Pratham Swatantray Senani - Maharana Pratap... books and stories free download online pdf in Gujarati

પ્રથમ સ્વાતંત્ર્ય સેનાની મહારાણા પ્રતાપ...

પ્રથમ સ્વાતંત્ર્ય સેનાની મહારાણા પ્રતાપ..

શૌર્ય ગાથા…

રાજસ્થાન નામ કાને પડતાં જ નજર સામે મહાવીર, સ્વાભિમાની,ટેકીલા એવા ‘નીલા ઘોડા રા અસવાર, મ્હારા મેવાડી સરદાર’ મહારાણા પ્રતાપનો ચહેરો ના તરવરે એવું બને જ નહીં.

જેની અપ્રતિમ વીરતાની ગાથા લખવા માટે પેનમાં શાહી પણ ખૂટી જાય એવા, પોતાની ટેક માટે જાણીતા મહારાણા પ્રતાપનો જન્મ ૯મી મે, ૧૫૪૦- ૧૯મી જાન્યુઆરી,૧૫૯૭ ના ના રોજ રાજસ્થાનના પાલી શહેરમાં મહારાણા ઉદયસિંહ અને રાણી જિવત કંવરના ઘરમાં થયો હતો. પટરાણીનું નામ અજવાદે પરમાર અને પુત્રનું નામ અમરસિંહ હતુ. ભાઈઓમાં શક્તિસિંહ, વીરમદેવ, જગમાલ સાગર વગેરે હતા… જોકે કેટલાક ઈતિહાસકારોનું માનવું છે કે તેમનો જન્મ કુંભલગઢમાં થયો હતો.

પ્રખ્યાત સતી મીરાંબાઈ મહારાણા પ્રતાપના મોટાકાકીમાં થાય.કુંવર ભોજ એ મહારાણા પ્રતાપ ના પિતા ઉદયસિંહ ના મોટા ભાઈ થાય.આ ઉદય સિંહ ના લીધે સૌથી સુંદર શહેર ઉદયપુર મળ્યું છે.‘ટ્રાવેલ એન્ડ લેઈઝર’ મેગેઝિન દ્વારા કરાયેલા સર્વેક્ષણમાં ભારતમાં ફરવા માટે સૌથી શ્રેષ્ઠ શહેર તરીકે ઉદયપુરને પ્રથમ નંબર અપાયેલો છે.આ પ્રતિષ્ઠિત સ્થાન મેળવનારું તે માત્ર ભારતનું જ નહિ, પણ દક્ષિણ એશિયાનું સૌપ્રથમ શહેર બન્યું છે.

નાનપણથી જ મહારાણા પ્રતાપમાં વીર, ધીર, ગંભીર, શાંત અને સ્વદેશપ્રેમ જેવા ગુણો ઠાંસી ઠાંસીને ભરેલા હતાં.

‘ગઢ તો ચિત્તોડગઢ, બાકી સબ ગઢૈયા’ આ કહેવત જે વિશાળ અને ભવ્ય કિલ્લા પરથી અસ્તિત્વમાં આવી એ ચિત્તોડનો કિલ્લો આખાય ભારતમાં પ્રખ્યાત છે. આ ચિત્તોડ પ્રતાપને મન ખૂબ પવિત્ર સ્થાન હતું.એના ઉપર મુસલમાનો ની સત્તા હતી તે તેમનાથી સહન નહોતું થતું.

વીર પ્રતાપી મહારાણા પ્રતાપ ઘોડા ઉપર સવાર થઈ હાથમાં ભાલો લઈ યુદ્ધના મેદાનમાં ઉતરતા. તેમનો એક હાથમાં પકડેલો ભાલો લગભગ ૪૦ કિલોના વજનનો હતો. તક મળતાં જ એ મહાશક્તિશાળી રાજા દુશ્મનના પેટમાં ભાલો ઘુસાડીને તેને એક હાથે જ ઉપાડી લેતા.

શિતલ નામના રાણા પ્રતાપના એક પ્રશંસકે એક વાર અકબરના દરબારમાં જઈને એની પ્રશસ્તિઓ ગાઈ. એ પોતે રાણા પ્રતાપ સિવાય કોઇ સમક્ષ પોતાની પાઘડી નથી નમાવતો એમ પણ જણાવ્યું. બસ પછી તો શામ, દામ,દંડ તેમજ પોતાની વિશાળ સેના એ બધાના સહયોગથી રાજા અકબરે પ્રતાપને હરાવવાના રસ્તા વિચારવા માંડયા.

