Sap Sidi - 13 books and stories free download online pdf in Gujarati

સાપ સીડી - 13

પ્રકરણ ૧૩
હર ઘડી બદલ રહી હૈ રૂપ જિંદગી...


ટીવી પર ચાલતા ગુજરાતી સમાચારમાં સારિકા સિંહ સાથેનો પોતાનો ઈન્ટરવ્યુ જોઈ રહેલા ગાંધી સાહેબ, થોડા ચિંતિત પણ હતા. હજુ થોડી જ મિનીટો પહેલા ગૌતમ એક અગત્યના કામે ગયો હતો. સરસ્વતી ડેમ પાસેના, વિરોધ પક્ષના રતનપર તાલુકામાં બહુ સારો હોલ્ટ ધરાવતા વનરાજસિંહ બાપુના ફાર્મ હાઉસમાં મિટીંગ હતી. હજુ એકાદ કલાક તો પાકી થવાની હતી.
ગઈ કાલે બપોરે સારિકા સિંહને ઈન્ટરવ્યુ આપી દીધા બાદ ભોજન કરી, થોડો આરામ કરી, લગભગ ત્રણેક વાગ્યે પોતે રતનપર આવવા નીકળ્યા હતા. ગાંધીનગરના રાજકારણમાં થોડો ગરમાવો હતો. છ એક મહિનામાં વિધાનસભાની ચૂંટણી હતી. નાના સાહેબ બાદ પક્ષમાં પોતે જ એક માત્ર દાવેદાર હતા મુખ્યમંત્રી પદના. આ વખતે કોઈ ગરબડ થવા દેવી ન હતી. જો રતનપરનો માસ્તર સુબોધ જોશી પાક્યો ન હોત તો પોતે દસકા પહેલા ગુજરાતના મુખ્યમંત્રી બની શક્યા હોત પણ..
અને જામનગરથી રતનપર સુધીના આખા રસ્તે ગાંધીસાહેબના માનસ પટ પર ભૂતકાળના એ દિવસો છવાયેલા રહ્યા. આજ-કાલ ખામોશ રહેતો પોતાનો અંતરાત્મા, એ દિવસોમાં થોડો બોલકો હતો.
= = = = = = = =
એ દિવસોમાં દિગ્ગજ વિશેષણ વપરાતું એમના માટે.
ગુજરાતના રાજકારણમાં તેઓ બહુ મોટું માથું ગણાતા.
એ વિધાનસભામાં બોલવા ઊઠતા ત્યારે સામા પક્ષે ખામોશી જ નહીં, ભય છવાઈ જતો. ગજબ ભાષાશૈલી, બુદ્ધિપ્રતિભા અને વ્યક્તિત્વ હતું ગાંધીસાહેબનું. એમના બાઈટથી સમગ્ર ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી જતો. દિવસો સુધી છાપાઓની હેડલાઈન અને ડીબેટોના મેઈન ટોપિક બની જતા એમના વાક્યો.
બંધ આંખે કારની પાછલી સીટ પર બેઠેલા ગાંધી સાહેબ દસ વર્ષ પહેલાનો એ બનાવ વાગોળી રહ્યા હતા. બોલકા અંતરાત્માના કદાચ એ છેલ્લા દિવસો હતા. એ દિવસોમાં એમની ભીતરે ઘમાસાણ મચ્યું હતું.
દસેક વર્ષ પહેલાનો એ દિવસ ગજબ કશ્મકશભર્યો હતો.
રતનપર પાસેની સરસ્વતી નદી પરનો વિશાળ બંધ તે દિવસે કાર્યરત થયો હતો. સત્તા પક્ષના નેતા સુબોધભાઈ જોષીએ એનું ઉદઘાટન કર્યું અને લગભગ ૧૫૦ ગામડા ઉપરથી પાણીનું સંકટ કાયમ માટે ટળી ગયું.
અને ગાંધીસાહેબની આંખમાં આંસુનું એક બુંદ પાંપણની પાળી તોડી ગાલ પર સરકી ગયું. સાક્ષી હતા કેવળ ગોપાળકાકા, ગાંધીસાહેબના રસોઈયા. બે જ જણા હતા એમના સરકારી બંગલાના એ બેઠકખંડમાં.
ટીવી પર સુબોધભાઈ જોશીએ ઉદઘાટન બાદ કરેલા પ્રવચનમાં વિરોધ પક્ષ એટલે કે ગાંધીસાહેબના પક્ષને ફટકા માર્યા હતા અને આ ડેમની તથા પોતાના પક્ષની વાહ-વાહ કરી હતી.
ગાંધીસાહેબની આંખમાં આંસુ?
એક પીઢ, અનુભવી, વક્ર વાણીમાં કહો તો રીઢા રાજકારણીની આંખમાં આંસુ?
ગાંધીસાહેબની ભીતરે આ જ કશ્મકશ જામી હતી.
“રાજકારણ.. બેટા આ એક એવી ગંદકી છે કે જેમાં સાફ-સુથરા રહેવું એ લોખંડના ચણા ચાવવા જેવું છે.” ગાંધીસાહેબને સ્વર્ગસ્થ પિતાશ્રી મનમોહનદાસ ગાંધીના શબ્દો યાદ આવી ગયા. પિતા ત્યારે ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી હતા. મનમોહનદાસ એક વખત જુવાનીયા નરોતમને વિધાનસભા દેખાડવા લઇ ગયેલા. “બેટા.. આ એ જગ્યા છે જ્યાં મેં ભલભલા નેતાઓને નરમાંથી નારાયણ બનતા અને ઘણી વાર ક્રૂર જાનવર બનતા જોયા છે.”
“જાનવર?” પોતાને કૂતૂહલ થયેલું પિતાની વાત પર.
“હા.. જાનવર.” કંઇક વિચારોના વૃન્દાવનમાં ચક્કર મારી પાછા ફરતા પિતાએ એ વાત જાણે ખંખેરી નાખી હતી. “એ તને અત્યારે નહીં સમજાય.”
અને કારે એક વળાંક લીધો અને ગાંધી સાહેબના વિચારોમાં પણ દ્રશ્ય બદલાયું.
વર્ષો બાદ પોતે એ જ વિધાનસભાની એ જ ખુરશી પર બેઠા. અને થોડા જ મહિનાઓમાં સમજાઈ ગઈ પિતાશ્રીની વાત. માનવમાંથી જાનવર.
પોતે ઈમાનદારીથી ચૂંટણી જીતેલા. પોતાના એ ભાષણ કે જેમાં પોતે સામા પક્ષના દેશહિતમાં લડતા નેતાઓના ખુલ્લા દિલે વખાણ કર્યા. એ વાતે પબ્લિકમાં પોતે ઈમાનદાર હોવાની છાપ એવી સજ્જડ ઊભી કરી કે જનતાએ પોતાને અને પોતાના પક્ષને ખોબે-ખોબે મત આપેલા.
સામા પક્ષની તમામ ચાલબાજીઓ ઊલટી પડેલી. અને પોતાની ઈમાનદાર વાતો જીતી ગયેલી.
જીતના જશ્નમાં હાઈકમાન્ડના પ્રતિનિધિ તરીકે ગાંધીનગરથી પધારેલા નાનાસાહેબ દેશમુખે પોતાને લાખ-લાખ અભિનંદન આપ્યા બાદ કાનમાં ફૂંક મારી હતી. “આગળ ઉપર સામા પક્ષના વખાણ કરવાની ભૂલ ના કરતા.”
પોતે બધું જ ભૂલી શક્યા હતા પણ આ એક વાક્ય એમને છેક ઊંડે સુધી ખૂચ્યું હતું.
