Ulfat - Love and Friendship books and stories free download online pdf in Gujarati

ઉલ્ફત - પ્રેમ અને મિત્રતા

રાત્રિનો અંધકાર હતો.

દર્શિત આજે એનાં જ વિચારોનાં આંતર-ગુચ્છમાં ફસાઈ ગયો હતો.

શું મારે થઈ શકે તેટલી વહેલી તકે તેની સાથે વાત કરવી જોઈએ? હા, તો જ મને સંતોષ મળશે. ના, પણ એ મને છોડીને જશે તો! 'નો વે, શી કેન નોટ.' તે મને સમજે છે. તે મને પસંદ કરે છે. શા માટે દૂર જાય?

દર્શિતે છેલ્લા દસ દિવસથી કાજલ સાથે વાત કરી ન્હોતી. વાત બંધ થઈ જવાનું કારણ તો બંનેને ખબર જ હતી. બંને એ પણ જાણતા હતાં કે એક-બીજા વિના રહી શકે તેમ નથી. છતાં પણ, રીસાવું કહો કે સ્વાભિમાન કહો, વાત કરવાં ઈચ્છા ભીતર કોતરી ખાતી હતી, પરંતુ હાર ન માનવાનો દંભ કર્યે જતાં હતાં.

દર્શિતની અકળામણ આજે અસહ્ય બની હતી. એ નીચું નમવા તૈયાર હતો.

જ્યારે પણ વ્યક્તિ જીવનનાં તડકામાં ભમી-ભમીને થાકેલો લોથ-પોથ થઇ જાય છે, ત્યારે જ એને જૂનાં અને ભુલાવી દીધેલાં સંબંધોના છાયાની એ ટાઢક પાછી યાદ આવે છે.

રાત્રિના સાડા અગિયાર વાગ્યા હતા. મનમાં વિચારોની રેલમ-છેલથી પોતાનાં રૂમમાં આમ-તેમ દોડા-દોડ કરતો દર્શિત અંતે જીવને જંપ લાવવાં સ્ટડી-ટેબલ સામે ખુરશીમાં બેઠો અને મોબાઈલ લઈ કાજલને મૅસેજ ટાઈપ કર્યો.

'હેલો, હાઉ આર યુ?’

મૅસેજ ટાઈપ કરતાં દર્શિતને છેલ્લા કરેલાં મૅસેજ વંચાયા. દર્શિતે કહેલું - 'આઈ હેઈટ યુ.' અને કાજલનો એ છેલ્લો મૅસેજ હતો - 'આઈ હેઈટ યુ, ટુ.'

એ દિવસે બંનેએ નફરતનો ડોળ જ કરેલો અને પછીનાં દસ દિવસ એ નફરતના ડોળથી પોતે ખુશ છે એવો ઢોંગ પણ એટલી અદબથી ભજવેલો જાણે સર્કસનો જોકર હંમેશા સત્યર્થતા છતી કરતાં દર્પણ સામેય દુઃખને દબાવી સામે ઉભેલી પોતાની જ જાતને હસાવતો હોય.

પાંચ મિનિટ થયાં બાદ મોબાઈલ ટેબલ પર બિપના અવાજ સાથે વાઈબ્રેટ થયો.

'હેલો, દર્શિત, આઈ એમ ફાઈન. તું કહે. '

દર્શિતે તુરંત જ મોબાઈલ લઈ મેસેજ ટાઈપ કર્યો. એની ખુશીએ નફરતને દબાવી એકાએક છળકો માર્યો હતો.

'મી ટુ ફાઈન.'

આ તરફ કાજલ પણ એ જ હાલતમાં હતી. પરંતુ તે સ્વાભિમાનને છોડવાં તૈયાર ન હતી. તેણે મેસેજ કર્યો.

'ઓ.કે.'

દર્શિતને એક પળ તો થયું કે જો કાજલને મારી ન પડી હોય તો હું શા કારણે ફરી એને યાદ કરું છું! પરંતુ બીજી જ ક્ષણે વિચાર આવ્યો કે એ પોતાની જ ભૂલની સજા કાજલ અને તેમના સંબંધને કેમ આપે? એણે ફટા-ફટ મૅસેજ કર્યો

'કાજલ, હું મારી ભૂલ સ્વીકારું છું. મને કોઈ અધિકાર ન હતો તને આમ ભૂલી જવાનો. સોરી.'

મૅસેજ વાંચતા જ કાજલની પાંપણનાં પડ પાછળથી ટપ-ટપ કરતાં આંસુનાં ટીપા મોબાઈલ સ્ક્રીન પર પડ્યાં. તેણે મેસેજ ટાઈપ કર્યો.

'મારે તારી સોરીની જરૂર નથી. પણ તે ફક્ત એક વખત એમ કહ્યું હોત કે તું મને ખૂબ યાદ કરે છે તો પણ હું માની જાત.'

'હા, કાજલ, આઈ મિસ્ યુ, રિઅલી.'

'મિસ્ યુ ટુ, ભોંદુ'

'ડોન્ટ કોલ મી ભોંદુ. અચ્છા, સાંભળ અત્યારે અગિયાર ને પીસ્તાલીસ થઈ છે. બાર વાગે, સબ-વે, પંદર મિનિટ. સી યુ'

'હું તારી પહેલાં પહોંચીશ. બેટ?'

'મારી પાસે તારી સાથે વાત કરવા સમય નથી. મારે કોઈક ને મળવાનું છે.'

અને પછી દર્શિત પોતાનું "આર. એક્સ. 100" લઈને સબ-વે પર પહોંચ્યો.

સબ-વે અંદર જઈને જુવે છે તો કાજલ કોર્નર-ટેબલ પર બેઠી હતી. કાજલ સુધી પહોંચતા તે મોબાઈલમાં સમય જુએ છે.

'શીટ, એક મિનિટ લેઇટ.'

'મેં કહ્યું જ હતું. તું શરત હારી ગયો. બિલ તારે પે કરવાનું.'

દર્શિતને મનમાં સંતોષ હતો. કાજલને ફરીથી મળીને. જાણે તૂટેલું રમકડું બસ એક જ મિનિટમાં ફરી સાજું થઈ ગયું હોય..

બંનેએ હંમેશની જેમ કોલ્ડ-કૉફીનો ઓર્ડર કર્યો. પરંતુ બંનેની વાતોમાં ચુપકીદી ભળી ગઈ હતી.

કાજલે દર્શિતના હાથ પર હાથ મુક્યો. દર્શિતના મનમાં વીસ દિવસ પહેલાં પોતાનાંમાં જે બદલાવ આવ્યો, પોતે મનમાં એક સંબંધથી બીજી તરફ લસરી પડ્યો, એક-એક ક્ષણ જયારે-જ્યારે કાજલને પોતાનાં વર્તનને લીધે ઠેસ પહોંચી હશે તે શરૂઆતથી આજ સબ-વે સુધીની પળે-પળ નજરના પડદા પાછળ પસાર થઈ રહી હતી.

કાજલના હાથનાં સ્પર્શથી તે ફરીથી સ્વસ્થ થયો.

'દર્શિત, આપણી વચ્ચે વાત બંધ થવાનું કારણ બંનેને ખબર જ છે. અને તે દિવસે મેં ગુસ્સામાં તને સમજ્યા વગર જ રીએક્ટ કરી દીધું.'કાજલ ઝૂકીને દર્શિતની નીચી નમેલી આંખોમાં જોવાનો પ્રયત્ન કરતી હતી. 'મને ખબર છે. તેનું તારી જિંદગીમાં કેટલું ઇમ્પોર્ટન્સ છે. એ તારો પ્રેમ છે. તું એનાં માટે બધું જ ભૂલી શકે છે. હંમેશા હું એવો દાવો કરતી હતી કે હું તારી બેસ્ટ-ફ્રેન્ડ છું, હું તને સમજુ છું, હું તારો સાથ ક્યારેય નહીં છોડું. એટલે એનાં આવવાથી તારું બદલાવું નક્કી જ હતું. તું હંમેશથી આવો જ છું. કોઈ બદલાયું હોય તો એ હું જ હતી.'

દર્શિતની આંખમાં ઝળ-ઝળીયા તરી આવ્યાં. એટલે કાજલ ત્યાં જ અટકાઈ.

'ફોરગેટ અબાઉટ ધેટ. હા, મને કહે તારી સ્ટોરી...અમ, વિરાટ અને અનુરાધાની સ્ટોરી. ક્યાં સુધી પહોંચી?'

દર્શિતે ઊંચું જોઈને કહ્યું, 'અંત પર જ છે.'

'સરસ. તારા ડેડ ખુશ થશે.નહીં?'

'હા...અને સાંભળ મેં કાલે જ ડેડની ડાયરીમાંથી એક પંક્તિ વાંચી છે.'

'અરે,તો સભળાવને.'

બંનેનાં ચહેરા પર થોડું હાસ્ય મલકાયું

ડાઘ બતાવતો ચાંદ પૂનમનો પ્રેમનો,

પણ મિત્રતાનો ચંદ્ર સુહામણો બીજનો,

'કાજલ, તેનો પ્રેમ મારા જીવનમાં હંમેશા એક ડાઘ બનીને રહ્યો છે. તેનાં પ્રેમમાં એક જુનૂન છે. અને તારી મિત્રતા મારી જિંદગીની સૌથી ખૂબસૂરત વસ્તુ છે. એટલે જ તો મારા ડેડ એ મિત્રતાને બીજનાં ચંદ્ર સાથે સરખાવી છે. કેમ કે હકીકતમાં પૂનમ કરતા બીજનો ચાંદ વધારે સુંદર હોય છે. તેમાં ડાઘ નથી હોતો.

'કાજલની આંખોમાં ઝાકળ જેવી ભીનાશ થઈ ગઈ. કાજલે દર્શિતનો હાથ પકડતાં કહ્યું, 'થેન્ક યુ, દર્શિત. બસ કર હવે. લેખક આટલા ઈમોશનલ કેમ હોય છે.?'

દર્શિત અને કાજલની મુલાકાત આવી રીતે થઈ હતી.

દર્શિત અને તેનાં માતા-પિતા અમદાવાદના જ રહેવાસી હતાં. દર્શિતના પિતા - રાજગોપાલ ત્રિવેદી, વ્યવસાયે લેખક હતાં અને ધર્મે બ્રાહ્મણ. ત્રિવેદીજીએ સાહિત્ય-ક્ષેત્રમાં આગવું નામ મેળવેલું હતું. દૈનિક સામચાર-પત્રોમાં અને સામયિકોમાં તેમનાં લેખ લોકોમાં સાહિત્ય પ્રત્યે રસ પેદા કરતા હતાં. દર્શિતની માતા- સેજલ ત્રિવેદી, ગૃહિણી હતાં. રસોઈમાં તેમને ખાસ્સો રસ હતો. દર્શિત માટે અવનવી વાનગીઓ બનાવતાં ક્યારેય તેઓ થાકતા નહીં. દંપતિ વચ્ચે પ્રેમ પણ અવિરત રહ્યો હતો. બંનેએ પ્રેમ-લગ્ન જ કરેલાં અને એ પ્રેમરસ હજુ ખલાસ થયો ન હતો.

દર્શિતે સાહિત્ય-રસ તેના પિતા પાસેથી મેળવ્યો હતો. તેનાં પિતાએ ક્યારેય દર્શિતને બળ-પૂર્વક સાહિત્ય શીખવા ન્હોતું કહેલું. દર્શિતને પોતાને જ સાહિત્ય પ્રત્યે આદર જન્મ્યો હતો. દર્શિત માટે તેના પિતા ગુરુ સમાન હતાં.

કોલેજમાં જ્યારે નોન-ટેક્નિકલ ઇવેન્ટનું આયોજન થયું ત્યારે દર્શિતે એ ઇવેન્ટમાં ભાગ લીધેલો. ઇવેન્ટમાં સ્વ-રચિત કવિતાને ગાઈને ભાગ લેનારે સાહિત્ય સામર્થ્યનું પ્રદર્શન કરવાનું હતું. ઇવેન્ટ-હોલ સાહિત્ય રસિકોથી ભરેલો હતો. ભાગ લેનારા વિસેક વ્યક્તિ હતાં. અગિયાર પછી બારમો વારો દર્શિતનો આવ્યો.

દર્શિતને હારનો કોઈ ભય ન હતો, ન હતો જીતવાનો લોભ. અને એ જ એના પિતાનું શિક્ષણ હતું કે સાહિત્યકાર ત્યાં સુધી સફળ ન થઈ શકે જ્યાં સુધી તે સાહિત્યનો ઉપયોગ, જીત, હાર, દેખાવ કે સરખામણી કરવાનાં હેતુથી કરતો હોય. સાહિત્ય-કાર માટે સાહિત્ય પોતાની લાગણી, ખુશીઓ, દુઃખ, દ્વેષ, અને એકાંતની તાકાત બતાવવા માટે જરૂરી છે.

આ જ શિક્ષણને અનુસરતો સાહિત્ય-પ્રેમી દર્શિત સ્ટેજને વંદન કરી ઉપર પહોંચ્યો.

આજે ફરી કોઈ વિચરી ગયું,

સપનાં ને સ્મૃતિનાં પાદરમાં,

લાલચોળ થઈ ઉભરી આવ્યા,

વાગેલાં ઘાઓ પોચા હૃદયમાં,

મળ્યું'તું મને કોઈ મારું,

અધૂરાંસા આ જીવનમાં.

એક કલાકારની આદત હોય છે. તે હંમેશા પોતાનાં શ્રોતાઓની આંખોને વાંચી શકે છે.એમનાં ચહેરા પર છલકાતો રસ જોઈ શકે છે. અને કાજલ એ વખતે પહેલી જ હરોળમાં બેઠેલી હતી.

સમય પાછો વળ્યો,લઈ ગયો યાદોમાં,

જ્યારે હતી ભીનાશ સવાર, સાંજ ને રાતોમાં,

સ્વરોની જામેલી મીઠાશ,ગવાતાં એનાં રાગોમાં,

પતંગિયાની એવી ઝલક, પલકાતા એનાં પાંપણમાં,

મળ્યું'તું મને કોઈ મારું,

અધૂરાંસા આ જીવનમાં.

દર્શિતે જોયું, કાજલ આંખ મીંચીને કવિતા સાંભળતી હતી. એનો અર્થ શું? એ પ્રશ્ન દર્શિતે પોતાને પૂછ્યો પણ ખરો. કારણકે આજ સુધી શ્રોતાગણમાં કોઈ આવું જોયું ન હતું જેણે કવિતા સાંભળતા-સાંભળતા આંખ મીંચી હોય.

પ્રિતની લત લાગી તારા સંગમાં,

રંગી નાખ્યો પુરે-પૂરો પ્રેમ રંગમાં,

ખેંચી લઈ ગયો બંધાવા એની ગાંઠમાં,

જાણી જોઈને પડવાં ભભકતી આગમાં,

મળ્યું'તું મને કોઈ મારું,

અધૂરાંસા આ જીવનમાં.

ન્હોતી ખબર! છોડશે એ સાથ અડધે સફરમાં,

જાશે દૂર દઈને હાથ-તાળી તે પળભરમાં,

તરબોળ કરીને મરવા ઊંડે મધ-સાગરમાં,

સજાવી આંસુઓ મારી નાજુક-નમણી આંખોમાં,

મળ્યું'તું મને કોઈ મારું,

અધૂરાંસા આ જીવનમાં.

દર્શિતનો કવિતા-રાગ શ્રોતાઓના કર્ણ પાસે પ્રેમ-વિરહનો દર્દ પહોંચાડતો હતો અને તેમની પાંપણને ભીંનાશ. દર્શિતને એ લાગણીની અનુભૂતિ થતી હતી જે કડવી લાગણીથી એણે આ કવિતા કોઈ માટે લખી હતી.

અપેક્ષા સાથે અંતર વધ્યા, તિરાડ થઇ સંબંધમાં,

સમજાવે ન સમજ્યા, તૈયાર થયાં એકમેકને છોડવાં,

કેમ કરી ભૂલાય? એને એકમાત્ર જ ક્ષણમાં,

ન ગમ્યું'તું, ન ગમશે એ જ સમું આ જગતમાં,

મળ્યું'તું મને કોઈ મારું,

અધૂરાંસા આ જીવનમા.

મળ્યું'તું મને કોઈ મારું,

અધૂરાંસા આ જીવનમાં.

ઇવેન્ટ-હોલમાં તાળીઓ ગુંજવા લાગી. દર્શિત સ્ટેજ પરથી નીચે ઉતર્યો અને પોતાની સીટ પરથી બેગ લઈને બહાર નીકળી ગયો.

પાછળથી કાજલ પણ બહાર આવી.

'હેય, એક્સકયુઝ મી.'

કાજલ દોડીને દર્શિતની સાથોસાથ ચાલતી થઈ. તેણે એક ખંભે બેગ ટીંગાળેલું હતું. દર્શિત મોબાઈલમાં તેના પિતાનાં આવેલા મિસ્-કોલ્સ ચેક કરતો હતો.

'હાઈ. આઈ એમ કાજલ.'

દર્શિતે મોબાઈલ નીચો કર્યો અને તેની સામે જોયું.

'ઓહ! હાઈ. દર્શિત. દર્શિત ત્રિવેદી.' , પછી દર્શિતને યાદ આવ્યું કે આ એ જ છે જે હોલમાં પ્રથમ હરોળમાં આંખ મીંચીને તેની કવિતા સાંભળતી હતી.

'તારી કવિતા સરસ હતી. હા, એમાં પ્રેમ-વિરહમાંથી પ્રેમ કરતાં વિરહ વધારે હતો પરંતુ એ તો તારી પર્સનલ લાઈફ છે. બટ, ઇટ વોઝ ગુડ'

દર્શિત તેની સાથે વાત કરતાં બેગમાંથી બાઈકની ચાવી શોધવા લાગ્યો.

'હા...હા...હા. તે સાંભળી હતી પણ ખરા! કે સૂતી હતી?'

કાજલ જ્યારે પણ કોઈ લેખકને મળતી ત્યારે એકદમ ખુશ થઈ જતી. એને સાહિત્ય પ્રત્યે અનહદ લગાવ હતો.

'અરે, નહીં. સૂતી ન્હોતી. કવિતાની ખૂબસૂરતી અને કવિની લાગણી બંને કવિતાના શબ્દોમાં છુપાયેલા હોય છે. આંખો બંધ કરવાથી આસપાસની ગતિશીલતા ધીમી પડે છે અને તમે તેને શાંતિથી હ્રદયપૂર્વક માણી શકો છો.'

'ગુડ. મને એમ કે મારી બૉરિંગ કવિતાએ તને સુવામાં મદદ કરી.' ,દર્શિતે પાર્કિંગ તરફ જતાં કહ્યું, 'હું સબ-વે જાઉં છું. કૉફી પીવા. વુડ યુ જોઈન મી?'

કાજલે બે હોઠ બીડીને બે ઘડી વિચાર કર્યો, 'યા, સ્યોર, આમ પણ મારે તને ઘણાં પ્રશ્નો પૂછવા છે. લેટ્સ ગો.'

દર્શિત અને કાજલ બંને 'માસ્ટર ઓફ ટેક્નોલોજી'ની ડીગ્રી અમદાવાદમાં કરી રહ્યાં હતાં. જ્યારે દર્શિતે બેચલરની ડીગ્રી રાજકોટથી મેળવી હતી.

કાજલ મુંબઈની છોકરી હતી. તેનું બાળપણ મુંબઈમાં જ ઉછેરાયું હતું. કાજલના પિતા - કૃપાલસિંહ રાણા મુંબઈના રેલ્વે-સ્ટેશન પર આર. પી. એફ. ( રેલ્વે પ્રોટેકશન ફોર્સ) ના ઓફિસર હતાં. આથી કાજલની બેચલરની ડીગ્રી મુંબઈથી પુરી થઈ હતી.

કાજલની માતા - મિતાલીબા રાણા એમ.બી. એ. ગ્રેજ્યુએટ હતાં. કાજલને એક ભાઈ પણ હતો- ધ્રુવપાલ. જે કાજલ કરતાં ઉંમરમાં ચાર વર્ષ નાનો હતો. મુંબઈના વ્યસ્ત જીવનમાં આ પરિવાર શિસ્ત સાથે જીવતો હતો.

કાજલની માતાને અમદાવાદમાં બેંક મેનેજરની પોસ્ટ મળતાં તે કાજલ અને ધ્રુવપાલ સાથે અમદાવાદ આવીને રહેવાં લાગ્યાં. આ સમયે કાજલની બેચલરની ડીગ્રી પુરી થઈ ગઈ હતી. એક જ મહિનામાં તેનાં પિતાએ પણ અરજી કરી અમદાવાદ રેલ્વે-સ્ટેશન પર ટ્રાન્સફર મેળવી લીધું. અને કાજલે એમ.ટેક્.ની ડીગ્રી અમદાવાદમાં જ શરૂ કરી.

*

કાજલ અને દર્શિત સબ-વેની અંદર ગયાં.

દર્શિતને ચશ્માં હતાં. શરીરનો બાંધો ઠીકઠાક હતો પરંતુ કદમાં નીચો હતો. તેણે જીન્સ પર લીલાં રંગનું પોલોનું ટી-શર્ટ પહેર્યું હતું. કાજલ દેખાવે સામાન્ય હતી. તેણે બ્લેક હાફ-સ્લિવ ટી-શર્ટ અને તેનાં પર ભરત ભરેલી બ્લ્યૂ રંગની ડેનિમ કોટી પહેરી હતી. નીચે લાઈટ બ્લ્યૂ જીન્સ અને સ્લિમ સેન્ડલ. તેણે વાળ છૂટાં રાખ્યાં હતાં.

બંનેએ કોર્નર ટેબલ પર બેસી કોફી ઓર્ડર કરી.

'તને સાહિત્યમાં આટલો રસ છે તો તું પણ થોડું-ઘણું લખતી જ હોઈશ ને?' દર્શિતે પૂછ્યું.

'ના. લખવું મને પસંદ નથી. જો બધાં જ લખતા થઈ જાય તો ઓડિયન્સમાં આંખ બંધ કરીને સાંભળનારું કોઈ રહેશે નહીં ને!' ,કાજલે હસીને કહ્યું.

દર્શિત પણ થોડું હસ્યો, 'હા, એ સાચું'

કાજલે દર્શિતની ટેબલ પર પડેલી ડાયરી ખોલી. 'તો લખવું તારો શોખ છે એમને?'

'નહીં. લખવું મારી પૂજા છે અને સાહિત્ય મારો ધર્મ. એવું મારા ગુરુએ શિખવેલું.'

કાજલ દિગ્મૂઢ બનીને દર્શિત સામે જોઈ રહી.'ગુરુ?'

'હા,ગુરુ. માય ડેડ. રાજગોપાલ ત્રિવેદી.'

'ઓ માય ગોડ! તું...રાજગોપાલ ત્રિવેદી... મને વિશ્વાસ નથી થતો. આઈ એમ બિગ ફેન ઓફ હીમ. હું તેમનાં બધાં જ લેખ અને બધી જ કવિતા વાંચું છું. તે બધાય હંમેશા રિયાલિટી પર આધારિત હોય છે.'

દર્શિતે કહ્યું, 'થેન્ક્સ.'

કાજલે ખુરશી ટેબલ નજીક ખસેડતાં નીચા નમીને દર્શિતને કહ્યું, 'દર્શિત. હવે તું તો મારો ફ્રેન્ડ છે જ. તો પ્લીઝ તું મને રાજગોપાલ ત્રિવેદી, મારો મતલબ તારા ડેડ સાથે મલાવી શકીશ જ?'

દર્શિતે કોફીની એક ઘૂંટ લીધી અને કહ્યું, 'શું? આપણે ફ્રેન્ડ્સ છીએ? હજુ એક કલાક પણ નથી થઈ આપણે મળ્યા એને!'

કાજલે હાથ લાંબો કર્યો, 'લો એમાં શું! હેલો, આ છે કાજલબા રાણા. મહેરબાની કરી મારી ફ્રેન્ડ-રિકવેસ્ટ સ્વીકારવા વિનંતી.'

'હેલો, દર્શિત ત્રિવેદી તમારી ફ્રેન્ડ-રિકવેસ્ટ કનફર્મ કરવાં તૈયાર છે.' દર્શિતે કાજલના હાથ સાથે હાથ મિલાવ્યો.'પરંતુ...પરંતુ આપણી મિત્રતા સામાન્ય જેવી ન હોવી જોઈએ. તે માટે...'

કાજલે હાથ છોડ્યો અને ટેબલ પર પછાડ્યો, 'હું કહું, તે માટે, નંબર એક. આપણી બધી જ વસ્તુઓ બંનેમાં શૅર થશે.'

દર્શિત બોલ્યો, 'નંબર બે. આ મિત્રતામાં હવે કોઈ ત્રીજું નહીં આવી શકે.'

'નંબર ત્રણ. દિવસનું ઉગવું અને રાત્રે સૂવું હંમેશા આપણાં બે વચ્ચે વાત થયાં વગર ન થઈ શકે.'

'નંબર ચાર. આપણી મિત્રતા એકદમ પ્યોર હશે. તેમાં કોઈ દિવસ પ્રેમ ન આવવો જોઈએ.'

'નંબર પાંચ. અને આમાંથી કોઈ શરત તૂટે તો બીજો જે કહે તે સજા મંજુર કરવી પડશે.'

દર્શિતે કાજલને તાલી આપી, 'ડન. આ થઈને સાચી મિત્રતા.'

બંનેની આંખોમાં એક નવી શરૂઆતનો ઉત્સાહ ચમકતો હતો.

દર્શિત અને કાજલ વચ્ચે વાતો ચાલુ રહી. એ દરમ્યાન દર્શિત સબ-વેની ગ્લાસ-વિન્ડોની બહાર સ્થિર બની જોઈ રહ્યો. તેના મનમાં વિચારોની હારમાળા પરોવાયી.

શું આ મિત્રતા આવી જ રહેશે? કારણ કે આજ સુધી એવું જ તો થયું છે. મારા લીધે મિત્રતાના સંબંધો મર્યાદા વટાવી પ્રેમમાં પહોંચી જાય છે. પરંતુ કાજલ બહુ સરળ સ્વભાવની છે. એ ભૂલ તેનાં તરફથી તો ક્યારેય નહીં થાય. અને હું પણ આ મિત્રતાને મારા તરફથી તૂટવા દઈશ નહીં.

કાજલે દર્શિતની આંખ સામે હાથ રાખ્યો. 'એ મિસ્ટર રાઈટર. ક્યાં ખોવાય ગયો? જો તો સહી, મોં તો એવું સિરિયસ કર્યું છે કે જાણે ભૂતકાળનું ભૂત જોઈ લીધું હોય.'

એક પળતો દર્શિત ચકિત થઈ ગયો કે આટલી સરળતાથી કોઈ તેનાં ચહેરાના હાવ-ભાવ કેમ વાંચી શકે! એ પણ તે વ્યક્તિ જેને મળ્યાને હજુ એકાદ કલાક જ થઈ છે.

'કાંઈ નહીં કાજલ. બસ એમ જ.'

'અરે હજુ હમણાં તો વાત થઈ. રુલ નંબર વન. આપણી બધી જ વસ્તુઓ બંને વચ્ચે શૅર થશે.'

'પરંતુ...કાજલ' ,દર્શિતે અચકાતા કહ્યું.

'પરંતુ શું? ના. તારે અત્યારે જ એ વાત મને કહેવી પડશે. તું શું વિચારતો હતો?'

'પ્લીઝ, અન્ડરસ્ટેન્ડ મી. હું તને બધી વાત કહીશ. પરંતુ મને થોડો સમય આપ. પ્લીઝ.' ,દર્શિતે આજીજી કરતાં કહ્યું.

'હા. ઓકે. આઈ અન્ડરસ્ટેન્ડ યુ.'

દર્શિતને કાજલની વાતોમાં પોતાનાં પર વિશ્વાસ જોઈ સંતોષની લાગણી થઈ.

કાજલે મોબાઈલ સ્ક્રીન ઓન કરી.

'દર્શિત, ઇટ્સ સિક્સ થર્ટી. મારે જવું જોઈએ. લેઇટ થશે તો માઁ બોલશે.'

'એઝ યુ લાઈક.',દર્શિતે હળવા સ્મિત સાથે કહ્યું.

કાજલે તેનું બેગ લીધું અને ખુરશી દૂર કરી બહાર જવાં ઉભી થઇ.

'બાય. સી યુ લેટર.'

કાજલ ચાલતી થઈ ત્યાં દર્શિતે પાછળથી બૂમ પાડી. 'રાત્રે વેઇટ કરજે. કૉલ કરીશ. યાદ છે? રુલ નંબર થ્રિ.'

કાજલે પાછળ ફરી ખખડતાં કહ્યું, 'હા, મિસ્ટર રાઈટર. આઈ વિલ વેઇટ. ટાટા.' અને કાજલ હાથની આંગળીઓ હલાવતી બહાર નીકળી ગઈ.

*

દર્શિત રાત્રે જમ્યા પછી પોતાનાં રૂમમાં ગયો. અને રોજની ટેવ પ્રમાણે જર્નલ-ડાયરીમાં આજનાં અનુભવો લખવા બેઠો. સંપૂર્ણ દિવસની સારી-ખરાબ યાદોને પન્નાઓ પર છાપી દેવાની ટેવ પણ તેનાં પિતાએ જ શીખવેલી.

તેઓ દર્શિતને હંમેશા કહેતાં કે વ્યક્તિએ પોતાનાં ભૂતકાળને માન આપવું જોઈએ અને તેને હંમેશા નોંધી રાખવો જોઈએ. ભલેને એમાં ભૂલોનો સંગ્રહ હોય તો પણ આપણે એ યાદ રાખવું જોઈએ કે એ ભૂલોને ભૂલીને આપણે ફરીને ફરી કેટલીય વખત ઊભાં થયાં છીએ. ભૂતકાળને ભૂલી કે ભૂંસી શકાતો નથી. તેને સ્વીકારવો જ પડે છે.

દર્શિતે પછી કોરાં પન્નાનો થપ્પો લીધો અને એમાં લખવા લાગ્યો. ત્યાં તેનો ફોન વાગ્યો. એ કાજલનો કૉલ હતો.

'હાઈ, મિસ્ટર રાઈટર. કોલ કરવાનું ભૂલી ગયો ને!'

દર્શિતે પન્નાઓ પર પેપર-વેઇટ મૂક્યું અને ખુરશી પરથી ઉભો થયો.

'અરે, નહીં. હું હજુ સૂતો નથી. તો રુલ મુજબ શું કામ હું કોલ કરું?'

'અચ્છા, ઓકે. તો શું કરતો હતો?'

'મેં તને સાંજે પ્રોમિસ કરેલીને કે હું મારી વાત થોડા સમય પછી તારી સાથે શૅર કરીશ. એ બહુ લાંબી વાત છે તો મેં વિચાર્યું છે કે હું તને એ લખીને આપી દઉં. બસ, એ જ લખતો હતો.'

કાજલે કહ્યું, 'વાહ, સરસ. હું રાહ જોઈશ.'

'હમ. કાજલ, હું આજે ખુશ છું. તને મળીને.'

'હા , હું પણ, દર્શિત., થોડી ક્ષણ કોઈ બોલ્યું નહીં. 'ઓય, મિસ્ટર રાઈટર, ફરી ક્યાં ખોવાઈ ગયો? લેખક આટલા બધા ઈમોશનલ કેમ હોય છે, યાર?'

'કાંઈ નહીં.' ,દર્શિત ફરી વિચારોમાં અટવાયો હતો. 'બોલ તું શું કરે છે?'

'લિ'સનિંગ સોંગ્સ.' , અને કાજલે ગીત ગાવાનું શરૂ કર્યું, જે તે સાંભળી રહી હતી.

'કહેતે હૈ ખુદાને

ઇસ જહાં મેં સભી કે લિયે

કીસીના કિસિકો હૈ બનાયા

હર કિસીકે લિયે

તેરા મિલના હૈ ઉસ રબકા ઈશારા'

અને દર્શિત અધવચ્ચે બોલ્યો. કાજલ ચૂપ થઈ ગઈ.

'માનો મુજકો બનાયા

તેરે જૈસે હી

કિસીકે લિયે'

દર્શિત બેડ પર સૂતો હતો અને કાજલ બાલ્કનીમાં ઉભી-ઉભી આકાશમાં ખીલેલા બીજનાં ચંદ્રની સામે જોતી હતી. બંનેના ચહેરા પર હલકી મુસ્કાન હતી. અને હવે બંન્ને એક સાથે જ બોલી ઉઠ્યા.

'કુછ તો હૈ તુજસે રાબતા

કુછ તો હૈ તુજસે રાબતા

કૈસે હમ જાને હમે ક્યાં પતા

કુછ તો હૈ તુજસે રાબતા.'

અને પછી દર્શિત હસતો રહ્યો પરંતુ કાજલે ગાવાનું ચાલું રાખ્યું.

'તું હમ-સફર હૈ

ફિર ક્યાં ફિકર હૈ

જીને કી વજહ યહી હૈ

મરના ઈસી કે લિયે'

ફરીથી બંને એક્સાથે લાગ્યાં

'કહેતે હૈ ખુદાને

ઇસ જહાં મેં સભીકે લિયે

કીસીના કિસિકો હૈ બનાયા

હર કિસીકે લિયે...'

દર્શિત હસતાં હસતાં બોલ્યો, 'ફરીથી ઈમોશનલ કરી દઈશ તું મને!'

'કેમ સોંગ્સ તને ઈમોશનલ કરી દે છે? આઈ લવ ટુ લિ'સન સોંગ્સ. તેનું મ્યુઝિક અને શબ્દો હંમેશા આપણી ફીલિંગ્સ માટે પરફેક્ટ મૅચ થતાં હોય છે, નહિ?'

'હા, મને પણ મ્યુઝિક ગમે છે.'

'ઓકે. દર્શિત. બાય. મારો સુવાનો સમય થઇ ગયો છે. ગુડ નાઈટ.'

દર્શિતને હજુ વધારે વાત કરવી હતી. પરંતુ બીજી જ ક્ષણે તેને વિચાર આવ્યો કે પોતે ફરીથી મિત્રતાને પાર કરી કાજલના...ના.ના. એવું નથી. અને દર્શિતે પોતાનાં વિચારોને પાછા વાળી કહ્યું, 'બાય. ગુડ નાઈટ.'

'તું છેલ્લા કેટલાક દિવસથી સાંજે કૉલ અટેન્ડ નથી કરતો અને ઘરે આવવામાં પણ મોડું કરે છે. તારી માની ફરિયાદ આવી છે.' ,દર્શિતના પિતાએ દર્શિત સામે આશ્ચર્ય ભરી નજરે જોઈ કહ્યું.

દર્શિત અને તેના માતા-પિતા ડાઇનિંગ ટેબલ પર બેઠાં હતાં અને સવારનો નાસ્તો કરી રહ્યા હતા.

'ના. ડેડ. બસ એમ જ. કોલેજથી નીકળવામાં મોડું થઈ જાય છે.' ,દર્શિત ઉપર જોઈ થોડું હસ્યો.(બનાવટી!)

દર્શિતની મા વચ્ચે બોલી, 'તો તારા પેન્ટનાં પોકેટમાંથી દરરોજ સબ-વેનું બિલ કેમ નીકળે છે? એ પણ બે કોફીનું!'

દર્શિતના માતા-પિતા એકબીજા સામે જોઇને હસ્યાં. દર્શિત કોળિયો લેતાં અટકયો.

'તમે બંને સાચું જાણ્યા વગર રહેશો નહિ ને?' ,દર્શિત પણ તેમને જોઈને હસ્યો.

'હા, છે એક છોકરી.'

દર્શિતના પિતા વચ્ચે બોલ્યા, 'છોકરી?' ,અને સેજલ, દર્શિતની મા, સામે ત્રાંસી નજર કરી હસ્યાં.

દર્શિતના માતા-પિતા પહેલીથી જ દર્શિત સાથે મિત્રની જેમ રહેતા. આથી ઘરમાં એક મસ્તીભર્યું વાતાવરણ રહેતું. અને આ જ એક ઉમદા પરવરીશની નિશાની છે. સંતાનને ગાલ પર પડતી લાલ છાપ કરતા ખભા પરનો હાથ વધારે ગમે છે, આંખોમાં ગુસ્સાનો ઉકળાટ કરતા એમાં દેખાતી સહાનુભૂતિનો ચળકાટ વધારે અનુકૂળ રહે છે.

'અરે, એવું કાંઈ નથી. એનું નામ કાજલ છે અને અમારી વચ્ચે ફક્ત મિત્રતા છે. વી વૉન્ટ ટુ બી ટ્રુ ફ્રેન્ડ્સ નોટ ટ્રુ લવર્સ. આ પ્રોમિસ અમે ક્યારેય તોડશું નહીં.'

દર્શિતના પિતાએ તેનાં ખભા પર હાથ રાખ્યો. 'મને તારા પર ગર્વ છે. મિત્ર પડછાયા જેવો હોય છે. અંધકારને તમારી પહેલાં સહન કરી પોતાનું અસ્તિત્વ ભૂંસી નાખે છે પરંતુ સાથ નથી છોડતો, નહિ?'

'યા, ડેડ.'

દર્શિતની માતાએ વચ્ચે કહ્યું, 'અને હા દર્શિત આજે તારે વહેલું આવવું જ પડશે. તારા ડેડની ડૉકટર પાસે અપોઇમેન્ટ છે અને તારે સાથે જવાનું છે.'

'હા, ઓકે. આઈ વિલ ટ્રાય. અને હવે હું જાઉં છું. બાય મોમ, બાય ડેડ.'

દર્શિત બેગ લઈ કૉલેજ જવાં પોતાનું "આર.એક્સ.100" લીધું અને કોલેજ તરફ નીકળી ગયો.

દર્શિતે બાઇક પાર્કિંગમાં રાખ્યું અને ક્લાસ-રૂમ તરફ બેગ લઈને દોડ્યો.

'ફિરસે લેઇટ, ત્રિવેદી?' ,દર્શિતને ક્લાસ-રૂમનાં બારણે જોઈ પ્રોફેસર બેનર્જીએ કહ્યું.

'સોરી, સર, ટ્રાફીક.' ,દર્શિત ભૂલ થઈ હોય એવું મોં બનાવીને ઉભો હતો. પરંતુ તેની નજર કાજલને શોધતી હતી.

કાજલે છેલ્લી બેન્ચથી હાથ ઊંચો કર્યો. કાજલની બાજુમાં પ્રિન્સી બેઠી હતી.

દર્શિત છેલ્લી હરોળ સુધી પહોંચ્યો અને કાજલની બાજુની બેન્ચમાં બેઠેલા દક્ષને કહ્યું, 'મે આઈ સીટ હિઅર?

અને દક્ષે પોતાનું બેગ નીચે મૂકી દર્શિતને બેસવા જગ્યા કરી આપી.

દર્શિત છેલ્લી બેન્ચ પર બેસી થોડું અસ્વસ્થ અનુભવી રહ્યો હતો. તે હંમેશા આગળની બેન્ચ પર જ બેસતો. તેણે બેગમાંથી ચોપડો કાઢ્યો અને છેલ્લા પેઈજ પર લખ્યું - 'કેમ તું છેલ્લી બેન્ચ પર બેસે છે? અને એ પણ આ પકાઉ પ્રિન્સી અને દક્ષની વચ્ચે! યાર, અહીંથી તો કોન્સનટ્રેટ પણ નથી થઈ શકતું.'

