Oscar Fever - Greenbook film review books and stories free download online pdf in Gujarati

ઓસ્કર ફીવર - ગ્રીનબુક ફિલ્મનો રીવ્યુ.



લોકોને ગ્રહો નડતા નથી હોતા પણ પૂર્વગ્રહો નડતા હોય છે. માણસની માન્યતાઓ બદલતા વાર લાગે છે. યાદ કરો કે છેલ્લે ક્યારે તમે તમારા પૂર્વગ્રહો કે માન્યતાઓથી ઉપર ઉઠીને વર્તન કર્યું? હાલની પરિસ્થિતિમાં આપણી આસપાસના લોકોને રાજનીતિક માન્યતાઓ અને પૂર્વગ્રહોના કારણે લડતા જોઈને ચોક્ક્સ આ વાત યાદ આવે.


અસમાનતાઓ અને વિષમતાઓ વચ્ચે જીવાતી જિંદગીના અનેક રંગો હોય છે. કપડાં પર લેબલ મારી શકાય પણ માણસ પર તેને જાણ્યા વગર થોડું લેબલ મરાય ! તમે કોઈની સાથે તેની જાતિ કે ધર્મ અનુસાર ધારણા બાંધીને વર્તન કરો તો એ માનવિય મૂલ્યોની વિરુદ્ધ કહેવાય. માણસ હંમેશા પોતાના કર્મોથી ઓળખાવો જોઈએ. ધર્મ, જાતિ કે રંગના કારણે માણસને લેબલ મારવું એ અન્યાય કહેવાય.


અશ્વેતો પર થતા અત્યાચારો અને તેમને થતા અન્યાય વિશેની ફિલ્મ એટલે ગ્રીનબુક. આ ફિલ્મ અમેરિકામાં એવા સમયને પ્રદર્શિત કરે છે કે જ્યારે રંગભેદ પોતાની ચરમસીમાએ હતો. અમેરિકાના દક્ષિણના રાજ્યોમાં અશ્વેતો પ્રત્યેનો ધિક્કાર વિશેષ હતો. અશ્વેતોએ દક્ષિણના રાજ્યોમાં સફર કરતી વખતે કઈ કઈ જગ્યાએ જવું તેનો નિર્દેશ આપતી એક ખાસ ચોપડી પણ બહાર પડતી. આ ચોપડી એટલે ગ્રીનબુક.


ફિલ્મની કથા છે એક રંગભેદમાં માનતા શ્વેત ડ્રાઈવરની જે પોતાને નોકરીએ રાખનાર અશ્વેત માલિક સાથે દક્ષિણના રાજ્યોની સફર કરે છે. અશ્વેત માલિકનું નામ ડોકટર શર્લિ છે. ડોકટર શર્લિ એક જિનિયસ કક્ષાનો પિયાનોવાદક છે. અનેક ભાષા પર પ્રભુત્વ ધરાવે છે અને બહુ ભણેલો વ્યક્તિ છે. એટલે સ્વભાવે કોઈ પણ શ્વેત પુરુષ જેવો છે. જ્યારે તેનો શ્વેત ડ્રાઈવર ફ્રેન્ક વાલાલોનગા ઉર્ફે ટોની લીપ એકદમ વિપરીત સ્વભાવનો છે. ટોની જૂનો બાઉન્સર છે જે એક નાઈટકલબમાં રખેવાળીનું કામ કરતો. ટોની લગભગ અભણ કહી શકાય તેવો અને ઝઘડાખોર છે. તે ગુનાહિત ભૂતકાળ પણ ધરાવે છે.


આમ આ બન્ને વિપરીત સ્વભાવના પણ ચામડીના રંગને કારણે અલગ અલગ સામાજિક દરજ્જો ધરાવતા વ્યક્તિઓ એક અશ્વેત વિરોધી રાજ્યોમાં સફરે નીકળે છે. ડોકટર શર્લિની રેકોર્ડ કંપનીએ દક્ષિણમાં તેના પિયાનોવાદનના કાર્યક્રમો ગોઠવ્યા હોવાથી ડોકટર શર્લિને એક ડ્રાઈવર/બોડીગાર્ડની જરૂર ઉભી થઈ હોય છે.


