Vaat Ek Gulmahorni books and stories free download online pdf in Gujarati

વાત એક ગુલમહોરની

Name:પારુલ એચ.ખખ્ખર

Email:parul.khakhar@gmail.com

વાત એક ગુલમહોરની

વાત આમતો સાવ સાદી છે પણ આમ અનોખી . આ વાત એટલે મારા ગુલમહોરી લગાવની ! નાનપણમાં દરેક વેકેશન ગામડામાં જ માણ્યું હોવાથી પ્રકૃતિ સાથે ઘરોબો તો ખરો જ ! વૃક્ષો, ખેતરો, નદી, ઝરણાં,પર્વતો,આકાશ,પક્ષીઓ પહેલેથી જ આકર્ષે. એમની સાથે કલાકો સુધી હું ગોષ્ઠિ કરી શકું.વૃક્ષોનો સ્વભાવ મને ખૂબ ગમે. ખીલવું, ખુલવું, છાંયડો-ફળ-ફૂલ આપવા અને અંતે ખરી જવું ! બધાં જ વૃક્ષોમાં મને ગુલમહોર પ્રત્યે જરા વધારે અહોભાવ કહો કે લગાવ રહ્યો છે.ગુલમહોર….!! કેવું સુંદર નામ ,જે સાંભળતા જ મ્હોરી ઉઠીએ અને આંખ સામે આવી જાય લાલચટ્ટાક ફુલોથી છવાયેલું લીલુંછમ વૃક્ષ. મને ગુલમહોર ખુબ ગમે દેખાવમાં અને સ્વભાવમાં.

ત્રણેય ઋતુઓમાં એની આગવી રંગછટા. શિયાળામાં કડકડતી ઠંડી પડે અને ગુલમહોર ખરવા લાગે.ઝીણી ઝીણી પાંદડીઓ સર..સર..સર..કરતી અવિરત ખર્યા કરે.ધીમે ધીમે બધીજ પાંદડીઓ ખરી જાય અને વૃક્ષ આખું માત્ર ડાળોનું માળખું બની ને રહી જાય.જાણે જીવતું જાગતું હાડપિંજર ! સાવ અકિંચન થઇને અડીખમ ઉભુ હોય ત્યારે એવું લાગે જાણે ધૂણી ધખાવી બેઠેલો કોઇ યોગી.

પણ….જેવી વસંત પંચમી આવે એટલે પેલો યોગી જાણે આળસ મરડી બેઠો થાય! કુદરતની ગુલાબી પીંછી ફરી જાય અને સૂકીભઠ્ઠ ડાળોમાં નવી કૂંપળો ફૂટવા લાગે , કળીઓ બેસવા લાગે.જેમ જેમ સૂરજ આકરો થતો જાય એમ ગુલમહોર ખિલતો જાય. આખું વૃક્ષ લાલ ફુલો થી ભરચક!! લીલી પાંડદીઓની સાથે લાલ ફુલોનું કેવુ અદભૂત કોમ્બીનેશન રચાય !

જેવો ઉનાળો જાય એવો જ ગુલમહોર પોતાની લાલ જાજમ સમેટીને સૂરજની સાથે ચાલતો થાય.વર્ષારાણી રૂમઝુમ કરતા આવે હરિયાળી લઇને. ધીમી ઝરમર વ્હાલની હેલી વરસતી રહે અને ગુલમહોર લીલોછમ થઇને મ્હોરી ઉઠે એક અલગ જ અંદાજમાં.

હું વિચારતી રહું માણસની પણ આ ત્રણ અવસ્થાઓ આવતી જ રહે છે. ઉત્પતિ , સ્થિતી અને લય. ખિલવું , ખુલવું, અને ખરવું! જન્મથી લઇ ને યુવાની સુધી લાલચટ્ટાક થઇ ને ફરતો રહે ત્યાર પછી એક ઠહેરાવ આવે જ્યારે ફૂલો ખરી ગયા હોય પણ પાંદડાઓ લીલાછમ હોય.અને ત્યાર પછી ખરવું શરુ થાય.બધી જ માયા સંકેલી ને બધું જ ખેરવી દેવાનું.