દર્શિતે ચોપડો દક્ષને પાસ કરવાં કહ્યું. દક્ષે ચોપડો કાજલને આપ્યો.

કાજલે આશ્ચર્યથી દર્શિત સામે જોયું એટલે દર્શિતે ધીમેથી કહ્યું, 'છેલ્લે...છેલ્લે' ,દક્ષ પણ ધીમેથી બબડયો, 'લાસ્ટ પેઈજ.' અને પ્રોફેસર બેનર્જી બોર્ડ પર લખતાં અટક્યા અને પાછળ ફર્યા.

દર્શિત, કાજલ, પ્રિન્સી, દક્ષ બૂકમાં જોઈ વાંચવાનો ઢોંગ કરવાં લાગ્યાં. જેવાં બેનર્જી લખવામાં મશગૂલ થયાં, કાજલે છેલ્લા પેઈજ પર લખ્યું - 'ફર્સ્ટ બેન્ચ માર્કસ આપે છે અને લાસ્ટ બેન્ચ મેમોરિસ. અને હું પ્રિન્સી પાસે એટલે બેસું છું કેમ કે એનું અને દક્ષનું સેટિંગ કરવાનું છે.' અને ફરીથી ચોપડો દક્ષ પાસેથી દર્શિતને પહોંચ્યો.

દર્શિત વાંચીને હસ્યો અને એ પણ ધ્યાન રાખ્યું કે દક્ષ વાંચી ન જાય. અને પછી તેણે લખ્યું - 'પ્રિન્સિનું...આ બેવકૂફ સાથે?..આર યુ સીરીયસ? હે...હે...હે...તો મારું પણ સેટિંગ કરાવી દે ને. અમ...સુહાના સાથે અથવા ગીત સાથે!'

અને દક્ષે ચોપડો કાજલને આપ્યો. કાજલે જવાબ લખ્યો અને દક્ષને પાછો આપતી હતી ત્યાં ચોપડો નીચે પડ્યો. અને અવાજથી પ્રોફેસર બેનર્જીએ દક્ષને ઉભો કર્યો, 'વૉટ ઇઝ હેપ્પનિંગ મિસ્ટર?'

પહેલાં જ કહ્યું કે દક્ષ હતો જ બેવકૂફ, 'સર, યહ મેરી ગલતી નહીં હૈ. ધે વેર કાજલ એન્ડ દર્શિત.'

અને પ્રોફેસરે અમારી બે સામે જોયું, 'યુ ટુ કાજલ એન્ડ દર્શિત સ્ટેન્ડ અપ. ક્યા બાત થી બતાઓ?'

દર્શિત અને કાજલ ઉભા થયાં. કાજલે કહ્યું, 'હી હેડ ક્વેસ્ચન, સર.'

પ્રોફેસરે પૂછ્યું, 'ઓર કયા થા વો ક્વેસ્ચન?'

કાજલ પહેલાં થોડું હસી અને પછી કહ્યું, 'અબાઉટ સેટિંગ!' અને દર્શિત તરત વચ્ચે બોલ્યો. ' સર, અબાઉટ માય લેપટોપ સેટિંગ. ફોર પ્રેઝન્ટેશન.તો મેં બસ..'

પ્રોફેસર બેનર્જી અમારી તરફ આંગળી કરતાં બોલ્યાં, 'ગેટ આઉટ. બોથ ઓફ યુ.'

દર્શિત અને કાજલ બેગ લઈ ક્લાસ-રૂમની બહાર નીકળી ગયાં.

'તો આપણે ક્યાં જઈશું?' ,કાજલે ખખડતાં હસતા અવાજે કહ્યું.

'તું બહુ ખુશ થઈ છે! નહીં? ક્લાસ-રૂમની બહાર આવીને. પાગલ.' ,દર્શિતે ક્લાસ-રૂમથી બહાર આવવાની નારાજગી સાથે કહ્યું.

'સુઉઉઉસસસ' ,કાજલે પોતાનાં હોઠ પર આંગળી રાખતાં કહ્યું, 'ઈમોશનલ રાઈટર. જસ્ટ એન્જોય ધી મૉમેન્ટ, યાર. આપણે જઈશું ...અડાલજ-વાવ. આમ પણ તારે જ મને અમદાવાદ દેખાડવાનું છે. મુંબઈથી આવીને મેં કશું જોયું જ નથી.'

'ઓકે. લેટ્સ ગો, મેડમ.'

*

દર્શિત ફૂલ સ્લિવ વાઈટ કલર જોકર થિમ ટી-શર્ટ, બ્લેક આર્મી જોગર પેન્ટ અને લાઈટ બ્લ્યૂ જિન્સ લોફર પહેરીને તેનું બ્લેક આર.એક્સ. 100 ચલાવતો હતો અને તેની પાછળ કાજલ પિન્ક કેપ્રી, વાઈટ સ્ટ્રગ અને પેન્સિલ હિલ્સ પહેરીને દર્શિતના બંને ખભે હાથ રાખીને બેઠી હતી.એમાં બંન્નેને તેમની મિત્રતા બધા સામે સાબિત કરવાનો ના તો કોઈ દંભ હતો કે ના હતો એને છુપી રાખવાનો કોઈ ડર.

પહોંચ્યા પછી બાઇક બહાર મૂકી બંને અંદર ગયાં. આસપાસ ઘાસથી છવાયેલી એકદમ ખુલ્લી જગ્યા અને એની એક તરફ વાવ માટે નીચે જવાનો રસ્તો હતો.

કાજલે દર્શિતને પૂછ્યું, 'તો આ પ્લેસની કહાની શું છે?'

'આ હિન્દુ સંસ્કૃતિની કૃતિ રૂડાબાઈ, રાણી રૂપબાની વાવ કહેવાય છે. કારણ કે મહોમ્મદ બેગડા એ રૂડાબાઈ માટે આ વાવનું સર્જન કરાવ્યું હતું.'

'હિન્દુ સઁસ્કૃતિ?' ,કાજલે પૂછ્યું, 'મહોમ્મદ બેગડા! એક મુસ્લિમ કેમ હિન્દુ સઁસ્કૃતિને અપનાવે?'

'તેની માટે એક પ્રેમ કહાની છે.'

કાજલ અને દર્શિતે વાવની ઉપરથી ડોકિયું કર્યું. ઉપરથી જોતાં વાવ અષ્ટકોણ આકારમાં રેતીના પથ્થરો ગોઠવીને બનાવેલી દેખાતી હતી. આ દ્રશ્ય એકમાત્ર વખત જોવાથી વાવની ખૂબસૂરતી મનમાં એનાં ઉમદા સર્જનની છાપ પાડી જાય છે.

કાજલે ઉપરથી બૂમ પાડી, 'વુઉઉઉ....વુઉઉઉ...'

દર્શિતે વાત કહેવાની ચાલુ રાખી, 'ઈન ફેક્ટ, શરૂઆતમાં વાઘેલા રાજવંશના પ્રિન્સ, જે પછી રાજા બન્યો, વીર સિંઘે બંધાવાની શરૂ કરી હતી. રાણી રૂપબા તેનાં પત્ની હતાં. મહોમ્મદ બેગડા એ ચઢાઈ કરી અને યુદ્ધમાં વીર સિંઘ માર્યો ગયો.'

કાજલે દર્શિતને હાથ પકડીને નીચે જવાં પગથિયાં તરફ ખેંચી ગઇ.

'ઓ, ઈમોશનલ રાઈટર, કેટલાં ભારે અને દુઃખી દુઃખી વર્ડ્સ યુઝ કરે છે. થોડું રોમેન્ટિક બનાવને.'

કાજલ ખુશ હતી. અડાલજની વાવ જોઈને કે દર્શિતની સાથે હોવાથી કે આ પ્રેમ કહાની સાંભળવાથી એ તો કાજલને જ ખબર હતી.

'બેગડાને રૂપબાનું રૂપ જોઈ ક્રશ થઈ ગયો અને તેણે મૅરેજ માટે રૂપબાને પ્રપોઝ કર્યું. પરંતુ રૂપબાએ કન્ડીશન રાખી કે તે લગ્ન માટે તૈયાર છે જો મહોમ્મદ વીર સિંઘની વાવની અધુરી ઈચ્છા પૂર્ણ કરે. તો મહોમ્મદ બેગડાએ વાવનું કામ-કાજ અટકાવ્યું નહીં. અને થોડાં સમયમાં વાવ તૈયાર થઈ ગઈ.'

કાજલે હજુ દર્શિતનો હાથ પકડેલો. બંને બીજો માળ નીચે ઉતરતાં હતાં. અને પગથિયાં ઉતરતાં કાજલ લપસી. 'આઉઉચ્ચ..'દર્શિત તેને જોઈને હસ્યો. અને હાથ છોડાવી આગળ ચાલતો થયો.

' ઓય, હાઉ રિડીક્યુલસ! હું તને જોઈ લઈશ.' ,અને કાજલ ઉભી થઇ. હાથ, કોણી અને કપડાં પર ચોંટેલી માટી ખંખેરતી તે દર્શિત પાસે પહોંચી.

'જે થયું તે સારું થયું' , દર્શિતે હસતાં કહ્યું. અને કાજલે દર્શિના ખભા પર હાથ માર્યો. 'આઉઉ...હા..હું શું કહેતો હતો કે વાવ તૈયાર થઈ એટલે શરત પાળવાનો સમય આવ્યો. પરંતુ રૂપબા હજુ ડીપલી વીર સિંઘના પ્રેમમાં હતાં. ધે વેર સોલ-મેટ્સ. એટલે એક દિવસ રૂપબા વાવની પ્રદક્ષિણા કરી , કૂદી પડ્યા અને પોતાના પ્રેમ પાસે પહોંચી ગયાં.'

'ઓ..હો..રોમિયો-જ્યુલીએટ. તો આટલી ખૂબસૂરત વાવ બસ કૂદીને મરવા જ બનાવી હતી!' , કાજલે કહ્યું, 'અને પછી મહોમ્મદનું શું થયું?'

'મહોમ્મદ દુઃખી પણ હતો અને ખુશ પણ હતો. કેમ કે વાવ એટલી સુંદર કલાકૃતિ અને કોતરણીનો નમૂનો બની કે તેણે બનાવનાર કારીગરોને મરાવી નાખ્યા. જેથી આવી જ કૃતિ ફરીવાર ન બની શકે અને એમની કબર આ વાવથી થોડે જ દૂર છે.'

' હાઉ સેડ!' ,અને કાજલ પાસેની દિવાલમાં કોતરેલી બુદ્ધ-પ્રતિમાઓ અને કલ્પ-વૃક્ષની કોતરણી જોવાં લાગી.

'દર્શિત, લૂક, ઇટ્સ અમેઝિંગ.'

દર્શિત કાજલ પાસે જતો હતો ત્યારે તેના મોબાઈલ પર કૉલ આવ્યો. દર્શિત વાત કરવાં દૂર ગયો. અને તરતજ પાછો આવ્યો.

'મારે ઘરે જવું જોઈશે. અત્યારે જ.' ,દર્શિતે કહ્યું. એનાં ચહેરા પરની ચિંતા-રેખાઓ કાજલ સ્પષ્ટ જોઈ શકતી હતી.

'શું વાત છે, દર્શિત?'

'કાજલ, તું પ્લીઝ ઓટો કરી લે આઈ હેવ ટુ ગો.' ,દર્શિતે વાવનાં પગથિયાં ચઢતાં કહ્યું.

કાજલે દર્શિતને બૂમ પાડી, 'ઉભો રહે. તે આપણી ફ્રેન્ડશીપને હજુ સિરિયસલી લીધી જ નથી. તું મને વાત કહ્યાં વગર નહીં જઈ શકે.'

'ઓહ,ગોડ! લિસન, મોમનો કૉલ હતો કે ડેડની તબિયત બરોબર નથી. મોમ ડેડને લઈને હોસ્પિટલ પહોંચી ગયાં છે. મારે જલ્દીથી જ પહોંચવું પડશે.'

'હું પણ આવીશ એન્ડ ધેટ્સ ફાઇનલ.'

'ઓકે. કમોન.'

*

દર્શિત હોસ્પિટલના આઈ. સી. યુ. રૂમની બહાર બાંકડે બેઠો હતો. દર્શિતનો હાથ તેની માતાના હાથમાં હતો અને માથું ખભા પર ઢળેલું હતું. તેની માની આંખોમાંથી સરતું એક-એક ટીપું એ હાથ પર પડતું હતું પરંતુ દર્શિત પોતાની પાંપણ આગળ પાળ બાંધીને બેઠો હતો.

કાજલ હાથમાં પાણી ભરેલી બોટલ લઈ હોસ્પિટલની લોબીમાં થઈને આવી અને દર્શિતની બાજુમાં બેઠી.

'આંટી, પાણી પ્લીઝ, બધું બરોબર થઈ જશે.' ,કાજલે બોટલનું ઢાંકણું ખોલી બોટલ દર્શિતની મા તરફ આગળ ધરી.

તેમણે બોટલ લઇ પહેલાં દર્શિતના મોઢે રાખી. દર્શિતે એમાંથી એક ઘૂંટ પાણી પીધું. એને ખબર હતી કે તેનાં પહેલાં તેની મા પાણી પીશે નહીં.

એટલામાં ડૉક્ટર આઈ. સી. યુ. રૂમથી બહાર આવ્યા અને તેમણે દર્શિતને પોતાની સાથે આવવાં ઈશારો કર્યો.

દર્શિત ડૉક્ટરની સાથે તેમની ઑફિસમાં ગયો.

'જે થવાને હજુ સમય હતો એ બધું ઝડપથી થઈ ગયું છે. અને આ પરિસ્થિતિમાં તમારું બિહેવીએર તમારી ફેમિલી પર ઇફેક્ટ કરશે. કેમ કે હવે જવાબદારી તમારા ખભે છે.' ,ડૉક્ટરે દર્શિતને કહ્યું.

દર્શિત થોડી પળતો સિથીલ મને બેઠો રહ્યો. ડૉક્ટર શું કહે છે એ તેને સમજાયું નહીં.

'શું કહો છો, ડૉક્ટર? સમજાયું નહીં.'

'તમે હિંમતવાન છો એટલે હવે સીધી જ વાત કહું છું. તમારા પિતાને સ્ટમક કૅન્સર છે.'

જાણે કોઈએ મીણબત્તીની જ્યોત પર એકાએક ફૂંક મારી હોય તેમ દર્શિતના આંખ આગળ અંધારું ફેલાઈ ગયું અને મીણની જેમ પીગળીને આંસુ બહાર ખેંચાઈ આવ્યા.

'શરૂઆત છે! મતલબ?'

'અસર શરૂ થઈ ગઈ છે. પરંતુ દવા અને સેવાથી એમની લાઇફ થોડી વધારી શકાય. એકાદ વર્ષ માટે. રાજગોપાલજીને હોસ્પિટલમાં જ રહેવું પડશે. અમે અમારાથી બનતી બધી કોશિશ કરીશું.' ,ડોક્ટરે કહ્યું.

'થેન્ક યુ, ડૉક્ટર.' ,એટલું જ કહીને દર્શિત ઓફિસમાંથી બહાર નીકળી ગયો.

તેણે કાજલ અને માને બાંકડા પર બેઠેલા જોયા. તેની માતાના ચહેરાને જોતો રહ્યો.

શું કહીશ હું એમને? અને કેવી રીતે કહીશ? હું અત્યારે કહીશ તો એમની શું હાલત થશે? શું એ પહેલાં જેમ જ નોર્મલ રહી શકશે? ના. હું કેમ કહી શકું?'

દર્શિત એની મા પાસે ન ગયો અને દોડીને હોસ્પિટલ બહાર નીકળી ગયો. હોસ્પિટલના દાદરા પર એ શૂન્ય મને સ્થિર બેઠો રહ્યો. એની પાંપણ હવે ભીંજાયેલી હતી. લાલ થયેલી, સુજેલી આંખોમાંથી એકધારે આસુંડા સરતા હતા.

દર્શિત એની નાની- નાજુક હથેળીના જોરે ગોઠણના સહારે ધીમે ધીમે ઘરનો દાદર ચઢતો હતો. પાંચેક પગથિયાં એ ભખોડિયા ભરતાં ભરતાં ચઢી ગયો. છઠ્ઠે પગથિયે ચઢવા એ ઉભો થયો અને લસરીને દડ-દડ કરતો નીચે આવ્યો.

'દર્શિત, શું કરે છે? બેટા. વાગી ગયું ને તને!' ,કહેતાં તેનાં પિતા દોડા-દોડ છાપું ખુરશીમાં ફેંકી તેની પાસે આવ્યા અને દર્શિતને બે હાથથી ઉભો કર્યો.

તેમણે જોયું કે દર્શિતના માથે ટોચો વાગ્યો છે અને સહેજ લોહી પણ નીકળી ગયું છે. પરંતુ એમણે એનાં પર દર્શિતનું ધ્યાન ન ખેંચ્યું અને દર્શિતને દાદરો ચઢવા આંગળી આપી. દર્શિત હજુ રડયે જતો હતો.

'યસ, ધેટ્સ માય બોય.' ,દર્શિત ફરીથી પગથિયાં ચઢવા લાગ્યો.

દર્શિત એ જ વિચારમાં ડૂબ્યો રહ્યો કે કેટલી સહજ રીતે એનાં પિતાએ એને શિખવેલું છે કે પડવાથી વાગેલી ચોટ પર ધ્યાન ન આપવું પરંતુ ફરીથી ઉભા થઇ રહેલી ખોટને પૂરી કરવી.

દર્શિતના ખભે હાથ પડ્યો અને એ ફરી સ્વસ્થ થયો. કાજલ તેની બાજુમાં બેઠી.

'તમારા પ્રેમનો શ્વાસ રૂંધાઇ રહ્યો છે. તમારા જીવનના ધબકારા લગભગ થોડા જ સમયમાં બંધ થઈ જશે. આ વાત હું મોમને કેમ કહીશ?' ,દર્શિતે ગળગળા થઈને કહ્યું.

'કેમ આવું કહે છે? રિપોર્ટ્સ શું આવ્યાં? ઇઝ એવરીથીંગ ઓકે?' ,કાજલે દર્શિતની એ ભીની આંખોમાં જોયું.

'એવરીથીંગ ઇઝ ગોના એન્ડ. મારી લાઈફ...મોમની લાઈફ...' ,દર્શિત ડૂસકાં ભરતાં બોલતો હતો, 'બધું જ ખતમ થઈ જશે.'

'બટ રિપોર્ટ્સ?'

'ડેડ હેઝ સ્ટમક કૅન્સર. મોમને આ વાતની ખબર પડશે તો શું થશે? હું મોમને કહીશ જ નહીં.'

દર્શિતની પાપણમાંથી ટપકતાં એ એક-એક ટીપા સાથે જૂનાં સ્મરણો બહાર સરી આવતાં હતાં. દર્શિતે સાચવીને રાખેલી અમુક યાદોમાં એક યાદ ત્યારની હતી જયારે તે નવ વર્ષનો હતો.

રવિવાર હોવાથી દર્શિતના પિતા તેમને ગાર્ડનમાં લઈ ગયાં હતાં. ગાર્ડનમાં આંબાનાં વૃક્ષની નીચે રેડિયો પર એફ.એમ. મીર્ચિ 98.3 વાગતું હતું. અને ત્રણેય ત્યાંથી આગળ આંધળો પાટો રમતાં હતાં.

તેનાં પિતા પર દાવ હતો. આથી એમણે બાંધણીનો દુપટ્ટો આંખ આગળ બાંધ્યો હતો. બેમાંથી કોઈ તેમનાં હાથમાં આવતું ન્હોતું.

માત્ર રેડિયોનો અવાજ, હવામાં રહેલી સાંજની ભીનાશ, આંબાના પાંદનો ખડખડ અવાજ અને એમાં બેઠેલી કોયલની કૂંક તેમનાં કાન સુધી પહોંચતી હતી. રેડિયો પર ગીત વાગતું હતું - તુમ ભી હો, મૈ ભી હું, પાસ આઓ તો કહેદુ...

એટલે તેના પિતાએ બે હાથ પહોળા કરી, ગીત ગાતાં ગાતાં શાહરુખની એક્શન કરી. દર્શિત દોડીને તેની મા પાછળ ગયો અને એમને ધક્કો માર્યો.

એ સીધા દર્શિતના પિતા સાથે ભટકાયા અને રાજગોપાલજીએ એમને ભીંસથી પકડી લીધા. પરંતુ આંખેથી પાટો ન ખોલ્યો અને સેજલની આંખ પર, નાક પર, હોઠ પર હળવેથી હાથ ફેરવવા લાગ્યા.( બદન કી ખુશ્બુ, જગાને લગી જાદુ, તો હોકે બેકાબૂ, દિલ ખો ગયા..)

અને દર્શિત દૂર ઉભો ખડખડાટ હસતો રહ્યો અને તેની માતાને તેના પિતાએ ઊંચકી એ જોતો રહ્યો.

કાજલે દર્શિતના બંને હાથ પોતાની પાસે લીધા, 'પરંતુ દર્શિત ક્યાં સુધી તું આ વાત એમનાથી છુપાવી રાખીશ? અને એમને કોઈ બીજી રીતે ખબર પડશે તો?'

'હું કહીશ. પણ અત્યારે નહીં. આઈ નીડ સમ ટાઈમ.'

'ઓકે. એઝ યુ લાઈક.' ,કાજલે કહ્યું, 'અને હવે રાત થઈ ગઈ છે. તું અંકલ પાસે રહે, હું આન્ટીને લઈને ઘરે જાઉં છું.'

'હા, બરાબર છે, કાજલ.'

કાજલ અને દર્શિત હોસ્પિટલની અંદર ગયાં. કાજલ દર્શિતની માં સાથે તેમના ઘરે ગઈ અને દર્શિત તેનાં પિતાની પડખે સવાર સુધી બેઠો રહ્યો.

*

કાજલ દર્શિતના ઘરે આવી હતી અને બંને અગાસી પર પાળીએ બેઠાં હતાં.

'શું કરવું શું નહિ? મને કંઇજ ખબર પડતી નથી. અને આ બધું મારી સાથે જ કેમ?' ,દર્શિતે કહ્યું.

'દર્શિત, પ્રોબ્લેમથી ફ્રસ્ટ્રેટ થઈને શું થશે? ગો ફોર સોલ્યુશન.'

'રાઈટ. પહેલાં તો મારે કોઈ પાર્ટ ટાઈમ જોબ શોધવી પડશે.'

'પાર્ટ ટાઈમ જોબ! મળવી મુશ્કેલ છે. હા, મારી એક ફ્રેન્ડ કૉલેજ સાથે જોબ પણ કરે છે. હું તેને વાત કરી જોઈશ.'

દર્શિત નીચું જોઈ રહ્યો. 'થેન્ક યુ. બટ હજુ એક પ્રોબ્લેમ છે. ડેડનું હંમેશાથી સપનું રહ્યું છે કે હું સાહિત્યમાં પોતાની જાતે નામ બનાવું, નહીં કે એમનાં નામનો ફાયદો લઈ. એમણે મને એક નવલકથા લખવા કહેલું. પરંતુ મેં હજુ સુધી લખવાની શરૂઆત પણ કરી નથી.' ,દર્શિતે નિરાશાથી કહ્યું.

'હજુ સમય પૂરો નથી થયો. તું શરૂઆત કરી શકે છે.'

'સાચી વાત છે. હું આજ રાત્રે લખવાની શરૂઆત કરીશ. અને મારે તને મારી સ્ટોરી પણ લખીને આપવાની છે. '

'હા, આઈ રિમેમ્બર ઇટ.' ,કાજલ પાળી પરથી નીચે ઉતરી. 'મારે હવે જવું જોઈએ.'

દર્શિત પણ પાળી પરથી કૂદકો મારી નીચે ઉતર્યો, 'સ્ટોપ. હું તને ડ્રોપ કરવાં આવું છું. નહીં તો મોમ મને બોલશે કે તું એક ફ્રેન્ડનું ધ્યાન પણ નથી રાખી શકતો.'

*

દર્શિત આર. એક્સ. 100 લઈ કાજલને તેનાં ઘરે ડ્રોપ કરવાં ગયો.

'તો શું હું અંદર આવું?' ,દર્શિત અને કાજલ ઘરની બહાર ઉભા હતાં.

'ના, આજે નહીં. મેં હજુ આપણી ફ્રેન્ડશીપ વિશે મોમ- ડેડને કહ્યું નથી. સોરી. દર્શિત. બટ કોઈને કોઈ કારણસર હું કહેવાનું ભૂલતી રહી. હું ડાયરેક્ટલી એમને તારી સાથે મળાવીશ તો એમને નહીં ગમે. પ્લીઝ, અન્ડરસ્ટેન્ડ.' ,કાજલે આજીજી કરતાં કહ્યું.

'ઓકે. આઈ વિલ નોટ માઈન્ડ. '

'અને અત્યારે ડેડ ડ્યૂટી પર હશે. એ આવશે એટલે હું વાત કરીશ. ' ,દર્શિત તેનાં બાઇક તરફ ગયો, 'નો પ્રોબ્લેમ.બાય. ગૂડ નાઈટ.'

'બાય.' ,અને કાજલ પછી અચાનક દર્શિત તરફ ગઈ, 'દર્શિત, વન મિનિટ.મને ખબર છે તને તારા ડેડ માટે કેટલો પ્રેમ છે. આ તારી લાઇફનો હાર્ડેસ્ટ ટાઈમ હશે. બટ મને તારા પર અને ભગવાન પર ટ્રસ્ટ છે. બધું જ જલ્દીથી સોલ્વ થઈ જશે. કાંઈ પણ થશે આઈ વિલ બી ઘેર ફોર યુ.' ,કાજલ એકદમ ગદગદીત અવાજે બોલતી હતી જાણે દર્શિતના જીવનની તકલીફો એને પણ દુઃખ આપતી હોય.

દર્શિત સહેજ નજીક ગયો અને કાજલને છાતી તરફ ખેંચી ભેંટી પડ્યો.

આ સમયે કાજલના ડેડ બાલ્કનીમાં ઉભા હતાં અને કાજલ-દર્શિતને જોઈ રહ્યાં હતાં.

'આજે તે ફરી લેખકને ઈમોશનલ કરી દીધો.' ,બંનેની આંખોમાં ભેજ હતો અને છતાંય બંને દર્શિતની આ વાતથી હળવું હસતાં હતાં.

'કાજલ, તું મારી લાઇફનો બેસ્ટ પાર્ટ છે.'

દર્શિત વિચારોમાં ડૂબકી ખાઈ ગયો. કાજલ કેટલી સિમ્પલ છે. એકદમ નિર્દોષ સ્વભાવની. કોઈ પણ સ્વાર્થ નહીં. બસ મારે એટલું ધ્યાન રાખવાનું છે કે મારાથી કોઈ દિવસ એને હર્ટ ન થાય. હું આ મિત્રતાનાં બીજનાં ચંદ્ર પર ક્યારેય પૂનમના ચાંદ જેવો ડાઘ નહીં પડવાં દઉં.

'મિસ્ટર રાઈટર, સ્ટેપ અવે. મારે જવું જોઈએ અને તારે પણ અંકલ પાસે હોસ્પિટલ જવાનું છે. બાય.'

'બાય.' ,કહીને દર્શિત હસ્યો અને કાજલને છોડી બાઇક તરફ ગયો.

તેણે બાઇક સ્ટાર્ટ કર્યું અને નીકળી ગયો. કાજલ ઘરની અંદર ગઈ.

કાજલના ડેડ દર્શિતનું બાઇક દૂર એક બિંદુમાં અદ્રશ્ય ન થઈ જાય ત્યાં સુધી જોતાં રહ્યાં.

કાજલ તેનાં રૂમમાં ગઈ અને ફ્રેશ થઈને બહાર આવી.

તેનાં પિતા હોલમાં સોફા પર બેઠાં હતાં. તેમને જોઈ કાજલને આશ્ચર્ય થયું પરંતુ એણે વિચાર્યું કે કદાચ ડેડ હમણાં જ આવ્યાં હશે. એ રસોડામાં માને મદદ કરવાં જતી હતી ત્યાં તેનાં પિતાએ રોકી.

'કાજલ, કમ હિઅર, સીટ. મારે થોડી ઈમ્પોર્ટન્ટ વાત કરવી છે.'

કાજલને મનમાં કોઈ ભય ન હતો. કારણ કે દર્શિત સાથેની મિત્રતા છુપાવવાનો એનો કોઈ ઈરાદો ન્હોતો.

'ઓહ, ડેડ, તમે ક્યારે આવ્યા?' ,

'એટ ઇવનિંગ.'

'મને ખબર હોત કે તમે આવી ગયાં છો,' ,કાજલ બાજુનાં સોફામાં જઈને બેઠી, 'તો મારે તમને એક ફ્રેન્ડ સાથે મળાવવું હતું.'

કાજલના પિતા થોડો સમય ન બોલ્યાં. પછી તેમણે કાજલની વાતને ફગાવી દેતાં કહ્યું, 'હા, હું મળી લઈશ. હવે, મારી વાત સાંભળ. પ્રેયશ ન્યૂ યોર્કથી આવી રહ્યો છે. પૂરી ફેમિલી સાથે. ત્રણ મહિના માટે.'

કાજલનાં ચહેરા પર સ્મિત આવ્યું, 'વાઉ, રિઅલી! કેટલાં સમયથી મેં એને જોયો પણ નથી.'

'મને ખબર હતી તું પ્રેયશનું નામ સાંભળી ખુશ થઈશ અને હજુ એક વધારે ખુશીની વાત એ છે કે એ લોકો આપણા જ ઘરે રહેવાનાં છે.'

'ગ્રેટ ડેડ.' ,કાજલે કહ્યું.

કાજલના ફોનની રિંગ વાગી એટલે એ તેનાં રૂમમાં ગઈ. કાજલના પિતાએ કાજલની માને રસોડામાંથી બોલાવ્યાં.

'મિતાલી, કાજલ ખોટી ડિરેકશનમાં જાય એ પહેલાં આપણે એને રોકી લેવી જોઈએ.' કાજલની મા સમજી ન શક્યા કે વાત શું છે!

'શું કહો છો તમે? શું થયું કાજલ સાથે? હેઝ શી હેવ એની બેડ હેબીટ?' ,કાજલની માએ ગભરાઈને પૂછ્યું.

'કાજલ હેઝ અફેર. અને તે આપણાંથી એ વાત છુપાવી રહી છે.'

કાજલની મા વચ્ચે બોલી, ' ના. એવું ના થઇ શકે. એણે મને એક વખત કહ્યું તો હતું કે તેને કોઈ ફ્રેન્ડ છે. નામ પણ કહ્યું હતું. યાદ નથી. પરંતુ અફેર!'

'હા, મિતાલી અફેર. કાજલ અને એ છોકરો જેને તે માત્ર ફ્રેન્ડ કહી રહી છે બંને ઘરની બહાર એક બીજાને ટાઈટ હગ કરીને ઉભા હતાં અને આ બધું મેં નજરોનજર જોયું હતું.'

'તો હવે આપણે શું કરવું જોઈએ?'

'પ્રેયશને કાજલ પસંદ જ છે. તેઓ પહેલાંથી એકબીજાને સમજે છે. જ્યારે તેઓ ન્યૂ યોર્કથી અહીં આવશે એટલે હું મોકો જોઈ મેહુલભાઈ સાથે કાજલ-પ્રેયશના સંબંધ માટે વાત કરીશ.' ,કાજલના પિતાએ કહ્યું.

'પરંતુ મને લાગે છે તમારે એક વખત કાજલ સાથે વાત કરી લેવી જોઈએ.'

કાજલના પિતાને આ વાત બરાબર લાગી, 'હા, ઠીક છે. હું સવારે તેની સાથે વાત કરી લઈશ.'

*

સવારે કાજલ ડ્રેસિંગ-ટેબલ સામે ઉભી રહી હેઅર-સ્ટાઇલ બરોબર કરતી હતી ત્યાં દર્શિતનો કૉલ આવ્યો.

'હાઈ, કાજલ રેડી?' ,સામેથી દર્શિતનો અવાજ આવ્યો.

'યસ. આઈ એમ રેડી, ભોંદુ.' ,કાજલે અરીસા સામે પોતાને જ હસતાં જોઈ.

ઘણાં સંબંધ આપણને એવાં મળી આવે છે જેમાં આપણને ખોટું લાગવાનો ડર ન હોય, વાત કરવામાં થાક ન હોય, અને જેમાં બે વચ્ચે કાંઈ જ છૂપું ન હોય. કાજલ અને દર્શિત વચ્ચેની મિત્રતા આવી જ હતી.

'શટ અપ. હું ભોંદુ નથી.' ,દર્શિતે મસ્તી-મેળવેલા ગુસ્સાથી કહ્યું.

'ઓકે. અને અંકલની આજે તબિયત કેમ છે?'

'હી ઇઝ ફાઈન અને મોમ અત્યારે જ અમારી માટે બ્રેક-ફાસ્ટ લઈને આવ્યા છે. એમણે તને સાંજે મળવાં આવવાં કહ્યું છે.' ,દર્શિતે કહ્યું.

'હા, હું આવી જઈશ.'

કાજલના માતા-પિતા તેના રૂમમાં આવ્યા.

'અને સાંભળ, ભોંદુ, તું મને ક્યારે પિક કરીશ? આજે મારે લેઇટ થઈને ફરીથી તારી સાથે અડાલજ નથી જવું.' ,કાજલે ખડખડાટ હસીને કહ્યું.

'જસ્ટ ટેન મિનિટ્સ. ઓકે. બાય.' ,દર્શિતે પણ હસતા કોલ કાપ્યો.

કાજલ પાછળ ફરી તો તેનાં માતા-પિતા સામે જ હતાં. કાજલના ચહેરા પર આશ્ચર્ય તો થયું કે બંનેને એકસાથે તેનું શું કામ હશે!

કાજલની મા એ પૂછ્યું, 'કોનો કોલ હતો, કાજલ?'

'તે મારા ફ્રેન્ડનો કોલ હતો.' ,હજુ તેની માતા આગળ કાંઈ પૂછે તે પહેલાં કાજલ બોલી, 'તમે બંને આજે એકસાથે મારા રૂમમાં?'

કાજલના પિતાએ કહ્યું, 'આ એવી મેટર છે જે માટે અમારે બંનેને તારી સાથે વાત કરવી જરૂરી છે.'

કાજલ વાતની રાહ જોઈ ઉભી રહી. બે ક્ષણ તો બન્ને ચુપચાપ ઉભા રહ્યા. એકબીજા સામે જોતા રહ્યા. પછી કાજલની માએ પૂછ્યું, 'બેટા, અમે હવે તારાં મૅરેજ માટે વિચારીએ છીએ.'

કાજલ ચોંકી ઉઠી. 'મોમ-ડેડ. આર યુ સીરીયસ? આમ અચાનક આ ટોપિક કેમ?'

'અચાનક નથી. ગર્લ્સ માટે ૨૨ વર્ષની ઉંમર પછી લગ્ન માટે વિચાર કરવો જરૂરી છે. અને તારું પોસ્ટ-ગ્રેજ્યુએશન પૂરું થયાં પહેલાં કોઈ સારો સંબંધ મળી જાય તો અમારી ચિંતા ઓછી થઈ જશે.' ,કાજલના પિતાએ સમજાવતાં કહ્યું.

'પરંતુ ડેડ, હું હજુ લાઈફને એન્જોય કરવાં માંગુ છું. મારે સેલ્ફ-ડિપેન્ડન્ટ થવું છે. હું હજુ મૅરેજ માટે રેડી નથી.' ,કાજલે નાખુશ થઈને ઊંચા અવાજે કહ્યું.

'બેટા, એક વખત વિચાર તો કરી જો.'

કાજલે વાતને અનસુની કરીને પોતાનું બેગ લીધું, 'પ્લીઝ, ડેડ, મારે લેઇટ થાય છે. બાય.' ,કહીને તે ઘરની બહાર નીકળી ગઇ.

અને આ સંવાદથી કાજલના માતા-પિતાનો શક વધારે જડ બની ગયો.

કાજલ અને દર્શિતની મિત્રતા સ્થિર પાણી જેવી સ્પષ્ટ અને પારદર્શક હતી, પરંતુ કાજલના માતા પિતા એમાં શકની આંગળી બોળી વિક્ષેપ ઉભો કરતાં હતાં.

*

પંદર દિવસ પછી ...

પ્રેયશ અને તેની ફેમિલી કાજલના ઘરે આવી પહોંચ્યા હતા. કાજલની માતા અને પિતા દર્શિત સાથેની ફ્રેન્ડશીપને અફેરની નજરથી જુએ છે એ કાજલને ખબર ન્હોતી.

દર્શિત વધારે જવાબદારીઓમાં વ્યસ્ત બન્યો હતો. સવારે તે હોસ્પિટલથી કૉલેજ જતો. બપોરે ત્રણેક કલાકનો આરામ કરી લાઈબ્રેરી જતો અને તેનાં પિતાનું સ્વપ્ન એટલે કે પોતાની નલવકથા લખતો તથા કાજલને કહેવાની પોતાની કહાની ડાયરીમાં લખતો અને રાત્રે આઠથી દસ તેનાં પિતા પડખે સૂતો.તેણે કોલ-સેન્ટરમાં જોબ શરૂ કરી હતી. દસ વાગ્યે તે કોલ-સેન્ટર જતો અને સવારે પાંચ વાગ્યે પાછો ફરી પિતા પડખે સૂઈ જતો.

*

દર્શિતે એક દિવસ કાજલને લાઈબ્રેરીમાં બોલાવી.

કાજલ દર્શિતની બાજુમાં બેઠી. દર્શિત લખવામાં વ્યસ્ત હતો પરંતુ કાજલને જોઈને તેણે પોતાનું કામ અટકાવ્યું.

'હેય, મિસ્ટર રાઈટર. તે મને અહીંયા કેમ બોલાવી?'

દર્શિતે કાજલની સામે જોઇને કહ્યું, 'મારે તને એક વાત કહેવી છે એટલે. ઇટ્સ પર્સનલ.'

'ઓહો, પર્સનલ! શું તું મને પ્રપોઝ કરીશ?' કાજલે હસીને કહ્યું. દર્શિતે લાઈબ્રેરીના વાતાવરણને ધ્યાનમાં રાખીને ઈશારો કરી કાજલને ધીમેથી બોલવા કહ્યું.

'અરે, પાગલ, પ્રપોઝ તો શું? હું તને અત્યારે જ આઈ લવ યુ કહી શકું. તને પણ ખબર છે તું મારા માટે ઈમ્પોર્ટન્ટ છે. પરંતુ એક વાત મારે તારી સાથે શેર કરવાની છે.'

'આઈ લવ યુ ટુ માય ફ્રેન્ડ. અને મારે પણ તને એક વાત કહેવાની છે.'

