Adhinayak - 31 books and stories free download online pdf in Gujarati

અધિનાયક (પોલિટીકલ થ્રિલર) (નોવેલ) દ્રશ્ય 31

દ્રશ્ય: - 31

- અચાનક પીઆઈ વાનાણીનો મોબાઇલ રણકવા લાગ્યો. પીઆઈએ મોબાઇલ પર જોયું તો સ્ક્રિન પર અજાણ્યો દેખાવા લાગ્યો. પીઆઈએ કોલ ઉપાડ્યો.

“હેલો, પીઆઈ વાનાણી હું ધનરાજ ગજેરા બોલી રહ્યો છું, હું જે બોલું એ ચુપચાપ સાંભળો, મને ખબર છે કે તમારી સામે તમન્ના બેઠી છે એટલે તેણીને શંકા ન જવી જોઇએ, તમે અત્યારે ધનરાજ મેન્શન આવી જાવ, કારણકે મારે તમને જરૂરી વાત કરવાની છે તમારા પડછાયાને પણ ખબર ન પડવી જોઇએ કે તમે ક્યા જઇ રહ્યા છો. સમજી ગયા?”

“ઓકે સર, હું મળવા આવી રહ્યો છુ.” પીઆઈએ કોલ કાપ કરીને તમન્ના સામે જોયુ, “તમન્ના, મારે જવું પડશે.”

“ઓકે નો પ્રોબ્લેમ, તમે જાવ, પણ હવે આગળ શું કરવાનું છે?”

“એ સવાલ તો મનેય મનમાં ખટકે છે, આપણે બન્ને વિચારશું. જેને સૌથી પહેલા રસ્તો મળે એ બીજાને જાણ કરશે.” બન્ને ઊભા થયાં. “આભાર, તમન્ના.”

“પીઆઈ સાહેબ, તમે ભૂલી રહ્યા છો કે આ કેસમાં હું પણ જોડાયેલ છું તો જે પણ તમારી મદદ થાય એ અંતે તો ખુદની જ મદદ કરવી કહેવાયને.” તમન્નાએ હસ્તધુનન કરવા હાથ લંબાવ્યો. પીઆઈ હાથ લંબાવીને હાથ મિલાવ્યો. બન્ને પોતપોતાના રસ્તે જતાં રહ્યાં.

- પીઆઈ વાનાણી ધનરાજ મેન્શન આવ્યો, સભાખંડ સુધી કોઇ ન દેખાયું, સભાખંડમાં ઊભો-ઊભો ચારે તરફ જોઇ રહ્યો,

“સ્વાગત. ધનજંયકુમાર.” ત્યાં સભાખંડના ડાબી બાજુના ઓરડોથી ધૃતિ શ્રીમાન ગજેરાને સભાખંડ સુધી દોરતી-દોરતી લઈ આવી, શ્રીમાન ગજેરાએ પીઆઈને આવકાર્યો, “બેસો.” સોફા આગળ વ્હિલચેર અટકી, પીઆઈ વાનાણી સોફા પર બેઠો. ધૃતિને જોઇ રહ્યો, જોકે, ધૃતિએ નજર ચોરી,

“પીઆઈ વાનાણી, મને ધૃતિએ તમારા સંબંધ વિશે વાત કરી.” ધનરાજભાઇએ શરૂઆત કરી, પીઆઈ વાનાણી ધૃતિ સામે જોઇ રહ્યાં, “મને આ સંબંધથી કોઇ વાંધો નથી.” ધનરાજભાઇની વાતે પીઆઈ વાનાણીના ચહેરે ચમક આવી ગઇ, “પણ, મને લાગે છે કે તમારે તમારો પ્રેમ સાચો છે એ સાબિત કરવું પડશે.”

“તમે આ સંબંધથી ખુશ છો એ જ વાત મારા માટે ઉત્સવ કરવા જેવી છે, પણ મારે પ્રેમને સાબિત કરવા શું કરવું પડશે?” પીઆઈ વાનાણી વારંવાર ધૃતિ સામે જોઇ રહ્યો હતો, પણ નારાજ પ્રેમિકા આજે મચક આપી રહી નહોતી.

- “..અને શ્રીમાન ગજેરાએ મને જણાવ્યું કે થોડીવારમાં શ્રીમાન મણિયારનો મારા પર કોલ આવશે, તે જ્યાં બોલાવે અને જે કહે તે કરવાની તૈયારી બતાવજે, એમજ થયું, થોડીવારમાં શ્રીમાન મણિયારનો કોલ આવ્યો, તેઓએ મને અફરોઝ સટ્ટાના ઘરે બોલાવ્યો, તમારા વિરુદ્ધ ભડકાવ્યો, પણ એ પહેલાં શ્રીમાન ગજેરાએ મને બધી હકિકત જણાવી દિધી હતી, પણ ત્યાં એક ઘટના બની જેના કારણે મને વિશ્વાસ આવ્યો કે શ્રીમતિ ગજેરાનું એ લોકોએ જ અપહરણ કર્યું છે, છેલ્લે જઇ રહ્યો હતો ત્યારે શ્રીમતી ગજેરાના જાગવાના અવાજે મારી શંકા પાકી કરી, મેં શ્રીમાન ગજેરાને જાણ કરી અને તેમણે આ ઓડિયો ટેપ જાહેર કરી.”

“તમને મારા પર શંકા કેવી રીતે ગઇ?” તમન્નાએ પુછ્યું.

“અમારા કારણે,” પાછળથી બે આધેડ દંપતિ આવ્યાં, તમન્ના તેમને જોઇને સ્તબ્ધ થઇ ગઇ, તમન્ના દોડતી ગઇ. બન્નેને ભેટી ગઇ.

“તારા મમ્મી-પપ્પા મને મળવા આવ્યાં હતાં, પોતાની દીકરી ખોવાઇ ગઇ છે એનો અત્તો-પત્તો લગાવવા.” ધૃતિ બોલી ઉઠી, “જ્યારે એકવાર હું પપ્પાને ઉભરેટ ફાર્મમાં એકલી છોડીને આવી રહી હતી ત્યારે એઓ રસ્તામાં મને મળ્યાં હતાં, પોતાની દીકરીને શોધી આપવા આજીજી કરવાં લાગ્યાં, ત્યારે મેં તારો ફોટો જોયો અને મારી શંકા સ્પષ્ટ થઇ ગઇ.”

