Jijivisha books and stories free download online pdf in Gujarati

જિજીવિષા

જિજીવિષા

સુકાયેલા કાજળવાળી નિસ્પૃહ આંખોથી તે બારીની પાર પોઢી ગયેલી સંધ્યાને જોઇ રહી હતી. રાત-દિવસ, ઉષા-નિશા-સંધ્યા, તેને મન, આ બધું બસ, એક ચીર નિરંતન, સનાતન સત્ય સિવાય બીજું કંઇ જ નહોતું રહ્યું. ના કોઇ જીવનો કલશોર, ના કોઇ પ્રકૃતિનો સ્પર્શ, ના કોઇ પોતીકું, ના કોઇ સજીવ કે ના કોઇ સંજીવની, કે જે તેના આ નિષ્પ્રાણ થવા મથતાં યૌવન શરીરમાં પ્રાણ ફૂંકી શકે! તે બસ, મડદાને પણ બેઠાં કરી શકે તેવા ઘેઘૂર અવાજોની વચ્ચે, પોતાના શ્વાસના ધબકારને મહેસૂસ કરતી એકીટશે, ટમટમતા તારાઓથી મઘમઘતા આકાશને જોઇ રહી.

“આ આકાશ પણ કેટલું નસીબવાન છે, કે તેને પરોઢિયે સૂર્ય અને રાત્રિએ તારાઓનો પ્રકાશ છે..!”

હૃદયના થડકાર પર અંકુશ રાખતું મન, ક્યાંક મહેસૂસ કરતું, કે આ ક્ષિતિજની રેખાઓમાંથી કોઇ એક કિરણ તો હશે, કે જે એને આ અંધકારની દુનિયામાંથી પ્રકૃતિની ગોદમાં લઇ જાય!

પણ કોણ?

કળતર કરતાં શરીરમાંથી નીકળતી અસહ્ય વેદના, અને છટકવા મથતું તલપાપડ મન…ધમપછાડા કરવા પણ અક્ષમ હોઇ ‘આહ’ પોકારી ગયું.

“ક્યા હૈ લડકી? ક્યોં શોર મચા રહી હૈ? કોઇ નહીં આનેવાલા તુજે લેને! ચૂપ કર બૈઠ, ઔર હમેં અપના કામ કરને દે…” કદાવર શરીરવાળા માણસે પોતાના ઘેઘૂર અવાજમાં ચિડાઇને તેને ધમકાવતા, પોતાના હાથના ઇશારે મોઢા પર આંગળી રાખતા કહ્યું.

બીજું કોઇ હોત તો ડરી જાત, પણ આ રાક્ષસોની વચ્ચે તે અઠવાડિયાથી ફસાયેલી હતી. માટે ડર…

“પાની, પાની…” તેણે પોતાના નિસ્પૃહ થઇ ચૂકેલા શરીરમાંથી માંડ અવાજ કાઢતાં કહ્યું. તેની આંખો ઢળી રહી હતી.

“ઇસ લડકી કો પાની દે દે, વરના મર વર જાયેગી તો કુછ ભી નહિ મિલેગા ઇસકા” એ કદાવર માણસના સાગરિતે તેને પાણી આપવા કહ્યું.

તેણે પોતાની લોલુપ નજરો સાથે જ પાણી પણ પાયું.

આ જાનવરોને જોઇ તે ગિન્નાઇ રહી હતી. તેનો બસ ચાલતો તો આવી કથળેલ હાલતમાં પણ આ લોકોને સબક શીખવાડત. પણ પોતાના બંધાયેલા હાથ-પગ તેની શક્તિને ક્ષીણ કરી ચૂક્યા હતા. અને અન્નનો દાણો પણ આ લોકો તેને માંડ આપતા. ક્યાંક તેની મોત, આ રાક્ષસોની ખોટનું કારણ ન બને!

પીપળાના અથડાતા સૂકાયેલા પર્ણ અને સુસવાટા કરતો સમીર, તેને અઠવાડિયાથી સજીવન થવા સાથ આપી રહ્યા હતા. તેની જાગૃતિ, અર્ધજાગૃતિ તેની ઊંઘ સાથે ચેડાં કરતી, તેને મોત સમીપ લઇ જતી અને પાછી લાવતી. છતાં તે સજીવન હતી, અને બધું મહેસૂસ કરતી…

“આજે, પોણા ચારે મૂવીનો શો છે, તો તું રેડી રહેજે, હું તને કોલેજથી જ પીક કરી લઇશ. બધાં ફ્રેન્ડ્સ સાથે જ જશું.” આકાશે પોતાની બાઇક સ્ટાર્ટ કરતાં રન્નાને કહ્યું.

