Atmakathao books and stories free download online pdf in Gujarati

Atmakathao

Name: Parul H. Khakhar

Email: parul.khakhar@gmail.com

4)

‘આત્મકથાઓ’

============

આપણી ખાસિયત શું છે ખબર છે? આપણે આત્મકથાઓને ખટમીઠ્ઠી નવલકથાઓની માફક વાંચી કાઢીએ છીએ.અને વળી એક ઔર ખૂબી પણ જુઓ કે આપણે જાણવા તો છે કોઇના જીવનનાં સત્યો..પણ પચાવવાની તેવડ નથી ! જ્યારે જ્યારે જીવાઇ ગયેલી જીંદગીનાં બેપૈરહન સત્યો સામે આવે છે ત્યારે અનેક શંકાઓ, સવાલો , ખુલાસાઓ, દલિલો કીડી-મંકોડાની કતાર માફક સળવળી ઉઠે છે. અને આ પણ તાજ્જુબી જુઓ….કે નવલકથાકારે એનાં લખાણનાં ખુલાસાઓ/માફીનામાઓ પ્રગટ નથી કરાવવા પડતા પણ એક સાવ સાચુકલી જીંદગીનાં વિધાતાએ લખેલ પ્રકરણો માટે જવાબો આપવા પડે છે !

એક લબરમૂછિયો જુવાન પરદેશ ભણવા જાય, અનેક અગવડો વેઠીને વકીલ બને , સ્વદેશ આવીને વકીલાતની પ્રેકટીસ શરું કરે અને ક્યારે દેશ માટે મરી ફિટવાનું જુનુન ઉપડે કંઇ ખબર જ ન પડે !પરદેશમાં જોયેલા કાળાગોરાંનાં ભેદભાવો સ્વદેશમાં પણ ચચરાટ અપાવતાં હતાં. અહીંયા એમણે ગુલામીની,અસમાનતાની, વાડાબંધીની , અસ્પૃશ્યતાની દિવાલો જોઇ અને ગુંગળામણ અનુભવવા લાગ્યાં.અંતે સ્વરાજ્ય માટે સત્યાગ્રહની લડત શરું કરી.એક સામાન્ય માણસ અચાનક દેશનો હીરો બની ગયો. આ જક્કી,જીદ્દી વાણિયો માત્ર અંગ્રેજોને જ હંફાવતો હતો એવું ન હતું બલ્કે પોતાની જાત સાથે પણ એટલો જ કઠોર હતો.પોતાની પત્ની, બાળકો માટે પણ એ જ સિદ્ધાંતો રહેતાં જે તમામ આશ્રમવાસીઓ માટે હતાં.

આ સફર મોહનદાસથી મહાત્મા થવા સુધીની ! જે લખાઇ અને અમર બની ગઇ..શા માટે? શા માટેઆજે પણ દુનિયાના મોટાભાગનાં શાસકો એ પોતડીધારી માણસના ‘સત્યનાં પ્રયોગો’ વાંચે છે ભલા ! એવું તો શું છે એમાં ? સાવ સરળ શબ્દો છે. ન ભાષાકીય ભરમાર છે,ન અઘરું અઘરું જ્ઞાન છે એમાં ! એકપણ શબ્દ ચોર્યા વગર પોતાની ભૂલો, નબળાઇઓ અને પરિણામોના કિસ્સા કહેતી એ ગાથાની પોતાની એક આગવી મહેંક છે. દરેક ઘટનાનાં સાક્ષી બનીને જ્યારે આત્મકથા લખાય ત્યારે તે સ્પર્શી જાય છે.આ લખનાર એ સ્થાન પર હતા કે જ્યા એમનાં એક શબ્દ પર હજારો..લાખો માથાં કુરબાન થવા તૈયાર હતા. ત્યારે પોતાની નબળાઇઓ વિશે લખવુ..જરા હિંમતનુ કામ કહેવાય નહી ? વેલ…આ બધાં ખરા અર્થમા આત્મકથા જીવી ગયા.