અકબરને પોતાની બહેન પરણાવી હોવાથી રાજા માનસિંહ એમના દરબારમાં મોખરાનું સ્થાન ધરાવતા હતા.પોતાની વિજયકૂચ દરમ્યાન રાજા માનસિંહે પ્રતાપને અકબરની શરણાગતિ સ્વીકારવાનુ કહ્યું. પણ રાણા પ્રતાપે એ માનવાની ધરાર ના પાડી દીધી. ગુસ્સે ભરાયેલા માનસિંહે મીઠા મરચા સાથે આ આખીયે ઘટના રાજા અકબર સમક્ષ મૂકી. પરિણામે ગુસ્સાથી રાતાચોળ થયેલા અકબરે પ્રતાપને હલ્દીધાટના મેદાનમાં યુધ્ધ આપવાનું ઠરાવ્યું.

જ્યાં પીળા ખડકોના નામ પરથી ઘાટીનું નામ ‘હલ્દીઘાટી’ પડ્યું છે એ હલ્દીઘાટીમાં જૂન ૨૧,૧૫૭૬ને દિવસે ઇતિહાસનું યાદગાર અને મહાન યુધ્ધ શરૃ થયું. પ્રતાપના હાથમાં ભાલો , કમરમાં કટાર, કમરબંદમાં બે તલવારો હતી. પ્રતાપના ઘોડા ચેતકને એક બનાવટી સૂંઢ લગાવવામાં આવી હતી અને રાજા માનસિંહના હાથીની સૂંઢમાં એક તલવાર પકડેલી હતી, જે એ હાથી જોરથી ફેરવતો રહે એવી તાલીમ આપેલી હતી.સ્વામીભકત ચેતક રાણા પ્રતાપના સંકેતથી ઊછળ્યો અને એણે માનસિંહના હાથીના કપાળના બખ્તર પર પગ ટેકવી દીધા. એ જ સમયે પ્રતાપે ભાલો ફેંક્યો અને માનસિંહ ગંભીર રીતે ઘવાયો. એનો અંગરક્ષક મરી ગયો. એવામાં પ્રતાપે ફરીથી કટારથી વાર કરી દીધો. રાણા પ્રતાપ પણ સારા એવા ઘવાયેલા હતા. એમને લઈને ચેતકઘોડો સેનાને ચીરતો પૂરપાટ વાયુવેગે રણની બહારની તરફ નાઠો. બડી સાદડીના મન્ના ઝાલાએ એ દ્રશ્ય જોઇને પળભરમા એક નિર્ણય લઈને રાણા પ્રતાપનું રાજચિહન પહેરી લીધુ. દુશ્મનો એની જાળમાં આબાદ ફસાયા અને મુન્નાને પ્રતાપ સમજીને વાઢી કાઢ્યો અને એ વીર રાજ્પૂત વીરગતિ પામ્યો.

જાતવાન અને માલિકને વફાદાર એવો ખરાબ રીતે ઘવાયેલ ચેતક સેના વચાળેથી માલિક પ્રતાપને રક્તતલાઈથી હલદીઘાટને બીજે છેડે લઇ આવ્યો. મેદાનથી આશરે ૨ માઈલની દુરી પર એક સાંકડી નાળી આવતી હતી. આ નાળી પરથી છલાંગ લગાવી પાર કરવાના પ્રયત્નમાં તે સફળ તો થયો, પરંતુ આ તેની આખરી છલાંગ નીવડી હતી. તે ફરી ઉભો ના થઈ શક્યો. ઘવાયેલ હાલતમાં પણ અવર્ણનીય દૂરી તય કરીને છેલ્લે એ લથડી પડ્યો અને પોતાના માલિકના ખોળામા જ પ્રાણત્યાગ કર્યા.

મહારાણા પ્રતાપે ચેતક જ્યા ઢળી પડ્યો હતો, ત્યાં આગળ એક નાનું અને સુંદર સ્મારકનું નિર્માણ કરાવડાવ્યું આ સ્મારક વર્તમાન સમયમાં પણ રાજસમંદ જિલ્લાના ઝારોલ ગામ પાસે મોજુદ છે.

એ વખતે પ્રતાપના ભાઈ શક્તિસિંઘે એમને મદદ કરી અને એમનો જીવ બચાવ્યો. ૨૦,૦૦૦ રાજપુતોને સાથે રાખીને રાણા પ્રતાપે મોગલ સરદાર રાજા માનસિહની ૮૦,૦૦૦ની સેનાનો સામનો કર્યો. માત્ર એક જ દિવસ ચાલેલા આ યુધ્ધમાં રાણાના ૧૭,૦૦૦ સૈનિકો માર્યા ગયા.

એ સમયે રાજપૂતાણીઓ પણ હસતે મોઢે પોતાના દીકરા અને પતિને કપાળે કંકુ તિલક કરીને પોતાના હાથે જ એમને કટાર અને તલવાર સોંપતી અને યુધ્ધમાં લડવા મોકલતી અને પતિના મૃત્યુના સમાચાર મળતા જ ગૌરવભેર ‘જોહર’ કરીને મ્રુત્યુની ચાદર ઓઢી લેતી.

