Ucchediyu books and stories free download online pdf in Gujarati

ઉચ્છેદિયું

       સૂરજ પશ્ચિમ તરફ ઢળ્યો હતો. ફળીમાં ન જાણે કેમ પણ આજે સૂનકાર હતો. સૌ મનેખ હજુ રોજિંદી મજૂરીએથી પાછું નો'તું આવ્યું. બે-ચાર ઘૈડિયાની માંહોમાંહ્યની વાતો સિવાય વાતાવરણ શાંત હતું.

        "આહા...હા...હા...!! સુ કળજગ બેઠ્યો સે, હગ્ગા મા જણ્યાય જણનારીને પાલવવા તિયાર નહિ" ઉચાટ ભર્યા સ્વરે જમનાએ મનનો ઉકળાટ કાઢ્યો. "એ તો બુન ધાર્યું ધણીનું થાય."કહીને સવલીએ જમનાને જવાબ વાળ્યો.
      ધનો અને ધૂળો કમુબાના કુખે જોડિયા અવતરેલા સગા ભાઈઓ. માએ પેટે પાણા બાંધીને ખઉ ખઉ થતી ગરીબીમાં ઉછેરેલાં. બાપની છાયા તો બાળપણામાં જ બન્નેએ ગુમાવેલી. પછી તો ધનો-ધૂળો એવા કુરંગે રંગાયા કે ભર્યાભાદર્યા ખોરડાંનું ધનોતપનોત નીકળી ગયું. બન્નેએ એકમેકથી ચડિયાતા કપૂતો સાબિત થવાની જાણે કે હોડ લગાવી !! એમની આવી વૃત્તિ-પ્રવૃત્તિઓથી માનું રુદિયું ઘણુંય રોતું; પણ 'નિરાધાર' માવડી કરેય શું ?
       ફળીના લોકને કમુબાની દયા આવતી, પણ ધના કે ધૂળાને તલભારેય ચિંતા હતી નહિ. તેઓ તો પોતપોતાની કુટેવો પોષવામાં જ લીન રહેતાં.
       હાલ તો બાપદાદાની કંઈ સ્થાવર-જંગમ મિલકત હતી નંઈ; જે કંઈ હતું એ માના પિયર પક્ષેથી માના લાગેભાગે આવતી વીસેક ગૂંઠા ભોંય હતી. જે માના ભાઈ (મામા?!)સજ્જન અને લાગણીશીલ હોવાથી માના નામે કરી આપી હતી. આજ દિ' સુધી તો કોઈ કે'તાં કોઈ બાપે કે ભાંડુઓએ આ પંથકમાં બે'ન-દીકરીઓને મિલકતમાંથી ફૂટી કોડીય આપી નથી, પણ કમુબાના ખોરડાની ખાનદાની જ કંઈક ઓર હતી. (બાકી તો સૌ કોઈ જાણે જ છે કે ક્યાંય બે'ન-દીકરીઓએ બાપની મિલકતમાં લાગભાગ માંગ્યો જાણ્યું નથી. અને માવતરે કે ભાઈ-ભાંડૂઓએ લાડકી બેનડીઓને ક્યારેય ઓછું આવવા દીધુંય નથી. બે'ન ભાણેજોના અવસરો ના હોય એવા પરિવારો પણ દેવું કરીનેય વાજતે-ગાજતે પાર પાડતાં.)અને એટલે...સ્તો ભાઈની ગણતરીય એવી કે ભરજુવાનીમાં નસીબજોગે વિધવા થયેલ બેનબાનો જીવારો નીકળે. પણ.....કાળજોગે ભાણીયાઓય એક તો એક પણ બેય નપાવટ પાક્યા..!! 
         કમુબાને એમના માવતરે તો સદ્ધર ખોરડું જોઈને જ પાણિગ્રહણ કરાવ્યાં'તાં. શરૂ શરૂમાં તો એમની ખાનદાની પંથકમાં ગવાતી. આર્થિક સદ્ધરતાય ખરી. પણ ધના-ધૂળાના જનમ કેડે તો જિંદગાનીએ એના વિકરાળ રંગ જમાવવા માંડેલા. અને નસીબને કોઈ પ્હોંચી વળ્યું છે તે......
           પ્હેલવ્હેલા તો ધનો-ધૂળો પૉણા વીઘા ભોંયમાં સોનું પકવીશું એવા એવા ધોળા દિ'એ સપના જોતાં. પણ આ તો કુસંગે ચડેલા અકર્મીઓ...!! દારૂ અને આંકડાની માયાજાળમાં એવા તો લપેટાયા કે....... વગર મહેનતે રૂપિયા રળવાની લત લાગી. પછી તો પૉણું વીઘુંય સોંથે આપી પહેલા ગણી લેતા. એ ખૂટ્યા નથી-હાર્યા નથી કે બીજા નવા વરસના ઉપાડ પેટે લઈ આવતાં. એમ કરતાં-કરતાં એક દિ' અંગૂઠો ચાંપી-ચંપાવી આપી ભોંય વિનાના થયાં. 
          આજ કમુબા ઊંડા વિચારે ચડ્યા હોય એમ લાગતું હતું. જુવાન દીકરાઓનું અંધકારમય ભવિષ્ય એમને ચોખ્ખું કળાતું હતું. અચાનક ઓસરીની મ્હાલી પા કંઈક ખખડાટ થતાં વિચારધારા તૂટી. છારી બાઝી ગયેલ આંખોએ નેજવું કરી જુએ છે ત્યાં તો ધનિયો મજૂસ ફંફોસતો'તો. 
