Ha, Te ziddi chhe... books and stories free download online pdf in Gujarati

હા,તે જિદ્દી છે...

હા, તે જિદ્દી છે...

દરરોજની ટેવ પ્રમાણે હું અને કૃણાલ સમય સાથે પસાર કરવાનાં બહાને ચાલીને એક ચક્કર લગાવવા નીકળ્યાં.

અંધકાર ભરપૂર ગાઢ ભર્યો હતો, પણ આજે તેમાં કોઈ છેદ વર્તાતો હતો. રોજ સંભળાતો તમરાઓનાં તીણા અવાજમાં કોઈએ શૂન્યતા ભેળવી દીધી હતી. હવામાંનાં ભેજની ભીનાશ મારી ત્વચાને દઝાડતી હતી અને કૃણાલે મારો હાથ એ જ દ્રઢતાથી પકડેલો હતો જેમાં આજે મને ખાલીપણું સ્પર્શતું લાગતું હતું.

કદાચ, હું જે સ્મરણોનાં દરિયાનાં કિનારે ઉભી-ઉભી કોઈની રાહ જોઈ રહી હતી તેમાં આજે ભરતી આવી હતી અને એનાં મોજાં પગની હેઠેની વર્તમાનની રેતીને તાણીને લઈ જતાં હતાં કે હું પડું-પડું થઈ જતી હતી.

વાંક એમાં ન હતો કૃણાલનો, ન હતો નસીબનો, ન્હોતો પ્રેમનો કે ન હતો તરૂણનો. તેની માટે હું જ જવાબદાર હતી. તરૂણ મૃગજળ જેવો હતો અને મેં મારા હૃદયને પ્રેમના અફાટ રણની ધરતી પર એ મૃગજળને પકડવા કહેલું .

મારું બાળપણ તેના બાળપણ સાથે રમેલું. તરૂણને ત્રણ વર્ષની ઊંમરે લકવા થયેલો અને તેનો કમરથી નીચેનો ભાગ ઉપરાંત જમણો હાથ જડ થઈ ગયેલાં.

એક ભમરાની જેમ મેં તરૂણનાં ફૂલ સાથે એટલો સમય વિતાવેલો કે તેનાં એક-એક રસનો સ્વાદ હું જાણતી હતી.

તરૂણનો સ્વભાવ કંઈક અનોખો હતો. તેનું મન તરંગી અને હૃદય જિદ્દી હતું. ભગવાને તેને બધાંથી અલગ ઘડ્યો હતો. આથી તેનાં સપનાં પણ કંઈક જુદાં હતાં અને તેને ખુશીઓ પણ જુદી જ વસ્તુઓમાંથી મળતી હતી.

તેનાં કલેજાએ પંદર વર્ષની ઊંમરે એક કઠિન નિર્ણય લીધેલો. તેણે ત્યારથી અનાથ-આશ્રમમાં રહેવાનું નક્કી કર્યું. તેને લાગતું કે માતા-પિતા ન હોવા એ એક અપંગ જેવી જિંદગી જીવવાં બરાબર જ છે. તરૂણને આશ્રમનાં વાતાવરણમાં વિશેષ આનંદ મળતો. મને યાદ છે કે દરેક રવિવારે તેનાં માતા-પિતા એને મળવા આશ્રમ જતાં, પણ હું તો દરરોજ એક્વાર તેની પાસે જતી જ.

એવાં જ એક રવિવારની વાત છે. તરૂણ ચંપાના વૃક્ષ નીચે બેઠો હતો.

તેની નજીક જતાં મને કંઈક ગણગણાટ સંભળાયો. તે અવાજ બરાબર સાંભળવા હું વૃક્ષનાં થડ પાછળ કાન માંડીને સંતાઈ.

તરૂણ વૃક્ષ સાથે વાતો કરતો હતો.

તરૂણ : 'જ્યારથી હું આ આશ્રમમાં આવ્યો છું, ત્યારથી રોજ એકવાર તારી સાથે મળવાનું થાય છે. તને આપણું મળવું પસંદ તો છે ને?'

વૃક્ષ તેનો મિત્ર હશે. સારો મિત્ર હશે. પરંતુ મારા જેવી મિત્રતા તેની પાસે નહીં હોય. એટલે મેં મનમાં જ ઉતાવળે જવાબ આપી દીધો.