પોતે નવા-સવા હતા. નાનાસાહેબ તો છેક આઝાદીના દિવસોથી રાજકારણમાં હતા. એમની રાજનીતિ સમગ્ર દેશમાં વખણાતી, ચર્ચાતી, અપનાવાતી. એમની મારેલી સોગઠીનો જવાબ કોઈ કરતા કોઈ પાસે ન મળતો. પોતે એમને મનોમન ગુરુ માનતા.
“આગળ ઉપર સામા પક્ષના વખાણ કરવાની ભૂલ ના કરતા.” સતત આ વાક્ય એમને પોતાની આસપાસ ગૂંજતું લાગ્યું અને દિવસો બાદ એ વાત સાચીયે લાગવા માંડી.
પોતાના ઈમાનદારીથી બોલાયેલા વાક્યોનો સામા પક્ષે વનરાજસિંહ જેવા પ્રવક્તાઓએ ટીવી ડીબેટોમાં ચાલાકીપૂર્વક દુરુપયોગ કરી પોતાને ઘણીવાર ભીંસમાં લીધા ત્યારે તેઓ નાનાસાહેબની દૂરંદેશીથી પ્રભાવિત થયા હતા.
સામા પક્ષના ઘણા નેતાઓ ખરેખર વખાણવા જેવા કામ કરતા હતા. પણ હવે પોતે સાવચેત બની ગયા હતા. પર્સનલ મિત્રો, પત્ની દેવીલતા અને રસોઈયા ગોપાળકાકા પાસે ક્યારેક મન ખોલીને આવી વાતો પોતે શેર કરતા. પણ જાહેરમાં આવા વાક્યોને હોઠની બહાર નીકળવા પર પાબંદી લગાવી દીધી હતી. અને ધીરે-ધીરે વખાણ ન થઇ જાય એ માટે એમણે સામા પક્ષના સારા કામોમાં છીંડા ગોતી એને વખોડવાની ચતુરાઈ પણ આચરવા માંડી હતી. જેવા સાથે તેવા બીજું શું?
પણ સરસ્વતી પુલ..
પોતાના વતન રતનપરના સરસ્વતી પુલના ઉદઘાટનની ઘટના પોતાની ત્રણ-ત્રણ પેઢીને સ્પર્શતી હતી. પિતાશ્રીનું અને દાદાજીનું પણ સ્વપ્નું હતું સરસ્વતી પુલ.
ચાલીસ વર્ષે બંધાયો. કેટકેટલા રોડા નંખાયા. પોતે શાસનમાં હતા ત્યારે પોતે પણ એ પુલનું કાર્ય આગળ ધપાવવા માંગતા હતા. અને આગળ વધેલાય ખરા. પણ ત્યારે જ વિરોધપક્ષે ધમાલ મચાવેલી.
અને આ વખતે પોતે વિરોધપક્ષમાં હતા. ઉપરથી પ્રેશર હતું કે પુલ બંધાવો ન જોઈએ. વાત પણ સાચી હતી. જો પુલનું ઉદઘાટન સામા પક્ષના હાથે થાય તો તો પોતાના પક્ષની આબરૂના ધજાગરા થાય. આવનારી ચૂંટણીઓ પર એની બહુ માઠી અસર પડે.
બહુ ખતરનાક મનોમંથન પોતે અનુભવેલું. પર્યાવરણ વાળાઓને કામે લગાડેલા, એન.જી.ઓ.ને કામે લગાડેલા, ગામડિયાઓને વાયા વાયા ભડકાવેલા, કોર્ટ-કાનૂનના દાવ-પેચ ખેલેલા.
આ કસરત દિલો-દિમાગને ગાંડું કરી મૂકનારી હતી. ઊંડે-ઊંડેથી દાદાજી અને પિતાશ્રીના શબ્દો સંભળાતા. બહુ ધીમા પણ સ્પષ્ટ. “સરસ્વતી પુલ જો શરુ થઇ જાય તો હજારો ખેડૂતોના જીવનમાં પરિવર્તન આવે. આપઘાતો અટકે અને ગુજરાતની જોરદાર પ્રગતિ થાય.”
પોતે એટલે જ પોતાના સત્તાકાળ દરમ્યાન એ પુલ માટે ઝઝૂમેલા, પણ કોઈ કારી ફાવી નહીં. સત્તા ગઈ. સામેવાળો પક્ષ સત્તા પર આવ્યો. પોતે એમને પુલ બાબતે સાડા ત્રણ વર્ષ તો ટસના મસ થવા ન દીધા. પણ આખરે સુબોધ માસ્તર મક્કમતાથી આગળ વધ્યા.
“સર, આપણે આ વિરોધ ખોટો કરીએ છીએ. અમે સહમત નથી એટલે અમે રાજીનામું આપીએ છીએ.” યુવા પાંખના નેતા સારિકા સિંહ, અનવર ખાન અને મૌસમી જોશીએ પોતાની સમક્ષ રાજીનામાં ધરી દીધા હતા. પક્ષના કાર્યકર તરીકે તેઓ રહેવાના હતા, પરંતુ તેમણે હોદ્દાઓનો ત્યાગ કર્યો હતો.
“હતી જ, નીતિ ખોટી હતી જ.” ભીતરી સ્વીકારને એમણે પક્ષ સમક્ષ રજૂ થવા નહોતો દીધો અને ભળતું જ વાક્ય બોલેલા. “તમને અત્યારે નહીં સમજાય. આમ કાયરતાવાળી વાત કરી તમે પક્ષના મોરલને હાનિ ના પહોંચાડો તો સારું.”
તેઓની આંખ, તેઓની નજર પોતે જીરવી નહોતા શકેલા, છતાં ધારદાર નજરે એમની સામે જોયું હતું. બિચારાઓએ નજરો ઢાળી અપરાધભાવ અનુભવ્યો હતો. પણ રાજીનામાં પરત નહોતા લીધા.
“કાયર” જે ખિતાબ પોતે જુવાનિયાઓને આપેલો એ કાયરતા તો પોતાની નસેનસમાં વ્યાપી ગઈ હતી. રાજકારણના આ ખેલમાં કેમ પોતાને માત્ર સામો પક્ષ જ દેખાતો હતો? દેશ, રાષ્ટ્ર, ગામડું અને પ્રજા કેમ નહોતા દેખાતા? પોતાનું હિત, પોતાના પક્ષનું હિત પહેલું કે પોતાના દેશનું હિત પહેલું?
ભીતરે કશ્મકશ ગહેરી બનતી જતી હતી. કોણ દોરીસંચાર કરી રહ્યું છે? અને કોણ દોરવાઈ રહ્યું છે?
પક્ષ દ્વારા થતા પુલના વિરોધને પોતાનું માર્ગદર્શન, દોરીસંચાર કરાઈ રહ્યો હતો. એ પુલના ઉદઘાટન સમયે જો પોતે રાજકારણીની બદલે રતનપરનો સામાન્ય ગામડિયો હોત તો મન ભરીને નાચ્યો હોત.
ટીવી પર દર્શાવાઈ રહેલા ગામડિયાઓના ખુશહાલ મંતવ્યો.. “પાણી આવતા હવે અમારે વરસાદ પર આધાર નહીં રાખવો પડે. મબલખ પાક ઊતરશે. હવે અમારે આપઘાત નહીં કરવા પડે. હવે અમારે ઉછીના-ઉધારા નહીં કરવા પડે.” જોઈ પોતાને ચીડ ચઢતી હતી. જાણે આ ગામડિયાઓ સામા પક્ષના હોય એમ વિરોધીઓ લાગતા હતા. એમની નજર સહેજ ઝીણી થઇ. અને ટીવીમાં દેખાતા ગામડિયાઓના ટોળામાં પોતે ખુદને નાચતા જોયા.
