Adhinayak - 30 books and stories free download online pdf in Gujarati

અધિનાયક (પોલીટીકલ થ્રિલર) (નોવેલ) દ્રશ્ય 30

દ્રશ્ય: - 30

- “હવે ક્યાં સુધી આ નર્કમાં રહેવું છે તારે? ખબર નથી પડતી તને? આ લોકોએ તારા પર વિશ્વાસ મુકવાનો શરૂ કર્યો ત્યારે તે આ કાંડ કરીને વિશ્વાસ ડગમગાવી દિધો, તોપણ લોકો કહે છે કે શ્રીમાન રાવળ ક્યારેય કોઇનીં પણ હત્યા ન કરી શકે, એક બાજુ એ લોકો છે જે યુવરાજ રાવળને છોડાવવા મથી રહ્યા છે, અને બીજીબાજુ તમે સત્યવાદી હરીશચંદ્ર બનીને બેઠા છો, જે હકિકત જાણતા હોવા છતાં પણ મૌનીબાબા બનીને બેઠા છો.” જ્યારે પણ ડો યુવિકા યુવરાજને બપોરનું ભોજન આપવા આવે ત્યારે યુવરાજ પાસે સત્ય બોલાવવા મથામણ કરે જ, ક્યારેક આવેશમાં- ક્યારેક ગુસ્સાંમાં-ક્યારેક પ્રેમથી તો ક્યારેક સત્તાવાહી રીતે યુવરાજને બોલવા મજબુર કરવા મથે, પણ દરવખતની માફક યુવરાજ ચુપ રહેવામાં સફળ રહે અથવા તો વાત વાળવામાં સફળ રહે, યુવિકા નારાજ થતી-પગ પછાડતી જતી રહે, આજે ફરીથી યુવિકાએ પ્રયત્ન કરી જોયો, પણ યુવરાજ તો સ્થિતપ્રજ્ઞ બનીને ચુપ રહ્યો એટલે યુવિકા રઘવાઈ થઈ. બન્ને પાસ-પાસે ખુરશી મુકીને બેઠા હતાં.

“યુવિકા, છેલ્લાં દસ દિવસથી તું મને આ સવાલ કરે છે અને હું એક જ જવાબ આપું છું કે તું સ્વીકારી લે કે મેં જ નવિનકાકાની હત્યા કરી છે અને મારે અહીં જ જીવવાનું છે અને અહીં જ..” યુવરાજ છાપેલા કાટલા જેવો જવાબ આપવા ગયો, મરવાની વાત કરવાનો જ હતો ત્યાં યુવિકાએ તેના હોઠ પર હાથ મુકી દિધો, યુવરાજ યુવિકાને જોઇ રહ્યો, જોકે, થોડીવારમાં યુવિકાએ હાથ પાછો લઇ લીધો, બન્ને ચુપ થઇ રહ્યાં. “મને જાફરીચાચાની સેલમાં રખાયો છે, હું અત્યારે તો તેમની સેવા કરી રહ્યો છું.” યુવરાજે અચાનક ધડાકો કર્યો.

“શું? તું જાફરીચાચા સાથે?..” ડો યુવિકા સ્તબ્ધ થઇ ગઇ, “એટલે એક મુસિબતથી છુટ્ટો નથી ને બીજી આફતને સરપાવ કરવાની શરૂઆત પણ કરી નાંખી? યુવી, તને ખબર છે? પુરૂષોત્તમ રાવળને ખબર પડશે તો તારા શું હાલ થાશે? ભલે તને તારી ન પડી હોય પણ કાકી અને દાદાનો વિચાર કર.”

“તો શું કરુ? જાફરીચાચાને મારી સામે મરવા દઉ? શાહિર નરોડાવાળાના હાથે મરવા દઉ? પુરૂષોત્તમ રાવળનો ખોફ રાખીને મારે મારો ધર્મ પણ ચુકી જવાનો?” યુવરાજનો પહેલીવાર બદલાયેલો સ્વર ડો યુવિકા સાંભળી રહી. “યુવિકા, જાફરીચાચા નિર્દોષ છે, તે પુરૂષોત્તમ રાવળના કાવતરાંનો ભોગ બન્યા છે. માત્ર એ જ નહીં પપ્પા પણ એ જ કાવતંરાનો ભોગ બન્યા હતા, જો હું એમને ન્યાય નહીં અપાવી શકું તો હું ખુદને ક્યારેય માફ નહીં કરું અને મને તો લાગે છે કે પુરૂષોત્તમ રાવળને મારી જાફરીચાચા સાથે રહેવાની વાતની ખબર છે. પણ એ લોકો શા માટે ચુપ છે કે શાં માટે કોઇ પગલું લેતાં નથી એ મને સમજાય રહ્યું નથી.”

“ભગવાન” ડો યુવિકા હાથ જોડી રહી, “ઇશ્વરે તને ખુબ નિરાંતે ઘડ્યો હશે, તને ખબર છે કે તું અહીં રહીને કોઇને પણ ન્યાય અપાવી નહીં શકે તો પણ તું અહીં રહેવાની જીદ પકડીને બેઠો છે, ન કરે ઇશ્વર અને જાફરીચાચાને કાંઇ થઇ ગયું તો..” યુવિકાએ કાળવાણી કહી, યુવરાજ ચુપ, યુવિકાએ તેના માથે હાથ ફેરવ્યો, “યુવી, ઘરના બધા તું છુટી જાય એ માટે દિવસ-રાત એક કરી રહ્યા છે, તું નથી જાણતો કે તેઓ તને કેટલો પ્રેમ કરે છે?”

“અને તું?” યુવરાજે સામે પૂછ્યું, ડો યુવિકા નજર ચોરતી અન્ય તરફ જોઇ રહી, યુવરાજે પોતાની માથે ફરતો તેણીનો હાથ પકડ્યો, તોય યુવિકા તેની તરફ ન ફરી, યુવરાજે તેણીની હથેળીને ચુમીં, “જોયું? દરરોજ મને ચુપ કરતી હતીને? આજે તું જ ચુપ થઇ ગઇ, જે રીતે મારા ઘરની સારસંભાળ રાખી રહી છે એ જોતાં તો તારી ચુપકિદી આ સવાલનો જવાબ જ છે.”

