Nyay books and stories free download online pdf in Gujarati

ન્યાય.

નર્મદા નહેરની પાસે માનવમેહરામણ ઉમટયું હતું. લોકો નહેરમાંથી બહાર કાઢવામાં આવેલી લાશને જોવા એકઠા થયા હતા. બે દિવસથી પડી રહેલા વરસાદ પછી આજે વરસાદે વિરામ લીધો હતો. વરસાદને કારણે ભીની થયેલી જમીન પર ફૂલી ગયેલી લાશ પડી હતી. લાશ આશરે ચાલીસેક વર્ષના લાગતા પુરૂષની હતી.



બન્ને હવાલદારો, કરમણ અને વિશાલ ત્યાં પહોંચી ગયા હતા. લાશ બાજુના ગામના બે તરવૈયાઓએ કાઢી હતી. આ બાજુના નહેરના કિનારામાં ઝાડીઓ વધારે હોવાથી લાશ ઝાડીઓમાં ફસાઈ ગઈ હતી. કદાચ એટલે જ પાણીના આટલા જબરદસ્ત પ્રવાહ છતાં લાશ આગળ નહોતી વધી.



ઇન્સ્પેક્ટર સૂરજ જીપમાંથી ઉતર્યો ત્યારે લોકોનું ટોળું ઘણું મોટું થઈ ગયું હતું. તે સીધો જ બન્ને હવાલદારો પાસે પહોંચી ગયો.



“કોણ છે એ ખબર પડી?” ઇન્સપેક્ટરે સીધો જ કરમણને પ્રશ્ન કર્યો.



“ના સાહેબ ! આજુબાજુના ગામમાં કોઈ ગુમ થયું છે એવા સમાચાર પણ નથી. કોઈએ ગુમ થવાની ફરિયાદ પણ નથી લખાવી.” કરમણ બોલ્યો.



“તો કદાચ આગળથી આવી હશે. છેલ્લા થોડા દિવસમાં આસપાસના કોઈ પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની કોઈ ફરિયાદ લખાઈ હોય તો તપાસ કરો.” ઇન્સ્પેકટરે બન્ને હવાલદારોને આદેશ આપ્યો.



સૂરજ લાશની નજીક ગયો. લાશ પાણીમાં લાંબો સમય રહેવાને કારણે ફુલી ગઈ હતી. લાશમાંથી પાણી બહાર આવી રહ્યું હતું. લાશના શરીર પર જગ્યાએ જગ્યાએ મારવાના નિશાન હતા.



સૂરજનું ધ્યાન લાશના માથા પર ગયું. માથું છુંદાઈ ગયું હતું. એ કોઈ બોથડ પદાર્થનો એટલે કે પથ્થર જેવા પદાર્થનો ઘા લાગી રહ્યો હતો.



“આ હત્યા છે. કોઈએ આ માણસને મારીને ફેંકી દીધો છે.” ઇન્સ્પેક્ટર ઉભો થતા બોલ્યો. લાશમાંથી આવી રહેલી ગંધના કારણે તેણે પોતાના નાક પર રૂમાલ મુક્યો.



બન્ને હવાલદાર આશ્ચર્ય પામ્યા.



“લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપો.” ઇન્સ્પેક્ટર બોલ્યો. તે જીપના દરવાજા સુધી પહોંચી ગયો.



“આ તો રમણયો છે.” ઇન્સપેક્ટરના કાનમાં અચાનક ભીડમાંથી આવેલો અવાજ પડ્યો. ઇન્સપેક્ટર અટકી ગયો. તે ભીડ તરફ ફર્યો.



“એ કોણ બોલ્યું? જે બોલ્યું હોય એ આગળ આવો !” ઇન્સ્પેક્ટરે ભીડ તરફ જોઈને કહ્યું.



એક આશરે ચાલીસેક વર્ષનો વ્યક્તિ ભીડ ચીરીને આગળ આવ્યો. તેના ચહેરા પર ગભરાટ હતો.



“તું મરનારને ઓળખે છે? તારા સગામાં છે કોઈ?” ઇન્સ્પેક્ટર સૂરજે સવાલ પૂછ્યો.



“સગામાં નથી પણ આ મંગલપુર ગામમાં રહેતો રમણ છે. મેં એને ગામની બજારમાં ઘણીવાર જોયો છે.” પેલો વ્યક્તિ ડરતા ડરતા બોલ્યો.



“અરે હા ! આ મંગલપુરમાં રહેતો રમણ જ છે. મને હવે યાદ આવ્યું. મંગલપુર ગામ મારી હદમાં આવે છે. સાહેબ ! આ માણસ ગામના ઉતાર જેવો હતો. સારું થયું મરી ગયો.” હવાલદાર કરમણ આગળ આવીને બોલ્યો.