“ઓકે, બાય!” રન્નાએ સહમતિ દર્શાવી.

સાડા ત્રણે જ કૉલેજ બહાર ઊભેલી રન્ના આકાશની રાહ જોઇ રહી હતી. અને એક સ્કોર્પિયો આવી, ‘ને તેને પોતાની સાથે લઇ ગઇ.

ચાર કદાવર, કદરૂપા માણસોથી તે ઘેરાએલી હતી. તે ધમપછાડા કરી રહી હતી, હવાતિયાં મારી રહી હતી. કે કોઇને તેની મદદ માટે બોલાવે, બરાડે… પણ અસમર્થ! તે લોકોએ તેના હાથ એક રસ્સાથી બાંધી દીધાં. અને આંખ અને મોઢે કાળી પટ્ટીઓ.

“ઇસ કે બાપ સે તો બહોત ફિરૌતી મિલેગી…”

“અમીર બાપ કી ઔલાદ હૈ…”

એ લોકો બોલે જતાં હતાં. ત્યારે રન્નાને જાણ થઇ, કે તેનું અપહરણ થયું છે! પણ તે તો એક અનાથ…”

અપહરણકર્તાઓને ગેરસમજ થઇ હતી. માટે તેના પર ગિન્નાઇ, તેને એક બંધ ઓરડીમાં ગોંધી રાખી હતી. પરંતુ તેના દેખાવને ધ્યાનમાં લઇ, તેઓ તેને બીજે કોઇ ઠેકાણે પહોંચાડવા માંગતા હતાં. અને જે લોકોએ તેને પસંદ કરી હતી, તેને કારણે જ તે બચી શકી હતી, આ જાનવરોથી!

“કલ ઇસકો હમ લેકે જાએંગે. પર ધ્યાન રહે, લડકી બહોત શાતિર હૈ, ઉસે ઇસ કી ભનક ભી ના પડે...”

“ઔર રસ્સી જરા કસકે…”

તે લોકો આપસમાં વાત કરી રહ્યાં હતાં. અને રન્ના ને કાને કેટલાક શબ્દો અથડાયા.

“તને ફિનીક્સ પક્ષી તો ખબર છે ને?”

“હા, કેમ?”

“એ પોતાના અનહદને ઉજાગર કરી પોતાનો નાશ કરે છે, અને પોતાની રખ્યામાંથી જ પોતાનો આગાઝ!”

શબ્દો ઘૂમરાઇ રહ્યા.

શિથિલ શરીર ફરી બેઠું થવા ઉછાળા મારી રહ્યું. રક્તબિંદુ કાઢીને સૂકાઇ ગયેલા નેત્રો અમી ઝરી રહ્યાં.

અચાનક એક પક્ષી, બારી પર આવી, રન્નાને કંઇ કહેવા મથી રહ્યું. અને ઊડી ગયું.

જલબિંદુની ધારામાં એક કિરણનો સ્પર્શ…

ક્ષિતિજના અંતની શરૂઆત અને અંધકારનો અંત…

આકાશ….

અનંત ક્ષિતિજને આંબવા ફિનીક્સ થઇ જાઉં,

ભૂલુ જગતના ભેદ, હું ગગન થઇ જાઉં...

***

આકાશગંગા

આ શુભંકર અવની એ કંઈ કેટલાય ભટકતા પગલાંઓને અમીટ છાપ બક્ષી છે. મારા પગલાંઓને તો ભટક્યા પહેલાં જ પદ્ચિહ્ન મળી ગયા હતા... અમીટ… અમાપ…