'મેં નોવેલ લખવાની શરૂ કરી દીધી છે. અને બીજી વાત, મેં તને મારી પાસ્ટ-લાઈફ શેર કરવા કહ્યું હતું એ લખાઈ ગયું છે. તું એ ડાયરી લઇ જઈ શકે છે.'

દર્શિતે બેગમાંથી ડાયરી કાઢી ટેબલ પર મૂકી. કાજલે એ ડાયરી નજીક ખસેડી.

'હું આ ઘરે જઈને વાંચીશ.'

'હવે,કહે તારી શું વાત હતી?'

'હા, કહું. આ વાત પ્રેયશ વિષે છે. પ્રેયશ મારા ડેડના ફ્રેન્ડનો છોકરો છે. અને એ મારો પણ સારો ફ્રેન્ડ હતો.'

દર્શિતે વચ્ચે પૂછ્યું, 'હતો એટલે?'

'કારણ કે અમે ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ સુધી જ સાથે હતા પરંતુ પછી ગ્રેજ્યુએશન માટે એ ન્યૂ યોર્ક જતો રહ્યો અને ગ્રેજ્યુએશન પછી એણે બિઝનેસ સ્ટાર્ટ કર્યો. આથી એક વર્ષથી તેની ફેમિલી પણ ત્યાં જ રહે છે.' ,કાજલે કહ્યું.

'તો મતલબ છેલ્લા પાંચ વર્ષથી તું એને મળી નથી.'

'ના. પ્રેયશ તેની ફેમિલી સાથે પાંચ દિવસ પહેલાં જ ઇન્ડિયા આવ્યો છે. તેમને મુંબઈની પ્રોપર્ટી વેંચવાની છે એટલે તે લોકો અમારી સાથે રહેવાં અહીં અમદાવાદ આવ્યાં છે.'

'તો એમાં પ્રૉબ્લેમ શું છે?' ,દર્શિત કાજલના ચહેરાને જોતો રહ્યો.

'પ્રૉબ્લેમ એ છે કે પ્રેયશ જ્યારે અહીં હતો ત્યારે' ,કાજલ કહેતા અચકાઈ. તેના ગાલ લાલ થઇ ગયાં હતાં. 'ત્યારે આઈ હેડ ક્રશ ઓન હીમ. અને હવે જ્યારથી તે આવ્યો છે ખબર નહિ કેમ પણ હું એને ઇગ્નોર કરી રહી છું. કારણ કે એ ફરીથી દૂર જતો રહેશે તો મને હર્ટ જ થશે ને!'

દર્શિતે નજીક આવતા કહ્યું, 'શું આ વાત પ્રેયશને ખબર છે?'

'આઈ ડોન્ટ નો. મેં તેને કોઈ દિવસ આ વાત પૂછી નથી. અને હવે તો એ વાતને પાંચ વર્ષ થઇ ગયાં છે. આ પાંચ વર્ષમાં મેં તેની સાથે વાત પણ કરી નથી. જ્યારથી તે આવ્યો છે હું તેનાથી દૂર જ રહું છું.'

'ઓહ, વન-સાઇડેડ એન્ડ ઇનકમ્પ્લીટ લવ.' ,દર્શિતે ડાયરી જોતાં કહ્યું, 'પ્રેમ અધૂરો રહીને દૂર જતો રહ્યો હોય એવું તારા એક સાથે નથી થયું . પરંતુ તારે તેની નજીક જવું જોઈએ. તને તારા પ્રેમ માટે ફરીથી ચાન્સ તો મળે છે. જ્યારે અહીંયા તો હાલત વધારે ખરાબ છે.'

કાજલે ડાયરી લીધી અને બેગમાં મૂકી, 'આઈ થિંક તું બરાબર કહે છે. મારે હજુ એક વખત ટ્રાય કરવી જોઈએ.'

*

કાજલને પ્રેયશ પસંદ હતો પરંતુ એ વાત કોઈ ને ખબર ન હતી. પ્રેયશના મનમાં શું છે એ વાત કોઈને ખબર ન્હોતી. કાજલના માતા પિતા દર્શિતને કાજલનું અફેર માની નફરત કરે છે એ વાત કોઈને ખબર ન હતી. દર્શિતના પિતાને કૅન્સર છે એ વાત કાજલ-દર્શિત સિવાય કોઈને ખબર ન્હોતી. અને દર્શિતની ડાયરીમાં શું કહાની લખાયેલી છે એ કોઈને ખબર ન્હોતી.

કાજલ ઘરે પહોંચી અને તેણે દર્શિતની ડાયરી વાંચવાની શરૂ કરી.

*

કોલેજ શરૂ થયાને એક અઠવાડિયું થઈ ગયું હતું. રાજકોટની કોલેજમાં એડમિશન લીધા પછી આ પહેલો રવિવાર હતો.હું કોલેજની હોસ્ટેલમાં જ રહેતો.

અને એ દિવસે મેં તેને પહેલી વખત જોયેલી. હું મારા રૂમની બહાર બોક્સર પહેરીને, રાત્રે સૂતા પછી થયેલા અઘોરી બાવા જેવા વાળ સાથે, મોંઢામાં ઊંડે બ્રશ રાખીને ઉભો હતો. જ્યારે તે સામેની ગર્લ્સ-હોસ્ટેલની બાલ્કનીમાં કપડાંને ઝાટક મારી-મારીને તાર પર એક પછી એક લટકાવતી હતી. તેણે હેરમ અને ઉપર શોર્ટ ટી-શર્ટ પહેર્યું હતું. એટલું શોર્ટ કે તેની કમરથી ઉપરનો બે ઇંચ ભાગ બહાર દેખાતો હતો. તેણે વાળને બન કરીને બાંધી રાખ્યાં હતાં. તે કપડાં સૂક્વતી બે પળ કપડાંની હાર પાછળ જતી અને પાછી ઘડીકમાં બહાર દેખાતી. જાણે પૂનમનો ચાંદ વાદળીઓની વચ્ચે-વચ્ચે ડોકિયાં કરતો હોય.

'અબે, કોને તાકી-તાકીને જુએ છે તું?',અર્પણે પૂછ્યું. અર્પણ મારો રૂમ-પાર્ટનર હતો. તે મારાથી સિનિયર હતો.

બ્રશ મોંમાં હોવાથી હું અધકચરા શબ્દો બોલતો હતો, 'વો, આમે...હામે... ઓ.' ,મેં આંગળીથી તેને બાલ્કનીમાં ઉભેલી બતાવી.

તેણે મને ટાપલી મારી, 'રહેવા દે. એમાં પડવાની ટ્રાય ન કર. સિનિયર છે તારી. મારા ક્લાસમાં જ છે અને આમ પણ એ કોઈને ભાવ નથી આપતી. અને એટલે જ તો હજુ સિંગલ છે.'

જેમાં પરફેકશનની સુગંધ આવતી હોય એને આવા મામૂલી કારણોથી કેમ લેટગૉ કરવી જોઈએ? સિનિયર હોય તો શું થયું?કોઈ બીજાને પસંદ ન હોય તો શું ? હૃદય તો બાળક બનીને જીવતું હોય છે જે ન કરવાનું કહો એ પહેલાં કરે. હવે, તો પ્રેમ એનાં સિવાય કોઈ બીજા સાથે નહીં થાય.

'એ બધું તો ઠીક છે. પણ એનું નામ શું છે?' ,મેં અર્પણને પૂછ્યું.

'જીનિષા.' ,અને અર્પણ રૂમમાં જતો રહ્યો.

મેં ફરી સામેની બાલ્કનીમાં જોયું અને એની ચાંદનીથી અંજાઈ જઈ મેં આંખ બંધ કરી અને પાછી ઉઘાડીને જોયું તો એ પૂનમનો ચાંદ એક જ પળમાં પંદરેય કળાઓ પૂરી કરી અમાસની રાત્રીમાં ગાયબ થઈ ગયો.

*

'ઓય, શું કરે છે તું? તારો ક્લાસ-રૂમ પાછળ ગયો.' ,અર્પણે કહ્યું. હું અને અર્પણ કોલેજના કોરિડોરમાં સ્ટુડન્ટસની ભીડ વચ્ચેથી પસાર થતાં હતાં.

'ચૂપ. મને ખબર છે. હું તારા ક્લાસ-રૂમ પાસે આવું છું.'

'વ્હોટ?' ,અર્પણ ઉભો રહી ગયો.

'યસ. જીનિષા. હું મારી જેનુને જોવાં આવું છું.'

હું અર્પણને પાછળ છોડી તેના કલાસ-રૂમ સુધી ગયો અને દરવાજે ઉભો રહ્યો..

તે બીજી બેન્ચ પર બેઠી હતી. અને તેના ગ્રુપની ફ્રેન્ડ્સ આસપાસ ગોઠવાયેલી હતી.

માત્ર ત્રણ શબ્દોની જ તો માયાજાળ છે,

પરંતુ હૃદયથી હોઠ સુધી આવવામાં વાર છે,

તું મને એક ઘડી સાંભળ તો, શું વાત છે?

કે, હવે સાચું, તારાથી જ તો, નવી શરૂઆત છે.

એક પળ તો થયું કે અંદર જઈને તેની પડખે બેસી જાઉં. એની વાતો એની આંખોમાં આંખ પરોવીને સાંભળું. એનો નાજુક હાથ મારી આંગળીઓ વચ્ચે રાખી બેસી રહું. એના રેતીની જેમ ગાલ પર સરકી આવતાં વાળ મને વિચલિત કરતાં હોય અને હું મારી આંગળીઓથી એને તેનાં કાન પાછળ મૂકી દઉં.

અને કોલેજનો બેલ વાગ્યો. હું એને છેલ્લી વખત જોઇ મારા ક્લાસ-રૂમમાં જતો રહ્યો.

*

મારી પ્રેમ કહાની થોડી ધીમી હતી અને મારી કોશિશ બહુ ઓછી હતી.

મેં તેને મળવાની કોઈ જ કોશિશ ન્હોતી કરી. હું તેને જોતાં જ સ્તબ્ધ બનીને ઉભો રહી જતો. તેને એક વખત જોવા માત્રથી મને દિવસ પૂરો થઈ ગયો હોય એવું લાગતું. હું હંમેશા એને ઝાંખતો રહેતો. કોઈ વાર બાલ્કનીથી, કોઈ વાર રૂમની બારીમાંથી, કેન્ટીનમાં તેની સામેના ટેબલ પર બેસીને, તેનાં ક્લાસ-રૂમની બહાર ઉભા રહીને, તેની બરોબર પાછળ ચાલીને અને હોસ્ટેલ-ગેઇટની બહાર કલાકો સુધી તેના આવવાની રાહ જોઇને.

એક દિવસ હું રૂમમાં બેઠો હતો. બારીમાંથી તેને બાલ્કનીમાં ઉભેલી જોતો હતો. મને કવિતા લખવાનું મન થયું.

પડદો સરકાવી હું બારીએથી ઝાંખુ,

ટપક-ટપકતું તારું સૌંદર્ય ભાળું,

સુરમો ચડાવી વા'લું આંખોથી બોલાવતું,

ધબક-ધબકતું મારું હૃદય થંભાવતું;

પ્રેમની તો, શું હું વાત કરું?

એ તો તારી સિવાય કોઈને ન કરું.

નયનો ઝુકાવી તારું સામેથી આવવું,

રિમઝીમ વરસીને મારુ તન પલાળવું,

અને અર્પણે કાગળ ખેંચી લીધું. 'વંચાવ તો, શું લખ્યું છે?' ,અર્પણે કહ્યું.

'તો અમદાવાદના મશહૂર લેખકનો છોકરો પણ કવિતા લખવામાં માને છે. વાહ, ભાઈ, વાહ. સેલ્યુટ. પ્રાઉડ ઓફ યુ.'

હું શરમાઈને હસ્યો, 'થેન્કયું ભાઈ.'

'હટ. શું થેન્ક યું? તું જે સ્પીડથી ચાલે છે, મને તો લાગે છે તારાં પહેલાં કોઈ બીજું એને પટાવી લેશે. તું માત્ર એને જોઈને જ કેમ પ્રેમ કરી શકે?' ,અર્પણે કાગળ મારી તરફ ફેંક્યું.

'પરંતુ તે સામે આવે એટલે એક બોલિવૂડ મૂવી જેવો રોમેન્ટિક સીન બની જાય છે. બધું જ સ્લો-મોશનમાં આવી જાય છે. પાછળથી બૅકગ્રાઉન્ડ મ્યુઝિક પણ શરૂ થઈ જાય છે અને પછી બધું ફૂસ્સસ..'

અર્પણ મારી બાજુમાં બેઠો અને ટેબલ પરથી બોટલ લઈ, બોટલનું બધું જ પાણી મારા પર ઢોળી નાખ્યું.

'ડૂબી મર તું પાણીમાં. આવી રીતે કોણ રોમાન્સ કરે છે? યાર તારાથી કાંઈ નહીં થઈ શકે. મારે જ કંઈક કરવું પડશે.' ,અર્પણે બાલ્કનીની બહાર જોતાં કહ્યું.

'અને તું શું કરવાનો છે?' ,મેં આશ્ચર્યથી પૂછ્યું.

*

બીજે દિવસે હું અને અર્પણ કોલેજ પહોંચ્યા. અર્પણે તેની ગર્લ-ફ્રેન્ડ - નેહાને કોલ કર્યો અને તેને અમારી પાસે બોલાવી.

પાંચ મિનિટની રાહ બાદ નેહા આવી. નેહા કદમાં અર્પણ કરતાં ઊંચી હતી અને ઉપરથી તેણે હિલ્સ પહેરેલા હતાં. તો પણ અર્પણ સાથે તે પરફેક્ટ મૅચ થતી હતી. તે આવીને અર્પણને ગળે મળી.

'નેહા, આ છે દર્શિત. મારો રૂમ-પાર્ટનર. મેં ગઈ કાલે તને વાત કરી હતી ને!' ,અર્પણે મારી તરફ ઈશારો કરતાં કહ્યું.

' હાઈ, દર્શિત' ,નેહાએ મારી સાથે હાથ મળાવ્યો.

'હવે, સાંભળ, નેહા. અત્યારે જીનિષા કેન્ટીનમાં છે. તું જઈને તેની સાથે એ જ ટેબલ પર બેસ. હું તને કોલ કરું એટલે કહેજે કે તું કેન્ટીનમાં છે અને મને ત્યાં બોલાવજે. એટલે હું દર્શિતને લઈને તમારી પાસે આવીશ અને પછી આપણે જીનિષા સાથે દર્શિતની ફ્રેન્ડશીપ કરાવીએ. ઓકે?' ,અર્પણે નેહાને કહ્યું.

'યસ. ધેટ્સ નાઇસ આઈડિયા, બેબી.' ,કહીને નેહા ફરીથી અર્પણને ચીપકી ગઈ.

પછી તે કેન્ટીનમાં ગઈ.

'અર્પણ, એક વાત પૂછું?' ,મારા મનમાં નેહા અને અર્પણ છેલ્લે ગળે મળ્યા એ દ્રશ્ય વારંવાર પસાર થઈ રહ્યું હતું.

'હા, સ્યોર.' ,અર્પણ મોબાઈલ લઇ નેહાને કોલ કરવા જતો હતો.

'આ લવ છે કે લફરું? મતલબ કે, નેહા તારી જરૂરત છે કે ચાહત? તું નેહાને પ્રેમ તો કરે છે ને? કેમ કે અત્યારે ફક્ત હું કલ્પના કરું કે જીનિષા મારા બે હાથ વચ્ચે છે તો પણ મારા ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાતી હોય. પરંતુ તારા ચહેરા પર એવું કાંઈ દેખાયું નહીં!'

અર્પણ નેહાને કોલ કરતો અટકાયો, 'ઓ ભાઈ, દર્શિત. તું હજુ કોલેજના ફર્સ્ટ યરમાં છે. ઊંમર હશે અઢાર વર્ષ. તો પ્રેમમાં આટલો ઈમોશનલ કેમ થાય છે? નેહા ફક્ત મારી ગર્લ-ફ્રેન્ડ છે. પ્રેમ વિશે તો વિચારીશું પછી, જ્યારે ઊંમર છવ્વીસ-સત્યાવીસ થઇ જશે. તને શું લાગે છે કે આ કોલેજમાં બધાં એકબીજાને રોમિયો-જ્યુલીએટ કે હિર-રાંજા ની જેમ પ્રેમ કરે છે!' ,અર્પણે આ વાત હસીને કહી.

હું નીચું મોં કરી ત્યાંથી ચાલતો થયો.

અર્પણે મને બોલાવ્યો, 'દર્શિત, ક્યાં જાય છે. આપણે કેન્ટીન જવાનું છે.'

હું પાછળ એના તરફ ફર્યો. 'તારી ફીલોસોફી મારી સમજ બહાર છે. જો જીનિષા આવી જ હોય તો મારે તેનો પ્રેમ નથી જોઈતો. તું મને ઈમોશનલ કહે છે? પ્રેમનો તો મતલબ જ ઇમોશન્સ છે. અને ગર્લ-ફ્રેન્ડનો અર્થ શું કરે છે તું? ફિમેલ ફ્રેન્ડ વિથ બેનિફિટ્સ! અને પ્રેમ ઊંમર જોઈને થોડો કરવાનો હોય.એ તો થઇ જાય છે. હું જીનિષાનો પ્રેમ મારી અંદર જ દાબી રાખીશ પરંતુ મારે આવું લફરું નથી જોઈતું.'

હું ચાલીને દૂર નીકળી ગયો. અર્પણ ત્યાં જ ઊભો રહ્યો.

હું થોડે આગળ પહોંચ્યો ત્યાં દોડીને નજીક આવતાં પગલાં સંભળાયા. તેણે મને ઉભા રહેવા બૂમ પાડી પરંતુ હું ના કહેતો ચાલતો રહ્યો.

'સ્ટોપ. યાર. હું તને પ્રોમિસ કરું તો પણ તું નહીં ઉભો રહે?' ,અર્પણે હાંફેલા અવાજે કહ્યું.

હું થોભ્યો.

'હું પ્રોમિસ કરું છું કે હવેથી હું નેહા સાથેના રિલેશનને સમજવાની કોશિશ કરીશ.'

'હજુ એક પ્રોમિસ કરવી પડશે. તું આજે ફરીથી મારી સામે નેહાને પ્રપોઝ કરીશ. અને તો જ હું અત્યારે આવીશ.'

'ઓકે. ભાઈ. ગોડ પ્રોમિસ. પરંતુ તું મારા લીધે જીનિષાને ભૂલી જાય એ કેમ હું એક્સેપ્ટ કરી શકું! જીનિષા મારા જેવી નથી. એ તારી જેમ લવમાં બિલિવ કરે છે.'

અર્પણે નેહાને કોલ કર્યો અને પ્લાન મુજબની વાત થયાં પછી અમે કેન્ટીનમાં ગયાં.

ત્યાં પહોંચતા પહોંચતા લાગ્યું કે નર્વસનેસના લીધે હું તેની સામે જ બેભાન ન થઈ જાઉં.

'હાઈ, બોય્સ.' ,અને પછી નેહા જીનિષા તરફ ફરી, 'જીનિષા તું અર્પણને તો ઓળખે જ છે પરંતુ આ છે દર્શિત. અને દર્શિત આ છે જીનિષા.'

'હાઈ, જીનિષા.' ,મેં તેની સામેની ખુરશીમાં બેસી હાથ લંબાવ્યો. તેણે વ્હાઇટ જીન્સ અને નેવી બ્લ્યૂ કલરનું ક્રેપ ટોપ પહેર્યું હતું.

'હેલો, દર્શિત. નાઈસ ટુ મીટ યુ.' ,આખરે એની આંગળીઓ મારા હાથમાં આવી.

'નેહા, મેં દર્શિતને એક પ્રોમિસ કરી છે કે હું આજે ફરીથી તને પ્રપોઝ કરીશ.'

'વાઉ! બટ તમે બંને તો એકબીજાને પસંદ કરો જ છો તો આનું રિઝન શું?' ,જીનિષા વચ્ચે બોલી.

મેં કહ્યું, 'પ્રેમને વારંવાર અપડેટ કરવો પડે છે, નહીંતર બોર થઈ જવાય છે, રાઈટ?'

'રાઈટ. ધેન લેટ્સ સ્ટાર્ટ.' જીનિષાએ નેહા અને અર્પણ તરફ ફરતા કહ્યું.

અર્પણ અને નેહા ટેબલ પરથી ઉભા થયા. અર્પણ નેહા સામે ઘૂંટણિયે બેઠો.

'એક મિનિટ.' ,મેં બેગમાંથી ચોપડો કાઢ્યો અને કાગળને ફાડી એમાંથી થોડાં કટકા જીનિષાના હાથમાં આપ્યા, 'થોડુંક સેલિબ્રેશન તો થવું જોઈએ ને!'

'નેહા, તું મને મળી છે ત્યારથી મારી લાઈફ ચેન્જ થઇ ગઈ છે. હવે તો તારી સાથે રહેવાની આદત પડી ગઈ છે. તને પ્રેમ કરવાનું કારણ તું જ છું. તું મારા માટે સ્પેશિયલ છે. ટ્રસ્ટ મી, મને તારાથી બેટર કોઈ મળશે નહીં.યુ આર માય લવ. આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ, નેહા.'

મેં અને જીનિષાએ કાગળના ટુકડા તેમનાં પર ઉડાળ્યા અને તાળીઓ પાડી. એક રોમેન્ટિક વાતાવરણ બની ગયું હતું.

'આઈ લવ યુ ટુ, અર્પણ' ,નેહાએ શરમાઈને કહ્યું.

અર્પણ ઉભો થયો અને બેગ લીધું, 'લેટ્સ ગો,નેહા.'

અને નેહા પણ તેનું બેગ લઇ અર્પણના હાથમાં હાથ રાખી ચાલતી થઇ.

મેં બૂમ પાડી, 'અર્પણ, ક્યાં જાય છે?'

'લોન્ગ ડ્રાઇવ, બ્રો, બાય.'

'પરંતુ અર્પણ...' ,હું આગળ બોલું તે પહેલાં અર્પણ અને નેહા કેન્ટિનમાંથી બહાર નીકળી ગયાં.

તેઓ મને જીનિષા પાસે એકલો છોડી જશે એ પ્લાનમાં હતું જ નહીં. હું વધારે નર્વસ થઈ ગયો.

'દર્શિત, ફર્સ્ટ સેમેસ્ટર પૂરું થવા આવ્યું, તો તને કેમ્પસ કલ્ચર કેવું લાગ્યું?' ,જીનિષાએ સામેથી વાતો કરવાનું શરૂ કર્યું.

'સિમ્સ પરફેક્ટ, નો કમ્પ્લેઇન્ટ્સ.' ,મેં કહ્યું.

'ગ્રેટ.'

મેં પૂછ્યું, 'તમે ક્યાં રહો છો? મિન્સ યોર ફેમિલી?'

જીનિષાએ કહ્યું, ' છેલ્લા દસ વર્ષથી અમે સુરતમાં જ રહીએ છીએ.'

તો મેં દિગ્મૂઢ બનીને પૂછ્યું, 'ધેન યોર બર્થ-પ્લેસ?'

'શિમલા- હિમાચલ પ્રદેશ. બટ હું આઠ વર્ષની હતી ત્યારથી અમે સુરતમાં રહીએ છીએ. હા, દાદા-દાદી ત્યાં જ રહે છે સો વિકેન્ડ્સમાં શિમલા જવાનું રહે.' તેણે કહ્યું, 'અને તું કહે, યોર હોમટાઉન?'

'અમદાવાદ. મારા ડેડ લેખક છે. રાજગોપાલ ત્રિવેદીજી. યુ મે નો હીઝ નેમ.' ,મેં થોડી ઇમ્પ્રેશન બનાવવાની કોશિશ કરી.

'નો. નોટ એટ ઓલ. સોરી, પરંતુ મને લિટરેચર વિશે કાંઈ જ ખબર નથી. ડોન્ટ માઈન્ડ. બટ મારી માટે એ બૉરિંગ છે. મને બૂકસ વાંચવી નથી ગમતી. '

આગળ શું બોલવું તે માટે હું વિચારતો જ રહ્યો. કારણકે પહેલું કોઈ એવું મળ્યું કે જેને મારા લિટરેચર કરતાં મારી સાથેની મિત્રતા વધારે પસંદ હશે.

'હેય, દર્શિત શું વિચારે છે?' ,જીનિષાએ મને હકીકતમાં પાછો ખેંચતા પૂછ્યું.

'કાંઈ નહીં...તો તારી હોબીસ વિશે કંઈક કહે.'

જીનિષાએ કહ્યું, 'અમમ...મારી હોબીસ બહુ ઓછી છે. હું બહુ વિચારતી નથી એના વિશે. બટ મને સિમ્પલ લાઈફ વધારે પસંદ છે અને સિમ્પલ ફ્રેન્ડ્સ. '

'સાઉન્ડ ગૂડ.' ,મેં ખુદને જ એક વખત પૂછી લીધું - સિમ્પલ એટલે કેવાં ફ્રેન્ડ્સ? મારી જેવાં?

'યસ. એક્સકયુઝ મી, દર્શિત. મારે લેક્ચર છે. બાય.'

'ઓકે. સી યુ અરાઉન્ડ. નાઇસ ટુ મીટ યુ.' ,મેં થોડું ઉતાવળે જ બોલી દીધું.

જીનિષા કેન્ટીનની બહાર તરફ ગઈ અને ભીડમાં ઓજલ થઈ ગઈ.

*

પછી તો દરરોજ તેની સાથે મળવાનું થતું. દિવસમાં મોટા ભાગે હું બાલ્કનીમાં જ બેસતો. તે આવે એટલે તેને હાથ ઊંચો કરીને બોલાવવાની અને તેને હસતી દિવસમાં એક વખત તો જોઈ જ લેવાની.

'શી લવ્ઝ મી, શી લવ્ઝ મી નોટ...શી લવ્ઝ...મી, શી લવ્ઝ મી નોટ..' ,હું બાલ્કનીનાં કુંડામાં રહેલાં મોગરાના ફૂલને તોડી એક પછી એક પાંદડીઓ ફેંકતો જતો હતો. અને છેલ્લી પાંદડી ફેંકી, 'શી લવ્ઝ મી.' એટલે હું તેનાં રૂમ સામે જોઈ હસ્યો.

'દર્શિત, બહુ જ મજા આવવાની છે.'

કૂતરું બિસ્કિટ જોઈને જેમ સપાટ કરતું ઉભું થાય એમ અર્પણ દોડીને બહાર આવ્યો.

'યે તમ્મા તમ્મા લોગે...આહા...આ..હા... તમ્મા તમ્મા લોગે તમ્મા...' ,અર્પણ મન મૂકીને નાચતો હતો.

'અરે, ભાઈ શું થયું છે?' ,મેં તેને બે ખભાથી પકડીને નાચતો ઉભો રાખ્યો.

'દર્શિતયા, દીવનું પ્લાનિંગ ફાઇનલ થઈ ગયું છે અને હવે તો નેહા એ પણ હા પાડી દીધી છે. મજા જ મજા ...રે ભાઈ...મજા જ મજા...હું અને નેહા બંને એકસાથે હોઈશું અને આનાથી વધારે સારો ટાઈમ શું હોય?' ,અર્પણ કહીને ડોલતો-ડોલતો રૂમમાં ગયો. હું પણ તેની પાછળ ગયો.

'અને તારે આવો જ ચાન્સ જોઈતો હતો, નહીં?' ,મેં ગંભીર થઈને પૂછ્યું

'શું યાર તું પણ. એવું નથી, અહીં આવ બેસ.' ,અર્પણ મને ખેંચીને સેટી પાસે લઈ ગયો. 'તે દિવસ પછીથી હું નેહાને વધારે પ્રેમ કરવા લાગ્યો છું. હું હવે નેહાને સમજી શકું છું.અને આથી તેનાં પછી હું નેહા સાથે કવોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાં વેઇટ કરતો હતો. મને એક્ચ્યુઅલી નેહા સાથે રહેવામાં વધારે ખુશી મળે છે. તને શું લાગ્યું? હું આટલી જલ્દીથી તને કરેલી પ્રોમિસ ભૂલી ગયો? હટ.' ,અર્પણે ઝાટકો મારીને કહ્યું.

હું મારી ભૂલ સ્વીકારતાં તેને સાંભળતો રહ્યો.

'અને ઓય, તું પણ આવને અમારી સાથે. વી વિલ હેવ પાર્ટી એટ નાઈટ.'

મેં કહ્યું, 'નો પાર્ટી, બ્રો.'

અર્પણે મને મનાવતા કહ્યું, 'તો પણ આવ ને! તારા વિના મને કોણ સાચવશે? અરે, બે દિવસની જ તો વાત છે.'

'ના, ભાઈ, હું નહીં આવી શકું. મારે અસાઈમેન્ટ્સ પૂરાં કરવા જરૂરી છે.'

'શું, યાર તું પણ!' ,અર્પણે કહ્યું.

*

'દર્શિત, તારી હોસ્ટેલનો ગેઇટ પાછળ ગયો.' ,જીનિષાએ મારી તરફ જોઈ હસતાં કહ્યું.

'આઈ નો બટ મારે તને એક વાત પૂછવી હતી.' ,મેં કહ્યું.

'હા, પૂછ ને. નો પ્રોબ્લેમ.'

'ડુ યુ લાઈક ટુ વોચ મૂવીઝ?' ,મેં વાતને આગળ કરી.

'યસ. નોટ ટૂ મચ. પરંતુ કોઈક વખત મને મૂવીઝ જોવાં પસંદ છે.' ,જીનિષાએ મારી વાતને આશ્ચર્યથી જોઈ.

'ગ્રેટ. તો' ,મેં થોડું અચકાઈને પૂછ્યું , 'આઈ મીન સન્ડે છે અને ફ્રેન્ડશીપ ડે પણ છે, તો શું તું ...મારી સાથે આવી શકીશ? ફોર મૂવી?'

જીનિષા ચાલતી-ચાલતી ઉભી રહી અને તેના મોબાઈલ પર કૉલ આવ્યો.

"હેલો,મોમ...નહીં હોસ્ટેલ પહુંચ ચૂકી હું....હા,... વો મૈને આપકો યહ બતાને કે લિયે કોલ કિયા થા કી મૈં દો દિન દોસ્તો કે સાથ ટૂર પે જા રહી હૂઁ..... ક્યાં...નહિ કલ સવેરે... હા... ઓકે...બાય મોમ."

અને હું તે સાંભળીને જ તેનાથી બે ડગલાં પાછળ ખસી ગયો.

'આઈ એમ સો સોરી, દર્શિત. તે મારી વાત સાંભળી જ હશે. પ્લીઝ, ડોન્ટ માઈન્ડ.' ,જીનિષાએ નિર્દોષ ચહેરો કરતાં કહ્યું.

'ઇટ્સ ઓકે. પછી ક્યારેક.' ,મેં કહ્યું.

'હમ્મ...બાય.' ,જીનિષાએ કહ્યું અને તે હોસ્ટેલમાં ગઈ.

પાછળથી હું તરત જ મારી હોસ્ટેલ તરફ દોડ્યો અને મારા રૂમમાં પહોંચ્યો.

'ઓય, અર્પણ, હું તારી સાથે આવું છું' ,મેં ચઢેલા શ્વાસે કહ્યું.

'ક્યાં?'

'દીવ. બે દિવસ. હું આવીશ.'

'અસાઈમેન્ટ્સ?'

'પૂરાં. અને હવે હું પેકીંગ કરું છું.'

'પરંતુ દર્શિત. મીની બસમાં હવે જગ્યા નથી. હું તને કેમ લઈ જઈ શકું? મેં તને પહેલાં જ પૂછ્યું હતું.'

હું અર્પણની નજીક ગયો, 'ભાઈ, ગમે તે કર પરંતુ હું આવીશ. જીનિષા પણ આવે છે. હું આ ચાન્સ કેમ મૂકી શકું?' ,મેં આજીજી કરતાં કહયું.

અર્પણ ચોંક્યો, 'વૉટ? જીનિષા આવે છે? તો એમ બોલને. તું પેકીંગ કર. હું તારી સીટની વ્યવસ્થા કરું છું.' ,અર્પણે મને ઉત્સાહિત કરતાં કહ્યું.

અને પછી મારું દીવ જવાનું ફાઇનલ થયું.

*

સવારનાં પાંચ વાગ્યે અમારા રૂમનાં બારણે ટકોરા પડ્યા. બસ તૈયાર છે નો એ બુલાવો હતો.

હું આખીય રાત લગભગ સૂતો જ ન હતો. ઘુવડ બનીને ખુલ્લી આંખે ને મનમાં ને મનમાં હું કેટ-કેટલીયે વખત જીનિષા સાથે દીવ જઈ આવ્યો હતો. સપનાઓને લગામ મુકવી અશક્ય બની ગયું હતું. પરંતુ સપનામાં તો સપનામાં જ સહી પરંતુ જીનિષા મારી જિંદગી બની ગઈ હતી.

હકીકતને સપનાઓથી કોઈ નિસ્બત નથી હોતી,

સપનાઓને હકીકતની કોઈ દરકાર નથી હોતી;

પણ હકીકતને ય એની ખબર નથી હોતી,

કે સપનાઓ વિના હકીકત, હકીકત નથી હોતી.

મારું સપનું તો હવે એક જ રહ્યું હતું. જેને હું હકીકતનાં આ બે દિવસમાં સરાસર જીવી લઈશ.

બધાં બસ પાસે ભેગા થયાં અને એક પછી એક ચઢવા લાગ્યાં. હું અને અર્પણ પહોંચવામાં છેલ્લા હતાં. જીનિષા અને નેહા પાસ-પાસે બેઠાં હતાં. અર્પણ જઈને તે જ હરોળમાં સામેની સીટ પર બેઠો અને હું તેના પડખે ઉભો રહ્યો. કેમ કે મારી સીટ મળે તેવી વ્યવસ્થા થઈ ન્હોતી.

'ઓહ, વાઉ દર્શિત, વોટ અ સરપ્રાઈઝ?' ,જીનિષાએ મને જોતાં જ કહયું. 'તું આવે છે એવું તે મને કહ્યું ન હતું.'

મેં અર્પણ તરફ જોઈને કહ્યું, 'આઈ હેડ વર્ક ટુ ડુ. પણ અર્પણ મને મૂકીને જવાં તૈયાર ન હતો. મારી હજાર વખત ના પાડવા છતાં મને ખેંચીને લઈ આવ્યો.'

અર્પણે મxsને ટોકતાં કહ્યું, 'રિઅલી, દર્શિત?'

'યસ. રિઅલી, અર્પણ' ,મેં કતરાઈને તેની સામે જોયું. અમે કંઈ વધુ ખીંચા-તાની કરીએ તે પહેલા જીનિષા વચ્ચે બોલી.

'ધેટ્સ ઓકે, ગાય્સ. જસ્ટ હેવ ફન.'

હું આ વાત સાંભળીને થોડું હસ્યો.

બસ હવે દીવ જવાં હાઈ-વે પર પહોંચી ગઈ હતી. કૉલેજ ગ્રુપ ટૂર પર હોય અને અંતાક્ષરી ન રમાય, એવું ન બને. બસની આગળની સીટોમાં અંતાક્ષરીનો સિલસિલો જામ્યો. નેહાએ જીનિષાને આગળ જવાં કહ્યું પરંતુ તે ન માની. એટલે નેહા એક જ આગળ ગઈ. અર્પણ તેની સીટમાં ઘસઘસાટ ઊંઘમાં હતો.

જીનિષા આજે સ્વાભાવિક દિવસો કરતાં વધારે આકર્ષક દેખાતી હતી. તેને મેં પહેલી વખત છૂટાં વાળ રાખેલી જોઈ હતી. રેડ કલરનું વેસ્ટર્ન ટોપ પહેર્યું હતું. જેની સ્લિવમાં વચ્ચે-વચ્ચે જગ્યા હતી. જેમાંથી તેના હાથની ગોરી ત્વચા બહાર દેખાતી હતી અને એ એવી જ લાગતી હતી જાણે નિર્મળ પાણી પર સૂર્ય-પ્રકાશથી મેઘધનુષ્યના રંગો બનાવતો ચળકાટ ન ઉઠતો હોય! અને આજે તેણે ડાર્ક ડેનિમ શોર્ટ્સ પહેર્યું હતું. તેનાથી નીચેનાં તેનાં પગ પણ એ જ ખૂબસૂરતી પ્રતિબિંબિત કરતાં હતાં. તેની આંખોમાં કાજળ કરેલું હતું અને ગાલ પર આછો મેક-અપ.

નીચેનાં હોઠને દાંતથી અંદર બીડીને તે બારીની બહાર જોઈ રહી હતી. એક શિલ્પી-કાર મૂર્તિને ટોચી-ટોચીને બનાવ્યાં પછી જેમ એકીટશે પોતાની જ કલાને નિહાળતો હોય એમ હું તેને જોઈ રહ્યો હતો. તે મારી તરફ જુએ ને હું નજર ફેરવી લેતો હતો.

'દર્શિત.' ,.જીનિષાએ મને જોતાં પકડી પાડ્યો.

'હં?'

'તું થાકી ગયો લાગે છે. તો નેહા આમ પણ આગળ છે, તું અહીં બેસી શકે છે.'

અને હું તેની પડખે બેઠો. હું જીનિષાની આટલો નજીક ક્યારેય ન્હોતો આવ્યો. ઠંડા પાણીને હાથ અડાડતાં હાથ ધ્રુજી જાય એવી ધ્રુજારી મારામાંથી પસાર થઈ ગઈ.

અમારી વચ્ચે થોડી વાતો થઈ. અને થોડાં સમય પછી તે કાન પર હેડ-ફોન્સ રાખી સોંગ્સ સાંભળવા લાગી. રાતનાં થાકને લીધે મારી આંખો પણ ધીરે- ધીરે ઘેરાવા લાગી હતી.

હું લગભગ ત્રણ કલાક સૂતો રહ્યો. અને અચાનક મને મારા હાથમાં કંઈક ઘસાતું લાગ્યું. હું જબકી ગયો.

મારો ડાબો હાથ જીનિષાના હાથમાં હતો. જીનિષા મારા હાથમાં બ્લેક પેનથી કંઈક દોરી રહી હતી. તેણે એક મોરપંખ દોર્યું હતું અને તેના પર તેણે ઇંગ્લીશમાં " Junior Darshit" કરસ્યું રાઇટિંગમાં લખ્યું હતું.

'વેરી નાઇસ, જીનિષા. મને લાગે છે કે તારી એક હોબી ટેટૂ મેકીંગ પણ હોઈ શકે.' ,મેં હાથને નજીક કરીને જોયું. 'થેન્ક યુ. વેલ ઇટ્સ નોટ માય હોબી.'

જીનિષાનાં હાથ પર પણ એક ટેટૂ હતું જે હું જોઉં તે પહેલાં તેણે તેનો હાથ દૂર કરી દીધો.

*

એક કલાક પછી અમારી બસ દીવ પહોંચી.

પહેલો દિવસ તો મારી માટે ખાસ ન રહ્યો. હા, અર્પણ અને નેહા એકસાથે રહી શકતા હતાં. તેમને એકબીજાથી ખુશ જોઈ હું પણ આનંદમાં રહેતો હતો. પહેલો દિવસ મ્યુઝિયમ, ચર્ચ અને ફોર્ટ પર ફરવામાં ગયો. જેમાં મોટે ભાગે જીનિષા મારાથી દૂર રહી હતી.

