Vishvasnu muly books and stories free download online pdf in Gujarati

વિશ્વાસનું મૂલ્ય

અમદાવાદની ખ્યાતનામ એલ.ડી.આર્ટસ કૉલેજ. અમદાવાદના પોષ ગણાતા IIM-A વિસ્તારમાં ૧૩૨ ફૂટ રિંગ-રોડ પર આવેલું વિશાળ કેમ્પસ. નેહા કોલેજની લાડકવાયી ટોપર હતી. લાડકવાયી એટલા માટે કે તેના કોલેજના છેલ્લા વર્ષ સુધી તે જ પ્રથમ આવતી. આ પરંપરા કોઈ તોડી શકતું નહીં. રાજ કોલેજનો રનર્સ-અપ હતો.

નેહા હંમેશા પરીક્ષામાં પ્રથમ આવતી અને રાજ બીજે ક્રમાંકે. નેહા ચિબાવલી હતી અને રાજ બિન્દાસ્ત. નેહા બ્યુટીફૂલ હતી તો રાજ હેન્ડસમ. બંનેને સ્પોર્ટ્સનો શોખ. નેહાને વાયોલિન વગાડવાનો અદભૂત શોખ હતો અને રાજને ક્રિકેટનો ગાંડો શોખ હતો. ટૂંકમાં બંનેમાં ઘણી બધી સામ્યતા હતી.

નેહાને હંમેશા ડર રહેતો કે રાજ ક્યાંક પ્રથમ ન આવી જાય. નેહા હંમેશા મૂંઝવણમાં રહેતી. રાજ નેહાને "ઉદાસ મેડમ" કહી મશ્કરી કરતો. નેહા પણ રાજ બીજે નંબરે આવતો તેથી તેને "સેકન્ડ બોય" કહી મજાક ઉડાવતી. અન્ય વિદ્યાર્થીઓમાં નેહા "નેહાડી" અને રાજ 'રાજ્યો" નામેં પ્રિય હતાં.

બંને વચ્ચેની તીખી, ખાટી, મીઠી, કડવી ન જાણે કેટ-કેટલાય સ્વાદથી ભરપૂર બહેસ જોવા કેમ્પસમાં એવો મેળો લાગતો કે જાણે વૌઠાના મેળામાં હોવાની અનુભૂતિ થતી.

નેહા આવી રહી હતી. આ બંનેને સામ-સામે જોઈ ગર્લ્સ અને બોયઝ એક જગ્યાએ ભેગા થઈ ગયાં.

રાજ નેહાને આવતી જોઈ કહેતો કે ;

" પધારો ઉદાસ મેડમ ! પધારો ! કેમ વેલા આઈ ગયા ?
જાઓ જલ્દી ઉપર જઈને વાંચો. મારે તો બધું જ બે વાર રિપીટ થઈ ગયું છે. ધ્યાન રાખજો પહેલા અને બીજા નંબરની અદલા-બદલી ના થઈ જાય "

બસ આ સાંભળીને જ છોકરાઓ હો..હો.. કરી ચિચિયારીઓ પાડવા લાગ્યાં.

નેહા ટોનમાં બોલી ;

" જા ! જા હવે ! દિવસમાં સપનાં ના જો "

તો બીજી તરફ બસ નેહાનું આ એક વાક્ય જ ભારી પડતું અને  છોકરીઓ પણ હા..હા.. કરી ચિચિયારીઓ પાડતી.

રાજનો દોસ્ત દીપ વળતો ઉત્તર આપતો ;

" જો જે હો નેહાડી ! આ વખતે તો તું ગઈ જ હમજ "

વળી, પાછી ચિચિયારીઓની એજ સિરીઝ કેસેટની જેમ એકબીજાના વાક્યો પુરા થતાં ચાલુ થઈ જતી.

નેહા પણ હાજરજવાબી હતી. તે બોલી ;

" અલ્યા એ દીપડા ! તું તારું કામ કરને છાની-માની. પહેલા તારી ATKT તો પુરી કર. આઇ ગઈ રાજ્યાની વહુ બનવા "

બસ. છોકરીઓ તો આ સાંભળી હસી-હસીને ગાંડી થઈ ગઈ. કેટલીક તો "સુપર્બ" અને "વન્સ મોર" જેવા શબ્દો ઉચ્ચારવા લાગી. દીપ પણ બિચારો શુ કરે ! હજી ત્રણ AT બાકી હતી. તે છાનો-માનો ટોળાની વચ્ચેથી જગ્યા કરી બહાર નીકળી ગયો.

