Siddhi books and stories free download online pdf in Gujarati

સિધ્ધી

#MDG

સિધ્ધી

સવાર થતાં જ ઘરમાંથી સિધ્ધીના નામની બૂમો પડવાની શરૂ થઈ ગઈ. આશરે દસેક વર્ષની નાનકડી સિધ્ધી જૂના થીંગડા મારેલા ફ્રોકમાં પણ ખૂબ જ સુંદર દેખાતી. તેનો ભોળો ચહેરો, ઉજળો વાન, મોટી મોટી વિસ્મયથી નિહાળતી આંખો, નાનકડું નાક કોઇનું પણ ધ્યાન તેની તરફ ખેંચે તેવું આકર્ષિત લાગતું. તેના ખડખડાટ હાસ્યમાં તેની બાળસહજ મુગ્ધતા ઉપસી આવતી, તો સાથે તેનામાં વડીલ જેવી સમજદારી પણ જોવા મળતી. કોઇપણ કામ કરવા દોટ મૂકતાં તેના ગળામાં પહેરેલ કાળા દોરામાં બાંધી રાખેલ ગણેશજીનું પિત્તળનું લૉકેટ ઉછળતું જોઇ સિધ્ધીને ઘણો આનંદ આવતો.

સિધ્ધી તેના મમ્મી સાથે તેના કાકાના ઘરે કામ કરતી. પોતાની મા એકલી કેટલું કામ કરે તેથી સિધ્ધી તેમને મદદ કરવા આટલી નાનકડી વયથી જ કામ કરવા લાગતી. સિધ્ધીના પિતા ઘણા વર્ષો પહેલા મૃત્યુ પામ્યા હતા. ત્યાર પછીથી તેના કાકા - કાકીએ સિધ્ધી અને તેના મમ્મીને બધી જ વારસાઇ મિલકતમાંથી બાકાત કરી દીધા. ત્યારથી જ સિધ્ધી અને તેના મમ્મી એક કામવાળાની જેમ તેના કાકા - કાકીના ઘરે ઘરકામ કરી પેટીયું રળતા. સિધ્ધીના જાડાભમ કાકી તો બેઠાં બેઠાં જ દરેક કામનો ઑર્ડર કરતા. સિધ્ધીને તેની કાકાની દીકરી ડોલીના ઉતરેલા કપડાં જ મળતાં. બાકી નવા કપડા ખરીદવાની તેમની સ્થિતી જ ક્યાં હતી..! સિધ્ધી અને તેના મમ્મી નજીકની ચાલીમાં છાપરાવાળા નાનકડા મકાનમાં ભાડે રહેતા હતા. સિધ્ધી ગણેશ ભગવાનની પાક્કી ભક્ત..! કોઇવાર તેની મમ્મી ઉદાસ થઈ જાય કે જૂના દિવસો યાદ કરી આંખમાં આંસુ લાવી દે તો તરત નાનકડી સિધ્ધી તેની મમ્મી પાસે દોડી જઈ તેના ખોળામાં બેસી જતી અને મમ્મીની આંખે ઉભરાયેલા આંસુ લૂંછી વહાલથી માથે હાથ ફેરવતી જાય અને બોલતી, “મમ્મી, કોઇ જ ચિંતા ના કરજો, ગણેશ ભગવાન આપણી સાથે જ છે. તે બધું જ સારુ કરી દેશે..!” આમ બોલી તેની મમ્મીના ગાલે વહાલભરી બચી ભરી બાઝી પડતી.

નાનકડી સિધ્ધી તો તેની મમ્મીની હાથવાટકી, કોઇપણ કામ હોય તો તે દોટ મૂકીને કરી આપતી. તેની મમ્મીને ઘરના કામમાં તો મદદ કરે જ, સાથે કાકાના ઘરના કામમાં પણ મમ્મીને સહાય કરાવે અને સાથે સાથે પાસેની સરકારી પ્રાથમિક શાળામાં પાંચમા ધોરણમાં ભણતી. સિધ્ધી ભણવામાં ઘણી હોંશિયાર અને સાથે શાળાની વિવિધ પ્રવૃત્તિઓમાં પણ આગળ પડતી તેથી જ તો તે શિક્ષકોની માનીતી હતી. ઘણીવાર સિધ્ધી તેની બહેન ડોલીને સરસ તૈયાર થઈ સ્કૂલ બસમાં બેસી પ્રાઇવેટ સ્કૂલમાં જતા જોઇ મનોમન દુ:ખ પણ અનુભવતી. તેને પણ આ રીતે તૈયાર થઇ સ્કૂલ જવા ખૂબ ઇચ્છા થતી. સિધ્ધીના દુ:ખને અનુભવી તેને તેના મમ્મી વહાલભેર સમજાવતા, “બેટા સિધ્ધી, આવું કાંઇ મન પર નહીં લેવાનું. તુ જ તો કહે છે ને કે ગણેશ ભગવાન આપણી સાથે જ છે. તે બધું જ સારુ કરી દેશે..! તો પછી..?” સિધ્ધી તરત તેના મમ્મીની વાત સાંભળી મન હળવી વાદળી જેવું કરી ફરી ઉછળ કૂદ કરતી કામે વળગી જતી..!

ભાદરવો મહિનો શરૂ થતાથી જ સિધ્ધી ગણેશ ચતુર્થીની કાગડોળે રાહ જોવા લાગી. તેણે આ વર્ષે ગણેશ ચતુર્થીમાં ગણેશ ભગવાનના સ્વાગત માટે કેવી કેવી તૈયારીઓ કરવી તે બધું જ વિચારી રાખ્યું હતું. ગણેશ ચતુર્થીની વહેલી સવારે જ સિધ્ધી તૈયાર થઈ તેના કાકાના ઘરે પહોંચી ઉતાવળે ઘરના બધા જ કામ પૂરા કરી ગણેશજીના આગમનની રાહ જોતી રહી. થોડીવારમાં જ ધબૂકતા ઢોલ સાથે ગણેશજીની મોટી મૂર્તિ આવી ગઈ. સિધ્ધીએ ઉત્સાહમાં આવી ગણેશજીની આરતી ઉતારવા કર્યું, ત્યાં જ તેની કાકીએ તેને તાડૂકી અટકાવી અને તેની કાકીની દીકરી ડોલીએ “આ ગણેશજીને તારે નહીં અડવાનું, જા અહીંથી..!” કહી દૂર હડસેલી દીધી. સિધ્ધીની આંખો આંસુથી ઉભરાઇ ગઈ.

