Aek Maut Hajar Zindgi... books and stories free download online pdf in Gujarati

એક મોત હજાર જિંદગી...

@@@  એક મોત = હજાર જિંદગી...

"એક મોત હજારોને, આપી ગયું જિંદગી.
 અજાણતા પણ દૈવી, દોસ્ત તારી બંદગી.
 અણસમજ માં સમજના, સુંદર રત્ન થકી,
 અમીરાતને શરમાવે એવી,છે તારી સાદગી..."
                        - અલ્કેશ ચાવડા 'અનુરાગ'

રાતના બાર વાગ્યાના સુમારે ટ્રેન શહેરની ભીડભાડ થી દુર સુમસાન પાટા પર સડસડાટ ચાલી રહી હતી. આજુબાજુ ચિક્કાર અંધકારના કારણે નજીકનું પણ કોઈ દ્રશ્ય દેખાતું ન હતું. રાતના એ આખા વાતાવરણમાં સંભળાતો હતો માત્ર એકજ અવાજ અને એ અવાજ એટલે માત્ર સડસડાટ ચાલી જતી ટ્રેનનો અવાજ... ટ્રેનની અંદર ના તમામ ડબ્બાઓમાં રહેલા મુસાફરો પણ ઘોર નિંદ્રામાં હતા. આમ હજારો જિંદગીઓ લઈને આખી ટ્રેન એના નિર્ધારિત સ્ટેશને પહોંચવા આગળ વધી રહી હતી. ત્યાં અચાનક ટ્રેનના દ્રાઈવરે ટ્રેનના પાટા પર લગભગ અડધો કિલોમીટર દૂર એક ભેંસને પાટો ક્રોસ કરતા જોઈ અને ગાડીની ઝડપ ઓછી કરવા ધીમે ધીમે ગાડીને બ્રેક લગાવી. બ્રેક લાગતા ગાડીની ઝડપ સાવ નહિવત થઈ ગઇ અને પેલી ભેંસ પણ પાટો ક્રોસ કરી બીજી તરફ જઈ ચુકી હતી. આપણા દેશ માં આવી ઘટનાઓ તો રોજ બરોજ બનતિજ હોય છે જ્યાં રેઢા ઢોર રેલવેના પાટા પર ઘણી વખત ફરતા હોય છે. કેટલાકનો બચાવ થાય તો ન જાણે કેટલાય રોજે રોજે કપાઈ પણ જતા હોય છે. 

આ બધી ઘટના વચ્ચે ગાડીના બોગી નંબર - 5 માં પણ એક ઘટના બની ચુકી હતી જેનો ખ્યાલ કોઈ મુસાફર કે ખુદ દ્રાઈવર કે ટી.ટી. ને પણ ન હતો. ઘટના એમ હતી કે ભેંસને બચાવવા જેવી ગાડી ધીમી પડી હતી બરાબર એજ સમયે બોગી નંબર 5 માં એક અજાણ્યો વ્યક્તિ ચડી ગયો હતો. દેખાવ એ વ્યક્તિનો સાવ ભિખારી જેવો. લગભગ ડઝનેક જગ્યાએ થી ફાટેલા વસ્ત્રો ધારણ કરેલ એ વ્યક્તિના વાળના પણ કોઈ ઠેકાણા ન હતા. આખા ચહેરા પર અસંખ્ય કરચલીઓ અને ઉપરના જડબાના ત્રણેક દાંત પણ પડી ગયેલા. ખભા પર એક ફાટેલો થેલો લટકાવેલો અને એ થેલામાં કાગળીયાના ડૂચા ભરેલા. આવો મેલોઘેલો વ્યક્તિ એ બોગીમાં ચડ્યો જો કે કોઈનું ધ્યાન એની તરફ ન હતું. રાતના આછા અજવાળામાં સારું હતું કે સૌ મુસાફર નિંદ્રાધીન હતા નહિતર આવા વ્યક્તિને જોઈ રીતસર બીક લાગી જાય અને નાના બાળકો તો કદાચ રોઈ રોઈને અડધાજ થઈ જાય. 