“તને એ વાતનું દુ:ખ હતું કે શ્રીમાન મણિયાર સાથેના અમારા સંપત્તિ માલિકી કેસમાં તારા પપ્પા તુષારભાઇ અને તેજસ્વિનીબહેન પર અન્યાય થયો છે, અમારી સાથે બદલો લેવા તે ગામ છોડીને સુરત આવી, શ્રીમાન મણિયાર સાથે સપંર્ક કર્યો, તેણે તને વિરાગ સાથે મુલાકાત કરાવી, અમારી સાથે ઘટના ઘટી ત્યારે અમે શું કરીએ તે જાણવા માટે તને અમારી વકીલ તરીકે મોકલી દિધી, પણ ધૃતિએ તારી યોજના સફળ થવા ન જ દીધી, તે દિવસે તું અમારી ઓફિસમાં આવી જ ન હતી, કાર્તિકની બનાવટી વાર્તા પીઆઈને સંભળાવી દિધી, જ્યારે પીઆઈ વાનાણી તારી આ વાત કરી ત્યારે અમને તારા પર શંકા ગઇ, મેં યશનિલને જાણ કરી કે તે તારી સાથે જ ઘરે આવવા તૈયાર થાય.” શ્રીમાન ગજેરાએ ખુલાસો કર્યો.

“ધર્મિષ્ઠાબહેન ભલે હું તમારો સાવકોભાઈ રહ્યો પણ તમે ક્યારેય મારા પ્રત્યે નફરત નથી રાખી, આજે મારી દીકરીને તમારી વિરુદ્ધ ઉભેલી જોઇ ત્યારે ખુદને ગુનેગાર અનુભવી રહ્યો છું, મારા જ સંસ્કાર આપવામા ઓછપ આવી કે તે આ રસ્તે જતી રહી.” તુષારભાઇ જે અદ્દલોદ્દલ ઋષિકેશ મણિયાર જેવા લાગતા જતા એ બે હાથ જોડીને ઊભા હતા, શ્રીમતિ ગજેરા તેમની પાસે ગઇ.

“તમારે માફી માંગવાની જરૂર નથી, તમન્નાથી અમને કોઇ નુક્સાન થયું નથી અને ભૂલથી જ માણસ શીખે છેને.” બદામી આંખો વાળા ધર્મિષ્ઠાબહેને ઉદાર હ્રદયે માફી આપી. યશનિલ જોકે પીઆઈ પાસે આવ્યો.

“ તો પીઆઈ સાહેબ તમે મારી બહેનને પ્રેમ કરવાનો ગુનો કર્યો એમ?” વાતાવરણમાં હળવાશ લાવવા બોલ્યો,પીઆઈ વાનાણી હસ્યો, “હસવાથી કામ નહીં ચાલે, ગુનો કર્યો છે તો સજા ભોગવવી પડશે.”

“તું જે કહીશ એ સજા ભોગવવા તૈયાર છું, બસ, ધૃતિ માની જાય.” પીઆઈ ધૃતિને જોઇને બોલ્યો, ધૃતિ એ જ સમયે સીડી વાટે ઉપર ચાલી ગઇ. પીઆઈ જોતો રહ્યો.

“અરે,જોઇ શું રહ્યો છે? જા, ધૃતિ પાછળ અને મનાવ.” શ્રીમાન ગજેરા હસતા-હસતા બોલ્યા, પીઆઈ ઝડપથી ચાલવા લાગ્યો, “ધ્યાન રાખજે, જો, આજે ન મનાવી શક્યો તો પછી અમે ધૃતિને બીજે..” શ્રીમાન ગજેરાએ રમુજ માટે ધમકી આપતા-આપતા અટકી ગયા. બધા હસવા લાગ્યા.

“પપ્પા” પીઆઈના ગયા પછી યશનિલ શ્રીમાન ગજેરા પાસે આવ્યો, શ્રીમાન ગજેરાના ઘુટણે બેઠો, શ્રીમાન ગજેરા તેને જોઇ રહ્યા, “મને માફ કરજો, પપ્પા, મારા કારણે આજે આટલુ બધું થયું, જો મેં ત્યારે પીધો ન હોત તો હું સમયસર આવીને બધું સંભાળી લેત, પપ્પા, મેં તમને બહુ હેરાંન કર્યા, મારા કારણે તમે ખુબ નામોશી ભોગવી પણ મેં ક્યારેય દરકાર ન કર્યો, પણ, આજે મને મોટો પાઠ મળી ગયો. હવે હું ક્યારેય દારૂને હાથ સુધ્ધા નહિ લગાડું, ક્યારેય ભુલથી પણ દારૂ નહીં પીશ,”

“જે માણસ સમયસર ન જાગે એ ક્યારેય જાગતો નથી, તું સમયસર જાગી ગયો, મેં તો તને ક્યારનો માફ કરી દિધો, શું કરીએ? એક બાપ હોવાને કારણે મજબૂર પણ રહ્યાં. ખરેખર તો તારો આ કાંડમાં કોઇ વાંક જ ન હતો, જે ગુનો કર્યો છે એ મેં કર્યો છે, સત્તર વર્ષ પહેલાં, જેની સજા આજીવન ભોગવી રહ્યો હોવા છતાં પણ સુધર્યો નહીં,” શ્રીમાન ગજેરાના ચહેરે આસું આવી ગયા, ધર્મિષ્ઠાબહેન પાસે આવ્યાં.

“એટલે જ કહેતી હતી કે કોમીરમખાણોનું એ સત્ય જાહેર કરી દો, યુવરાજને કોમીરમખાણોના તમામ દસ્તાવેજ આપીને આ પાપથી મુક્ત થાવ, કર્મચક્ર જ્યારે તેના મુળ સ્થાને આવે ત્યારે બધાને તેના સ્થાને ગોઠવાઇ જવું પડે, આજે એ કર્મચક્ર તેના મુળ સ્થાને આવી રહ્યું છે, નવું જીવન આરંભ કરવું હોય તો આ બોજથી હળવા થઇએ.”

“સાચુ કહ્યુ, ધર્મિ, આ દસ્તાવેજમાં કોમીરમખાણોની તમામ હકિકત છે, એ હું યુવરાજને આપીને છુટવા ઇચ્છુ છું, ભલે મારે સજા ભોગવવી પડે, પણ કોમીરમખાણોના ગુનેગારોને સજા કરાવીને જ રહીશ.”શ્રીમાન ગજેરાએ દ્રઢ નિર્ણય કર્યો, શ્રીમતિ ગજેરા-યશનિલ-તમન્ના અને તેણીના માઁ-બાપે આ નિર્ણય વધાવી લીધો.

- “ધૃ,” ધૃતિના ઓરડોમાં આવ્યો, ધૃતિ પથારીની પેલે પાર બેસીને રડતી હતી, પીઆઈ વાનાણી પાસે ગયો. “ધૃતિ, હવે તો મને માફ કર, આમ, ક્યાં સુધી મને તડપાવીશ.”