સાંજે બધા હોટેલ પર પહોંચી ગયાં હતાં. રાત્રે બીચ પર ડી. જે. પાર્ટી હતી. જેમાં જીનિષા આવી ન્હોતી. એ તેના રૂમમાં જ વહેલાં સૂઈ ગઈ હતી.

મારી માટે તેને સમજવી બહુ જ મુશ્કેલ હતી. એક પળ તે મારી નજીક આવી જતી તો બીજી જ પળે મારાથી દૂર નીકળી જતી. શું જીનિષા પણ મને પ્રેમ કરે છે? - સતત પોતાને પૂછેલા આ પ્રશ્નનો જવાબ કોઈ વખત હા તો કોઈ વખત ના માં મળતો.

પરંતુ રવિવારનો એ બીજો દિવસ મારા માટે એ દિવસ સાબિત થયો જેને હું ક્યારેય ન ભૂલી શકું. સવારના સાડા નવ વાગ્યે બધાય નાગવા બીચ પર હતાં. બધાં પોત-પોતાની મસ્તીમાં મશગૂલ થઈ છૂટાં પડી ગયા હતાં. હાલ અમે - હું, જીનિષા, નેહા અને અર્પણ અમે ચાર જ સાથે હતાં. તેમાં પણ નેહા-અર્પણ અમારાથી દૂર પાણીમાં ઉભા હતાં જ્યારે હું અને જીનિષા રેતીમાં મોજાં અડકીને જાય એટલાં અંતરે બેઠાં હતાં. અને અમારી વચ્ચેનું અંતર પણ એટલું જ ઓછું હતું.

તેનાં ભીના થયેલાં વાળ ગાલ પર દિવાલમાં કરેલી કોતરણીની જેમ ચોંટી ગયાં હતાં અને ગોઠણથી વાળેલા પગ પર કાળી માટી વેરાયેલી હતી.

જીનિષાએ ફરીથી માટીમાં આંગળીથી "Junior Darshit" લખ્યું. હું તેને પૂછું તે પહેલાં તે બોલી, ‘તારે કોઈ ક્રશ છે?' ,હું હેબતાઈ ગયો.

શું જવાબ આપવો? હા કે ના? મારે કોઈ બીજો ક્રશ નથી એમ વિચારી ના કહીશ, અને તું મને પસંદ કરતી હશે તો? અથવા તું જ મારો ક્રશ છે એમ વિચારી હા કહીશ અને તે કોઈ બીજો ક્રશ છે એમ માની લઈશ તો?

તો પણ મેં થોડી હિંમત કરી કે હું સાચું કહું, 'હા.'

જીનિષા નીચું જોઈ રહી , 'કોણ છે?'

ત્યાં અર્પણ આવ્યો અને મને ખેંચીને ઉભો કર્યો. 'અરે, દર્શિત, પાણીમાં અંદર આવને. આમ ન ચાલે.'

'પરંતુ જીનિષા અહીં એકલી શું કરશે?' ,મેં બહાનું આપ્યું.

'નો પ્રોબ્લેમ. જીનિષા પણ સાથે આવશે.'

અર્પણે જીનિષાને પણ હાથથી ખેંચી અને અમને પાણી તરફ ધકેલ્યા. જીનિષાને પાણીથી ડર લાગતો હતો. આથી તેણે મારો હાથ પકડ્યો. મેં તરત જ તેની સામે જોયું. તે નીચું જોઈ ચાલતી હતી.

હું અને જીનિષા કેડ-સમાં પાણીમાં ઊભાં હતાં. નેહા અને અર્પણ થોડા આગળ હતાં. અને અર્પણ અમને ત્યાં બોલાવી રહ્યો હતો. હું જીનિષાને હાથ પકડી તે તરફ દોરી લઈ જતો હતો.

'દર્શિત...' ,એટલો જ અવાજ કાને સંભળાયો અને તેનો હાથ મારા હાથમાંથી છૂટ્યો.

જીનિષા ઊંચું મોજું આવતાં પગ નીચેની રેતી ખસી અને નીચે પડી. મોજું પાછું ગયું પરંતુ જીનિષા ક્યાંય દેખાતી ન હતી.

મારા હૃદયમાં એક વીજળી-સમી ફાળ પડી. હું પાણીમાં ગરકાવ થયો. નીચે ઊંડો ખાડો હતો અને લાગ્યું કે જીનિષાનો પગ તેમાં પડ્યો હશે. મારી પાછળ અર્પણ પણ એ તરફ આવ્યો. પાણીમાં નેહાની દૂરથી આવતી ચીસો સંભળાતી હતી અને મોજાઓની પછડાટ.

હું અને અર્પણ બે-ત્રણ વખત પાણીમાં જઈ બહાર આવ્યા. પરંતુ જીનિષાનો કોઈ પતો ન્હોતો.

નેહા ચીસ પાડતી દોડી, 'જીનિષા...' ,અને મેં જીનિષાને દસ પગલાં દૂર કિનારે ઢસડાઈને આવેલી જોઈ.

તે પાણીમાંથી ઉભા થવા કોશિશ કરતી હતી. પરંતુ પાણીથી તે નીચે પછડાતી હતી. હું અને અર્પણ તે તરફ દોડ્યાં.

આસપાસના લોકોની ભીડ ત્યાં ભેગી થઈ.

હું જીનિષાને પકડીને બહાર લાવ્યો. પરંતુ મોઢામાં રેતી અને પાણી ગયું હોવાથી તેને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. મેં તેની પીઠ પાછળ ઘસવા માંડ્યું. અને થોડી વારે અંદરથી બધું પાણી બહાર નીકળી ગયું. હવે, તે થોડાંક અંશે સ્વસ્થ દેખાતી હતી.

હું તેને બે ખભાથી પકડીને હોટેલ-રૂમ લઈ ગયો. અર્પણ અને નેહા પણ અમારી સાથે આવ્યાં.

'આર યુ ઓકે, નાવ?' ,નેહાએ પૂછ્યું.

'યસ, બેટર.' ,જીનિષાએ કહ્યું. પરંતુ હજુ તે પાણીની ઠંડીથી ધ્રૂજતી હતી.

'ધેટ્સ ગુડ' ,અર્પણે કહ્યું, ' નેહા, ગીવ હર ટાઈમ. અને જીનિષા તારે કપડાં ચેન્જ કરી લેવા જોઈએ.'

'રાઈટ.' નેહાએ કહ્યું.

નેહા અને અર્પણ રૂમની બહાર ગયાં. હું પણ જીનિષાને ટુવાલ લપેટી બહાર નીકળવા ઉભો થયો.

'દર્શિત, એક મિનિટ, કમ સીટ.'

'યસ, વોટ?' ,મેં પૂછ્યું.

'થેન્ક્સ દર્શિત. ફોર માય લાઈફ.'

'પરંતુ જીનિષા મેં શું કર્યું છે? હું તો જસ્ટ...'

અને તેણે મારો એક હાથ તેના હાથમાં લીધો અને તેનાં ઉપર પોતાનો બીજો હાથ મૂક્યો.

'બટ, યુ કેર ફોર મી અ લોટ. તું મને જોઈને કેટલો પરેશાન થઈ ગયો હતો.' , અને આ વખતે તે મારી સામે નજરો-નજર જોઈ રહી હતી. 'દર્શિત, આજે ફ્રેન્ડશીપ ડે છે. હેપી ફ્રેન્ડશીપ ડે. ...એન્ડ વિલ યુ એવર સ્ટે માય ફ્રેન્ડ?'

'ઓલ્વેઝ. હું હંમેશા તારી સાથે રહીશ.'

*

અને પછી અમે દીવથી પાછા ફર્યા. અને મેં ખરેખર એ સપનું ખુલ્લી આંખે જોઈ જ લીધું.

હકીકતને સપનાઓથી કોઈ નિસ્બત નથી હોતી,

સપનાઓને હકીકતની કોઈ દરકાર નથી હોતી;

પણ હકીકતને ય એની ખબર નથી હોતી,

કે સપનાઓ વિના હકીકત, હકીકત નથી હોતી.

૧૦

હવે એક ડગલું જ બાકી હતું. કારણકે જીનિષાએ મને "ક્લોઝ-ફ્રેન્ડ બનાવી એ તો સાબિત કરી જ દીધું કે હું તેના માટે ઈમ્પોર્ટન્ટ છું.

'શું દર્શિત? હવે આગળ માટે શું વિચાર્યું છે?' .હું અને અર્પણ કોલેજના પાછળના ભાગમાં ફૂટ-બોલ મેદાન પર બેઠાં હતાં.

'શેનાં વિશે વાત કરે છે?' ,મેં પૂછ્યું.

'તારી અને જીનિષા વિશે. ' ,અર્પણે કહ્યું.

મેદાનનાં સામેના પટ્ટમાંથી જીનિષા અને નેહા અમારી તરફ આવતાં દેખાયાં. નેહાએ આજે વ્હાઇટ ફ્રોક પહેર્યું હતું. જેમાં કાળા અને લાલ રંગના દિલ છુટા-છવાયેલા છપાયેલા હતાં. જીનિષાએ બ્લ્યૂ જીન્સ પર ફૂલ-સ્લિવનું બ્લૅક ટી-શર્ટ પહેર્યુ હતું. તેના ખભા ટી-શર્ટના બે લંબગોળ આકારમાંથી બહાર આવતાં હતાં.

'પ્રપોઝ કરવાં માટે હજુ સુધી કાંઈ જ વિચાર્યું નથી. કારણકે હવે મારી હિંમત થશે એમ મને લાગતું જ નથી. જો એ મને "જસ્ટ ફ્રેન્ડ" માનતી હશે તો! અથવા હાફ- ગર્લફ્રેન્ડ બનવાની કન્ડીશન મૂકી દે તો?' ,મેં અર્પણ સામે જોયું અને અમે હસ્યાં.

'નકામો છે તું. સામે જો. જે નેહા તને દેખાય છે એને મેં તારા જેટલું વિચાર્યા પછી પ્રપોઝ કર્યું હોત તો આજે ભાઈનું એફ. બી. સ્ટેટ્સ સિંગલ હોત! જસ્ટ ગો એન્ડ એક્સપ્રેસ.'

'પરંતુ મને નથી લાગતું કે તે જાણે પણ છે કે હું તેને પ્રેમ કરું છું.' ,મેં જીનિષા તરફ જોઈને કહ્યું.

'જ્યાં સુધી તું તેને સામેથી કહીશ નહીં ત્યાં સુધી એને કેમ ખબર કે કોઈ મિસ્ટર ઇન્ડિયા બની તેને પ્રેમ કરે છે?'

'સુસસસ. સ્ટોપ. હવે, તે બંને આવી ગયા છે. એ ટોપિક પર કોઈ વાત નહિ.' ,મેં અર્પણને ચૂપ રહેવા ઈશારો કર્યો.

પ્રેમમાં હૃદય એક ચિત્રકાર છે અને લાગણીઓ રંગો. લાગણીઓથી પ્રેમનું ચિત્ર દોરાય છે અને ચહેરા પર દેખાઈ આવે છે. અને આજે મને લાગતું હતું કે મારે જીનિષાના ચહેરા પરનું એ ચિત્ર એક લેખક હોવા છતાં સમજવાની કોશિશ કરવી જોઈએ. શું એ ચિત્રનાં બધાં જ રંગો મારી જ લાગણીઓથી બનેલા હશે?

'હેય, ગાયસ. શું વાતો થઈ રહી છે?' ,નેહાએ પૂછ્યું.

જીનિષા મારી બાજુમાં અને નેહા મારી અને અર્પણની વચ્ચે બેઠી.

'બોયઝ સ્ટફ. એ વાત ગર્લ્સ માટે ન્હોતી.' ,અર્પણે નેહાને કહ્યું.

'ધેટ્સ વેરી ફની.' ,નેહાએ કટાક્ષથી કહ્યું.

'સ્ટોપ ઇટ ગાય્સ . કોઈ ટાઈમ-પાસિંગ અને ફન્ની ગેમ રમીએ?' ,જીનિષાએ વચ્ચે જ કહ્યું.

'ગેમ? નહીં ગેમ નહીં, યાર. બૉરિંગ ગેમ્સ મારે નથી રમવી.' ,મેં કહ્યું.

'કેમ ભાઈ! તને શું પ્રોબ્લેમ છે? જીનિષા કહે છે તો રમ ને!' , અર્પણે મને કહ્યું.

'અર્પણ- નેહા! તમે બંને તૈયાર છો ને ગેમ માટે? દર્શિત રમે જ છે.' ,કહીને જીનિષાએ તેનો હાથ મારા હાથ પર મૂક્યો.

ધગ-ધગ...ધગ-ધગ...ધગ-ધગ. હું કંઈ જવાબ બોલી જ ન શક્યો.

'પરંતુ ગેમ શું હશે?' ,નેહાએ જીનિષાને પૂછ્યું.

'હા.અમમ....! એક ગેમ છે!' ,જીનિષાએ કહ્યું. 'જો પહેલા આપણે ચાર નામની ચિઠ્ઠી બનાવીશું. પછી એમાં જેનું નામ આવે તેને બે રાઉન્ડ પૂરા કરવા પડશે. બાકીનાં ત્રણેય એને બે-બે ચિઠ્ઠી આપીને અહીંથી દૂર જતાં રહેશે. એક ચિઠ્ઠીમાં કોઈ ડેર લખવાનું અને બીજી ચિઠ્ઠીમાં એ બે વ્યક્તિ વચ્ચેનું જાણીતું પ્લેસ લખવાનું. પહેલાં એક ડેર પૂરું કરવાનું અને પછી એ વ્યક્તિને શોધવાનો, ઓકે?'

'ગોટ ઈટ'

'ગોટ ઈટ' ,અર્પણ અને નેહા બોલ્યાં.

'ઓકે.' ,અને હું પાછળથી બોલ્યો.

નેહાએ અમારા ચારેયના નામની ચિઠ્ઠીઓ બનાવી અને ખોબામાં એને આગળ ધરી.

'હું લઉં છું.' ,કહેતા જીનિષાએ તરત જ એક ચિઠ્ઠી ખેંચી અને બે હાથ વચ્ચે બંધ કરી, મારી તરફ કરી, હથેળીઓ ખોલી. 'દર્શિત, પ્લીઝ, ચિઠ્ઠી ખોલ ને.'

મેં જીનિષા સામે જોયું અને પછી એ ચિઠ્ઠી તેના હાથમાંથી લઈ ખોલી. 'ઓહ! નહીં યાર. કેમ હું જ?' ,અને આ સાંભળી અર્પણ ખખડતાં હસ્યો. 'બરોબર છે! ચાલો, હવે. ડેર એન્ડ પ્લેસ લખીએ.'

જીનિષા, અર્પણ અને નેહાએ બે-બે ચિઠ્ઠીઓ લખીને મને આપી. પછી ત્રણેય અલગ થઈ પોતે ચિઠ્ઠીમાં લખેલી જગ્યા પર પહોંચી ગયાં. જ્યારે હું હજુ ત્યાંજ બેઠો હતો.

નેહા અને જીનિષાની ચિઠ્ઠીઓ મેં ખિસ્સામાં નાખી અને અર્પણની પહેલી ચિઠ્ઠી ખોલી. તેમાં ડેર લખ્યું હતું : "તારા સૂઝની લેસને ગાંઠ મારી સૂઝને ગળા પર લટકાવ અને તારા સોક્સ એક-એક ખિસ્સામાં બહાર લબડતાં રહે તેમ રાખ અને પછી મને શોધવા આવ."

મેં તેમાં લખ્યાં પ્રમાણે કર્યું. અને બીજી ચિઠ્ઠી ખોલી - "આખા દિવસમાં એક વખત તો ત્યાં તારે જવું જ પડે છે. જ્યાં નેહા કે જીનિષા ન આવી શકે."

હું એ વિશે વિચારતો ચાલતો થયો. સાંજનો સમય હતો. આકાશમાં સંધ્યાનો કેસરીયો રંગ ધીમે-ધીમે ભૂખરો થતો હતો. વાદળોની છાયાથી લગભગ અંધારું જ થઈ ગયું હતું. કોલેજ છૂટ્યાને તો બે કલાક થઈ ગઈ હતી. માત્ર પા ભાગનાં વિદ્યાર્થી અને પ્રોફેસર્સ જ કોલેજમાં હતાં. આથી સૂઝને ગળામાં ટીંગાળવાથી મને વધુ શરમ ન આવી. હું ચિઠ્ઠીની જગ્યા વિચારતો કોલેજ-બિલ્ડિંગમાં ગયો.

અરે હા! હું ગ્રાઉન્ડ-ફ્લોર પર હતો અને દોડ્યો. વોશરૂમ. હા, એ જ જગ્યા હોય ને! એમ વિચારતો હું વોશરૂમ પહોંચ્યો અને ત્યાં જ અર્પણ ઉભો હતો.

હું જઈને તેને ગળે મળ્યો. 'અબે યાર, આવું તો કાંઈ પ્લેસ હોય!'

'આટલું સરસ કલ્યૂ તો આપ્યું હતું.' ,અર્પણે કહ્યું, 'હવે કોની ચિઠ્ઠી છે?'

'નેહા.' ,અને મેં બે ચિઠ્ઠી ખિસ્સામાંથી કાઢી.

"ગો ટુ કેન્ટીન. અને ત્યાં જે કોઈ ગર્લ પેકેટ ખાઈ રહી હોય તેની સામે બેસ. તેના પેકેટમાંથી બે વખત ખાવાનું લે અને પછી એ પેકેટ ડસ્ટ-બિનમાં ખાલી કરી ફક્ત રેપર તેને પાછું આપ."

હે ભગવાન! માર મળવાનો આમાં પૂરે-પૂરો સંદેહ હતો.

'ભાઈ, અર્પણ! તારે સાથે આવવું જ પડશે. કોઈ મારે તો તું કહી તો શકે કે ડેર હતું.' ,અને અર્પણ હસ્યો.

મેં બૂટ-મોજા પહેર્યાં. હું અને અર્પણ કેન્ટીનમાં પહોંચ્યા. અર્પણ કેન્ટીનના દરવાજે ઉભો રહ્યો. મેં અંદર જઇ નજર ફેરવી. હા, બસ આ જ! - મેં મનમાં નક્કી કર્યું. ત્રીજા ટેબલ પર અમારા જ ક્લાસની છોકરી બેઠી હતી. મેં તેને ક્લાસ-રૂમમાં જોયેલી પરંતુ નામ ન્હોતી ખબર. અને એ મને ઓળખે છે કે કેમ? એ પણ સંદેહની બાબત હતી.

મેં ઊંડો શ્વાસ લીધો અને તેની સામે જઈ બેઠો. તેણે મારી સામે જોયું. પરંતુ કશું બોલી નહીં! મેં તેની આંખોમાં નજર અટકાવી. તે કશું બોલી નહીં! મેં ઉપરા-છાપરી બે વખત તેના સીંગ-ભજીયાના પેકેટમાંથી લઈને ખાધું. તે કશું બોલી નહીં! પછી મેં તરત જ ઉભા થઇ તે પેકેટને કચરા-પેટીમાં ખાલી કર્યું અને આવીને રેપર તેનાં હાથ નીચે દબાવ્યું. તે એકા-એક ખડખડાટ હસી. મને લાગ્યું તે હસીને પાછળથી એક ઝાપટ મારશે.

'સોરી! આઈ એમ સો સોરી! આ માત્ર ડેર જ હતું. હું તારો જ ક્લાસ-મેટ છું. દર્શિત. સોરી, પ્લીઝ.' ,મેં બે આગલી આંગળીઓના ટેરવા અને અંગુઠા વચ્ચે કાન પકડ્યા.

'ઇટ્સ ઓકે, દર્શિત.' ,તે હજુ હળવું હસતી રહી, 'હું સોનિયા. ' ,અને મારી સાથે હાથ મિલાવ્યો.

હું તેને "બાય" કહીને કેન્ટીનની બહાર નીકળ્યો અને નેહાની બીજી ચિઠ્ઠી ખોલી. "બધાને કોલેજમાં આવવા-જવાં તે જગ્યાએ પહોંચવું જ પડે. એના વિના એન્જીનીયર, એન્જીનીયર ન બને."

પાર્કિંગ? હું અને અર્પણ દોડા-દોડ પાર્કિંગ પહોંચ્યા. પરંતુ ત્યાં નેહા ન હતી. કોલેજમાં પહોંચવા બીજી કઈ જગ્યાએ પહોંચવું પડે! અને એન્જીનીયર બનવા ડીગ્રી, નહિ! પ્રોજેક્ટસ, નહિ! બેકલોગ, નહિ! એક્ઝામ! હા, ગેટ-એક્ઝામ આપવી પડે. અને કોલેજમાં આવવાં ગેટ પાસે તો પહોંચવું જ પડે.

હું અને અર્પણ હાંફતા શ્વાસે ત્યાં સુધી પહોંચ્યા. અને હા, નેહા ત્યાં જ ઉભી હતી.

હવે છેલ્લી બે ચિઠ્ઠી હતી, જીનિષાની. મેં તેની એક ચિઠ્ઠી ખોલી. " ડેર તને જગ્યા પર પહોંચ્યા પછી મળશે." મેં એ ચિઠ્ઠી ખિસ્સામાં નાખી અને બીજી ચિઠ્ઠી ખોલી - "એ જ પ્લેસ જ્યારે મૂન અને સન પહેલી વખત સામ-સામે હતાં. જ્યાં પહોંચવા ચોર બનવું પડે.

આવી તો એક જ જગ્યા હતી. જ્યાં મેં એને પહેલી વખત જોયેલી. જીનિષાનો હોસ્ટેલ રૂમ. અને ત્યાં જવા છુપાઈને જવું પડે.

અંધકાર પડછાયાની જેમ પથરાઈ ગયો હતો. વાદળોની દોડા-દોડીનાં હાંફથી ગરજાટ સંભળાતો હતો. એ મેઘ-મંચ ઉપર જાણે વીજ ડમરુ વગાડતી તાંડવઃ કરતી હતી. મેઘ-રાજા જાણે વાટ જોઈને ઉભા હતા. પવનના સુસવાટા મારા વાળને વિરૂદ્ધ દિશામાં ફેંકી દેતાં હતાં અને પાછળથી આવતી નાની નાની લહેરકીઓ કાનમાં ગલી-ગલી કરીને દૂર નાસી જતી હતી.

હળવો વરસાદ શરૂ થયો. કોલેજમાં બધે જ પાવર કટ-ઓફ થઈ ગયો. હું જીનિષાની હોસ્ટેલનાં ગેટ સુધી પહોંચ્યો. અંધકારની આડશમાં સંતાઈને હું અંદર ગયો. જીનિષાનો રૂમ ત્રીજા માળે હતો. વીજળીનાં ઝબૂકતા અંજવાળે હું કોઈ ન દેખે એમ તેના રૂમ સુધી પહોંચ્યો.

મેં બારણાને ટકોરા મારવા હાથ અડાડયો. તે ખુલ્લું જ હતું. ચૂરરર...અવાજ સાથે મેં બારણાને ધક્કો માર્યો અને અંદર ગયો. અંદર ચીરી ન શકાય તેવું અંધારું હતું. બારીઓ અને પડદા બંધ હશે! એટલે જ તો વીજળીનો પ્રકાશ પણ પહોંચતો ન્હોતો.

અચાનક મારી આંખો પર કંઈક પડ્યું અને હું પાછળ ખેંચાયો. મારી આંખોને પટ્ટાથી બંધ કરાઈ હતી. ‘કોણ છે?...જીનિષા આ તું છે? આન્સર મી. અને મને આંખે પાટો કેમ બાંધ્યો?’

મારા આ પ્રશ્નોના પડઘા જ રૂમમાં સંભળાતા હતાં. કોઈ વખત વીજળીના કડાકા પાછળ એ પડઘો સૂક્ષ્મ બની શૂન્ય થઈ જતો હતો.

એક મહત્તમ ગરજાટ સાથે વરસાદનો અવાજ વધ્યો. અને મારા બે હાથ કોઈએ પકડ્યા. પાછળથી ધીમા અવાજે જેસ-મ્યુઝિક શરૂ થયું. તેણે મારો એક હાથ તેના ખભા પર મુક્યો. મેં એ હાથ નીચે તેની હાથેળી સુધી લસરાવ્યો. એ પાંદડી જેવી કોમળ ત્વચા હતી. પણ એ જીનિષા હતી? કેમ કે જીનિષાએ આજે ફુલ-સ્લિવનું ટી-શર્ટ પહેર્યું હતું.

અમે ધીમે ધીમે ડાન્સ કરતા હતાં. અને જ્યારે તે બોલી ત્યારે ખાતરી થઈ કે તે જીનિષા જ છે.

'દર્શિત, પ્લીઝ, લિસન. જ્યારે તે મને પહેલી વખત જોયેલી, એ દિવસે જ મેં પણ તને જોયેલો. શાયદ, એ જ સમય હતો જ્યારથી આપણી વચ્ચે લાગણીનો સંબંધ બનશે જ એવાં વિચાર મારા મનમાં બેસી ગયેલા. હું પણ તારી ફ્રેન્ડશીપ ઇચ્છતી રહી અને અંતે આપણે કેન્ટીનમાં ફ્રેન્ડ્સ બન્યા. એ પછી હું હંમેશા તારી નજીક આવવાં ઇચ્છતી રહી અને આપણને દિવની એ ટ્રીપ મળી. યાદ છે? મેં એ દિવસે સવારે તારા અને મારા હાથમાં એક ટેટૂ દોરેલું! "જે.ડી". એ જુનિયર દર્શિત નહીં પરંતુ.....જીનિષા-દર્શિત હતું. અને એની નીચે દોરેલું મોર-પંખ આપણી બે વચ્ચેની લાગણીઓ બતાવતું હતું. ટ્રીપ પર જ મને ખબર પડી કે તું મારી કેટલી કેર કરે છે. અને આથી જ મેં તને મારો બેસ્ટ-ફ્રેન્ડ બનાવ્યો. પરંતુ આજે હું તને કહેવા માગું છું- દર્શિત, આઈ લવ યુ. આજ સુધી હું મારી જાતને રોકતી આવી છું. કારણ કે આપણી વચ્ચે પ્રેમ-સંબંધ થયા પછી પણ હું નથી ઇચ્છતી કે આપણી મિત્રતા પ્રેમ પાછળ ભૂંસાઈ જાય. મારે દર્શિતની મિત્રતા અને પ્રેમ બંને જોઈએ છે. આપણી વચ્ચે ઉલ્ફત હોવી જોઈએ. આથી, હું હવેથી કહીશ- હું તને ઉલ્ફત કરું છું. આઈ ઉલ્ફત યુ દર્શિત.'

અને તેણે હાથથી મારી આંખ પરનો પટ્ટો નીચો કર્યો. રૂમ મીણબત્તીઓના પ્રકાશથી ઝગમગતો હતો. જીનિષાએ બ્લોક હિલ્સના સેન્ડલ પહેર્યા હતા અને ઉપર ઘેરા વાદળી રંગનું ફ્રોક. છાતીથી ઉપરનાં ભાગમાં નેટ હતી અને તેમાં કોતરણીની ડિઝાઇન હતી. ગળામાં ૐ ના પેન્ડલ સાથેનો ચેઇન, હોઠ પર લાલ રંગની લિપસ્ટિક, કાનમાં ડ્રિમ-કેચરના પીંછાથી બનાવેલી ઈયરિંગસ, આંખોમાં કાજળ અને વાળ અડધા આંબોળામાં અને નીચેના ચોટલો ગુંથીને ખભા પર ટેકવ્યા હતાં. તદુપરાંત, મીણબત્તીનું અંજવાળુ અને વીજળીનો ભૂરો ચમકારો જાણે તેનાં ચહેરાની ખૂબસૂરતી ખુલી પાડતાં રાસ રમતાં હતાં.

'આઈ ઉલ્ફત યુ, જીનિષા.' , હું આંખો બંધ કરી તેની નજીક ગયો. - - -

*

૧૧

હું મારા ક્લાસ-રૂમમાં બેઠો હતો. મારી સિવાય રૂમમાં બીજા બે વ્યક્તિ હતા. એમાંથી એક સોનિયા હતી.

હું મોબાઈલમાં ડૂબેલો હતો. કાનમાં હેન્ડ્સ-ફ્રી લગાવેલા હતા અને જીનિષાના આવવાની રાહ જોતો હતો.

'હેય, દર્શિત.' ,મને ગીતના અવાજ પાછળ ઝીણો અવાજ સંભળાયો. એ સોનિયા હતી. પરંતુ મેં ઊંચુ ન જોયું. હું ન્હોતો ઇચ્છતો કે તે દિવસની કેન્ટીનની વાત પર તેણી ફરીથી કોઈ કટાક્ષ કરે.

'દર્શિત.' ,હવે અવાજ નજીકથી આવ્યો. મારા ખભા પર હાથ પડ્યો અને તેણે થપથપાવ્યો.

મેં હેન્ડ્સ-ફ્રી કાનમાંથી બહાર કાઢ્યા.

'દર્શિત, શું તું ફ્રી છે?'

'હ, હું ફક્ત કોઈની રાહ જોવું છું' ,મેં દરવાજા તરફ જોઈને કહ્યું.

'તું મને હેલ્પ કરીશ?'

'હા, જરૂર. કોઈ પ્રોબ્લેમ છે?' ,મેં સહજતાથી પૂછ્યું.

'એ દિવસે, આપણે જ્યારે કેન્ટીન મળ્યાં હતાં, યાદ છે? ત્યારે વરસાદ હતો! હું જ્યારે ઘરે પહોંચી તો રૂમની બારી હું બંધ કરવાની ભૂલી ગઈ હતી અને ટેબલ પરનાં મારા બધા જ અસાઈમેન્ટ્સ ભીના થઈ ગયાં હતાં. તો આજે મારે ફરીથી લખીને બતાડવું પડશે. અને હવે લાસ્ટ અવર જ બાકી છે. પ્લીઝ, પ્લીઝ, પ્લીઝ.'

'ચોક્કસ. મને પેજીસ્ આપ.' ,મેં હેન્ડ્સ-ફ્રી લગાવેલ મોબાઇલ બેન્ચ નીચે મુક્યો

સોનિયા જઈને તેનું બેગ, અસાઈમેન્ટ્-પેજીસ્ અને બાકીનો સામાન લઈ મારી પાસે આવી બેઠી.

હું તેના અસાઈમેન્ટ્સ લખવામાં વ્યસ્ત થયો. સોનિયા કદમાં નેહા કરતાં સહેજ ઊંચી અને શરીરમાં પણ વધારે હતી. તેણે બ્લેક એન્કલ-લેંથ જીન્સ પર લાલ ક્રેપ ટોપ પહેર્યું હતું. હાથમાં ડિઝાઇનવાળી વાદળી અને ગુલાબી રંગની નેઇલ-પોલીસ કરી હતી. જ્યારે એ પેનથી લખતી ત્યારે એ આંગળીઓ નજર ખેંચી લેતી હતી અને પોની માથાના હલવા સાથે ઝૂંમરની જેમ ઝૂલતી હતી.

'તું લેખક છે?' સોનિયાએ મારી તરફ જોઈને પૂછ્યું. મારુ ધ્યાન લખવામાં હતું. 'મને ક્લાસની ગર્લ્સ પાસેથી ખબર પડી.'

'હમ.'

'તું શું લખે છે? આઈ મીન, સ્ટોરીસ, આર્ટિકલ્સ? ' ,તેણે બેન્ચ પર કોણીથી ટેકો દીધો અને મારા તરફ જોઈ રહી.

મેં તેના તરફ નજર ફેરવી. 'હજુ મેં ટૂંકી-વાર્તાઓ અને કવિતાઓ લખી છે. પરંતુ હજુ સુધી કાંઈ પબ્લિશ કર્યું નથીં.'

'ઓ....કે.ય..' , તે લચકથી બોલી. 'હું પણ સ્ટોરીસ લખું છું. શું તું મને તારું કલેક્શન આપીશ?'

તે બેગમાં કંઈક શોધવા લાગી અને બાઇન્ડિંગ કરેલો એક ચોપડો કાઢ્યો.

'આમાં છે. મારું બધું જ લખેલું.' ,તેણે બહાર નીકળેલ લટને સરખી કરી. પાછળથી છુપાયેલા ખંજન હોઠની પડખે દેખાયા.

'વાઉ, ધેટ્સ ગ્રેટ.' ,હું વિસ્મયતાથી જોઈ રહ્યો. કારણકે આજ સુધી મેં લેખકનો પુત્ર હોવા છતાં મારા લેખનને આટલી ગંભીરતાથી લીધું ન હતું. 'મારી પાસે કલેક્શન નથી. હું મોટે ભાગે કાગળમાં લખું છું. તો હું તને કાલે તે બધાં શોધીને આપીશ.'

'ઇટ્સ ઓકે.'

અને અમે ફરીથી અસાઈમેન્ટ્સ લખવામાં વ્યસ્ત થયાં.

'જીનિષા....અહીં છે..' ,ક્લાસ-રૂમનાં બારણાં પર અર્પણનો અવાજ સંભળાયો, પાછળથી જીનિષા આવી.

'દર્શિત, કોલ તો રિસીવ કર.' ,જીનિષા એ બેગ બેન્ચ પર નાખ્યું અને પાટીયા પર બેઠી. 'હું અને અર્પણ તને આખી કોલેજમાં શોધી આવ્યાં.'

મેં સાંભળ્યું છે - ઘણી વખત પોતાની પ્રેમિકાને કહેતાં - તું ગુસ્સામાં તો વધારે સુંદર લાગે છે. મને વિચાર આવે - પણ એવું હોઇ જ કેમ શકે? એક જ વ્યક્તિ બધી પરિસ્થિતિમાં ખૂબસૂરત લાગી શકે! ગુલાબને પણ નીચે કાંટા હોય છે, કમળની સુંદરતા તેની કેડ સુધી જ હોય છે, નીચે તો કાદવ જ હોય છે અને ચંદ્રને તો પૂનમમાં જ બહુ મોટો ડાઘ દેખાઈ આવે છે. મારા મંતવ્ય મુજબ સુંદરતાના સ્તર હોવા જોઈએ.

જા-ની-વા-લી-પી-ના-રા

રાતો - રજ જેટલી સુંદરતા

નારંગી - કામુક સુંદરતા

પીળો - મોહક સુંદરતા

લીલો - સંતુલિત સુંદરતા

વાદળી - પોતાને જ શરમાવે એવી સુંદરતા

નીલો - અકલ્પનીય સુંદરતા

જાંબલી - પરમ સુંદરતા

આપણાં ચેતનમાં રહેલા સાત ચક્રો સાત રંગોના છે અને તે વિવિધ સુંદરતા બતાવે છે. જીનિષાની અકલ્પનીય - નીલી સુંદરતા મેં દિવની ટ્રીપ પર જોયેલી. જ્યારે તે બસમાં સોર્ટ્સ પહેરીને, ખુલ્લા વાળમાં, હોઠ બીડીને બારીની બહાર જોઈ રહી હતી - અને હું તેને.

આજે ગુસ્સામાં તેની સુંદરતા વિશે કહેવું મુશ્કેલ છે. કેમ કે ચહેરા પર બધાં જ રંગો મિશ્રિત થઈ મેઘ-ધનુષ્યનો વર્ણપટ બની સામે આવતાં હતાં.

'મેં અર્પણને કહ્યું તો હતું...'

'તારો ફોન ક્યાં છે?'

મેં ફોન પહેલાં ખિસ્સામાં શોધ્યો અને પછી બેન્ચ નીચેથી બહાર કાઢ્યો. 'જો, હેડ્સ-ફ્રી લગાવેલ છે અને ફોન પણ સાઇલેન્ટ છે.'

'પરંતુ વાઈબ્રેટમાં તો રાખી શકે ને!' અર્પણ પહેલી વખત મારા પર ગુસ્સે થયો હતો - તેના ચહેરા અને અવાજ પરથી એ ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો.

'ઇટ્સ ઓકે. સોરી, બસ, ખુશ.' ,મેં વાતને સમાધાન તરફ વાળી.

પછી કોઈ કાંઈ ન બોલ્યું. મેં અસાઈમેન્ટ્સ લખવામાં ધ્યાન પોરવ્યુ.

'પૂરું, સોનિયા. હવે કાંઈ બાકી?' ,મેં પન્નાઓ ભેગા કરી સોનિયાને આપ્યા.

'નહીં. બસ. હું સબમિટ કરાવી ને આવું. અને થેન્કયું, દર્શિત.'

સોનિયા બેગ પેક કરી, પન્નાઓ ફાઈલમાં ગોઠવી, ક્લાસ-રૂમની બહાર નીકળી ગઈ.

'હું કેન્ટીન જાઉં છું. સી યુ લેટર.' ,કહીને અર્પણ પણ બહાર ગયો અને જીનિષા એ તેને હાથ હલાવી 'બાય' કહ્યું.

'હજુ ગુસ્સે છે? આઈ એમ સોરી.' ,મેં જીનિષાનો હાથ પકડ્યો.

'નહીં. ગુસ્સે નહીં. બસ કોલેજ ફરીને થાકી ગઈ તો એ બધું તારા પર, જુનિયર.' ,તે હસી. 'તારે સોરી કહેવાની જરૂર નથી.'

મેં તેને હાથથી ખેંચી મારી બેન્ચમાં પડખે બેસાડી.

બેન્ચ પર સોનિયાનો ચોપડો હતો, તેના પર ફોન અને હેન્ડ્સ-ફ્રી અમારા બંનેના એક -એક કાનમાં. બંનેના પગ પાટીયા પર ટેકવેલા અને નીચેથી ક્રોસ કરેલા હતાં. તેની આંગળીઓ મારી હથેળીમાં હતી અને તેના વાળ પંખાના પવનને લીધે મારા ચહેરા પર ઉડીને આવતાં હતાં.

'આ શું છે?'

'ઓહ, એ સોનિયાની સ્ટોરીસનું કલેક્શન છે. મને વાંચવા આપ્યું છે.'

*

'હેલો, ગુડ મોર્નિંગ.' ,

મેં મીંચેલી આંખે પડખેથી મોબાઈલ લીધો અને કાને રાખ્યો.

'ગુડ મોર્નિંગ, જેનુ.' ,મારો અવાજ ઝીણો હતો.

'અમમ...સોનિયા.'

'ઓહ, હેલો, સોનિયા.' ,મેં આંખ ખોલી પરંતુ બારીમાંથી આવતાં પ્રકાશથી બંધ થઈ જતી હતી.

'દર્શિત, ઇટ્સ માય બર્થડે. તો તમે બધા સાંજે આવી શકશો? મારા ઘરે?'

'ઓકે' ,સામેથી અવાજ શાંત થયો. 'એન્ડ હેય, હેપ્પી-બર્થડે'

'થેન્ક-યુ. દર્શિત.'

'વેલકમ,બાય'

'બાય,સાંજે મળીયે.'

મેં તરત જ જીનિષાને કૉલ કર્યો.

'હાઇ, મોર્નિંગ.' ,જીનિષાના અવાજ પાછળથી પાણીનો અવાજ ધીમો-વધતો આવી રહ્યો હતો.