વૃક્ષો આ વાત આટલી સહજતા થી સમજી ગયા છે તેથી જ તો એ સ્થિતપ્રજ્ઞ છે. જ્યારે માનવ? ખિલવાની ઉંમરે તાપનો કકળાટ કરતો રહે છે , ખુલવાની ઉંમરે ફુલો ચાલ્યા ગયા નો અફસોસ કરતો રહે છે અને ખરવા ની ઉંમરે નષ્ટ થવા ની ચિંતા કરે છે.ખૈર વિચારો કરતા કરતા ક્યારે દિવસો ચાલ્યા ગયા ખબર જ ન પડી.

મુગ્ધાવસ્થા ગઇ અને યુવાનીમાં પગ મૂકતા જ એક ગરમાળા જેવો હર્યોભર્યો જીવનસાથી મળ્યો અને હું અમરેલીની માટી સાથે જોડાઇ. ઘર ખૂબ મોટું, અનેક બારી દરવાજા પરંતુ માંડ એકાદ ટૂકડા જેટલું જ આકાશ જોવા મળે. હરિયાળીનું તો નામોનિશાન જ નહી.આપણારામે તો ઘરમાં જ કૂંડા લાવીને બગીચો ઉભો કર્યો અને ખુશખુશ ! વર્ષો પછી સોસાયટીના જાતે બનાવેલા મકાનમાં રહેવા ગયા.મોટું ફળિયું, ફળિયામા ક્યારી અને ક્યારીમાં અવનવા ફૂલછોડ.દક્ષિણ-પશ્ચિમના ખૂણા પર આવેલ આ મકાનની દક્ષિણે અને પશ્ચિમે મારા ગમતીલાં ગુલમહોર વાવ્યા અને કોર્નર પર પ્લેન્ટીફ્લાવર્સ વાવ્યો.બેડરૂમ અને ડ્રોઇંગરૂમમાં ગુલમહોર મહારાજ ડોકિયા કરે અને રસોડામાં પ્લેન્ટીફ્લાવર પોતાની ફ્લેવર પાથરી જાય.કેવા જતનથી રોપ્યા અને નાના બાળકની જેમ મોટા કર્યા એ યાદ આવે તો હજુ યે રોમાંચ થઇ આવે છે.ગુલમહોર પર પહેલવેલું ફૂલ બેઠું ત્યારે તો ગાંડીઘેલી થઇ ગયેલી હું.પછી તો પાલવમાં યે ન સમાય એટલા ફૂલો ઉગવા લાગ્યા. વસંત બેસે અને ફળિયું લાલપીળા ફૂલોની ચાદરથી ઢંકાઇ જાય કાળજે એક અનોખી ટાઢક થાય.

થોડા વખત પછી સામેના નવા બનેલા મકાનમાં એક પરિવાર રહેવા આવ્યો પતિ,પત્ની અને નાનકડી દીકરી. એ દીકરીને કોઇ મિત્રો નહી તેથી અગાશીમાં બેસી એકલી એકલી મારા ગુલમહોરનાં ફૂલો સાથે વાતો કર્યા કરે. મને આ વાતની જાણ થઇ ત્યારે શેર લોહી ચડી ગયું.થોડા વખત પછી એ બહેને પણ પોતાના આંગણામાં ગુલમહોર વાવ્યો. એ મારા બેડરૂમની બારીની બરાબર સામે જ હતો.વખત જતાં અમુક કારણોસર અમારો ગુલમહોર કપાવવો પડ્યો. મારી નજર સામે તો હજું એક ગુલમહોર હયાત હતો જ. એ ધીમેધીમે મોટો થઇ રહ્યો હતો.