“હું પોતે ત્યાં કેવી રીતે?” આ પાગલપનભર્યા વિચારોએ ગાંધીસાહેબને જબરદસ્ત આઘાતો આપ્યા હતા. પેલો ગામડિયો જે બોલેલો એ જ વાક્યો પોતે જીવનની પહેલી ચૂંટણી લડેલી ત્યારે રતનપરની સભામાં જ બોલેલા. ત્યારે પુલ નહોતો બંધાયેલો. બાંધકામ માટેની શરૂઆત માંડ થઇ હતી. “આ પુલ આપણી જીવાદોરી સમાન છે. કેટલો સમય વરસાદ પર આધાર રાખીશું?” કહી પોતે ઈઝરાયલનું ઉદાહરણ આપેલું.
“ગાંધી તારા દિવસો હવે પૂરા થતા લાગે છે. ઢીલો ના પડતો. તારી બુદ્ધિને કામે લગાડ. કંઇક એવું ગતકડું ગોઠવ કે પુલ બંધાયાનો જશ સામો પક્ષ લૂંટી ના શકે.” ઉપરથી નાનાસાહેબે ફૂંક મારેલી.
શું કરું? શું કરું? વિચારતા એક ઘાતક ખ્યાલ પોતાને આવેલો. “પુલને બોંબથી ઉડાવડાવી નાખું?” અને ભીતરે ખળભળાટ મચેલો. બુદ્ધિ અને તર્ક તો કશુંક ખેદાન-મેદાન કરવાની તરફેણમાં મચી જ પડ્યા હતા. પણ ઊંડે-ઊંડે જરાક અમથી ખિન્નતાનો ભાવ સળવળતો હતો. પોતાની પાસે તો એવા સોર્સીસનો તોટો ન હતો. પુલ તો ઊડી જ જાય અને સાત જન્મે પણ પોતાનું નામ ક્યાંય ન આવે, એવી જડબેસલાક વ્યવસ્થા કરી શકાય એમ હતી.
શતરંજના પ્યાદાઓ ગોઠવવામાં પોતે ઉસ્તાદ હતા એટલે જ આજ પોતાને દિગ્ગજ વિશેષણ લાગતું હતું ને! અને ગાંધીસાહેબના દિમાગમાં શેતાની કાવતરાએ આકાર લઇ લીધો. માનસપટ પર આનંદ છવાયો. કદાચ વહેશી આનંદ. “નાચી લો આજની રાત. પછી જુઓ કેવા હાલ થાય છે તમારા..”
ટીવી પર ફટાકડા ફોડતા સામા પક્ષના કાર્યકરોને જાણે કહેતા ન હોય એમ એમણે ટીવી સામે જોયું, ત્યારે એમની આંખમાં લુચ્ચાઈ પ્રગટી હતી. કબાટમાંથી એમણે દારૂની બોટલ કાઢી. ફરી ટીવી સામે ગોઠવાયા. એક ઘૂંટ, બે ઘૂંટ, અડધી બોટલ ખાલી થઇ ત્યારે ભીતરે ઊંડે-ઊંડે સળવળતી ખિન્નતાનો અવાજ બંધ થયો. સભાન અવસ્થામાં કાવતરાનો અમલ થઇ શકે એમ ન હતો. વિચારો જાણે ફટાકડાની સરની જેમ ફૂટતા હતા. પણ નશાને કારણે હોશ ગુમાવી રહેલું દિમાગ હવે નિર્ણય પર આવી રહ્યું હતું. વિસ્ફોટ જ આ ઉજવણીનો ઉકેલ છે. અને એમણે ફોનના ચકરડા ઘૂમાવવા માંડ્યા. બધું ગોઠવતા અડધી કલાક લાગી.
પથારીમાં પડી એમણે દારૂની બાકી રહેલી અડધી બોટલ પેટમાં ઠાલવી અને સહેજ હસી પડ્યા. ધીરે-ધીરે આ હાસ્ય પિશાચી બની ગયું. એમણે પડખું બદલ્યું. “આ શું કરી બેઠો નરોતમ? તારા જ ગામના પુલને ઉડાવી દેવાના ઓર્ડર આપી બેઠો?” પાગલ મને હવે સામી પાટલી પર બેસીને નરોતમ ગાંધીને પજવવા માંડ્યું. “માન્યું કે તું રાજકારણી. પણ શું તારામાં માનવતાનો છાંટોય નહીં? તને ખબર છે કેટલા બધા માણસો આ પુલ તૂટવાથી તણાઈ મરવાના? કેટલા બધા પરિવારો બરબાદ થવાના?” અને એમને મૂંઝારો થવા માંડ્યો. ત્યાં નાનાસાહેબ એમની આંખ સામે પ્રગટ થયા. “શાબ્બાશ.. ગાંધી. હવે ખરો રાજકારણી. તારામાં ગુજરાતના મુખ્યમંત્રી બનવાના, ભારતના વડાપ્રધાન બનવાના તમામ લક્ષણો મૌજૂદ છે. તારા નક્કર નિર્ણયો અને પોલાદી મનોબળ તને ભારતના ઇતિહાસમાં અમર બનાવી દેશે.” અચાનક ચારે બાજુથી એમને રોકકળ સાંભળવા મળી. “નરોતમ ગાંધી હાય.. હાય.. નરોતમ ગાંધી હાય..હાય..” ના નારા સાથે ચાલનારી ટોળીમાં એમને પિતાશ્રી અને દાદાજી પણ દેખાયા.
“તું કોણ છે?” પિતાશ્રીએ આંસુભરી આંખે એમને પૂછ્યું. “મારો દીકરો, રતનપરનો ગામડિયો, ગામનો સરપંચ કે રાજ્યનો મંત્રી? અલ્યા શેતાન તું છે કોણ?” એ ગુસ્સે ભરાયા હતા. “બાપુ.. હું તમારો નરિયો.. નરોતમ. જુઓ.. જુઓ.. ગુજરાત આખામાં મારું નામ ગૂંજી રહ્યું છે. હું મુખ્યમંત્રી બન્યો છું. તમે જરાય ચિંતા ના કરતા. રતનપરની સરસ્વતી નદી પરનો પુલ હું બંધાવીને જ રહીશ. આપણું ગુજરાત હરિયાળું બનાવીને જ રહીશ. જોજો એક દિવસ આપણું ગુજરાત આખા દેશમાં નંબર વન પર હશે. એ માટે મારે જે કુરબાની આપવી પડશે એ હું આપીશ.”
અને ફરી નાનાસાહેબ દેશમુખ દેખાયા.
“શાબ્બાશ.. ગાંધી. આ ગામડિયાઓ તારામાં રહેલી શક્તિ અને સમજણને નહીં ઓળખી શકે. તું ગામડા કે રાજ્ય માટે નથી જન્મ્યો. તારે તો આખા દેશ પર રાજ કરવાનું છે. મોટા-મોટા નિર્ણયો લેવાનું તારું ગજું છે. તારા જેવો રાજકારણી નથી જન્મ્યો કે નહીં જન્મે. ચાણક્ય કે કૃષ્ણએ જે સિદ્ધાંતો કહ્યા એ તારી નસેનસમાં ફરે છે. હું તને સલામ કરું છું. હવે જરાય પાછો ના પડતો.” અને નાનાસાહેબ અદૃશ્ય થઇ ગયા.
કૃષ્ણ? પિતાશ્રીએ પોતાની ઓફિસમાં ગાંધીજી અને સરદાર પટેલની વચ્ચે રાખેલી શ્રી કૃષ્ણ ભગવાનની મોરમુગટવાળી છબી બતાવતા એક દિવસ પોતાને કહેલું. “જો બેટા.. આ છે સૌથી મોટો રાજકારણી. સૌથી મોટો માનવ. સૌથી મોટો મહામાનવ. બીજા બધાને ભૂલી જજે પણ કૃષ્ણને અને એના ગીતા સંદેશને ક્યારેય ભૂલતો નહીં.”