સિધ્ધી ભારે હૈયે ચૂપચાપ તેના ઘરે પાછી ફરી. ઘરમાં રસોઇકામ કરતા તેના મમ્મીએ સિધ્ધીને વીલે મોંઢે ઘરમાં આવતી જોઇ. જેવું તેમણે સિધ્ધીને આ વિશે પૂછ્યું કે સિધ્ધી પોક મૂકી રડવા લાગી. ડૂંસકા ભરતા સિધ્ધીએ બધી આપવીતી જણાવી. સિધ્ધીની વાત સાંભળી ઘડીભર તેના મમ્મીની આંખો પણ ભરાઈ આવી, પણ તરત સ્વસ્થતા જાળવી તેમણે વહાલથી સિધ્ધીને પોતાના ખોળામાં બેસાડી કહ્યું, “અરે, કાંઇ નહીં, આ વખતે આપણે આપણા ઘરે જ ગણેશ ભગવાનની મૂર્તિ લાવીશું.” મમ્મીના આ શબ્દો સાંભળી સિધ્ધી બધું જ દુ:ખ ભૂલી જઈ ઉત્સાહમાં આવી ગઈ, પણ તરત તેના ચહેરા પર ઉદાસીના વાદળ ફરી છવાયા. તેણે તેના મમ્મીને સવાલ કર્યો, “મમ્મી, આપણી પાસે ગણેશજીની મૂર્તિ લાવવા પૈસા ક્યાં છે...?” તેની મમ્મીએ કંઇક વિચારી જવાબ આપ્યો, “બેટા, આ બધી મૂર્તિઓ તો પ્લાસ્ટર ઑફ પેરીસ અને કેમીકલથી બને અને આવી મૂર્તિના જળવિસર્જનથી તો પાણી વધુ દૂષિત બને, પણ..” તેના મમ્મીની વાત વચ્ચે અટકાવતા સિધ્ધી બોલી, “હા મમ્મી, મારી નિશાળમાં પણ અમારા બહેન આ જ કહેતા હતા. તો પછી આપણે કેવી મૂર્તિ લાવીશું..? અને તેના પૈસા...?” સિધ્ધીએ ચિંતા વ્યક્ત કરી. તેના મમ્મી બોલ્યા, “અરે મારી ઉતાવળી ખિસકોલી, મારી વાત તો પૂરી થવા દે..!” તેના મમ્મીના મોંથી આમ પોતાના માટે ‘ખિસકોલી’ શબ્દ સાંભળતા સિધ્ધી મોટી મોટી આંખો કરી એક અલગ જ સ્મિત ફરકાવતી. તેના મમ્મીએ આગળ વાત કરી, “જો આપણે ગણેશજીની મૂર્તિ માટે એકપણ પૈસાની જરૂર નથી. આપણે ઘરે જાતે જ માટીથી ગણેશજીની મૂર્તિ બનાવીશું.” “ અને હું તેને કુદરતી રંગથી સજાવીશ.” સિધ્ધીએ ઉત્સાહમાં ઉમેર્યું.

સિધ્ધીના મમ્મીએ આગળ કહ્યું, “બેટા, તને એક કથાની ખબર છે..? ભગવાન શિવજી લાંબો સમય સુધી માતા પાર્વતીથી અલગ હતા ત્યારે પાર્વતીજી એકલા કંટાળી ગયા. તેમણે પોતાના શરીર પર લગાવેલો ચંદનનો લેપ મસળીને માટીની મૂર્તિ બનાવી અને તેમાં પ્રાણ પૂર્યા જે રીતે ગણપતિ ભગવાનનો જન્મ થયો. આમ, માટીની પ્રતિમામાં પ્રભુના પ્રાણ રહેલા હોય છે.” સિધ્ધીએ ઉતાવળે ઉતાવળે કહ્યું, “મમ્મી હવે ચાલોને આપણે માટીના ગણપતિ ભગવાનની મૂર્તિ બનાવીએ..!” સિધ્ધીના મમ્મી માટી લાવી તેને મૂર્તિ બનાવવા બરાબર તૈયાર કરે છે. સિધ્ધી તેમની પાસે જ બેસી રહે છે.

સૌ પ્રથમ સિધ્ધીના મમ્મી હાથમાં માટીનો મોટો ગોળ કરી ગણેશ ભગવાનની મૂર્તિનું પેટ કરતા કહે છે, “સિધ્ધી, ગણપતિ ભગવાનનું મોટું પેટ બતાવે છે કે જીવનમાં સારી – નરસી દરેક બાબતને પેટમાં સમાવતા શીખવું જોઇએ..!” પછી ગણેશ ભગવાનની મૂર્તિનું માથું કરતા કહે છે, “આ વિશાળ માથું સમજ, જ્ઞાન, કુશાગ્ર બુધ્ધી અને સારી વિચારસરણીનું પ્રતિક છે..!”

સિધ્ધી પણ ગણેશ ભગવાનની મૂર્તિના કાન કરવા લાગે છે. “મમ્મી, આ કાન શું સૂચવે છે..?” સિધ્ધીના મમ્મીએ ગણેશ ભગવાનની મૂર્તિના કાન સરખા કરતા કહ્યું “ગણેશ ભગવાન દરેકની પ્રાર્થના સાંભળે છે. વળી તેમના મોટા કાન આપણને સૂચવે છે કે જીવનમાં જ્ઞાન મેળવવા માટે ઓછું બોલવાની અને વધુ સાંભળવાની આદત કેળવવી જોઇએ..!”

