Aghru Chhata Agatyanu Manomanthan books and stories free download online pdf in Gujarati

અઘરું છતાં અગત્યનું - મનોમંથન

નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : dhara2402@gmail.com
Mobile : 9408478888

શીર્ષક : અઘરું છતાં અગત્યનું - મનોમંથન
શબ્દો : 2070
સજેસ્ટેડ શ્રેણી : પ્રેરણા / ધાર્મિક

1.એક સત્ય

ભક્તિ કરવી મને ગમે છે તે મારા જીવનનું એક સત્ય છે... પણ એ ભક્તિ એ જ આજ આંખો ખોલી... જ્યારે પૂજાપાઠ કે કે મંદિર વાળી રૂમનું કોઈપણ કામ કરવા બેસુ ત્યારે ન તો મને પંખા વગર કે એસી વગર ગરમી લાગી છે ક્યારેય ન ક્યારેય એવો અહેસાસ થયો છે કે મને અમુક વસ્તુ વગર નથી ચાલતુ.... જ્યારે રુમ સાફ કરવા કાઢું ત્યારે તો લગભગ ત્રણ ચાર કલાક નિકળી જાય છતાં ગરમી ઠંડી એવો કોઈ અહેસાસ મને ડિસ્ટર્બ નથી કરી શક્યો... અને ભગવાનની રૂમની બિલકુલ સામે જ મારી રૂમ... અંદર પ્રવેશું કે તરત જ એસી નથી ચાલુ ??? કેટલી ગરમી છે આવા બધા વાક્યો સામાન્ય નહીં પરંતુ આક્રોશવાળા સ્વરમાં જ સાંભળવા મળે મારા સ્વમુખે....

એટલે એક વાત એવી ઊંડે ઊંડે સમજાય છે કે ઈશ્વર જ્યાં સુધી હૃદયે હશે દંભ નથી પ્રવેશતો આપણાંમાં... પછી એ મંદિરની રૂમનાં સ્વરૂપે હોય કે અન્ય કોઈપણ સ્વરૂપે... કાયારેક કોઈક એવા કાર્યમાં હોઈએ કે આવો દંભ આપણને યાદ પણ ન આવે... અને વિચારજો ધ્યાનથી આવું બનતું હોય છે લગભગ બધાંની જ સાથે હોં.... અને એવે વખતે આપણે ખરેખર આપણાં 'સ્વ' માં... આપણાં માંહ્યલાંમાં હોઈએ છીએ અને એટલેજ ભૌતિકતાથી પર થઈ શકાય છે અને બધું જ સરસ... બધું જ ચાલે એવું અનુભવી શકાય છે...

હવે વાત કરું મર્મની આવી કંઈ કેટલીયે વાતો છે જેના પર ખરેખર વિચારવા માટે આપણી પાસે સમય નથી હોતો, ખરેખર અઘરૂં છે છતાં જો એકવાર વિચારીએ તો આ મનોમંથન પણ ગેરવ્યાજબી તો નથી જ હોં દોસ્તો.

2. કૃષ્ણં શરણં પ્રિય મમ

કૃષ્ણ..... મારા જીવનનું પ્રિય પાત્ર, કારણ ચોરી કરીને માખણ ખાવાની એની માસૂમિયત, અને એક હૃદયસ્પર્શી વાત કે હૃદયનું કહ્યુ કરો, માખણ ખાવું છે - ચોરી લીધુ ને ખાઈ લીધુ, એમાં શું ? અને એનો સરળતાથી સ્વીકાર

એજ રીતે ગોપીઓનાં વસ્ત્ર ચોરીને છૂપાવી દે તેટલી નટખટાઈ અને છતાં દરેક ગોપીઓ એની સમક્ષ નગ્ન આવી શકે તેટલી બધી એની સહજતા અને નિષ્કામ એનો સ્વભાવ.