અને કૃષ્ણનું સદાબહાર વાક્ય ગાંધી સાહેબ બબડ્યા. “કર્મણ્યે વાધિકારસ્તે..”
અને ફરી એક વખત એમના હોઠો પર મુસ્કાન છવાઈ. બંધ હોઠો પાછળ મનના મહેલમાં એ ચિલ્લાયા. “આજનો દિવસ જશ્ન મનાવી લો ઓ બદમાશો.. આવતીકાલે રાત્રિના બાર વાગ્યે મહાવિધ્વંસ સર્જાશે, ત્યારે તમને સમજાશે કે નરોતમ ગાંધી એટલે શું?”
અને ગાંધીસાહેબ ગહેરી ઊંઘમાં સરી પડ્યા.
=========
“હું ખુબ ખુશ છું. અમારી પાર્ટી તરફથી સત્તાપક્ષ તથા તેમના ઈમાનદાર નેતા શ્રી સુબોધભાઈ જોષી તથા તેમની આખી ટીમને હું ધન્યવાદ આપું છું.”
તમામ ટીવી ચેનલો પર ગાંધીસાહેબને બોલતા સાંભળી સમગ્ર ગુજરાત એકી શ્વાસે કાન સરવા કરી ટીવી સામે ગોઠવાઈ ગયું હતું.
“રતનપર ગામનો સરસ્વતી નદી પરના પુલરૂપે આજે સમગ્ર પશ્ચિમ ગુજરાત માટે એક અમૂલ્ય નજરાણું સત્તાપક્ષ તરફથી આપવામાં આવ્યું છે. મારે આ બાબતે કોઈ રાજકારણ નથી કરવું. ગામલોકો, પર્યાવરણવાદીઓ કે અન્ય સમાજસેવી સંસ્થાઓને ભડકાવીને કે ગભરાવીને મારે આ સરાહનીય કામને કે તેના આનંદને ઢીલો પાડવો નથી. ડેમના કાર્યરત થવાથી કોઈ નુકસાન નથી. ખરેખર ખરા હૃદયપૂર્વક હું મારા પક્ષ તરફથી તથા સમગ્ર ગુજરાતની જનતા તરફથી સુબોધભાઈ જોષી તથા એમના પક્ષને ફરીથી લાખ-લાખ ધન્યવાદ આપું છું. જય હિન્દ..”
કેટલીય ક્ષણો સુધી સન્નાટો છવાઈ ગયો. આ શું બોલી રહ્યા હતા નરોતમભાઈ ગાંધી? ચોતરફથી ગાંધીસાહેબ માટે વાહ-વાહ થવા માંડી. જનતા જનાર્દનમાં નરોતમ ગાંધી જિંદાબાદના નારા લાગ્યા. ઈમાનદારી અને સચ્ચાઈની એક મિશાલ તરીકે નરોતમભાઈ સમગ્ર ગુજરાતમાં છવાઈ ગયા.
રાત્રિના દશેક વાગ્યા હતા. પુલ તૂટવાને બે કલાકની વાર હતી. નરોતમભાઈ થોડા વઘારેલા ભાત ખાઈ પોતાના અંગત રૂમમાં ભરાઈને બેસી ગયા હતા. ડીસ્ટર્બ ન કરવાની ગોપાળકાકાને ખાસ સૂચના અપાઈ ગઈ હતી. છેલ્લો ફોન પણ આવી ગયો કે કાવતરાને અંજામ આપનારાઓ નીકળી ચૂક્યા છે.
કંઇક અસુખ ગાંધીસાહેબને પજવતું હતું. સામાપક્ષના કરવા પડેલા વખાણ અને ભીતરે સળગતી આગ વચ્ચે કંઇક અજંપાભરી સ્થિતિમાં મૂકાઈ ગયેલું ગાંધીસાહેબનું હૃદય બેચેન હતું. છાતીમાં દુઃખાવો થતો હતો. હજારો ઘરોમાં વેદના પ્રસરાવનારી ઘટના આડે બહુ ઓછો સમય હતો. આજનો પોતાનો દાવ હજુ સામાપક્ષવાળા સમજશે ત્યાં સુધીમાં તો બોંબ વિસ્ફોટમાં સરસ્વતી ડેમ ઊડી પડતા ફેલાનારી અંધા-ધૂંધી એમને ઘેરી વળશે. જે વાતનો જશ ખાટવા એ લોકો અધીરા બન્યા હતા, એ જ ઘટનાનો કાળો ડાઘ એમના પક્ષને વર્ષો સુધી જનતા માટે અળખામણો બનાવી દેશે. અને આજના પોતાના ઈમાનદાર વક્તવ્યના કારણે કોઈ એમના પર આંગળી ચિંધવાની હિંમત નહિ કરે. આ જ અરસામાં આવી પડનાર વિધાનસભાની ચૂંટણી પોતે બહુ જોરદાર મતોથી જીતી શકશે. અને.. કદાચ મુખ્યમંત્રી પણ બની જાય.
ફરી હૃદયમાં કણસાટ શરુ થયો.
પોતાની જીતના જશ્નમાં કોણ કોણ સામેલ થશે? આ અત્યારે ટીવી પર નાચી- ગાઈ રહેલા પોતાના ગામના ગામડિયાઓ તો કદાચ.. અને ફરી હૃદય દુખ્યું. પોતાની નાત, મિત્રો, સગા-સંબંધીઓ અને પરિચિતો તો રતનપર અને તેની આજુ-બાજુના ગામડાઓમાં જ વસવાટ કરતા હતા. વાહ રે રાજકારણ. કેટકેટલા ભોગ લેવડાવીશ તું?
શું પોતે આ બધાની ગેરહાજરીમાં જીતનું જશ્ન માણી શકશે ખરા? કે પછી મરણના શોકને બહાનું બનાવી જીતની ઉજવણી કેન્સલ રાખી લોકમાનસમાં ફરી ઈમાનદાર છબીને ઉજળી કરી શકાશે?
શું પોતે સરસ્વતી નદી પરના ડેમનું કામ ફરીથી શરુ કરાવી શકશે ખરા? આ પ્રશ્ન એમના હૃદયમાં તીરની જેમ ભોંકાયો. ઓહોહો.. આ પ્રોજેક્ટ તો દસકાઓ સુધી ચાલશે. તો શું આ પ્રોજેક્ટ ભૂલી જ જવાનો? પોતે મુખ્યમંત્રી બની જે ડેમ બાંધવાના સપનાઓ સજાવી રહ્યા હતા, એ ડેમ અત્યારે જ તૈયાર હતો. તો શું કંઇક ભયંકર ગરબડ સર્જાઈ ગઈ હતી? જો આ પુલ બાંધવો જ હોય તો અત્યારે તોડવાની શું જરૂર હતી? મુખ્યમંત્રી કે નેતા બનવા પાછળનો અંતિમ હેતુ શું? માન-પાન, રૂપિયા-પૈસા, ગાડી-બંગલા કે સમાજસેવા-દેશસેવા?
સમાજસેવા? દેશસેવા?
અણીની જેમ આ શબ્દો ગાંધીસાહેબને ચૂભી ગયા. પુલ બનવાથી હજારો કુટુંબોનું ભલું થયું છે. લોકો રાજી છે. નાચી રહ્યા છે. એમને મારી નાખીને, એમની લાશ પર મુખ્યમંત્રી બનીને મારે કોની સેવા કરવાની? ક્યાં મોઢે? કયા દિલે સેવા કરવાની? ખરેખર મારામાં સેવાનો ભાવ છે ખરો? લાશનો કારોબાર કરનારાઓને જો આતંકવાદી કહેવાતા હોય તો હું કરું છું એ શું છે? અને મને એનાથી મળવાનું શું છે?