સૂરજને આ વાક્ય ખૂંચ્યું. તેણે હવાલદાર સામે કરડાઈથી જોયું.    


“અપરાધ અપરાધ હોય છે ભલે એ ગમે તેની સાથે થાય.” સૂરજ બોલ્યો.



હવાલદાર એક ક્ષણ માટે નીચું જોઈ ગયો.



“ચાલો જીપ મંગલપુર તરફ લઈ લો.” ઇન્સ્પેક્ટરે આદેશ આપ્યો.



જીપ કાદવ કિચડવાળા રસ્તે થોડીવાર પછી મંગલપુર ગામના સરપંચના ઘરે ઉભી હતી. ઇન્સ્પેક્ટર સૂરજે ઔપચારિક વાતચીત પછી સીધો જ મુદ્દાનો સવાલ કર્યો.



“સરપંચ, તમારા ગામમાં રમણ નામનો કોઈ શખ્સ રહે છે?”



“રમણ રહે ને ! એ ગામના ઉતારે પાછું શું કર્યું?” સરપંચ ગુસ્સામાં બોલ્યા.



“તેણે કાંઈ નથી કર્યું પણ એની કોઈએ હત્યા કરી છે.” ઇન્સ્પેક્ટર શાંતિથી બોલ્યો.



સરપંચ ચોંક્યો. થોડીવાર કંઈ ન બોલ્યા પછી સ્વસ્થ થઈને તેણે ઇન્સ્પેક્ટર સૂરજ સામે નજર કરી.



“એ તો થવાનું જ હતું એક દિવસ સાહેબ ! એ ભાઈ હતો જ તે ગુંડો. ગામવાળા એનાથી ત્રાસી ગયા હતા. રોજ રાત્રે દારૂ પીને બબાલ કરતો. સવારમાં એના ઘર પાસેથી ગામની બેનું દિકરીયુને નીકળવું મોંઘું પડતું.” સરપંચ ગુસ્સામાં બોલ્યો.



“તો પોલીસ ફરિયાદ કરાય ને !” સૂરજે કહ્યું.



“કરીને, ઘણીવાર કરી ! આ તમારા કરમણભાઈ ઘણીવાર આવીને એને પકડી જતા.” સરપંચે હવાલદાર તરફ ઈશારો કરીને કહ્યું.



“હા સાહેબ ! હું ઘણીવાર એને પોલીસસ્ટેશને લાવીને ઠમઠોરતો. સાલો એકદમ રીઢો માણસ હતો. આગળ પાછળ કોઈ નહિ અને સગા વહાલામાં પણ કોઈ નહિ એટલે એને જેલમાં પણ મજા આવતી. કોઈ એની બીકને લીધે ફરિયાદ લખાવવા આગળ ન આવતું. કંટાળીને બે ત્રણ દિવસે છોડી મુકવો પડતો. તમે હમણાં આવ્યા એટલે તમને ખબર ન હોય.” કરમણભાઈએ માહિતી આપી.



સૂરજ વિચારમાં પડી ગયો. એવો માણસ કે જેનું આગળ પાછળ કોઈ ન હોય કે કોઈ પરિવાર પણ ન હોય વળી જેનું આખું ગામ દુશ્મન હોય તેવા માણસના ખૂનીને કેવી રીતે પકડવો?



“અરે સાહેબ ! મૂકોને લપ. ગામવાળા તો રાજી થશે. કોઈ તમને પૂછવા પણ નહીં આવે કે રમણનું શું થયું? લાશ બિનવારસી જ રહેશે. મેં તો આટલા વર્ષોમાં તેના ઘરે કોઈ માણસને આવતા જોયો નથી.” સરપંચ સૂરજને વિચારમાં પડેલો જોઈને બોલ્યો.



“તમારી વાત સાચી છે સરપંચ. કોઈ સગુવહાલું ન હોય તો પૂછે પણ કોણ કે અમારા કેસનું શું થયું ! ચાલો હું રજા લઉં.” ઇન્સ્પેક્ટર સૂરજ ઉભો થતા બોલ્યો.



સૂરજ બહાર નીકળીને જીપમાં બેઠો ત્યારે તેના મગજમાં ઘમાસાણ મચ્યું હતું. તેને આ આખો કોયડો ઉકેલવાની ઈચ્છા થઈ આવી. અચાનક તેને એક દડો આવીને વાગ્યો. એક છોકરો દોડતો દોડતો દડો લેવા આવ્યો. તેના હાથમાં બેટ પણ હતું. સૂરજ દડો આપવા નીચો નમ્યો. તેની નજર બેટના છેડા પર ગઈ. તેની આંખો ચમકી.



“બેટા ! કઈ જગ્યાએ ક્રિકેટ રમો છો?” સૂરજે પૂછ્યું.



