Happy Birthday Amdavad books and stories free download online pdf in Gujarati

હેપ્પી બર્થડે અમદાવાદ

હેપ્પી બર્થડે અમદાવાદ

અમદાવાદ શહેરનો ઈતિહાસ ૬૦૦ વર્ષ કરતાં પણ જુનો છે. અમદાવાદ શહેર સાબરમતી નદીના કિનારે વસેલું છે. અહમદશાહ બાદશાહે ૨૬ ફેબ્રુઆરી ૧૪૧૧ના રોજ શહેરનો પાયો માણેક બુર્જ પાસે નાખ્યો હતો. જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર બસાયા એવી લોકવાયકા પણ છે.

અમદાવાદ શહેર ગુજરાતમાં સમુદ્રની સપાટીથી ૫૩ મીટર (૧૭૪ ફીટ)ની ઊંચાઈએ સાબરમતી નદીના કિનારે વસેલું છે. આશાપલ્લી ,આશાવલ , કર્ણાવતી 'અહમદાબાદ' પછી સમય જતાં તે અપભ્રંશ થઈને અમદાવાદ તરીકે ઓળખાવા લાગ્યું .

મે ૧૯૬૦થી નવા બનેલા ગુજરાત રાજ્યનું પાટનગર અમદાવાદ રાખવામાં આવેલું . વર્ષ ૧૯૬૦થી ૧૯૭૦ સુધી ગુજરાત રાજ્યનું પાટનગર હતુ અને હાલ અમદાવાદ જીલ્લાનું મુખ્ય મથક છે. અમદાવાદમાં ૧૮૬૧માં પહેલી કાપડ મીલ સ્થપાઈ , કાપડ, ટેક્સ્ટાઈલ ઉદ્યોગને કારણે અમદાવાદ શહેરને 'માન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટ' તરીકે ઓળખવામાં આવતું હતું.

ઈ.સ. ૧૪૮૭ માં મહમદ બેગડાએ અમદાવાદની ચારેબાજુ ૧૦ કીમી ફરતે ૧૨ દરવાજા વાળો કોટ ચણાવ્યો . ઇસ ૧૪૧૫માં બનાવેલા ત્રણ દરવાજા એ અમદાવાદ શહેર નો ઐતહાસિક દરવાજો છે. ભદ્રના કિલ્લાના પૂર્વમાં ત્રણ દરવાજા આવેલા છે. વર્ષો પહેલાં લક્ષ્મી માતા ભદ્રના કિલ્લા આગળ શહેરને છોડી જવા માટે રાત્રે આવતા ચોકીદાર ખ્વાજા સિદ્દિક કોટવાલે તેમને અટકાવ્યાતા અને જ્યાં સુધી રાજા અહમદ શાહ પરવાનગી ન આપે ત્યાં સુધી ત્યાં રોકાવા કહ્યું. કોટવાલ રાજા પાસે ગયો અને માતા લક્ષ્મીને શહેરમાં રાખવા માટે પોતાનો વધ કરવા જણાવ્યું. પરિણામે અમદાવાદ શહેરની સમૃદ્ધિ જળવાઇ રહી એવી લોકવાયકા છે. ભદ્રના દરવાજા આગળ સિદ્દિક કોટવાલની કબર અને માતા લક્ષ્મીનું પ્રતિનિધિત્વ કરતું ભદ્ર કાલીનું મંદિર આવેલું છે. ત્રણ દરવાજાના એક ગોખમાંનો દીવો ૬૦૦ વર્ષ કરતાં પણ વધુ વર્ષોથી મુસ્લિમ પરિવાર દ્વારા પ્રજ્જવલિત રાખવામાં આવ્યો છે. ત્રણ દરવાજાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચિહ્નમાં સમાવવામાં આવ્યો છે .