ગણેશ ભગવાનની મૂર્તિના ચાર હાથ બનાવી પેટ સાથે જોડતા સિધ્ધીને તેના મમ્મીએ જણાવ્યું, “ગણેશ ભગવાનના આચાર હાથ માનસ, બુધ્ધિ, અહંકાર અને ચિત્તનું સૂચન કરે છે.” ગણેશ ભગવાનની મૂર્તિમાં બેઠકમાં એક પગ જમીન પર અને બીજો પગ પલાંઠી વાળેલો બનાવતા સિધ્ધીના મમ્મીએ જણાવ્યું, “માણસે જીવનમાં દુનિયાદારીની સાથે ધાર્મિક બાબતોને પણ સમાંતર રાખી જીવવું જોઇએ..!”

ગણેશ ભગવાનની મૂર્તિની સૂંઢ બનાવતા સિધ્ધીને આગળ જણાવ્યું, “આ સૂંઢ સૂચવે છે કે યોગ્ય ક્ષમતાથી જ કાર્ય સિધ્ધ થાય છે.” સિધ્ધીએ કૂદતા કૂદતા કહ્યું, “અરે મમ્મી, આપણા ગણેશજી તૈયાર થઈ ગયા..!”

તેને તેના મમ્મીએ શાંત કરતા કહ્યું, “હજુ આમા ઘણું કામ બાકી છે.”

ગણેશજીની નાનકડી આંખો કરતા સિધ્ધીને તેના મમ્મીએ કહ્યું, “જો બેટા, આ નાનકડી આંખ કોઇપણ કાર્યમાં ધ્યાન કેન્દ્રિત કરવાનું જણાવે છે. ગણેશ ભગવાન ક્યારેય તેમના કોઇપણ ભક્તને એકલા મૂકતા નથી..!”

ગણેશ ભગવાનના કપાળ પર ત્રિશૂળ દોરતાં સિધ્ધીના મમ્મીએ સમજાવ્યું, “આ ત્રિશૂળ શંકર ભગવાનના શસ્ત્રનું સૂચક છે. વળી આ ત્રિશૂળ ગણેશ ભગવાનનું ત્રણેય કાળ – ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ પરનું પ્રભુત્વ બતાવે છે..!”

સિધ્ધી પોતાના હાથે માટી લઈ ગણેશ ભગવાનના વાહન મૂશક તૈયાર કરી તેના મમ્મીને બતાવી પૂછે છે, “મમ્મી, આવડા મોટા ગણપતિ ભગવાનનું આટલું નાનું વાહન કેમ.?”

તેના મમ્મી તેને સમજાવતા કહે છે, “બેટા, કાંઇપણ નાનુ-મોટું નથી હોતું. દરેકનું આગવું મહત્ત્વ હોય છે. અને આ મૂશક આપણને આપણી ઇચ્છાઓ પર કાબૂ રાખવાનું સૂચવે છે..! તને આ મૂશકરાજ વિશેની કથા ખબર છે..?”

“ના, મમ્મી મને તે કથા કહો ને..!” પોતાની કૂતુહલવશ જાણવાની આદતથી પ્રેરાઇ સિધ્ધીએ કથા કહેવા મમ્મીને સમજાવી.

“ઘણા વર્ષો પહેલા ગજમુગાસુર નામનો એક દાનવ હતો. ભગવાન શિવ પાસેથી તેને વરદાન મળવાથી તે ઘણો શક્તિશાળી થઈ ગયો હતો. પોતાની શક્તિના ઘમંડમાં તે નિર્દોષ માનવ, દેવતા સૌ કોઇને હેરાન કરવા લાગ્યો. દેવતાઓની વિનંતીને કારણે ભગવાન શિવજી ગણપતિ બાપ્પાને ગજમુગાસુરનો સંહાર કરવા મોકલે છે. ગજમુગાસુર અને ગણપતિ બાપ્પા વચ્ચે ઘોર યુધ્ધ થાય છે. ભગવાન શિવજીના મળેલા વરદાનને કારણે કોઇપણ હથિયારથી ગજમુગાસુરને કાંઇજ તકલીફ થતી નથી. છેવટે ગણપતિ બાપ્પા પોતાનો જમણો દાંત તોડી તેનાથી ગજમુગાસુર પર પ્રહાર કરે છે. ગજમુગાસુર ગણપતિ બાપ્પા તરફ મૂશકનું સ્વરૂપ લઈ ધસી જાય છે ત્યારે ગણપતિ બાપ્પા તેના પર સવાર થઈ તેને પરાજીત કરે છે. પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવા ગજમુગાસુર સદાય માટે મૂશક સ્વરૂપમાં ગણપતિ બાપ્પાના વાહન તરીકે રહે છે..!” સિધ્ધીને મૂશક વિશે કથા કહેતા કહેતા સિધ્ધીના મમ્મી ગણેશ ભગવાનની મૂર્તિ બનાવી નાખે છે..!

સિધ્ધી અને તેના મમ્મી ભેગા મળી ગણેશ ભગવાનની મૂર્તિને કુદરતી રંગથી સજાવી દીધા. ગણેશ ભગવાનની મૂર્તિ તૈયાર થયેલી જોઇ સિધ્ધી “ગણપતિ બાપા મોરીયા, મંગલમૂર્તિ મોરીયા”ની બૂમો પાડી ખુશીથી કૂદવા લાગે છે..!

સાંજે આરતી કરવા અને પ્રસાદ ચઢાવવા સિધ્ધી તેના મમ્મીને પૂછ્યા વિના તેના કાકી પાસે થોડા પૈસાની માંગણી કરે છે, પણ તેના કાકી તેનું અપમાન કરી હડસેલી કાઢે છે. રડતા રડતા સિધ્ધી તેના મમ્મી પાસે આવી બધી વાત જણાવે છે. “તને ખબર છે તારા કાકી કેવા છે, તો તેમની પાસે કેમ જાય છે..?” સિધ્ધીના મમ્મીએ સાંચવેલી થોડીઘણી બચતમૂડીમાંથી પૈસા કાઢીને સિધ્ધીને બતાવ્યા, “લે આ પૈસાથી આપણે પ્રસાદ લાવજે..!” સિધ્ધીએ આંસુ લૂંછતા કહ્યું, “પણ મમ્મી, આ પૈસા તો તારી દવા માટેના..” તેના મમ્મીએ સિધ્ધીની વાત વચ્ચે અટકાવતા હળવા સ્મિત સાથે આંખ મીંચકારતા કહ્યું, “બેટા, બાપ્પાથી વિશેષ કંઇ જ નથી. આ પૈસા લઈ જા અને પ્રસાદના લાડુ લઈ આવ.” સિધ્ધી તેના મમ્મી પાસેથી પૈસા લઈ પ્રસાદ લઈ આવે છે.