૨૦૧૦ મા મારી લેખનયાત્રા પાપા પગલી ભરતી ભરતી શરુ થઇ અને આ ગુલમ્હોરને યુવાની બેઠી.લખતી વખતે મારી આંખ સામે આ ગુલમહોર જ હોય હું કલાકો તેની સામે તાકતી રહુ અને મને અવનવા કલ્પનો મળી આવે.ખબર નહી ક્યા ભવના ઋણાનુબંધ હશે કે એ ગુલમહોર મારી લેખનયાત્રાનો સહપ્રવાસી બની ગયો.એને સંગી-સાથી-દોસ્ત-હમરાઝ-હમસફર જે કહેવું હોય તે કહી શકાય.એ જાણે વૃક્ષમાંથી માનવ બની ગયો હતો મારા માટે. એ ક્યારે મારો પ્રેરણામૂર્તી બની ગયો મને ખબર પણ ન રહી.માણસની જેમ જ ક્યારેક એ ઉદાસ લાગે તો ક્યારેક ખુશખુશાલ. ક્યારેક રિસાય તો ક્યારેક મનાવે, ક્યારેક ગુસ્સો કરે તો ક્યારેક વ્હાલ.

પેલી દીકરી તો હવે મોટી થવા લાગી હતી પણ હવે હું એમના ગુલમહોર સાથે વાતો કરવા લાગી હતી. એ ભલે એ લોકોની માલીકીનો હતો પણ હું તો એને મારો જ માનતી કારણકે રોડ પર ઉગેલા વૃક્ષો પર કોઇ એકની માલીકી થોડી હોય? આસપાસના અમુક લોકોને આ ગુલમહોર નડવા લાગ્યો હતો. કોઇના ટેલીફોનના તો કોઇના વિજળીના તાર તેમાં ગૂંચવાઇ જતાં હતાં. કોઇના ભુગર્ભ ટાંકામાં એના મૂળિયા ફેલાવા લાગ્ય હતા તો કોઇના ઘરનું અજવાળુ રોકાતું હતું. કોઇને એની પાંદડીઓ ખરવાનો ત્રાસ તો કોઇને ફૂલોનો. અને કોઇ ગોઝારી રાતે એસિડની બોટલો રેડાઇ એના મૂળમાં અને એ સ્તબ્ધ થઇ ગયો.

હું તો આખી ઘટનાથી સાવ અજાણ તેથી જ શીયાળો પૂરો થવાની રાહ જોયા કરું. ક્યારે વસંત બેસે અને ક્યારે આ પાનખર ઓઢીને બેસેલો મારો જોગી ફરી કેસરિયા વાઘા પહેરીને નાચતો થાય.ધીમેધીમે વસંતના કામણ પથરાવા શરુ થયા દરેક વૃક્ષ કોળાવા લાગ્યું મારા ગુલમહોરમાં કંઇ હલનચલન ન દેખાતા જરા ચિંતા થઇ કે આ વખતે મોડો કેમ પડ્યો? થોડા દિવસ રાહ જોઇ આજુબાજુના બધા વૃક્ષો પર ફૂલ બેસી ગયા પછી ન રહેવાયું અગાશીમાં જઇ નિરાંતે અવલોકન કર્યુ અને હૃદય એક ધબકારો ચૂકી ગયું. ગુલમ્હોર પર ઝીણીઝીણી કૂંપળો ફૂટી હતી, થોડી કળી પણ ઉગી હતી અમુકના લાલ માથા પણ ડોકાઇ રહ્યાં હતાં અને જાણે અચાનક કોઇએ 'સ્ટેચ્યુ' કહી દીધું હોય તેમ એ બધું અટકી ગયું હતું.લીલીછમ્મ કળીઓ અને લાલચટ્ટાક માથા સૂકાવા લાગ્યા લાલમાંથી બ્રાઉન કલરના થવા લાગ્યા. અંદર અંદર એક ફાળ પડી મને કે આ શું થઇ ગયુ? પછી તો સતત અવલોકન કર્યે રાખ્યું કંઇ અણસાર છે ઉગવાના? પણ વ્યર્થ . એ સૂકાવા લાગ્યો અને જાણે હું પણ કરમાવા લાગી. એક શેરડો ઊંડે ઊંડે પડી ગયો જીવ ચૂંથાતો રહ્યો.