એક મર્દાના ઔરત નામે અમૃતા પ્રીતમ જેણે જીવનની તમામ કડવાશ પી લીધી અને પંજાબી સાહિત્યને દુનિયાભરમા અમૃત બનાવી દીધુ! શું હતુ એની આત્મકથામાં અથવા શું ન હતું ? કે આજ પણ એ પુસ્તકની નકલો અપ્રાપ્ય રહે છે !એક જીવાયેલુ ધારદાર સત્ય કે જે એમની પેઢીઓને ક્યારેય સ્વીકાર્ય ન હતુ ! અરે…આજે પણ..કઇ સ્ત્રી એવું કહી શકશે કે મારા પતિથી થયેલ બાળકનો ચહેરો અદ્દલ મારા પ્રેમી જેવો થાય એ માટે મે નવે નવ મહિના પ્રેમીનું ચિંતન-મનન કરીને મેં મનગમતો પુત્ર પ્રાપ્ત કર્યો ! કે કોણ કહેશે કે હું મારા પ્રેમી ની પીધેલી,,, અર્ધી બળેલી સીગારેટોનાં ટુકડાઓ સાચવી રાખતી અને જાનલેવા તન્હાઇઓમાં એ ટૂકડાઓ સળગાવીને પીવામા એ સ્પર્શનો અનુભવ કરતી જે હકીકતમા નથી કર્યો ક્યારેય ! અને એ સ્ત્રીએ પોતાના મનગમતા પુરુષ માટે લખેલા સંદેશાઓ જ્યારે પુસ્તક્ સ્વરુપે પ્રગટ થયા અને અકાદમીનો પુરસ્કાર મળ્યો ત્યારે જગ આખાની સામે કહે છે..કે જેનાં માટે લખાયા છે એણે જ ન વાંચ્યા..હવે પુરસ્કાર મળે તો પણ શું ? એ સ્ત્રીએ સમાજનાં બેવડાં ધોરણો ક્યારેય ન સ્વીકાર્યા. એ પરિણીત હોવા છતાં અન્ય પુરુષનાં પ્રેમમાં પડે છે ત્યારે પતિ પાસે નિખાલસ કબુલાત કરે છે કે જો હું તમને મન ન આપી શકતી હોઉ તો તમારી સાથે રહી તમને પીડા ન જ આપી શકું.અને એ સ્ત્રીએ પતિને લગ્નબંધનમાંથી મુક્ત કર્યા. કોઇ જ કડવાશ વગર છૂટાં પડ્યાં પછી પણ જોડાયેલાં રહ્યાં.’ઐસા ભી નહી કે સલામ તક ન પહુંચે !’

જે પુરુષ માટે ઘર છોડ્યું એ તો કોઇ બીજી સ્ત્રી સાથે જોડાઇ ગયો છે એ જાણ્યાં પછી તન મનથી ભાંગી પડેલી આ સ્ત્રી પોતાની તમામ તાકાત સાથે ફીનીક્સ પક્ષીની જેમ ફરી બેઠી થાય છે અને શબ્દયાત્રા આગળ ધપાવે છે. જીવનનાં એક પડાવે પોતાનાથી અડધી ઉંમરનાં પુરુષ સાથે મુલાકાત થાય છે અને બન્ને પોતાના સંબંધોને કોઇ નામ આપ્યા વગર છેક સુધી સાથે રહે છે કોણ કહી શકે આવા સત્યો? અને આ તો પોતાની શરતે/જોખમે જીવાયેલી જીંદગી અને એની ચૂકવેલી લોહીઝાણ કિંમતોની વાત છે ! એક વખત અમૃતાજીને પુછાયુ કે તમારી વાર્તાની નાયિકાઓ ઘર કેમ છોડી ( તોડી ) દે છે ! ત્યારે બહુ સરસ જવાબ અપાયો….કે આજ સુધી ઘણાં ઘર સમાજના હાથે તૂટ્યા..હવે થોડા સત્યના હાથે તૂટવા દો ! આ મિજાજ…આ તણખો…હોય ત્યારે આત્મકથા લખાય તો જ સાર્થક થાય

. અને એક બીજો મરદ નામે ચન્દ્રકાંત બક્ષી કે જેની બદૌલત આ કલમમાં થોડીક હુશિયારી ( બધા જ અર્થોમા :P) આવી છે! આ માણસ લોબાનની જેમ બળ્યો છે જીવનભર એક આગ..એક તણખો .. વિચારોમા, જીભમા અને કલમમાં લઇને ! ઇશ્વરની પણ સામે થઇ જનારો આ ભાયડો માણસોની બદનિયત, રમતો અને કાવાદાવાનો શિકાર બન્યો ! ધૂંધવાતો રહ્યો, છટપટાતો રહ્યો, ઘુરકતો રહ્યો…ત્યારે દિકરી રીવા એ કહ્યુ’ પાપા હવે તમે આત્મકથા લખો..સ્વાસ્થ્ય સારુ રહેશે.’અને લખાય છે ‘બક્ષીનામા'( નામ જ કેવું ભવ્ય ! )સંઘર્ષો..કસોટીઓ..મુર્ખામીઓ..વાયડાઇઓ અને મગરુબીની બેનકાબ વાતો પોતિકી સચ્ચાઇની શાહીથી લખ્યું અને…ચાહકો પાગલ થઇને વાંચે છે ..આજે પણ.વારંવાર ! રેઝર બ્લેડ જેવી ધારદાર કલમથી દિલ ફાડીને લખ્યુ આ માણસે ! દોસ્તોની બેશુમાર દોસ્તી વિશે,દુશ્મનોની હલકાઇ વિશે ! બેનકાબ કર્યા અનેક ચહેરાઓ અને દંભો ! હાર, થકાન , તૂટન, જલન વિશે પણ ખૂમારીથી લખ્યુ જે અદાથી જીવાયું..એ જ અદાથી લખાયું !જે તે વાર્તાના ફલાણા નંબર માટે અમુક ની સાથે સહિયારો પુરસ્કાર મળ્યો ત્યારે માનભેર ઠૂકરાવી દીધો ! એ કંઇ લોકોનો, લોકો માટે કે લોકો વડે લખતો લહિયો ન હતો એ તો જબરો ‘હુંકારી ‘ માણસ !! પોતાના અભિમાનનું પણ એને અભિમાન હતુ બોલો !