છોકરાએ દૂર એક ખબોચિયા તરફ ઈશારો કર્યો. ખાબોચિયાની બાજુમાં બીજા ચારેક છોકરાઓ પણ દડાની રાહ જોઇને ઉભા હતા. સૂરજે કરમણભાઈને શોધવા નજર કરી. કરમણભાઈ થોડે દૂર સરપંચ સાથે વાતો કરવામાં વ્યસ્ત હતા. સૂરજ કરમણભાઈને સાથે લીધા વગર પેલા ખબોચિયા પાસે રમતા છોકરાઓ પાસે જવા ઉપડ્યો.



****



રાતનો સમય હતો. કરમણ અને વિશાલ સાથે દારૂ પી રહ્યા હતા. બન્ને પોલીસલાઈનમાં એકલા રહેતા હતા. બન્નેના પરિવાર નજીકના શહેરમાં રહેતા હતા. રોજ રાત્રે દારૂ પીને જમવા બેસવાની બન્નેને આદત હતી.



અચાનક ઇન્સ્પેક્ટર સૂરજ બન્નેના રૂમમાં પ્રવેશ્યો. બન્ને તરત ઉભા થઇ ગયા. બન્નેના ચહેરા પર ગભરાટ ફેલાઈ ગયો.



“અરે ચાલુ રાખો. હું તો તમારી જેમ એકલો હતો એટલે મળવા આવી ગયો.” સૂરજ હસતા હસતા બોલ્યો.



બન્ને હવાલદારને શાંતિ થઈ. બન્ને પાછા પીવામાં લાગી ગયા. બન્નેએ સૂરજ માટે પણ પેગ બનાવવાની તૈયારી બતાવી પણ સૂરજે ના પાડી.



“પેલો રમણ મર્ડર કેસ ઉકેલાઈ ગયો.” સૂરજે બન્નેને સમાચાર આપ્યા.



“અરે વાહ ! સરસ સાહેબ. આરોપી કોણ છે?” કરમણેએ પૂછ્યું.



“એ જ તકલીફ છે. આરોપી એક નથી. આરોપી આખું ગામ છે.” સૂરજ બોલ્યો.



“એટલે?” કરમણે પ્રશ્ન કર્યો.



“મેં સરપંચને થોડી થર્ડડીગ્રી આપી એટલે તેણે એ રાતે શું બન્યું હતું એ બધું જ બકી માર્યું. એ રાતે રમણ પાછો તોફાને ચડ્યો હતો. ગામની કોઈ વહુને ઘરમાંથી ઉઠાવવા એના ઘરમાં ઘુસી ગયો હતો. પેલીએ રાડો પાડતા આખું ગામ ભેગું થઈ ગયું. બધાએ તેને ગામના મેદાનમાં લઈ જઈને ખૂબ માર્યો. ત્યાં જ તેનું ઢીમ ઢળી ગયું હશે.” સૂરજ બોલ્યો.



“પણ સાહેબ તમને ખબર કેવી રીતે પડી?” વિશાલે પ્રશ્ન કર્યો.



“આજે સવારે આપણે ગામમાં, સરપંચના ઘરે ગયા ત્યારે કેટલાક છોકરાઓ એક ખબોચિયા પાસે ક્રિકેટ રમતા હતા. એક છોકરાના બેટ પર મેં લાલ પ્રવાહી લાગેલું જોયું. મને એ લોહી હોવાની શંકા ગઈ એટલે હું એ ખબોચિયા પાસે ગયો. એ લોહીનું ખાબોચિયું જ હતું. મને શક પડ્યો એટલે મેં સાંજે સરપંચને ઉપાડી લીધો. બે થપ્પડમાં એ બધું જ બોલી ગયો.” સૂરજ બોલતો રહ્યો.



“સાહેબ અમને કહ્યું હોત તો અમે સરપંચને ગાડીમાં નાખીને લઈ આવેત.” કરમણ બોલ્યો.



સૂરજ હસ્યો. તેણે એક કાગળ ખિસ્સામાંથી કાઢીને બન્ને સામે ટેબલ પર મુક્યો.



“તમને નહિ કહેવાનું કારણ આ છે.” સૂરજે બન્ને સામે જોઈ કહ્યું.



કરમણે કાગળ હાથમાં લઈને ખોલ્યો. તેની આંખો પહોળી થઇ ગઇ. તેનો બધો જ નશો ઉતરી ગયો. વિશાલે તેના હાથમાંથી કાગળ લઈને વાંચ્યો તેના પણ હોંશ ઉડી ગયા.



“સાહેબ તમને કેમ…” કરમણનો પ્રશ્ન અધૂરો રહી ગયો.