પ્રેમ કરવો તો એ પણ એવો કે કૃષ્ણની કૃપા જોઈતી હોય તો પ્રથમ રાધાસ્મરણ કરવું પડે, અને કેટલી નિર્દોષતા એ સંબંધમાં કે જગજાહેર અને છતાં કોઈ કલંક નહીં.

સામાન્ય મનુષ્ય જેવું એનામાં કંઈ જ નહીં અને છતાં પણ વૃંદાવનમાં ઉઘાડપગે રખડવું... ગાયો ચરાવવી... માથે ફેંટો બાંધ્યો ત્યારે જે મોરપિચ્છ હતુ સુવર્ણમુકુટમાં પણ તે જ મોરપિચ્છ કોઈ ભૌતિકવાદ નહીં.

કૃષ્ણવિશે જો વાત કરવા બેસીએ તો કંઈ કેટલુંય હજુ કહી શકાય, કારણ જેણે જેણે એને સેવ્યો છે તે દરેકને અને જે રૂપમાં આપણે એને ઈચ્છિએ તે રૂપમાં એ આપણને પ્રાપ્ત છે જ, જરૂર છે બસ આપણી દ્રષ્ટિ વિકસાવવાની.

ખરેખર આપણાંમાં એટલી નિર્દોષતા ખરી કે કરેલ ચોરીનો સ્વીકાર કરી શકીએ ? શું કોઈને કરેલો પ્રેમ નિષ્કામ ખરો ? કે પછી એટલી સહજતા ખરી કે દુન્યવી નજરમાં તુચ્છ હોય તે પણ જો આપણને પ્રિય હોય તો તે આપણાં જીવનનું મોરપિચ્છ બનીને રહે ? પોતાની અંગત વ્યક્તિઓને બાદ કરતા અન્ય કોઈ મા બહેન પર શું આપણી હર સમય સારી નજર જ રહી શકી ? પોતાના જ માંહ્યલાને આ બધા પ્રશ્નો એકવાર પૂછી જોવા અને દરેક જો જવાબ જો હા માં આવે તો સમજવું કે ઈશ્વર આપણી સાથે જ છે અને જો આવું જીવન જ હોય આપણું તો વિશેષ ભક્તિ કરવાની આપણને જરૂર રહેતી નથી.

બહુ વિચાર માંગી લે તેવી વાત છે, આટલા બધા મનોમંથન પાછળનો એક જ મુદ્દો 'સત્ય' - હા દરેક અસત્યને પણ સત્ય હૃદયથી જીવવાની તાકાત જ કૃષ્ણને એના મનુષ્ય જન્મમાંથી મનુષ્ય અવતાર તરફ લઈ ગઈ. અસત્ય ઘણાં છે પરંતુ એનો સ્વીકાર કરવાની નૈતિકતા દાખવનાર કેટલા ? કદાચ હું પણ હોઈશ કે નહીં નથી જાણતી, આ પ્રશ્ન વર્ષોથી વણ જવાબ્યો જ રહ્યો છે અને કાયમ જવાબ વિહોણો જ રહેશે શું ?

શું માત્ર એક જ નિયમ આપણે અપનાવી લઈએ કે સત્યને ન છોડીએ, તો આપણી ચોરીઓ નિર્દોષ બને, પ્રેમ કલંકરહિત રહે અને આચરણ નિષ્કામ, પછી બીજુ હાંસિલ શું કરવાનું ? ઈશ્વરકૃપા આપોઆપ જ થશે, ઘણાંને લાગે કે ખૂબ ભાષણ થયું પરંતુ આ બસ મારા મનથી નિકળેલી ટીસ માત્ર, કોઈ બાંધછોડ નહીં.

અસ્તુ,

3. શ્રધ્ધા અને તર્ક

॥यस्य दैवे परा भक्तिर् यथा दैवे तथा गुरौ॥

અર્થાત્ જેઓ ઈશ્વર તેમજ ગુરૂ બંનેમાં શ્રધ્ધા ધરાવે છે તેમને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થાય જ છે.