તે રાત્રે સિધ્ધીને ઊંઘ આવતી નથી. તેના મનમાં વારંવાર તેના કાકીના શબ્દો – “અહીં તારા બાપની કોઇ મિલકત નથી કે માંગતી ફરે છે. જા ભગવાનના ઘરે તારો બાપ ગયો છે, ત્યાં જઈ પૈસા લઈ આવ..!” – સંભળાતા રહે છે..! સિધ્ધીની આંખોથી આંસુની ધાર વહેવા લાગે છે. તે મનોમન ફરીયાદ કરે છે, “ગણપતિ બાપ્પા, અમારી સાથે આવું કેમ થયું.? કેમ મારા પપ્પાને તમે તમારી પાસે બોલાવી દીધાં.? અમારી મા-દીકરીનું આ દુનિયામાં કોઇ જ નથી..?” અચાનક સિધ્ધીને એક અવાજ સંભળાયો, “સિધ્ધી”..! સિધ્ધી ચમકીને બેઠી થઈ ગઈ. તેણે આસપાસ બધે જોયું. તેના મમ્મી તો તેની પાસે શાંતિથી સૂતા હતા. સિધ્ધીને ફરી અવાજ સંભળાયો, “સિધ્ધી”..! એક જ રૂમના છાપરાવાળા ઘરમાં રસોઇના વાસણ પાસે રાખેલા તૂટેલા ટેબલ પર રાખેલી ગઈ કાલે બનાવેલ ભગવાન ગણેશની માટીની મૂર્તિ અચાનક પ્રકાશમય બની..! મૂર્તિનો વધતો પ્રકાશ સિધ્ધીની મોટી મોટી આંખોમાં સાફ પ્રતિબિંબીત થઈ ઝળહળી ઉઠ્યો, આખો રૂમ પ્રકાશથી ઝળહળી ઉઠ્યો..! થોડીવારમાં માટીની મૂર્તિ સાક્ષાત ગણપતિ ભગવાનમાં પરિવર્તીત થઈ ગઈ..! સિધ્ધી આશ્ચર્યથી આ જોઇ રહી.

“ગણપતિ બાપ્પા..!” સિધ્ધી ધીમા અવાજે બોલી.

“હા, ગણપતિ બાપ્પા..! મારી સાચી ભક્ત મને યાદ કરે અને હું ના આવું તેવું તો બને જ નહીં..!” સાક્ષાત પ્રકાશમય ગણેશ ભગવાન બોલ્યા.

“ગણપતિ બાપ્પા, આટલા સમય સુધી તમે કેમ ક્યારેય ના આવ્યા..? હું અને મારા મમ્મી કેટલી મુશ્કેલીમાં રહ્યા..! આ તમને ધરાવેલ પ્રસાદ..” એક્શ્વાસે સિધ્ધી બોલતી રહી.

“હા, તે પ્રસાદ તારી મમ્મીની દવા માટે બચાવેલા પૈસાથી લાવ્યા છો...હું બધુંયે જાણું છું..!” સિધ્ધીની વાત અધવચ્ચે અટકાવતા ગણેશ ભગવાને કહ્યું.

“શું તમને બધી જ ખબર હોય બાપ્પા..?” સ્વભાવગત કૂતુહલવશ સિધ્ધીએ સવાલ કર્યો.

“હા બેટા, આ સમગ્ર સૃષ્ટિમાં જે કાંઇ થાય છે તે બધું જ મારી જાણમાં હોય છે. દરેકના દુ:ખ, તકલીફોની મને જાણ હોય છે, પણ દરેક વ્યક્તિના જીવનમાં યોગ્ય સમયે જ બધું થાય છે. બેટા, હું તારી ભક્તિથી ખૂબ ખુશ થયો છું. તુ જે માંગીશ તે તને આપીશ. બોલ..!” ગણેશ ભગવાને મોહક સ્મિત સાથે કહ્યું.

“હું જે માંગુ તે આપશો..?” સિધ્ધીએ સવાલ કરી ખાતરી કરી.

“હા, તુ જે માંગીશ તે આપીશ.” ગણેશ ભગવાને ઉત્તર આપ્યો.

“આજથી તમે મારા ફ્રેન્ડ બનશો..?” ગાલ પર પહેલી આંગળી અડાડતાં જરા વિચાર કરી જવાબ આપ્યો.

“બેટા, હું તો તારો ફ્રેન્ડ જ છું ને....હું મારા દરેક સાચા ભક્તોનો ફ્રેન્ડ છું જે મન, વચન અને કર્મથી પવિત્ર રહે છે અને પરોપકાર અને સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરે છે..!” ગણેશ ભગવાને સિધ્ધીને જવાબ આપતા કહ્યું.

“એમ નહીં. મારા બેસ્ટ ફ્રેન્ડ...!” સિધ્ધીએ પોતાનો હાથ લંબાવતા કરતા કહ્યું.

“સારુ, હવેથી હું તારો બેસ્ટ ફ્રેન્ડ...પણ એક શરત..!” ગણેશ ભગવાને સિધ્ધીને જણાવ્યું.

“કઈ શરત..?” ઉતાવળે સિધ્ધીએ પૂછ્યું.