સંતોષ? છટ.. શાનો સંતોષ? અત્યારે તો હું ભીતરી અવાજને દાબવા તડપી રહ્યો છું. સંતોષ ક્યાંથી આવશે?
વખાણ? કોણ કરશે મારા વખાણ? ગુમરાહ લોકો કે છેતરાયેલી જનતા? કે પછી પેલો નાનાસાહેબ? શું એના વખાણની કોઈ કિંમત છે? આજ વખાણે, કાલ વખોડે. તો પછી હું શું કરવા માંગું છું? કે શું કરી રહ્યો છું?
બરાબર ભીંસાઈ રહ્યા હતા ગાંધીસાહેબ. હવે અંદરનો અવાજ દાબ્યો દબાતો ન હતો. ઘડિયાળમાં સાડા અગિયાર વાગ્યા હતા. અડધી કલાકમાં દગડુ સમાચાર આપવા રૂબરૂ આવવાનો હતો.
“એને રોકી લે નરિયા.. એને રોકી લે..” પિતાશ્રીનો દર્દભર્યો સ્વર ભીતરે ઉઠ્યો. “નાનપણમાં જે રાક્ષસની વાર્તા તને કરી હતી, અને તું પૂછતો ન હતો કે એ માથે શિંગડાવાળા નરભક્ષી રાક્ષસો અત્યારે છે ખરા? એનો જવાબ છે હા. પણ એ શિંગડાવાળા રાક્ષસોમાં તું પોતે પણ એક છે. મહેરબાની કરી પાછો વળ.” ગાંધીસાહેબે કાન પર હાથ ધરી દીધા પણ ભીતરી અવાજ દબાયો નહીં. “ક્યાં ગઈ તારી ચતુરાઈ? તારા તર્કો? ક્યાં ગઈ એ ઈમાનદારી અને હોંશિયારી જે લઈને તું રતનપર ગામડેથી નીકળ્યો હતો? આજે એ જ ગામડાની તબાહીનું કાવતરું રચીને બેઠો છે. જાગ દીકરા જાગ..”
અને ગાંધીસાહેબની આંખ ભીની થઇ ગઈ. એમનાથી ડૂસકું મૂકાઈ ગયું. કોણ જાણે કેમ એ ચોધાર આંસુએ રડી પડ્યા. અને ત્યાં જ બારણે ટકોરા પડ્યા.
“કોણ?” ક્ષણભરમાં ખુદને સંભાળતા એમણે ઘડિયાળમાં જોયું. બારને દસ થઇ હતી. અને એમના હૃદયમાં ધ્રાસકો પડ્યો. “કોણ છે?”
“દગડુ આવ્યો છે સાહેબ.” ગોપાળકાકાનો અવાજ સંભળાયો અને ગાંધીસાહેબ બે ધબકાર ચૂકી ગયા. તો શું બોંબવિસ્ફોટ થઇ ગયો? શું રતનપર ગામમાં હાહાકાર મચી ગયો? શું ગામડા ડૂબી ગયા?
ગાંધીસાહેબની ભીતરી નસો ફાટફાટ થવા માંડી.
એમણે આંખ બંધ કરી એક ઊંડો શ્વાસ લીધો. સહેજ સ્વસ્થ થઇ, જાતને સંભાળતા એમણે ખોંખારો ખાઈ પૂછ્યું. “શા સમાચાર છે?”
“સાહેબ કામ થઇ ગયું.” શબ્દો સાંભળવા એમના કાન સરવા તો થયા, પણ હૃદય જાણે બેકાબુ બની ધડકવા લાગ્યું. અને બહારથી દગડુને બદલે નાનાસાહેબનો અવાજ આવ્યો. “ગાંધી.. હું આવ્યો છું, નાના. બારણું ખોલ.”
“હેં?” જાણે કંઇક અણધાર્યું બન્યું હોય એમ ગાંધીસાહેબ સફાળા બેઠા થઇ ગયા.
એમણે બારણું ઉઘાડ્યું. સામે જ ખંધા રાજકારણી નાનાસાહેબ ઊભા હતા. એમની આંખમાં તેજ હતું કે માન હતું કે ઉપહાસ હતો એ ગાંધીસાહેબને કળાયું નહીં.
“શું થયું?” ગળું સૂકાતું હોય એમ હાંફતા ગાંધીસાહેબે પૂછ્યું.
“કંઈ નહીં દોસ્ત. જે થવાનું હતું તે જ થયું છે.”
“તો શું સરસ્વતી ડેમ..” અધીરાઈથી નાનાસાહેબને તાકતા ગાંધીસાહેબ બોલ્યા.
“અરે ગાંડા.. એમ કંઈ તોડી પડાતો હશે?” નાનાસાહેબના વાક્યે નરોતમભાઈને ચક્કર ખવડાવી દીધા. “શું આ શું બોલો છો તમે?”
“એ જ, જે તું સાંભળે છે.” કહી સહેજ અટકી ગાંધીસાહેબના ખભે હાથ મૂકી સહેજ દબાવતા નાનાસાહેબ બોલ્યા. “મેં દગડુ અને તેના સાથીઓને રોકી લીધા છે. આમ ડેમ વિસ્ફોટનું કાવતરું કરનાર રાજકારણી નહીં, આતંકવાદી કહેવાય ગાંધી.. એટલું બધું પતન હજુ ગુજરાત કે ભારતના રાજકારણીઓનું થયું નથી.”
અપરાધભાવથી ગાંધીસાહેબનું માથું ઝૂકી ગયું.
એમના ખભેથી હાથ ઉપાડી એમનો ચહેરો ઊંચો કરી આંખમાં આંખ પરોવતા નાનાસાહેબ બોલ્યા, નહીં ગાંધી.. એમાં તારો વાંક નથી. પણ ખરેખર તો તું અમારા બધા કરતા સવાયો રાજકારણી નીકળ્યો.”
નરોતમભાઈને નવાઈ લાગી. નાનાસાહેબના કહેવાનો અર્થ એમને કળાયો નહીં. એમણે નાનાસાહેબની સામે પ્રશ્નાર્થભરી નજરે જોયું.
નાનાસાહેબ ઓરડામાં પ્રવેશ્યા. ગાંધીસાહેબ પણ એમની પાછળ ઢસડાયા. ખુરશી પર બંને સામ-સામે ગોઠવાયા. દગડુ અને ગોપાળકાકા એમની પાછળ ઊભા હતા.
“ગાંધી.. પુલ ઉડાવી દેવાનો પિશાચી વિચાર સૌથી પહેલો મારા દિમાગમાં ઝબકયો હતો.” નાનાસાહેબના વાક્યે ગાંધીને આંચકો આપ્યો. “અને એ પણ તારા કરતા સાત દિવસ પહેલા. પુલનું ઉદઘાટન થાય એ પહેલા જ. અને મેં એનો અમલ પણ કરી જ નાખ્યો હતો. બધો બંદોબસ્ત થઇ ગયો હતો. ઉદઘાટનની બીજી જ રાતે, જે સમય તે નક્કી કર્યો એ જ સમય મેં વિસ્ફોટ માટે નક્કી કર્યો હતો. આ દગડુ અને એની ગેંગ છેલ્લા સાત દિવસથી કામે લાગી ગઈ હતી. અમારી ભીતરે ખુન્નસ, ઝનૂન એવા હતા કે અમે ખૂંખાર બની ગયા હતા. પણ ઉદઘાટનની સાંજે તે જે ભાષણ આપ્યું, સામા પક્ષના લોકોને જે રીતે વખાણ્યા, અને પ્રજા પર એની જે અસર થઇ એ જોઈ અમે છક્ક થઇ ગયા. તારી સચ્ચાઈ અને ઈમાનદારીભરી વાતોની જનમાનસમાં જે પોઝીટીવ અસર થઇ એણે તો અમને પણ ઢંઢોળી નાખ્યા. રાજકારણીમાંથી આતંકવાદી નહીં, રાક્ષસ બની ગયેલા અમને સૌને તારા પોઝીટીવ ભાષણે એક નવી અને સાચી દિશા બતાવી. અમારા નિષ્ણાંત વિશ્લેષકોએ તારા નિવેદનની જે જાદુઈ અસર સમાજ પર થતી જોઈ એનાથી અમને સમજાઈ ગયું કે પાગલની જેમ વિરોધ કરવાનું કામ વિરોધપક્ષનું નથી. આ રીતે સાચા કામની સરાહના કરીને પણ લોકલાગણી જીતી શકાય છે.”