“બદલી. પાછી વાત બદલી નાખીને? મને ખબર જ હતી કે તું મને જ મારી વાતમાં ફંસાવી દઇશ, આખરે રહ્યો તો રાજકારણી ને. પણ, નહીં હું જ બુદ્ધીનું દેવાળું ફુંકીને આવી છું તેમાં તારો શો વાંક? ચાલ, મને મોડું થાય છે હું જાવ છું.”નારાજ ડો યુવિકા ઊભી થઇ, જોકે, તેણીનો હાથ હજુ યુવરાજના હાથમાં જ હતો, યુવરાજ પણ ઊભો થયો, યુવિકા પાસે આવ્યો, “હાથ છોડ.”

“બાકી કોઇ સવાલનો જવાબ મળે કે ન મળે પણ આ સવાલનો જવાબ મળશે જ.” યુવરાજ બોલ્યો, યુવિકા યુવરાજને જોઇ રહી, તેની આંખોમાં પહેલીવાર પોતાના માટે પ્રેમ દેખાયો, યુવરાજે બન્ને હાથ છોડ્યાં, યુવિકાની વધુ નજીક આવ્યો, યુવિકાના ચહેરાને બન્ને હાથોમાં લીધા, યુવિકાની આંખો નીચે જોઈ રહી, યુવરાજનો ચહેરો યુવિકાના ચહેરાની નજીક આવવા લાગ્યો, યુવિકાના અધ્ધરોમાં જાણે રસ જરવા લાગ્યો. યુવરાજ તેણીના હોથોને એકટશે જોઈ રહ્યો તો યુવિકા યુવરાજના અધ્ધરોને. બન્નેના શ્વાસોચ્છ્વાસ વધી ગયાં, યુવરાજ જમણી બાજુ નમીને ડો યુવિકાના અધરને પોતાના હોઠો વડે દાબી દિધાં. બન્નેની આંખો બંધ થઇ, યુવરાજના હાથ યુવિકાની પીઠ પર તો યુવિકાના હાથ યુવરાજની પીઠ પર પ્રસર્યાં, ઘડી-બે-ઘડી જાણે સમય અટકી ગયો.

“શ્રીમાન રાવળ...” કાનફાડી નાખતી રાડ પીઆઈ જાડેજા દ્વારા થઇ, જ્યારે તેમણે બન્નેને ચુંબન કરતાં જોયાં, અચાનક, રાડ થતાં બન્ને ઝડપી છુટ્ટા પડી ગયાં, બન્ને પીઆઈ જાડેજાને જોઇને નીચું જોઇ રહ્યાં, ડો યુવિકા તો જલ્દીથી સામાન પેક કરીને જવાની તૈયારી કરવા લાગી, “આ શું આદર્યું છે? તમને શું જેલ તમારુ ઘર લાગે છે? શરમ નથી આવતી?”

“અરે સાહેબ, પ્યાર કિયા તો ડરના ક્યાં? તેમાં થોડી શરમ હોય?” બટકબોલો રાજુ બોલી ઉઠ્યો, પીઆઈએ તેને આખો દેખાડતા ચુપ થઇ ગયો, ડો યુવિકા તો યુવરાજને જોયા વગર દોડતી ગઇ. પીઆઈ યુવરાજને જોઇ રહ્યા.

“હવે ઊભા શું છો? જાવ તમારી કોટડીએ.” પીઆઈ બરાડ્યા, યુવરાજ વગર બોલ્યે જતો રહ્યો, જોકે ઓરડોની બહાર ડો યુવિકા ઊભી હતી. યુવરાજ તેણીની પાસે આવ્યો.

“હવે તે પોતે જ પોતાના પર બહાર આવવાનું દબાણ વધારી દિધું, જોઈએ, તારું આ પરાક્રમ કેટલીં હદે સાચું હતું?” રૂમાલથી હોઠ લુંછતી ડો યુવિકા બોલી ઉઠી, યુવરાજ નજીક આવ્યો.

“આ તો સાચું જ છે, મારે આગળ શું કરવું એનો મને ખ્યાલ આવી ગયો છે, બસ, તારો સાથ આમને આમ મળતો રહે.” યુવરાજે હાથ લંબાવ્યો, ડો યુવિકાએ હાથ મિલાવ્યો, તેણીની આંખોમાં નવી ચમક આવી ગઇ, તેણીના સ્મિતે યુવરાજને પણ સ્મિત કરવા મજબુર કરતું ગયું. ડો યુવિકા જતી રહી, યુવરાજ ત્યાંથી પોતાના સેલ બ્લોક તરફ વળ્યો, પોતાની સેલ બ્લોક આવ્યો ત્યારે દુરથી ટોળાને જમા થયેલું પામી ગયો, યુવરાજને થડાકો થયો. ક્યાંક શાહિરે જાફરીચાચા પર હુમલો તો નથી કરી દિધોને?

“આજે તો શાહિરને નહીં છોડું.” હાથની મુઠીઓ વાળતો યુવરાજ શાહિર સાથે બાખડવાની તૈયારી સાથે જ ટોળા તરફ દોડ્યો, ટોળા વચ્ચે ઘુસીને વચ્ચે ગયો અને જોયું તો શાહિર આજે પણ મારી રહ્યો હતો, પણ, એ જાફરીચાચા ન હતા, શાહિરનો જ માણસ હતો, શાહિરના માણસો તેને લોખંડના સળીયાથી મારી રહ્યા હતા. પેલો બિચારો બેપાસળી યુવક રાક્ષસી કદવાળા શાહિરનો સામનો ક્યાથી કરવાનો? શાહિર તો કાનનાં કિડા ખરી પડે તેવી ગાળો દઇ રહ્યો હતો.

“સાલા, તારી હિમ્મત કેમ થઇ મારા માલ પર લાળ ટપકાવવાની? એ મારી છે ને એના પર મારો હક્ક છે. આજે તો તારી શામત આવી ગઇ..” શાહિર બોલતો જાય અને મારતો જાય,

“શાહિર...” યુવરાજે રાડ પાડી, શાહિર, શાહિરને ફરતે રહેલા તેના માણસો અને તમાશો જોતા અન્ય કેદીઓ આ સિંહગર્જનાથી ડઘાઈ ગયા. સૌ પાછળ વળીને યુવરાજને વિજળીવેગે આવતો જોઈ રહ્યા. શાહિર મારતો અટકી ગયો, ઊભો થઈને શાહિર ટોળુ ભેદતો યુવરાજ તરફ ગયો, યુવરાજ નજીક આવતા જ અટકી ગયો. શાહિર આગબબોલાની માફક લાલચોળ નજરે યુવરાજને જોઇ રહ્યો, “બહું મારવાનો શોખ છેને તને? આ નિર્દોષને મારીને પોતાની મર્દાનગીને ખોટો પોષી રહ્યો છેને તું? હિમ્મત હોય તો આવ મારી સામે, તને તારી મોત યાદ આવી જશે.”