“શરત એ જ કે મારા વિશે તુ ક્યારેય કોઇને નહીં જણાવે. આપણી ફ્રેન્ડશીપ એક સીક્રેટ જ રહેશે..!” ગણેશ ભગવાને સિધ્ધીને શરતની વાત જણાવતા કહ્યું.

“મંજૂર..! હવે ફ્રેન્ડ્સ..?” પોતાના લંબાવી રાખેલા હાથ તરફ મોટી મોટી આંખોથી ઇશારો કરતા કહ્યું.

“ઓ.કે. ફ્રેન્ડ્સ..!” સિધ્ધીને જવાબ આપતા ગણેશ ભગવાનની પાછળ ઝળહળતો પ્રકાશ બંધ થયો. બિલકુલ સામાન્ય માનવીની જેમ તે સિધ્ધીની નજીક આવ્યા અને સિધ્ધીએ શેક હેન્ડ કરવા લંબાવેલા હાથ સાથે હેન્ડ શેક કર્યું..!

ગણેશ ભગવાન સાથે વાતો કરતાં કરતાં સિધ્ધી ક્યારે ઊંઘી ગઈ તેનો તેને ખ્યાલ જ ના રહ્યો. સવાર થતાં તેના મમ્મી સિધ્ધીને વહાલથી ઉઠાડે છે, “બેટા સિધ્ધી, સવાર થઈ....ઉઠવું નથી..?”

સિધ્ધીની આંખ ખુલતા જ તે ઊભી થઈ ગણેશજીની મૂર્તિ આગળ દોડી ગઈ..! ઉત્સાહમાં આવી તેની મમ્મી આગળ કહ્યું, “મમ્મી, તને ખબર છે...ગઈ રાતે ગણપતિ બાપ્પા....!” અચાનક ગણેશ ભગવાનની કહેલી શરતવાળી વાત યાદ આવતા દાંત વચ્ચે જીભ હળવેથી દબાવતા વાત બદલી કહ્યું, “ગઈ રાતે ગણપતિ બાપ્પાની મૂર્તિ પાસે સાચો મૂશક ફરતો હતો..!”

તેના મમ્મી ખડખડાટ હસી પડતા બોલ્યા, “અરે પ્રસાદની મીઠાઇ ખાવા મૂશક આવ્યો હશે...અને આમ પણ બાપ્પાનું વાહન છે એટલે આવે જ ને..!”

સ્નાન કરી દોડતાં દોડતાં આવી સિધ્ધી ગણેશ ભગવાનની મૂર્તિ આગળ ઘર બહારની વેલ પરથી ચૂંટી લાવેલા ફૂલથી શણગાર કરતા ગણેશજીની મૂર્તિ સામે આંખ મીંચકારતા “સોરી” બોલી કંઇક વાતો કરવા લાગી. તેની આમ કરતા જોઇ તેના મમ્મી તેને બોલાવી ગણપતિ બાપ્પાની પ્રભાત આરતી કરવા જણાવે છે. તેના મમ્મીના હાથમાંથી આરતીની થાળી લઈ સિધ્ધી ગણપતિ બાપ્પાની આરતી કરવા લાગે છે. તેના મમ્મી પણ તેની સાથે આરતીમાં જોડાય છે.

સિધ્ધી તો હવે બાપ્પા પાસે જ બેસી રહે છે. તેના મમ્મી કામ કરવા જાય છે. સાંજે તેના મમ્મી ઉદાસ ચહેરે પાછા ફરે છે અને ઘરમાં આવતાં જ રડવા લાગે છે. સિધ્ધી તેના મમ્મી પાસે દોડી જઈ તેને શાંત રાખે છે અને તેને પાણીનો ગ્લાસ આપી રડવાનું કારણ પૂછે છે, “શું થયું મમ્મી..? બોલોને..!”

“આજે તારા કાકીના રૂમમાંથી સો રૂપિયા ખોવાયા હશે, તો તે ચોરીનો આરોપ....” વચ્ચે રડતાં જઇ તેના મમ્મી આગળ જણાવે છે, “તે સો રૂપિયાની ચોરીનો આરોપ મારા પર નાખી મને બહુ ધમકાવ્યા બધાએ....મેં ખૂબ કહ્યું પણ કોઇ મારી વાત જ માનવા તૈયાર ના હતા અને પોલીસને બોલાવવા કર્યું...” ડૂંસકા ભરતા આગળ કહ્યું, “ત્યારે જ તેમની ડોલી પાસેથી આ સો રૂપિયા મળ્યા..! આજે તારા પપ્પા જીવતા હોત તો આવા દા’ડા જોવા ના પડત..!” તેના મમ્મીની વાત સાંભળી સિધ્ધીની આંખો પણ ભરાઇ આવી. પોતાની આંખનાં આંસૂ લૂછી સિધ્ધીએ તેના મમ્મીને શાંત કર્યા.

“મમ્મી, હવે કોઇ જ ચિંતા ના કરો, બાપ્પા બધુંયે સારુ કરી દેશે..!” તેના મમ્મીના માથે હળવેથી નાનકડા હાથ ફેરવતા સિધ્ધીએ કહ્યું.

તે રાત્રે સિધ્ધીને ઊંઘ આવતી નથી. તેની આંખોમાંથી નીકળતા આંસુ ચૂપચાપ તેના ઓશીકાને ભીંજવતા રહ્યા. તેના મમ્મીના ઊંઘી ગયા પછી સિધ્ધી ગણેશ સ્તુતિ શરૂ કરે છે. તરત સામે રાખેલી માટીની મૂર્તિ આસપાસ પ્રકાશ ફેલાય છે અને સિધ્ધી સમક્ષ ગણપતિ ભગવાન પ્રકટ થાય છે.