મૂંછોના દોરા જ્યાં ફૂટ્યા ના ફૂટ્યા ત્યાં ગુલમ્હોરે લીધો સન્યાસ,

મારી ફળીનો એક લાલઘૂમ છાંયડો ઓચિંતો થઇ ગ્યો આભાસ.

પહેલા તો રોમ રોમ રોપાવી ઝિંદગી

ને ઉપરથી રેડી ભીનાશ,

લેખણ પકડાવીને પાંખો આપીને

પછી ચીંધ્યુ રે આખુ આકાશ,

સગપણનાં નામે તો એવું કે ગઝલોમાં જેવો ગૂંથાયો છે પ્રાસ

મારી ફળીનો એક લાલઘૂમ છાંયડો ઓચિંતો થઇ ગ્યો આભાસ.

આ ફેરે પાનખર એવી વળગી કે પછી

બેઠી ના કેમે વસંત,

કેટલાય ચોમાસા સાચવીને બેઠું છે,

ઊંડે ઊંડે રે એક તંત,

ગુલમહોરી રાતોમાં કોળાતા કોળાતા વાગી ગઇ લોહીઝાણ ફાંસ

મારી ફળીનો એક લાલઘૂમ છાંયડો ઓચિંતો થઇ ગ્યો આભાસ.

ગુલ્લાબી શમણાંને નજર્યુ લાગી કે પછી

લાગ્યા છે શોક્યોના શ્રાપ !

કૂંપળ ફૂટ્યાની માંડ વેળાને ઉજવી ત્યાં

વિંઝાણા બળબળતા તાપ

કેવા તે વચને બંધાયો કે લીલપથી માંગીને લીધો વનવાસ

મારી ફળીનો એક લાલઘૂમ છાંયડો ઓચિંતો થઇ ગ્યો આભાસ.

(—પારુલ ખખ્ખર)

પાંચ બ્રાહ્મણ જમાડવાની માનતા લીધી, વૃક્ષના જાણકારોને બતાવી જોયું, અમુક ડાળીઓ કપાવી જોઇ પણ કોઇ કારી ન ફાવી.મારી આંખ સામે એની લાશ ઉભી હતી અને હું નિરુપાય હતી. એને કોઇ રીતે બચાવી ન શકી.એના માટે અનેક કવિતાઓ લખી પણ મનને ક્યાંય જંપ ન હતો.

‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિતે…તમે શું કર્યુ?

અમ્મ્મ…ખાસ કશું નહી.

બારી સામેના સૂકાયેલા ગુલમહોરની ડાળીઓ ભેગી કરી,

એની સાવરણી બનાવી.

આંગણામાં

ઉગી નિકળેલા નાના છોડવાં,

ઘાસ-ફૂસ,

પીળા પાંદડાઓ,

ખરી ગયેલી પાંદડીઓ

અને ઢગલો ધૂળ !

આ બધું જ ઘસી ઘસીને

વાળી નાંખ્યું.

અને તો ય કેટલું થાકી જવાયું !

(—પારુલ ખખ્ખર)

એક સાંજે વિચાર આવ્યો કે માણસ મરે તો છાતી કૂટીને મરશિયા ગાઇ લેવાથી મનનો ભાર હળવો થાય છે તો લાવને ગુલમ્હોર માટે પણ ટ્રાય કરું! અને એક મરશિયું લખાયું મારા વ્હાલા ગુલમહોરનાં અકાળે થયેલા અવસાન માટે.ખૂબ રડી લીધું પછી મન થોડુંક હળવું થયું. જીવનના અમુક સત્યો સ્વીકાર્યે જ છૂટકો એમ વિચારીને પૂર્વવત્ત થવા લાગી કદાચ આને જ સ્થિતપ્રજ્ઞતા કહેવાતી હશે? હવે અલિપ્ત થઇને એના ઠૂંઠા થયેલા શરીરને તાકી રહેતી અને કવિતાઓ લખતી રહેતી.