“આજે તારી મહેબુબાએ તને બરાબર ખવડાવ્યું નથી લાગતું, કારણકે આવી બેવકુફીની વાતો તો ભુખ્યા પેટે જ થાય, ભુલી ગયો? કેવો પેલાં(ગાળ) સાથે તને માર્યો હતો?” શાહિર ઉશ્કેરવા બોલ્યો.

“શાહિર,” યુવરાજ શાહિર તરફ ધસી ગયો, અને શાહિરનું ગળું પકડી લીધું, શાહિરના માણસો આવીને બન્નેને છોડવવા લાગ્યા. અધુરામાં પુરું યુવરાજને જ મારવા લાગ્યા. પણ યુવરાજે શાહિરને ન છોડ્યો. શાહિરને ગળે ડુમ્મો આવી ગયો. જોકે, તેના માણસો યુવરાજને શાહિરથી અલગ કરી ગયાં અને મારવા લાગ્યાં. યુવરાજ જોકે ઝાલ્યો ઝલાય તેમ ન હતો.

“છોડો એને. એને તો હું ઠેકાણે કરીશ” શાહિરે બધાને અટકાવ્યા, માણસોએ યુવરાજને એકલો છોડી દિધો, જેવો યુવરાજને છોડ્યો કે યુવરાજ શાહિર પર કુદી પડ્યો, શાહિર આડા હાથની મારવા ગયો અને યુવરાજે તેનો હાથ પકડી લીધો, બીજા હાથે એકવાર તેના પેટ પર અને બીજીવાર તેના મોઢે વાર કર્યો, વિજળીવેગે યુવરાજ શાહિર પર તુટી પડ્યો. એક બાદ એક વાર કરતો જ ગયો, તો શાહિરે યુવરાજને પોતાની તરફ ખેંચીને જમીનમાં પછાડ્યો. બન્ને વચ્ચે બરાબરની જામી પડી, એકબીજાને મચક નહોતા આપતા. લાત-મુક્કા માર્યે જ જતા હતા, દસ ફુટનું પરીસર જાણે અખાડો બની ગયો. બન્ને લોહીલુહાણ થયા તોયે બાકીના કેદીઓ અને હાજર જમાદારs તમાશો જોઇ રહ્યાં. એક સમય એવો આવ્યો, જ્યારે સુલકડી યુવરાજ શાહિરને માથે ચડી બેઠો, નિર્દયી રીતે શાહિર પર મુક્કાઓનો પ્રહાર કરવા લાગ્યો. શાહિર અધમુઓ થઇ ગયો હતો, મોઢે-હાથે લોહી વહેતું હતું, કપડાં ફટાયા, યુવરાજનો એક-એક મુક્કો તેને ભારી પડ્યો હતો, એથી વધારે તો યુવરાજ ઘવાયો હતો, તોપણ શાહિર પર ચડી બેસવામાં સફળ થયો.

“આજ પછી જો કોઇને પણ કનડગડ કરી છે તો યાદ રાખજે, જો, તું ગુન્ડો છો તો હું તારો બાપ છું,” શાહિર પર યુવરાજે પકડ જમાવી એ જાણે બધા માટે આશ્ચર્ય હતું, શાહિર આટલી જલ્દી તાબે થઇ જશે, એ કોઇને સ્વપ્નેય ખ્યાલ ન હતો, જ્યારે શાહિર પકડમાં આવી જ ગયો ત્યારે તેના ખિસ્સામાથી એક ફોટો પડ્યો, જેવી યુવરાજની નજર ગઇ કે તેણે તરંત જ એ ફોટો લઇ લીધો અને જોયો ત્યારે યુવરાજના આશ્ચર્યનો પાર ન રહ્યો, “રાધિકા..”

“સ્ટોપ ઈટ. આઈ સે સ્ટોપ ઈટ!” પીઆઈ જાડેજા કાફલા સાથે આવી પહોંચી, યુવરાજથી શાહિરને અલગ કર્યો, બન્નેને પકડ્યા, “આખરે તમે તમારો અસલી રંગ દેખાડી દિધો, શ્રીમાન રાવળ, આ છે તમારી અસલિયત, ગુન્ડાગર્દી, હમણાં મિડીયાને જાણ કરુને તો તમારો આ ચહેરો સૌની સામે આવી જાય, પહેલાં તો મને લાગતું હતુ કે તમે ક્યારેય કોઇને મારી ન શકો, પણ, આજે મને વિશ્વાસ આવ ગયો કે તમે હત્યારા છો.”

“ના, હું હત્યારો નથી.” યુવરાજ બોલી ઉઠ્યો, શાહિર સામે જોયું, શાહિર તો તેનાથી કાંપતો હતો, શાહિર પાસે જવા ગયો ત્યારે તેને પકડમાં રાખવા મથતા જમાદારોએ પકડ મજબુત કરી, “મહેશભાઇ.” યુવરાજની બધાને નામ-આદર સાથે બોલાવાની ટેવ હોવાથી એ જમાદારને પણ આદર સાથે બોલ્યો, “મને છોડો, હવે હું એને નહીં મારું, મારે તો બસ એટલું જ જાણવું છે કે આ રાધિકાનો તેની સાથે શો સંબંધ છે?”

“શો સંબંધ છે એટલે? આ મારી મહેબુબા છે અને સાંભળ, એ રાધિકા નથી, એની સામે જોતો પણ નહીં, નહીં તો ભલે હું મરી જાઉ પણ તને જીવતો ન છોડું.” શાહિરે બરાડો પાડ્યો પણ એના અવાજમાં ભય દેખાય આવતો હતો.

“જોવાની વાત નથી, આ એ જ રાધિકા જેને કારણે..” યુવરાજ બોલવા ગયો, પણ, સૌને જોઇને અટકી ગયો, “જાડેજાસાહેબ, મને માફ કરી દો, મારા કારણે તમે...”