'ક્યાં છે તું?'

'શાવરીંગ.'

'સરસ. વીડિયો કોલ?'

'શટ અપ.' ,ફુવારાનો અવાજ બંધ થયો.

'તું કેમ આજે આટલો વહેલો ઉઠ્યો?'

'અરે હા, સોનિયાનો કોલ હતો. તારે તેની સાથે વાત થઈ?'

'એનો જ કૉલ આવી રહ્યો છે. તું કૉલ કટ કરીશ તો હું એની સાથે વાત કરું ને! આમેય એણે તારી સાથે પહેલા વાત કરી જ લીધી છે તો તું જ કહી દે ને. સોનિયાનો ભાઈ!'

'એએય... હું એનો ભાઈ નથી. ઓકે. અચ્છા, વાત એ છે કે આજે સોનિયાનો બર્થડે છે અને તેણે આપણને તેના ઘરે જવા કહ્યું છે. આપણે જવાનું છે?'

મેં જવાબની રાહ જોઈ. 'હેલો,...હેલો....જીનિષા.'

'હા, જઈશું જ ને!' ,અને કોલ બીપના અવાજ સાથે કપાયો.

*

હું અને અર્પણ હોલની એક દિવાલ પર ટેકો દઈને ઉભા હતાં. જીનિષા-નેહા ગિફ્ટ લેવા મોલ ગયેલા અને હજુ સુધી પહોંચ્યા ન્હોતા.

હોલમાં છતથી દોરી લંબાવી કલીપ સાથે સોનિયાના ફોટા ટીંગાવેલા હતાં. છત પર રેડીયમના તારા અને ગ્રહો ચીપકાવેલા હતાં. જે એક આકાશગંગાનો શૂન્યાવકાશ દેખાડતાં હતાં. ડિસ્કો-લાઈટનાં ફરતાં રંગો દર પાંચ સેકન્ડે આંખને આંજી દેતા હતાં. અંધકાર એટલો હતો કે કોઈને સ્પષ્ટ જોઈ શકાય તેમ ન્હોતું. પરંતુ એ બર્થડે ડેકોરેશનનો જ જાણે એક ભાગ બની ગયો હતો. મ્યુઝિક વાગતું હતું. ચોક્કસ પણે એ હોલિવૂડ મ્યુઝિક હતું. જે મેં ક્યારેય અગાઉ સાંભળ્યું ન હતું, હા,રોમાંચક જરૂર હતું. સોનિયના પરિવારના દંપત્તિઓ અને રિલેશનશીપવાળા અમારા મિત્રો એ મ્યુઝિક ડાન્સ કરીને માણી રહ્યા હતાં. એ ભીડની વચ્ચે હું પણ જીનિષાને છાતીની નજીક રાખી ડાન્સ કરતો ભીતનાં ટેકે ઉભો-ઉભો કલ્પી રહ્યો હતો.

'હેલો, સોરી! ટ્રાફિક વધારે હતો.' ,જીનિષા એ આવીને કહ્યું.

જીનિષાએ એ જ વાદળી રંગનો નેટવાળો ડ્રેસ પહેર્યો હતો જે તેણે મને પ્રપોઝ કરતી વખતે પહેર્યો હતો, પરંતુ અંધારું અને લાઇટસ્ની ઇફેક્ટને લીધે એ કાળા રંગનો દેખાતો હતો.

'લેઇટ નથી થયું. હજુ સેલિબ્રેશન બાકી છે. ' ,અર્પણે કહ્યું. અર્પણ નેહાના ખભે હાથ રાખી ઉભો રહ્યો.

'ગિફ્ટ ક્યાં છે?' ,મેં પૂછ્યું.

'તે ડેકીમાં છે. સેલિબ્રેશન પછી લઈ આવીશું.'

જીનિષા મારી બાજુમાં આવીને ઉભી રહી અને મારી કેડ ફરતે હાથ રાખ્યો.

'લેટ્સ ડાન્સ.' ,નેહા અર્પણને ખેંચી ભીડમાં લઇ ગઈ. મેં જીનિષા તરફ જોયું.

'ચલ.' ,તેણે જવાબ આપ્યો

નેહા અને અર્પણ કપલ ડાન્સ કરતાં હતાં પરંતુ હું અને જીનિષા કંઈક નવો જ પ્રયત્ન કરતાં હતાં. કારણ કે એ હોલીવુડ મ્યુઝિકમાં ટેપ ડાન્સ સરળતાથી કરી શકાતો હતો. જીનિષાના હિલ્સનો અવાજ "બાઝ" પાછળ ફ્લોર પર પછડાવાથી સંભળાતો હતો.

દસ મિનિટ પછી મ્યુઝિક બંધ થયું. બધા સેલિબ્રેશન માટે ભેગા થયાં. કેક ટેબલ પર મુકવામાં આવી અને સોનિયા સફેદ ફ્રોક પહેરી, ખુલ્લા વાળ પર ટીઆરા લગાવી ટેબલ પાસે આવી. તેના ગાલ પરનો મેક-અપ બધાની ફ્લેશ-લાઇટ્સ અને મીણબત્તીની પ્રકાશને લીધે સફેદ ગુલાબ પર છાંટેલા કંકુની જેમ ઉભરી આવતો હતો.

"હેપ્પી બર્થડે ટુ યુ! હેપ્પી બર્થડે ટુ યુ! હેપ્પી બર્થડે ડીયર સોનિયા, હેપ્પી બર્થડે ટુ યુ..." અને તાળીઓ સંભળાતી રહી. બધાને કેક પણ અપાઈ ગઈ.

'હેલો એવરીવન. પહેલા તો આભાર અને ખાસ કરીને મારા મોમ-ડેડને.' ,ફરીથી તાળીઓ પડી. 'આજે હું મોમ-ડેડ માટે થોડું લખીને આવી છું. જે હું તમને સંભળાવીશ.'

મમ્મી-પપ્પા. તમે હંમેશા મારા જીવનમાં સર્વોપરી રહ્યા છો અને રહેશો. આજ સુધી તમે મને કહ્યું નથી કે તમે મને કેટલો પ્રેમ કરો છો! છતાં સતત મેં અનુભવ્યું છે અને મેં પણ કહ્યું નથી અને માનું છું તમે પણ એમ જ અનુભવ્યું હશે. પપ્પા મારામાં તમારો જ અંશ છે. એટલે જ તો તમે મને સૌથી વધુ પ્રેમ કરો છો, મમ્મી કરતાં પણ વધારે. મારી દરેક જરૂરિયાતને પૂરી કરવા સતત પ્રયત્ન કરો છો. આપણા ત્રણના આ પ્રેમ-સંબંધમાં ક્યારેય સ્વાર્થનો પડછાયો પણ જોવા નથી મળ્યો. મને શું ભાવે છે! એ તમારા બંનેનું મનપસંદ ભાણું બની ગયું, મને ગમતા કાર્ટૂનસ તમારો ફેવરિટ ટી.વી. શો થઈ ગયો, મારી જીદ તમારી ફરજ અને મારે જે બનવું છે એ તમારા સપનાં બની ગયા છે. મને આજે પણ એ વિચારીને વિસ્મયતામાં પડી જવાય છે કે તમે રોજ તમારા મન પર વમળની જેમ ઘૂમતી ચિંતાઓને ઘરના બારણે મૂકીને એક સ્મિત સાથે મારી પાસે આવો છો! કેવી રીતે? કેવી રીતે તમે ભેગા થયેલા થાકને મને પ્રેમ કરવામાં, સમય આપવામાં ફેરવી દો છો? એ મારી માટે જાદુથી કમ નથી. હું તોફાન કરું તો પણ એનો ઠપકો તમે મમ્મીને સંભળાવતા, અને એ પણ વિના દલીલ સાંભળતી, જાણે તમને બંનેને મારા તોફાન તમારા ચહેરા પર દેખાતા અણગમા જેટલા જ ભિત્તરમાં ગમતાં હોય. મારો પહેલો પ્રેમ, મારા પહેલા મિત્ર, મારા ભાઈ-બહેન, મારો પરિવાર તમે બંને જ છો. તમારો આભાર માનવામાં અતિ-શંયોક્તિ થશે. ઈશ્વરનો આભાર ન મનાય, એમની સામે ઝૂકીને આશિર્વાદ મંગાય. તમે એક એવા વિશ્વાસની પાળ બાંધી છે કે જીવનમાં કોઈ પણ મુશ્કેલી ઉભી થશે, કોઈ ભૂલ થઈ જશે તો એ હંમેશા ટેકો આપશે. એક એવો હાથ કે જે મારા ઉત્સાહ અને હતાશામાં હાથ પકડી રાખે છે અને રાખશે.

અને અંતે હું એટલું કહીશ કે, મને કોઈ પૂછે કે તારા માટે સૌથી ખૂબસૂરત શું? તો હું જવાબ કહીશ કે - એ પળ, જયારે તમારાં બંનેના ચહેરા પર સ્મિત હોય અને એ પાછળનું કારણ હું બની હોય.

ટેબલ પર , કાગળ નીચેની મીણબત્તીના પીગળવા સાથે સોનિયાની આંખોમાંથી પણ આંસુ ગાલથી લસરીને ટપકતાં હતાં.

લોકોએ તાળીઓ પાડી એ તો જોયું કે એ આંસુઓ હવે સ્મિતમાં અદ્રશ્ય થઈ ગયાં પરંતુ કદાચ તેઓ સોનિયાની મુઠ્ઠીમાં કાગળનો ડૂચો થયો એ જોવાનું અને એ સ્મિત પાછળ સરતી રિક્તતા પારખવાનું ચૂકી ગયાં. તાળીઓ બંધ થાય એ પહેલાં જ સોનિયા સામાન્ય કરતાં વધારે ઝડપથી સીડીના પગથિયાં ચડી ગઈ.

લોકો પોત-પોતાની વાતોમાં ફરીથી ડૂબી ગયા. અમે એ જ ભીંત પાસે જઈ ઉભા રહ્યા.

'મને લાગે છે હવે સેલિબ્રશન થઈ ગયું તો આપણે ગિફ્ટ આપી દેવી જોઈએ.' ,જીનિષા એ કહ્યું.

'હા, તું અને નેહા લઈ આવો.' અર્પણે કહ્યું. જીનિષા-નેહા બહાર ગયા.

'હું આવું એક મિનિટ. તમે અહીંયા જ મારી રાહ જોઈ ઉભા રહેજો.'

'ક્યાં જાય છે?' ,અને હું અર્પણના પ્રશ્નનો જવાબ આપ્યા વગર બધા વચ્ચેથી પસાર થઈ ઉપરના માળે ગયો. સોનિયાના રૂમમાં.

રૂમમાં પહેલા પગલે જ હિબકાનો અવાજ સંભળાતો હતો.

હું અંદર ગયો અને બારણું અડધું બંધ કર્યું.

'શું થયું, સોનિયા?'

સોનિયા ટેબલ-લેમ્પ પાસે સેટીને કોણીથી ટેકો દઈ જમીન પર બેઠી હતી. તેના હાથમાં ફોટો ફ્રેમ હતી.

હું જઈને તેની પડખે બેઠો. એનો પ્રત્યુતર હજુ ખડખડ વહેતા આંસુનાં અવાજ થી જ મળતો હતો.

'કોણ છે તે?' ,મેં તેનો ચહેરો હડપચીથી મારા તરફ ફેરવ્યો.

'સારા.'

ફોટામાં ડ્રોઈંગ-રૂમનાં સોફા પર સોનિયા, તેના મમ્મી-પપ્પા અને સારા બેઠેલા હતાં. સોનિયાને ખભા સુધીના વાળ હતાં અને સારાને બહુ ઝીણા વાળ હતા. આ એક જ ભેદ તેમને જુદા તારવતો હતો.

'અમે ત્યારે દસ વર્ષના હતા, જ્યારે આ ફોટો પડાવ્યો હતો. અને અમારી સાથે તેની છેલ્લી યાદ છે.'

'તો તે અત્યારે ક્યાં છે?'

'નથી રહી.'

'આઈ એમ સોરી.'

સોનિયાના આંસુ તેના સફેદ ફ્રોક પર પડતાં હતાં અને રંગો જેમ ડાઘ પાડે એમ ભીનાશ છોડી દેતાં હતાં.

'સારાને મેન્ટલ-ડિસઓર્ડર હતો. કેટલાંક કહેતાં તેને વળગણ છે. પરંતુ તેને સેલ્ફ-ઈંજરીની આદત હતી.'

'એટલે?'

'ડોકટર્સ કહેતાં કે તેને શબ્દોથી, સામન્ય માણસની જેમ ,પોતાની લાગણીઓ વ્યક્ત કરતા નથી આવડતું, એટલે જ્યારે તે ગુસ્સે હશે, દુઃખી હશે, ચિંતામાં હશે ત્યારે-ત્યારે તે પોતાને જ હાનિ પહોંચાડશે. સારા નખથી પોતાના હાથમાં ચીરા પાડી દેતી, લોહી નીકળી આવે. આથી અમે એના નખ કાપી નાખતા અને વાળ પણ. ભાગી બહુ જતી. સાંકળથી બાંધીને રાખવી પડતી. કોઈ બીજાને કાંઈ કરતી નહીં, પરંતુ પોતાને જ ઇજા કરતી રહેતી. જિદ્દી હતી. જે જોઈએ એ જોઈએ જ. ઘરમાં કોઈનું સાંભળતી નહીં. માત્ર મારી સાથે જ નોર્મલ બિહેવ કરતી. મને એ પસંદ હતી.'

ચહેરાને વાંચી શકાય છે અને આંખોને સાંભળી શકાય છે, જો પ્રયત્ન અને આવડત હોય તો. સોનિયાની આંખો સારા માટેની તેની લાગણી કાન પાસે આવીને સંભળાવતી હતી.

'અમે સમર-વેકેશનમાં રાજસ્થાન જવાં નીકળ્યાં હતાં. હાઇવે-હોટેલમાં જ્યારે લંચ માટે ગયાં ત્યારે તેને અચાનક યાદ આવ્યું હોય એમ એની ઢીંગલીની જિદ્દ કરવા લાગી. જે ઢીંગલીથી તે ક્યારેય રમતી નહીં. મોમ-ડેડે ઘણું સમજાવ્યું પણ બધું વ્યર્થ હતું. અંતે અમે તેને રિસેપ્શન-કાઉન્ટર પાસે બાંકડા પર મમ્મીના દુપટ્ટાથી બાંધીને રાખી. મને ખબર હતી કે હજુ તેની જીદ સમી નથી. અમે અંદર જઈ ટેબલ પર બેઠા, જ્યાંથી ગ્લાસ-ડોરમાંથી તે નજરમાં રહે. પરંતુ બે મિનિટ માટે અમે વ્યસ્ત થયાં કે તે દુપટ્ટો ખોલી ગાયબ હતી. અમે બહાર દોડી આવ્યા. તે ગેઇટ તરફ દોડતી દેખાતી હતી. અમે 'સારા...સારા...' બૂમાબૂમ કરતાં પાછળ દોડી રહ્યા પરંતુ તે રોડ વચ્ચે પહોંચી અને ટ્રક સામે ટક્કર લીધી.'

'તું હજુ તેને પસંદ કરે અને યાદ પણ, નહીં?'

મેં મારી પાંપણ પર અનુભવ્યું કે પાંદડી પરથી લસરી આવતાં પાણીનાં ટીપાની જેમ લસરેલા આંસુ લટકતાં હતાં.

'હા. નિઃસંદેહ. હું એની એટલી નજીક હતી કે તેને ભૂલવું હજુ સુધી શક્ય બન્યું નથી.'

મારો હાથ સોનિયાના ખભા પર હતો. સોનિયાનું માથું મારી છાતી પર અને તેનો ડાબો પગ મારા લંબાવેલા પગ પર.

'પરંતુ એ તારા કરતાં વધારે ખૂબસૂરત લાગે છે.'

'સાચું છે. તે છે. જ્યાં પણ તે છે.'

વ્યક્તિ રહે કે ન રહે. જો એના સ્મરણ આપણને બાંધીને રાખતાં હોય તો એ વ્યક્તિ બીજા માટે ભલે નહીં પણ આપણી માટે તો છે જ, આપણી પાસે, સાથે, માટે, આપણામાં.

'દર્શિત, તારી સ્ટોરીઝ! તે મને હજુ આપી નથી.'

'બે-ત્રણ દિવસમાં. સોરી.'

બારણું ખુલ્યું. જીનિષા-નેહા-અર્પણ અંદર આવ્યાં. જીનિષાના હાથમાં ગિફ્ટનું બોક્સ હતું.

'સોરી, ગાયસ.' કહીને તેણે બોક્સ સેટી પર ઘા કર્યું અને બહાર નીકળી ગઈ.

૧૨

'નમસ્તે, અંકલ. નમસ્તે, આંટી.' ,દર્શિત દરવાજા પાસે પહોંચ્યો કે કાજલના માતા-પિતા પણ કારમાંથી હજુ ઉતરીને અંદર આવતાં હતાં.

'તું દર્શિત છે! દેખાય છે તો કાજલે કહ્યું હતું એવો જ.' ,દર્શિત અને કાજલની મા હસ્યાં. પરંતુ કાજલના પિતા નફરતથી નાક લાલ કરીને ઉભા હતાં.

'કાજલ ક્યાં છે?'

'કાજલ! આવ, એ અંદર જ છે હોલમાં.' ,કાજલની માએ દર્શિતને બારણું ખોલી આપ્યું.

'ઓહ! આંટી એક મિનિટ, હું તો ભૂલી જ ગયો. આ રાખો. મોમએ મીઠાઈ મોકલી છે.' ,દર્શિત હૉલમાં ગયો.

દર્શિતને કાજલે તેના ઘરે રાત્રે જમવા માટે બોલાવ્યો હતો. જેથી દર્શિત બધાને અને બધા દર્શિતને ઓળખી શકે.

સોફા પર કાજલ અને પ્રેયશ પાસ-પાસે બેઠા હતાં અને ટી.વી. જોઈ રહ્યા હતા. ટીપાઈ પર બટેકાની વેફર્સનું બાઉલ ભર્યું હતું અને બે-ત્રણ કાચ પર વેરાઈને પડી હતી. બાજુમાં ફાઈલો અને કાગળ પડ્યા હતા. બાજુના સોફામાં પ્રેયશના પિતા બેઠા હતાં. એ ફોન પર વાત કરી રહ્યા હતા અને વાતો પરથી વહીવટ એમનાં મકાનના દસ્તાવેજનો હતો એવું લાગી રહ્યું હતું.

કાજલના પિતા તેમની પડખે બેઠાં હતાં. દર્શિત કાજલની બાજુમાં બેઠો અને કાજલની બીજી બાજુ પ્રેયશ.

પ્રેયશ સાથે દર્શિતની થોડી વાત થઈ. દર્શિતે ક્યાંથી ડીગ્રી મેળવી? દર્શિત આગળ શું કરવા ઈચ્છે છે? લેખકની જિંદગી કેવી હોય? પ્રેયશને ડીગ્રી અબ્રોડથી લેવાનો વિચાર કેમ આવ્યો? તેને શેનો બિઝીનેસ છે? જેવી પ્રશ્નોત્તરી સામ-સામે થઈ.

વાત કરવા દર્શિત પ્રેયશ તરફ નમીને બેઠો હતો અને આથી તેના પગ કાજલને સ્પર્શ કરતાં હતાં. કાજલના પિતાને એ ખચકતું હતું. મોં ટી.વી. તરફ પણ નજર ત્રાંસી રાખી હતી. જ્યારે કાજલ તો ટી.વી. જોવામાં મશગૂલ હતી.

'હવે, તો તારી લાઈફ સેટ થઈ ગઈ છે. તો મૅરેજ માટે કાંઈ વિચાર્યું છે?' ,આ પ્રશ્ને પ્રેયશ કરતાં કાજલના પિતાનું ધ્યાન વધારે ખેંચ્યું.

'વિચાર તો છે જ. બસ કોઈ મળે તેની શોધમાં છું.'

'શોધમાં કે મળી ગઈ છે?' ,દર્શિતે હસીને પૂછ્યું.

'ખબર નથી.' ,પ્રેયશે કહ્યું અને નજીક આવીને પૂછ્યું, 'તારો શું પ્લાન છે?'

'મને તો મળી ગઈ છે. જે મને પસંદ કરે છે. સુંદર છે. મને પહેલી વખતમાં જ ગમી ગયેલી. સ્વભાવ મસ્તી-ભર્યો છે. હંમેશા બોલ-બોલ કરે છે...વગેરે...વગેરે. વધારે નહીં કહું. એના વખાણમાં શબ્દો ખૂટે ને આમેય પાછો હું લેખક, નહીં કાજલ?' ,દર્શિતે કાજલને મુઠ્ઠીથી હાથ પર માર્યું.

'મને ખબર છે. સારી રીતે.' ,અને કાજલ-દર્શિત હસ્યાં. પ્રેયશને વાતની ઊંડાણમાં ખબર ન હોવા છતાં હસવું પડ્યું.

'મિતાલી, હું બહાર જઈને આવું.' ,કહીને કાજલના પિતા નીકળી ગયાં.

એ પછી બધા એકસાથે ડાઇનિંગ ટેબલ પર જમવા બેઠાં. અને મીઠાઈઓમાં વાતોની ભેળસેળથી જમવાનું પત્યું.

કાજલ, પ્રેયશ અને દર્શિત ઉપર જઈ કાજલના રૂમની બાલ્કનીમાં ઉભા હતાં.

'દર્શિત, તે જે મને પ્રશ્ન પૂછ્યો એ કાજલને પૂછેલો?'

'અમમ...તું જ અત્યારે પૂછી લે.'

"પ્રેયશ, નીચે આવ તારો ફોન વાગે છે." પ્રેયશને બોલાવ્યો અને એ નીચે ગયો. કાજલ દર્શિત તરફ જોઈ રહી.

'કયો પ્રશ્ન? પેલો મેરેજનો?'

'હા, મને લાગે છે પ્રેયશ પણ તને પસંદ કરે છે. મેં જોયું છે. તું ટી.વી. જુએ અને એ તને. તું ફોગટની ચિંતા કરે છે. એક વખત એને હિંમત કરી પૂછી તો લે.' ,દર્શિતે કહ્યું.

કાજલ નજર ફેરવી દૂર તાકી રહી.

'પરંતુ હવે કોઈ ફાયદો નથી.'

'કેમ શું થયું?'

'મમ્મી-પપ્પા મારા મૅરેજ કરવાની થોડા દિવસ પહેલા વાત કરતાં હતાં. તેઓ કોઈને પસંદ કરી લેશે તો હું પછી ના નહીં કહી શકું.' ,કાજલ ઢીલી પડી ગઈ હતી. દર્શિતે તેનો હાથ પકડ્યો.

'એ પહેલાં તું જ વાત કરી લે તો. અથવા પ્રેયશને જ પ્રપોઝ કરી દે અને એને કહે કે તેના પેરેન્ટ્સ તારા પેરેન્ટ્સ સાથે વાત કરે.'

'હું નહિ કરું. જો પ્રેયશને હું પસંદ હોઈશ તો એ જ મને સામેથી કહેશે. જો એને મારા મૅરેજ થશે એવી વાત ખબર પડશે અને તો પણ એ કાંઈ કોશિશ નહીં કરે તો હું બીજું શું કરી શકું!' ,દર્શિત હજુ તેની નજીક ખસ્યો.

'એવું પણ હોઈ શકેને કે એ વાત સાંભળી પ્રેયશ એમ માને કે તું એને પસંદ નથી કરતી એટલે તને ખુશ જોવા તારા મેરેજનો રોકવાની કોશિશ જ ન કરે. એના કરતાં બહેતર છે તું જ સામેથી કહી દે.'

'ઓકે.'

'પ્રોમિસ?' ,દર્શિતે તેનો ગાલ કાજલને સ્પર્શતો રાખ્યો.

'હા, હું કોશિશ કરીશ.'

'અહંમ...' કાજલ અને દર્શિત દૂર જઇ પાછળ ફર્યા. 'કાજલ, તને તારી મા બોલાવે છે.

એ કાજલના પિતા હતા. કાજલ નીચે ગઈ અને દર્શિતના ફોન પર તેની મમ્મીનો કોલ આવ્યો અને તે વાત કરતો નીચે ઉતરી ગયો.

*

'કેમ આજે બહુ ખુશ છે?' ,દર્શિતે પૂછ્યું.

સાંજનો સમય હતો. કાજલ અને દર્શિત સબ-વેના એ જ ટેબલ પર બેઠા હતાં જ્યાં તેઓ હંમેશાથી બેસતાં આવ્યા છે.

'હા, એ જ વાત કહેવા તને અહીં બોલાવ્યો છે અને એટલે જ આજે મેં એ કપડાં પહેર્યા છે જે આપણે પહેલી વખત મળ્યાં ત્યારે પહેરેલા.'

એ જ બ્લેક હાફ-સ્લિવ ટી-શર્ટ અને તેના પર ભરત કરેલી બ્લ્યુ રંગની ડેનિમ કોટી. નીચે લાઈટ બ્લ્યૂ જીન્સ અને સ્લિમ સેન્ડલ. સ્ટ્રેટ કરેલા વાળ છૂટાં રાખ્યાં હતાં

'પ્રોમિસ કમ્પ્લીટ. મેં કાલે પ્રેયશને વાત કરી કે હું તેને પસંદ કરું છું. અને તે સાચું કહ્યું હતું, એ પણ મને પસંદ કરે છે. તેણે મને હા પાડી. અને પછી અમે બંને રાત્રે ડિનર માટે પણ સાથે બહાર ગયાં હતાં. પરફેક્ટ ડિનર એન્ડ નાઈટ.' ,કાજલે કહ્યું. કાજલની ખુશી એની આંખોના દર્પણથી પરિવર્તિત થતી હતી.

'શું વાત કરે છે? સાચે!' ,દર્શિત પણ આ વાત સાંભળીને એટલો જ ખુશ થયો.

'અને હા એણે મને એક ગિફ્ટ પણ આપી છે. પરંતુ મેં હજુ એને ખોલી નથી. એણે જ ના પાડી હતી.'

'કેમ?'

'એણે કહ્યું છે કે હું થોડા દિવસમાં જ મમ્મી-પપ્પા સાથે આપણા સંબંધ વિશે વાત કરીશ અને જ્યારે આપણું નક્કી થાય ને પછી જ તું ગિફ્ટ ખોલ જે.' ,કાજલે કહ્યું,'દર્શિત, તારા મોબાઈલમાં કોલ આવે છે.'

'સરસ. તો હવે થોડાંક જ દિવસમાં તો સગાઈ થશે નહીં?'

દર્શિતે કોલ રિસિવ કર્યો.

'હેલો, કોણ છે? ...હા, ડોકટર...શું?...કેમ?...હવે... હા, ઓકે...હમણાંજ પહોંચ્યો.', અને દર્શિત ઉભો થયો.

'શું થયું દર્શિત?' ,કાજલ પણ ઉભી થઈને બોલી.

'હોસ્પિટલથી ડોકટરનો કોલ હતો. મારે જવું જોઈએ.'

'હું આવું જ છું સાથે.'

*

કાજલ અને દર્શિત હોસ્પિટલ રૂમમાં એક ખૂણામાં ઉભા હતાં અને રૂમમાં થતી હલચલ જોઈ રહ્યા હતાં.

'મિસ્ટર ત્રિવેદી તમે પ્લીઝ બહાર આવી જાઓ.'

એક ડોકટર કાજલ-દર્શિતને બહાર લઈ આવ્યા.

'શું થયું છે? કોઈ કાંઈ કહેતું કેમ નથી.?

'અમે અમારા તરફથી પૂરતી કોશિશ કરી રહ્યાં છીએ. હાલ તો એવું લાગે છે કે રાજગોપાલજીએ છેલ્લા કેટલાંક દિવસથી જમવાનું પ્રમાણ ઘટાડી દીધું છે અને ઉપરથી હાઈ-પાવરની દવાઓને લીધે કમજોરી આવી ગઈ છે.' ,ડોકટરે સમજાવતા કહ્યું.

'કોઈ વધારે સીરીયસ વાત તો નથી ને!' ,દર્શિતે છતાં ચોખવટ કરવાં પૂછ્યું.

'અમારી ફરજ છે કે તમને જાણ કરીએ અને એટલા માટે જ કોલ કરી બોલાવવા જરૂરી હતા. અને હા, એવું પણ હોઈ શકે કે લાસ્ટ-સ્ટેજ આવી ગયું હોય.' ,ડોકટર કહીને રૂમમાં ગયાં.

દર્શિત મુઠ્ઠી બંધ કરીને ઉભો રહ્યો. જ્યારે લાગણીઓ મિશ્રિત થાય છે ત્યારે જ વ્યક્તિને પોતાનાં પર જ ઘૃણા થઈ આવે છે. દર્શિતને એક તરફ માને કહેવાથી શું થશે નો ડર હતો, બીજી તરફ પિતાનો પ્રેમ છૂટતો જવાનું દુઃખ, નસીબને કોસવાથી થતી નફરત અને એ નસીબ સામે અસહાય, નિઃપ્રયાતન બેસી રહેવાનો પછતાવો.

કાજલ અને દર્શિત બાંકડે બેસી રહ્યા. બે કલાક પછી રિપોર્ટ્સ સાથે એ જ વાત મળી કે લાસ્ટ-સ્ટેજ છે.

'દર્શિત, હવે મોડું થાય એ પહેલાં તારે આંટીને વાત કરી દેવી જોઈએ.' ,કાજલે દર્શિતનો હાથ પકડતાં કહ્યું.

'તું સાચું કહે છે. હું બે-ત્રણ દિવસમાં જ કહી દઈશ.' ,દર્શિતે વિચારતાં કહ્યું કે કહીશ તો કેવી રીતે કહીશ?

'પરંતુ આજે આપણે હોસ્પિટલ આવ્યાં એ ન કહી શકાય નહીં તો તેમને ખબર પડી જશે કે મને પહેલે થી જ આ વાતની જાણ હતી.'

'હું મારા ઘરે કોલ કરી દઉં કે આજે રાત્રે હું દર્શિતના ઘરે રહીશ. આંટીને મારુ થોડું કામ છે અને દર્શિત સાથે પ્રોજેકટ પણ કરવાનો છે એવું બહાનું કાઢીશ.'

'અને મારા ઘરે મોમને એમ જ હશે કે હું કોલ-સેન્ટર ગયો હોઈશ.' ,દર્શિતે કહ્યું.

'લાગે છે ફોન ઘરે જ રહી ગયો. તારો ફોન આપીશ.'

દર્શિતે ફોન કાઢ્યો. પરંતુ એ બેટરી પૂરી થઈ જવાથી સ્વીચડ-ઓફ હતો.

'કોઈ પ્રોબ્લેમ નથી. સવારે જઈને જ કહી દઈશ.'

મિત્રતા એ પ્રેમનું જ એક સ્વરૂપ છે. પ્રેમમાં મિત્રતા હોય છે અને મિત્રતામાં પ્રેમ હોય જ છે. પ્રેમમાં અપેક્ષા હોય છે અને મિત્રતામાં સ્વીકૃતિ હોય છે.

'મેં તારી ડાયરી વાંચી. હજુ બાકી છે થોડું વાંચવાનું પણ તું કહે ને પછી શું થયું? સોનિયાની બર્થડે પાર્ટી પછી! તે જીનિષાને લેટર લખ્યો હતો ને!' ,કાજલે પૂછ્યું

'હા, જીનિષાને એ લેટર મેં એટલી લાગણીથી લખ્યો હતો તો કામ કેમ ન કરે?'

'તો શું થયું?!'

'ધીમે-ધીમે બધું બરોબર થઈ ગયું. જીનિષાએ મારી અને સોનિયાની મિત્રતાને સ્વીકારી લીધી. અમારું ગ્રુપ હવે પાંચનું થઈ ગયું હતું. અમે સાથે જ લંચ કરતાં. અમે મૂવી જોવાં પણ સાથે જતાં. ઓલ સેટ.' ,દર્શિત એ પળોને મનમાં ને મનમાં વાગોળી રહ્યો.

'અને એના પછી શું થયું?' ,કાજલે પૂછ્યું.

'હવે, નહીં કહું. તું થાકી ગયેલી લાગે છે. તારી આંખો કહે છે. તારે સુઈ જવું જોઈએ. લાગે છે ગઈ કાલે રાત્રે તું અને પ્રેયશ એકસાથે સવાર સુધી જાગ્યા હશો! ',અને બન્ને પવનની લહેરકીથી હળવેથી પીંછું ઊંચું થાય એમ હસ્યાં.

કાજલ નજીક આવી અને દર્શિતના ખભા પર માથું ઢાળી સૂઈ ગઈ. દર્શિત છાતી પાસે રિપોર્ટર્સની ફાઇલ રાખી વિચારતો રહ્યો કે શું તેના પિતા તેની પહેલી નવલકથા જેના હવે થોડાક જ પ્રકરણ બાકી છે તે વાંચી શકશે!

૧૩

સવાર પડતાં દર્શિત કાજલને લઈ તેણીના ઘરે પહોંચ્યો.

દર્શિતનું આર. એક્સ. ૧૦૦ હજુ આવીને ઉભું રહ્યું કે ઘરમાંથી કાજલના માતા-પિતા અને દર્શિતની મા બહાર આવ્યા.

દર્શિત અને કાજલને સમજાયું નહીં કે ઘરમાં થયું છે શું?

'તને તો હું પછી જોઈ લઈશ. મિતાલી, આને અંદર લઈ જા.' ,કાજલના પિતાએ તેને કાંડેથી પકડી એક ઝાટકે તેની મા તરફ મોકલી. તે કાજલને ઘરમાં ખેંચી ગયાં. પ્રેયશે ઘરનું બારણું અંદરથી બંધ કરી દીધું.

કાજલના પિતા દર્શિતની નજીક આવ્યા અને તેને તસમસ્તો તમાચો માર્યો. દર્શિતના હાથમાંથી ફાઇલ નીચે પડી. હજુ દર્શિત બોલવા સીધો થયો કે બીજા હાથથી તમાચો આવ્યો અને ફરીથી ત્રીજો.

'ક્યાં હતાં તમે બંને ગઈ કાલે રાત્રે? એ પણ આખી રાત. કોઈને ખબર પણ ન કરી. ન કોઈ મિત્રોને વાતની જાણ હતી. ઉપરથી બંનેના ફોન બંધ.' ,કાજલના પિતાએ એ ગુસ્સાથી કહ્યું જે તેમણે દર્શિતને કાજલની નજીક પહેલી વખત જોયો ત્યારથી આજની પળ સુધી તેમનામાં ઉભરાઈ રહ્યો હતો. કદાચ, પોતાનો શક સત્ય તરીકે સાબિત થવાની ખુશી એ ગુસ્સાથી વ્યક્ત કરી રહ્યા હતાં.

દર્શિતની મા આ જોઈ રડી રહી હતી. અને. તેમને ખભેથી પકડીને ઉભેલ કાજલની માની પણ સમાન હાલત હતી.

'અંકલ, તમે જે વિચારી રહ્યા છો એવું કાંઈ જ નથી. મારી અને કાજલ વચ્ચે માત્ર મિત્રતાનો સંબંધ છે અને ગઈ કાલે રાત્રે કાજલ તેનો ફોન ઘરે ભૂલી ગઈ હતી અને મારો ફોન બેટરી પૂરી થવાથી સ્વીચડ-ઓફ થઈ ગયો હતો.'

અને ફરીથી એક તમાચો આવ્યો. આ વખતે દર્શિત હલબલી ગયો.

'બહાના ન કાઢીશ. ક્યાં હતાં ગઈ કાલે? મને એક જ જવાબ જોઈએ છે.'

દર્શિતે તેની મા સામે જોયું અને મૌન રહેવાનું પસંદ કર્યું.

'પ્રેયશ, દરવાજા પરથી દૂર જા. પ્લીઝ. મને બહાર જવા દે. તું મારા પર શંકા કેમ કરે છે?' ,કાજલે પ્રેયશને દૂર ખસેડવાનો પ્રયત્ન કરતાં કહ્યું.

'કાજલ, હજુ બે દિવસ પહેલા તે મને પ્રપોઝ કર્યું અને હવે આ ગઈ કાલની વાત. મને શંકા કેમ ન થાય? હું તારી વાત સાચી માનવા તૈયાર છું પણ તું કહે તો કે કાલે રાત્રે તમે બંને ક્યાં હતાં?'

'હું બધું તને સમજાવીશ પરંતુ અત્યારે નહીં. મને તું બહાર જવાં દે.'

બધાને હંમેશા પરિસ્થિતિને આધીન જ જીવવું પડે છે. કોઈ પરિસ્થિતિમાં એવું પણ હોઈ શકે કે બધા જ સાચા હોય પરંતુ એ પરિસ્થિતિ જ બધા માટે ખોટી ઉભી થઇ હોય.

'મોમ, તને પણ મારા પર વિશ્વાસ નથી! તને તો ખબર છે ને હું અને કાજલ ફ્રેન્ડ્સ છીએ. કોઈ મારી વાત સાંભળવા તૈયાર કેમ નથી.' ,દર્શિત ઘૂંટણીએ બેસી ગયો. તેની આંખોમાંથી સરતા આંસુ તેની માતાના વિશ્વાસનો ખોબો શોધી રહ્યા હતાં.

'દર્શિત, જ્યારે હકીકત સામે હોય ત્યારે વિશ્વાસ હમેશા હારી બેસે છે. જે પરિસ્થિતિ સામે છે એ પ્રમાણે શંકા જ સામે આવે છે.' ,દર્શિતની માએ કહ્યું. દર્શિતના એ આંસુ જમીન પર પડી શોષાતા રહ્યાં.

કાજલના પિતાએ પ્રેયશને બારણું ખોલવા કહ્યું અને કાજલને કાંડેથી ખેંચીને બહાર લઈ આવ્યા.

'તું બોલ, ક્યાં હતાં બંન્ને? મને તમારા બંને પર પહેલાથી જ શંકા હતી. મિત્રતાનાં નામે રામ જાણે શું કરીને આવ્યા હશો!' ,અને કાજલના ગાલ પર આંગળીઓની છાપ પાડતો તમાચો પડ્યો.

'એક મિનિટ . તમારી બધી કોશિશો પર અત્યાર સુધી અમારી મિત્રતા ખરી ઉતરી છે પરંતુ કાજલ પર તમે લાંછન લગાવી રહ્યા છો એટલે હું હાર માનવા તૈયાર છું.'

દર્શિત ફાઇલ લઈને ઉભો થયો અને કાજલના પિતાને આપી.

'અમે બંને ગઈ કાલે આખી રાત હોસ્પિટલમાં હતા. મારા પિતાની તબિયત બહુ ખરાબ થઈ હતી અને એટલે ડોકટરનો કોલ આવેલો. મારા પિતા હવે કેન્સરના લાસ્ટ-સ્ટેજમાં છે પરંતુ મારા પિતાને કેન્સર છે એ વાત મેં જ કાજલને માથી છુપાવવાની કહી હતી. કેમ કે મા પર એની શું અસર થશે એ વિચાર-માત્રથી હું કહેવાથી ડરતો હતો. તમારી શંકાઓ હંમેશાથી ખોટી જ હતી. કાજલ મિત્રતા સાબિત કરવામાં સફળ રહી છે. અને તમને એ પણ કહી દઉં કે એ પ્રેયશને પસંદ કરે છે. મારાથી તમને જે મુશ્કેલી થઈ હોય એ માટે સોરી અંકલ, સોરી આંટી અને મોમ પ્લીઝ મને માફ કરી દેજે.'