અને એ જ રીતે જે મનુષ્યના સ્વયંમ્ માં અહંકાર ભરેલો છે તે પોતાનાં કર્મ તેમજ ચર્મચક્ષુથી સદાને માટે અંધ જ રહે છે. વિનમ્રતા અને વિવેક તેમજ ઈશ્વર પ્રત્યે અખંડ વિશ્વાસ તેમજ ગુરૂમાં શ્રધ્ધા હશે તે મનુષ્ય દુર્લભમાં દુર્લભ એવું જ્ઞાન પણ ક્ષણમાં મેળવી શકશે.

કોઈએ સાચુ જ કહ્યુ છે કે "શ્રધ્ધા નો હો જો વિષય પુરાવાની શી જરૂર, કુરાનમાં તો ક્યાંય પયગમ્બરની સહી નથી" અર્થાત જ્યાં શ્રધ્ધા ધરવાની હોય ત્યાં નાહક તર્ક કરવો નહીં કે ન ખોટા અહંકારમાં રાચવું કારણ પતનની શરૂઆત ત્યાંથી જ થતી હોય છે, અને શ્રધ્ધા ત્યાં જ સંભવ છે જ્યાં મનુષ્યને પોતાની ભક્તિ અને પોતાના ઈશ્વર પ્રત્યે અખંડ વિશ્વાસ હોય.

તમે ઘણીવાર જોયું હશે કે ઘણાં લોકોની મોટી મોટી ઓળખાણો હોય છે, કે કોઈપણ કામ કઢાવવું તેના માટે ચપટી વગાડવા જેટલું સરળ હોય પરંતુ તેમ છતાં ન એને સારી ઊંઘ નસીબ હોય છે ન સંતોષ, જ્યારે અમુક વર્ગ ખૂબ જ સામાન્ય પરિસ્થિતિમાં જીવતો હોય છે અને એને લગભગ કોઈપણ બાબતે ફિકર રહેતી નથી કારણ એનો ગુરુમંત્ર એક જ હોય છે કે રામ રાખે તેમ રહેવું , આવા મનુષ્યને તો રસ્તા પરના બાંકડે પણ શાંતિથી ઊંઘ આવી જશે. હા આ એક જ ફર્ક છે શ્રધ્ધા અને તર્કની વચ્ચેનો.

જેમ ઈશ્વર આપણને ઊંઘાડે ત્યારે આપણે એવી ચિંતા કે તર્ક કરતા જ નથી કે કાલે ઊઠીશું કે નહીં અને એટલે જ આપણે આ સત્ય ને બહુ ધ્યાને નથી ધરતા, કે પરોક્ષ રીતે આપણો વિશ્વાસ એ ઈશ્વર પર રહેલો જ છે તો શા માટે હૃદયથી એનો વિશ્વાસ ન કરવો ? જ્યારે સમજી શકીશું કે જે કંઈ આપણી પાસે છે તે સઘળુ એનું જ આપેલુ છે ત્યારે કોઈ ચિંતા નહીં રહે.

શ્રધ્ધા અને વિશ્વાસનો એક બીજો દાખલો, ગુરૂવચન પર શ્રધ્ધાનો. શબરીને તેના ગુરૂના કહેલ વચન પર વિશ્વાસ કે એક દિવસ બારણે રામ આવશે અને બિચારી કરે શું? કંઈ જ નહીં રોજ રામની પ્રતિક્ષાથી સભર એના દિવસો પસાર થતા જાય પંપા સરોવર, આજુબાજુની વનરાજી અને પશુપંખીઓ આના મૂક સાક્ષી. શબરી રોજ બોર ભેગા કરે એ ય પાછાં એઠાં રખેને ખાટા બોર રામને ન ભાવે, અબુધ એવી શબરીને મન કોઈ તર્ક નહીં કે એઠાં બોર રામ ખાશે કે નહીં ખાય, ગુરૂના વચનપર વિશ્વાસ કરવો કે નહીં, એવો તર્ક પણ નહીં કે રામને બોર ખાવા હશે કે નહીં પણ હા એના મનમાં એક જ શ્રધ્ધા કે રામ આવે ને મીઠાં બોર ખાય, શ્રધ્ધા ફળી, રામ આવ્યા, અને જેના હાથના સ્પર્શ માત્રથી ખાટાબોર પણ મીઠા થઈ શકે તે રામે શબરીના એઠાં બોર આદર સહિત ખાધાં. આ બોર રામનાં પેટમાં ઊતર્યા અને એનાં તૃપ્તિનાં ઓડકારે શબરીને સઘળું જ્ઞાન લાધ્યુ, આ તે કેવો ચમત્કાર?