“ઓહ્હો, શ્રીમાન રાવળ, એક તો આ તમારુ આ નાટક ક્યારેય અટકતુ નથી, વાત-વાતમાં સારા થવાનું નાટક.” પીઆઈ જાડેજા યુવરાજથી કંટાળીને બોલ્યાં, “અરે, બસ કરો, બક્ષ દો હમે.” પીઆઈએ યુવરાજ સામે હાથ જ જોડ્યાં નહોતા, એટલા કંટાળી ગયા લાગતાં હતાં, “લઇ જાવ એમને સેલમાં,” પીઆઈનો આદેશ વછુટ્યો, પણ, યુવરાજનો મગજ ચકરાવે ચડ્યું.

‘મારે આ છોકરીને શોધવી જ રહી, તો જ હકિકત સામે આવશે, એ માટે મારે આ જેલ થી છુટવું જ રહ્યું’ યુવરાજ વિચારે ચડ્યો, પીઆઈ જાડેજાને જતો જોયા, “જાડેજાસાહેબ.” પીઆઈ જાડેજા દુર ચાલ્યો ગયો તો યુવરાજે રાડ પાડી, પીઆઈ એ પાછળ વળીને યુવરાજ સામે કંટાળા સાથે જોયું. યુવરાજ જમાદારોને ખેચતો નજીક આવી રહ્યો હતો, “જાડેજાસાહેબ મને અહીંથી છોડાવો, મારે પોતાને નિર્દોષ સાબિત કરવો છે.”

“બહાર જવું છે?” પીઆઈ જાડેજાએ પૂછ્યું, “શું તમે આ તમારૂ ઘર સમજી બેઠા છો? જ્યારે મન થયું ત્યારે જેલ આવી ગયા, જ્યારે મન થયું ત્યારે બહાર નીકળી ગયા, તમને હવે યાદ આવ્યુ કે તમારે પોતાની જાતને નિર્દોષ સાબિત કરાવની છે? ચુપચાપ અંદર જાવ, કોઇ તમને બહાર લાવવામાં મદદ નહીં કરે.” પીઆઈ જાડેજા સ્પષ્ટ નનૈયો ભણ્યો, જમાદારો યુવરાજને તેની સેલ તરફ લઇ જઇ રહ્યાં હતા, યુવરાજના મનમાં અશાંતિનું વાવાઝોડું ફુંકાયુ, ગમે તેમ કરી આજે તો જેલથી ભાગવું જ પડશે, નહીંતર પોતે ક્યારેય નિર્દોષ સાબિત નહીં થઇ શકે, યુવરાજના મનમાં એક જ વાત રમવા લાગી, પણ છુટવું કઇ રીતે? હવે તો એક જ રસ્તો હતો.

- યુવરાજે બીજું કાઇ વિચાર્યા વગર બધી હિમ્મત એકઠ્ઠી કરીને બન્ને જમાદારોને પાછળ ધક્કો માર્યો, બન્ને જમાદારો પછડાયા અને યુવરાજ દોડ્યો, પાછળ-પાછળ જમાદારો, આ બાજુ પીઆઈ હજુ પોતાની ઓફિસ નજીક આવે તે પહેલાં યુવરાજ દોડતો તેની પાસે પહોંચી ગયો, બેક બેલ્ટ પર સર્વિસ રીવોલ્વર ઝડપી લીધી, પીઆઈ કાંઇ વિચારે તે પહેલાં તો પીઆઈ સામે આવીને તાંકી દિધી.

“યુવરાજ.” પહેલીવાર યુવરાજ નામેથી પીઆઈએ બોલાવ્યો.

“પ્રભાત, આજે મને જવા દે, આજે મને રોક નહીં, મેં તને કહ્યું હતું કે મને જવા દે, માનવતાએ મને જવા દે, પણ, તું ન માન્યો, હવે જો તું વચ્ચે આવ્યો, તો..”

“શું કરી લઇશ? મારીશ મને એમ? ચલાવ, આજે તો તું મારી લાશ પર પગ મુકીને જા, કારણકે જો હું જીવતો રહ્યો તો હું તને નહીં જીવવા દઉ.” પીઆઈએ પડકાર ફેક્યો, ત્યાં જમાદારો આવ્યા અને યુવરાજ પાસે આવે તે પહેલાં જમાદારોના પગ આગળ યુવરાજે ફાયરીંગ કરી પીઆઈ પાસે આવીને પીઆઈને ધક્કો મારીને પછાડીને તેના પર રીવોલ્વર તાકી દિધી,

“ઊભા થાઓ, સાહેબ અને મને દરવાજા સુધી વળાવી જાવ.” રીવોલ્વર તાકી હોવા છતાં યુવરાજે પીઆઈ જાડેજાને હાથ ફેલાવ્યો, જાડેજા સહમત થયો હોય તેમ માથું હલાવ્યુ અને યુવરાજનો હાથ પકડીને ઊભો થવા ગયો, ઘુટણે ઊભો થયો જ હતો કે યુવરાજને પોતાના તરફ ખેંચીને ધક્કો માર્યો, હાથ તો છુટ્યો પણ સાથે-સાથે રીવોલ્વર પણ છુટીને દુર ફેકાઇ, યુવરાજ ફગોળાતો પટકાયો, જમાદારો તેના પર નિશાન તાંકે એ પહેલાં પીઆઈએ તેમને રોકીને યુવરાજ પર હુમલો કર્યુ, યુવરાજને કાબુમાં કરવા નજીક જતો હતો ત્યા યુવરાજે સુતા-સુતા જ તેના પેટ પર લાત મારી, પીઆઈ ફંગોળાયો અને યુવરાજ ઊભો થઇને વિજળીની વેગે રીવોલ્વર પર પટકાયો, જમાદારો હવે તેના પર ફાઈરીંગ કરે એ પહેલાં ઊભો થઇને દોડ્યો, નજીક આવે તેને પછાડતો ગયો. જમાદારો ફાઈરીંગ કરવા લાગ્યા, તો સામે યુવરાજ પણ ફાઈરીંગ કરવા લાગ્યો, સામે જેટલાં પણ આવે તે બધાને ફાઈરીંગ થી જ જવાબ દઇ રહ્યો હતો, જોકે સામાન્ય રીતે જેલ નો મુખ્ય દરવાજો બંધ હોય, પણ આજે યુવરાજના નસીબ બળ કરી રહ્યા હોય તેમ એક ટ્રક જેલથી બહાર જઇ રહ્યો હતો, યુવરાજ દોડતો-દોડતો અને ફાઈરીંગનો જવાબ આપતો ટ્રક પર ચડી ગયો, ત્યાં સુધીમાં પીઆઈ બહાર આવીને ફાઈરીંગ કરવા લાગ્યો, એની એક bullet યુવરાજના ડાબે ઘુટણે વાગી તો જવાબી ફાઈરીંગ માં યુવરાજે પીઆઈ ના જમણા ખંભે નિશાન પાર પાડ્યું, પીઆઈ ના હાથમાથી રીવોલ્વર છુટી ગઇ,પીઆઈ જમીને પટકાયો, જમાદારો તેને સંભાળવા લાગ્યા, અને ટ્રક જેલ ની બહાર નિકળી ગયો, પળવારમાં થઇ ગયું.

“ટ્રક રોકાવો, આજે યુવરાજ ભાગવો ન જોઇએ, બધા પુલીસ સ્ટેશન એ જાણ કરો, નાકાબંધી કરાવો,” અસહ્ય દુખાવા વચ્ચે પણ પીઆઈ વિજળીવેગે આદેશો કરવા લાગ્યા, જમાદારો તેને તેના ટેબલે લઇ આવ્યાં, પીઆઈને ફર્સ્ટ એઈટમાંથી પાટ્ટો કાઢીને ડ્રેસિંગ કરાવવા લાગ્યા. જેલ ચોગાનમાં સાઈરન વાગવા લાગ્યું. જે એલર્ટની નિશાની હતી, બે-ત્રણ જમાદારો જે ટ્રક પાછળ દોડીને રોકાવા ગયા, જેલ સુપરીટેંન્ડેન્ટ પાડલીયાને જાણ કરવામાં આવી.

-”ચાચા, ચાચા,” રાજુ દોડતો-દોડતો જાફરીચાચાની સેલે આવ્યો, જાફરીચાચા હજુ ઉઠ્યા જ હતા, રાજુ સળીયા પાસે આવીને બોલ્યો, “ચાચા, યુવરાજભાઇ જેલથી ભાગી ગયા.”

“શું વાત કરે છે? રાજુ, યા અલ્લાહ.” જાફરાચાચા દર્દ વચ્ચે સફાળા બેઠા થઇ ગયા, પહેલાં તો તેમનો આશ્ચર્ય પામ્યા, પણ, થોડું વિચારતા હસવા લાગ્યા,

“ચાચા, યુવરાજ ભાગ્યો છે અને તમે હંસો છો?”

“યા અલ્લાહ, તારી કરામત પણ ક્યારેય પામી ન શકાય, મેં યુવરાજને કહ્યુ હતું કે જો તેને ન્યાય જોઇતો હોય તો આ કારાગૃહથી છુટવુ પડશે અને એ ખરેખર મર્દનો બચ્ચો નિકળ્યો, રાજુ, હવે જોજે, ઇન્સાનિયતના દુશ્મનોનો સમય પુરો થઇ ગયો, હવે ન્યાય થશે, ઇન્સાનિયતના દુશ્મનોને સજા થશે. રાજુ, તું બસ, મને ખબર આપતો રહેજે.”

***

- “ આ ડ્રગ્સ છે, હેરોઈન.” નાક આગળ લાવતાં જ છીંક આવી ગઇ, સાગરને ખ્યાલ આવી ગયો. સાગરીકા-પિન્ટુ એકબીજાને જોઇ રહ્યાં, “ક્યાથી ઉપાડી લાવી?”

“પ્રસાદી માટે સત્યાનંદના આશ્રમ જતો ટ્રક જ્યારે આરટીઓ સર્કલે હતો ત્યારે આ પડીકી પડી ગઇ હશે, તે ટ્રક આગળ ગયોં ત્યારે મારી નજર ટ્રક જ્યાં અટક્યો હતો ત્યાં પડી, મને ચળકતી વસ્તુ જોઈને શંકા ગઈ એટલે મેં ઉઠાવી લીધી અને અહીં લઈ આવી. મને થયું કે તમને પુછી જોઉ.” સાગરીકાએ કેફીયત આપી, “જોયું સાગરભાઇ, આ છે સ્વામી સત્યાનંદની હકિકત. મને તો પહેલેથી જ શંકા હતી અને એક-બે અનુભવ પણ થઇ ગયાં છે. પણ, સાબિતી વગર કાંઇપણ બોલું તો સ્વામીના પાગલ ભક્તો આપણા પર ચડી બેસે, સાગરભાઇ, હવે હું ચુપ બેસી રહેવાની નથી, આ પડીકી ધુતારા સ્વામીની હકિકત ખોલી નાખશે.”

“શું કરવાનો યોજના છે તારો?” સાગરે પૂછ્યું.

“કરવાનું શું? પુલીસને લઇને આશ્રમમાં છાપામારી કરવાની, મિડીયાને સાથે રાખીને, આખી દુનિયા જોઇ લે તેમ..” પિન્ટુએ જવાબ આપ્યો.

“સાગા, તું એ જ વિચારે છે?” સાગરે પૂછ્યું, સાગાએ માથું હલાવ્યું, સાગર ટેબલ પરથી આગળ વધીને સાગરીકા અને પિન્ટુ પાસે આવ્યો, “પિન્ટુ, સાગા સાથે રહીને તું ઘણુ શિખી ગયો, પણ, આ રસ્તો ભૂલરહિત અને કારગત નથી, ખ્યાલ છેને કે પાટોત્સવ સરકારે તેના માટે કેટલી સુરક્ષા ખડકી દિધી હતી અને ન જાણે કેટલાં વર્ષ આ બે નંબરીનો ધંધો કરી રહ્યો છે આ ધુતારો? આટલાં વર્ષોમાં સરકાર તેના ખિસ્સામાં જ થઇ ગઇ હોયને, આપણે પુલીસ લઇને ત્યાં જઇએ ત્યાં સુધીમાં તો બધું સગેવગે કરતાં કેટલીવાર લાગે? કોને ખબર કે પુલીસમાંથી કોણ આશ્રમ સાથે સંપર્ક ધરાવતું હોય? આપણે એવું કરવું જોઇએ કે સ્વામી ખુલ્લો પણ પડી જાય અને કોઇપણ રીતે ભાગવામાં સફળ ન થાય, નિર્દોષ લોકોને નશાની ચુંગાલ સંડોવે છે સાલો..”