અરવલ્લીની ભીલ જાતિએ પ્રતાપને એના કપરાકાળ દરમ્યાન ઘણી મદદ કરી. એ જંગલમાં ગુફાઓમાં ફળ-ફુલ અને પાંદડા ખાઈ ખાઈને જ રાનાએ અને એમના સાથીદારોએ દિવસો પસાર કરેલા.

પ્રતાપના ખરાબ દિવસોમાં ભામાશાહ માળવાથી પોતાનું સઘળુંય ધન લઇ આવ્યા અને પ્રતાપને સોંપી દીધું જે ૨૫,૦૦૦ રાજપુતોને ૧૨ વરસ સુધી આરામથી ચાલે તેટલું હતું. પ્રતાપે એમને મુખ્યમંત્રી બનાવ્યા.

પ્રતાપ હંમેશા સૈનિકોને શાબ્દિક પાનો ચડાવતા કે, ‘યુધ્ધ કરવું છે કે જીવનભર સોના-ચાંદીના વાસણોમાં ગુલામીના રોટલા તોડવા છે એ નક્કી કરો..” પ્રતાપ યુધ્ધ કરવા તત્પર હતા .તેમણે પોતાના સૈનિકોને છાપો મારવાનો હુકમ આપી દીધો. મોગલ સૈનિકોનો કરચરધાણ બોલાવી દીધો અને કોમલમેર જીતી લીધું.

પ્રતાપ જીત મેળવીને આગળ પગલાં વધારતા હતા. પણ હવે ધન ખલાસ થયું હતું.સૈનિકો ઓછા હતાં. ચિત્તોડ મેળવવા માટે એ જીવન પર્યત ઝઝૂમ્યો પણ એની ઈચ્છા પૂરી ન કરી શકાયો.એ હંમેશા કહેતા કે,’હું રહું કે ના રહું પણ માતૃભુમિનું ગૌરવ ના ખરડાવું જોઈએ. એ દિવસ આવે એ પહેલાં હું મરણને શરણ થવાનું વધુ પસંદ કરીશ.”

ઈતિહાસ કહે છે કે પ્રતાપે ૨૯ વર્ષ સુધી કમરતોડ સંઘર્ષ જારી રાખ્યો. પહાડોમાં રહીને હિંદુસ્તાનના સૌથી તાકતવર સમ્રાટ સામે આટલા વર્ષો સુધી સંઘર્ષ કરનાર મહારાણા પ્રતાપસિંહે હિંદુસ્તાનની ભાષાઓને એક શબ્દની રુડી સમજ આપી છે ‘ટેક – મહારાણા પ્રતાપની ટેક’ એ શબ્દનો અર્થ ભારતનો દરેક બાળક જાણે છે..સમજે છે અને ગૌરવ અનુભવે છે.

ચિત્તોડની સ્વતંત્રતા કાજે પ્રતિજ્ઞાયુકત જીવન જીવી ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં સોનેરી અક્ષરોએ પોતાનું નામ કંડારનાર આ વીરપ્રતાપ લોકોકિત પ્રમાણે સિંહનો શિકાર કરતી વેળાએ ધનુષ્યની કમાન જોરથી ખેંચાઈ જતા આંતરડાને ગંભીર નુકશાન પહોચતા, ૫૭ વર્ષની નાની ઉંમરે જાન્યુઆરી ૧૯, ૧૫૯૭ને દિવસે અવસાન પામ્યા.

ચાવંડ ગામથી એક માઈલ દૂર બડૌલી ગામ છે. અહીં પ્રતાપના શરીરને અગ્નિદાહ અપાયો. રાજપૂત વિધિ પ્રમાણે અહીં સમાધિસ્થાન પર એક છત્રી બનાવાયેલી. ઉદયપુરમાં મોતીમગરી પર રાણા પ્રતાપનું સ્મારક ઊભું છે.

રોમાંચથી ભરપૂર જીવન જીવી ગયેલા, એવા આ લાડીલા વીર પુરુષના નામ સાથે ઢગલો’ક કલ્પનાકથાઓ વણાઈ ગઈ છે.

એમના નામ સાથે એક સરસ મજાની રાજસ્થાની ઉક્તિ જોડાયેલી છે..

‘આરજ કુલ રી આન,

પૂંજી રાણ પ્રતાપ સી.’

મતલબ આર્યકુલની આણ, વીર રાણા પ્રતાપસિંહ છે..”

મહારાણા પ્રતાપ પર લખાયેલી બુક્સઃ-

૧. સૂર્યપ્રતાપી મહારાણા પ્રતાપ

૨. ચિત્તોડની રંગરંજના

૩. જય ચિત્તોડ

૪. દેશગૌરવ ભામાશાહ

૫. મેવાડની તેજછાયા

૬. મેવાડના મહારથી

૭. મેવાડનો કેસરી

-સ્નેહા પટેલ.