ફટ રે મૂવા કાળ, અરે તે ઝાડને માર્યું !

ફટ રે કાયર , મારી મારી ને ઝાડને માર્યું !

હાય..રે મારી રંગભરી મોલાતને મારી,

હાય..રે મારા છાંયડાની સોગાતને મારી,

હાય..રે મારી રાત,

મારી વાત

મારી આખેઆખી જાતને મારી !

જા…રે તારું ઉધઇ ખાધું મૂળ ન રે’જો,

જા..રે તારું ખંધું, ખૂટલ કૂળ ન રે’જો,

આજથી રાતાચોળ નિસાસા દઉં તને

આજથી કાળાઘોર સબાકાં દઉં તને.

હાય..રે વેડી ડાળ,

વેડી ફાળ,

મને માંડ મળેલી ભાળને વેડી

અબઘડીથી રુંવેરુંવે કોઢિયો થાજે,

અબઘડીથી ખેતર વચ્ચે ચાડિયો થાજે.

મર..રે મારા ગુલમ્હોરી ગાનના વેરી,

મર..રે મારા ફુલગુલાબી પાનના વેરી

મર..રે સાલા કાળ,

તને દઉં ગાળ,

તે મારી નાળ વધેરી.

હાય..રે ભૂંડાભુખ તને ન જાણ તે મારા હાડને માર્યું !

હાય..રે હરામખોર તે રાતોરાત મારા ઝાડને માર્યુ.

(—-પારુલ ખખ્ખર)

એક દિવસ થોડા આદિવાસી મજૂરો આવ્યા કહે કે ચોમાસુ નજીક છે થોડા લાકડા જોઇએ છે. અમે વિચાર્યુ આ ઝાડ આમ પણ હવે કોળાવાનું નથી તો ભલેને કોઇના ઉપયોગમાં આવી જાય.ખચાખચ કપાતો મારો ગુલમ્હોર અને એમ જ ખચાખચ કપાતો મારો જીવ ! તો પણ સારા વિચારો જ કરવા એમ વિચારીને આ કવિતા લખાઈ.

એ લોકો કટકે કટકે કાપી જાય છે

મારા ગુલમહોરને.

કોઇ ઝૂંપડાની આડશ માટે,

કોઇ સુવાવડીના શેક માટે,

કોઇ નવજાત ગલુડીયાની ઘોલકી માટે,

કોઇ પતંગ લૂંટવા માટે,

કોઇ કપડાં સૂકવવાનાં ટેકા માટે,

કોઇ તાપણું કરવા

તો કોઇ ઠાકોરજીના ફૂલ ચૂંટવાનાં વાંસડા તરીકે

ઘા પર ઘા વાગતા જાય

દરેક વખતે અજાણતા જ આંસૂ ખરી પડે

પરંતુ

ઝૂંપડીની હૂંફમાં,

સુવાવડીની રાબમાં,

ગલુડીયાની ભોળી આંખોમાં,

પતંગનાં રંગોમાં,

તાપણાનાં ગરમાટામાં,

અને ઠાકોરજીનાં ચરણમાં.

ફરી કોળાતો જાય

મારો ગુલમહોર.

(—પારુલ ખખ્ખર)

અડધી બળેલી લાશ જેવો મારો દોસ્ત ગુલમ્હોર હવે રાતે બિહામણો લાગતો હતો. એક દિવસ જેનાં આંગણાનો એ હિસ્સો હતો એ બહેન કહે કે આ ઝાડમાં તો ઉધઇ થવા લાગી છે જે મારા ઘરમાં પણ પ્રવેશી ગઇ છે. હવે તો આને મૂળસોતો કાઢ્યે જ છૂટકો. હૃદય એક ધબકારો ચૂકી ગયું પણ હવે આવા ચૂકાયેલા ધબકારાને કવિતામાં ફેરવતા શીખી ગઇ છું એટલે આઘાત ઓછો લાગે છે.એમ પણ વિચાર આવ્યો કે જેને બચાવી શકાય તેવી કોઇ જ શક્યતા નથી તેવી કીડા પડેલી લાશને સાચવી રાખીને પણ શું કરવાનું ?

