Shubh Savar books and stories free download online pdf in Gujarati

શુભ સવાર

મધુલતાબેન અને ધનસુખલાલનો સુખી પરિવાર. પાણી માંગો તો દૂધ હાજર થાય એટલી સંપત્તિ. ધનસુખલાલનો કાપડનો મોટા પાયે ઉદ્યોગ અને મધુલતાબેન કુશળ ગૃહિણી અને સમાજ સેવિકા. પરિવારમાં આ દંપતિ સિવાય ધનસુખલાલના માતા કેશુબેન અને બે પુત્રો અભિનવ અને અભિગમ. મોટો પુત્ર અભિનવ અને તેનાથી સાત વર્ષ નાનો અભિગમ. અભિગમનો જન્મ થયો એ પહેલા મધુલતાબહેનને દીકરીની અપેક્ષા હતી પરંતુ ભગવાનની ઈચ્છા સમજીને તેમણે પુત્રને વધાવી લીધો હતો. ધનસુખલાલનો વેપાર દિવસે ન વધે એટલો રાતે વધે અને રાતે ન વધે એટલો દિવસે વધે. આટ આટલી વ્યસ્તતા છતાં તે ઘર ની જવાબદારી ખૂબ જ નિષ્ઠાથી નિભાવતા. ઘરમાં તેમજ કાર્યસ્થળે શિસ્તતાના આગ્રહી. કોઈ પણ કાર્ય અવ્યવસ્થિત ચલાવી ન લે. ઘરમાં તેઓ કોઈ પણ કાર્ય જાતે કરતા અચકાતા નહીં. નોકર ચાકર હોવા છતાં તે બાળકો સાથે ક્યારેક બાગકામ કરતા તો ક્યારેક પત્નિને રસોઈ કરાવવા પહોંચી જાય. 

કેશુબા રૂઢિચુસ્ત અને જુનવાણી વિચારધારા ધરાવતા હતા. તેમને પોતાનો દીકરો ઘરમાં કોઈ પણ કામ કરે તો મોં વિલાઈ જતું. તેઓ ચુસ્તપણે માનતા કે સ્ત્રીઓએ જ ઘર નું દરેક કાર્ય કરવું જોઈએ, બહારના કર્યો પુરુષોના છે. તેઓને મધુલતાવહુનું સમજસેવિકાનું કાર્ય આંખના કણાની જેમ ખૂંચતું, પરંતુ લગ્ન વખતે કરેલી શરતના કારણે તેઓ કંઈ કહી ના શકતા. મધુલતાબેન લગ્ન પહેલાથી જ એક NGO માં કાર્ય કરતા અને લગ્ન પછી પણ એ પોતાની સેવા ચાલુ રાખશે એવી શરત તેમણે ધનસુખલાલના પરિવાર પાસે રાખી હતી. તેમની સાદગી અને શિષ્ટાચારે જ ધનસુખલાલને જીતી લીધા હતા અને તેમનું સુખી જીવન શરૂ થયુ હતું. 

ઘરમાંના ઘણા નિયમોમાંનો એક નિયમ એવો હતો કે દરેકે સૂર્યોદય પહેલા સ્નાન કરી પૂજાઘરમાં સમયસર આવી જવું. જ્યાં સુધી પૂજા-આરતી પૂર્ણ ન થાય ત્યાં સુધી માળી, સફાઈકામદાર કે શાકબકાલાવાળાને ઘરની અંદર આવવા મળતું નહીં. ચોકીદારને સ્પષ્ટ સૂચના અપાયેલી હતી. તે પણ કેશુબા દ્વારા. સ્વપ્નમાં પણ તેની અવગણના ન કરી શકાય એવી કેશુબાની ધાક. એવું કરવા પાછળ પણ કેશુબાની માન્યતા હતી કે આવા નીચલી જાતિના લોકોનું મોં જોવાથી દિવસ સારો ન જાય. કોઈ ખાસ દિવસે તો આ પ્રથાનું ખાસ ધ્યાન રખાતું. 