બધું જ જાણે એકસાથે શિથિલ થઈ ગયું. કાજલના પિતા કાજલ અને પ્રેયશ તરફ જોઈ રહ્યા. કદાચ, હવે તેમનામાં પછતાવો અને શંકાઓ ખોટી પડવાનો નિર્વાણ પામતો આનંદ હશે.

દર્શિતની મા તેની પાસે આવી અને દર્શિતને તમાચો લગાવી દીધો. તે રડતાં રડતાં ઘરમાં ચાલ્યાં ગયાં - નિઃશબ્દ.

*

એ દિવસ પછી દર્શિતની મા તેની સાથે બહુ ઓછું બોલતાં. દર્શિત પણ કામ સિવાય ઘરે જતો નહીં. બંનેના સંબંધમાં જાણે અર્ધ-પારગમ્ય પડદા જેવી પાતળી રેખા અંકાઈ ગઈ હતી. દર્શિત બે વખત જમવા આવે તો પણ કોઈ વાત નહીં, બસ ખાવાનું પીરસીને રૂમમાં જતાં રહેતા. હોસ્પિટલ આવવા માટે પણ દર્શિતના આર. એક્સ. 100 પાછળ બેસવાને બદલે રિક્ષાનો ઉપયોગ કરતા.

જે થયું તે સારા માટે થયું - એ વાક્ય હંમેશા પોતાને સાંત્વના આપવાને બહાને બેફકૂફ બનાવવા વપરાતું હોય છે. હકીકતમાં એ પહેલાં એક વખત તો એ વિચાર જન્મેલો જ હોય છે - મારી સાથે જ કેમ! અને પછી એ બહાનું ઉપજે છે.

કાજલ પણ એ જ વાક્ય વારંવાર પોતાને અને દર્શિતને સંભળાવી અને સમજાવી રહી હતી.

'મારા માટે જે થયું તે થયું. કેમ કે મા ને એક દિવસ તો ખબર પડવાની જ હતી.' ,દર્શિતે હોસ્પિટલ રૂમની બારી બંધ કરતાં કહયું. તો પણ બારીને ધ્રુજાવતો શિયાળાની આગાહી કરતો સવારનો મોસમી પવન વાતો હતો.

કાજલ દર્શિતને ચૂપ-ચાપ સાંભળતી હતી. 'જો કે તારા માટે તો સારું જ થયું. હવે, પ્રેયશે કે તેના પિતાએ તારા મોમ-ડેડ સાથે વાત કરવાની જરૂર નહીં પડે, નહિ?'

'એ કહે હવે સગાઈ ક્યારે છે?'

'બે અઠવાડિયા પછી.' ,કાજલે કહ્યું.

'કૉંગ્રેચ્યુલેશન.'

'હા, થેન્ક યુ.' ,કાજલે વાતને ફેરવવા કહ્યું. 'દર્શિત, હવે તારી આગળની વાત તો કહે. ડાયરી વાંચવાનો ટાઈમ નહીં રહેતો.'

'હું અને સોનિયા કોલેજના લોનમાં ઝાડ નીચે બેઠાં હતાં. સંધ્યા ખીલું-ખીલું થઈ રહી હતી. યાદ છે? મેં સોનિયાને પ્રોમિસ કરી હતી કે હું તેને મારા લેખનનું કલેક્શન આપીશ. એમાંની એક વાર્તા હું તેને સંભળાવતો હતો. સોનિયાએ પૂછ્યું, 'શોર્ટ-સ્ટોરી છે? અને નામ?'

મેં કહ્યું, 'હા. નામ છે " રાહમાં ". હવે, તું સાંભળે છે કે નહીં?'

સોનિયા હોઠ પર આંગળી રાખી અને નમીને મારા લંબાવેલા પગ પર માથું ટેકવ્યું. અને એના ચહેરા પર હાથમાં ડાયરીમાં રાખેલા કાગળ માંથી વાર્તા વાંચવાની મેં શરૂ કરી.

'વર્ષોથી ચાહેલો અને મનમાં ને મનમાં ઝંખેલો પ્રેમ જો મળી જાય (તેઓ ભાગ્યશાળી હોય છે!) તો હૃદયમાં એટલો આંનદ ઉભરાઈ આવે છે કે, જિંદગીનું પોટલું બાંધી તેની જ સાથે દૂર ને દૂર સફર કરવાનું મન થાય કેમ કે , આપણે સંતોષથી છલોછલ થઇ ગયા હોઈએ છીએ. જિંદગીમાં બધું જ મળી ગયું હોય અને ખુશીઓમાં જ ન્હાવાનું છે, એવું થઈ આવે!

રાધિકાના લગ્ન સુબોધ સાથે થતાં તેને એનો પ્રેમ મળી જ ગયો. હકીકતમાં, રાધિકાને તે જ સમયથી સુબોધ ગમવા લાગ્યો હતો, જ્યારે સુબોધ તેનાં પરિવાર સાથે રાધિકાનાં ઘરે તેને જોવાં આવ્યો હતો. એ જ દિવસે બન્ને પરિવારોએ સંબંધ બાંધવા તૈયારી બતાવી અને બે મહિના પછી તેમની સગાઈ થઇ.

સુબોધ નોકરીનાં કારણસર માતા-પિતાથી અલગ શહેરમાં રહેતો હતો અને સગાઈ પછી રાધિકા પણ તેની સાથે રહેવાં લાગી.

સુબોધને વહેલાં ઉઠાડવો, તૈયાર થવામાં મદદ કરવી, ઓફિસના સમય પહેલાં સુબોધને ભાવતું ભોજન બનાવી ટિફિન તૈયાર કરવું , તેનાં ઓફિસ જવાથી ઘરમાં થયેલાં શૂન્યવકાશમાં સાંજ પડવાની રાહ જોવી, એનાં પાછા ફરતાં એને ભેટી પડવું અને તેની સાથે વાતો કરતાં સમય પસાર કરવો રાધિકાને મન રાત-ભર જોયેલાં સપનાંને દિવસે જીવવાં બરાબર જ લાગતું !

સુબોધને જાણ તો હતી જ કે રાધિકા હવે તેને પ્રેમ કરવાં લાગી છે. સુબોધ પણ તેને હૃદયથી ચાહતો હતો, પરંતુ હૃદયમાં કંઈક સંતાડી. રાધિકા તેનો પ્રેમ ન્હોતી! સુબોધને કૉલેજ સમયે ગરિમા સાથે પ્રેમ થયો હતો. તેનો પહેલો પ્રેમ અને તેઓ હજુ એકબીજાને પ્રેમ કરતાં હતાં.

સુબોધ પહેલાં જ સાચું કહી શક્યો હોત, પરંતુ રાધિકાનું કામણગારું રૂપ પહેલી વખત જોઈને તે લલચાયેલા મને કશું બોલી ન શક્યો અને જ્યારથી તેને લાગ્યું કે રાધિકા તેનાં પ્રેમમાં છે, ત્યારથી તેને ડર બેસી ગયો કે જો સાચું કહેશે તો રાધિકાનું દિલ તૂટશે. રાધિકાને મન સુબોધ જ તેની જિંદગી હતો. તે કંઈક ઊંધું પગલું ન લઈ લે! આ તરફ ગરિમા પણ તેને એટલો જ પ્રેમ કરતી હતી. સુબોધ દરરોજ સાંજે તેને મળતો પણ રાધિકા વિશે કંઈ કહી શકતો નહિ.

જ્યારે રાધિકા સુબોધનાં હૃદય સાથે સેતુ બનાવવાં મથતી હતી. જેમાં તરતાં બધાં પથ્થરો પર એક જ નામ હતું - સુબોધ,સુબોધ, સુબોધ...!

બરાબર સગાઈને છ મહિના થયે તેમનાં લગ્ન થયાં. રાધિકા હવે સુબોધની અર્ધાંગિની હોવાથી વધુ ને વધુ અધિકાર બનાવતી હતી.

સુબોધે ભૂલથી એકસાથે બે માટલાં માથાં પર ચડાવી લીધા હતાં. અને હવે ભાર વધતો જણાતો હતો. એટલે એક માટલું ફોડવું જ પડે તેમ હતું.

તેણે એક દિવસ હિંમત કરી પત્ર લખ્યો અને રાધિકાને આપ્યો.

પ્રિય રાધિકા,

બહું લાંબી વાત નહીં કરું. કદાચ, એટલું લખતાં-લખતાં એકઠી કરેલી હિંમત વેરાઈ ન જાય! મેં તારાથી એક વાત છુપાવી છે. હું કોઈ બીજાને પ્રેમ કરું છું. તેનું નામ છે ગરિમા. અને તે જ મારો સાચો પ્રેમ છે. હું તને એ પ્રેમ ક્યારેય નહિં આપી શકીશ નહિ. અને શક્ય હોય તો આપણી વચ્ચે બનેલાં સંબંધને ભૂંસવામાં મારી મદદ કરજે. માફી તો તારા માટે હવે શક્ય નહીં હોય, છતાં કહું છું મને માફ કરજે!

- સુબોધ.

આટલું વાંચતા કાગળ આંસુઓથી ભીનો થઈ ગયો. રાધિકાએ પત્રનો મુઠ્ઠીમાં ડૂચો કર્યો અને સુબોધ સામે થોડી ઘડી તાકી રહી. પછી તે રૂમમાં દોડી ગઈ અને દરવાજો અંદરથી બંધ કર્યો.

સુબોધ તરત જ તેની પાછળ ધસી આવ્યો અને કેટલીય વખત દરવાજો થપ-થપાવ્યો, પરંતુ રાધિકાએ ન જ ખોલ્યો.

જો તમારામાં કોઈને જોઈતો પ્રેમ આપવાની તાકાત ન હોય તો, કોઈની જિંદગી ખરાબ કરવાનો અધિકાર પણ નથી જ!

બે દિવસ થયાં છતાં રાધિકા હજુ રૂમમા જ હતી. સુબોધ બે દિવસથી ઓફિસ ગયો ન્હોતો. બે દિવસ પછી રાધિકા બહાર આવી. તેની સુજેલી આંખો જોઈ સુબોધ સમજી ગયો કે, તેણે ફોડેલાં છલોછલ માટલાનું પાણી રાધિકાની આંખોમાંથી વહીને બહાર આવ્યું છે.

તેને જોતાં જ સુબોધ બોલ્યો, 'રાધિકા...' અને તેનાં હાથમાં થેલો જોઈ અચકાયો, 'ક્યાં જાય છે તું?'

રાધિકા : 'હું આ ઘર છોડીને જાવ છું. તમે અને ગરિમા અહીં રહી શકો છો. મને કોઈ મુશ્કેલી નથી. પણ મારી એક શરત છે.'

સુબોધ કાંઈ બોલ્યો નહીં. તેનાં ગળે ડૂમો ભરાઈ ગયો.

રાધિકા : 'મારા માતા-પિતા સામે આપણે પતિ- પત્ની તરીકે જ રહેવું પડશે. તેમનું હૃદય આ ધક્કો સહન કરતાં પહેલાં જ બંધ થઈ જશે. હું આ જ શહેરમાં ભાડે ઘર રાખી રહીશ. અને મારી સલાહ માનો તો આ વાત ગરિમાને પણ ન કહેતાં! નહીં તો, મારી સાથે તમે પણ પ્રેમ ગુમાવશો.'

સુબોધ : 'પણ, આજે જ જવાની જરૂર નથી. તું થોડા દિવસ અહીં રહી શકે છે.'

રાધિકા : 'તમે જ મારી જિંદગી છો. એટલે તમારાં જીવન અંત સુધી પ્રેમ કરવો મારી ફરજ છે. ત્યાં સુધી મરવું પણ શક્ય નથી. અને હવે તમારી કરતાં તમારાં સ્મરણો સાથે દિવસો વિતાવવાનાં છે એટલે અત્યારથી જ આદત બનાવવી સારી રહેશે.'

રાધિકા અલગ રહેતી થઈ ત્રણ મહિના પછી ગરિમા સુબોધ સાથે ઘરમાં રહેવાં લાગી.

રાધિકા હવે સુબોધના પ્રેમનો કાળો પાટો બાંધી આંધળા-પટ્ટાનો દાવ ઘરમાં એકલી-એકલી રમતી હતી. તેને વાસ્તવિક જીવન કરતાં સુબોધની કલ્પનાઓથી ઉભું થયેલું જીવન જીવવામાં વધુ રસ હતો. તે આખો દિવસ સુબોધને સંબોધીને પાત્રો લખવામાં વ્યસ્ત રહેતી. પોતાની ઈચ્છાઓ, ખુશીઓ, આદત , ગુસ્સો, નફરત,દુઃખ બધુ જ તે સુબોધને પળે-પળે કહેવાં માંગતી હતી પણ પછી વાસ્તવિકતાનો ખ્યાલ આવતાં એ પત્રો સાચવીને મૂકી દેતી.

આ તરફ સુબોધ ગરિમા સાથે સંતોષિત જીવન ગાળતો હતો. બે-ત્રણ દિવસે તે રાધિકાનાં ઘરે જઈ તેને મળી આવતો હતો.

સાચો પ્રેમ કરનારાનેં ક્યારેય વળતાં પ્રેમની આશા હોતી નથી. અને પોતાના પ્રેમી તરફથી સતત મળતું રહેતું દુઃખ પણ તેઓ આંખોમાં દબાવીને જીવતાં હોય છે, જ્યાં સુધી પ્રેમની પોતાની ભૂલનો પશ્ચયાતાપ ન થાય. પરંતુ સુબોધે રાધિકાની આંખોમાં તેનાં પ્રેમની કવિતા અને પોતાની ભૂલોનાં ગોટાળા વાંચવાની કોશિશ જ ન કરી!

ધીમે-ધીમે ત્રણ વર્ષ વીતી ગયાં. સુબોધનું સ્વાસ્થ્ય કથળવાં લાગ્યું. તેની કિડની ફેઈલ થઇ ગઇ હતી અને ડૉક્ટરોના કહેવાં મુજબ તેનું બચવું અશક્ય હતું.

માંદગીનાં લીધે તે છેલ્લા કેટલાંક મહિનાઓથી રાધિકાને મળી શક્યો ન્હોતો. તેને પણ ખબર હતી કે તેનાં અંતનાં દિવસો નજીક છે. તેણે ગરિમાને એક પત્ર આપ્યો અને પોતાનાં મૃત્યું પછી જ એને ખોલાવો એવી શરત કહી.

પરંતુ નારાયણની ઇચ્છામાં થોડી ઉતાવળ હતી. પત્ર આપ્યાનાં બે જ દિવસ પછી સુબોધની આંખો મીંચાઈ ગઈ.

તેની અંતિમ ક્રિયા પછી ગરિમાએ આપેલો પત્ર ખોલ્યો.

પ્રિય ગરિમા,

હું હવે થોડાંક દિવસો જ જીવી શકીશ. પરંતુ કોઈ છે જે ફક્ત મારાં શ્વાસોથી જીવતું આવ્યું છે. તેનાં શ્વાસ ચાલું રહે તેની જવાબદારી હું તને આપું છું. તેનું નામ રાધિકા છે. તેનું સરનામું મેં પત્ર પાછળ લખ્યું છે. મારાં મૃત્યુંનો ધ્રાસકો એ ઝીલી નહીં શકે એટલે તારે એને સાથે રાખવી પડશે.

- સુબોધ.

ગરિમા તરત જ પત્ર પર લખેલાં સરનામે ગઈ. બેલ વગાડતાં કોઈ બહાર આવ્યું નહિં. જોયું તો દરવાજો ખુલ્લો જ હતો. તે અંદર ગઈ. ટેબલ પર રાધિકા માથું ઢાળીને બેઠી હતી. ગરિમા તેની પાસે ગઈ.

રાધિકાનાં હાથ નીચે ટેબલ પર દબાયેલો અધૂરો લખાયેલો પત્ર હતો. રાધિકાનાં ડાબા હાથમાં પડેલાં ચીરામાંથી લોહી વહીને કાગળ પર જામી ગયું હતું. ગરિમાએ થોડી કોશિશ કરી લોહીથી ભીનો પત્ર બહાર ખેંચ્યો.

પ્રિય સુબોધ,

ઘણાં દિવસ વીત્યાં પણ તમે મળવાં આવ્યાં નથી. અને હવે લાગે છે હું તમારાં પર બોજ બની રહી છું.ગરિમા બહુ સારી છે અને મને તેનાં પર વિશ્વાસ છે. એ તમને હંમેશા ખુશ રાખશે. મને હવે મારાં અંતિમ દિવસો પાસે આવતાં જણાય છે. મારી ચિંતા ન કરતાં! અત્યાર સુધી જીવંત દેહમાં મૃત્યું પામેલી આત્મા બની જીવતી હતી અને હવેથી મરેલાં દેહને છોડી જીવંત આત્મા બની તમારાં સ્મરનોમાં જીવતી જ રહીશ...

ગરિમા ત્યાં જ જમીન પર પડી. થોડાં સમય પછી તે રાધિકાનાં મૃત્યુંથી વાસ્તવિક થઇ. રાધિકાની નિર્જીવ આંખોમાં સુબોધ માટેનો પ્રેમ ધ્રુવનાં તારાની જેમ હજુ ચમકતો હતો. જે સુબોધ અત્યાર સુધી જોઈ શક્યો ન હતો.

ગરિમાએ ટેબલનાં ખુલ્લાં ખાનામાંથી બાકીનાં પત્રો કાઢી એક પછી એક વાંચવા લાગી.

પત્રોમાં દબાયેલો રાધિકાનો સુબોધ માટેનો નિઃસ્વાર્થ, અનહદ, અવર્ણીત પ્રેમ તે આંખોમાં ઝળઝળિયાં સાથે વાંચી રહી.

દૂર જવાથી પ્રેમ ઘટતો નથી, સાથ છોડવાથી પ્રેમ તૂટતો નથી, દિવસો સાથે પ્રેમ બદલાતો નથી, એ તો એવો જ રહે છે, અવનવો જ રહે છે, જીવન-અંત પર્યંત સતત રહે છે.

'

'વાહ! દર્શિત, વાહ. હવે તું રાજગોપાલજી નો છોકરો. મસ્ત છે વાર્તા.' ,સોનિયાએ કહ્યું.

'સાચે? થેન્ક યુ.'

'હેલો, ફ્રેન્ડ્સ. શું ચાલી રહ્યું છે?' ,અર્પણનો અવાજ આવ્યો એટલે મેં ડાયરી બંધ કરી ઉપર જોયું. એ બાજુમાં પડેલો મારો મોબાઇલ લઈ દૂર ભાગ્યો.

'દર્શિત,શું કરે છે? એ જ પોઝમાં રહે. હું તમારા બંનેના ફોટા ક્લિક કરી દઉં. સારા આવશે.'

'નહિ , અર્પણ, રહેવા દે. હું સોનિયાને સ્ટોરી કહું છું. તે તો બધી વાંચી જ છે. તો તું જા અને ફોટાની કોઈ જરૂર નથી.'

સોનિયાએ મારા હાથમાંથી ડાયરી છીનવી કપાળ પર મારી, 'કેમ? કેમ જરૂર નથી? તું મને બેસ્ટ-ફ્રેન્ડ માને છે, સાચું ને? અને આજ સુધી આપણા બંનેના કોઈ ફોટા છે? નહીં. અર્પણ તું ફોટો ક્લિક કર.'

હું ફરીથી સોનિયાને સ્ટોરી સંભળાવતો હોય એમ બેઠો અને અર્પણ અલગ-અલગ જગ્યાએથી દૂર-નજીક જઈ-આવી ફોટા પાડતો રહ્યો. સોનિયા હસવા લાગી.

'શું થયું? શરમ આવે છે! મારી સાથે ફોટો પડાવતા! હું જોકર લાગુ છું??'

સોનિયા હસતી રહી. 'નહિ. નજીક આવ'

હું તેના તરફ નમ્યો. તેણે માથા પર હાથ ફેરવી વાળમાં ચોંટેલો ઝાડની પાંદડીઓનો કચરો દૂર કર્યો.

અર્પણ અમારી પાસે આવીને બેઠો.

'દર્શિત, તું પણ પ્રેમ વિશે આવું જ માને છે?' ,સોનિયાએ પૂછ્યું.

મેં એને કોઈ જવાબ ન આપ્યો.

૧૪

'પરફેક્ટ.’ ,અર્પણે મને ટાઈ બાંધી આપતા કહ્યું. આજે મેં નેવી બ્લ્યુ કલરનો શૂટ પહેર્યો હતો.

'તે રીંગ બેગમાં મૂકી?' ,મેં પરફ્યુમ છાંટતા કહ્યું.

'હા, બધું સેટ છે' , અર્પણ બેગ ખભે લટકાવી હોસ્ટેલ-રૂમનાં બારણે પહોંચી ગયો હતો. 'બસ, તારી રાહ છે. નેહાના બે વખત કોલ્સ પણ આવી ગયાં.'

'દર્શિત, સોનિયા ફોન નથી ઉપાડતી. શું કરું?' અર્પણે કહ્યું.

'રહેવા દે. હું તને કહેવાનું ભૂલી ગયો. એ વીસ દિવસ માટે ઍબ્રોડ છે. ફેમિલી ટ્રીપ પર. એ આવશે ત્યારે આપણે એને આ બધું કહી દઇશું. ઓકે.?'

'ઓકે.'

'હું રેડી . લેટ્સ ગો.' ,

આજે હું જીનિષાને પૂર્ણ રીતે મારી બનાવવા જઈ રહ્યો હતો. મેં તેને મૅરેજ માટે પ્રપોઝ કરવા રીંગ લીધી હતી. મેં જીનિષાને મળવાને બહાને લવ-ગાર્ડન બોલાવી હતી. નેહા અને અર્પણને મેં પ્રપોઝ પછીનાં સેલિબ્રેશન માટે ગોઠવણ કરવાં કહી રાખ્યું હતું.

હું આજનાં દિવસને એની જિંદગીનો અત્યાર સુધીનો બેસ્ટ અને યાદગાર દિવસ બનાવવા માંગતો હતો. એમાં પણ શિયાળાની સંધ્યા મનને આનંદિત કરતી તો થોડી વખત વધતી ઠંડી હૃદયને ધ્રુજાવતી ગભરાહટનો અનુભવ કરાવતી.

નેહાની પડખે લોર્નમાં ઝાડ નીચે સફેદ રંગના ગુલાબી શેડીંગવાળા ડ્રેસ પર પચરંગી દુપટ્ટામાં બેસી જીનિષા અમારી રાહ જોઈ રહી હતી.

બગીચામાં ભીડ ઓછી હતી. સામાન્ય રીતે રવિવારે જ અહીં પ્રેમી-પંખીડાઓની હાજરી વધી જાય છે. અલબત્ત, પ્રેમમાં પ્રેમીની નજીક રહેવાની આદત વધી જાય છે. એ આદત જે આપણને ખુશીઓ આપવા જ પોષાતી હોય છે. જીનિષાની નજીક વારંવાર હું જાઉં છું કે એટલો જ હું એને વધારે ને વધારે પસંદ કરતો જાઉં છું. એનું હસવું, મારી ખુશી અને એનું રડવું મારી નિરાશા. એની આંખોમાં જોઈ એને સાંભળતા-સાંભળતા હું કેમ ખોવાતો જાઉં છું? જવાબ શોધતાં શોધતાં હું નિરાશ થઈ ખુદને જ નાપાસ કરતો જાઉં છું.

વિચારોમાં ગરકાવ થયેલો હું જીનિષાની પડખે જઇ બેઠો.

જીનિષાને કદાચ આજ સાંજનો અંદાજો આવી જ ગયો હશે. મારા અંદર ઉછળતી ખુશી એનાં ચહેરા પર પણ પ્રતિબિંબિત થતી હતી.

'કેમ આજે કાંઈ સ્પેશિયલ છે?' ,જીનિષાએ મને શૂટમાં જોઈ પૂછી લીધું.

'અરે, એમાં શું સ્પેશિયલ? -',અર્પણે કહ્યું.

'સ્પેશિયલ તો છે. જો મારો હાથ પકડ એ કેટલો ઠંડો પડી ગયો છે. હું નર્વસ છું.' ,મેં કહ્યું.

'તો કહે શું છે સ્પેશિયલ ?'

'તું.'

'અરે, એમ નહીં. સાચું કહે શું છે આજે? સિરિયસલી.' ,જીનિષાએ શરમાઈને કહ્યું.

'આજે હું જે પણ કહીશ એ બધું સાચું અને સિરિયસલી જ કહીશ. ' ,મેં કહ્યું.

'ઓકે. તો બોલ શું છે એ?'

હું ઉભો થયો. મેં જીનિષાને હાથ પકડી ઉભી કરી. મેં બેગમાંથી રીંગ કાઢી અને ઘૂંટણીએ બેઠો.

'જીનિષા, પ્રેમ સમજી શકાતો નથી. પરંતુ પ્રેમનો અનુભવ જરૂર કરી શકાય છે. મારો એ અનુભવ, મારો લગાવ તું છે. તું જો સંગીત હોય તો હું એના સુર બનવા માગું છું. તું જો આકાશ હોય તો હું એમાં ચાંદ બનવા માંગુ છું. તું જો કવિતા તો હું એનો દર્દ બનવા માંગુ છું. તું જો કળી હોય તો હું એની ડાળ બનવા માંગુ છું. તું જો સવાર તો હું એની સાંજ બનવા માંગુ છું. તું જો પ્રેમ તો હું એની લાગણી અને તું જો જીવન તો હું એનો અર્થ બનવા માંગુ છું. જીનિષા, હવે હું માત્ર અને માત્ર તારો બનવા માંગુ છું.'

મેં બેગમાંથી કાગળ કાઢ્યું અને વાંચ્યું.

'महरूम है तुमसे एक आश, जैसे खुदा से इबादत

मुक़म्मल कर दो हमारे प्यार की इजाज़त

शामिल कर दो रूह हमारी तुम्ही में सलामत

कामिल बना दो हमारी ख़्वाहिश-ए-मोहब्बत

महताब हो आप, आंखों की जरूरत

करम बरसा दो, रंगीन हो हमारी कयामत

साहिल पर आके करलो हम ही से उल्फ़त

कामिल बना दो हमारी ख़्वाहिश-ए-मोहब्बत

ख्वाब हो आप, सपनों की रिवायत

नज़्म जैसा बदन, साथ ही में थोड़ी नज़ाकत

शामिल होके ख्वाबो में न करो यू ही मुलाकात

कामिल करो पहले हमारी ख़्वाहिश-ए-मोहब्बत.

જીનિષા શું તું મારી સાથે લગ્ન કરીશ? હું તને હંમેશા ખુશ અને મારી સાથે જોવાં માંગુ છું. પ્લીઝ, હા કહી દે. પ્લીઝ, પ્લીઝ... પ્લીઝ-.'

'હા.' ,જીનિષાએ હાથ લાંબો કર્યો અને મેં તેને રીંગ પહેરાવી.

અમે ભેટ્યા અને અર્પણ-નેહા પણ અમારા પર હાથ રાખી ઉભા રહ્યા.

'અરે, તને શું થયું?' ,જીનિષાએ નેહાને પૂછ્યું. નેહા રડતી હતી.

'કાંઈ નહીં.'

'બોલ, નેહા! શું થયું યાર?' ,મેં નેહાને ખભેથી પકડીને પૂછ્યું.

'અરે, આ તો ખુશી છે. પેલા... પેલા જ્યારે કૉલેજમાં આવ્યાં ...આપણે એકબીજાને જાણતાં પણ ન હતાં. અને પછી...પછી આપણે બધા ફ્રેન્ડ્સ બન્યાં અને હવે આપણે જાણે એક ફેમિલી બની ગયાં છીએ. દર્શિત! હવે તો અમારું આ લાસ્ટ સેમેસ્ટર છે. તું એક અહીં રહીશ. ખબર નહીં. પછી આપણે આમ એકસાથે રહી શકીશું કે નહીં!' ,નેહા હિબકે-હિબકે રડી રહી.

જીનિષાએ મારા હાથ નેહાના ખભા પરથી દૂર કર્યા અને તેને છાતી સરસી ચાંપી.

'ઓહ! કેટલું બધું વિચારે છે તું? હેં! કોઈ દૂર નથી જવાનું. પહેલા તું અને અર્પણ મૅરેજ કરી લેજો અને દર્શિતના ગ્રેજ્યુએશન પછી આપણે ચારેય એક જ ઘરમાં રહીશું, ઓકે?' ,જીનિષાની આંખો પર પણ ભીનાશ ચોંટી ગઈ હતી.

'હા, બસ. એક વર્ષની જ તો વાત છે.' ,મેં કહ્યું.

*

કોઈના લીધે જીવન જીવવું ગમવા લાગે તો એ પ્રેમ છે. પ્રત્યેક ક્ષણમાં ખુશીઓની પ્રેઝન્ટ મળવાં લાગે તો એ પ્રેમ છે. પોતાનાં મોબાઈલના ચારજિંગ કરતાં કોઈની ખુશી માટે ચિંતા વધવા લાગે તો એ પ્રેમ છે. રાતની ઊંઘમાં પણ કોઈની સંભાળ લેવાતી હોય ને તો એ પ્રેમ છે. જે કહે છે એ સાચું છે, પ્રેમ થાય એટલે બધું જ બદલાવા લાગે. તમે પણ અને તમારી પણ જિંદગી.

હું અને જીનિષા છેલ્લા અઢાર દિવસથી (હા! મેં પ્રપોઝ કર્યું એને બરાબર અઢાર દિવસ થયાં હતાં.) સુવાના છ કલાક સિવાય લગભગ સાથે જ રહેતા. હવે, એકબીજાને જોયાં વગર ચાલતું ન્હોતું. એમાં પણ, છેલ્લા ત્રણ દિવસથી તો ચોવીસ કલાક સાથે જ.

કારણકે જીનિષા હોસ્પિટલમાં એડમિટ હતી.

ત્રણ દિવસ પહેલાં જીનિષા એક્ટિવા લઈને નેહાને ક્લાસિસથી તેડવા જતી હતી ત્યારે રિક્ષાવાળાએ ટ્રાફિકમાંથી બહાર નીકળવા બેકાબૂ તરીકાથી રીક્ષા ચલાવી અને જીનિષાને ટક્કર મારતો ગયો. જીનિષા રોડ પર પટકાઈ. ભીડમાંથી કોઈ એ એમ્બ્યુલન્સ બોલાવી અને હોસ્પિટલમાં દાખલ કરાવી. હું, અર્પણ અને નેહા જાણ થતાં જ આવી પહોંચ્યા.

જીનિષાને જમણા હાથ પર ફ્રેક્ચર આવ્યું અને ડાબા પગની સાથળથી ઘૂંટી સુધીની ચામડી રોડ પર ઘસડાવાથી છોલાઈ ગઈ હતી.

'આ, લાસ્ટ. ચાલ જલ્દી કર હવે. મોઢું ખોલ.' ,નેહાએે જીનિષાને કહ્યું.

'નેહા, યાર, બહુ કડવી છે. હવે નહીં ખાઈ શકું. એક કામ કર તું બાજુ પર રાખી દે હું રાત્રે એકસાથે બે લઈ લઈશ. હોને!'

જીનિષા અવનવાં બહાનાં સાથે બેઢંગી ચહેરાઓ બનાવતી હતી.

મેં નેહાને પાણી અંબાવ્યું.

'જીનિષા, હવે બહુ થયું.' ,મેં બે હાથથી તેનું મોં પકડી રાખ્યું અને નેહાએ દવા પીવડાવી.

'સરસ, બહુ ડાહી, હો.' નેહાએ કહ્યું.

'અર્પણ, ચાલ મારી સાથે. ડૉક્ટરે હમણાં લખી આપી એ દવાઓ નીચેથી લઇ આવીએ.'

અર્પણ મારા મોબાઈલમાં ગેઇમ રમતો હતો.

'તું જઇ આવને, યાર. હું અને જીનિષા ત્યાં સુધી ગેઇમ રમીએ.' ,અર્પણે મારા તરફ જોયું પણ નહીં.

'દર્શિત, ચલ હું આવું છું. ભૂખ પણ લાગી છે. આપણે થોડો નાસ્તો પણ લઈ આવીએ.'

જીનિષાને મેં મૅરેજ માટે પ્રપોઝ કર્યું એ વાત બે વ્યક્તિઓને કહેવાની હતી. ત્રણ દિવસ પછી સોનિયા આવે ત્યારે એને અને થોડા દિવસોમાં તક જોઈને મોમને. જ્યારે આપણે કોઈને નજીકના માની લઈ છીએ ત્યારે બે વચ્ચે વિશ્વાસની એક પાળ બંધાઈ જાય છે. જેનાં પર બેસીને બેઉં એકબીજાનાં જીવનનાં સુખ-દુઃખના ગપ્પાં હરરોજ મારે છે.

હું અને નેહા મેડિકલ-સ્ટોર પરથી દવાઓ ખરીદી, કેન્ટિનમાંથી હળવો નાસ્તો પેક કરાવી પાછા ફર્યાં.

જીનિષાએ મોબાઇલમાંથી ઉપર જોયું ત્યારે એની આંખોમાં આગ જેવી લાલાશ હતી. રાખ બનીને આંસુઓ પાંપણ પર ઢોળાઈ આવતાં હતાં. એનાં રડવાના ડૂસકાં હોસ્પિટલ-રૂમની સવારની શાંતિ માણતી દિવાલોને છેદી રહ્યાં હતાં. એ સૂજેલી મારી તરફ જોતી આંખોમાં કોઈ ફરિયાદ છે એ હું પારખી ગયો હતો.

'જીનિષા. કેમ રડે છે શું થયું?' ,હું દવા અને નાસ્તો ટેબલ પર છોડી તેની તરફ ગયો.

જીનિષાએ મારી તરફ જોયું અને મારો મોબાઈલ પાછળની દિવાલ પર ઘા કર્યો. એટલા જોરથી કે નક્કી એ હવે કોઈ દિવસ ઑન નહીં થાય.

'જીનિષા, આ શું કરે છે? શું થયું એ તો કહે?' ,જીનિષાએ બીજી તરફ મોં ફેરવી લીધું.

'આ કેવો વર્તાવ છે તારો? એ પણ અચાનક!',નેહાએ ઊંચા અવાજે કહ્યું.

'ગેટ આઉટ. બધા જ.' ,જીનિષાએ બારી બહાર નજર ટકાવી રાખી. 'મારે એકાંત જોઈએ છે.'

'પણ-' ,હું તેની નજીક જવાં ગયો, પણ તેણે હથેળી ઊંચી કરી રોકી લીધો.

હું, અર્પણ અને નેહા રૂમની બહાર આવી ગયાં.

'અર્પણ, શું થયું છે એને?' ,નેહાએ પૂછ્યું.

અર્પણ નીચું જોઈ પાણીની બોટલથી રમત કરતો રહ્યો.

'અર્પણ, નેહા તને કાંઈક પૂછે.'

'જીનિષા અને હું તારા મોબાઈલમાં ગેઇમ રમતાં હતાં. અચાનક તેણે મને ફોટા બતાવવા કહ્યું. જે તે પ્રપોઝ કર્યું ત્યારે મેં પાડેલા.' ,અર્પણે કહ્યું.

'તો-?' ,મેં પૂછ્યું.

'તો મેં બતાવ્યા. તેણે બીજા ફોટા પણ જોયાં. જે મેં જ પાડેલા એ સાંજે , તારા અને સોનિયાના, પછી એ કશું બોલી નહીં. એટલામાં જ તમે આવ્યાં અને પછીનું તો તમે જાણો જ છો.' ,અર્પણે અમારી સામે જોઇને કહ્યું.

૧૫

ખબર છે ? પ્રેમ માં બે વચ્ચે ઝઘડો થવાની શરૂઆત ક્યાંથી થાય છે ? જ્યારે તમને સૌથી વધુ સમજતા વ્યક્તિ , તમારી વાત ને સમજ્યા વગર ગુસ્સા ને આધારે બધું જ વેરવિખર કરી નાખે. જ્યારે બે માંથી એક વાત કરવા જ તૈયાર ન હોય. શક ને લીધે વિશ્વાસ તૂટવા દે કે શક ના બાણે વિશ્વાસ ને છેદી નાખે

જીનિષા એ પણ એવું જ કર્યું હતું. મને ગુસ્સો પણ આવ્યો. પરંતુ ગુસ્સા સામે ગુસ્સો કરીએ તો સંબંધ મા તિરાડ વધે જ. મે ગુસ્સા કરતા એને મનાવવાના રસ્તાઓ પર ધ્યાન વધારે આપ્યું. કારણ કે હું જાણતો હતો કે જીનિષા નું આવું વર્તન થોડા સમય માટે જ છે. આ સ્થિતિ માં મારે એને સમજવાની છે , સમજાવાની છે અને એ મને સમજે એવું કઈક કરવાનું છે.

આજે સોનિયા પણ આવી રહી હતી. સવારે જ એનો કોલ આવી ગયો. જીનિષા ને લગ્ન માટે પ્રોપોઝ કર્યું એ સોનિયા ને કહેવાનું બાકી હતું અને હા, એ પછી થયેલા નાના બ્રેક-અપ વિશે પણ. એની એવી ઈચ્છા હતી કે હું એને એરપોર્ટ પર મળવા જાઉં.

જીનિષા ને આ વાત ની જાણ થશે તો એ વધારે ગુસ્સે થશે જ. ખબર છે , પરંતુ હું તેના શક ને વધારવા માગતો ન હતો , હું તેને હકીકત થી પરિચિત કરાવવા ઈચ્છતો હતો. જીનિષા ને આજે હોસ્પિટલ માંથી રજા આપવાના હતા. એ મારી સાથે તો વાત કરવા તૈયાર જ ન હતી ,એટલે અર્પણ એને નેહા તેને લેવા જવાના હતા. મેં તેમને કહેલું કે તેઓ જીનિષા ને લઈને પહેલા કાફે આવે. હું સોનિયા ને લઈને ત્યાં જ પહોંચીશ અને જીનિષા ને મનાવીશ.

‘તો કેવી રહી ટ્રીપ?’ ,મેં પૂછ્યું.

સોનિયા ડ્રાઇવ કરતી હતી અને હું કાર માં પડખે બેઠો હતો. તેના મોમ-ડેડ બીજી કારમાં ઘરે જવા નીકળી ગયા હતાં. અર્પણ મને એરપોર્ટ પર છોડી જીનિષા ને લેવા ગયો.

‘બહુ જ મસ્ત. મજા આવી ગઈ. તું સાથે હોત તો હજુ વધુ મજા આવી હોત. આપણે જઈશું કોઈ ટ્રીપ પર ઓકે ?’ ,હું મૌન રહ્યો.

‘ઓકે દર્શિત?’ ,સોનિયા એ ઉંચા અવાજે પૂછ્યું.

‘હા ઓકે.’