(અરે, પાગલ. રાત્રીને ક્યારેય ચાંદ સાથે મળ્યાં વિના રહેવાયું છે! તરૂણ, તને એકવાર મળવા માત્રથી જ મારો દિવસ પૂર્ણ થઈ જાય છે.)

તરૂણ : 'તને ખબર છે? મને તારો સાથ બહુ ગમે છે. તું કેટલું ખૂબસૂરત છે! હું જે કહું તે તું ચૂપ-ચાપ સાંભળે છે. ક્યારેય ફરિયાદ નહીં, અપેક્ષા નહીં?'

(ફરિયાદ તો એકઠી થઈ ઢગલો બની છે, પણ, તરૂણ, તારે એને સાંભળવા નવરાશ નથી અને અપેક્ષાઓ મારી અવનવી છે પરંતુ તારી એમને પૂરી કરવાં તરફ કોશિશ નથી અને હા, મારી સુંદરતાના વખાણ કરવાં માટે આભાર!)

તરૂણ : 'એક વાત કહું? તારામાં કોઈ ખામી હું શોધી શકતો નથી. તું હંમેશા કોઈ બીજા માટે જ જીવે છે. આ જ કારણે તું મને બહુ ગમે છે. અને હવે હું જાવ છું, મને મળવાં કોઈ આવ્યું હશે.'

(હા, એ સાચું છે. હું હંમેશા તારા માટે જ જીવું છું. વાહ, સરસ , તને હું ગમું છું? બસ મારે આ જ સાંભળવું હતું.)

થોડાં સમયે મને ખબર પડી કે તરૂણ જતો રહ્યો હતો અને મારી આંખોમાં ઝાકળ જેવાં આંસુઓ આવી ગયાં હતાં.

*

તરૂણનો પ્રેમ આકાશના તારાઓ જેવો હતો. ઉપર જોતાં સામે જ દેખાય અને તેને પકડવા હું ઉંચે ને ઉંચે જાવ તો એ એટલા જ દૂર-દૂર ખસી જતાં હતાં.

મને એ જ રાહ રહેતી કે ક્યારે તરૂણ મને તેના પ્રેમની વાત કહે?

પરંતુ તરૂણને મારાથી દૂર જવાનું થયું. તરૂણ એક જીવન-મંત્રથી આગળ વધતો હતો - 'મારું જીવન જો દેશની સમૃદ્ધિ માટે ઉપયોગમાં ન આવ્યું તો હરામ છે.' વીસ વર્ષની વયે તેણે નક્કી કર્યું કે હવેથી તે દેશ-ભ્રમણ કરશે અને પોતાનું બાકીનું જીવન પરોપકારી સાબિત કરવાં, લોકોમાં બદલાવ લાવવાં, લોકોને પ્રેરણા-બળ પૂરું પાડવામાં ગાળશે.

તેણે મને મળવાં બોલાવી. એક છેલ્લી વખત હું તેને મળવા માંગતી ન હતી. હિંમત ન્હોતી.

તરૂણ જતો રહેશે તો મારું શું થશે? એ જ વિચાર મનમાં દોડા-દોડી કરતો હતો. પણ તરૂણને હું અધૂરાં મને વિદાય આપી ન શકી. હસતાં ચહેરાનું મુખોટું પહેરી હું તેને મળવા ગઈ.

તરૂણ : 'મારે જતાં પહેલાં તને એક વાત કહેવી છે. જે મારે તને વહેલા કહી દેવી જોઈતી હતી. પરંતુ હજુ કાંઈ મોડું થયું નથી.'

(હાશ! બુદ્ધુ , તને સમજ પડી. હજુ મોડું થયું નથી. સાચે જ! ચાલ, હવે કહી જ દે.)

મેં કહ્યું : 'વધુ વખત થાય એ પહેલાં કહી દે.'

તરૂણ : 'હકીકતમાં હું તારો આભાર વ્યક્ત કરવાં માગું છું. જરૂર પડે તું મારા પગ, જરૂર પડે હાથ અને જરૂર પડે તું મારો સાથ બની છે. તું હંમેશા મારાં દરેક નિર્ણયમાં સહભાગી રહી છે . પરંતુ હવેની મુસાફરી મારે તારાં સાથ વિના કરવાની છે.'