કાંકરિયા તળાવ એ અમદાવાદ શહેરનું સૌથી મોટુ ફરવા લાયક તળાવ છે . કાંકરિયા તળાવ સુલતાન કુતુબુદ્દીન ઐબકે ૧૫મી સદીમાં બંધાવેલું છે. કાંકરિયા તળાવની મધ્યમાં એક બાગ આવેલો છે જેનું નામ નગીના વાડી છે. કાંકરિયા તળાવ ૨.૫ કિલોમીટર ના વર્તુળ માં છે. કાંકરિયા તળાવ પાસે કમલા નહેરૂ પ્રાણી સંગ્રહાલય પણ છે . આ પ્રાણી સંગ્રહાલય નું નિર્માણ ૧૯૫૧માં રૂબીન ડેવિડ દ્વારા કરવામાં આવ્યુ હતુ. કાંકરિયા તળાવ પાસે કિડ્સ સીટી ,રાઇડ્સ અને ખાણી પીણી બજાર પણ છે . ગુજરાત ભરમાંથી લોકો કાંકરિયા તળાવ ની મુલાકાતે આવે છે.

ગાંધીજીએ અમદાવાદમાં કોચરબ આશ્રમ અને સાબરમતી આશ્રમ ની સ્થાપના કરેલી . આ આશ્રમો ભારતની આઝાદી ના સાક્ષી છે . આ આશ્રમમાંથી ઘણી બધી ચળવળ અને ગતિવિધિઓ આઝાદીના સમયમાં કરવામાં આવેલી . ઘણાબધા મુલાકાતીઓ સાબરમતી આશ્રમ ની મુલાકાતે આવે છે . ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ ૧૯૨૦ માં અમદાવાદ માં કરી હતી . અમદાવાદમાં ગુજરાત યુનિવર્સીટી ની કોલેજ અને યુનીવર્સીટી એરિયા પણ જોવા જેવો છે .અમદાવાદ માં ટાઉન હોલ , ટાગોર હોલ પણ ફેમસ છે . અમદાવામાં એમ જી લાયબ્રેરી અને યુનીવર્સીટી લાયબ્રેરી પણ જોવાલાયક છે.

અમદાવાદમાં દાદા હરિની વાવ , અમૃતવર્ષી ની વાવ, અડાલજની વાવ, જેઠાભાઈ ની વાવ ,માતા ભવાની ની વાવ પણ જોવા જેવી છે . અમદાવાદમાં વાવ ને જોવા અને અભ્યાસ કરવા ઘણાબધા લોકો આવે છે. અમદાવાદની પોળોમાં પાણીના સંગ્રહ માટે પણ ભૂગર્ભ ટાંકાની વ્યવસ્થા કરવામાં આવતી.

સુલતાન મહમદ બેગડાનાં શાસન દરમિયાન ઝુલતા મિનારા સારંગપુર પાસે બનાવામાં આવ્યા હતાં . આ મિનારા ત્રણ માળનાં બનેલા છે . એક મિનારા પર ચડીને એને હલાવવાથી બીજો મિનારો પણ થોડી ક્ષણોમાં હલે છે તેથી આ મિનારાનું ના નામ ઝુલતા મિનારા પડ્યું હશે.

અમદાવાદમાં સીદી સૈયદની જાળી એ સીદીસૈયદની મસ્જિદની એક દિવાલ પર, લાલદરવાજા પાસે આવેલી છે . આ જાળીની ખાસિયત એ છે કે આટલી મોટી જાળી એકજ પથ્થરમાંથી બનેલી છે .આઈ આઈ એમ ,અમદાવાદ ના પ્રતીકમાં માં પણ સીદી સૈયદ ની જાળી નો સમાવેશ કરવામાં આવ્યો છે.