“ભાઇ, માત્ર નશો જ નહીં, યુવતિઓની હેરફેર પણ કરે છે.” સાગા માંડ બોલી શકી, સાગર તો સ્તબ્ધ થઇ રહ્યો, સાગરીકાની આંખો ભીની થઈ ગઈ, “પાટોત્સવના છેલ્લા દિવસની રાત્રે મને એ વાતનો સાક્ષાતકાર પણ થઇ ગયો હતો.” સાગાએ એ રાતનો અનુભવ વણવ્યો, સાગર-પિન્ટુ તો આઘાત પામ્યાં, “માફ કરજો, મારે તમારી સામે આ વાત નહોતી કરવી પણ, આ જ સત્ય છે, સાંજે અમને એ છોકરી પોતાનો જીવ બચાવવા આજીજી કરી રહી હતી પણ બીજીવાર મળે તે પહેલાં તો આ રાક્ષસે તેણી નદીએ લઇ જઇને પુરી કરી નાખી.” સાગા રડવા લાગી, સાગર પાસે આવ્યો, છાતીએ લગાડી.

“સાગા, રડ નહીં, આવી વાતોમાં ક્યાં સંકોચ રાખવાનો? આપણે ભાઇ-બહેનથી પણ વિશેષ મિત્ર છીએ, હવે એ સાધુના રૂપમાં શૈતાનને તેને કર્મોની સજા તેના ભક્તો જ આપશે, સાગા, આપણે સ્વામીના ત્રાસથી પીડિત છે તેને એકઠ્ઠા કરીને સાબિતીઓ એકઠ્ઠી કરીને સ્વામીને ખુલ્લો કરીશું.” સાગરે આશ્વાસન આપ્યું, સાગરીકાના આંસુ લુછ્યા. ત્યાં સાગરીકાના મોબાઇલ પર કોલ આવવા લાગ્યો, સાગાએ જોયું કે અધિવેશનો કોલ આવી રહ્યો હતો ત્યારે તેણીને યાદ આવ્યું કે માધવ અધિવેશ સાથે યુવરાજભાઇને મળવા જવાનો હતો, કદાંચ તે માટે કોલ કર્યો હોય.

“હાં અધિ, બોલ,” સાગાએ રિસીવ કર્યો, પણ, સામે અધિવેશે જે કહ્યું તે તેણીના માન્યામાં ન આવ્યું.

“શું? શું વાત કરે છે?” સાગાને એવો ઝટકો લાગ્યો કે હાથમાથી મોબાઇલ નીચે પડી ગયો. સાગર અને પિન્ટુ તેણીને કાઇ પુછે એ પહેલાં સાગાએ તો દોટ મૂકતી બહાર ગઇ.

***

- ગાંધી બ્રિજ પાસેના સાબરમતિ વૉકવે પાર્ક પર અધિવેશ અધિરાઇથી રાહ જોઇ રહ્યો હતો, બેસવાને બદલે આમતેમ ચાલી રહ્યો હતો, ઘડી-ઘડીએ મોબાઈલ પર જોઇ રહ્યો હતો.

“આ છોકરીઓનો આજ વાંધો, ક્યારેય સમય પર આવે જ નહીં, સમયની તો કોઇ કિમત જ ન હોય.” અધિ બબડ્યો.

“સમયની સાથે માણસોની પણ કિંમત કરવી જોઈએ, જે અમને તમારા કરતાં વધારે આવડે છે, ઓકે?” ત્યાં પાછળથી અવનિ આવતી-આવતી બોલી, અધિવેશ આમે-તેમ જોવા લાગ્યો, “ખબર છે? આ રીતે હું કોઇ છોકરાને મળવા આવી નથી, મમ્મીને તારી ખબર હોવાથી કેટલું ખોટું બોલવું પડ્યું તેનો તો તને ક્યાથી ખ્યાલ હોય? પાછો સમય સાચવવાની વાત કરે છે?” આવતા સાથે જ જાણે ખીજાય રહી હોય તેમ અવનિ બોલી.

“અવનિ, વાત એવી છે કે હું તારી રાહ પણ જોઇ શકું તેમ નથી પણ, આ તો તને મળવા કહ્યું હતુ એટલે આવવું પડ્યું, મને માફ કરજો,”

“શું વાત છે? અને તે મને શાં માટે બોલાવી છે?” અવનિ ગંભીર પરિસ્થિતિને પામી ગઇ એટલે ધીમે અવાજે પૂછ્યું.

“અવનિ, માધવનો કાલ રાતથી કોલ લાગી રહ્યો નથી, તેણે કહેલું મળવાનું સ્થળ લોયર્સ ચોઈસે પણ જઇ આવ્યો, પણ, ત્યાં અહલ્યા નામની યુવતિએ કહ્યુ કે માધવ સવારે આવ્યો જ નથી, નહીંતર તો એ ત્યાં આવે જ, પણ, તેનો કોઇ પત્તો નથી.”

“માધવ... માધવનો કોઇ પત્તો નથી? પણ, એમ બને જ કઇ રીતે? માધવ ક્યાય જઇ શકે તો નહીં, કારણ કે જવાબદારીથી ભાગી જાય એવા લોકોમાથી માધવ નથી, માધવ સાથે કોઇ અજુગતી ઘટના તો નથી થઇ હોયને?”

“એટલે જ મેં તને બોલાવી છે, તને કોઇ માધવની વધારાની જાણ હોય તો...” અધિવેશ બોલ્યો, “આમપણ આપણે એક સાથે બન્ને શોધવા પડશે.”

“બન્નેને? બીજું કોણ?”

“મોટાભાઇ, એ જેલથી ભાગી ગયા છે.”

“શું? મોટાભાઇ જેલથી ભાગી ગયાં? પણ મોટાભાઇને ભાગવાની જરૂર શું પડી?” અવનિથી બોલાઇ ગયું, “કોઇ તો કારણ હોવુ જોઇએ.”