“બાપ્પા, આજે મારા મમ્મી ઉપર ચોરીનો ખોટો આરોપ મૂકાયો. મારા મમ્મી ખૂબ રડ્યા. મમ્મી કહેતા હતા કે મારા પપ્પાની પાસે પણ ઘણી મિલકત હતી પણ તે બધી કાકાએ લઈ લીધી. અમારે આટલી તકલીફ કેમ..? મમ્મી કહેતા કે ભગવાન આપણી પરીક્ષા લે છે, પણ અમારી જ પરીક્ષા કેમ..? ભગવાન હજુ કેટલી પરીક્ષા લેશે..? ધીમા ડૂંસકા ભરતા એકશ્વાસે સિધ્ધીએ ગણપતિ ભગવાન આગળ હૈયા વરાળ ઠાલવી..! ગણેશ ભગવાનની આસપાસનો પ્રકાશ ધીમેધીમે ઓછો થયો. ગણેશ ભગવાને સિધ્ધી પાસે આવી તેનામાથે વહાલથી હાથ ફેરવી તેને શાંત કરી. ગણેશ ભગવાનનો હાથ માથે ફરતાં જ સિધ્ધીના મનની વ્યાધિ સાવ શાંત થઈ ગઈ.

“બેટા, હવે તમારે કોઇ જ પરીક્ષા આપવાની બાકી રહેતી નથી. બધું જ સારું થઈ જશે. તથાસ્તુ..!” હેતભર્યા શબ્દો બોલી ગણેશ ભગવાન અંતર્ધ્યાન થયા..!

સવાર થતાં પક્ષીઓના કલબલાટથી સિધ્ધીની આંખ ખૂલી. સિધ્ધી દોડીને ગણપતિ ભગવાનની મૂર્તિ પાસે પહોંચી. તેને મનમાં મૂંઝવણ હતી કે તેને ગણેશ ભગવાન ખરેખર સાક્ષાત દર્શન આપે છે કે તે કોઇ સ્વપ્ન જુએ છે..! મનમાં અડગ શ્રધ્ધાથી સિધ્ધી અને તેના મમ્મી ગણપતિ ભગવાનની ભક્તિ કરતા રહે છે. ઘરકામ પૂરા કરી સિધ્ધી અને તેના મમ્મી કામ કરવા તેના કાકીના ઘરે જાય છે. ત્યાં સિધ્ધીના કાકા - કાકી બહારગામ ગયા હોવાથી ઘરે હોતા નથી. ઘર બહાર રમતા રમતા સિધ્ધીના કાકાની દીકરી ડોલી લાઇટના વાયર સાથે અડી જતા તેને કરંટ લાગે છે. તેની ચીસ સાંભળી સિધ્ધી અને તેના મમ્મી દોડી આવે છે. સિધ્ધી સમય સૂચકતા વાપરી પાસે પડેલી સૂકી લાકડી લઈ ડોલીના હાથે જોરથી મારતાં તેનો હાથ જીવતા વાયરથી છૂટી જાય છે અને તે જમીન પર પડી જાય છે. સિધ્ધીના મમ્મી તાત્કાલિક ડોલીના પપ્પાને ફોન લગાવે છે અને આ વિશે જાણ કરે છે, પણ તેના મમ્મી પપ્પા બહારગામ ગયા હોવાથી આવતા વાર લાગશે તેવું જાણતા સિધ્ધીના મમ્મી ડોલીને ઉંચકીને રીક્ષામાં બેસાડી તરત જ હોસ્પિટલમાં લઈ જાય છે.

ડૉક્ટર ડોલીની સારવાર શરૂ કરે છે. થોડીવારમાં જ ડોલીના મમ્મી - પપ્પા હોસ્પિટલ આવી પહોંચે છે. તેમને ડૉક્ટર જણાવે છે, “સિધ્ધી અને તેના મમ્મીની સમયસૂચકતાને કારણે જ ડોલીનો જીવ બચી ગયો..!” ડૉક્ટર સિધ્ધીને શાબાશી આપતા પૂછે છે, “બેટા, તને કેવી રીતે ખબર કે કરંટ લાગે ત્યારે સૂકી લાકડીથી તેને વાયરથી દૂર કરાય...?”

“મને આ વિશે મારી નિશાળમાં અમારા શિક્ષિકાબહેને શીખવાડ્યું હતું..!” સિધ્ધીએ સહજતાથી જવાબ આપ્યો.

“ખૂબ સરસ. પણ બેટા તને આમ કરતાં બીક ના લાગી..?” ડૉક્ટરે સિધ્ધીને સવાલ કર્યો.

“ના સાહેબ, મારી સામે મારી બહેનને કરંટ લાગે અને હું એમ જ ચૂપચાપ જોઇ રહુ..? ના, ક્યારેય નહીં. અને મેં બાપ્પાને યાદ કર્યા તો મારામાં હિંમત આવી ગઈ..!” સિધ્ધીએ બે હાથ જોડી બાપ્પાને યાદ કરી વંદન કરતાં જવાબ આપ્યો.

“વેરી ગુડ બેટા, તુ ખરેખર ખૂબ જ બહાદુર છો. વળી આ બહેનની સૂઝબૂઝને કારણે જ તમારી દીકરીનો જીવ બચી ગયો, નહીંતર તેની સ્થિતી ઘણી ક્રિટીકલ થઈ શકી હોત..! જે રીતે તમારી દીકરીને કરંટ લાગ્યો હતો અને તે અત્યારે સાવ સારી થઈ ગઈ તે ખરેખર તો કોઇ મીરેકલ જ છે..!” ડૉક્ટરે સિધ્ધીના મમ્મી વિશે તેના કાકા - કાકીને કહ્યું. સિધ્ધીના કાકા - કાકીની આંખો આંસુથી છલકાઇ. તેમને સિધ્ધી અને તેના મમ્મી સાથે પોતે કરેલ અન્યાયની અનુભૂતિ થઈ અને તેમને મનોમન ખૂબ પસ્તાવો થયો. તેમણે પોતે કરેલા દરેક અન્યાય માટે સિધ્ધીના મમ્મી આગળ માફી માંગી. સિધ્ધી તો આ બધું આશ્ચર્ય સાથે જોઇ જ રહી..! થોડીવારમાં જ ડોલીને સાવ સારૂ થઈ જતા બધા તેને ઘરે લઈ ગયા.