સૂકાઇને ઠૂંઠુ થયેલો

કાળોધબ્બ

ગુલમ્હોર

ધોધમાર વરસદમાં

મારી સામે

કૃરતાપૂર્વક ખડખડાટ

હસી રહ્યો હતો

કાં?

ન સાચવી શકી ને ?

(–પારુલ ખખ્ખર)

એક સાંજે મજૂરો આવ્યા ખચાખચ કુહાડીઓ ચાલવા લાગી ધડાધડ ડાળીઓ કપાતી ગઇ હું જોઇ રહી એ વિનાશલીલાને. અંદરથી જાણે હું પણ કપાઇ રહી હતી, છટપટાઇ રહી હતી.મારા મૂંગા ચિત્કારો કોઇને સંભળાતા ન હતાં.અંધારુ થતા સુધીમાં તો ઓલમોસ્ટ કપાઇ ચૂક્યો હતો હવે માત્ર થડ જ બાકી હતું.ચાર મજૂરો હતાં એ ભોળિયાઓને એમ હતું કે આ ઉધઇખાધેલા મૂળને ખેંચી કાઢતા શું વાર લાગશે? ચાલો ચારેય મળીને ખેંચીએ. જાડું દોરડુ બાંધ્યુ ગુલમહોરને અને ચારેય જણાએ પોતાની તાકાત કામે લગાડી પણ પેલો તો તસુભારે ય ન હલ્યો.મથીમથીને થાક્યા પણ હાર્યા નહી. ચારેય ડાઘુઓ જાણે નનામીને લઇ જવાની હોય એમ ટ્રેક્ટર લઇ આવ્યા પેલો દોરડાનો છેડો હવે શક્તિશાળી ટ્રેકટરને બાંધી દીધો આ બાજુથી ટ્રેકટર ખેંચે અને પેલી બાજુથી ચાર હટ્ટાકટ્ટા મજૂરો ધક્કો મારે ! મારી આંખમાથી શ્રાવણભાદરવો વહી રહ્યાં હતા મે વિનવ્યા કે આમ એને ન ખેંચો પ્લીઝ ! ઘરના લોકોએ મને સમજાવીને બારણા બંધ કર્યા પેલા લોકોએ મહેનત ચાલુ રાખી પણ એ ચસ્ક્યો જ નહી ને! આમ ને આમ રાત પડી બધા થાકીને ઘરે ગયા.હું અને મારો જોડીદાર હવે એકલા પડ્યા. એ કહે 'મને રજા આપ તારી લાગણીઓનું બંધન મને નથી જવા દેતું.' મે કહ્યું 'તથાસ્તુ જા...તને મુક્ત કર્યો'. આખી રાત જૂના સંભારણાઓ વાગોળતા રહ્યા અમે બન્ને. આખરી રાતને યાદગાર બનાવીને અલગ પડવાની વાતથી બન્ને સભાન હતા. મને પેલી 'વ્હાઇટ નાઇટ્સ' યાદ આવી ગઇ . ખૈર કાળીધબ્બ સવાર પડી પેલા ડાઘુઓ ફરી આવી ગયા હવે તેમણે હાર સ્વીકારી લીધી હતી તેથી થડ કાપી જ નાખવાનું નક્કી કર્યુ અને મંડી પડ્યા. કટકે કટકે કપાતો રહ્યું એનુ ધડ અને હું બેબસ જોતી જ રહી. જેમજેમ નીચે સુધી આવતા ગયા તેમ થડમાં ભીનાશ દેખાવા લાગી. સાવ નીચે સુધી પહોંચ્યા ત્યાંતો થડ ભીનુંભીનું એકદમ સલામત અને સાવ તાજું.ખબર નહી કેમ પણ અંદર એક ઠંડક પ્રસરી ગઇ.અંતે એ કપાયો સાવ જમીનસરસો થયો ત્યાં સુધી વાઢી નાંખ્યો અને ધૂળ વાળી દીધી.જાણે જીવતી લાશને મારી નજર સામે જ દફન કરવામાં આવી.