ફરી પાછી ગાડીએ પોતાની એજ વાસ્તવિક ઝડપ પકડી લીધી હતી. ડબ્બામાં ચડેલો એ અજાણ્યો વ્યક્તિ શુ કોઈ ચોરી કરવા આવ્યો હતો...??? કે પછી કોઈ બીજુ ગંભીર કૃત્ય કરવા આવ્યો હતો...??? એની તો કોઈને જાણ ન હતી પણ ડબ્બામાં ચડી એ આજુબાજુ ચોરીના ઈરાદાથી જ ચડ્યો હોય એમ નજર ફેરવી રહ્યો હતો. ઘડીકમાં એ ગાડીની બારીમાંથી બહાર જોઈ લેતો તો ઘડીભર માટે સુતેલા મુસાફરોનું ઝીણવટથી અવલોકન કરી લેતો. ઘડીકમાં ડબ્બાના બારણે જાય તો વળી પાછો ડબ્બાની અંદર આવે... એની આવી બધી ક્રિયાઓ વચ્ચે ગાડી પુરપાટ ઝડપે આગળ વધી રહી હતી. ત્યાં ડબ્બામાં ચડેલા એ વ્યક્તિની નજર અચાનક બારી ઉપર લટકી રહેલી ચેઇન તરફ ગઈ. ચેઇન ને જોતાજ શી ખબર કેમ પણ એની આંખો માંથી જાણે ક્રોધનો જ્વાળામુખી ભભૂકી ઉઠયો અને એના રુવાડા ખડા થઈ ગયા. ખુબજ ઝડપથી એ સિધોજ એ ચેઇન તરફ ધસી ગયો અને સડાક દઈને ચેઇન હાથમાં પકડી એક ઝાટકો માર્યો. એ વ્યક્તિને ખબર ન હતી કે એના દ્વારા ચેઇન ખેંચાઈ ગઈ છે. હજી એનો ગુસ્સો ઉતર્યો ન હતો અને એ હાથમાં ચેઇન પકડી એને વધારે જોરથી ખેંચવાનો પ્રયત્ન કરતો હતો. ચેઇન ખેંચાવાના કારણે ગાડી અચાનક ધીમી પડી અને ઉભી રહી ગઈ. તપાસ કરતા ટી.ટી. ને તરત ખ્યાલ આવી ગયો કે બોગી નંબર 5 માંથી ચેઇન ખેંચાઈ છે અને એ તરત શા માટે ગાડીને થોભાવવામાં આવી એની વિગત મેળવવા 5 નંબરની બોગીમાં આવી ગયા. આવીને એમણે જોયું તો પેલા ભીખારી અને પાગલ જેવા લાગતા વ્યક્તિ દ્વારા ચેઇનને ઝાટકા મારવાનું કૃત્ય હજી પણ ચાલી રહ્યું હતું. ટી.ટી. એની પાસે ગયા અને એને અટકાવવા માટે પ્રયત્ન કર્યા પણ બધા નિરર્થક... એમની હાથાપાઈ અને શોરબકોર ના કારણે હવે ડબ્બાના મુસાફરો પણ જાગી ચુક્યા હતા... અને પોતાની આંખો સામે એક ભયાનક માનવ આકૃતિ જોઈ ગભરાઈ પણ ગયા... મુસાફરો માંથી કેટલાક કાઠી છાતી વાળા યુવાનીયાઓની મદદ થી એ વ્યક્તિને પકડી લેવામાં આવ્યો... એના વેશ અને એના આવા કૃત્ય પરથી લગભગ બધાએ એવું ધારીજ લીધું હતું કે આ વ્યક્તિ ચોક્કસ ચોરીના ઇરાદેજ ડબ્બામાં ચડ્યો હશે...ગાડી ઉભી રહેતા અને શોર બકોર સાંભળી બીજા ડબ્બાના મુસાફરો પણ એકઠા થવા લાગ્યા... ટી.ટી. દ્વારા તાત્કાલિક નજીકના રેલવે પોલીસનો સંપર્ક કરી એ વ્યક્તિને પોલીસને સોંપી દેવામાં આવ્યો. પોલીસ દ્વારા એ ભયાનક લાગતા માણસને લઈ જવાતા સૌએ હાશકરો અનુભવ્યો. આ દરમિયાન પોતાના ડબ્બામાંથી ઉતરી કેટલાક મુસાફરો જરા પગ છુટ્ટો કરવાના બહાને પાટા પર આંટા મારવા લાગ્યા અને એમાંથી કેટલાકનું ધ્યાન ગાડીથી પાંચેક મિટર દૂર પાટો તુટેલો દેખાયો. આ વાતની જાણ મુસાફરો દ્વારા ટી.ટી.અને દ્રાઈવર ને કરાઈ. તૂટેલા પાટાની તપાસ કરતા બન્ને ને જો ગાડી ઉભી રહી ન હોત તો કેટલો મોટો ભયંકર અકસ્માત સર્જાત એ વાતનો તરત ખ્યાલ આવી ગયો. બન્ને કર્મચારીઓએ બાકીના મુસાફરોને પણ એ વાત જણાવી કે... "જે માણસને આપણે સૌ ચોર અને પાગલ સમજ્યો હતો એજ માણસ આપણા સૌ માટે નવજીવન લઈને આવેલો દેવદૂત સમાન હતો... ભલે ગમે તે ઇરાદે એને ગાડીની ચેઇન ખેંચી હતી પણ જો એનાથી આમ ન કરાયું હોત તો આજે હજારો જીંદગી ઓ મોતના ખપ્પરમાં હોમાઈ ગઈ હોત, ખરેખર એ આપણા સૌ માટે સ્વયં ભગવાનજ ભીખારીનું રૂપ ધારણ કરી આવ્યો હતો..." બધા મુસાફરો ટી.ટી. ની વાત સાંભળી રહ્યા હતા અને દૂર પોલીસની જીપમાં જઇ રહેલા એ દેવદૂત ની ઝાંખી આકૃતિને મનોમન વંદન કરી રહ્યા હતા...

પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા એ પાગલ જેવા માણસને પોલીસ લોકઅપ માં બંધ કરવામાં આવ્યો હતો અને હવે સુંદર પ્રભાતનું આગમન થઈ ચૂક્યું હતું... પોલીસ સ્ટેશનની બાજુમાં રહેલી નાનકડી ચાની લારી વાળા ઇકબાલ ચાચા સાહેબને ચા આપવા પોલીસ સ્ટેશનમાં આવ્યા અને એમની ઘરડી આંખો લોકઅપમાં બંધ કરાયેલ એ પાગલને જોયો. નજીક જઇ સ્મરણોની કિતાબ પર પડેલી ધૂળ ખંખેરી એને ઓળખવાનો પ્રયત્ન કરવા લાગ્યા અને અચાનક મગજમાં જૂની યાદોનો એક ઝબકારો થયો. એ ઓળખી ગયા એ કેદીને અને સાહેબ પાસે જઈ એને જેલમાં પુરવાનું કારણ પૂછતાં જવાબમાં સાહેબ બોલ્યા... "ઇકબાલ ચાચા, કાલે રાત્રે આ માણસ રેલ ગાડીમાં ચોરી કરવાના ઇરાદે ચડેલો પણ ભૂલથી એનાથી ગાડીની ચેઇન ખેંચાઈ જતા ગાડી ઉભી રહી ગઈ અને આ માણસ પકડાઈ ગયો. કાલ રાતથી એને અહીં બંધ કર્યો છે..."  આટલી વાત પૂરી કરતા સાહેબને પણ લાગ્યું કે ઇકબાલ ચાચા વર્ષોથી અહીં ચા આપવા આવે છે તો કોઈ કેદી માટે નહીં અને આના માટેજ શા માટે એમને પૂછ્યું... ??? પોતાની શંકાના સમાધાન માટે આજ પ્રશ્ન એમને ઇકબાલ ચાચાને પૂછ્યો... અને ઇકબાલ ચાચાએ સાહેબ સામે ઊભા રહી શરૂ કરી એ પાગલ અને ભિખારી લાગતા માણસની દાસ્તાન...