તરત જ કલાસ શરૂ થવાનો બેલ વાગતાં બધા છૂટા પડ્યા. આ બંને પક્ષ વચ્ચે ખુબજ ખેંચા-ખેંચ થતી પણ ક્યારેય રાજ અને નેહા કે બીજા કોઈનાય સંબંધ નહોતા બગડયાં. આ એક પ્રકારનું મનોરંજન હતું. બધા મજાક-મશ્કરી કરતાં પણ તમામ સારા મિત્રો હતાં. કોલેજમાં તમામ જૂથ સારા હતાં તો આકાશ જેવા ખરાબ છોકરા પણ હતાં જે છોકરીઓને હેરાન કરતાં.

પરીક્ષા નજીક આવી રહી છે. નેહા હવે પુરજોશમાં તૈયારી કરવા લાગે છે. રોજના વાંચનના કલાક ૮ થી વધારી ૧૨ કર્યા.
રાજની તો વાત જ અલગ હતી. એનું બધું ઊંધું ચાલે. પરીક્ષા શરૂ થવાના આગળના દિવસથી એ વાંચવાનું છોડી દે ! ૩ કલાકની પરીક્ષા પણ તેને તો બે કલાકમાં પુરી થઈ જતી. એ બધું મુદ્દાસર લખતો અને વધારે પત્તા ભરવામાં એ વિશ્વાસ નહતો કરતો.

પરીક્ષાને બે દિવસ બાકી હતાં. પરીક્ષા સ્થળની રિસીપ્ટ આવી ગઈ. બંનેને મેઈન સબ્જેક્ટ હિસ્ટરી હોવાથી આશ્રમ રોડ પરની નવગુજરાત કોલેજમાં નંબર આવ્યો પણ વિધાર્થીઓમાં તો આ કોલેજની ઓળખાણ "પેલી રીવરફ્રન્ટ વાળી" એમ કહીને કરાવવી પડે.

પરીક્ષા આવી ગઈ. બધા અડધી કલાક વહેલા કોલેજમાં પહોંચી ગયા. રાજ અને નેહા મળ્યાં. નેહાએ રાજને હાથ મિલાવ્યો અને બોલી ;

" અભિનંદન રાજ ! આપણી કોલેજમાં બીજો ક્રમાંક લાવવા માટે "

રાજ બોલ્યો ;

" ઓહો ! એટલો બધો કોન્ફિડન્સ. શુ વાત છે મેડમ ! પછી પસ્તાવો ન કરતાં હો ! "

અહીં એમની કોલેજનાં અમુક જ વિદ્યાર્થીઓનો નંબર આવ્યો હતો એટલે હો..હા.. કરવા વાળું કોઈ ન હતું. તેઓ કોલેજમાં હંમેશા ઝુંડમાં રહેવાથી અંગત વાત નહતા કરી શકતાં. અહીં બંને પાસે નજીકના કહી શકાય એવા કોલેજના કોઈ વિદ્યાર્થી નહાતાં. બંને કેન્ટીનમાં બેસી વાત કરતાં.

રાજ નેહાને કહેતો ;

" તું ગુસ્સો કરે છે ને ત્યારે વધારે સરસ લાગે માટે હું તને રોજ ખીજવું છું. મને તારી હજારજવાબી પસંદ છે "

નેહા તીરછી નજરમાં બોલી ;

" કંટ્રોલ રાજ્યા કંટ્રોલ ! તું વાતને કંઈ બાજુ લઈ જવા માંગે છે એ હું સમજુ છું. વધારે ડાહ્યો ન બન. ભણવાની વાત કરને. એક તો સમય ત્રણથી ઘટાડી અઢી કરી નાખ્યો છે ને. એક તો ડેટની પ્રોબ્લેમ છે "

રાજ હસતાં-હસતાં બોલ્યો ;

" બે નેહા ! તું તો વધારે ફાસ્ટ નીકળી હો બાકી. ડાયરેક્ટ "ડેટ" પર આવી ગઈ "

નેહા ગુસ્સે થતાં બોલી ;

" એ ડોબા ! વાયડો થા મા ! હું અત્યારે હિસ્ટરીની ડેટ એટલે કે તારીખની વાત કરું છું. કયા રાજાએ ક્યારે શુ કર્યું એ બધું "

રાજ વળતો પ્રત્યુત્તર આપતાં બોલ્યો ;

" અચ્છા ! તો પેલી ડેટની વાત પછી કરીશ એમ ? "

નેહા હટ્ટ કહેતી હસતી-હસતી નીકળી ગઈ.

બંને હવે એકબીજાની નજીક આવી રહ્યા હતાં. રાજને તો શરૂઆતથી જ નેહા ગમતી હતી.