“અને તું મને તડપાવી નથી રહ્યો?” ધૃતિ રડતા-રડતા બોલી,

“લે, મેં તને ક્યારે તડપાવી? આ સારુ, ગુનેગાર ન હોઉ તોપણ સજા તો મારે ભોગવવાની, તે દિવસે કેવી ગાળો આપી હતી.” પીઆઈ વાનાણી પાસે બેસી ગયો.

“એટલે દુર થઇ જવાનું? એકવાર પણ તુ મને મળવા ન આવ્યો, પુછવા પણ ન આવ્યો કે હું શા માટે નારાજ છું, તું તારી રીતે દોડતો રહ્યો, તે કેમ માની લીધું કે હું તારાથી દુર રહી શકું?” ધૃતિ ધનજંયને ભેટી પડી, પીઆઈ તેને વ્હાલ કરતો રહ્યો, “શ્વાસથી દુર રહીને કેમ જીવાય એ મને નથી આવડતું, તું મારો શ્વાસ છે.” પીઆઈની પકડ ધુતિ પર મજબુત થઇ, ધૃતિએ ઉંચુ જોયું, ધનજંય તેણીના હોઠની નજીક આવી રહ્યો, બન્નેએ આંખો બંધ કરી અને હોઠ પર હોઠ ભીસ્યાં.

“યાદ રાખજે હવે ક્લાઈમેક્સ સુધી પહોંચાવાનો પરવાનો મળી જવાનો છે, પણ જો તું મારાથી દુર ગયો તો હું મારી જીવનનો પરવાનો કાપી નાખીશ.”

“આવી હોટ બેટરહાફથી દુર જવા પણ કોણ ઇચ્છે છે?” પીઆઈ વાનાણી હસવા લાગ્યો.

“ચાલ બધા સાથે આ વિજયને માણીએ,” બન્ને પાછા નીચે આવ્યાં, સૌ સાથે આનંદ કરવા લાગ્યાં. યશ-તમન્ના યુવરાજને મળવા જશે એ નક્કી થયું.

***

- “શું? અભીનવ, હજુ રાધિકા નથી મળી?” અલ્પેશ કાર રોકતો બોલી ઉઠ્યો, “ઓહ મારા ભગવાન, બીજુ તો કાંઇ નહિ પણ, જો કોઇ દુશ્મનના હાથમાં લાગી ગઇ તો આપણે ફંસાઇ જશું,” અલ્પેશે ચિંતા વ્યક્ત કરી તો સામે ગાળ આવી, “અરે, ગાળ શું આપે છે? મેં તો એ જ કહ્યું જેની મને-જેની મને ચિંતા હતી, એ જ વાત કરી.” પાછી ગાળ આવી, તો અલ્પેશે કોલ જ કાપ કરી નાખ્યો, “આ રાજકારણીના પેટના સમજે છે શું તેના મનમાં? એકવાર સાથ શું આપી દિધો, આ તો માથે જ ચડી બેઠો, સાલો, દગાબાજ.” પોતાના બંગલાના ચોગાનમાં વિટેરા બિઝારા પાર્ક કરીને બંગલામાં પ્રવેશ્યો, સભાખંડમાં આવતા જ જોયું કે મમ્મી-પપ્પા સભાખંડ બેઠા હતાં, “અરે, મમ્મી, પપ્પા, કેમ મને જલ્દી બોલાવ્યો? કોઇ કામ હતું?”

“અમને તારી પાસે આવી અપેક્ષા ન હતી, તે આજે અમારુ નામ બોળ્યું.”

“કેમ મમ્મી, આમ બોલો છો? મેં શું કર્યું?” અલ્પેશને ખ્યાલ નહોતો આવતો કે મમ્મી આમ શા માટે બોલી રહી છે?

“વિશ્વાસઘાત.” અચાનક સીડીઓથી અવાજ આવ્યો, અલ્પેશે સીડીઓ તરફ જોયું તો સીડીઓથી યુવરાજ આવી રહ્યો હતો, ડાબા ઘુટણ લંગડાતો-લંગડાતો નીચે આવી રહ્યો હતો, ચહેરા પર દાઢી-મુંછો વધી ગઇ, દેહ પહેલાં કરતાં વધારે પાતળો થઇ ગયેલો, જેલના સફેદ શર્ટ-પેન્ટ પહેરેલા, અલ્પેશને વિશ્વાસ નહોતો આવતો કે યુવરાજ તેની સામે ઊભો છે. યુવરાજ તેની પાસે આવતો હતો.

“યુ..યુ..યુ..યુવરાજ..ભાઇ, તમે અહીં? તમે તો જેલમાં હતાને?”

“અંકલ-આન્ટીને જણાવીશ નહીં હું જેલમાં શા માટે ગયો? કોને કારણે ગયો?” યુવરાજે જમણા હાથમાં રહેલી ગન અલ્પેશની આંખો સામે ધરી, અલ્પેશની આંખો જ ફાટીની ફાટી રહી ગઇ. “બતાવ એમને, કઇ રીતે તે અભીનવ સાથે મળીને રાધિકાને દુખિયારી યુવતિ બનાવી મારી પાસે મોકલીને મારા અને નવિનકાકા વચ્ચે તણાવ ઊભો કર્યો? કઇ રીતે રાધિકા પાસે નવિનકાકાનું હત્યા કરાવીને મને ફંસાવ્યો? બતાવ.” યુવરાજે અલ્પેશને ખુલ્લો પાડી દિધો, અલ્પેશ તો યુવરાજના પગે પડી ગયો.

“મને માફ કરી દો, યુવરાજભાઇ, મને તો પૈસાની લાલચ હતી એટલે મેં અભીનવનો સાથ આપ્યો.” અલ્પેશ કેફિયત આપવા લાગ્યો, “પણ, મને ખબર ન હતી કે એ લોકો નવિનકાકાનું હત્યા કરી નાખશે, હું માત્ર પૈસાની લાલચમાં તમને ફંસાવવામાં હતો, મેં કોઇ હત્યામાં સાથ નથી આપ્યો, યુવરાજભાઇ, મારો વિશ્વાસ કરો, યુવરાજભાઇ, મારો વિશ્વાસ કરો.”