નાનાસાહેબ અટક્યા.
ગાંધીસાહેબ ભાવશૂન્ય આંખે એમની સામે જોઈ રહ્યા.
“તારા ભાષણ પછી તરત જ મેં દગડુને કાવતરાનો અમલ રોકવાની તાકીદ કરી દીધી. આપણો સાચો ચહેરો અને પ્રતિભાવ આ રીતે પુલ તોડીને નહીં પણ તે જે ભાષણ દ્વારા આપ્યો એ જ હોવો જોઈએ. તારા ભાષણે આપણને સૌને બચાવી લીધા. સાચું રાજકારણ કે સાચી ચાલ એ જ કે જે તું ચાલ્યો.”
કેટલીયે વાતો કરી નાનાસાહેબ જતા રહ્યા.
===========
એક મહિનો વીતી ગયો એ વાતને.
ચોતરફ ગાંધીસાહેબના વખાણ થતા રહ્યા. યુવા પાંખના નેતા અનવર ખાન અને મૌસમી જોષીએ પોતાના રાજીનામાં પરત ખેંચી લીધા હતા અને ગાંધીસાહેબ સાથે માનભરી, ખુમારીભરી આંખે સેલ્ફી ખેંચાવી હતી.
ખરી વાત તો ત્યારે થઇ જયારે રતનપર ગામની સભામાં એમનું જોરદાર સન્માન કરવામાં આવ્યું. એ ગામડિયાઓની આંખોમાં છવાયેલા માન અને આનંદે ગાંધીસાહેબને હરખાવી મૂક્યા. ખુદ વિરોધીઓ એમની આવી મોટપથી ઘેરાઈ ગયા હતા. ઉદઘાટન વખતે સત્તાપક્ષના નેતા સુબોધભાઈ જોશીએ ગાંધીસાહેબ અને તેના પક્ષ માટે કરેલા કડવા નિવેદનોનો ખુલાસો એમણે “ગાંધીસાહેબ તો દિગ્ગજ અને મૂઠી ઊંચેરા રાજકારણી છે.” એમ કહી કરવો પડ્યો હતો.
ગાંધીસાહેબ.. નરોતમભાઈ મનમોહનદાસ ગાંધી સાહેબ હજુ પેલી કશ્મકશમાંથી બહાર નથી આવી શક્યા. આખરે રાજકારણ કોને કહેવાય? સત્તાપક્ષ કોને કહેવાય? વિરોધપક્ષ કોને કહેવાય?
આખરે વિધાનસભાના શિયાળુ સત્રના પહેલા દિવસે ગાંધીસાહેબ સભામાં પ્રવેશ્યા ત્યારે જાણે ઇન્દ્રસભામાં નારાયણ પ્રવેશે અને સૌ માનભરી નજરે તાકી રહે એમ સૌ ગાંધીસાહેબને તાકી રહ્યા.
=============
બે-ત્રણ વખત “સાહેબ... સાહેબ...” સાંભળી ગાંધીસાહેબની તંદ્રા તૂટી. સામે ગૌતમ ઊભો હતો. દસકા પહેલાના દૃશ્યો અચાનક ગાયબ થઇ ગયા. વર્તમાનમાં આવતા ગાંધીસાહેબને દસેક સેકન્ડનો સમય લાગ્યો. ઓહો.. પોતે અત્યારે રતનપરના પોતાના બંગલામાં બેઠા હતા. વિચારસૃષ્ટિમાં જે દૃશ્યો જોયા એ તો વર્ષો પહેલા ભજવાયેલા હતા. તેમને યાદ આવ્યું કે પોતે જ ગૌતમને મોકલ્યો હતો, વિપક્ષના બે મોટા મહોરાઓ ને મળવા માટે.
પહેલા તો તેમણે સામેના જગમાંથી ગ્લાસમાં પાણી ઠાલવીને પીધું. સહેજ સ્વસ્થતા આવી ત્યાં ગૌતમ જ બોલ્યો. “સાહેબ.. પહેલા આપ ચા-પાણી પીઓ. પછી નિરાંતે હું આપને બધી વાત કરું.”
એમણે હકારમાં માથું હલાવ્યું. ગૌતમ ગયો. ગોપાળકાકા ચાનો કપ લઇ પ્રવેશ્યા. એમણે ચાની ચૂસકી લીધી. વર્ષોથી એક જ સ્વાદ સીધો દિમાગમાં લિસોટો પડ્યો. ઘૂંટડે-ઘૂંટડે ભીતરી ચાતુર્ય જાગવા માંડ્યું. થોડી જ મિનીટોમાં ગૌતમે ગાંધીસાહેબને માંડીને વાત કરી. ગઈકાલે સાંજે વિપક્ષ કાર્યાલયમાં શંભુકાકા, સંજીવ જોશી, વનરાજ સિંહ અને ધનરાજ શેઠ વચ્ચેની ચર્ચા બાદ મૂળ વાત શરુ થઇ.
“જુઓ ગૌતમ ભાઈ.. અમારે કંઈ છૂપી વાત કરવાની નથી. અમને ગાંધીસાહેબની નેતાગીરી નીચે કામ કરવામાં કંઈ વાંધો નથી. અને અમે ગાંધીસાહેબ પાસે આખો લાડુ માંગતા પણ નથી. પણ સાવ ઉપર-ઉપર થી ખસ-ખસના દાણા જ અમને મળે એ અમને પોસાય તેમ નથી. સંજીવ જોશીમાં કરંટ છે. એ છોકરો કાલ જે રીતે બોલતો હતો, એની આંખમાં જે તાકાત હતી તેને અન્ડર એસ્ટીમેટ કરવાની ગફલત કરવા જેવી નથી.”
તેઓ બંને જે રીતે વાત કરતા હતા. એ પરથી લાગતું હતું કે તેઓ સાચું બોલી રહ્યા હતા. એમની વાતની બીજી અસર પ્રેસર વધારી ભાવ વધારવાની હતી. એ પણ એટલું જ સત્ય હતું.
“તમારી શું અપેક્ષા છે..” ગૌતમે ગાંધીસાહેબે સમજાવેલી પદ્ધતિ મુજબ જ દાવ રમવાનો હતો.
“બસ.. લાડુનો અર્ધો ભાગ નહીં તો ચોથીયું અમને મળે. એટલે અમે મંદિર જ નહીં ભગવાન પણ બદલી નાખીએ.” કહી ધનરાજ શેઠે બાપુ તરફ જોઈ કહ્યું. “વનરાજ સિંહ જેવો આસપાસના ચાલીસ ગામમાં પૂજાતો ભક્ત મળવો કંઈ સહેલો થોડો છે? હું અતિશયોક્તિ નથી કરતો, પણ તમેય જાણો છો કે વનરાજ સિંહમાં કાલના મુખ્યમંત્રી બનવાની ક્ષમતા છે.”