(શું કહે છે તું? એકવાર મને કહી તો જો હું બધું જ છોડી તારી સાથે આવીશ.)

મેં કહ્યું : 'હું આ વખતે પણ તારા નિર્ણયથી ખુશ છું.'

તરૂણ : 'અને મને કાકીએ કહ્યું છે કે તારાં માટે સારો કોઈ છોકરો શોધ્યો છે. નામ પણ કહ્યું હતું, હા, કૃણાલ. અરે, માફ કરજે. કાકીએ તારાથી આ વાત છુપાવી હતી પરંતુ હું જતાં પહેલાં તને એકવાર ખુશ જોવા માંગતો હતો.'

(તરૂણ, તને ખબર નથી. તું જે રસ્તા પર ભાર દઈને ચાલવાનો છે એ મારી ખુશીઓથી બનેલો છે. જેનાં કાચડાવાનો અવાજ હવેથી રોજ મને સંભળાશે.)

તરૂણ : 'શું થયું? કેમ ખુશ નથી?'

મેં કહ્યું : 'આમ, અચાનક સાંભળવાથી હું ગભરાઈ ગઈ. હું ખુશ જ છું. હવે મારે જવું જોઈએ.'

મિત્રતા પાણી જેવી હોય છે. જ્યાં સુધી પાત્રમાં હોય સામે જ દેખાય છે અને તેને ગરમ કરતાં હવામાં બાષ્પ બની પ્રેમનું સ્વરૂપ લે છે. પ્રેમની બાષ્પને હાથ અડાડી અનુભવ કરી શકાય પરંતુ જોઈ ન શકાય.

પ્રેમથી છોડ્યો પ્રેમે હાથ પ્રેમનો,

હવેથી તૂટશે સાથ પણ એમનો,

ફરીથી છવાશે અંધકાર ગાઢ રાતનો,

છૂટો રહી જશે એક છેડો મારાં પ્રેમનો.

*

જરૂરી નથી કે દરેક પ્રેમને મંઝિલ મળે જ! અધૂરો રહી જવાથી તમારો પ્રેમ ખોટો સાબિત થતો નથી.

તરૂણના ગયાં પછીના ત્રણ મહિને મારી કૃણાલ સાથે સગાઈ થઈ અને પછીનાં એક વર્ષે લગ્ન.

કૃણાલ એક સારો અને વ્યવસ્થિત છોકરો હતો. તેની પાસે સારી નોકરી હતી, મારી માટે સમય હતો અને ખાસ કરીને મારા પ્રત્યે પ્રેમ હતો.

કૃણાલની પત્ની બની જીવન વ્યતીત કરવું એ હકીકત મેં સ્વીકારી લીધી અને કૃણાલની મને ખુશ રાખવાની કોશિશોથી બે પળ મને લાગતું કે કદાચ, કૃણાલ જ મારો સાચો પ્રેમ છે.

સ્મૃતિને ક્યારેય ભૂંસી શકાતી નથી. કોઈના સારાં કે ખરાબ સ્મરણોને ભુકવામાં કોઈ ભલાઈ નથી. એને મનના એક ખૂણામાં સાચવી રાખવાં વધુ સારા છે.

જ્યારે-જ્યારે ભૂતકાળના છાંટણા વર્તમાન પર શમકારા બોલાવતાં, ત્યારે-ત્યારે હું અનાથ-આશ્રમ જતી અને તરૂણને ગમતા બધા જ કામ કરતી. ચંપાના વૃક્ષ પાસે બેસી તેની સાથે વાતો કરતી.

એનો મતલબ મારું મન કોઈ ને કોઈ બહાને ભૂતકાળના દિવસોને ઝંખતું રહેતું.

એક દિવસ ઘરના સરનામે તરૂણનો પત્ર આવ્યો કે તે શહેરમાં એક દિવસ માટે આવ્યો છે અને આશ્રમમાં રોકાયો છે. તેણે મને મળવાં આવવા આમંત્રણ આપ્યું એટલે હું ઝડપથી આશ્રમ પહોંચી.

તરૂણ : 'કેમ છે તું? અને શું નામ? હા, કૃણાલ સાથે ન આવ્યો?'