“તું સાચું બોલે છે? મને કેમ વિશ્વાસ આવે? તે જ મારો વિશ્વાસ તોડ્યો છેને? બોલ, પેલી રાધિકા ક્યાં છે? અભીનવે ક્યાં સંતાડી છે? બોલ.” યુવરાજે ઉંચા અવાજે પૂછ્યું, સાથે-સાથે અલ્પેશ પર દબાણ લાવવા તેના માથે ગન પણ તાકી, અલ્પેશ અને તેના માઁ-બાપ ડરી ગયાં, ત્રણેય આજીજી કરવા લાગ્યાં. જોકે, યુવરાજે કાકા-કાકીને ઉભા કર્યાં, “કાકા-કાકી, તમારા દિકરાંની સજા તમે શા માટે ભોગવો? તમે શા માટે મારા પગે પડીને મને પાપમાં નાખો છો? અલ્પેશ, આ તારી નામોશી છે, આ તારુ પાપ છે, જે દિકરાને કારણે માઁ-બાપને કોઇની આગળ નમવું પડે એ દિકરો ક્યારેય માફીને લાયક નથી હોતો, આજે તું મારો નહીં કાકા-કાકીનો ગુનેગાર છો.”

“મમ્મી-પપ્પા, મને માફ કરી દો, યુવરાજભાઇ, મને ખરેખર ખ્યાલ નથી કે અભીનવે રાધિકાને ક્યાં સંતાડી છે, એ તો મને આજે અત્યારે કોલ કરીને રાધિકાનો પત્તો પુછી રહ્યો હતો, તમને વિશ્વાસ ન આવતો હોય તો આ જોઇ લ્યો.” અલ્પેશે મોબાઇલ યુવરાજના હાથમાં મુકી દિધો, યુવરાજે કોલ હિસ્ટોરી જોઇ પણ ખરી,

“ઊભો થા, આ રાધિકાનું સાચું નામ શું છે? ક્યાં રહે છે? સગા-વ્હાલામાં કોઇ છે કે નહીં? કોઇ તો પાક્કું સરનામુ તો હશેને તારી પાસે? રાધિકાને કોણ લઇ આવ્યું હતું?” યુવરાજે પૂછ્યું.

“તમે પુછો છો એમાનો એક પણ સવાલનો જવાબ મારી પાસે નથી, એક દિવસ વિક્કી મળ્યો, તેણે પીવાનું બ્હાનું કરીને અભીનવ પાસે લઇ ગયો, ત્યાં રાધિકાને દેખાડી, મને એમ કે રાધિકા તેની નવી ગર્લફ્રેન્ડ હશે, પણ, તેણે તમને ફંસાવવાની વાત કરતાં મેં ખરેખર વિરોધ કર્યો હતો, પણ પૈસાની લાલચે હું ભોરવાઇ ગયો, મને ખરેખર ખ્યાલ નથી કે રાધિકા કોણ છે? રાધિકા પાસે અભીનવ સિવાય કોઇને ફરકવાની મનાઇ હતી, તેના વિશ્વાસે જ રાધિકા કામ કરી રહી હતી, અભીનવની હાજરીમાં જ તમને કોલ કરતી, પહેલાં તો તમને રાધિકા જ પ્રેમના જાળમાં ફસાવશે એ યોજના કર્યો હતો. પણ, તમારા સ્વભાવને કારણે યોજના બદલી નાખ્યો.” અલ્પેશ પોપટની માફક બોલી રહ્યો હતો, “પણ મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે રાધિકાને કોણ ઉપાડી ગયું હશે? અભીનવની નજરોથી બચીને રાધિકાનું અપહરણ કરવું અશક્ય છે, યુવરાજભાઇ, કોઇ તો તમારો શુભચિંતક છે” અલ્પેશે વિચારતો કરી દિધો, જોકે, ત્યાં પુલીસવાનનું સાઈરન સંભળાવવા લાગ્યું, યુવરાજે અલ્પેશ તરફ શંકા નજરે જોયું, “મમ્મીના સમ, મેં નથી બોલાવી, કદાચ અભીએ...” અલ્પેશ હજુ બોલે તે પહેલા દરવાજા આગળ પુલીસ જોર-જોરથી ડંડો ફટકારવા લાગી.

“અમને ખબર છે કે યુવરાજ અહીં જ છે, જલ્દી ખોલો, નહીંતર અમે ખોલશું તો તમે ક્યારેય જેલની બહાર આવી નહીં શકો.” જાડા-પાડા પીઆઈ સાહેબે બહારથી ધમકી આપી, બે-ત્રણ મિનીટ કોઇ જવાબ ન મળતા સાથે આવેલા જમાદારો હસવા લાગ્યા, અલબત, ધીમે જ. પીઆઈ સાહેબ રઘવાયા થયા હોય તેમ વધુ જોરથી દરવાજો ખખડાવવા લાગ્યાં,જોકે, અલ્પેશે તરંત જ દરવાજો ખોલ્યો અને પુલીસને જોઇને આશ્ચર્ય પામ્યો હોય તેમ જોઇ રહ્યો.

“અરે, સાહેબ, તમ..” અલ્પેશ પુછે એ પહેલાં જ પીઆઈ સાહેબ તેને ધક્કો મારીને અંદર ઘુસી ગયા, “તમે એ રીતે અંદર ન ઘુસી શકો, ઇન્સપેક્ટર,”

“અમે કોઇ પણ રીતે ગમે ત્યાં ઘુસી શકીએ, હવે સમય વેડફ્યા વગર જલ્દી બોલો કે યુવરાજ રાવળને ક્યાં છુપાવ્યો છે?” પીઆઈ સાહેબ ભારે ઉતાવળમાં હતાં, જમાદાર ચારેબાજુ ફેલાય ગયા, પીઆઈ પોતે પણ, સભાખંડમાં ચારેબાજુ જોવા લાગ્યા.

“અરે, અમે શા માટે યુવરાજ રાવળને છુપાવ્યે?” અલ્પેશના પપ્પા બોલ્યાં, “કોઇ સાબિતી છે તમારી પાસે?”

“સાબિતી નથી, પણ અમને શકા છે, અમને અમારૂ કામ કરવા દો,” પીઆઈ સાહેબે ડંડો દેખાડ્યો, ત્યાં જમાદાર પાછળના દરવાજે આવ્યો.

“સાહેબ, અહીંથી કોઇ ગયું છે. જુઓ.” જમાદાર પીઆઈ સાહેબને પાછળના દરવાજે લઇ ગયો, પીઆઈ એ જોયું કે પેવરબ્લોક પર માટીના બે પગલાં વચ્ચે અસમાનતા અંતર હતું.

“હેલો, સર, યુવરાજ રાવળ અહીં આવ્યો હતો, પણ આ લોકોએ તેને જવા દેવામાં મદદ કરી, શું કરુ?” પીઆઈએ કોલ કર્યો.