હું ય સામાન્ય માણસ છું તર્ક પણ મનમાં ઊઠે જ છે , કળિયુગનો પ્રભાવ, પરંતુ આટલા મનોમંથન ના અંતમાં એક જ વાત કે તર્ક છે તેને તર્કની મર્યાદાપૂર્વક જ સિમિત રહેવા દઈએ કારણ આપણા અંહંકારને લઈને ઈશ્વરીય તત્વ છે તે ક્યારેય ન હોયું નથી થવાનું. શ્રધ્ધા હશે તો સમગ્ર સૃષ્ટિ પ્રત્યે પ્રેમ દાખવી શકીશું અને એક હૃદયથી કરેલો દરેક વસ્તુ, વ્યક્તિ કે સૃષ્ટિને કરેલો પ્રેમ ઈશ્વર સુધી પહોંચે જ છે.

અસ્તુ,

4. સ્વ સાથેની લડાઈ

હમણાં જ એક વડીલનાં મુખે સાંભળ્યું કે :

"જ્યાં સુધી સુખાંત ન આવે ત્યાં સુધી અંત આવ્યો એમ કહેવાય જ નહીં એ સિવાયની દરેક પરિસ્થિતિ એટલે વાર્તા ક્રમશ: ની પરિસ્થિતિ સમજવી"

કેટલી મોટી વાત, એક નાનકડા વાક્યમાં જ સમાઈ ગઈ, જાણેકે ઢળવું હતું ને ઢાળ મળ્યો.

હા... મનમાં એક વાત હતી કે જ્યારે સ્વ સાથેની લડાઈ ચાલતી હોય ત્યારે સમજવું કે સત્ય આપણી સાથે છે કારણ ન સત્યથી પીછો છોડાવી શકાય છે ન સામાજિક મુખૌટો પહેરી શકાય છે અને એટલે જ આપણે સત્યથી લડતા હોઈશું એટલે કે સ્વ સાથે લડતા હોઈશું કદાચ અને એ જ રીતે જ્યારે સ્વ સાથે હારી બેસીએ છીએ ત્યારે સમજવું કે ઈશ્વર આપણી સાથે છે, મારું માનવું આવું બસ એક જ કારણથી થયું કે સ્વ સાથેની લડાઈ હંમેશા હૃદય અને મગજની વચ્ચેની જ હોય છે, હૃદયમાં સત્ય સિવાય ક્યારેય કંઈ જ નહીં આવે આવો મારો અખંડ વિશ્વાસ છે અને મગજ છે તે દરેક પરિસ્થિતિને મેક અપ ની જેમ સારુ દેખાડવાની જ તમા મા હોય છે એટલે જ્યારે સ્વની લડાઈ થાય ત્યારે મોટાભાગે હૃદયપર મગજને હાવી થઈજતા વાર નથી લાગતી પરંતુ જ્યારે આ બધી વિડંબણામાં હૃદયની જીત થાય.

આપણાં સ્વની લડાઈમાં સર્વ હથિયાર હેઠાં મૂકાઈ જાય અને તેનો સુખદ અનુભવ આપણાં સમગ્ર અસ્તિત્વને થાય ત્યારે સમજવું કે ઈશ્વર આપણી સાથે છે જ. સત્યની જીત એ જ ઈશ્વરનો આપણી સાથેનો સાથ છે.