    "મારા રોયા અવે સું રયું સે તે ફેદૉશ ?"
     બે દા'ડા પે'લા જ ધૂળિયો માએ સંતાડી રાખેલ સૌભાગ્યની નિશાની સમા હાથીદાંતના ચૂડલા સિફતપૂર્વક સરકાવી ગયો'તો. હવે તો ઘરમાંય કંઈ બચ્યું નો'તું, છતાં બન્ને કંઈક મળ્યાની આશે મેડી-માળિયા ખૂંદતા રહેતા. જે કંઈ મળ્યું એ થાળે પાડી દા'ડો ટૂંકાવતા હતા. 
      વળી મોસાળમાં પણ નાના-નાનીનું કુટુમ્બ ખાધેપીધે સુખી હતું. એકના એક મામા હતા એય નાનપણથી દમના રોગી હતા.અથાગ પ્રયત્નો છતાંય રોગ મટતો નથી. પણ સજ્જન અને ભલામાણસ હોવાથી એમણે કોઈની દીકરીને દુ:ખી ન કરવાનું મુનાસિબ માન્યું હતું. મા કરતાં મામા દસેક વર્ષ મોટા હતા એમનો  પોતાનો સંસાર તો હતો નહિ એટલે બેનબાનું ખોરડું ટકે અને સમૃદ્ધ થાય એવા શુભાશયથી પોતે જીવનપર્યંત એકઠી કરેલ મિલકત, બાપીદી કટકો રહેલી ભોંય અને જમા પૂંજી સઘળુંય કમુબાને અર્પ્યું. પછી તો એય મોટા ગામતરે ઊપડ્યા. 
        આ તરફ  દશે દિશાએથી પાયમાલીને વરેલા ધના-ધૂળાના બાર વાગી ગયા'તા. મરવાના વાંકે બન્ને જીવી રહ્યા'તા ને વળી પાછી મિલકત મળતાં સળવળી ઊઠ્યા. થોડો સમય ચહેરા પર લાલી જણાઈ. ને આ બધુંયે મળેલું એય ન્યાલ કરી બેઠાં. ગામમાંથીયે મળે એની પાસેથી ઉધાર લઈ દાબ્યા હતાં. લેણિયાત વખતે દા'ડે ઘેર આવી ગાળો ભાંડી જતા'તા. ઘણા લોક એમની માગવાની કુટેવથી ત્રાસી ગયા'તા; ઘણા લોકો તો ધના કે ધૂળાને સામેથી આવતાં જોઈ પોતાનો રસ્તોય બદલી નાખતા હતાં. કમુબા પણ આ ગયા જનમના લેણિયાત (ધના-ધૂળા)થી વાજ આવી ગયાં ! 
       હવે તો કમુબાને દિવસો વસમા લાગવા માંડ્યાં. ફળીનાં લોકને તેમની અવસ્થા પર દયા આવતી. જ્યારે સગ્ગા દીકરાઓ માવડીને ધિક્કારતા. પણ કમુબા મને કમને આયખું વેંઢારતા રહ્યાં. આડોશ-પાડોશ સારા હતા કે વખતે સમયે કમુબાને રોટલો આપતાં હતાં. પણ ધનિયા-ધૂળિયાની હાલત તો જોનારને પહેલાં દયા આવતી ને પછી ગુસ્સો. શિખામણ સાંભળવા જેવી સ્થિતિ તો બન્નેયની હતી નહિ. જ્યાં જાય ત્યાંથી કૂતરાની જેમ હડસેલો ખાતા, લોકો ધૂત્કારતાં. તો ક્યારેક લોકો વળી ઠઠ્ઠામશ્કરી પણ કરતાં.
     ગામની નવરીબજારને ધનો-ધૂળો જાણે કટાક્ષ, વ્યંગ કે વાતો કરવાનો સારો મોકો આપતા હતાં. લોકોનેય કમુબા પ્રત્યે અનુકંપા જાગતી પણ આ નપાવટોની તો સૂગ જ ચડતી. તેઓએ બદમાશીની હદ વટાવી દીધી. નશામાં કાયમ એવા તો દ્યૂત રહેતા કે પી પી ને ક્યાં પડ્યા છે તેનું ભાન સુદ્ધાંય નો'તું રહેતું. ને લોકોય હવે તો-  "ધનિયા-ધૂળિયાને ઉચ્છેદિયું ના પર્યું." જેવા શબ્દો બોલતાં અચકાતાં નો'તાં.
      આજે ન જાણે કેમ પણ કમુબા ઘેરા અંધકારમાં ગરકાવ હોય એમ ભાસે છે. વાળ વિખરાયેલા છે. એમની આંખો ચકળવકળ ફર્યા કરે છે. ક્યારેક અન્યમનસ્ક થઈ બેસી રહે છે; તો ક્યારેક વળી ગામમાં આમતેમ ભટક્યા કરે છે. વિષાદ ઘેરી વળ્યો છે. સૂરજ આથમણી ક્ષિતિજ ઓળંગી રહ્યો છે.વાતાવરણ સાવ ધૂંધળું અને ભારઝલ્લું બની ગયું છે.

~ વીરેન્દ્ર રાવળ
૯૮૨૪૫૩૩૭૯૨
ભરોડા, તા. ઉમરેઠ, જિ. આણંદ