ધનસુખલાલ, મધુલતાબેન અને અભિનવ વર્ષોથી આ પરંપરા પાળતા હતા તેથી તેઓ આ રીતે દિવસની શરૂઆત કરવા ટેવાયેલા હતા. અભિગમ પણ નાનપણમાં આ જ રીતનો અમલ કરતો. પરંતુ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેને આ પ્રથા ખટકવાં લાગી. તે જાતિવાદને માનતો નહિ. તેને મન માળી કરમશીભાઈ પણ એટલા જ આદરણીય અને કુટુંબના ગોરઅદા ત્રયમ્બકદાસ પણ એટલા જ આદરણીય. પોતાના જન્મદિવસે તે ઘરમાં હાજર દરેક વ્યક્તિનાં આશિષ લેતો, દરેકના. કેશુબાને ન ગમતું છત્તા તે પોતાના લાડલા પૌત્રને કંઈ કહેતા અને વિચારતા કે મોટો થઈને સુધરી જશે. પણ થયું કંઈક અલગ. ધનસુખલાલશેઠની દયાથી તેમના ઘરના સફાઈકામદારનો પુત્ર લવ્ય પણ અભિગમની કોલેજમાં જ ભણતો હતો અને તેનો ખાસ મિત્ર પણ હતો. અરે મિત્રતા તો એવી જાણે કૃષ્ણ સુદામાની. બન્ને આખો દિવસ સાથે બેસીને ભણતા અને કાર્ય કરતા. ભણેલો તેમજ ગણેલો અભિગમ હવે પિતાનો કાર્યભાર સાંભળવા તૈયાર થઈ ગયો હતો. મોટાભાઈ અભિનવ તો માતાની જેમ સમાજસુધારક બનવાની ઈચ્છા ધરાવતો હતો તેથી તેણે એક સરકારી શાળામાં નોકરી મેળવી અને ખૂબ જ પ્રેમથી બાળકોને ભણાવતો. બાકીના સમયમાં અનાથાશ્રમમાં સેવા આપતો. તેથી અભિગમે પિતાના વ્યવસાયને આગળ વધારવાનું વિચાર્યું.

 ઘરમાં ખુશીનો માહોલ હતો, ઘરનો ચિરાગ હવે પિતાના પગલાંને અનુસરવાનો હતો ખુશી કેમ ન હોય. તહેવારની જેમ તૈયારીઓ કરાવાઈ હતી. કેશુબા પણ દિવસ રાત પાર્થના કરતા હતા કે ગોરઅદા પાસે નીકળેલું મુહુર્ત સચવાઈ જાય અને દીકરાનો વ્યવસાય પણ. અને એ દિવસ આવી ગયો. સવારે બ્રાહ્મણને પૂજા માટે આમંત્રણ અપાઈ ગયું હતું. મોટો દિવસ હતો. અભિગમ પણ બમણાં જોશમાં હતો. તેણે આગલા દિવસ એ ઘણી તૈયારીઓ કરી હતી. સૂર્યોદય થયો અને ઘરમાં હલચલ શરૂ થઈ. અભિગમ સિવાય ઘરના દરેક વ્યક્તિઓ આ વાતથી અજાણ હતા. મહેમાનોનો પ્રવેશ થયો, ગોરઅદા તો ખરા જ, સાથે એ તમામ લોકો હતા જે ઘર તેમજ કારખાનાં નાના-મોટા દરેક કાર્ય કરતા હતા. આજે લગભગ સાઠ વર્ષ પછી એક પ્રથા તૂટી હતી. પૂજા તો શાન્તિથી સંપન્ન થઈ પણ કેશુબાના મનમાં ઉંહાપો હતો. તેમને મનની અંદર કશું અપશુગન થવાનો અંદેશો આવતો હતો. બેચેન મન સાથે એ ઘરમાં આમ થી તેમ ફરતાં હતા અને અગિયારેક વાગ્યે અચાનક ફોનની ઘંટડી વાગી અને બાના ધબકારા વધી ગયા. ફોન મુક્યા પછી તેમના મોં પર સ્મિત હતું. શા માટે? ત્રીસ વર્ષથી પિતરાઈ જમીન માટે ચાલતા કેસમાં તેઓ વિજયી થયા હતા અને તેમના પતિની અંતિમ ઈચ્છા પણ. આજે ખરેખર શુભ સવાર હતી.