ઘણીવાર હૃદયના નિયમો અને ફેંસલામાં ભૌતિકતાની હાર છુપાયેલી હોય છે શું થશે અને કેવુ લાગશેનાં અનેક જટિલ પ્રશ્નો હોય છે છતાં રામ રાખે તેમ રહીએ. ઈશ્વર ઈચ્છા બલિયસી જેવાં અનેક શ્લોગનો આપણાં સત્યની સાથે ઊભા રહે છે અને હોય છે એક સુખાંત, કારણ સત્ય જળવાયુ. કદાચ વાર્તા અધૂરી રહી હોય તો તે પૂરી થવા ઉપર જરૂર જશે જ પણ તેને સત્યનો સાથ મળ્યો તેમ જાણવું.

બીજી એક વાત થોડી થોડી હૃદયમાં આવે છે કે આપણે સૌ કોઈ કર્મનાં બંધનોથી બંધાયેલાં જ હોઈએ છીએ, અને એટલે જ જ્યારે પણ જે કંઈ થાય તે સારા માટે જ થાય છે તેમ જાણવું અને આ બધી જ પરિસ્થિતિની ઉપરવટ જઈને આપણે જ્યારે સ્વ સાથે લડવાની હિંમત રાખીએ છીએ અને સ્વ સાથે હારી જવા છતાં જે સુખનો અનુભવ કરીએ છીએ તે જ ઈશ્વરની હયાતીના હસ્તાક્ષર છે તેમ જાણવું. કારણ સત્યનો જ્યાં વિજય છે ત્યાં બધે જ ઈશ્વર વ્યાપ્ત છે.

અસ્તુ,

5. મહેનત -નસીબ

ઘણીવાર એવું થતું હોય છે કે આપણને જોઈતું હોય તે સઘળું આપણને પ્રાપ્ત નથી હોતું, કોઈકવાર આપણે આપણાં નસીબને તો વળી કોઈકવાર ઈશ્વરને એ માટે જવાબદાર ઠેરવી દઈએ છીએ તો પ્રશ્ન માત્ર એટલો કે આપણાં હકનું અગર હોય તો ઈશ્વર આપણને જે-તે વસ્તુથી વંચિત રાખે ખરો ?

કોઈક લોકો જેઓ માત્ર અને માત્ર જાત મહેનત માં જ વિશ્વાસ ધરાવે છે તેઓ કહેશે કે મહેનત કરો તો સર્વ વસ્તુ હાથવગી જ છે, તો વળી કોઈક વર્ગ એવો પણ હશે જે કુંડળી બતાવી આવશે.. જે-તે વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત સિવાયના દરેક નુસખાં કરવા તૈયાર હશે પરંતુ માનો કે આ બે માંથી એક પણ ઉપાય કારગત ન નિવડે તો ?

છે કોઈ જવાબ ? લગભગ બધેથી એક જ જવાબ મળશે કે એ તો જેવા જેના નસીબ. ઈશ્વરને દુહાઈ પણ આપવામાં આવશે અલા ભલા માનુષ જ્યારે - જ્યારે ખૂબ સુખમાં રહ્યો ત્યારે જે ઈશ્વરને દોષ આપે છે તેનો આભાર માન્યો ખરો ?

કબીરનો દોહો છે કે...

