઈ બસ ? અમારે ગામ ક્યાં કોઈ બસ આવે છે ?

શું વાત કરો છો ? બસ આ જ ગામની હતી.. મેં ખૂદ કંડકટરને પૂછ્યું હતું, રાત્રે અહી પહોંચે ને સવારે એ જ બસ પાછી શહેર જતી રહે.. એણે મને ચોક્ખું કહ્યું.. પણ એ તો બસ રસ્તામાં ખોટકાણી.. એટલે હું..

મારી વાત અડધેથી કાપીને દેવાભાઈ બોલ્યા.. સાહેબ તમારી ભૂલ થાય છે.. બસ અહી આવતી.. પણ એ તો ત્રણ વર્ષથી આવતી બંધ થઇ ગઈ છે.. નાનકડું ગામ, રોકડા ત્રણ-ચાર મુસાફરો મળે.. એમાં સરકારનો ખર્ચ પણ ન નીકળે.. એટલે એ બસ તો બંધ થઇ ગઈ.. તમે કઈ બસની વાત કરો છો ? ને શું કામ માટે અહી આવ્યા છો ? એ તો કહો ?

હું તો સરકારી કામે.. સહી કરાવવા આવ્યો હતો.. બસમાં જ આવ્યો.. તો એ બસ કઈ હશે ? હવે મારા મગજમાં બસ અને રામશી.. એ બે મુદ્દાઓ જબરું કુતૂહલ પેદા કરવા લાગ્યા હતા.

સાહેબ.. તમે નિરાંતે બેસો.. એ સાંભળો.. દેવાભાઈએ એમના પત્નીને સંબોધીને કહ્યું, સાહેબ માટે ચા લઇ આવો.. કાંઇક નાસ્તો પણ લાવજો.. તમે બેસો સાહેબ.. નિરાંતે વિચારો.. પછી સરખી વાત કરો.. બસની વાત તો અમને પણ નવાઈ લગાડે છે.. જો બસમાં જ તમે આવ્યા હો તો એ બસ અહી આવવી તો જોઈએ ને !

ચા સાથે ભાખરી આવી, એ ખાતાં ખાતાં મેં વાત શરુ કરી.. બસની મુસાફરીથી શરુ કરીને હંસા રામશીની સહીઓ લેવાની હતી.. ત્યાં સુધી બોલ્યો, ને હંસા રામશીનું નામ આવતાં જ મારી સામે બેઠેલા દેવાભાઈને એકદમ ચોંકી ઉઠતા મેં જોયા.

દેવાભાઈ બોલ્યા.. હંસા રામશી ! એ તો મારા દીકરાના વહુ..

હા દેવાભાઈ.. બસ ખોટકાણી ને હું ચાલતો થયો, એવામાં તમારાં વહુએ જ મને એના ટ્રેક્ટરમાં બેસાડીને ગામ સુધી લાવવાનાં હતાં, પણ એમને કાંઇક ખેતરનું કામ હતું એટલે ખેતરે રોકાણા. ત્યાં જ એમની ઓળખાણ થઇ, એટલે મેં તો એમની સહીઓ ત્યાં જ કરાવી લીધી. એમણે જ મને કીધું કે રાત્રે તમે અહી ખેતરે જ રોકાઈ જાઓ.. સવારે વળતી બસમાં જતા રહેજો. પણ પછી હું સવારે ઉઠ્યો ત્યારે..

... સાહેબ.. ગજબ વાત કરો છો.. મારો દીકરો લશ્કરમાં હતો, એ ચાર વર્ષ પહેલાં ગુજરી ગયો... એની પાછળ દુઃખમાંને દુઃખમાં વહુ હંસાએ પણ ખેતરમાં કૂવો પૂર્યો.. હવે તમે કહો છો કે હંસાએ તમને...

હવે મારા મગજમાં ધડાકો થયો.. હેં.. કૂવો પૂર્યો ? શું વાત કરો છો ? મારી પાસે સહી કરેલા કાગળો છે.. જૂઓ.. એમ કહી મેં મારી બેગ ખોલી.. એમાંથી કાગળો કાઢ્યા.. ને દેવાભાઈ સામે ધર્યા..