અમે કાફે પહોંચ્યા. તેઓ હજુ આવ્યા ન્હોતા. અમે ટેબલ પર ગોઠવાયા અને કોફી ઓર્ડર કરી.

‘સોનિયા , મારે તને કંઇક કહેવું છે. તારે એ જાણવું બહુ જરૂરી છે.’ ,મે સોનિયા ના હાથ પર હાથ રાખ્યો.

‘પહેલા મારી વાત સાંભળ. મારે તને કહેવા માટે ઘણું બધું છે. ત્યાં સુધી પ્લીઝ કાંઈ ન બોલતો.’

સોનિયા એ મારો હાથ વધુ મજબૂતાઇ થી પકડ્યો.

‘ઓકે તું બોલ પહેલા. હું પછી કહીશ.’ મે કહ્યું.

સોનિયા નીચું જોઈ ચૂપ રહી.

‘બોલ સોનિયા શું કહેવું છે તારે?’

‘દર્શિત, તું જીનિષાને છોડી કેમ નથી દેતો ? મને ખબર છે એ તારા માટે પરફેક્ટ નથી. –’

‘સોનિયા તને –’ ,સોનિયા એ હાથની પકડ વધુ મજબૂત કરી.

‘મને બોલવા દે. તું એની સાથે બ્રેક-અપ કરી લે. હું તને સમજું છું. દર્શિત, હું તને પ્રેમ કરું છું.’

મારી નજર સોનિયા ને જવાબ દેતા પહેલા તેની પાછળ પહોંચી. જ્યાં અર્પણ,નેહા અને જીનિષા ઊભા હતા. જીનિષા નાં હાથ માં કાગળ હતો. જે તેના હાથ સાથે થરથર ધ્રૂજતો હતો. એ થરથરાટી અનુભવતા આંસુ આંખમાંથી અચકાતાં - ખેંચાતા બહાર આવી લસરી રહ્યા હતા.

‘તો. આ વાત હવે સાચી છે. તમે બંને પ્રેમમાં છો. ના - કદાચ સોનિયા જ તારા પ્રેમમાં છે. તને તો પ્રેમ એટલે શું એ ખબર જ નહીં હોય ને ! તું સોનિયા ને પણ મેરેજ માટે પ્રપોઝ કરેત નહીં ?’ જીનિષા એક સાથે ઊંચા અવાજે બોલી રહી.

એક ઝાટકે મેં સોનિયાની પકડ માંથી હાથ છોડ્યો અને ઉભો થયો.

‘શું થઈ ગયું છે તને, જીનિષા ? તું બેસ અહીં હું તને બધું સમજાવું છું.’ ,મે તેનો હાથ પકડ્યો અને ખુરશી તરફ ખેંચવા કોશિશ કરી. પણ તે અડગ ઉભી રહી.

‘હજું કેટલું સમજાવીશ તું દર્શિત! સોનિયાનો આ લેટર બધું જ સાબિત કરે છે. મને કાંઈ નથી થયું. તને શું થયું છે? ક્યાં ખોવાઈ ગઈ તારી બધી સારી સારી વાતો ? કેમ તૂટી ગઈ તારી બધી પ્રોમિસ ? કેમ ખોટો સાબિત કર્યો તે તારો પ્રેમ ?’

તેણે હાથ છોડવવા પ્રયત્નો કર્યા પણ મે તેમ થવા ન દીધું.

‘તું અત્યારે ગુસ્સામાં છે અને ગુસ્સામાં લીધેલો કોઈ પણ નિર્ણય સાચો ન બની શકે. સાચું ને નેહા ? તું તો સમજાવ એને અર્પણ.’ , હું પ્રત્યેક ની આંખોમાં સાથ માગતો રહ્યો.

‘દર્શિત, હવે બધું જ પૂરું. ગુસ્સામાં લીધેલો નિર્ણય ભલે ખોટો પડે. પછતાવો મંજૂર છે મને પરંતુ તું મારી જિંદગીમાં નહીં. આઈ હેઇટ યુ. મને મનાવવાની કોશિશ ન કરતો હવે.’

જીનિષાએ હાથ છોડાવ્યો અને કાગળ જમીન પર છોડી કાફેમાંથી બહાર નીકળી ગઈ. નેહા અને અર્પણ પણ તેની પાછળ બહાર નીકળી ગયા.

જીનિષાની આંખોમાં આજે મારા પ્રેમ માટે ધિક્કાર હતો અને સોનિયાની આંખોમાં મારા પ્રેમ માટે આવકાર.

*

જીનિષાનો એ પ્રેમથી ભરેલો અને ગુસ્સામાં લાલ થયેલો ચહેરો નજર સામેથી દૂર ખસતો ન્હોતો. એની હાથ છોડતી યાદ સ્મૃતિપટ પર હજું તાદૃશ છપાયેલી હતી. એનાં શબ્દો કાનમાં વારંવાર સંભળાયા કરતા. કાન પર હાથ દાબતા તો એનો અવાજ બમણો થઈ જતો. આંસુઓને પકડીને કહેવું પણ કેવી રીતે ? કે તારા સતત વહેવાથી પણ એનાં સ્મરણોનું જળાશય ખાલી થાય એમ નથી.

‘દર્શિત, મેં ઘણી વાર તેની સાથે વાત કરવાની કોશિશ કરી છે પણ એ તને મળવા નથી માંગતી..’ ,અર્પણે કહ્યું.

હું છેલ્લી ત્રણ કલાકથી અરીસા સામે બેઠો હતો.જાણે એને પડદો બનાવી જીનિષાને એમાં કલ્પતો હતો.

‘તું પણ એને ભૂલી જા હવે. એ નહીં સમજે તને.’ ,અર્પણે રૂમનો કચરો ડસ્ટબીન માં નાખતાં કહ્યું.

‘એ નથી શક્ય. જીનિષા સમજે છે મને. એને સમય જોઈએ છે. તું સમજાવ ને એને. તને અને નેહા ને તો મારા અને સોનિયા ના સંબંધ વિશે બધું જ ખબર છે. તમે બંને પણ તે દિવસે ચૂપ રહ્યા.’ ,મેં આંખો અરીસા પર જ ટેકવી રાખી હતી.

‘એ જ તો પ્રોબ્લેમ છે. હું જ સમજુ છું ને કે તારો વાંક નથી પણ તું મને નથી સમજ્યો.’ ,અર્પણ મારી ખુરશી પાછળ આવી ઉભો રહ્યો અને મારી જેમ જ અરીસામાં જોઈ રહ્યો.

‘મતલબ -?’ ,મે પૂછ્યું.

‘મતલબ તને કંઇ ખબર જ ન પડી હજું. નો પ્રોબ્લેમ. હું સમજાવું તને. આઈ એમ ધ કિંગ અને તું મારી કઠપૂતળી. તને પ્રેમ માં પાડ્યો પણ મેં અને ડૂબાડ્યો પણ મેં જ. યાદ છે તે જીનિષાને પહેલી વખત જોઈ ત્યારે મેં તને શું કહ્યું હતું ? એ કોઈને ભાવ નથી આપતી. મેં નેહા પહેલા એને જ પ્રપોઝ કરેલું પરંતુ એણે ના પાડી દીધી. હું તેની ના ને હા માં ફેરવવા ઈચ્છતો હતો. અને એ પ્લાન મને તારા પ્રેમ પરથી મળ્યો. પછીનું તારી લવ સ્ટોરીમાં જે કાંઈ પણ થયું એ મારા પ્લાન મુજબ જ. જીનિષાનો વિશ્વાસ જીતવા એને દુઃખી કરવી જરૂરી હતી. વ્યક્તિ બીજા પર વિશ્વાસ ત્યારે જ મૂકે જ્યારે પોતાના દુઃખની વાતો એની સાથે શેર કરી શકતો હોય. એટલે હવે તમારા પ્રેમનું બ્રેક અપ જરૂરી હતું. એ માટે સોનિયા કામ આવી. સોનિયા તને એકતરફી પ્રેમ કરવા લાગી હતી પણ એ તને કહેવાની ન હતી. કેમકે તું અને જીનિષા રીલેશનશીપમાં હતાં. પરંતુ મેં તેને ઉકસાવી કે તમે બંને બહારથી જ ખુશ છો. જીનિષા તને બહુ માનસિક ત્રાસ આપે છે. જીનિષા તને નથી સમજતી. એનું તારી લાઇફમાં રહેવું તારા માટે સારું નથી. અને એટલે જ મેં તેની પાસે પ્રેમપત્ર લખાવ્યો અને એ દિવસે કાફેમાં તને પ્રોપોઝ કરવા પણ મેં જ ઉકસાવેલી. એને ન્હોતી ખબર ને કે જીનિષાને ત્યાં હું જ લાવવાનો છું. હવે રહી વાત જીનિષાનો તારા પરનો વિશ્વાસ તોડવાની. તો એની શરૂઆત થઈ સોનિયાના બર્થડે પર. જ્યારે તમે બંને ઉપર રૂમમાં હતા ત્યારે જીનિષા ને ત્યાં મોકલવા વાળો હું જ હતો. તું સોનિયાને મિત્ર માની જે કાંઈ પણ એના માટે કરતો એ વાત હું જીનિષાને તારા પ્રેમ પર શક થાય એ રીતે કરતો. તમારા એ દિવસે ઝાડ નીચે ડાયરી પાછળ પાડેલા ફોટા મે જ સામેથી જીનિષાને હોસ્પિટલમાં બતાવેલ. મેં જીનિષાને કહેલું કે તમે ડાયરી પાછળ શું શું કરતા હતા. હા એ જૂઠ જ હતું. અને છેલ્લે સોનિયાને લેવા તારી સાથે એરપોર્ટ આવ્યો ત્યારે તારું બેગ મેં માંગી લીધેલું અને હોસ્પિટલમાં પહોંચતા પહેલાં સોનિયાનો લેટર મેં એમાં નાખેલો. હોસ્પિટલમાં બેગમાંથી બહાર લસરતો લેટર એવી રીતે રાખ્યો કે જીનિષા એને ઉપાડે અને વાંચે. અને મારું કામ થઈ ગયું. હવે જીનિષા મારા પર આંધળો વિશ્વાસ કરે છે. આઈ લવ યુ જેનુ.’ ,અર્પણ અને હું એ જ સ્થિતિમાં અરીસા સામે હતા. ફરક એટલો હતો કે એના ચહેરા પર રાક્ષશી હાસ્ય હતું અને મારા ગાલ પર આંસુઓ.

‘નેહાને તો ખબર હશે આ બધું. એ બધું સાચું કહી દેશે, અને તારો પ્લાન ખતમ.’ ,હું ઉભો થયો અને રૂમની બહાર જવા નીકળ્યો.

‘એક મિનિટ દર્શિત, ઉભો તો રહે. હું એટલો પણ મૂરખ નથી. હા તે સાચું કહ્યું, નેહાને બધી જ ખબર છે. અને આમ પણ નેહા મારી ગર્લફ્રેન્ડ હતી તો તે જ્યાં સુધી હોય ત્યાં સુધી જીનિષા મને મળે જ કેવી રીતે ! પરંતુ એનું સોલ્યુશન મે પહેલાથી જ કાઢેલું હતું યાર ! જ્યારે તું અને જીનિષા પહેલી વખત મળેલા કેન્ટીનમાં અને મેં નેહાને બસ એમ જ પ્રપોઝ કરેલું. પછી અમે બંને સાથે બહાર ગયેલા. ત્યારે અમે આ જ રૂમમાં આવેલા. મારી પાસે કેમેરાવાળો ફોન છે તો એનો ફાયદો તો હું લઈ જ શકું ને યાર ! અને પછી બ્લેકમેઇલ. એ હવે કોઈને કાંઈ નહીં કહી શકે. અરે બે દિવસ પહેલાં જીનિષાની સામે જ બ્રેક અપ કરવા પણ મેં તેને કહેલું. દરવાજો ખુલ્લો છે તું જઈને કોશિશ કરી શકે છે. પરંતુ દર્શિત માય ફ્રેન્ડ , યુ આર ઓવર.’

હું છતાં નેહાને મળવા દોડ્યો. હું પ્રશ્નો પૂછતો રહ્યો અને એ રડતી રહી. અંતે એટલું જ કહ્યું , ‘દર્શિત, હું તારી કોઈ મદદ નહીં કરી શકું.’

૧૬

'તું મારી લાગણીને સમજે. મારે બીજું કાંઈ નથી જોઈતું. જીનિષાને ભૂલવામાં હું તારી મદદ કરીશ.' ,સોનિયાએ કહયું. અમે કેન્ટીનમાં બેઠાં હતાં.

'હું ન ભૂલી શકું એને. અને મારે ભૂલવું પણ નથી.' ,હું ખુરશી દૂર કરી ઉભો થયો.

સોનિયાએ મારો હાથ પકડી રાખ્યો.

'બેસ, દર્શિત. ક્યાં સુધી તું હકીકતથી ભાગતો રહીશ? શું તે કોશિશ નથી કરી એને સમજાવવાની? એ તારું સાંભળે પણ છે?'

હા, સોનિયાને મેં બધી વાત કરી હતી. અર્પણે જે કાંઈ બધા સાથે કર્યું એ. સોનિયાએ પણ ઘણી વખત કોશિશ કરી હતી જીનિષાને સમજાવવાની, પરંતુ અર્પણ દર વખતે જીનિષાની સાથે રહેતો. જીનિષા કાંઈ બોલે એ પહેલાં અર્પણ જ અશબ્દ બોલીને સોનિયાને ત્યાંથી નીકળી જવાં મજબૂર કરી દેતો. જીનિષા અર્પણ સિવાય કોઈના કોલ્સ કે મેસેજીસનો જવાબ આપતી ન હતી. એને જોતાં જ કહી શકાતું કે એ અંદરથી તૂટી ગઈ છે. એની આંખો દર વખતે સુજેલી અને લાલ થયેલી જ દેખાતી. હું એની હાલત જોઈને ખળભળી ઉઠતો. પણ આ વખતે હું એની નજીક જઈને એને હસાવી શકું એમ ન્હોતું.

પ્રેમ થાય એટલે સમજી લેવું કે એકલી ખુશીઓ નહીં, દુઃખ પણ એટલું જ આવશે. જેની સાથે આખો દિવસ વાત કરતાં હોય અને પછી વાત કરવા પણ તરસી જવું પડે ત્યારે હૃદયમાં વાગે છે. જેણે હંમેશ માટે સાથે રહેવાની સોગંધ ખાધી હોય એ હાથ છૂટે ત્યારે હૃદય તૂટે છે. જે બે એકબીજાની ખુશીઓ માટે જ મથતાં રહેતાં હોય એ બંન્ને જ એકબીજાને દુઃખમાં જોવાં લાગે ત્યારે હૃદયને તકલીફ થાય છે. જ્યારે સંબંધમાં કાતર મૂકાઈ જાય ત્યારે હૃદય વારંવાર બાણના ઘા ઝીલતું હોય એટલો દર્દ થાય છે. જ્યારે તમારા જીવનનો અર્થ કોઈ બીજાને સંગ હોય ત્યારે હૃદય સળગતું હોય એટલી બળતરા થાય છે.

'તું મને અપનાવી નહીં શકે? કદાચ, હું ઉતાવળ કરું છું. તને સમય જોઈએ છે અને મને તારો પ્રેમ. હું તને સમય આપું છું પછી તારે મને પ્રેમ આપવાનો.' ,સોનિયા ધ્રુજતાં હોઠે બોલતી હતી.

'મને નથી ખબર હું શું કરું? મને લાગે છે જીનિષા એક દિવસ મારી વાત સમજશે. હું પ્રયત્ન સતત કરતો રહીશ એને મનાવવા.'

મેં તેના તરફ જોયું પણ નહીં. લગભગ મેં કહ્યું એમાં એણે પૂછેલા એક પણ પ્રશ્નો જવાબ ન્હોતો.

'તારી જીનિષા પ્રત્યેની લાગણી હું સમજું છું. હું તારો સાથ આપીશ. આ છેલ્લું અઠવાડિયું છે. પછી એક્ઝામ્સ પણ પૂરાં થઈ જશે. છેલ્લાં દિવસે આપણે કોઈ પણ રીતે અર્પણને દૂર કરીશું અને જીનિષાને એકલા મળીશું. હું સામેથી બધી વાત કહીશ. ઓકે.?' ,સોનિયાએ મારી સામે જોયું.

'હા, ઓકે.'

અર્પણ અને જીનિષા કેન્ટીનમાં આવ્યાં. મને અને સોનિયાને સાથે જોઈ જીનિષા એ અર્પણનો હાથ પકડ્યો અને ખૂણાનાં ટેબલ તરફ ખેંચી ગઈ.

સોનિયાએ પણ મારો હાથ પકડ્યો. મજબૂતાઈથી. 'શું જુએ છે? કોઈ તને દુઃખી કરે એ મને નહીં ગમે.' ,સોનિયાએ કહ્યું.

*

નેહા એક્ઝામ શરૂ થઈ એટલે કોલેજ આવી. આજ સુધી એ કેમ્પસમાં નજરે ન્હોતી આવતી.આ બધી ઘટનાઓ પછી અમારામાંથી જો કોઈ સૌથી વધુ દુઃખી રહ્યું હશે તો એ નેહા હશે. કારણ કે જીનિષાને સંભાળવા અર્પણ અને મને સંભાળવા સોનિયા હતી. અર્પણ તો પોતાનાં પ્લાનમાં સફળ થઇ ને ખુશ જ હતો. જયારે નેહા એકલી પડી ગઈ હતી.

મેં અને સોનિયાએ નેહાને અમારી મદદ કરવા કહ્યું કે તે અમારી સાથે આવે અને જીનિષાને બધું સાચું કહે. પરંતુ એણે આવવાં ના કહી. એ અર્પણથી ડરતી હતી. કેમ કે જ્યારે અર્પણને જાણ થાત કે અમે જીનિષાને મળ્યાં છીએ તો સૌ પહેલું પગલું એ લેત જે હોત નેહાની બદનામી. છતાં એણે એટલી મદદ કરવાં હા પાડી કે તે અર્પણને દૂર રાખશે જીનિષાથી થોડો સમય.

એક્ઝામનો છેલ્લો દિવસ હતો. નેહાએ અર્પણને કહ્યું કે તે એને જતાં પહેલાં છેલ્લી વખત મળવાં માંગે છે અને અર્પણ માની ગયો હતો. મને ખબર હતી નેહા માટે આ કેટલું કઠિન થશે પરંતુ એ મારી મદદ માટે એની સાથે મળવા તૈયાર થઈ હતી.

'દર્શિત, મારી માટે આ સહેલું નથી. પરંતુ મારી એ જ પ્રાર્થના રહેશે કે જીનિષા તને પાછી મળે.' ,સોનિયા અને હું હાથમાં હાથ પરોવી ગર્લ્સ-હોસ્ટેલ તરફ જતાં હતાં.

અર્પણ અને નેહા કાફેમાં મળવાનાં હતાં.

'થેન્ક યુ. તું મારા માટે આટલું બધું કરે છે અને હું તારા માટે કાંઈ કરી શકું એમ નથી.' ,મેં ધીમા અવાજે કહ્યું.

'મેં કાંઈ માંગ્યું તારી પાસેથી? મારે નથી જોઈતું કાંઈ, બસ.' ,સોનિયાએ કહ્યું. એનાં અવાજમાં એની દબાવેલી લાગણીનો ભાવ હતો.

નેહા ગર્લ્સ હોસ્ટેલના દરવાજે ઉભી હતી. જ્યારે અત્યારે એને અર્પણ સાથે હોવું જોઈતું હતું.

'કેમ તું હજુ અહીં છે? અર્પણ ક્યાં છે? તું મળી એને કે હજુ હવે જાય છે?' ,મેં ઉતાવળે પૂછ્યું.

'દર્શિત. લેઇટ થઈ ગયું. હું મળી અર્પણને.' ,નેહા એ અમારી બંને તરફ જોઈને કહ્યું.

'કેમ લેઇટ થઈ ગયું. મતલબ-' ,સોનિયાએ પૂછ્યું.

'જીનિષા. શિમલા જવાં નીકળી ગઈ છે. અર્પણે જ મને કીધું.' ,અને નેહા રડવા લાગી. એનું રુદન જાણે મને કહેતું હતું. "દર્શિત - ધી એન્ડ".

'ઓહ! સીટ. અને અર્પણે તને કાંઈ કર્યું તો નથી ને?' ,મેં પૂછ્યું.

'નહીં. એ ગુસ્સે તો હતો આપણાં પ્લાનની ખબર પડી એટલે, પરંતુ એણે કહ્યું કે આમ પણ જીનિષા જતી રહી છે હવે તમારા પ્રયત્નો અર્થવિહીન છે. આ છેલ્લી વખત તમને જવા દઉં છું.' ,છેલ્લું વાક્ય બોલતાં નેહાના ગળે ડૂમો ભરાઈ આવ્યો.

અમે ત્રણેય રિસેપ્સન કાઉન્ટર પર પહોંચ્યા. એક્સ્ક્યુઝમી. સોનિયાએ પૂછ્યું, 'હમણાં. જીનિષા એ ચેક-આઉટ કર્યું એ શિમલા કેવી રીતે જવાની છે કાંઈ ખબર તમને? મતલબ ટ્રેન કે બસથી?'

'એના ફાધર આવ્યાં હતાં. અને જીનિષા સામાન લઈ તૈયાર જ હતી. હમણાં જ કારમાં નીકળી ગયાં છે.' ,રિસેપ્સનિસ્ટે કહ્યું.

ટ્રેન કે બસ હોત તો કદાચ સ્ટેશન પર પહોંચી શોધી પણ શકાય પરંતુ હવે જીનિષાને મળવાની આશા ધૂંધળી દેખાતી હતી.

'તમે એના ફાધરનો કે ઘરનો નંબર આપી શકશો? અથવા એના સુરતનાં કે શિમલાના ઘરનું સરનામું?' ,મેં પૂછ્યું. મારી આંખોની ભીનાશ અવાજ સાથે ભળી ગઈ હતી.

'સોરી, સર. એ અમારા રુલ્સની વિરુદ્ધ છે.'

અને મેં ડેસ્ક પર પડેલો કુંજો નીચે પાડ્યો.

'પ્લીઝ. તમે સમજતાં કેમ નથી. અમારા માટે એ જરૂરી છે. એની સાથે વાત-' ,સોનિયા રિસેપ્સનિસ્ટ સાથે વાત કરતી રહી અને મારા કાનમાં શૂન્યતા વધતી ગઈ. કુંજાના ફૂટવાથી ભીડ જમા થઈ ગઈ હતી. મેનેજર પણ ત્યાં આવી ગયો હતો.

તેણે પૂછ્યું, 'શું ચાલી રહ્યું છે આ બધું? શું પ્રોબ્લેમ છે?'

રિસેપ્સનિસ્ટે જવાબ આપ્યો, 'સર, આ લોકોને જીનિષાની ડિટેઇલ જોઈએ છે. જ્યારે હમણાં જીનિષા અને તેના ફાધર ગયાં ત્યારે એમની સાથે આવેલ પર્સન ડેસ્ક પર આવીને ના પાડીને ગયો છે.'

નસીબ કે ભાગ્ય જેવું કંઈ હોય છે કે નહીં એ મારા મનમાં હંમેશા મૂંઝવણ રહેતી. પરંતુ આજે વિશ્વાસ થઈ ગયો કે ના નસીબ, ભાગ્ય કે કિસ્મત જેવું હોય છે. અને જે પોતાનાં પ્રેમને જતો પણ ન જોઈ શકે, જે તેની સાથે એક છેલ્લી વખત પણ વાત ન કરી શકે, એનાથી વધારે ખરાબ ભાગ્ય શું હોઈ શકે!

'પ્લીઝ, સર. હું તમને કહું છું એ વ્યક્તિ જુઠ્ઠો છે. મારે જીનિષાને મળવું જરૂરી છે. એનાં વગર હું રહી શકું તેમ નથી. ' ,હું મેનેજરની નજીક જઈ ઉભો રહ્યો.

'એ શક્ય નથી. હવે, તમે જાઓ. નહી તો મારે સિક્યોરિટી બોલાવવી પડશે.'

અમે ત્રણેય જવાં નીકળ્યાં. પાછળથી મેનેજરનો અવાજ સંભળાતો હતો. 'હવે એ લોકો કે એવાં કોઈ ફરીથી આવે તો પોલીસને કોલ કરી દેજો. ઓકે? લફરાં કરીને કોઈ જાય છે અને એમનાં બેવડા આશિક અહીં છોડી જાય છે. આવી કેરેકટરલેસ ગર્લ અહીં હવે એડમિટ ન થવી જોઈએ.'

અને હું તરત જ પાછો ફર્યો. જઈને મેનેજરને એક ઝાપટ ચડાવી દીધી અને એનો કાંઠલો પકડ્યો. 'હિંમત કેમ થઈ તારી જીનિષા વિશે આવું બોલવાની. હવે, એક શબ્દ એનાં વિશે બોલ્યો તો જાનથી મારી નાખીશ.'

એણે સિક્યોરિટીને બૂમ પાડી. અને હા, મેં માર ખાધો.

૧૭

'શું કરે છે, કાજલ?' ,પ્રેયશે કાજલની ખુરશી પાછળ થંભો દીધો.

'દર્શિતની ડાયરી વાંચતી હતી. એની લવ-સ્ટોરી. પહેલાં વાંચી, પછી થોડી તેણે કહી અને આજે ફરી બાકીની વાંચી. એનો પહેલો જ પ્રેમ અધૂરો રહી ગયો છે.' ,કાજલે કહ્યું.

'ઓકે.'

કાજલ, પ્રેયશ અને દર્શિત હવે નજીકના મિત્રો બની ગયાં હતાં. કાજલના પિતા પણ દર્શિતને હવે માનથી બોલાવતાં હતાં. દર્શિતની માએ હજુ તેને માફ કર્યો ન્હોતો.

'પ્રેયશ. હું તેને જ મળવાં જાઉં છું. ડાયરી પાછી આપવાની છે. તું આવે છે?' ,કાજલ ખુરશી પરથી ઉભી થઇ અને બેગ પેક કર્યું.

'ના. તું મળી આવ. તમારી ફ્રેન્ડશીપ હું બગાડવા નથી માંગતો. પ્રોમિસ કર. તું અને દર્શિત હંમેશા આવાં જ ફ્રેન્ડ્સ રહેશો.' પ્રેયશે કાજલને ખભેથી પકડી રાખી.

'પ્રોમિસ.' , કાજલે પ્રેયશના વાળમાં હાથ ફેરવ્યો, હસી અને લાઈબ્રેરી જવાં નીકળી ગઈ.

દર્શિત એની નવલકથા લખતો હતો. થોડાં જ દિવસોમાં એનું અને એનાં પિતાનું સપનું પૂરું થવાનું હતું.

'ઓહો, આજે ઘણાં દિવસે. પ્રેયશ ક્યાં છે ?એ ન આવ્યો?' ,દર્શિતે લખવાનું બંધ કર્યું.

'ના. કહે અંકલની તબિયત કેવી છે? હું સાંજે આંટીને પણ મળી આવીશ.' ,કાજલે કહ્યું.

'ક્રિટિકલ છે.'

'ઓકે. આ લે તારી ડાયરી. મેં વાંચી લીધી. પરંતુ હજુ સ્ટોરીમાં બાકી હોય એવું લાગે છે. જીનિષા ગયાં પછી સોનિયા અને તારા રિલેશનશીપનું શું થયું?' ,કાજલે ડાયરી દર્શિતના હાથમાં આપી.

'હા, એ હું લખીને આપીશ પાછી. કાલે સવારે.' ,દર્શિતે કોફી ઓફર કરી. 'હવે, બે દિવસ પછી સગાઈ. અને લગ્ન ક્યારે?'

'સગાઈના પંદર દિવસ પછીનું મુહૂર્ત નીકળ્યું છે. સગાઈમાં સવારથી આવી જજે. તારી બીએફએફ વેઇટ કરશે તારો.'

*

આજે રાત્રે દર્શિત કોલ-સેન્ટર ન ગયો અને હોસ્પિટલમાં જ રહ્યો.

એણે ડાયરી વાંચવાની શરૂ કરી.

કોઈ વ્યક્તિ હાજર ન હોય અને તેની યાદો જ્યારે એક પછી એક સામે આવવાં લાગે ત્યારે મનની શાંતિ છીનવાઈ જાય છે. એ વ્યક્તિ સાથે વાતો કરવાનું મન થાય અને એ શક્ય ન હોય તો હૃદય બેબાકાળુ બની જાય છે. માત્ર કોઈનાં સ્મરણોને જિંદગી બનાવી જીવવું એ સરળ નથી હોતું. દર્શિત સ્મૃતિનાં પન્નાઓ ફેરવતો રહ્યો અને અંત પર અટક્યો. જ્યાં જતાં તેને ખબર હતી કે તેનું હૃદય ધ્રુજી ઉઠશે. એ ઘટના જેમાં દર્શિત દોષિત હતો અને જેમાં દર્શીતથી ભૂલ થઈ હતી.

એણે સોનિયા વિશે લખવાનું શરૂ કર્યું.

જીનિષાના ગયાં પછી ચાર દિવસ મેં કાંઈ ખાધું ન્હોતું. રૂમમાંથી પણ બહાર નીકળ્યો ન્હોતો. અર્પણ તેનો સામાન લઈને જતો રહ્યો હતો. નેહા પણ કદાચ તેના ઘરે પહોંચી ગઈ હશે. મારા ફોનમાં કોલ આવતો હતો. એ સોનિયાનો હતો. એ સોનિયાનો 145મો મિસ્-કોલ હતો.

'દર્શિત, તારો ફોન વાગે છે. રિસીવ તો કર.' ,એ સોનિયાનો અવાજ હતો.

બોયસ-હોસ્ટેલમાં ગર્લ્સને આવવું સહેલું હતું. વોચમેનને ફક્ત પાંચસો રૂપિયા આપવાના રહે.

'મારે નથી વાત કરવી કોઈ સાથે.' ,મેં કહ્યું. તેના તરફ જોયાં વગર.

'અને મારે તારી સાથે વાત કરવી હોય એનું શું?' ,સોનિયા ખુરશી લઇ મારી બાજુમાં બેઠી. 'હું તને આ હાલતમાં નથી જોઈ શક્તી. તું દુઃખી રહીશ તો હું ખુશ નહીં રહી શકું. તારે જીનિષાને ભૂલવી પડશે. મેં કહ્યું હતું ને હું મદદ કરીશ તને.' કોઈ હતું જેને હજુ મારી ખુશીની ચિંતા થતી હતી.

'પરંતુ એ ભૂલી શકાય એમ નથી. અને એનાં વિના ખુશ રહેવું પણ શક્ય નથી. તું મારી પાછળ રહીશ તો તું પણ દુઃખી જ થઈશ.' ,મેં તેનાં તરફ જોઈને કહ્યું.

'મને મંજૂર છે. ભલે, તું એને ભૂલી ન શકે. પરંતુ મને તારી જરૂર છે. હું તને મારી લાગણી કેવી રીતે સમજાવું? પ્લીઝ, દર્શિત તું થોડો તો મારો વિચાર કર. હું રાહ જોવું છું તારી. જે વસ્તુ શક્ય નથી એની પાછળ રહીને શું કરીશ તું? હું તારા જવાબની રાહ જોઈશ. બાય.' ,સોનિયા બહાર નીકળી ગઈ.

સાચી વાત છે. લાગણીને શબ્દોમાં કહેવી દરેકની આવડત હોતી નથી અને લાગણીને સમજવી એ પણ.

સોનિયા બપોર પડતાં ફરી આવી. તે ટીફિન લઈને આવી હતી. તેણે મને ખવડાવ્યું, એનાં હાથે. મને પરાણે ન્હાવા માટે મોકલ્યો અને પછી અમે બહાર ફરવા નીકળ્યાં.

કોઈ ગમવાથી પ્રેમ થઈ જવો સહેલો છે. એથી કઠિન છે કોઈને પ્રેમ કરવો. એનાથી પણ કઠિન કોઈના પ્રેમને સમજવો. કોઈના પ્રેમને સ્વીકારવો.

સોનિયા મારી સંભાળ રાખતી. મને ખુશ કરવાં મથતી. મારી સાથે વાતો કરતી રહેતી. જીનિષા અને મારી વાતો પણ એ ખચકાયા વગર કરતી. મને જીનિષા યાદ આવે તો મને સમય આપતી, સાથ આપતી અને હસાવતી. એને જાણ પણ હતી કે મારાં મનમાં હજુ જીનિષા છે, પરંતુ એ છતાં મને પ્રેમ કરતી અને પ્રેમ માંગતી. કેટલું કઠિન હશે, નહીં? સોનિયા મને ત્યારે પ્રેમ કરવાં લાગી હતી જ્યારે હું અને જીનિષા સાથે હતાં. કોઈના મનમાં પહેલેથી કોઈ છે એ જાણતાં પણ એને પ્રેમ કરવો એ સહેલું તો નહીં જ હોય. મને જીનિષાનો પ્રેમ ન મળે તો કાંઈ નહીં પરંતુ સોનિયાને તો એનો પ્રેમ મળે.

હું સોનિયાને સમજવાની કોશિશ કરવાં લાગ્યો. એને જોઈતો સમય આપતો અને એને ગમતી વાતો કરવાં લાગ્યો. એની ઈચ્છાઓ પૂરી કરવા લાગ્યો. પરંતુ હજુ એ બધું એક તરફી જ લાગતું હતું. મારી માટે એ ખુશીઓ, એ વાતો અને એ યાદો સોનિયા સાથે હોય ત્યાં સુધી જ ગમતી. એકલાં પડતાં જ મને જીનિષા યાદ આવતી. શું હું જીનિષાને ભૂલવાની કોશિશ કરીને કાંઈ ખોટું કરતો હતો? જો નહીં તો કેમ હું એની લાગણીના ગુંચળામાંથી બહાર ન્હોતો આવી શકતો! ખુશ થવું અને કોઈ માટે ખુશ રહેવું એ બંનેમાં ભેદ રહે છે.

સોનિયા સાથે ત્રણ મહિના રહ્યો . પરંતુ મારા મનમાં હું એક પગલું પણ આગળ વધી શક્યો ન્હોતો.

'હેલો, દર્શિત, તું આવે છે ને નીચે? હું તને પીક કરવા નીકળી ગઈ છું.'

'હા, હું રેડી છું.'

સોનિયા, કાર લઈને આવી અને અમે અવધ બંગલો તરફ ગયા.

સોનિયાએ રસ્તાની એક તરફ કાર પાર્ક કરી.

'સોનિયા, અહીં કેમ? આસપાસ કોઈ છે પણ નહીં!' ,સોનિયા કારમાંથી નીચે ઉતરી અને બોનેટ પર જઈને બેઠી.

'તું હોય પછી મારે બીજા કોની જરૂર છે?' ,સોનિયા એ ઊંચા અવાજે કહ્યું. અને હું પણ ઉતરી બોનેટ પાસે ઢળતો ઉભો રહ્યો.

સોનિયાએ પાછળથી મારી ગરદન ફરતે તેનાં હાથ વીંટાળ્યા અને તેનો ચહેરો મારા ખભા પર રાખ્યો. 'આઈ લવ યુ, દર્શિત. હું તને આમ જ પકડીને રાખીશ. ' ,હું નીચું જોઈ રહ્યો. 'કેમ કાંઈ બોલતો નથી?'

મેં તેના હાથ પકડ્યા અને તેની સામે ફર્યો. 'સોનિયા, મારાથી નહીં થઈ શકે.'

'શું નહીં થઈ શકે?' ,સોનિયાનો અવાજ મસ્તીમાંથી શાંત પડ્યો. જાણે એને જાણ હતી હું શું કહીશ એની .

'હું જીનિષાને ભૂલી નહીં શકું. હું તારી લાગણીને સમજુ છું પરંતુ હું એ પ્રેમ ક્યારેય અનુભવી નથી શક્યો જે હું જીનિષાને કરું છું. મારા મનમાં એ જ સ્થાન કોઈ બીજાને આપવું શક્ય નથી.' ,મારી આંખ ભીંજાઈ ગઈ હતી. કારણ જીનિષાની યાદ હતી કે પોતાનાં પર થઈ રહેલી ઘૃણા કે સોનિયાના પ્રેમમાં મળેલી નિષ્ફળતા એ નથી ખબર.

'આજે કેમ આવી વાતો કરે છે? હું તારાથી અપેક્ષા નથી રાખતી કે તું મને એ જ પ્રેમ કરે જે તું જીનિષાને કરે છે. મને બસ તું મારી સાથે રહે એ જોઈએ છે. નહીં કે જીનિષા વગર એકલો રહે.' ,સોનિયા પણ રડી રહી હતી. મેં એના આંસુ લૂછવાની કોશિશ કરી.

'નહીં દર્શિત. આવવાં દે. હજુ ઘણાં આવશે.'

'હું કોઈની લાગણીને છેતરવા માંગતો નથી. હું તારી સાથે રહીને પણ તારો ન રહું એ કેટલું ખરું કહેવાય? આગળ જતાં પણ હું જીનિષાને નહીં ભૂલું તો? હું તારી અપેક્ષાઓ પૂરી નહીં કરી શકું તો? પાછળથી બધું અઘરું નહીં થઈ જાય!'

'નહીં યાર. એવું કાંઈ જ નહીં થાય.'

'હું તને આગળ જઈ દુઃખી કરવાં નથી માંગતો. મારાથી નહીં થઈ શકે.'

હું તેનો હાથ છોડી કારમાં જઈ બેઠો. સોનિયા તે પછી કાંઈ બોલી નહીં. તે અડધી કલાક બોનેટ પર જ બેઠી રહી. પછી આંસુ લૂછીને કારમાં આવી બેઠી અને કોલેજ તરફ લઈ ગઈ.

હું કારનું બારણું ખોલી નીચે ઉતર્યો.

'દર્શિત, યાદ રાખજે, તે જે બારણું અત્યારે બંધ કર્યું છે એ તું ગમે ત્યારે ખોલી શકીશ.' ,અને સોનિયા નીકળી ગઈ.

દર્શિતે લખ્યાં પછી ફરીથી ડાયરી વાંચવાની શરૂ કરી.

એનાં ફોનની રિંગ વાગી. 'હેલો- ' ,નંબર સેવ ન્હોતો, 'હા, દર્શિત બોલું છું-'

૧૮

કાજલ : હાઈ શું કરે છે? ક્યાં ગાયબ થઈ ગયો છે?

કાજલ નો મેસેજ આવ્યો. દર્શિતે ડાયરીમાં છેલ્લું ચેપ્ટર લખ્યું પછી એણે કાજલ ને ફોન નહોતો કર્યો. એ રાતથી દર્શિત પોતાના ઘરે પણ નહોતો ગયો . ક્યારેક હોસ્પિટલ , તો કોઈ વખત લાયબ્રેરી અથવા તો ચાલીને બેમંઝીલ ભટકતો હોય.

કાજલ : અને મારી સગાઈ માં પણ ન આવ્યો? તું ન આવ્યો એટલે મેં ભાઈને મોકલ્યો હતો તને લેવા , પણ તે એને આવવાની ના પાડી. હું અને પ્રેયશ સગાઈ પુરી થયા પછી તને મળવા પણ આવ્યા હતા . તું ન હતો હોસ્પિટલ માં કે ન હતો ઘરે . કૉલસેંટરમાં તો તું છેલ્લી રાત થી ગયો નથી. પ્રોબ્લેમ શુ છે યાર?