"સાહેબ, તમે જે ને ચોર સમજી પકડી લાવ્યા છો એ મારા ગામના નગરશેઠ માણેકલાલનો એકનો એક અને ખૂબ માનીતો દીકરો રમેશ છે... ઘણા વર્ષે શેઠને ત્યાં પારણું બંધાયું હોવાથી અને ઝાઝી બાધાઓનો હોવાથી એને જન્મતા વેંત દશ વર્ષ સુધી ભીખારવો કરેલો. રમેશને કોઈની નજર ન લાગી જાય એ સારું શેઠે એને રમેશ ને બદલે રમેશિયો કહી બોલાવવાનું બધાને કહેલું અને એટલેજ આ રમેશ અમારા ગામમાં 'શેઠનો રમેશિયો' એ નામેજ ઓળખાતો હતો... " પોલીસ ઇન્સ્પેકટર ને ઇકબાલ ચાચાની વાતમાં શરૂઆતમાં કોઈ માલ ન લાગ્યો અને તેથીજ શંકાના સમાધાન માટે એમને પૂછ્યું "તો પછી ચાચા શેઠનો એકનો એક લાડકવાયો આજે આવી હાલતમાં કેમ...?  ઇકબાલ ચાચા એ આગળ વાત કરી... "સાહેબ, શેઠને ત્યાં સુખ સમૃદ્ધિની કોઈ કમી ન હતી. માલિકની મહેરબાની હતી શેઠ ઉપર. શેઠની લાખોની સંપત્તિનો આ રમેશ એકનો એક વારસ હતો. સાહેબ રમેશ જ્યારે પાંચ વર્ષનો થયો ત્યારે શેઠના પરિવાર પર માલિકનો પહેલો ક્રૂર ઘાત થયો. શેઠના પત્ની મણીબા ગામતરું કરીને આવતા હતા અને વગડામાં એમને એક કારુંળા નાગે ડંખ દીધો. શેઠાણી ત્યાને ત્યાં ઢગલો થઈ જમીન પર પડી ગયા અને મોઢામાંથી ફીણ ની સાથે એમનો જીવ પણ તરત ચાલ્યો ગયો. શેઠાણીના મોતથી શેઠ ઉપરતો જાણે આભ તૂટી પડ્યું. રમેશ એ સમયે નાનું બાળક અને માં કેવી રીતે મરી ગઈ એની કઈ સમજણ એને ન પડી. શેઠ માટે હવે મા અને બાપ બન્નેની જવાબદારી આવી. રમેશ જ્યારે બાર તેર વર્ષનો થયો ત્યારે એને ખબર પડી કે એની મા નું મોત નાગના કરડવાથી થયું હતું... આટલા વર્ષો દરમિયાન શેઠે રમેશને એટલા બધા લાડકોડથી ઉછેર્યો કે કોઈ દિવસ એની મા ની કમી મહેસુસ થાવાજ ન દીધી અને એટલેજ એને મા ના દુઃખનો કોઈ વિશેષ આઘાત લાગેલો નહિ. પિતાના અઢળક પ્રેમની છત્રછાયા નીચે મોટા થઈ રહેલા રમેશ ને પણ પોતાના પિતા પ્રત્યે ખૂબ માન એતો એટલે સુધી કહેતો કે 'મારા પિતા એજ મારૂ સર્વસ્વ છે... એજ મારા માર્ગદર્શક અને મિત્ર છે... ' અને વાત પણ સાચી હતી સાહેબ કે રમેશ ને એના પિતા વિના ઘડીએ ચાલતું ન હતું. કોઈ કામ અર્થે શેઠ ને બહારગામ જવાનું થાય અને જો ઘરમાં રમેશ શેઠને ન ભાળે તો તો એને કેમ કેમ થઈ જતું એના પિતા વિના એનું મન ઉદાસ થઈ જતું. આવો હતો પિતા પુત્ર વચ્ચે અઢળક પ્રેમ... સાહેબ વર્ષો વીતતા ગયા અને રમેશ જ્યારે અઢાર વર્ષનો થયો ત્યારે કુદરતનો બીજો ક્રૂર ઘા શેઠના પરિવાર પર પડ્યો અને આ વખતે અનંત દુઃખ સહન કરવાનો વારો રમેશ નો હતો... 