એક વરસ થયું આ ઘટનાને અને એ જ જગ્યા પર કંઇક લીલુંલીલું કોળાયું. થોડા દિવસ પછી પાસે જઇ જોયું તો કાંટાથી લુમ્બઝુમ્બ એક જંગલી છોડ ઉગી નીકળ્યો હતો અને આખરે મેં ગુલમ્હોરના નામનું નાહી નાંખ્યું.

ન કોળાયો !

પાંચ બ્રાહ્મણ જમાડવાની

માનતા પછી યે

કોળાયો

ને મૂળસોતો ઉખેડી પણ ક્યાં શકાયો?

અંતે

કપાયો.

કોઇ જ નામોનિશાન ન રહે તેમ

ધૂળ વાળી દીધી,

સાવ વિસારી જ દીધો.

આજે

અચાનક

એ જગ્યા પર

કૈંક લીલુંલીલું દેખાયું

દોડીને પાસે ગઇ

તો

કોઇ અજાણ્યો

જંગલી છોડ

રુંવેરુંવે કાંટા પહેરેલો

ખિખિયાટા કરતો બોલ્યો

હવે તો ખુશ ને!

(—પારુલ ખખ્ખર)

પણ એમ કંઇ ખુશ થઇ શકાતુ નથી ખરુ ને? જેણે મને સ્થિતપ્રજ્ઞ થતા શીખવ્યું હતું એ જ મારી પરીક્ષા લઇ રહ્યો હતો અને મેં પણ મક્કમતાથી આ પરીક્ષામાં પાસ થવાનું નક્કી કર્યુ હતું.સાચુ કહું તો એક હકારાત્મક્તા આવતી ગઇ ધીમેધીમે કે શા માટે કોઇ એક જ વૃક્ષ કે કોઇ એક જ ઘટના માટે આટલા બધા વ્યથિત થવાનું? દરેકનો એક નિશ્ચિત સમય હોય છે આપણી જોડેનો એ ખતમ થાય પછી એ ચાલ્યું જાય છે તો એનો અફસોસ શાને? જેટલો સમય સુધી સાથે રહ્યો એની મધુર પળોને યાદ રાખવાની બીજુ શું ! સાચુ કહું તો હવે ગુલમહોર હોય કે ગરમાળો કોઇ ફરક નથી પડતો. જેટલા લગાવથી ગુલમહોરને ચાહ્યો હતો એટલા જ લગાવથી ગરમાળો કે આસોપાલવ કે બાવળને પણ ચાહી શકવાની ક્ષમતા આવતી જાય છે મારામાં.

વસંત

=======

પાંચ બ્રાહ્મણ જમાડવાની માનતા પછી યે,

ઇશ્વર સાથે ઝગડી લીધા પછી યે,

છાતી કૂટી મરશિયાં ગાઇ લીધા પછી યે,

ફરી

કોળાતા

ગુલમહોરને

આખરી અંજલી આપી

ઉગું ઉગું થતા

ગરમાળાને

પાણી સીચવાનું

નક્કી કર્યુ

આ વસંતે.

(—પારુલ ખખ્ખર)

મિત્રો, આ સાવ સાચુકલી ઘટનાના જુદાજુદા પડાવે મેં અનેક રચનાઓ લખી છે તે તમામ ગુલમ્હોરી કવિતાઓ આ સાથે શેર કરી છે આશા છે આપને પસંદ આવશે.

----પારુલ ખખ્ખર