વાતો અસરકારક હતી. અને ત્રણેય જણા ગંભીર હતા. ગાંધીસાહેબ પણ જાણતા હતા કે વનરાજ સિંહ અને ધનરાજ શેઠ બહુ કિંમતી હતા. આખરે ગૌતમે બંનેને ચોંકાવનારી વાત કરી.
“હું ગાંધીસાહેબને બધી વાત કરું છું અને આપણે જામનગરમાં બધું ફાઈનલ કરીશું. પણ છુટા પડતા પહેલા ગાંધીસાહેબે તમારા બંને માટે મને એક ખાસ સૂચના આપી છે એ કહી દઉં. તમારે તમારી પાર્ટી છોડવાની નથી. તમારે શંભુકાકા અને સંજીવ જોશીને સતત સાથ આપવાનો છે. અને એમ કરતા-કરતા તમે એક મહિના પછી જે ચાર ગામની પંચાયત ચૂંટણી છે એ હારી બતાવો અને ગાંધીસાહેબના ઉમેદવારને જીતાડી દો, એટલે વિશ્વાસનું વાતાવરણ બંધાઈ જાય.”
થોડી ક્ષણોની ખામોશી પછી કમરામાં હાસ્યનું મોજું ફરી વળ્યું.
સૌ છુટા પડ્યા બાદ ગાંધીસાહેબના આદેશ મુજબ જ ગૌતમ સંજીવ જોશીને મળવા ગયો, જેની જાણ ન તો વનરાજસિંહને હતી કે ન તો ધનરાજ શેઠ ને.
કહેતા-કહેતા ગૌતમ સહેજ અટક્યો. એટલે ગાંધીસાહેબના દિમાગમાં સળવળાટ થયો. કરંટવાળો આ છોકરો સંજીવ ખરેખર કેટલા પાણીમાં છે? શું એના પિતાની જેમ સત્યના રસ્તે ફના થાય તેવો છે કે રાજકારણની આંટી-ઘૂંટી સમજવાની એનામાં સમજણ છે? કે વર્ષો પહેલા પોતે તેને જે કાંડમાં ફસાતો જોયો હતો, એવો જ હજુ અનાડી છે.
“સંજીવે મને આવકાર્યો અને ઘરમાં વાત કરવાની બદલે ચાલતા-ચાલતા મંદિર પાછળના આંબા વાડિયામાં અમે બેઠા. શરૂઆતમાં જ એણે મારી સમક્ષ આપના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી.” ગૌતમે ફરી શરુ કર્યું એટલે ગાંધીસાહેબના કાન સરવા થયા અને સંજીવ તથા ગૌતમ સામે જ બેસીને વાતો કરતા હોય તેમ તેઓ એકીટશે સામેની દીવાલે તાકી રહ્યા.
“ગૌતમભાઈ.. ગાંધીસાહેબ ન હોત તો હું ક્યારનો ખલાસ થઇ ગયો હોત.” સંજીવ બોલ્યો એટલે ગૌતમને આશ્ચર્ય થયું. “કેમ ખલાસ? હું સમજ્યો નહીં” એણે પૂછ્યું.
સંજીવે વિગતે વાત કરી.
“સાતેક વર્ષ પહેલાની વાત છે. મારા પર બહુ મોટી મુસીબત આવી પડી હતી. હું માંડીને વાત કરું. પી.એચ.ડી. કર્યા બાદ હું જામનગરની સીટી કોલેજમાં લેકચર તરીકે જોડાયો. પિતાના સંસ્કાર અને ઈમાનદારી હું એ મારામાં જાળવવા પ્રયત્ન કરતો હતો. થોડા જ દિવસોમાં સ્ટાફમાં હું એકલો પડવા માંડ્યો. ચોરી કરી પાસ થવા માંગતા વિદ્યાર્થીઓ સાથે મારે નાના-મોટા ઝઘડા થવા માંડ્યા. સ્ટાફમિત્રો સમજાવતા, પ્રિન્સીપાલ સમજાવતા, પણ આઈ વોઝ અન ફીટ. હું કોઈ બાબતે પ્રેક્ટીકલ ન બની શક્યો.
એક દિવસ હું લેકચર લઇ રહ્યો હતો ત્યાં પ્યૂન ક્લાસમાં પ્રવેશ્યો અને મને તાત્કાલિક પ્રિન્સિપલ ઓફિસમાં આવવા કહ્યું. મેં વિદ્યાર્થીઓને જરૂરી સૂચનાઓ આપી અને ક્લાસ બહાર નીકળ્યો. લોબીમાંથી પસાર થતી વખતે મેં એક પોલીસ જીપ કોલેજ ગ્રાઉન્ડમાં પાર્ક થયેલી જોઈ. બેએક પોલીસવાળા જીપની બાજુમાં ઊભા-ઊભા અહીં-તહીં જોઈ રહ્યા હતા. મને થયું, પોલીસ વિભાગ દ્વારા કશોક કાર્યક્રમ ગોઠવવાનો હશે અથવા કોઈ અધિકારીના દીકરા-દીકરીને એડમિશન આપવાનું હશે. પણ જેવો હું પ્રિન્સિપલ ચેમ્બરમાં પ્રવેશ્યો અને પ્રિન્સીપાલ મહેતાસાહેબે સામે બેઠેલા પોલીસ અધિકારીને મારી ઓળખ આપતા કહ્યું. “આ છે પ્રાધ્યાપક સંજીવભાઈ જોશી.” અને પેલો અધિકારી, જેની કમર પરના પટ્ટામાં પિસ્તોલ લટકતી હતી. એ ગુસ્સાભરી આંખે મારી સામે ઘૂરક્યો. મને આશ્ચર્ય થયું અને થોડો ડર પણ લાગ્યો અને એના મોઢેથી નીકળેલા તીખા વાક્યે મને હચમચાવી મુક્યો. “અલ્યા લંપટ.. પ્રોફેસર.. કોનો બળાત્કાર કર્યો...?”
હું કશું સમજ્યો નહીં.
એ ઊભો થયો. એની ઊંચાઈ મારાથી વધુ હતી. એ બોલ્યો, “તારી વિરુદ્ધ એફ.આઈ.આર. નોંધાઈ છે, રેપની. તું કબુલ કરી લે અને આખો કાંડ કહી દે તો અમે નરમીથી વાત કરીશું. નહિંતર..” એ શક્તિશાળી હતો. મને એનો ચહેરો ક્યાંક જોયેલો તો લાગ્યો પણ યાદ ન આવ્યું. પણ એક વાત નક્કી હતી. એ મારા પર હાથ ઉગામવાની તૈયારીમાં હતો. મારા હોશ-કોશ ઊડી ગયા હતા. જીભ સૂકાતી હતી. મેં લથડતા અવાજે કહ્યું. “મેં એવું કશું જ કર્યું નથી.”
અને એની આંખમાં ગુસ્સો દેખાયો. મહેતાસાહેબ દોડીને એની અને મારી પાસે આવી પહોંચ્યા. એ બોલ્યો. “સાલા કુત્તા.. બધા જ બદમાશો આમ જ ગુનો કરી ખોટું બોલતા હોય છે. મને લાગે છે નાછુટકે તને લોકઅપમાં ખોખરો કરવો જ પડશે.”
“હું એની બદતમીઝીભરી જબાનથી અપમાનિત થતો હતો. પણ ખાખી કપડા અને બિહામણો દેખાવ ધરાવતો એ સબ-ઇન્સ્પેકટર કોઈ વાત સાંભળવાનો ન હતો. બરોબર ત્યારે જ ચમત્કાર થયો અને..”