“અમને તો એ વાતની પણ ખબર હમણાં મળી કે મોટાભાઇ ઇફ્તિખાર જાફરી સાથે રહેતા હતા, યુવિકાને આજે જ મોટાભાઇએ જાણ કરી.”

“ખરેખર અધિવેશ, તું મને આજે ઝાટકાં પર ઝાટકો આપી રહ્યો છે, હવે આપણે શું કરીશું?”

“હું પણ એ વિચારી-વિચારીને ત્રાસી ગયો છું, અવનિ, એટલે જ મેં સાગરીકાને જાણ કરને બોલાવી છે, સાગરીકા આવતી હશે, તેની સાથે મળીને વિચારીએ.” અધિવેશ બાકડો પર બેઠો, અવનિ પાસે બેઠી, “આન્ટી ગુસ્સે તો નથી થયાને?” અધિવેશે વાત બદલી.

“ના, ગુસ્સે નથી, પણ, એમણે મને માધવે પુછેલા પ્રશ્નનો જવાબ આપ્યો, નરૂભાની ચાલચલગત સારી ન હોવાથી અને કોમીરમખાણોમાં તેમની શંકાસ્પદ ભૂમિકા હોવાથી તેમણે તેમની સાથે સંબંધ કાપી નાખ્યાનું જણાવે છે અને પપ્પા દેવરાજકાકાને બચાવી ન શક્યા હોવાના અફસોસને કારણે તારા પરીવારને મળવા આવતા નથી, પણ, પપ્પાએ મને વિશ્વાસ અપાવ્યો છે કે જલ્દીથી દેવિકાકાકીને તેઓ મળવા આવશે.”

“પપ્પાનું તો અકસ્માતમાં મૃત્યુ થયું હતું તો કાકા કેમ એમ કહે છે કે તેઓ પપ્પાને ન બચાવી શક્યાં? હું તને મળ્યો એ વાત સાંભળીને દાદાજી-મમ્મી તો રડી પડ્યાં, એમને તો કાકા પર આજેય એટલો જ વિશ્વાસ છે પણ, તેઓ ડરી રહ્યા છે કે કાકાએ સંબંધ કાપી નાખ્યો છે તો પાછા મળવા જશું તો કાકા તેમના પર ગુસ્સે ન થઇ જાય, હાં, તેમને અફસોસ તો છે કે તારો પરીવાર ખરે સમયે સાથ આપવાના બદલે ફરી ગયો.”

“ટુંકમાં બન્ને એકબીજાને મળવા ઇચ્છે છે પણ ખોટો ડર અટકાવી રહ્યો છે જસ્ટ લાઇક લવ બર્ડ્સ. ઇશ્વરનો અનેક ગણો આભાર કે એમણે આપણને ખરે સમયે મળાવી દિધાં.” અવનિ બોલી, પછી વિચારતી અટકી ગઇ, “અધિવેશ, હું શું કહું છું આપણે બન્ને પરીવારને આજે જ મળાવી દઇએ તો?” અધિવેશ આશ્ચર્યથી જોઇ રહ્યો, “જો, મોટાભાઇને કે માધવને શોધવામાં પપ્પાથી વધારે કોઇ કારગત નહીં થાય.”

“પણ, એ લોકોને ખબર પડશે કે આપણે તેમને મળાવ્યા છે તો આપણાથી નારાજ નહીં થાય અને સૌથી મોટો સવાલ એ કે આપણે એમને મળવાશું કઇ રીતે અને ક્યાં? અવનિલેન્ડ કે દિવ્યલોક ભવનનું નામ આવતા જ તેમને ખ્યાલ આવી જશે.”

“વિચારીએ.” અવનિ બોલી, બન્ને વિચારવા લાગ્યાં. થોડીવારમાં ત્યાં એક પાંચ વર્ષનો છોકરો આવ્યો, બન્ને એ છોકરાને જોઇ રહ્યાં.

“આ તમારા માટે.” છોકરાના હાથમાં પરબિડીયું હતું, અધિવેશના હાથમાં આપ્યો.

“આ શું છે? બેટા.” પરબિડીયુ ખોલતો અધિવેશ બોલ્યો.

“ખબર નઇ..” બોલતો-બોલતો છોકરો ભાગ્યો.

“અરે, ઊભો રહે..” અવનિએ સાદ પાડ્યો ત્યાં સુધીમાં તો છોકરો દુર દેખાતો બંધ થઇ ગયો, અધિવેશે પબિડીયું ખોલ્યું, અંદર કાગળ હતો, અધિવેશે કાગળ ખોલીને વાંચવા લાગ્યો.

“અધિવેશ, મને ખ્યાલ છે કે અત્યારે તમે કેવી આફતોમાંથી પસાર થઇ રહ્યા છો, આ સમયે તમને વધુ કોઇ આફતમાં નાખવા એ મારા માટે ગુના કરવા સમાન હશે, પણ, સાથે-સાથે જે જાણું છું એ અંગે ચુપ રહું તો પણ મેં તમારો ગુનો જ કર્યો કહેવાય. મને ખબર છે કે તમે યુવરાજની નિર્દોષતા પુરવાર કરવા મથી રહ્યા છો, પણ, યુવરાજની નિર્દોષતાનો પુરાવો તમને ગૃહમંત્રી નવિન પટેલના ઘરે જ મળશે. વાત એટલી જ નથી, એક વાત બીજી પણ છે જે તમારા પરીવારથી અને દુનિયાથી વર્ષોથી છુપાવવામાં આવી છે જે જાણતા તમારા પગતળે જમીન સરકી જશે, એ વાત છે તમારા પિતા પુર્વ મુખ્યમંત્રી દેવરાજ રાવળના મૃત્યુનું સત્ય, અધિવેશ, દુનિયા સામે તમારા પિતાના મૌતને અકસ્માતમાં ખપાવી દેવામાં આવ્યું છે પણ હકિકત કંઇક બીજી જ છે જે તમને નવિન પટેલના ઘરે જ મળશે, અધિવેશ, મારી એકેએક વાત સત્યની સાક્ષીએ લખાય છે, જેટલી ઝડપી તમે આ બે રહસ્યોને જાણી લેશો એટલું તમને અને તમારા પરીવારને ભયંકર આફતોથી ઉગારી શકશો, તમારો હિતેચ્છુ.” પત્ર પુરો થયો ત્યાં સુધીમાં અધિવેશ પથ્થર થઇ ગયો. અવનિ પણ સ્તબ્ધ થઇ ગઇ.