તરૂણને ફરી એક્વાર મારી સામે જોતાં હું તૂટીને ઢગલો થઇ ગઈ. લાગણીની કીડીઓ મને ચટકા ભરવા લાગી. ભૂતકાળના પશ્ચાતાપ અને ભવિષ્યના ડરની સાંકળોએ મારા હાથ અધ્ધર બાંધી દીધા. શું થશે જો તરૂણ ફરીથી જતો રહેશે તો?

મેં કહ્યું : 'તરૂણ એક પળ માટે માની લે કે કદાચ, આપણે બે મિત્રો ન હોત, કદાચ હું કોઈ ખૂબસુરત છોકરી હોત, કદાચ તું અહીંથી દૂર ક્યારેય ગયો જ ન હતો અને મારા લગ્ન કૃણાલ સાથે નથી થયાં, તો શું તું મને પસંદ કરી શકીશ?'

આંસુઓથી ઝરઝરીત આંખોથી હું બે ઘડી તરૂણને તાકી રહી.

મેં કહ્યું : 'એક વખત સાચું કહી દે કે તે ક્યારેય મને મિત્રથી વધારે સમજી નથી?'

તરૂણ : 'હા, મેં તને હંમેશા એક મિત્ર માની છે અને તેમાં ખોટું શું છે? પ્રેમ હંમેશા વ્યક્તિનાં સંકલ્પોને કમજોર બનાવે છે. શરીરથી તો હું કમજોર છું જ મનથી પણ કમજોર બની હું મારા સપનાઓને અધૂરાં તો ન છોડી શકુ!'

આજે પણ તરૂણની આંખોમાં એ જ દ્રઢ નિશ્ચય હતો, હદયમાં એ જ જીદ્દીપણું અને અંગે-અંગમાં એક વાવાઝોડું ઉઠેલું હતું.

મેં કહ્યું : 'સપનાઓ માણસને સ્વાર્થી બનાવે છે જ્યારે પ્રેમ તો નિઃસ્વાર્થ બની કોઈ બીજા માટે જીવતાં શીખવે છે. આજે હું બધું છોડીને બસ તારી થવા માંગુ છું. એકવાર આપણી મિત્રતાને પ્રેમનો મોકો આપી તો જો.'

તરૂણ : 'અશક્ય અપેક્ષઓ રાખવી વ્યર્થ છે.'

મેં કહ્યું : 'એક પળ તો મારા વિશે વિચાર. હું કૃણાલને પણ બધું સંભળાવીને તેને છોડી તારી પાસે આવી છું. તું આટલો જિદ્દી કેમ હોઈ શકે?'

થોડીક ક્ષણો માટે બધું જ શાંત થઈ ગયું. અમારાં બે માંથી કોઈ કંઇજ બોલતું ન હતું. મારી પાસે હવે કહેવા કાંઈ રહ્યું ન હતું.

તરૂણ : 'હા,...હવે સાંભળ.આજે આ ચંપાના વૃક્ષને સાક્ષી માની હું તને પત્ની તરીકે સ્વીકારું છું. પણ એક શરત છે. હું મારા સઁકલ્પોને તોડી ન શકું આથી તારે આખું વર્ષ આ આશ્રમમાં રહેવાનું. હું દર વર્ષે આ જ તારીખે આશ્રમ આવીશ અને આખો દિવસ તું મારી પત્ની તરીકે રહી શકીશ. બાકીના દિવસોએ હું અહી નહિ હોય અને તને એક મિત્રથી વધુ નહીં માનતો હોય.'

મેં કહ્યું : 'મંજુર છે.'

----------------------------- ------ -------- ----* ----------------------------------------------

તે દિવસથી હું આશ્રમમાં રહું છું. કૃણાલ પણ મારા જેવો જ જિદ્દી છે. તેણે મને ખુશ જોવા માટે મારી દરેક શરતને માની લીધી. કૃણાલ દર રવિવારે મને મળવા આશ્રમ આવી પોતાના પ્રેમની સાબિતી આપી જાય છે.

આશ્રમમાં ઘણી એવી ચીજ છે જેમાં મને તરૂણનો અનુભવ થાય છે.જ્યારે પણ તરૂણ સાથે વાત કરવાનું મન થાય ત્યારે ચંપાના વૃક્ષ નીચે બેસું છું અને તે એક દિવસની રાહ જોવું છું.

- અભિષેક પરમાર