દર્શિત : કાંઈ નહીં.

દર્શિત અત્યારે પોતાના ઘરે જ હતો. એનું મન વિચારોની ડમરીએ ચડ્યું હતું. એકલો એકલો મૂંઝાતો હતો. કેવો વર્તાવ કરવો એ સમજાતું નહોતું. કઇ દિશામાં પગલું ભરવું સમજાતું નહોતું. કોઈની સાથે વાત કરવાનું મન ન લાગતું.

કાજલ : કેમ હવે હું ફ્રેન્ડ નથી ?

દર્શિત : હું પછી વાત કરું. મને એકલો મૂકી દે.હું એ વિશે કોઈ સાથે વાત કરવા માંગતો નથી. બાય

કાજલ : શેના વિશે છે ? એ તો કહે.

દર્શિત : જીનિષા

કાજલ : હા, તો શું થયું.?

દર્શિત : મેં ના પાડી ને હું નહીં કહું, અને આમેય એ મારી પર્સનલ લાઈફ છે.મારે વાત કહેવી કે નહીં એ મારી મરજી.

કાજલ : મને પણ તારી પર્સનલ લાઈફ માં પડવાનો કોઈ શોખ નથી, ok! હું જાઉં છું. હવે ફોન કે મેસેજ નહીં કરું.બાય

દર્શિત : આઈ હેઈટ યુ

કાજલ : આઈ હેઈટ યુ ,ટુ.

*

રાત્રિનો અંધકાર હતો.

દર્શિત આજે એનાં જ વિચારોનાં આંતર-ગુચ્છમાં ફસાઈ ગયો હતો.

શું મારે થઈ શકે તેટલી વહેલી તકે તેની સાથે વાત કરવી જોઈએ? હા, તો જ મને સંતોષ મળશે. ના, પણ એ મને છોડીને જશે તો! 'નો વે, શી કેન નોટ.' તે મને સમજે છે. તે મને પસંદ કરે છે. શા માટે દૂર જાય?

દર્શિતે છેલ્લા દસ દિવસથી કાજલ સાથે વાત કરી ન્હોતી. વાત બંધ થઈ જવાનું કારણ તો બંનેને ખબર જ હતી. બંને એ પણ જાણતા હતાં કે એક-બીજા વિના રહી શકે તેમ નથી. છતાં પણ, રીસાવું કહો કે સ્વાભિમાન કહો, વાત કરવાં ઈચ્છા ભિતર કોતરી ખાતી હતી, પરંતુ હાર ન માનવાનો દંભ કર્યે જતાં હતાં.

દર્શિતની અકળામણ આજે અસહ્ય બની હતી. એ નીચું નમવા તૈયાર હતો.

જ્યારે પણ વ્યક્તિ જીવનનાં તડકામાં ભમી-ભમીને થાકેલો લોથ-પોથ થઇ જાય છે, ત્યારે જ એને જૂનાં અને ભુલાવી દીધેલાં સંબંધોના છાયાની એ ટાઢક પાછી યાદ આવે છે.

રાત્રિના સાડા અગિયાર વાગ્યા હતા. મનમાં વિચારોની રેલમ-છેલથી પોતાનાં રૂમમાં આમ-તેમ દોડા-દોડ કરતો દર્શિત અંતે જીવને જંપ લાવવાં સ્ટડી-ટેબલ સામે ખુરશીમાં બેઠો અને મોબાઈલ લઈ કાજલને મૅસેજ ટાઈપ કર્યો.

'હેલો, હાઉ આર યુ?’

મૅસેજ ટાઈપ કરતાં દર્શિતનેે છેલ્લા કરેલાં મૅસેજ વંચાયા. દર્શિતે કહેલું - 'આઈ હેઈટ યુ.' અને કાજલનો એ છેલ્લો મૅસેજ હતો - 'આઈ હેઈટ યુ, ટુ.'

એ દિવસે બંનેએ નફરતનો ડોળ જ કરેલો અને પછીનાં દસ દિવસ એ નફરતના ડોળથી પોતે ખુશ છે એવો ઢોંગ પણ એટલી અદબથી ભજવેલો જાણે સર્કસનો જોકર હંમેશા સત્યર્થતા છતી કરતાં દર્પણ સામેય દુઃખને દબાવી સામે ઉભેલી પોતાની જ જાતને હસાવતો હોય.

પાંચ મિનિટ થયાં બાદ મોબાઈલ ટેબલ પર બિપના અવાજ સાથે વાઈબ્રેટ થયો.

'હેલો, દર્શિત, આઈ એમ ફાઈન. તું કહે. '

દર્શિતે તુરંત જ મોબાઈલ લઈ મેસેજ ટાઈપ કર્યો. એની ખુશીએ નફરતને દબાવી એકાએક છળકો માર્યો હતો.

'મી ટુ ફાઈન.'

આ તરફ કાજલ પણ એ જ હાલતમાં હતી. પરંતુ તે સ્વાભિમાનને છોડવાં તૈયાર ન હતી. તેણે મેસેજ કર્યો.

'ઓ.કે.'

દર્શિતને એક પળ તો થયું કે જો કાજલને મારી ન પડી હોય તો હું શા કારણે ફરી એને યાદ કરું છું! પરંતુ બીજી જ ક્ષણે વિચાર આવ્યો કે એ પોતાની જ ભૂલની સજા કાજલ અને તેમના સંબંધને કેમ આપે? એણે ફટા-ફટ મૅસેજ કર્યો

'કાજલ, હું મારી ભૂલ સ્વીકારું છું. મને કોઈ અધિકાર ન હતો તને આમ ભૂલી જવાનો. સોરી.'

મૅસેજ વાંચતા જ કાજલની પાંપણનાં પડ પાછળથી ટપ-ટપ કરતાં આંસુનાં ટીપા મોબાઈલ સ્ક્રીન પર પડ્યાં. તેણે મેસેજ ટાઈપ કર્યો.

'મારે તારી સોરીની જરૂર નથી. પણ તે ફક્ત એક વખત એમ કહ્યું હોત કે તું મને ખૂબ યાદ કરે છે તો પણ હું માની જાત.'

'હા, કાજલ, આઈ મિસ્ યુ, રિઅલી.'

'મિસ્ યુ ટુ, ભોંદુ'

'ડોન્ટ કોલ મી ભોંદુ. અચ્છા, સાંભળ અત્યારે અગિયાર ને પીસ્તાલીસ થઈ છે. બાર વાગે, સબ-વે, પંદર મિનિટ. સી યુ'

'હું તારી પહેલાં પહોંચીશ. બેટ?'

'મારી પાસે તારી સાથે વાત કરવા સમય નથી. મારે કોઈક ને મળવાનું છે.'

અને પછી દર્શિત પોતાનું "આર. એક્સ. 100" લઈને સબ-વે પર પહોંચ્યો.

સબ-વે અંદર જઈને જુવે છે તો કાજલ કોર્નર-ટેબલ પર બેઠી હતી. કાજલ સુધી પહોંચતા તે મોબાઈલમાં સમય જુએ છે.

'શીટ, એક મિનિટ લેઇટ.'

'મેં કહ્યું જ હતું. તું શરત હારી ગયો. બિલ તારે પે કરવાનું.'

દર્શિતને મનમાં સંતોષ હતો. કાજલને ફરીથી મળીને. જાણે તૂટેલું રમકડું બસ એક જ મિનિટમાં ફરી સાજું થઈ ગયું હોય..

બંનેએ હંમેશની જેમ કોલ્ડ-કૉફીનો ઓર્ડર કર્યો. પરંતુ બંનેની વાતોમાં ચુપકીદી ભળી ગઈ હતી.

કાજલે દર્શિતના હાથ પર હાથ મુક્યો. દર્શિતના મનમાં વીસ દિવસ પહેલાં પોતાનાંમાં જે બદલાવ આવ્યો, પોતે મનમાં એક સંબંધથી બીજી તરફ લસરી પડ્યો, એક-એક ક્ષણ જયારે-જ્યારે કાજલને પોતાનાં વર્તનને લીધે ઠેસ પહોંચી હશે તે શરૂઆતથી આજ સબ-વે સુધીની પળે-પળ નજરના પડદા પાછળ પસાર થઈ રહી હતી.

કાજલના હાથનાં સ્પર્શથી તે ફરીથી સ્વસ્થ થયો.

'દર્શિત, આપણી વચ્ચે વાત બંધ થવાનું કારણ બંનેને ખબર જ છે. અને તે દિવસે મેં ગુસ્સામાં તને સમજ્યા વગર જ રીએક્ટ કરી દીધું.'કાજલ ઝૂકીને દર્શિતની નીચી નમેલી આંખોમાં જોવાનો પ્રયત્ન કરતી હતી. 'મને ખબર છે. તેનું તારી જિંદગીમાં કેટલું ઇમ્પોર્ટન્સ છે. એ તારો પ્રેમ છે. તું એનાં માટે બધું જ ભૂલી શકે છે. હંમેશા હું એવો દાવો કરતી હતી કે હું તારી બેસ્ટ-ફ્રેન્ડ છું, હું તને સમજુ છું, હું તારો સાથ ક્યારેય નહીં છોડું. એટલે એનાં આવવાથી તારું બદલાવું નક્કી જ હતું. તું હંમેશથી આવો જ છું. કોઈ બદલાયું હોય તો એ હું જ હતી.'

દર્શિતની આંખમાં ઝળ-ઝળીયા તરી આવ્યાં. એટલે કાજલ ત્યાંજ અટકાઈ.

'ફોરગેટ અબાઉટ ધેટ. હા, મને કહે તારી સ્ટોરી...અમ, વિરાટ અને અનુરાધાની સ્ટોરી. ક્યાં સુધી પહોંચી?'

દર્શિતે ઊંચું જોઈને કહ્યું, 'અંત પર જ છે.'

'સરસ. તારા ડેડ ખુશ થશે.નહીં?'

'હા...અને સાંભળ મેં કાલે જ ડેડની ડાયરીમાંથી એક પંક્તિ વાંચી છે.'

'અરે,તો સભળાવને.'

બંનેનાં ચહેરા પર થોડું હાસ્ય મલકાયું

ડાઘ બતાવતો ચાંદ પૂનમનો પ્રેમનો,

પણ મિત્રતાનો ચંદ્ર સુહામણો બીજનો,

'કાજલ, તેનો પ્રેમ મારા જીવનમાં હંમેશા એક ડાઘ બનીને રહ્યો છે. તેનાં પ્રેમમાં એક જુનૂન છે. અને તારી મિત્રતા મારી જિંદગીની સૌથી ખૂબસૂરત વસ્તુ છે. એટલે જ તો મારા ડેડ એ મિત્રતાને બીજનાં ચંદ્ર સાથે સરખાવી છે. કેમ કે હકીકતમાં પૂનમ કરતા બીજનો ચાંદ વધારે સુંદર હોય છે. તેમાં ડાઘ નથી હોતો.

'કાજલની આંખોમાં ઝાકળ જેવી ભીનાશ થઈ ગઈ. કાજલે દર્શિતનો હાથ પકડતાં કહ્યું, 'થેન્ક યુ, દર્શિત. બસ કર હવે. લેખક આટલા ઈમોશનલ કેમ હોય છે.?'

'મારે એક વાત કહેવી છે હવે, ત્યારે હું ડિપ્રેશન માં હતો. હું તારી સાથે વાત નહીં કરું તો બીજા કોને કહીશ ? ' દર્શિતે કહ્યું.

' હા , કહે .હું સમજુ છું તને'

'તે ડાયરી પાછી આપી એ રાત્રે હું સોનિયા વિશે લખતો હતો . ત્યારે કોઈનો કોલ આવ્યો મને. એણે મને એડ્રેસ લખવા કહ્યું. એડ્રેસ શિમલા નું હતું. પછી કહ્યું કે આ એડ્રેસ પર હજી કોઈ મારી રાહ જુએ છે.'

દર્શિત હજુ મનમાં પ્રશ્ર્નો ઉકેલી રહ્યો હતો .

'એટલે એ જીનિષા ? , પરંતુ એ કોણ હતું . જેણે કોલ કર્યો ? અને હવે , જીનિષા નું એડ્રેસ મળ્યું તો તું કેમ વિચારે છે ?' કાજલે હળવા અવાજે કહ્યું.

' ખબર નહીં, એ નંબર હવે આઉટ ઓફ કવરેજ આવે છે. મારા મનમાં ઘણા પ્રશ્નો હતા. એ કોણ હતું.? જીનિષા હજુ મારી રાહ કેમ જુએ છે ? એ વ્યક્તિ પાસે મારો નંબર કેવી રીતે આવ્યો ? શું જીનિષા એ જ કોલ કરવાં કહ્યું હશે ? અને આમ અચાનક મારી યાદ કેમ આવી ? શુ મારે એને મળવા જવું જોઇએ ? એણે મને બહુ દુઃખી કર્યો છે.' મારો અવાજ પાતળો થતો જતો હતો .

'સાવ, ભોંદુ છે તું. કેટલું બધું વિચારે છે. આજ સુધી જેની રાહ જોઇને તું બેઠો છે એનું સરનામું મળ્યું છે.અને તું અહીં રોજ મળતી ફ્રેન્ડ સાથે આ કાફેમાં રૂટિન થયેલી કોફી પીવે છે.તારે જવું જોઈએ.સિમ્પલ છે . તું એને મળીશ એટલે તારા બધા સવાલોના જવાબ તને આપોઆપ મળી જશે.' ,કાજલે કહ્યું.

'પરંતુ પરમદિવસે તારા મેરેજ છે.હું એ છોડીને કેવી રીતે જાઉં .તારી સગાઈમાં પણ ન આવ્યો નથી.'

કાજલ વચ્ચે જ બોલી ઉઠી

'મારા મેરેજમાં આવવા રહીશ તો જિંદગીભર તારા મેરેજ નહીં થાય . હા, મને ખોટું લાગશે ,પણ તારે મને એક ગિફ્ટ આપવી પડશે ! જીનિષા ને મનાવીને અહીં લઇ આવ' ,કાજલે હસીને કહ્યું અને દર્શિત પણ હસ્યો.

૧૯

'ડેડ, ફાઇનલી તમારું સપનું પૂરું થયું. આજે આખરી પ્રકરણ લખ્યું. આ ચોપડી હું અત્યારે તમારી પાસે જ છોડીને જાઉં છું. મને ખબર છે તમે વાંચી નહીં શકો પરંતુ હું શિમલાથી પાછો ફરીશ ત્યારે તમને વાંચીને સંભળાવીશ.'

સાંજના છ વાગ્યાં હતાં. દર્શિત આઠ વાગ્યાની ટ્રેનમાં જવાં નીકળવાનો હતો. તે પિતાનાં પલંગ પડખે ટેબલ પર બેઠો હતો. તેનાં ખભા પર બેગ લટકાવેલું હતું. આઈ.સી.યુ રૂમમાં તેના પિતાની આસપાસ ગોઠવેલા મશીન્સ અને એમના ઑક્સિજન માસ્કમાંથી બહાર-અંદર થતી હવાનાં અવાજ વચ્ચે દર્શિતની વાતો પડઘા પાડતી હતી.

દર્શિતે તેનાં પિતાનો હાથ પોતાનાં બે હાથ વચ્ચે રાખ્યો. એની પાંપણ આંસુઓને ધક્કા મારતી હતી.

'મને તમારાં આશીર્વાદ જોઈએ છે. હું જે મેળવવાં જાઉં છું એ લઈને જ પાછો ફરીશ.'

દર્શિત ઉભો થઇ બહાર જવાં નીકળ્યો.

'વહુ ને લેવાં જાય છે અને માઁ ને કહીશ પણ નહીં!'

દર્શિતની મોમ રૂમમાં આવ્યાં. દર્શિત થંભી ગયો અને એની નજર ઝૂકી ગઈ. તે નજીક આવ્યા અને દર્શિતનું મોં ઊંચું કર્યું.

'કાજલે કહ્યું મને કે તું શિમલા જાય છે. એ સવારે આવી હતી શોપિંગ બતાવવા.'

દર્શિતની આંખોમાં ઝળઝળિયાં જોઈ તેનાં મમ્મી પણ રડવા લાગ્યા. તેમણે દર્શિતને છાતીએ લગાવી લીધો.

'મોમ, મને માફ કરી દો. હું તો બસ ડેડની જાણ-' ,દર્શિત વાક્ય પૂરું કરતાં પહેલાં જ હિબકાથી અચકાઈ ગયો.

'તે કર્યું એ બરોબર ન જ કહેવાય. પરંતુ તું એ જ ઇચ્છતો હતો કે મારી ખુશી ન છીનવાઈ જાય. તારી મા થઈને હું તને ન સમજી શકી. હું તારાથી હવે દૂર રહી નહિ શકું. મેં તને માફ કર્યો છે.'

દર્શિત નિઃશબ્દ રડતો રહ્યો અને તેની મા એની પીઠ થાબડતી રહી.

'કેટલી સુંદર છે?'

'વાતો કર્યા કરે છે તમારી જેમ જ. મારી દરેક ટેવ એને ખબર છે તમારી જેમ જ. મને વઢયા કરે છે, મારી ચિંતા કર્યાં કરે છે, તમારી જેમ જ. અને સુંદર છે જાણે તમે જ.' ,દર્શિત દૂર થયો.

'બહુ જલ્દી જ મળવું પડશે એને. જા, હવે અને એને લઈને જ પાછો આવજે.' અને બંને હસ્યાં.

દર્શિતે સામાન લીધો અને રીક્ષા કરી કાજલના ઘરે પહોંચ્યો. કાજલનું ઘર લગ્નની આગાહી કરતાં ડેકોરેશનથી ચમકતું હતું. કામ કરાવવાના બહાને આવેલા મહેમાનો અને તેમના બાળકોના અવાજથી ગુંજતું હતું. રાતની રસોઈની સિટીઓ પણ વારાફરતી બહાર સુધી સંભળાતી હતી.

હાથે મહેંદીનો રંગ ચડાવેલી કાજલ ઘરના દરવાજા સુધી આવી જ્યાં દર્શિત તેની રાહ જોઈ રહ્યો હતો.

'તો! ભોંદુ, કેવું મહેસુસ થાય છે?'

'નર્વસ. કોઈ સાથે હોત તો હું આટલો ગભરાયેલો ન રહેત. આ એવી લાગણી છે જેમાં ભૂતકાળમાં થયું એના લીધે મૂંઝવણ થાય છે અને ભવિષ્યનો ડર પણ લાગે છે.' ,દર્શિતે કહ્યું.

'કમોન યાર. હું છું ને હંમેશા તારી સાથે. એમ વિચાર કે જો આ જ રીતે તારી જિંદગીની વાર્તા કે તારી પ્રેમ-કહાનીનો અંત થવાનો છે તો તું એ અંતને પરફેક્ટ બનાવીશ. પ્રોમિસ?' ,કાજલે પૂછ્યું.

'હા, પ્રોમિસ.' ,દર્શિતે કહ્યું. 'આ લે સોનિયા વિશે મેં લખી નાખ્યું છે. હવે, જે કાંઈ થશે એ ઉમેરીશ. અથવા સ્ટોરીનો અંત અહીં સુધીનાં અધૂરાં પ્રેમ પર જ રહી જશે.' ,દર્શિતે કહ્યું. તેણે કાજલને ડાયરી આપી.

પ્રેયશ આવ્યો. તેણે કાર બહાર કાઢી.

'ચલો, દર્શિત. પછી લેઇટ થઈ જશે.'

'બાય, મિસ્ટર રાઈટર. બેસ્ટ ઓફ લક. અને મારી ગિફ્ટ લઈને આવજે.' ,દર્શિત અને કાજલ ગળે મળ્યાં અને પછી દર્શિત કારમાં બેઠો. પ્રેયશે કાર રેલ્વે-સ્ટેશન તરફ દોડાવી મૂકી.

ટ્રેનથી શિમલા પહોંચતા બે દિવસ જેટલો સમય લાગવાનો હતો. વળી, એ માટે બે વખત ટ્રેન બદલાવાની હતી. જીનિષાને મળવાની ખુશી અને રાહમાં દર્શિતને ટ્રેનની સફર સમય સાથે લાંબી ને લાંબી લાગતી જતી હતી. એને લાગતું હતું કે પાટા બદલતી ટ્રેનની જેમ શું મારી જિંદગી પણ બદલાશે? એન્જીનથી છુટેલી વિસલના અવાજની જેમ શું ખુશીઓ પણ આવી રહી છે? દરેક સ્ટેશન પર આવતી ટ્રેનની રાહ જોતાં મુસાફરોની જેમ જ શું જીનિષા એની રાહ જોતી હશે?

છેલ્લે બદલાવેલી ટ્રેન દર્શિતની રાહને પૂર્ણ-વિરામ મૂકતી શિમલાનાં સ્ટેશન પર આવીને ઉભી રહી.

દર્શિતે ફોનમાં જણાવેલા સરનામે પહોંચવા ટેક્સી કરી.

સવારનો ધુમ્મસ શિમલાના લીલાંછમ ઢોળાવોને સમાંતર પથરાયેલો હતો. તો પણ, સૂરજના કિરણો એને ક્યાંક-ક્યાંક છેદીને બહાર આવતાં હતાં. અમદાવાદનાં ટ્રાફિક જેવો કોલાહલ અહીં ન્હોતો. શિમલાના લોકો દિવસની શરૂઆત માટે ખુશ દેખાતાં હતાં. રસ્તાઓમાં વધુ વળાંકો હતાં. ક્યારેક એક તરફ ખીણ તો કોઈ વખત ભેખડ આવતી. 'અરે, સ્ટોપ. સ્ટોપ.' , અને કાર ટાયરનાં અવાજ સાથે ઉભી રહી.

દર્શિતે ટેક્સીવાળાને રૂપિયા આપ્યાં અને સામાન લઈ નીચે ઉતર્યો.

'સર, આપને જો પતા બતાયા થા વો અભી આગે હૈ., બૈઠ જાઈએ વાપીસ.' ,ડ્રાઇવરે કહ્યું.

'મુજે અબ આગે નહીં જાના હૈ, ઠીક હૈ? આપ જા સકતે હૈ.' ,દર્શિતે કહ્યું અને ડ્રાઇવરે ટેક્સી ભગાવી મૂકી.

દર્શિત ઢોળાવની તળેટી સુધી પહોંચ્યો. ઢોળાવ પરથી ઝરણું વહેતું હતું. એની બંને બાજુ ચા-કોફીના ખેતર હતાં. શિમલાનાં પહેરવેશમાં સ્ત્રીઓ પાછળ ટોપલા બાંધી ચા ની પત્તીઓ એકઠી કરતી હતી. એક ગોવાળીયો ઘેંટાઓને લઈને ઢોળાવ પર ચડયે જતો હતો. અને એક છોકરી પીળા રંગના ડ્રેસમાં એ ઘેંટાઓ સાથે રમતી હતી.

દર્શિતે બૂમ પાડી , 'જીનિષા.' ,અને એ છોકરીએ સામે જોયું. દર્શિતના પડઘા ઢોળાવ પર પડતાં રહ્યાં અને જીનિષા દર્શિતનો અવાજ પારખી ગઈ.

એ ઢોળાવ પરથી નીચે ઉતરવા લાગી અને દર્શિત ઉપર તરફ ઝડપથી ચડવા લાગ્યો.

જીનિષા આવીને ગળે મળવાં માંગતી હતી પરંતુ અચકાઈ. બંને હાંફથી કશું બોલતાં ન હતાં.

'તું કેમ અહીં આવ્યો? અને સોનિયા ક્યાં છે?' ,જીનિષાએ પૂછ્યું.

'હું સોનિયાને એ પ્રેમ ન્હોતો કરી શકતો જે તને કરતો રહ્યો છું. અમે અલગ થઈ ગયાં હતાં.' જીનિષા ચૂપ રહી.

'મને કોઈનો ફોન આવ્યો હતો કે તું હજુ મારી રાહ જુએ છે. એટલે હું આવ્યો. એ કૉલ તે કરાવ્યો હતો.? ',દર્શિતે પૂછ્યું.

'નહીં. મેં કોઈને કોલ કરવાં નથી કહ્યું. હા, એ સાચું કે હું તને હજુ એ જ પ્રેમ કરું છું અને હું તારી રાહ પણ જોઈ રહી હતી.' ,જીનિષાને કોલ વિશે સાંભળીને આશ્ચર્ય થયું.

'અને અર્પણ ક્યાં છે? ',દર્શિતે આસપાસ જોઈને પૂછ્યું.

'હું શિમલા આવી પછી દર અઠવાડિયે એનો કોલ આવતો અને મહિનામાં એક વખત મળવાં પણ આવતો. અર્પણ ચંદીગઢમાં જોબ કરતો હતો. પરંતુ એ છ મહિના જ ચાલ્યું. પછી એ જાણે ગાયબ જ થઈ ગયો. હું ચંદીગઢ પણ ગઈ હતી ,તેની ઓફિસના સરનામે પરંતુ એણે એ જોબ છોડી દીધી હતી.' ,જીનિષા દૂર નજર રાખી જોઈ રહી. જાણે એ વણ-ઉકેલાયેલા પ્રશ્નો હજુ એને મૂંઝવતાં હતાં.

દર્શિત અને જીનિષા લગભગ ત્રણ કલાક સુધી એ જ જગ્યા એ બેસી રહ્યા. દર્શિતે તેને અર્પણે જે કાંઈ કર્યું એ બધી વાત કરી. આજે જીનિષાની આંખોમાં ફરીથી એ જ વિશ્વાસ દેખાતો હતો. આજે જીનિષાને જોઈને એ જ લાગણી અનુભવતો હતો જે દર્શિતે તેને પહેલી વખત જોતા અનુભવી હતી.

જીનિષાનું ઘર ઢોળાવની બીજી બાજુએ હતું. બંને ચાલતાં-ચાલતાં ઘર તરફ ગયાં.

'દર્શિત, મેં તને દુઃખી કર્યો છે. તારું દિલ તોડ્યું છે. મેં એક વખત પણ તારા પર વિશ્વાસ ન કર્યો. આઈ એમ સોરી.' ,જીનિષાએ કહ્યું. બન્ને ઘરના દરવાજે પહોંચી ગયાં હતાં.

'મારું દિલ તૂટ્યું હતું. પ્રેમ પરથી વિશ્વાસ નહીં.' ,દર્શિતે કહ્યું. 'જીનિષા, હું તારા માટે કંઇક લખીને લાવ્યો છું.'

आज आप फिरसे मिले नहीं होते तो,

युहीं दिल मे दिल से प्यार की बगावत नहीं होती।

आज भी यादों में जूड़े नहीं होते तो,

यकीन इस पलकों को फिरसे भींजने की जरूरत नही होती।

आज तक रूह से बँधे नहीं होते तो,

युहीं बेवजह हम में फिरसे जीनेकी ताकत नहीं होती।

आज भी सपनों में आते नहीं होते तो,

यकीन आज तक प्यार पे भरोसे की आदत नहीं होती।

ઘરની ફરતે લાકડાની વાડ કરેલી હતી અને એ વાડને સમાંતરે ફૂલોના છોડ ઉગાડેલા હતાં. ઘર લાકડાનું અને નળિયાંવાળું હતું. બગીચામાં જીનિષાના દાદાજી પાણી છાંટી રહ્યાં હતાં. કાચની બારી નીચે બાલ્કનીમાં એનાં દાદી ઉન ગૂંથતાં હતાં.

દર્શિત-જીનિષાને જોઈ દાદાજીએ પાણીનો ઝારો બાજુ પર મુક્યો અને તેમની પાસે ગયાં.

'અરે, હા, એક મિનિટ.' ,દાદાજી. દર્શિતને ઉપરથી નીચે સુધી તપાસી રહ્યાં. ',યસ. આતો પેલો ફોટો વાળો. અમમ...દર્શિત. નંદિતા, નીચે આઓ તુમ્હારા દામાદ આયા હૈ.' ,અને દાદાજી દર્શિત સાથે હાથ મિલાવી અંદર જતાં રહ્યાં.

દર્શિતને વિસ્મયતામાં જોઈને જીનિષા એ કહ્યું, 'દાદુ, સુરત જન્મ્યાં હતાં એટલે ગુજરાતી જાણે છે. દાદી ને નથી આવડતી.' ,હજુ દર્શિતને પ્રશ્નોમાં ફસાયેલો જોઈને કહ્યું 'શિમલામાં દાદુ સિવાય કોઈ મારું ફ્રેન્ડ નથી. એટલે એમને ખબર છે હું તારી રાહ જોઈ રહી હતી.'

દર્શિત ફ્રેશ થઈને નીચે આવ્યો ત્યારે ટેબલ પર જમવાનું તૈયાર હતું.

'બેટા, હમેં કોઈ એતરાઝ નહીં હૈ. જીનિષા એક બાર અપને મોમ-ડેડ સે બાત કરલે તો આપ જા શકતે હો.' ,જીનિષાના દાદીએ કહ્યું. દાદા-દાદી પણ પ્રેમ કરીને ભાગ્યાં હતાં. જીનિષા ના દાદા વકીલ હતાં અને એ કાશ્મીરમાં કેસ લડવા આવ્યાં હતાં. દાદી એ ઘરનાં દીકરી હતાં જેની વિરૂદ્ધમાં દાદાજી જમીનનો કેસ લડતા હતાં. દાદાજી જીત્યા હતાં - બંને કેસ અને દાદીનો પ્રેમ.

'નંદિતા, ડરાવીશ નહીં. એમને.' , દાદાજી એ કહ્યું. 'ગભરાઇશ નહીં, દર્શિત. હું વાત કરીશને નીરજ સાથે. હજુ મારું ઘરમાં ચાલે છે.' ,દાદાજીએ આંખ મારી.

સાંજે બધાં ફરવા ગયાં અને બહાર ડિનર કર્યું.

રાત્રે જીનિષા અને દર્શિત ચાલવા નીકળ્યાં.આવતી કાલે કાજલના મૅરેજ થશે. દર્શિતે કાજલને ફોન કર્યો પછી મોમને પણ કોઈ ફોન ન્હોતું ઉપાડતું.

'જીનિષા, મને ટેંશન થાય છે. કોઈ ફોન કેમ નથી ઉપાડતું.'

'બધા કોઈને કોઈ કામમાં અટવાયા હશે. થોડા સમય પછી કરજે હવે.'

દર્શિત અગિયાર વાગ્યાં સુધી કોલ કરતો રહ્યો પરંતુ એક પણ ફોનનો જવાબ ન મળ્યો. અંતે તેની મા નો મેસેજ આવ્યો. - સવારે વાત કરીશું. મેં કોલ બેક કર્યો પણ લાગતો નથી. મારે નેટવર્ક પ્રોબ્લેમ આવે છે. હું કાજલનાં ઘરે કામમાં વ્યસ્ત હતી.

દર્શિતે મેસેજ પછી કોલ કર્યો અને અનરીચેબલ આવવા લાગ્યો.

સવારે દર્શિત અને જીનિષા સામાન પેક કરી જવા તૈયાર હતાં. દાદાજી એ જીનિષાના પિતા જોડે વાત કરી લીધી હતી. જવાબ એમ આવ્યો હતો કે જીનિષા બે દિવસ દર્શિત સાથે અમદાવાદમાં રહેશે અને પછી બંને સુરત જીનિષાની ફેમિલી ને મળવાં જશે. માત્ર એકબીજાને જાણવાં ને હેતુ થી. બાકી હા જ છે એમની.

દર્શિત અને કાજલ ટ્રેનમાં બેસી અમદાવાદ પહોંચ્યા.

પ્રેયશ તેમને લેવાં આવ્યો હતો.

ઘરનું વાતાવરણ જોઈને દર્શિત સમજી જ ગયો હતો. ઘરમાંથી લોકો સફેદ કપડામાં અંદર-બહાર જ્યાં-આવ્યાં કરતાં હતાં. દર્શિત-જીનિષાની રાહ જોતાં તેની મા અને કાજલ બારણે ઉભા હતાં.

પતિના ગયાં ના દુઃખને દબાવીને આવતી વહુનાં ના સ્વાગત માટેની હિંમત તેમનામાં હતાં. આંસુઓને પાંપણ સુધી જ રોકી રાખવાની હિંમત હતી એમનામાં.

દર્શિતના પિતા કાજલના મૅરેજ ના આગલા દિવસે જ સ્વર્ગસ્થ થઈ ગયાં હતા. દર્શિતને અહીં પહોંચી ન જાય ત્યાં સુધી ન જાણ કરવા એની મા એ કહ્યું હતું.

બારણે પહોંચતા એમણે જીનિષા દર્શિતનું આરતી ઉતારી સ્વાગત કર્યું પણ આ વખતે આ આંસુઓને રોકી ન શક્યા. દર્શિતની આંખો તો ક્યારની વહી રહી હતી. અને એ જોઈ કાજલ અને જીનિષા પણ રડી રહ્યા હતાં. આરતી પૂરી થતાં જ દર્શિત ઘૂંટણિયે પડ્યો અને રડતો રહ્યો.

*

કાજલ અને પ્રેયશ તથા તેની ફેમિલી ન્યુ યોર્ક પાછા ફરી રહ્યા હતાં. કાજલ અને દર્શિત છેલ્લી વખત એકબીજાને મળવાં સબ-વે આવ્યાં હતાં.

'શું વિચારે છે દર્શિત હજુ.? હવે બધું બરાબર જ થશે.' ,કાજલે કોફીની ઘૂંટ લેતાં કહ્યું.

'હું અંતને પરફેક્ટ બનાવવા મથતો રહ્યો અને ભાગ્ય મને ફરી હરાવી ગયું.'

'કેમ?'

'એક. મારી નવલકથા પુરી તો થઈ પરંતુ એ ડેડને સંભળાવી ન શક્યો. અને મને મારો પ્રેમ તો મળી ગયો. પરંતુ સોનિયાનું શું?' ,દર્શિત ભીંજાયેલા અવાજે બોલતો હતો.

'સાંભળી છે. તું ગયો એ રાત્રે જ હું અને પ્રેયશ હોસ્પિટલ આવ્યાં હતાં. આંટી તારી નવલકથા વાંચીને અંકલને સંભળાવી રહ્યા હતાં. અને સોનિયાની વાત કરું તો જરૂરી નથી કે પ્રેમ એક વખત જ થઇ શકે. સોનિયા સાથે વાત થાય તો તું એને સમજાવજે. એણે જિંદગીમાં આગળ વધવું જોઈએ.'

'ઓકે.'

'જીનિષાને કહેજે હું એને યાદ કરતી રહીશ. મને કોલ કરતો રહેજે. આઈ લવ યુ , ભોંદુ.' ,કાજલે દર્શિતનો હાથ પકડ્યો.

'હા, ચોક્કસ. અને આઈ લવ યુ ટુ.'

*

સવારમાં દર્શિતના મોબાઈલ પર ઈ-મેઈલ આવ્યો.

ડીયર દર્શિત,

ઘણાં સમય પછી તારી સાથે વાત કરવાની હિંમત થઈ. કેમ કે હવે તારા અને એટલે મારા જીવનમાં ખુશીઓ આવી છે.

તારા પિતા ખબર મળી. આઈ એમ સોરી ફોર ધેટ. હું મળવાં માંગુ છું તને પણ હવે મળીને તને તકલીફ આપવાં માંગતી નથી. એટલે મેં મેઈલ કરી દીધો.

જીનિષા અને તને સાથે જોઈને હું ખુશ છું અને અર્પણ પણ ખુશ છે. અર્પણે ઘણું સહન કર્યું છે. અર્પણ જીનિષાને મળવાં જતો. પરંતુ ત્યાં જઈને એ દુઃખી જ પાછો ફરતો. જીનિષા હંમેશા તારી જ વાતો કર્યા કરતી કેમકે એ તને ભૂલી શકી ન્હોતી. જીનિષાને જાણે એમ લાગતું કે એનો પ્રેમ ક્યાંક દૂર જઈ રહ્યો છે. અર્પણ એ બધી વાત સાંભળીને અંદરને અંદર પીસાતો રહેતો. ન તો એ જીનિષાને કાંઈ કહી શકતો ન તો પોતાને જીનિષાના મનમાં લાવી શકતો. અહીં આપણે દૂર થયા એ વાત પણ અર્પણને ખબર પડી. જ્યારે એને ખબર પડી કે હું તારી ખુશી માટે તારાથી દૂર જઈ રહી છું કેમકે તું પણ જીનિષાને ભૂલી શકે એમ નથી ત્યારે અર્પણ મનોમન ગુંગળાતો રહ્યો. એનો પ્લાન સફળ થયા પછી પણ એ પોતે નિષ્ફળ થઈ રહ્યો હતો. આપણે બધા પોતપોતાના પ્રેમ પર અડગ હતા જ્યારે અર્પણ જાણે એકલો પડી ગયો હતો. નેહાના પ્રેમને સમજી ન શક્યો એના વિચારો એને પળે પળે તોડી રહ્યા હતા. એ ટુકડાઓમાં વહેંચાઈ રહ્યો હતો. અંતે, થતાં પછતાવા ને ઘટાડવા અને પોતાને ખતમ થતો અટકાવવા એ નેહાનો સાથ શોધવા નીકળ્યો. પરંતુ નેહાના સરનામે જતાં એને ખબર પડી કે કૉલેજનાં એક મહિનામાં જ નેહાએ ડિપ્રેશન ને લીધે આત્મહત્યા કરી હતી. અર્પણ પર એના નસીબનો એ છેલ્લો ઘા હતો. અર્પણને‌ પોતાના પર હવે તિરસ્કાર વધતો ગયો , એને ખબર હતી કે નેહાની આત્મહત્યા પાછળનું કારણ એ પોતે જ છે. અર્પણે‌ જીનિષાને મળવાનું બંધ કરી દીધું અને ચંદીગઢમાંથી નોકરી છોડી દિલ્હી આવ્યો. અનાયાસે એને પણ ત્યાં જ જોબ મળી જ્યાં હું જોબ કરું છું. અર્પણે‌ મને બધી વાત કરી. તેણે જ તને કોલ કર્યો હતો કે જીનિષા તારી રાહ જુએ છે. એણે મને ના પાડી હતી કે તને આ વાતની જાણ ન કરું પરંતુ મને લાગ્યું કે તારે આ વાત જાણવી જરૂરી છે. શક્ય હોય તો અર્પણને મળજે અને એને માફ કરજે.

સોનિયા.

પ્રેમનાં નિયમો પણ કેવાં છે નહીં! એમાં હંમેશા જોડીને જ મહત્વ અપાય છે. જો ત્રીજું કોઈ આવે તો લવ-ટ્રાઈ એંગલ માની કોઈ એક ને કહાનીનો વિલન માની લેવાય છે. શું બધા જ લવ-ટ્રાઈએંગલ માં એક વ્યક્તિ ખરાબ હશે જ! લવ-ટ્રાઈએંગલ એટલે આગાહી. બધા ના દૂર થવાની કે કોઈ એક ને કોમ્પરોમાઇસ કરવાની આગાહી.

Share

NEW REALESED