આ યાત્રા દરમ્યાન બન્ને એકબીજા પાસેથી ઘણું શીખે છે. યાત્રા બન્ને માટે દ્રષ્ટિકોણ બદલનારી બની રહે છે.


ફિલ્મમાં બન્ને મુખ્ય પાત્રો વચ્ચેનો તફાવત બહુ જ અસરકાર રીતે દર્શાવ્યો છે. અશ્વેત ડોકટર શર્લિ સ્વભાવના કારણે પોતાના સમાજમાં પણ ભળી શકતો નથી. તેણે અશ્વેતો પ્રત્યે લોકોનો દ્રષ્ટિકોણ બદલવા ઉપાડેલા કામોની કદર તેના જ લોકોને નથી. જ્યારે શ્વેત ટોની કોઈપણ જાતની યોગ્યતા ન હોવા છતાં પોતાના રંગના કારણે અનેક સુવિધાઓ મેળવતો રહે છે.


ફિલ્મમાં બન્ને મુખ્ય કલાકારોનો જબરદસ્ત અભિનય ઉડીને આંખે વળગે તેવો છે. માહેરશેલા અલીએ ડોકટર શર્લિના પાત્રમાં ઓસ્કર જીતનાર અભિનય કર્યો છે. ડ્રાઈવર ટોની લીપ ઉર્ફે ફ્રેન્ક વાલાલોનગા તરીકે વીગો મોર્ટનશન પણ સરસ અભિનય કરી ગયા છે.


ફિલ્મનું જમાપાસું બન્ને મુખ્ય અભિનેતાઓ વચ્ચેની કેમેસ્ટ્રી છે. અલગ અલગ પરિસ્થિતિમાં બન્નેના સ્વભાવમાં રહેલી ખાસિયતો નિર્દેશકે અસરકારક રીતે બતાવી છે.


ફિલ્મ સત્યઘટના પર આધારિત છે. આ વર્ષે ફિલ્મ કુલ પાંચ ઓસ્કર માટે નોમિનેટ થયેલી જેમાં ત્રણ એવોર્ડ જીતી ગઈ. આ ત્રણ એવોર્ડમાં બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ એક્ટરના પ્રતિષ્ઠિત ઓસ્કર એવોર્ડસ પણ સામેલ છે.


આગળ લખ્યું તેમ ફિલ્મ સત્યઘટનાઓ પર આધારિત છે. ફિલ્મના લેખક નિક વાલાલોનગાના પિતા ફ્રેન્ક વાલાલોનગા હતા. તેમની અને ડૉ. શર્લિના મૈત્રી સંબંધની આ સત્યકથા છે. જયારે તેમના પિતાએ ડોકટર શર્લિના ડ્રાઈવર તરીકે નોકરી સ્વીકારી ત્યારે ફિલ્મના લેખક પાંચ વર્ષના હતા. બન્ને પાસેથી માહિતી મેળવીને બન્નેના 2013માં થયેલા મૃત્યુ પછી આ ફિલ્મ બની છે.


ફિલ્મના નિર્દેશક પીટર ફારલી છે જેઓ કોમેડી ફિલ્મો બનાવવા માટે જાણીતા છે.


=> ફિલ્મ વિશેની ટેક્નિકલ માહિતી :


ફિલ્મની ભાષા : અંગ્રેજી.


ફિલ્મના મુખ્ય કલાકારો : માહેરશેલા અલી, વીગો મોર્ટરસન, લિન્ડા કારડેલીની.


ફિલ્મનો રનિંગ ટાઈમ : 130 મિનિટ.


ફિલ્મના નિર્દેશક : પીટર ફારલી.


ફિલ્મના પટકથા લેખકો : નિક વાલાલોનગા, બ્રાયન હેસ કરી, પીટર ફારલી.


ફિલ્મના નિર્માતાઓ : જિમ બ્રુક, બ્રાયન હેસ કરી, પીટર ફારલી, નિક વાલાલોનગા, ચાર્લ્સ વેસલ્સર.


ફિલ્મ સર્ટિફિકેટ : PG-13.


(સમાપ્ત).