એક વખત રાજે નેહાને સરપ્રાઈઝ આપવા ઉસ્માનપુરા રીવરફ્રન્ટ ગાર્ડનમાં ચોથી પરીક્ષા અઢી વાગ્યે પુરી થયા બાદ 3 વાગ્યે બોલાવી. નેહા ક્લાસમાંથી નીકળે છે. દફતર બહાર પડ્યા છે. નેહા ફોન ચાલુ કરે છે ને નેહા સ્તબ્ધ !

રાજના વોટ્સએપ નંબરથી એ બંને કેન્ટીનમાં બેઠા હતાં તે ફોટા તોડ મરોડ કરીને મોકલેલા અને આઈ લવ યુ જેવા શબ્દો લખેલા હતાં. નેહા ફોટા જોતા જ રડી પડી. તેણે રાજ વિશે એવું ક્યારેય નહતું વિચાર્યું. નેહા રિવરફ્રન્ટ ન જતાં સીધા ઘરે ગઈ. રાજને બ્લોક કરી દીધો. રાજથી ફોન ન લાગતા છેલ્લે મોડું થતાં તે ઘરે આવી ગયો. બંને IIM વિસ્તારમાં રહેતા હતા. ત્યાં એલ.ડી.આર્ટ્સની બહાર દરરોજ રાજ તેના મિત્રો સાથે મળતો.

IIM નો આખો રોડ રાતે આજુબાજુની ખાણી-પીણીની રેકડીઓથી ધમધમતો. ચાઈનીઝ આઇટમ્સ અહીંની ખુબજ પ્રખ્યાત. રોજ રાતે અહીં "ફૂડલવર્સ"નો જમાવડો થાય. રાજ ત્યાંજ એના ભાઈબંધો સાથે બેઠો હતો. દોસ્તદારો અંદરોઅંદર હસી-મજાક, મશકરી, ઠીઠિયારી કરતાં હતાં. અચાનક નેહા આવીને રાજને લાત મારીને ખુરશી પરથી પાડી દે છે. તેને ચાર-પાંચ લાફા મારીને કંઈજ બોલ્યા વગર નેહા ત્યાંથી જતી રહી. નેહાનો પ્રકોપ સાતમાં આસમાને હતો. બિચારો રેકડીવાળો પણ તેની ખુરશી તૂટી છતાંય નેહાનાં ચંડીસ્વરૂપ આગળ ચૂપ રહ્યો. રખે ને એને બે-ત્રણ વળગાડી દે તો !

રાજ દંગ રહી ગયો. હજી સુધી આખી મેટરની એને ખબર ન હતી. તેણે ઓન ધ સ્પોટ નેહાની પાક્કી બહેનપણી શાલિનીને ફોન કરી આખી મેટર જાણી. પરીક્ષામાં રાજનો ફોન દફતરમાં પડ્યો હતો અને દફતર પરીક્ષા ખંડની બહાર. બહારથી જ કોઈએ ફોન લઈ આ બધું કર્યું છે આ વાત રાજ સમજી ગયો પણ એ છે કોણ એ શોધવાનું બાકી હતું. રાજ એ વ્યક્તિને પકડીને નેહાને ડાયરેક્ટ બતાવવા માંગતો હતો. બે પરીક્ષા બીજી જતી રહી છતાંય નેહા રાજ જોડે ન બોલી. તેને રાજથી નફરત થવા લાગી.

પરીક્ષાનો છેલ્લો દિવસ આવે છે. ઇન્કમટેક્ષ ચાર રસ્તા પર બ્રિજ બની રહ્યો હોવાથી લાંબો ટ્રાફિક હતો. નેહા બસમાં હોવાથી ટ્રાફિકમાં ફસાઈ ગઈ. નેહાને મોડું થઈ ગયું. ૧૨ વાગી ગયા હતાં. તમામ વિદ્યાર્થી અંદર જતા રહ્યા. નેહા કોલેજમાં આવે છે ને જેવું જ દફતર ખોલે છે કે તેમાં રિસીપ્ટ નથી ! નેહા હાંફળી-ફાંફળી થઈ ગઈ. તેની પાસે સાધન પણ નથી. તે કોલેજ બહાર ઉભી રહી રડતી હતી.