“તે લોકોને જવા દો, કામના માણસો છે અને યુવરાજને શોધવા નિકળી જાવ,” અભીનવે જવાબ આપ્યો, મુખ્યમંત્રી બંગલોના સભાખંડમાં બેઠો-બેઠો યુવરાજની શોધ-ખોળ કરાવી રહ્યો હતો. કોલ કાપ કરીને મોબાઇલનો ઘા કર્યો, “યુવરાજ, ભાગ, જેટલો ભાગી શક્તો હોય એટલો ભાગ, આખી જીવન તું ભાગતો જ રહીશ, આ તારી છેલ્લી ભાગદોડ હશે, જે દિવસે મારા હાથે પકડાયો, તે દિવસ તારો છેલ્લો દિવસ હશે.” અભીનવ સ્વપ્ન જોઇ રહ્યો હતો.

“અભી,” ત્યાં અંકલ બ્રોડે રાડ પાડી, અભીએ જોયું કે અંગ્રેજની આંખો આજે લાલચોળ થઇ રહી હતી અને તેણે પીધી હોય એવુંય લાગતું ન હતું, નક્કી આજે કોઈ કોઇ ગંભીર વાત બની ગઇ છે, “અભી, રાધિકા કહાં હૈ?” અભી કાઇ વિચારે એ પહેલાં અંકલ બ્રોડ નજીક આવી ગયા, ત્યાં સુધી જોકે અભી જવાબ વિચારી રહ્યો હતો.

“રાધિકા તો લાવ..”

“દેખ જૂઠ મત બોલ, આજ મેં બહુત ગુસ્સે મેં હું ઔર તુને જૂઠ બોલા તો આજ મૈં ભુલ જાઉંગા કી તું મેરા ભાંજા હૈં બોલ, કહાં હૈં રાધિકા? લાવણ્યાને કહાં છુપાયા હૈં?” અંકલ બ્રોડ અભીની એટલા નજીક આવી ગયાં હતાં કે તેની મોટી આંખો ખરેખર ભયંકર અને ડરામણી લાગી રહી હતી, અભી તો નજર ચોરી રહ્યો હતો, “અબ બોલેગા કી નહીં? કહાં હૈ રાધિકા?” અંકલ બ્રોડનો અવાજ સતત વધી રહ્યો હતો.

“મુંઝે નહીં પતા,” અભી પણ મોટે અવાજે બોલી ઉઠ્યો, “ક્યાં બાર-બાર ડરાને મેં લગે રહેતે હૈ આપ? લાવણ્યા કે ઘર તીન ગુન્ડે આયે થે ઔર દોનો કો માર કર રાધિકા કો લે ગયે, મેં કઇ દિનો સે ઉસે ઢુંઢ રહા હું ક્યુંકી મુંઝે પતા થા કી અગર આપકો પતા ચલા તો આપ તો મુઝ પર હિ ચિલાયેંગે,”

“મેં ઇસલિયે ચિલાતા હું ક્યોકી તું કેરલેસ હૈં, કોઇ મેટર કો સીરીયસલી લેતા હિં નહીં, વર્ના ઇતની ઇમ્પોર્ટન્ટ લડકી કો તું લાવણ્યા જૈસી ડીસક્રેડીટેબલ લડકી કે સાથ નહીં ભેજતા ઔર મુઝેં એક બાત બતાઓ, તું લાવણ્યા કે બારે મેં ક્યાં જાનતા હૈં? ઉસકા પરીવાર કહાં હૈ? કહાં રહેતી હૈં? અગર ઓરફાન હૈં તો ભી કોઇ તો હોંગા જો ઉસે જાનતા હો? આજતક ઉસને એક ભી આદમી કો મિલાયા હૈં જો ઉસે જાનતા હો? નહીં.”

“અંકલ, આપ સઠીયા ગયે હો,” અભી પણ લડી લેવાના મુડમાં હતો, “લાવણ્યા એક બેવકુફ લડકી હૈં, જીસકે બારે મેં મુઝે સબકુછ પતા હૈં, અબ અગર આપને લાવણ્યા કે વિરુધ કુછ ભી બોલા તો મેં ભૂલ જાઉંગા કી આપ મેરે અંકલ હો.”

“બહુત બડી ગલતી કર રહે હો, અભી, અબ તો લાવણ્યા કે બારે જાનકર હિ ઉસકી પૌલ ખોલૂગાં, તબ તુમ્હે બહુત પછતાવા હોગાં, લૈકીન તબ તક લાવણ્યા ઝીંદા નહીં હોગી.” અંકલ આકરે પાણીએ આવ્યા, “ઇસ ઘર કો મેંને અપના સમજા હૈ ઔર ઇસ ઘર કે સામને જો ભી આયેગા, ઉસે મેરે હાથો મરના હિ હોગાં, ચાહેં કોઇ ભી ક્યું ન હો..” અભી સામે પોતાને વફાદાર સાબિત કરી રહેલ કેવિન બ્રોડ ગુસ્સામાં બોલ્યાં, પણ, અભીનવે કોઇ જવાબ ન વાળતા પગ પછાડતાં ચાલ્યા ગયા. અભી પણ ચિંતિત થઇ રહ્યો. આ બધું સભાખંડ ના દરવાજા પાસે ઊભી રહીને લાવણ્યા જોઇ રહી.

“અંકલ આજે તો તારા હાથે મરવું જ છે, જોઉ તો ખરી.” લાવણ્યા મર્મમાં હસતી રહી.

***

- “સારું થયું, સાગા, તું જલ્દી આવી ગઇ, જો તને મળવા કોણ આવ્યું છે?” અવનિ-અધિવેશને મળીને હજુ ઓફિસમાં પગ જ મુક્યો હતો ત્યાં સાગર દોડતો આવ્યો,

“કોણ?” સાગા હજુ પૂછે એ પહેલાં પિન્ટુ સાથે માધવ દેખાયો, સાગા તેની પાસે આવી ગઇ, માધવ સાગાને જોઇ રહી, માધવના કપાળે લોહી નીકળતું હતુ, “માધવ, આ તારી હાલત?”

“અમે તેને એ જ પૂછતાં હતાં પણ એણે કહ્યું કે તું આવ પછી જ એ વાત કરવાનો છે, માધવ, હવે તો બોલ.” માધવ બોલે તે પહેલાં સાગર નજીક આવીને બોલ્યો, સાગાને કોઇ સમજ ન પડી.

“શું વાત છે? માધવ, હવે તો..” પછી પિન્ટુ સામે જોઇને, “ફર્સ્ટ એઈડ લઇ આવતો, પિન્ટુ,”

“હાં...”પિન્ટુ ફર્સ્ટ એઇડ લેવા ગયો.

“માધવ તું ઊભો શું છે? બેસ.” સાગર બોલ્યો, સાગા માધવ માટે સ્ટુલ લઇ આવી, માધવ બેઠો. સાગર તેની પાસે બેઠો, સાગા તેની પાસે બેઠી, ઓફિસનો સ્ટાફ પણ તેમને ઘેરાય ગયો.