હે માતાજી.. આ શું ? દેવાભાઈ અને એનાં પત્ની એક પછી એક કાગળોમાં હંસા રામશીની સહીઓ જોવા લાગ્યાં હતા..

આમાં તો વહુની સહીઓ છે ? આવું કેમ બને ? ને કયું ખેતર સાહેબ ? એ ખેતર તો વહુના ગયા પછી ત્રણ વર્ષથી ન તો ખેડાણું છે.. ન કોઈ ત્યાં ગયું છે.. સાવ વગડા જેવી હાલત હશે. તમે કઈ ઓરડી જોઈ ?

....

આ વાત સાચી હશે ? હોઈ શકે ને.. હવે મને પણ જરા જરા યાદ આવતું હતું.. જે ખેતરે મને હંસા લઇ ગઈ હતી, એ તો રીતસર ભર્યુંભાદરું ખેતર જ હતું..! હું સભાનાવસ્થામાં આવ્યો ત્યારે તો સાવ ઉજ્જડ-બંજર જમીન પર પડ્યો હતો એવું પણ મને યાદ છે !

મારું મગજ ચક્કર ફરતું હતું... શું કહેતા હતા આ લોકો ! હંસા રામશી.. ખરેખર હતી જ નહી ? તો.. એ રાત્રે...? આટલી હદે અને. મેં જે અનુભવ્યું.. આવો અનુભવ થોડો થાય ? અતિશય આશ્ચર્ય સાથે હવે શરીરમાંથી ભયની લાગણી પણ એક વિચિત્ર કંપનના રૂપમાં બહાર આવવા લાગી હતી. વિચારો આમથી તેમ ફંગોળાતા હતા. એવું લાગતું હતું કે વિચારશક્તિ જ જાણે બેશુદ્ધિમાં જતી રહી છે.

જલ્દી ગામ છોડીને ભાગી જવું હતું, પણ શરીરમાં કોઈ વિચિત્ર પ્રકારની નબળાઈ અનુભવાઈ રહી હતી. આ લોકોએ ઠીક ઠીક મદદ અને સેવા કરીને મને બચાવ્યો.. બાકી કોણજાણે શું થયું હોત ? હંસા સતત નજર સામેથી હટતી ન હતી.. ખરેખર એ મરી જ ગઈ હશે ? તો મેં એને જોઈ.. એ ખોટું ? એનો સ્પર્શ પણ યાદ છે.. ભટકતો આત્મા ?? આત્માનો સ્પર્શ હોય ? ખરું થયું છે ... વિસ્મય અને ભયમિશ્રિત વિચારોમાંને વિચારોમાં હું ક્યારે ઊંઘમાં સરી ગયો એ યાદ ન રહ્યું.

....

કોઈ મારો ખભો પકડીને મને હચમચાવીને જગાડવાની કોશિશ કરતા હોઈ એવું લાગતું હતું.. મારું શરીર સખત તૂટતું હતું. માથું એવું દુઃખતું હતું કે જાણે કોઈએ કોઈ બોથડ વસ્તુનો ઘા ઝીંકીને મને બેભાન કરી મુક્યો હોય. આંખ ખુલી તો સામે કોણ હતું એ કાંઈ સમજાતું ન હતું, કળાતું ન હતું.. કોણ છે એ ઓળખાતું ન હતું.

અર્ધબેભાનાવસ્થામાં મને એટલો જ ખ્યાલ આવ્યો કે કોઈએ મને ઉચકીને કોઈ વાહનની અંદર સુવાડ્યો, પછી વાહનની તીક્ષ્ણ ઘરઘરાટી સાથે કોઈ વાહન ઉપડ્યું હતું.. રસ્તો પણ ઉબડખાબડ હશે, ઉછળતા વાહનમાં શરીર, માથું.. શરીરના એક એક સાંધા ભયાનક દુઃખાવો પેદા કરી રહ્યા હતા. વિચારોના એક પણ તંતુ એકબીજા સાથે સંધાન કરી શકતા ન હતા. વિચારો, મન, ઈચ્છા, શરીર.. મારો કોઈ જ કાબુ ન હતો, હું ફરી ભાન ગુમાવી ચૂક્યો હતો.