ત્યાંજ રાજ પોતાના બાઇક પર ગીત ગાતો-ગાતો આવે છે.
એને પરીક્ષાનું કોઈ ટેન્શન નહીં. કલાસરૂમમાં મોડો આવતો અને વહેલો નીકળી જતો છતાંય બીજો નંબર લાવતો. એ મોજીલો માણસ છે. તે નેહાને રડતી જોયે છે. નેહા પણ તેને જોએ છે પણ તેને બોલતી નથી. નેહા ગુસ્સા વાળી હતી છતાંય રાજે ખૂબ હિમ્મત કરી પૂછ્યું. રાજે તમામ હકીકત જાણી.

રાજે નેહાને કહ્યું ;

" તારે આમ પણ સમય ખૂટે છે. તું ક્લાસમાં જઈ પેપર આપ ત્યાં સુધી હું તારા ઘરે જઈ રિસીપ્ટ લઈ આવું છું "

નેહા કંઈજ બોલ્યા વિના ક્લાસમાં જઈ પરીક્ષા આપવા જતી રહી. ટીચર  પુરવણી અને રિસીપ્ટમાં સહી કરવા આવે ત્યાં સુધી રાજ રિસીપ્ટ લઈ આવીને પટાવાળા જોડે નેહાને મોકલાવી દે છે. નેહા ચાલુ પરીક્ષાએ ખુબજ ખુશ થઈ ગઈ પણ રાજને મોડું થવાથી પરીક્ષામાં બેસવા દેવામાં આવતો નથી એ વાતની નેહાને ખબર હોતી નથી.

પરીક્ષા પછી રાજ ક્યાંય દેખાતો નથી. કોલેજમાં વેકેશન છે. પરીક્ષાનું પરિણામ આવે છે. નેહા પ્રથમ આવે છે. રાજ બીજે ક્રમાંકે તો શું ટોપ ૧૦ માં પણ નથી. શાલિની બીજા ક્રમે આવે છે. રાજને માર્ક્સ વધારે હોય છે પણ છેલ્લી પરીક્ષા ન આપવાથી તે નાપાસ થાય છે.

પરિણામ બાદ બીજા દિવસે કોલેજ શરૂ થાય છે. રાજ પણ આવે છે પણ તે નેહાને જોયા છતાંય વાત કરતો નથી. નેહા પણ પેલાં ફોટા બાબતે હજી સુધી ગુસ્સે હતી. તેથી તે પણ કાંઈ જ ન બોલી.

ત્યાંજ નેહાની પાક્કી બહેનપણી શાલિની નેહાની માફી માંગતા કહે છે કે આ કામ તેણે જ કર્યું હતું. નેહાના આશ્ચર્યનો પાર નથી રહેતો. હકીકતમાં શાલિનીને આકાશે ફોર્સ કર્યું હતું. શાલીનીને બદનામ કરવાની ધમકી આપી હતી. આકાશ કોલેજનો વંઠેલ છોકરો હતો. આકાશને નેહા ગમતી હતી. નેહાએ એકવાર આકાશને હેરાન કરવા બદલ લાફો માર્યો હતો એનો એ બદલો લેવા માંગતો હતો. નેહાને આ વાત જાણી અફસોસ થાય છે કે તેણે રાજ પર વિશ્વાસ ન કર્યો.

રાજના ફોનમાંથી શાલિનીએ જ નેહાને મેસેજ કર્યા હતાં એ વાતની રાજને ખબર પડી ગઈ હતી પણ તે શાલિની અને નેહાના મીઠા મધુર સંબંધ ન બગડે તેથી તે ચૂપ રહ્યો. અંતે નેહાએ રાજની માફી માંગી અને બધાની વચ્ચેની ગલતફેમી દૂર થઈ ગઈ. ત્રણેયે પ્રિન્સીપાલને ફરિયાદ કરી આકાશને સસ્પેન્ડ કરાવી દીધો.

કોલેજના વિશાળ ગ્રાઉન્ડમાં આખી કોલેજ ભેગી થઈ હોય છે. એ જ ચિચિયારીઓ વાળું વાતાવરણ હતું. નેહા રાજનો હાથ પકડીને કહે છે " I LOVE YOU " ને પછી તો બંને પક્ષના લોકો ભેગા મળી હો..હો.. કરીને આખું કેમ્પસ ગજવી દે છે. ફરી પાછું એ જ જૂનું વાતાવરણ તાજું થાય છે.

લેખક - મહેન્દ્રકુમાર પરમાર

                      ****************

( કોલેજમાં આવી ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે. તેમાંની જ આ એક છે. વિશ્વાસ એ અતિ મૂલ્યવાન ભેટ ભગવાને આપણને આપી છે. આપણે તેનો યોગ્ય માણસ માટે વિશ્વાસ કરવાનો છે. એક નાનકડી ભૂલ આપણને ક્યાં પહોંચાડી દે છે તે પણ સમજવું. )