“મને કશું નથી થયું, પણ, જે મારી સામે થયું એ ચોક્કસ ગંભીર છે અને મને લાગે છે વિનાશકાળે વિપરીત બુદ્ધી, હું ધારત તો સાગાને લોયર્સ ચોઇસે બોલાવીને કે તેના ઘરે તમારા ઘરે જઇને આ દુર્ઘટનાના સમાચાર આપત, કારણકે જે બન્યું તેનું મારી પાસે સીસીટીવી કેમેરાનું રેકોર્ડીંગ છે. પણ, મને લાગ્યું કે જે રીતે યુવરાજભાઇના કેસમાં કાચું કપાયું છે તે રીતે આ દુર્ઘટનામાં થયું તો મોટી આફત આવી જશે..” માધવે શરૂઆત કરી, પણ, કોઇને સમજ ન પડી.

“માધવ, તું શું કહેવા માંગે છે એ અમને કોઇને સમજમાં આવી રહ્યું નથી, મહેરબાની કરીને સ્પષ્ટ વાત કર.” સાગા બધાના વતી બોલી.

“સાગા, ગઇકાલે આપણે અધિ-અવનિને મળીને ઘરે ગયાં, મેં કાલે જ નક્કી કરી રાખ્યું હતું કે અધિવેશ સાથે હું યુવરાજભાઇને મળવા જઇશ, પણ, સવારે લોયર્સ ચોઇસમાં કામ કરતી અને મારી મિત્ર અહલ્યાનો કોલ આવ્યો, એ જે પોળમાં રહેતી હતી એ પોળમાં ગુન્ડાઓનો ત્રાસ છે, મને અહલ્યાએ એ ગુન્ડાઓ આવ્યા એ જ સમયે એસએમએસ કરીને બોલાવ્યો, હું ત્યાં કુવાંરા પરાક્રમસિંહ ઠાકોર જે મારા મકાન માલિક અને મિત્ર છે એમને સાથે લઇને ગયો, ત્યારે જઇને એ ગુંન્ડાઓને સમજાવ્યા, કુવારાબાપુએ બે-ત્રણને કદ પ્રમાણે ઊંચા કરીને પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે એ લોકો તો નરૂભાના માણસો છે, ત્યારે તો એ લોકો ચાલ્યા ગયા, કારણકે લોકોને ખ્યાલ આવી ગયો કે એ પોળમાં કુંવારાબાપુના ચાર હાથ છે, પણ મને લાગ્યું કે જે રીતે આપણે વાતો કરી હતી કે કોમીરમખાણોનાં ગુનેગારોને સજા નહીં થાય ત્યાં સુધી યુવરાજભાઇને એ લોકો કોઇને કોઇ વાતે ફંસાવતા જ રહેશે અને આપણે તેની જડ ગયે જ છુટકો. મને લાગ્યું કે મારે નરૂભાને મળવું જોઇએ, રાત્રે પુરી ઊંઘ કરીને સવારે નરૂભાને મળવા એમએલએ બંગલો ક્વાર્ટર નં.ચૌદે પહોંચ્યો, ત્યાં એપોઇન્ટમેનટ લીધી, બપોરે ત્રણ વાગ્યે મળવાનું મુકરર થયું, ત્યારે મારે હાઈકોર્ટનું કામ આવી ગયું, હાઇકોર્ટમાં રજીસ્ટ્રાર મિત્રએ મને કોમી રમખાણોના દસ કેસોની ફાઇલો અપાવી, એ વાચવા બેસી ગયો અને ખ્યાલ ન રહ્યો કે ક્યારેય ત્રણ વાગ્યાના સ્થાને ચાર વાગી ગયાં એટલે હું નરૂભાને મળવા ગયો.

- “ભા, તમને ઓલો વકીલ મળવા આવ્યો સે,” નરૂભા તેના સભાખંડમાં પગ પર પગ ચડાવીને છાપા વાંચતા આરામ ફરમાવતા હતા. પ્રથ્વી આવ્યો અને માધવ આવ્યાની જાણકારી આપી.

“એની તો.” નરૂભા ગરમ થઇ ગયા, “બોલાવ એને અંદર, આજે એ પાછો નઇ જાય.” નરૂભાએ આદેશ કર્યો, પ્રથ્વી બહાર આવ્યો અને માધવને અંદર લઇ આવ્યો, નરૂભા સામે ઊભો રહી ગયો, “એલા જોવે સે શું? બેહને.” માધવ હસીને બેઠો તેમની સામે, “એલા, ક્યાં મરી ગયો, મેમાન માટે રહની વસતુ લઇ આવ.” નરૂભા પછી નફરતથી માધવ સામે જોઇ રહ્યાં, “બોલ, શું ઓકવા આવ્યો સે?” માધવને એકદમ તુચ્છકારે બોલાવ્યો, માધવ જોકે તેમને હસતો જોઇ રહ્યો.

“મને ખબર છે કે મને જોઇને તમે જરાય ગમ્યું નથી, આખરે બન્નેનો રસ્તો અલગ જો રહ્યા, કામ અલગ-અલગ રહ્યુંને, તમારુ કામ લોકોમાં ભય ઊભો કરવાનો અને ડરાવવાનું, ગુંડાગર્દી કરવવાની અને કરવાની..” માધવ નરૂભાથી જરાય ડર્યો નહોતો, પુરી હિમ્મત સાથે બોલ્યો.

“એ.એ.એ.એ.,” નરૂભા ઊભા થઇ ગયા, “જીભડી તારી કાબુમાં રાખ, નક્કર અહીં જ તારા રામ રમી જાશે, સમજ્યો?”

“કેટલાંના રામ રમાડ્યે જશો, નરૂભા? કોમી રમખાણના રૂપે મૃત્યુનો નગ્ન નાચ રમાડ્યેથી થાક્યા નથી કે હજુ મોતની રમત રમવી છે? તમારા કારણે ન જાણે કેટલાયના ઘર ઉજડી ગયાં, બરબાદ થઇ ગયાં, માં-દીકરી-બહેન ન જાણે કેટલીયની આબરુ લુંટાય ગઇ, કેટલાય નિર્દોષો મોતના ઘાટે ઉતર્યાં, બે ધર્મના લોકો વચ્ચે જે કોમી એખલાસ હતો એ આજે પણ તમારા પાપે કોમી-દ્વેશમાં ફેરવાઇ ગયો, કાઠિયાવાડમાં તમે દંગા કરાવ્યાં, એટલું ઓછૂ હોય તેમ બધું જાણો છો છતાં ચુપ રહીને તમે કોમી રમખાણોના આરોપીઓને છૂટ્ટો દોર આપ્યો, નરૂભા મારી પાસે તમારા વિરૂદ્ધ તમામ સાબિતી છે.”