" दुःख में सुमिरन सब करें, सुख में करे न कोई;
जो सुख में सुमिरन करे तो दुःख काहेको होई।"

બસ જો આ વાત ગળે ઉતરી જાય ને તો પછી કંઈ વિચાર હેતુ બાકી જ ન રહે...કોઈ એક મહાસત્તા તો એવી છે જ જે આપણને સૌને રક્ષે છે અને વખતે બક્ષે પણ છે, અને કંઈક ન મળવા પર આપણે એ જ મહાસત્તા કે જેને આપણે ઈશ્વરનાં નામથી ઓળખીએ છીએ તેને બસ દોષ ઉપર દોષ આપતાં જ રહીએ છીએ... અને જો આ બધામાંથી આપણે નવરા થઈ શકીએ તો પછી ઈશ્વરને બાંધવાની વાતો કરીશું કે જો તું મારુ આટલું કામ કરે તો મારે પણ તને એમ કાંતો દીવા - આરતી - પ્રસાદ - જાત્રા અને એથીય વિશેષ વિધિવિધાન, પણ આ બધાંથી પર ઉઠીને શું એક જ કામ ન થાય કે ઈશ્વર પર અડગ વિશ્વાસ અને એની સાથે આપણી મહેનત ભળે ?

અલા આ ઈશ્વર ને ખરેખર આ બધી બાબતે આપણે શું સમજીએ છીએ તે આપણે જાણી લેવાની જરૂર છે. ઈશ્વર એટલે એવું કહેવાય કે જગતપિતા. અને એ જ રીતે અગર કોઈ માતાજીનાં નામની શ્રધ્ધા હોય તો આપણી માતાની જેવી અનેકો માતાની પણ ઉપર એવી જગતજનની તો પછી જગતપિતા કે જગતજનની પાસેથી કંઈક જોઈએ તો યાચના શા માટે જિદ્દ કેમ નહીં ? ક્યારેય એવું સાંભળ્યું છે કે પોતાની માતાને કે પિતાને આપણે શરત કરી હોય કે તમે ચોકલેટ અપાવો તો હું પ્રસાદ ધરાવીશ - ના - જીદ્દ કરી હોય આપણે કે ના મારે તો ચોકલેટ જોઈએ જ છે. એ જ રીતે મનુષ્ય જન્મ લીધો એટલે આપણને એટલું તો નક્કી જ છે કે મરીએ નહીં ત્યાં સુધી શ્વાસ ચાલવાનાં જ છે અને એજ રીતે આપણાં જન્મ પહેલાં આપણી ઘણી વ્યવસ્થાઓ તો થઈ જ ગયેલી છે, બાકી આપણાં સ્વપ્નાઓ કે ભૌતિક જરૂરિયાતોને પૂરી કરવાની આપણી ખ્વાહિશો એ આ ચોકલેટ જેવી જ છે એનાં માટે ઈશ્વર પાસે જીદ્દ કરવી પડે કે ઈશ્વર તને કરવાનો શું ? તારે મારી ઈચ્છા પૂરી કરવી જ પડશે. જીદ્દ કરો બાળક બનીને અને ઈશ્વર તમારી હર એક ઈચ્છા પૂરી કરશે. એ માટે નો પ્રયત્ન કરવાનું માનસિક બળ પણ એ જ ઈશ્વર તમને આપશે અને તમને પુરુષાર્થ કરવાની પ્રેરણા આપોઆપ માંહ્યલાંમાંથી અનુભવાશે. બસ જરૂર છે કે જ્યાં બાળક છીએ ત્યાં બાળક બનીને જ રહો અને ઈશ્વરને ચિંતા કરવા દો..

અગર કોઈ એક બાબત આપણી ઈચ્છા મુજબ નથી થતી તો એ માટે આપણે શરમાવાની પણ જરૂર નહીં જેણે આપણને એનાથી વંચિત રાખ્યા તે ઈશ્વર જ શરમાય કે અરે મારા પર અડગ વિશ્વાસ રાખનારને મેં કંઈક મેળવવાથી વંચિત રાખ્યો ? પણ હા આ બધો જ અનુભવ હૃદયથી કરવા માટે એનામાં વિશ્વાસ તો સૌ પ્રથમ જરૂરી છે બસ જરૂર છે આપણાં અંતરમન ને કેળવવાની.

અસ્તુ,

  • અર્ચના ભટ્ટ, પટેલ