અને હજુ એક લેખિકા યાદ આવે છે…ખરા અર્થમા ભાયડી !! નામ તસ્લિમા નસરીન..બંગ્લાદેશની નાગરિક ! આ સ્ત્રીએ પોતાની આત્મકથાઓ લખી છે એક નહી પુરી સાત સાત ભાગોમાં અને મોટાભાગની બાંગ્લાદેશમા બાન થઇ છે ! કેમ વારુ ? શું લખ્યુ છે એવુ તો એણે? એણે દંભી ધાર્મીકોને પોતાની કલમથી નગ્ન કર્યા ! સમાજના નામે ,ધર્મનાં નામે,રિવાજોના નામે,.નિયમોનાં નામે ચાલતા બધાં જ જુઠ્ઠાણાઓ બેનકાબ કર્યા છે અને આ ગુના સબબ એ દુશ્મન બની ગઇ સમાજના ઠેકેદારોની ! અને એક બીજી વાત.પુરુષ જ્યારે પોતાની આત્મકથામાં પોતાના આડા/ઉભા/ ત્રાંસા સંબંધોની વાત કરે છે ત્યારે તે પ્રમાણિક અને પારદર્શી કહેવાય છે જ્યારે આ સ્ત્રી આવુ કહે છે ત્યારે એને નફ્ફટ કહેવાય છે..બદચલન કહેવાય છે ! એની આત્મકથાનાં પુસ્તકોની જાહેરમા હોળી થાય છે ! તેના પર બાન મુકાય છે ! ત્તેના પુસ્તકોને કોઇ પ્રકાશક/વિક્રેતા ન મળે એનો પુરો બંદોબસ્ત કરવામા આવે છે ! વળી એ જ પુસ્તકોને ચોરીછૂપી છાપીને પૈસા કમાઇ લેવામાં આવે છે અને પેલી સ્ત્રી કશું જ નથી કરી શકતી. આ સ્ત્રીને બાંગ્લાદેશ સરકારે તડીપાર કરી છે શા માટે ? કારણકે એણે પોતાના જીવનની..સમાજની સચ્ચાઇને જાહેર કરી છે !

સાલ્લુ આ કેવું કહેવાય કે જે તે વ્યક્તિ અમુક રીતે જીવે છે તે બધાં જ જાણતા હોય,કાનાફૂસી કરતા હોય,આંખો મીંચકારીને,તાળી દઇ દઇને એની કુથલી કરતા હોય પણ મોઢા પર કહેવાની હિંમત ન હોય ! પણ…પણ..પણ….જો એ વ્યક્તિ ખુદ ડંકેકી ચોટ પર લખી નાંખે આત્મકથા અને કહી દે કે હુંઅમુક તમુક રીતે જીવુ છું .આ મારી જીંદગી છે ! અને ત્યાંતો ઝંડાધારીઓ ઉમટી પડે, સમાજના ઠેકેદારો જીવવુ મુશ્કેલ કરી દે! ત્યારે લખનારો વિચારમાં પડી જાય કે સાલ્લુ…જે-તે રીતે જીવવું એ ગુનો નથી પણ એ પોતે જાહેર કરવુ એ ગુનો છે ! કમાલ છે ને ?

વેલ…આ આપણે જ છીએ જેને સમાજ કહેવાય છે. દોગલા..ખંધા..દંભી !! જે અમૃતા પ્રીતમને અનેક એવોર્ડ થી સન્માન્યા એમના માટે જ ડીક્ષ્નરીના ખરાબ મા ખરાબ શબ્દો વાપર્યા !!જે બક્ષીને મરદનું બચ્ચુ કહીએ એને જ અમુક પ્રકારની ‘વાર્તા’ લખવા બદલ જેલમાં મોકલીએ !!!જે તસ્લીમાની આત્મકથાની પાયરેટેડ કોપીઓ છાનીછપની વાંચીએ એની જ જાહેરમાં હોળી કરીએ !! તો પણ આ ચિંગારીઓ હર યુગમા જલતી રહે છે આપણે ઠારી નથી શકતા…જ્યારે જ્યારે નવી કસોટી…નવો વિવાદ આવે ત્યારે આ નરબંકાઓ કહેતા…

‘તું ફિર આ ગઇ ગર્દીશે આસમાની ? બડી મહરબાની ! બડી મહરબાની ‘

–પારુલ ખખ્ખર