....

ઊંડી બેભાનાવસ્થામાંથી તંદ્રા તરફ હું આવી રહ્યો હતો અને મેં નર્સની બૂમ સાંભળી... ડોક્ટર, સત્તર નંબર ભાનમાં આવે છે..

બસ.. ગામડું.. હંસા.. ખેતર.. દેવાભાઈ.. અને હવે નર્સ ડોક્ટર !! કોઈ જ અંકોડા મળતા ન હતા.. બાવડાં પર તીણો દુઃખાવો થયો. ઝાંખું ઝાંખું દેખાઈ રહેલું સફેદ દ્રશ્ય ફરી ભારે ભરખમ પાંપણો પાછળ છૂપાઈ ગયું.

....

આંખ ખુલી ત્યારે સામે દેખાતું ધૂંધળું દ્રશ્ય હવે ધીમે ધીમે ચોક્ખું થતું લાગ્યું. ગળામાં સ્ટેથોસ્કોપ સાથે ડોક્ટર, બ્લડપ્રેશર ચેક કરતી નર્સ.. ઓફીસના બે સહકર્મચારીઓ અને એક પોલીસ ઇન્સ્પેકટર સાથે હવાલદાર !! આ શું છે બધું ?

ઇન્સ્પેકટર.. હી ઈઝ ઓકે નાઉ.. યુ કેન..

ઓહ.. બસ.. ગામડું.. હંસા.. ખેતર.. દેવાભાઈ.. પછી નર્સડોક્ટર.. હવે આ ઇન્સ્પેકટર !!

....

તમે એક ઝાડ નીચે બેભાનાવસ્થામાં પડ્યા હતા.. અમારી પેટ્રોલિંગ ટીમના ધ્યાનમાં આવતાં તમને અહી હોસ્પિટલમાં લઈ આવ્યા. તમારા આઈડી, ઓફીસબેગમાંથી કોન્ટેક્ટ્સ સર્ચ કરીને તમારા કલીગ્ઝને જાણ કરી.. વ્હોટ ઈઝ ધ મેટર.. તમે એ અંતરિયાળ વિસ્તારમાં કેમ પહોંચી ગયા ?

હું.. હું.. સાઈન કરાવવા ગયો હતો.. એક કેઈસ છે, મીલીટરી પેન્શન અને બીજા બેનિફિટ્સનો.. હંસા ર..રા..રામ..શી.. નામ બોલતાં હું ધ્રુજી ઉઠ્યો...

મારો કલીગ બોલી ઉઠ્યો.. પણ એ તો કેઇસ બંધ થઇ ગયો છે યાર.. તું એ ફાઈલ કેમ ઓપન કરે છે ? લાન્સનાયક અરજણ રામશી.. એની પત્ની હંસા.. બંને હયાત નથી. આપણો મહેતા જ એ કેઈસ જોતો હતો.. એના ગામમાં તપાસ પણ કરાવી હતી. ગામવાળા કહેતા હતા કે અરજણ શહીદ થઇ ગયો, ને એની પાછળ એની પત્નીએ આપઘાત કર્યો અને...

એની વાત વચ્ચેથી કાપતાં હું બોલ્યો.. હા.. મને ખબર છે.. હંસાના આપઘાતની વાત આવતા જ મારા હૃદયના ધબકારા વધી ગયા હતા.. પણ પછીનું વાક્ય સાંભળતાં જ મારા હોશકોશ ઉડી ગયા.. મારો કલીગ જે બોલ્યો એ છેલ્લું વાક્ય મને ફરી બેભાન કરી મુકવા માટે પૂરતું હતું..

“ઉપરાઉપર આવી પડેલા આઘાતો સહન ન કરી શકતા અરજણના વૃદ્ધ માં-બાપ પણ એક પછી એક પંદર જ દિવસમાં ગુજરી ગયાં.. એ વાતને પણ હવે બે વર્ષ થઇ ગયાં.. હવે એના કુટુંબમાં કોઈ જ ન રહ્યું બેનિફિટ્સ કલેઈમ કરવા વાળું...”

૦૦૦૦૦

વિરલ વૈશ્નવ

17.10.2017