“..તો શું? શું કરી લઇશ તું મારુ?” નરૂભા માધવની નજીક આવી ગયા, બસ, માધવનો કાટલો પકડતા રહી ગયાં, માધવ એ જોઇ રહ્યો, “તું જાણતો નથી, મારો પાવર કેટલો અને ક્યાં સુધી સે અને પાવર ન હોય તોપણ હું મારા દમ પર તને બરબાદ કરી હકુ સુ,”

“નરૂભા, વકીલ છું એટલે કાયદા સિવાય હું કાઇ ન કરી શકું, એ મારી નબળાઇ છે અને તાકાત પણ. તમે કોના પીઠબળે આ પાવર દેખાડી રહ્યા છો? જે લોકો તમારી કદર કરતાં નથી, તમારા ખભે બંધુક મુકીને પોતાના દુશ્મનોને ખત્મ કરવાવાળાઓનો શો ભરોસો કે એ તમને છોડી દેશે? આ લોકો તમારા પૈસા પર નભે છે એટલે ગુન્ડાગીરી કરે છે, જ્યારે તમે કંગાળ થઇ જશો ત્યારે એ ગુન્ડાઓ તમારા પર રાજ કરશે.”

“ભાષણ નઇ આપ મને, તારી પાસે સાબિતી શું છે? જો સાબિતી નથી તો..”

“આ રહી સાબિતી..” માધવે પોતાની સાથે રાખતો બેગમાંથી બે-ત્રણ ફાઇલો કાઢી, તે ખોલીને વાંચવા લાગ્યો, “તમારા કાઠીયાવડીઓને ન્યાય અપાવવાનું તૂત સમાન આદોલનમાં જ તે સમયે પાંચ કરોડની જાહેર સંપતિને નુક્સાન થયું હતું, એકલા કાઠીયાવાડમાં પાંચ હજાર ઘરને સળગાવવામાં આવ્યાં હતાં, બાકી ગુજરાતની આકડાં તો અલગ, એકલાં કાઠીયાવડમાં એક લાખ લોકોએ હિજરત કરી, હત્યાઓનો આંકડો તો ગણ્યો જ નથી, નહીંતર નાના એવા સૌરાષ્ટ્માં તમે હિટલર ખપાય જાવ, નરૂભા, આ ઓછું હોય તેમ તમે તો પુલીસ એફઆઇઆરનો રીતસર નાશ કરાવ્યો હતો, માંડ-માંડ હજાર એફઆઇઆરો હાથમાં આવી છે, નરૂભા, આ પુરેપુરી રીતે પુર્વઆયોજીત કાવતરુ છે એ સાબિત કરવામાં મને કોઇ સમસ્યા નહીં આવે, બોલો, આથી વિશેષ તમારે કેટલી સાબિતીઓ જોઇએ છે? કેટલાં સાક્ષીઓ કાફી રહેશે તમારો ગુનો સાબિત કરવા માટે?”

“અચ્છા, જો આટલી સાબિતીયું હતી તો મને સજા કાં ન થઇ? છોકરાં, છેલ્લાં સત્તર વર્ષથી ખુલ્લો ફરું સુ, મારો વાળ પણ વાંકો કાં ન થયો? બોલ, છે તારી પાસે જવાબ? અને મારા કરતાં તો પરષોતમ મોટો ગુનેગાર છે તેને તો કોઇ ગુનેગાર પણ માનવા તૈયાર નથ, તો પછી મને શેની સજા થવાની?”

“નરૂભા, જ્યારે દિવસ ખરાબ હોય ત્યારે રાજાને પણ કોઇ ભીખ ન આપે, અત્યાર સુધી તમને કોઇ સજા નથી થઇ તેનું કારણ એ કે પિડીત લોકોને કોઇ સારો સહકાર-મજબુત સહકાર નહોતો મળ્યો, જ્યારે સાચા લોકો હાથમાં હાથ મુકીને બેસી જાય ત્યારે તમારા જેવા લોકોઓની ભુજાઓ આપોઆપ મજબુત થઇ જાય, સજ્જનોની નિષ્ક્રિયતા જ દુર્જનોને તાકાતવર બનાવે છે અને ગુનાઓ વધે છે. મને ખબર નથી કે હું કોમી રમખાણોના ગુનેગારોને સજાં અપાવી શકીશ કે નહીં પણ મને એટલી ચોક્કસ ખબર છે કે મારી હિંમતને કારણે તમારા જેવા ગુનેગારો ઉઘાડા ચોક્કસ પડી જાશો.”

“સપનાઓ જોવા સારા છે છોકરાં, પણ તું મારો વાળ પણ વાંકો નહીં કરી શક,” નરૂભા હજૂ અભિમાનમાં રાંચતા હતા.

“મારો દિકરો મરી ગયો તોપણ તારૂં અભિમાન ઉતરતું નથ, નરસિંહ?” ત્યાં નંદનાબહેન રડતાં-રડતાં આવ્યો, નરૂભા આશ્ચર્ય પામ્યાં, નંદનાબહેન પાસે આવ્યા.

“આ તું બકે છે? શું થયું મારા નકુળને?”

“તારા દિકરા નકુળને મારી નાખ્યા એ લોકોએ, બોવ બદલો-બદલો કરતો હતોને, નથી ખબર તને? મારા દિકરાંને મારી નાખ્યો એને એક દિવસ થઇ ગયો, તને કાંઇ ખબર છે?” નંદનાબહેન આલાપ કરવા લાગ્યાં, “તારા કારણે મેં મારા દેવસમાન ભાઇને છોડ્યો, તારા કારણે મેં સમાજ સાથે દૂશ્મની વહોરી, તારા કારણે અમદાવાદ છોડીને સાવ છેવાડે દ્વારકા આવી, જે તે કહ્યું એ ચુપચાપ કરતી ગઇ, બદલામાં શું મળ્યું? મારી નજર સામે મારા દીકરાનીં લાશ? હેવ તો હેઠો બેસ, નરશિં, હવે તો હેઠો બેસ,” નંદનાબહેન દરવાજા પાસે જ બેસી ગયાં, ખુબ રડ્યાં, નરૂભા તેણીની પાસે આવી બેસી ગયાં.

“આ તું બોલી રહી છે? મારા દીકરાનો વાળ વાંકો કરે એ હજુ પેદા નથી થયું. તને કોઇએ ખોટું બોલ્યું સે, અરે, મેં સવારે જ દાકતરીયાને ફોન કર્યો’તો ને એણે તો એમ કિધું’તું કે નકુળને સારામાં સારી સારવાર અપાઇ રહી છે.. તો પછી..”