પોલીસ સ્ટેશનમાં એક સામાન્ય ચા વેંચતા માણસના મૂખેથી કહેવાઈ રહેલી ભૂતકાળના જાજરમાન કુટુંબના વહાલસોયા વારસ ની આંચકાજનક કથામાં હવે બધાને ખૂબ રસ પડ્યો એથી બધા ઇકબાલ ચાચાની આજુબાજુ ગોઠવાઈ ગયા હતા... તો લોકઅપમાં બંધ 'શેઠના રમેશિયા'ને એ વાતનું પણ ભાન ન હતું કે બાર કહેવાઈ રહેલી કથાનો મૂળ નાયક એ પોતેજ છે... ઇકબાલ ચાચા એ વાતને આગળ વધારતા કહ્યું કે... "સાહેબ, ઉનાળાની ઋતુમાં શેઠ અને એમનો રમેશ ઘરની આગાશી પર ઘસઘસાટ સુતેલા હતા અને રાતના લગભગ દોઢ વાગ્યાના સુમારે શેઠના ઘરે થતા શોરબકોરથી આખું ગામ ત્યાં ભેગું થઈ ગયું હતું... એ ભીડમાં હું પણ હતો સાહેબ... અને મેં પોતાના વહાલસોયા મૃત પિતાના મસ્તકને એક દીકરાના ખોળા માં જોયુ હતું અને કદાચ દુનિયાના કોઈ પણ દીકરાને પિતાના મોત પર એટલું બધું વલોપાત કરતા મેં પહેલી વાર નિહાળ્યો હતો. મોઢામાંથી ફીણ નીકળી ગયેલા શેઠના મૃતદેહ પાસે બેસીને ગળું ફાટી જાય એટલા અવાજે આ રમેશને રોતો સૌએ જોયો અને બધાને બીક હતી કે પિતાના મોતના આઘાતમાં ક્યાંક દીકરાનું હાડ ના બેસી જાય...!!!  શેઠના મોઢામાંથી ફીણ નીકળેલા જોતા ગામલોકો અને રમેશને એ સમજતા વાર ન લાગી કે શેઠનું મોત પણ શેઠાણીની જેમજ નાગ કરડવાથી થયું હતું...સવાર પડતા મહામુસીબતે ગામલોકો એ રમેશને શાંત પાડ્યો અને શેઠની અંતિમ વિધિ પતાવી... સુનમુન બેઠેલા રમેશને સૌ ગામલોકો આશ્વાસન આપતા હતા પણ રમેશ ની આંખો માંથી આંસુ બંધ થવાનું નામજ લેતા ન હતા... રમેશની આ સ્થિતિ જોઇ ત્યાં હાજર સૌ પણ ચોધાર આંસુએ રડી રહ્યા હતા... 


શેઠના મૃત્યુને એક અઠવાડિયા જેટલો સમય વીતી ચુક્યો હતો પણ રમેશની મનોસ્થિતિમાં કોઈ ફરક આવ્યો ન હતો તે એક શબ્દ પણ બોલ્યો ન હતો... એના મનની અંદર ક્રોધ હતો એ નાગ પ્રત્યે કે જેને એના પિતાના પ્રાણ હર્યા હતા... એના મગજમાં વારંવાર એજ વાત ઘૂંટાયા કરતી હતી... એનું મન આ એકજ વાત પર એવું ચકડોળે ચડ્યું હતું કે મનમાં બીજા કોઈજ વિચાર ન હતા... અને સાહેબ એક રાતે રમેશના ઘરના આડોસી પાડોશી એ રમેશના જોર જોરથી બોલાતા શબ્દો સાંભળ્યા કે... 'મેં એને પકડી લીધો અને મારી નાખ્યો...' આ એકનું એક વાક્ય રમેશના મોઢેથી જોરજોરથી બોલાતું સાંભળી સૌ એના ઘરે ભેગા થઈ ગયા અને જોયું તો એક જાડા કાળા દોરડાના કટકાને રમેશ જોરજોરથી પાટુ મારી રહ્યો હતો... લોકો સમજી ગયા કે રમેશ પાગલપણાના પ્રદેશમાં પહોંચી ગયો છે... સાહેબ, બસ ત્યારથી સાપ જેવી દેખાતી કોઈ કાળી વસ્તુને રમેશ જુવે છે અને એને પકડવા દોડે છે... એ ક્યારે ગામ છોડીને નીકળી ગયો એ પણ કોઈને ખબર ન પડી... આજ દશ મહિના પછી મેં એને અહીં જોયો અને મને પણ નવાઈ લાગી... સાહેબ આ છે અમારા ગામના માણેકલાલ શેઠના સાતખોટના દીકરા આ રમેશિયાની દર્દભરી દાસ્તાન... "

હવે પોલીસ ઇન્સ્પેક્ટરને પણ એ સમજતા વાર ન લાગી કે ટ્રેન ની સાંકળ પકડી આ રમેશ કેમ જોર જોરથી ઝાટકા મારી રહ્યો હતો... ઇન્સ્પેકટર સાહેબ જેલમાં પુરાયેલા રમેશ ને દયાભરી નજરે નિહાળતા રહ્યા અને જાણે મનોમન રમેશને કહી રહ્યા હતા કે... "દોસ્ત, તારા પિતાના એક મોતના આઘાતે આજે હજારો જિંદગી તારા હાથે બચી ગઈ..." 

લેખક :- અલ્કેશ ચાવડા 'અનુરાગ'  (શંખેશ્વર)