અમદાવાદ શહેર ના માણેકચોક માં રાણીનો હજીરો આવેલો છે . જે મુગલોની બીબીનો મકબરો અથવા બાદશાહ અહમદ શાહની રાણીઓની કબર તરીકે જાણીતો છે. હાલ આ રાણીના હજીરા માં મહિલાઓ માટે ના વસ્ત્રો , ઘરેણા તથા મુખવાસ માટેનું બજાર ભરાય છે . માણેકચોક અમદાવાદનું મોટું માર્કેટ હતું . સવારમાં અહી શાક માર્કેટ ભરાય , બપોરે સોના ચાંદી અને આંગડીયા માર્કેટ ચાલે અને રાતે ખાણીપીણી નું બજાર ભરાય . માણેકચોક નું ખાણીપીણી બજાર બહુ પ્રસિદ્ધ છે . માણેકચોકની ભાજીપાવ , પુલાવ, સેન્ડવીચ , પીઝા, પાણીપુરી , ભેળ , સમોસા, ગાંઠિયા , જલેબી , આઈસ્ક્રીમ , કુલ્ફી વખણાય છે . માણેક ચોકનું નામ સંત માણેકનાથ પરથી પડ્યું છે .

મુગલ રાજા શાહજહાંએ શાહીબાગમાં આવેલો મોતી શાહી મહાલ બનાવડાવ્યો અને તેમાં ઘણો સમય વિતાવેલો.

અમદાવાદ ની કટિંગ ચા વર્લ્ડ ફેમસ છે . આ કટિંગ ચા માં વ્યવહાર અને વ્યવસાય સચવાઈ જાય છે . અમદાવાદી કટિંગ ચા જોડે મસ્કાબન પણ ફેમસ છે . અમદાવાદ અને અમદાવાદીઓ ખાણીપીણી માટે ફેમસ છે . અમદાવાદ આવો તો આ નાનકડા લીસ્ટમાંથી તમારી મનપસંદ ચીજોનો ટેસ્ટ જરૂર માણજો . આ લીસ્ટ મારી સમજણ અને ગુગલ સર્ચની મદદથી આપની માટે મુકું છું. લકીની ચા અને મસ્કાબન, સાબરમતી જેલ અને રાયપુરના ભજિયા, જશુબેનના પિઝા, વિજય ચાર રસ્તા શ્રીજી અને જયભવાનીના વડાપાંવ, કર્ણાવતીની દાબેલી, મણીનગરના માસીની પાણીપૂરી, ગીતાની સમોસા-કચોરી, શંભૂની કોફી, દાસના ખમણ-સેવખમણી, લક્ષ્મીના ગાંઠિયા, આસ્ટોડિયાની લખનૌની અડદની જલેબી, ઝવેરવાડની પાણીપૂરી, માણેકચોક માં માણેકની ચોકલેટ-ચીઝ સેન્ડવિચ, વિદ્યાપીઠ પાસેના થેપલા, ગુજરાતના દાળવડા, ફરકીના ફાલૂદા, પાલડીની નરસિંહ ભગત હોસ્ટેલ પાસેની પાપડી, વાડજના સોહરાબજી કમ્પાઉન્ડના દાલ-પકવાન, યુનિવર્સિટીના ઢોસા, બાપુનગરના ગોંડલના ગાઠિયા, દિનેશના ભજિયા, સીમા હોલ પાસે ઇન્દોરની ચાટ, જેઠાણી-દેરાણીનો આઇસ્ક્રીમ, રાજસ્થાન આઇસ્ક્રીમ અને અસારવાનો સંચાનો આઇસ્ક્રીમ, શંકરનો આઇસ્ક્રીમ, મણિનગરના ટામેટાના ભજિયા, વીએસ હોસ્પિટલ પાસે નાગરની ચોરાફળી, વૈષ્ણોદૈવી પાસેના શિવ શક્તિ ની દાલફ્રાઈ અને રાઈસ, મનમોહન ની ખારેક અને હાજમા હજમ , મરચી પોળનું ચવાણું, દોસીવાડા પોળની હિંમતસિંહ ઓટલાવાળા ખરખરિયા, જુના શેર-બજારનું ચવાણું, ઝવેરીવાડના ચોકલેટ પિઝા, સેટેલાઈટમાં શક્તિનો ભાજી પાંવ, સીજી . રોડ પર આર કે નો ભાજી પાંવ, હાટકેશ્વરમાં કે સી નો ભાજી પાંવ, પાંચ કૂવાની ફૂલવડી, લક્ષ્મી બેકરીની પેટિસ, શ્રી રામના ખમણ, ઓનેસ્ટના ભાજી-પાંવ, મોતી બેકરીની નાનખટાઇ, ચંદ્ર વિલાસના ફાફડા જલેબી, સૌરાષ્ટ્રના ફાફડા,ઋતુરાજના મસ્કાબન-ચા, ચાંગોદરના ભઠ્ઠીના ભજિયા, સરદાર પટેલ સ્ટેડિયમની ક્રિષ્ના લસ્સી, ઢબગરવાડની કચોરી, અલંકારના સમોસા, રાયપુરના શ્રી રામના ખમણ, બહેમરામપુરાના વિજયના દાલવડા, ખોખરાના ઇડલી ચાર રસ્તાની ઇડલી, નરોડાના ગેલેક્સી થિયેટરના ખોડિયારના ભજિયા, હરિન પાઠકના બંગલાની પાસે લિજ્જતના ખમણ, બાપુનગરમાં મુક્તિધામ એસ્ટેટના મરચાની ચિપ્સના ભજિયા અને કુંભાણિયા (મરચાની મમરીના ભજિયા), લા ગજ્જરની સામે દેવાર્શના પરોઠા, લકીની બાજુમાં શશીનુ ચવાણું, વસ્ત્રાપુર હનુમાન દાદા પાસેના પરોઠા, ઝવેરીવાડના જૈન ફરસાણના ભાખરવડી અને કેળાવડા, જનતાનો કોકો, ઝવેરીવાડની દાળિયાની ચટણી, બાલા હનુમાન ગાંધી રોડના રગડા-સમાસા, રામ વિજયના ફાફડા-જલેબી, ભૂતની આંબલીના ફાંફડા, ઇન્દુબેન ખાખરાવાડાના ચણાચોર ખાખરા અને ઢોસાના ખાખરા, એલઆઈસી બિલ્ડિંગની સામે પથ્થર કૂવાના મરચા અને કેળાની વેફર્સ, ઇન્કમ ટેક્સ પર પંડિતની સેન્ડવીચ, રેવડી બજારનો રબડી આઇસ્ક્રીમ, અંકુરના આણંદ દાલવડા, ઝવેરીવાડના મારવાડીના પાપડના ગુલ્લા, મેન્ટલ હોસ્પિટલ સામેના છોલે ભટુરે, કુબેરનગરના પકોડા, મખ્ખન મગ-દાળ, કેવલની કચોરી, મસ્તાનાની ગોલાડીશ, હેવમોર ના ચનાપુરી ,નટરાજ ની ફરસી પૂરી .

અમદાવાદનો રીક્ષાવાળો અને શટલ રીક્ષા પણ ફેમસ છે . પહેલાના સમયમાં અમદાવાદ અને અમદાવાદીઓ ની ઓળખ હુલ્લડ , તોફાન અને કરફર્યું માટે હતી જે ઓળખ હવે વિસરાઈ ગઈ છે . અમદાવાદમાં સેલના પાટિયા જોઈ અમદાવાદીઓ હરખાઈ જાય ને ધરાઈને ખરીદી કરે. અમદાવાદમાં સાબરમતી રીવર ફ્રન્ટ પણ જોવા અને માણવા લાયક સ્થળ છે . અમદાવાદનો એલિસબ્રિજ પણ જૂનામાં જુનો અને જોવાલાયક છે. અમદાવાદની પોળો , ગલીઓ અને શેરીઓમાં ભુલા પડી જવાય પણ જોવાલાયક છે. અમદાવાદમાં ઘણાબધા પ્રસીધ્ધ બાંધકામ આવેલ છે .

મને અમદાવાદી હોવાનો ગર્વ છે .