“તો હુ ખોટું બોલું છું? મેં મારી સગ્ગી આંખે મારા દીકરાની...” નંદનાબહેનને ડુમ્મો આવી ગયો, નરૂભા તો ગુસ્સામાં છળી મર્યાં, બન્ને હાથે વાળ્યા, ઉભા થયા.

“આ બધું આ કાળીયાએ કર્યું છે?” નરૂભાએ માધવ તરફ ઘસીને તેની બોચી પકડતા બોલ્યા.

“એને શું કામ પકડો છો? એ તો સામાન્ય માણસ છે, એ તો માત્ર નિમિત હતો, એણે તો ઓલી બે-બે દીકરીયુંને બચાવવા માટે પોતાની ધર્મ નિભાવ્યો, પાડ માનો કે એણે મારા દીકરાને મારી નાખ્યો નઇ, તેની જગ્યાએ બીજું કોઇ હોત તો તે નકુળને મારી જ નાખત, જે રીતે આ નરાધમોએ કર્યું, આ બધું તમારા કર્મોનું પરીણામ છે, જે રીતે તમે કર્યું એ જ તમારી સાથે થાય.”

“ચુપ થા.” નરૂભા ચિલ્લાઇ ઉઠ્યા, પણ, આ તેમની છેલ્લી રાડ બની રહી, અંતે તેઓ ભાંગી પડ્યા, રડી પડ્યાં, પુરી દુનિયા સામે સામી છાતીએ લડતાં નરૂભા અંતે હારી ગયા. ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યા, “મારો નકુળ..” વારંવાર નકુળને યાદ કરવા લાગ્યા, નકુળના નામનું રડવા લાગ્યા, “મારા કારણે મારો દિકરો ચાલ્યો ગયો, મારા કારણે મારો દિકરો મરી ગ્યો, મારો નકુળ..” છાતિ કુટવા લાગ્યા, માધવ પાસે આવ્યો, નરૂભાની પાસે બેસીને તેને સાંત્વના આપવા લાગ્યો.

“શાંત થાવ, નરૂભા, મને ખબર છે મારા આશ્વાસનોથી નકુળ પાછો આવવાનો નથી, પણ જે થયું તેને કોઇ પાછું કેમ વાળી શકે? હવે તમારે નંદનાકાકીને સંભાળવાના છે, તમે જ હારી જશો તો તેમને કોણ સંભાળશે?” માધવ સાંત્વના આપી રહ્યો હતો અને નરૂભા તેમને જોઇ રહ્યા.

“હું તને મારી નાખવા સુધી વિચારી ચુક્યો હતો અને તું મને સાંત્વના આપી રહ્યો છે, કઇ માટીનો બન્યો છે તું?”

“આ સમયે જો હું મારી દૂશ્મની કાઢવા બેસુંને તો મારાથી મોટો નગુણો કોઇ ન કહેવાય, તમારી નફરતનું મુળ જ નકુળ હતો, એ જ હવે નથી રહ્યો તો આ દૂશ્મની શેની? નરૂભા, તમને નથી લાગતું કે આ તમારા કર્યા નકુળને વાગ્યા, નરૂભા, હવે તો પોતાનો ગુનો કબુલી લો, પોતાના પાપને યાદ કરીને તેના પ્રાયશ્ચિતનું વિચારો, આજે તમે દિકરો ગુમાવ્યો ત્યારે તમને ખબર પડીને કે દિકરો ગુમાવવાનું દુ:ખ શું હોય? જરાં વિચારો, એ હજારો માઁ અને બાપ આ રીતે પોતાના સંતાનો ગુમાવ્યા હશે ત્યારે કેટલો કલ્પાંત કરતાં હશે, માન્યું કે નકુળ ગુનેગાર હતો પણ તેને આ રીતની સજા એ તો કુદરતનો ન્યાય ન કહેવાય? અદાલત તો તેને વધુમાં વધું આજીવન જ આપત પણ તેની મોત એ તમને તમારા કર્મોની આપેલી સજા ન કહેવાય? આથી વધુ તમારે શું જોઇએ છે? નરૂભા.” માધવે શબ્દોના સોસરવા ઘા કર્યાં, નરૂભા નંદનાબહેન સામે જોઇ રહ્યાં. બન્ને વચ્ચે મૌન દ્વારા ઘણું કહેવાય ગયું.

“વાહ, મારા દિકરા, વાહ, જે કામ વર્ષોથી આ નદંના ન કરી શકી, અનંતસાહેબ ન કરી શક્યા, એ આજે વિધાતાએ અને તે કરી બતાવ્યું. મેં હંમેશાં કોમી રમખાણોનો ફાયદો લેવાનું જ વિચાર્યું, હંમેશાં પેલા અંગ્રેજનું નાક દબાવવાનો રસ્તો જ માન્યો, એને દબાવીને ધારાસભ્ય બની ગયો, અહીં આવીને ગરૂહમંત્રી બનવાના સપનાઓ જોયા. મગનને મેં જ પકડીને પુરી રાખ્યો’તો, જેથી અંગ્રેજ પાસે પોતાનું ધાર્યું કરી શકું, પણ, અહીં આવતાં જ એવી ઘટનાઓ ઘટવા લાગી કે મારી ઇચ્છાઓને બળ જ ન મળ્યું, અધુરામાં પુરુ નકુળ અવળે રસ્તે ગયો તે ગયો, ઇ ક્યારેય પાછો ન આવ્યો, હેવ મને સમજાય સે કે જે રીતે મેં દેવરાજના હત્યારાઓનો સાથ આપ્યો એ મારુ સૌથી મોટું પાપ હતુ,”

“શું દેવરાજ રાવળની હત્યા? પણ, તેમનું તો અકસ્માત...” માધવ આઘાત પામ્યો.

“અરે શેનું અકસ્માત? અમે છ જણાએ માર્યો હતો એને..” નરૂભા બધું જ બોલી જવાના હતા, ત્યાં જ બરાબર પાછળ તેમના પર ગોળી છુટી, બરાબર તેમની પીઠ પર, નરૂભા તો પળભરમાં જ આગળ પડ્યા, નંદનાબહેન અને માધવ આ જોઇને કઇ વિચારે કે કરે એ પહેલાં તો નદંનાબહેન પર ગોળી ચાલી, નદંનાબહેન પણ ઢળી પડ્યાં, માધવ ગોળી ચલાવનારને જોવે એ પહેલાં તેના કપાળે કોઇ ભારી વસ્તુ મરાય ગઈ અને માધવ બેહોંશ થઈ ગયો.