ઘરે જતા જ સિધ્ધીના કાકા - કાકી આંસુ ભરી આંખે સિધ્ધી અને તેના મમ્મી આગળ હાથ જોડી ફરી માફી માંગે છે, “અમને બંનેને માફ કરી દો..!”

“તમે આમ માફી માંગો તે બરાબર ના લાગે..!” સિધ્ધીના મમ્મીએ જરા ખચકાટ સાથે કહ્યું.

“ના, અમારે માફી માંગવી જ જોઇએ અને ભાભી, આજથી તમારા ભાગની સંપત્તિ તમને આપી દઉં છું. મારા મોટા ભાઇના ભાગની બધી મિલકત અને તેમનો બંગલો પણ આજથી તમારો..!” સિધ્ધીના કાકાએ હાથ જોડતા કહ્યું.

સિધ્ધી અને તેના મમ્મી તો આ બધું આશ્ચર્ય સાથે જોઇ જ રહ્યાં. સિધ્ધી અને તેના મમ્મીને તેમના ભાગની મિલકત મળી ગઈ. તેમના દુ:ખના દિવસો પૂરા થયા. સિધ્ધીને જાણ હતી જ કે આ બધું ગણપતિ બાપ્પાને કારણે જ થયું છે. તે રાત્રે સિધ્ધીએ ગણેશ ભગવાનની આરાધના કરતાં માટીની ગણેશજીની મૂર્તિ પ્રકાશિત થઈ અને સાક્ષાત ગણેશ ભગવાન સિધ્ધી સમક્ષ દ્રશ્યમાન થયાં..!

“બાપ્પા, હું જાણું છું કે આ ચમત્કાર તમે જ કર્યો છે..!” ઉત્સાહમાં આવી સિધ્ધીએ ગણેશ ભગવાનને મનની વાત કરી.

“બેટા, સાચો ચમત્કાર વ્યક્તિનું હ્રદયપરિવર્તન છે. ક્યારેય કોઇ વ્યક્તિ ખરાબ હોતો નથી, તેનામાં રહેલા દોષને કારણે તે ખરાબ બને છે. જો તેનામાં રહેલ દોષ દૂર કરી તેની આંખો ખોલવામાં આવે તો તે સારો બની શકે છે..!” ગણેશ ભગવાને સિધ્ધીને સમજાવતા જવાબ આપ્યો.

“બાપ્પા, આજે તમે અમારી બધી જ તકલીફો દૂર કરી નાખી. હું ખરેખર ખૂબ જ ખુશ છું..!” સિધ્ધીએ ચહેરા પર મીઠું સ્મિત લાવી કહ્યું.

“હા સિધ્ધી, પણ હું પણ કંઇક માંગુ તારી પાસે..?” ગણેશ ભગવાને સિધ્ધીને સવાલ કર્યો.

“જરૂર, તમે જે કહેશો તે આપીશ...બોલો.” સિધ્ધીએ ઉત્સુકતાપૂર્વક જવાબ આપ્યો.

“હવે તારી પાસે સંપત્તિ છે તો અન્ય જરૂરિયાતમંદ લોકોને મદદ કરજે. તુ પણ ખૂબ ભણજે અને દરેક ઘરે દીકરીઓને ખૂબ ભણાવે તે માટે સમજાવજે. તારા અને તારા પરિવાર પર જે કાંઇ અન્યાય થયો તે બીજા કોઇ પર ક્યારેય ના થાય તે ધ્યાન રાખજે..!” ગણેશ ભગવાને સિધ્ધી આગળ વાત કરી.

“હા, આ બધું જરૂર ધ્યાન રાખીશ. બાપ્પા, અત્યારે આટલા બધા તમારી આરાધના કરે છે તો તમે દરેકની પ્રાર્થના સાંભળો..? આખા જગતમાં બધાને સુખ ક્યારે મળશે.?” સિધ્ધીએ આદતવશ સવાલ કર્યા.

“હા, સાચા મનથી જે કોઇ ભક્તિ કરે તેની વાત ચોક્કસ સાંભળુ જ છું. પણ મને કેટલીક બાબત પસંદ નથી. આજે જ્યાં જુઓ ત્યાં અસ્વચ્છતા, ગંદકી ફેલાયેલી છે. માણસોએ વિકાસના નામ પર હવા, પાણી, જમીન અને ખોરાક બધું પ્રદૂષિત કરી મૂક્યું છે. આજે મારી ભક્તિના નામ પર પીઓપી મૂર્તિ કરી તેનાથી કેટલું પ્રદૂષણ ફેલાવો છો..? આજે બધા દેખાડાની ધાર્મિકતા બતાવી ધન વૈભવ માટે ગાંડા બન્યા છે તે શું મારાથી છૂપું છે..? આજે લોભ, લાલચમાં કરાતા ખરાબ કામ મને નથી દેખાતા..? આ બધું સૂધરશે તો આપોઆપ દરેકનું જીવન સુખી સંપન્ન થઈ જશે..!” ગણેશ ભગવાને જરા ગુસ્સે થઈ મનની વાત ઠાલવી.

“બાપ્પા, હું તમને ખાતરી આપું છું કે હું આ દરેક બાબતે મારાથી બનતું કરવા પ્રયત્નો કરીશ..!” ગણેશ ભગવાન સાથે વાતો કરતા સિધ્ધી ક્યારે ઊંઘી ગઈ તેનો તેને ખ્યાલ ના રહ્યો.

આમ કરતાં અનંત ચૌદશ આવી ગઈ. ગણપતિ ભગવાનની મૂર્તિનું વિસર્જન કરવાનો દિવસ આવ્યો. સવારથી જ સિધ્ધીએ રડારડ કરી મૂકી. તેના મમ્મીએ તેને ખૂબ સમજાવવા પ્રયત્નો કર્યા, પણ તે પોતાના ગણેશ ભગવાનની મૂર્તિનું વિસર્જન કરવા તૈયાર થતી જ ના હતી. તે તો મૂર્તિને વળગી બેસી જ રહી. અચાનક તેને મૂર્તિમાંથી અવાજ સંભળાયો, “બેટા સિધ્ધી, જેનું સર્જન થાય છે તે સર્વનું વિસર્જન પણ થાય જ આ એક કુદરતી ક્રમ છે, તો તુ જીદ છોડી દે. તારા ઘરનાં માટીના કૂંડામાં મારી મૂર્તિનું વિસર્જન કરી મારી મૂર્તિની ઓગળેલી માટીમાં તારા જ હાથે એક તુલસીનો છોડ રોપી દેજે. મને ખૂબ આનંદ થશે..!”