“મને કેમ ખબર પડી એમ જ ને? તમે પહેલા તો તમારી હદમાં આવતા ગામના અપરાધીની લાશ ન ઓળખી શક્યા. મને એવું લાગ્યું કે તમે મારાથી કંઈક છુપાવો છો એટલે મેં તમને બન્નેને ખબોચિયાવાળી વાત ન કરવાનું નક્કી કર્યું. સરપંચે મને તેણે તે રાત્રે તમને, રમણને માર માર્યા પછી ફોન કર્યો હતો એવી વાત કરી આથી મેં તમારા બન્નેની કોલ ડિટેઇલ કઢાવી અને મોબાઈલ લોકેશન પણ ટ્રેક કર્યું.” સૂરજ શાંતિથી બોલ્યો.



“બન્નેનું કેમ?” વિશાલે પૂછ્યું.



“કેમ કે કોઈ લાશને ઉઠાવીને નહેરમાં ઘા કરવા માટે બે વ્યક્તિઓ જોઈએ. એ એક વ્યક્તિનું કામ નથી. તમે બન્ને તે મેઘલી રાતે બે વાગ્યાની આસપાસ મંગલપુર ગામમાં હતા. હવે, બોલી જાવ તે રાત્રે શું થયું હતું?” સૂરજે કરડાઈથી પૂછ્યું.



“તમારી વાત સાચી સાહેબ ! તે રાતે સરપંચે મને ફોન કરીને બોલાવ્યો હતો. લાશ ગામના મેદાનમાં પડી હતી. અમે બન્નેએ ગામવાળાને કહ્યું હતું કે ચિંતા ન કરો કંઈ નહીં થાય. અમારો ઈરાદો લાશને નહેરમાં નાખવાનો નહોતો પણ અમે રોજના એ રમણિયાના નાટકોથી થાક્યા હતા. રોજ અડધી રાતે મંગલપૂર જવું પડતું હતું. એ ડોફા પર મારની પણ અસર નહોતી થતી. એટલે અમે નક્કી કર્યું કે આજે તો આ વાતનો ફેંસલો લાવી જ દેવો. લાશ હોસ્પિટલે લઈ જઈએ તો તપાસ કરવી પડે. કાગળિયા પણ કરવા પડે એટલે અમે રસ્તામાં ગાડી ઉભી રાખીને એની લાશ નહેરમાં ફેંકી દીધી.” કરમણ એકી શ્વાસે બોલી ગયો. તેના કપાળ પર પરસેવો વળી ગયો હતો.



વિશાલ પણ હવે ધ્રુજી રહ્યો હતો. સૂરજે બન્ને સામે નજર કરી.



“કાયદાના રખેવાળ થઈને તમે જ કાયદો હાથમાં લીધો. એક ગુનામાં મદદરૂપ થયા. ” સૂરજ ગુસ્સામાં બોલ્યો.



“માફ કરી દો સાહેબ. અમારે બન્નેને ઘરે નાના બાળકો છે. અમથો એ ક્યાં સારો માણસ હતો. એની આગળ પાછળ પણ કોઈ નહોતું. તમે અમને જવા દેશો તો કોઈને આ વિશે ખબર નહિ પડે.” કરમણ કરગરી રહ્યો.



સૂરજ વિચારવા લાગ્યો. તેણે આજ દિવસ સુધી કોઈ અપરાધીને જવા નહોતા દીધા. એ દરેક અપરાધીને પકડીને ન્યાયતંત્ર સામે હાજર કરતો. ઘણા ત્યાંથી છૂટી જતા ત્યારે તે નિરાશ થતો. તેને ક્યારેક જાતે ન્યાય કરવાની ઈચ્છા થઈ આવતી. આજે તેને પહેલીવાર ન્યાય કરવાનો મોકો મળી રહ્યો હતો.



“મારો એક પેગ બનાવો.” સૂરજ શાંતિથી બોલ્યો.



કરમણે ધ્રુજતા હાથે પેગ બનાવ્યો.



“હું કેસ બંધ કરી દઈશ. સરપંચને પણ જવા દઈશ પણ કેસ બંધ કરતા પહેલા મારે એક જ વાત કહેવી છે. રમણના માથામાં કોઈએ પથ્થર માર્યો એ કારણે એ મરી ગયો.” સૂરજ બન્ને તરફ જોઈને બોલ્યો.



“એટલે…” કરમણે પૂછ્યું.



“એટલે એમ કે રમણને તમે જ્યારે ગાડીમાં નાખ્યો ત્યારે એ બેભાન હતો અને જીવતો હતો.” સૂરજ હસીને બોલ્યો. જીવનમાં પહેલીવાર તેણે બે ખૂનીને ચિયર્સ કહેવા ગ્લાસ ઊંચક્યો.



(સમાપ્ત).

Share

NEW REALESED