“આ શું છે? દેવરાજકાકા પર હવે શું રહસ્ય હોવાનું? મને કોઇએ તારી..” અવનિ બોલી ગઇ પણ તેણીએ જોયું કે અધિવેશ ચુપ હતો, “અધિવેશ તું આ વાતને સત્ય તો નથી માનતોને? બની શકે કે કોઇ...”

“સાચું શું છે એ તો નવિનકાકાને ઘરે ગયાં પછી જ જાણી શકાશેને?”

“પણ, અધિ, ત્યાં પુલીસનો પહેરો છે આપણે કઇ રીતે જઈશું? શું બ્હાનો કરશું? તને તો જરાયે જવા નહીં દે.” અવનિએ શંકા વ્યક્ત કરી.

“તું આવીશ મારી સાથે?”

“ચોક્કસપણે હાં, તને થોડો એકલો જવા દઉ?”

“તો બસ, મારા પર વિશ્વાસ રાખ, આપણે આજે રાત્રે નવિનકાકાના ઘરે જઇશું, કારણ કે અત્યારે જવું મુશ્કેલ છે.” અધિવેશે અવનિનો હાથ પર હાથ મુક્યો, અવનિએ તેના ગૌર વર્ણ હાથ જોઇ રહી, “શું જુએ છે?”

“આ તારી ફટ દઇને હાથ પર હાથ મુકવાની આદત મને હોસ્પીટલની યાદ અપાવી રહી છે, ક્યાક તું અધવચ્ચે હાથ છોડી તો નહીં દેને?”

“કમ-સે-કમ આપણી મિત્રતામાં તો આ ક્યારેય નહીં બને.”અધિવેશ હસ્યો, ત્યાં સાગરીકા આવતી દેખાય, જોકે આ વખતે અધિવેશે અવનિનો હાથ પર હાથ ન હટાવ્યો.

“અરે, અવનિ, મને ખ્યાલ નહોતો કે તું પણ આવવાની છે, માફ કરજો અધિ, આવવામાં મોડું થઇ ગયું, શું પછી માધવનો કોઇ પતો મળ્યો?” સાગારીકા બન્ને સામે ઊભી રહી, અધિએ પહેલાં તો બેસવાનો વિવેક કર્યો, સાગરીકા અધિની ડાબી બાજુ બેઠી, અવનિ તો જમણી બાજુ બેઠી હતી.

“સાગા આજે તો જાણે મારા માટે આઘાતનો દિવસ છે.” અધિવેશે એક બાદ એક ત્રણ વાત કરી, સાગા પણ બન્ને માફક આઘાત પામી. પત્ર વાંચ્યો. બન્નેના ચહેરા સામે જોઇ રહી.

“અધિ આ વાતને તો ગંભિરતાથી લેવી જ જોઇએ, માધવ અંગે તસ્લિમાખાલા જાણતી હોય, હું તેમને મળી આવીશ અને તને ખ્યાલ છે કે યુવરાજભાઇ તારા ઘર સિવાય બીજે ક્યાં જઇ શકે?”

“અમારા જેટલાં મિત્ર હતાં એ બધાને પુછી જોયું, દાદા તો કેટલાય કાર્યકરોને પુછી જોયું છે, હજુ પણ પુછી રહ્યા છે, પણ લાગે છે કે તેમને હજુ કોઇ સફળતા મળી નહીં હોય,”

“..અને જેલમાં તપાસ કરી કે કોણ હોય શકે જેણે યુવરાજભાઇને ભાગવા માટે ઉકશાવ્યાં હોય?”

“જેલની તો વાત જ ન કર, પેલો અંગ્રેજોના જમાનાનો જેલર જાડેજા કોઇ વાતે સીધો જવાબ આપતો નથી, જાણે દુનિયામાં એ એક જ ઇમાનદાર હોય.” અધિએ મ્હો મચકોડ્યું.

“સાગા, તું માધવની તપાસ કર, અમે રાત્રે નવિનકાકાને ઘરે...” અવનિ બોલી.

“ના. ના. અધિવેશ-અવનિ, હું તમને આ રીતે ચોરી-છુપીથી નવિનકાકાને ત્યાં નહીં જવા દઉ, જો પકડાઇ ગયા તો બુરા ફંસાઇ જશો અને જો દેવરાજકાકાને લગતી વાત હોય તો જેણે આ છુપાવી છે એ નવિનકાકાના ઘર પર ચાંપતી નજર રાખતો હશે, તેની રડારમાં જો તમે આવી ગયાં તો...” સાગા વધારે ન બોલી શકી, પણ, તેણીનો કહેવાનો અર્થ બન્ને સમજી ગયાં.

“..તો કઇ રીતે જઇએ?”બન્ને સાથે બોલી ઉઠ્યાં.

“મારા પપ્પા એ ઘરની જવાબદારી ધરાવે છે, હું તેમને મનાવીશ તો એ તમારી સાથે આવશે. એકવાર ઘરમાં ઘુસી ગયાં પછી કોઇ તમને રોકી નહીં શકે, મારે પપ્પાને ખોટું તો બોલવું જ પડશે પણ જ્યારે એ જાણશે કે મેં સારા આશયથી ખોટુ બોલી છું ત્યારે એટલું નુક્સાન નહીં થાય. જેટલું તમે તમારી રીતે જશો એમાં ઓછું નુક્શાન થશે.” સાગાએ બન્નેને સમજાવ્યાં, ઊભી થઇ, “ચાલો, હું ખાલાને મળતી આવું,” તેણીની સાથે બન્ને ઊભા થયાં, ત્રણેયે એકબીજાને ભેટીને છુટા પડ્યાં.

- “અમે ખુદ માધવને શોધી રહ્યા છીએ, અમને પણ માધવની ચિંતા થઇ રહી છે. વહાબ અને અકરમને સવારથી જ માધવે શોધવા મોકલ્યા છે, અલ્લાહ તેની ખૈર કરે.” તસ્લિમાખાલા પાસે સાગારીકાને આ જવાબ મળ્યો.

“આશા રાખું છું કે માધવ કોઇ મોટી મુસીબતમાં ન પડ્યો હોય તો સારું.” પોળની બહાર નિકળતાં-નિકળતા સાગાને માધવની ચિંતા થવા લાગી.

***