સિધ્ધી ભારે હૈયે ઘરે બનાવેલી ગણેશ ભગવાનની માટીની મૂર્તિનું વિસર્જન કરવા તૈયાર થાય છે. તેના મમ્મી અને સિધ્ધી ગણેશ ભગવાનની મૂર્તિની આરતી ઉતારી અબીલ ગુલાલની છોળ ઉછાળતા ઘર આસપાસ ફરી નવા ઘરના ફળિયાની વચ્ચોવચ્ચ ચણેલા માટીના મોટા ક્યારામાં પાણી ભરી તેમાં ગણેશ ભગવાનની મૂર્તિનું વિસર્જન કરાય છે. થોડીવારમાં જ માટી ઓગળતા ગણેશ ભગવાનની મૂર્તિ પાણીમાં એકાકાર બની જાય છે. સિધ્ધીના મમ્મી સિધ્ધીને તે ક્યારામાં તેના હાથે તુલસીનો છોડ રોપાવે છે. બંને તુલસીક્યારાની આરતી કરી ક્યારાપાસે ફૂલ અને દીવડો રાખે છે. સિધ્ધીનું મન તો ક્યાંય લાગતું નથી. તેને તો દરેક પળ બાપ્પાની યાદ જ આવ્યા કરે છે..!

તે રાત્રે સિધ્ધી બાપ્પાને યાદ કરી ઘણું રડે છે. જે ટેબલ પર ગઈકાલ સુધી ગણપતિ ભગવાનની મૂર્તિ રાખવામાં આવેલી તે ખાલી ટેબલને જોઇ મનોમન ગણગણતી રહી, “મારા બાપ્પા મને છોડી જતા રહ્યા..!” અચાનક રૂમમાં પ્રકાશ ફેલાય છે. સિધ્ધી સમક્ષ ફરી સાક્ષાત ગણપતિ ભગવાન દ્રષ્ટિગત થયા. સિધ્ધી તેના બેસ્ટ ફ્રેન્ડને જોઇ ખુશ થતી તેમને મળવા દોડી ગઈ..!

“બાપ્પા, તમે આવી ગયા..? તમે તો મારા બેસ્ટ ફ્રેન્ડ બન્યા છો, તો મને એકલી મૂકીને ક્યાંય નહીં જાઓ ને..?” સિધ્ધીએ સ્વભાવગત સવાલોની વર્ષા શરૂ કરી.

“બેટા, શાંત થાઓ. હું ક્યારેય તારાથી દૂર ગયો જ ના હતો..” ગણેશ ભગવાને સમજાવતા કહ્યું.

“પણ મેં તો તમારી મૂર્તિનું વિસર્જન કર્યું..!” સિધ્ધીએ ઉતાવળે પોતાની વાત ઉમેરી.

“આ મૂર્તિ એટલે શું..? તે તો માત્ર મારા પ્રતિકરૂપ છે. હું તો પ્રત્યેક જીવના અંતર આત્મામાં કાયમ વસુ છું. આ સૃષ્ટિના કણકણમાં મારો વાસ છે. આ જમીન પર ચાલી જતી નાનકડી કીડીના ધબકતાં શરીરમાં પણ હું વસ્યો છું, તો પક્ષીઓના કિલ્લોલમાં ગાન સ્વરૂપે જોડાવ છું; વર્ષાની વરસતી ઝડીમાં વૃક્ષની ડોલતી ડાળે ઝૂમુ છું, તો બાળકની નિર્દોષ કિલકારીઓમાં હસુ છું; સાગરના ઉછળતા મોજામાં રમું છું, તો રાતે ટમટમતા તારામાં તેજ બની પ્રસરુ છું; હું તો સમગ્ર જળ, સ્થળ અને હવામાં વ્યાપ્ત છું; હું તો દરેક મનુષ્યના હ્રદયમાં જ છું, પણ બધા મને ક્યાંય ક્યાંય શોધતા ફરે છે..! બેટા સિધ્ધી, હું સદૈવ તારી સાથે જ છું, જ્યારે પણ મારી જરૂર લાગે, તો મને મનથી યાદ કરજે...તુ સદૈવ મને તારા મનમાં પામીશ..!” ગણેશ ભગવાને સિધ્ધીને ગૂઢ રહસ્ય સમજાવતાં કહ્યું.

“બાપ્પા, મને તમારા વિશાળ સ્વરૂપના દર્શન કરાવશો..?” સિધ્ધીએ પોતાની ઇચ્છા વ્યક્ત કરતાં કહ્યું.

“તથાસ્તુ..!” બોલી ગણેશ ભગવાન વિરાટ સ્વરૂપમાં પરિવર્તિત થયા. તેમણે સિધ્ધીને આશીર્વાદ આપ્યા.

“પણ બાપ્પા તમારી બેસ્ટ ફ્રેન્ડને ક્યારેય ના ભૂલતા હોં ને..!” સિધ્ધીએ ગણપતિ ભગવાનને વંદન કરતા કહ્યું.

“હું મારી બેસ્ટ ફ્રેન્ડને ક્યારેય ભૂલુ નહીં, હું સદાય તારી સાથે જ છું..!” બોલતા ગણેશ ભગવાન અંતર્ધ્યાન થયા..! રૂમમાં પ્રસરેલો પ્રકાશ સિધ્ધીના મનમાં પ્રજ્વલિત થઈ રહ્યો..! હવે સિધ્ધી ક્યારેય પોતને એકલી માનતી ના હતી, તેના બેસ્ટ ફ્રેન્ડ ગણપતિ બાપ્પા સદાય તેની સાથે જ હતા..!

***