આ રજેરજ નું સિંચન એક આવૃત પટળમાં ખૂબ જ માવજતથી થયું. પ્રકૃતિના સુકુમાર યોજનમાં મારો વિકાસ ખૂબ જ સહજતાથી થયો. વિકાસની ઘરેડ પર શમણાંઓનું આભૂષણ મળીને આંખોએ આંજ્યું. પરિસ્થિતિઓના ઝંઝાવાત સાથે મળીને બાથ ભીડી. ક્યાંક પછડાટ તો ક્યાંક મળીને તેને હંફાવી. તારી હૂંફનું આવરણ અકબંધ રહ્યું. તારા પદ્ચિહ્ન ની પગદંડી મારા માટે હંમેશા સીમાચિહ્નરૂપ બની. જોકે તેના પગલે પગલે મને તારી જ પ્રતિકૃતિ બનવું પણ હતું. ધીરે ધીરે.. એક બીજમાંથી ક્યારે એક જીવ થયો તે મારા અને તારા બંને માટે એક અચરજ અને ઉત્સાહની અનુભૂતિ હતી. આ ફાની દુનિયામાં મારી પા પા પગલીઓ માટે અવકાશ અને મોકળાશ બંન્ને તૈયાર હતા. એક છીપ.. જેમ અસહ્ય પીડામાં પણ પોતાની નિરુપયોગી કણિકાઓને જ પોતાના દ્રવણના આવરણથી એક અમૂલ્ય રત્નનું નિર્માણ કરી.. જાતને ચીરીને તેનું નિષ્કાસન કરે તેમ તે બાહ્ય મલિન કણિકાઓને પચાવી, તેની ખરોચોને બેઅસર કરી. અને આર્તવમાંથી અર્ભક તરીકે હું આવી. તારી આત્મજા!

એક ધૂંધળા આવરણથી તારી અમી નિતરતી આંખો જોઇ… જે મારી ક્ષુધાપૂર્તિ ને સાપેક્ષ હતી. સ્પર્શ.. હૂંફના આવરણથી પહેલાં જેવો જ અકબંધ હતો. એક શ્રવણ થયું કે હું તારી જ પ્રતિકૃતિ.. એવું જ તો હું ઇચ્છતી હતી. આ મન તારા પદ્ચિહ્ન પર ચાલવા ઉલ્લાસિત હતું. આ ચકળવકળ નેત્રનું ઉંડાણ તને કંઈ કહેવા મથતું હતું. આ વિક્ષુબ્ધ મન તારી શીતળતાથી લિપ્ત શાતાને વિંટળાઇ જવા આતુર હતું. અનંત વિશ્વને તારા અંગૂલી નિર્દેશથી બાથ ભીડવા હું કટિબદ્ધ હતી. તારા વાયદાઓ મારે મન આ વિશ્વને ચાહવા પૂરતા હતા. આ જીવનને પામવાની, માણવાની જિજીવિષા પ્રત્યેક ધબકારના સ્પંદને ઓર વધી રહી હતી. આ ઊર્મિઓનું ઉફાન, તીવ્રતા આ ઋજુ હૃદયને હંફાવવા અક્ષમ હતી. તારા સ્નેહની અનુભૂતિ મારા હરેક ભયને નાથવા પૂરતી હતી.

પણ આ શું…? નેહ નિતરતી આંખો… પદ્ચિહ્ન… અચાનક ક્યાં ઓઝલ થઇ ગયા..! આ કેવો ધૂંધવાસ..! આ કેવો ઝંઝાવાત..! જેની રજ જ્વાળા બની મને હજી પણ દઝાડે છે…! આ કેવું આવાગમન… આ કેવો નિયમ... તું મારી ઉદ્ધારક અને હું તારી મારક…!!

આર્તનાદ….! આર્તનાદ…!

જીવન કેરી મરુભૂમિ પર

ભટકે તનયા દરબદર;

અસ્તાચળના ઓઠા હેઠળ

દીસે અવની હાસ્યકર;

કોમલાંગી કાયા થથરે

થયો છે કેવો રક્તજ્વર;

ઝાંઝવા કેરી રણભૂમિ પર

દીસે ફક્ત મધુકર;

જીવન કેરી મરુભૂમિ પર

ભટકે તનયા દરબદર...”

ક્યાં છે તું ? ક્યાં છે તું ? ક્યાં છે તારા પદ્ચિહ્ન ? ક્યાં છે તારો વાયદો ? ક્યાં છે તારો સ્નેહ ?

નથી ક્ષિતિજ ને પાર અભાવ;

અવકાશ તું જો

નથી ઝાંઝવા મરુભૂમિ પર છે જીવન;

પ્રકાશ તું જો

ના ભટક તનયા જહીં તહીં, છે સ્નેહનો દ્વાર;

અહીં તું જો

દુગ્ધ સાગર નિહારિકાનો તેજ પ્રકાશે;

અહીં તું જો

હું છું અહીં…! હું છું અહીં…!

લેખન: નમ્રતા કંસારા