ગાંધીસાહેબ ઓફીસમાં દાખલ થયા.
એમના આગમન સાથે જ વાતાવરણ પલટાઈ ગયું. પેલા સબ-ઇન્સ્પેકટરે તેમને સેલ્યુટ કરી. એને જોઈ ગાંધી સાહેબ બોલ્યા “અરે.. પ્રતાપ.. તમે અહીં?”
“હા સાહેબ.. થોડા ઓફીશીયલ કામસર આવ્યો હતો.” એના અવાજમાં હજુ તીખાશ હતી.
“ઓફીશીયલ કામ અને કોલેજમાં?” ગાંધીસાહેબ બોલ્યા. મહેતાસાહેબે તેમને આવકાર્યા પણ એ ગણકાર્યા વિના ગાંધીસાહેબે મારી સામે જોઈ ફરી ઓફિસરને પૂછ્યું. “કશી ગંભીર બાબત છે કે?”
“રેપ થયો છે.” એના એક જ વાક્યે ફરી વાતાવરણને ગંભીર કરી મુક્યું.
ગાંધીસાહેબના ચહેરા પર પણ ગંભીરતા છવાઈ. એમણે પહેલા મારી સામે, પછી મહેતા સાહેબ સામે અને પછી પેલા સબ-ઇન્સ્પેકટર સામે જોયું. ઓફિસરનો ચહેરો હજુ ગંભીર અને કડક હતો. એટલે તેઓને વાત વધુ ગંભીર લાગી.
“પ્રતાપ....” ગાંધી સાહેબ ઠંડા અવાજે બોલ્યા. “શું આપ મને કહી શકશો કે આરોપી કોણ છે?”
“આ રહ્યો સંજીવ જોશી.” પ્રતાપના અવાજમાં કડવાશ હતી. ગાંધીસાહેબ તાજુબ્બીથી મારી સામે તાકી રહ્યા. “અરે પ્રતાપ.. કશીક ભૂલ થતી લાગે છે. આ સંજીવને તો હું ઓળખુ છું.”
“પણ પેલી એ તો આનું જ નામ એફ.આઈ.આર.માં લખાવ્યું છે.” પ્રતાપ રુક્ષ અવાજે બોલ્યો.
“આર યુ શ્યોર?” ગાંધીસાહેબે ઓફિસરની આંખમાં આંખ પરોવી.
“બીજો કોઈ સંજીવ છે તમારી કોલેજમાં?” પ્રતાપે મહેતાસાહેબને પૂછ્યું. એમણે નકારમાં માથું ધુણાવી ગાંધીસાહેબ સામે જોયું. “તો બસ... આ જ એ ગુનેગાર છે. અને હું એની ઘરપકડ કરવા જ આવ્યો છું.”
મારું માથું ભમવા માંડ્યું. બધા વિદ્યાર્થીઓ જોતા હોય તેમ કોલેજમાંથી મને હાથકડી પહેરાવી લઇ જવામાં આવે. પોલીસ જીપમાં મને પેલા બહાર ઊભેલા બે પોલીસવાળાની વચ્ચે બેસાડવામાં આવે. કદાચ મને માથે કપડું ઢાંકવામાં આવે. મારું માથું ચક્કર ફરવા માંડ્યું.
“શું આપની પાસે ધરપકડનો ઓર્ડર છે?” ગાંધીસાહેબે સામું પૂછ્યું. તરત જ ઉપરના ખિસ્સાના બટન ખોલી તેમાંથી એક સફેદ કાગળ પેલા ઓફિસરે કાઢ્યો અને ગાંધીસાહેબ સામે ધર્યો. ગાંધીસાહેબે કાગળ વાંચ્યો. તેઓના ચહેરા પર ચિંતા દેખાઈ.
બરોબર ત્યારે જ પ્યૂન ડોર ખોલી અંદર દાખલ થવા ગયો. એને રોકી પાડતા મહેતાસાહેબે બરાડો પાડ્યો. “ઊભો રહે... બહાર જા. અને કોઈને ગમે તે કામ હોય, હું ના કહું ત્યાં સુધી અંદર આવવા દેતો નહીં.” પ્યૂન ડરી ગયો. તરત જ બહાર જતો રહ્યો.
આખરે ગાંધીસાહેબે મૌન તોડ્યું. “પ્રતાપ.. હું આ સંજીવ ને ઓળખું છું. તેના પિતા એક સુબોધભાઈ જોશી મહાન રાજકારણી છે અને હું ગેરંટીથી કહી શકું એમ છું કે આ સંજીવ કદી આવું કરી શકે નહીં. આ કોઈ ગેરસમજ છે અથવા કાવતરું છે.”
“એ તો કોર્ટમાં નક્કી થાય સાહેબ. મારે તો આદેશનું પાલન કરવાનું છે. અત્યારે આને લઇ જાઉં. તેનું બયાન લખું અને કાલે સવારે તેને કોર્ટમાં રજૂ કરું એટલે મારી ફરજ પૂરી.”
ફરી કમરામાં સન્નાટો છવાયો. મહેતાસાહેબને બીક લાગી કે આખી વાત છાપામાં આવશે, ટીવી પર આવશે તો કોલેજની ભારે બદનામી થશે. તેઓનો ચહેરો રડમસ થઇ ગયો. મારી હાલત પણ કફોડી થઇ હતી. બધો મદાર પેલા સબ-ઇન્સ્પેકટર અને ગાંધીસાહેબ પર હતો.
“પ્રતાપ..” ગાંધીસાહેબે આખરે કૈંક નિર્ધાર કરી કહ્યું. “આપ સંજીવને લઇ જઈ શકો છો.” તેઓ અટક્યા. પણ આ વાક્યે મને ડરાવી મુક્યો. ત્યાં જ ગાંધીસાહેબે કહ્યું. “પણ એનાથી કોલેજ અને સંજીવની પણ બદનામી થશે. કોર્ટમાં સંજીવનો ગુનો સાબિત થાય એ પહેલા જ સંજીવ માટે જીવન સજા જેવું બની જશે. અને સમાજમાં એક બહુ જ ગંભીર મેસેજ જશે. એટલે.. એક જવાબદાર રાજનેતા તરીકે મારી તમને વિનંતી છે કે જો શક્ય હોય તો અહીં કશું જ ન કરીએ. તમે કહો ત્યાં હું પોતે સંજીવને લાવીશ અને આપણે સાચી વાત જાણીશું. જો સંજીવ ગુનેગાર હશે તો હું પોતે તેને સજા થાય તેવી અપીલ કરીશ. પણ અત્યારે મારું માન રાખો અને શક્ય હોય તો અહીં કશો તમાશો ન થાય તેવું કઈક કરો.”
પ્રતાપ એક ક્ષણ વિચારમાં પડ્યો. પછી બોલ્યો, “સાહેબ એ શક્ય નથી. આણે મારી સાથે અત્યારે આવવું જ પડશે.”
“પ્રતાપ...” ગાંધીસાહેબ વચ્ચે જ બોલી ઊઠ્યા. “તમારી આ જીદ યોગ્ય નથી. તમે મારુંય માન ન રાખો એ યોગ્ય નથી.”
“હું માત્ર કાયદાનું પાલન કરું છું.” પ્રતાપનો ચહેરો હજુ કડક જ હતો.
ફરી બે મિનીટ શાંતિ છવાઈ ગઈ. આખરે.. ગાંધીસાહેબે મને અને મહેતાસાહેબને બે મિનીટ માટે ઓફિસ બહાર જવા કહ્યું. અમે ગયા. થોડી વારે અમને પાછા બોલાવવામાં આવ્યા. ત્યારે પ્રતાપે માથા પર ટોપી પહેરી લીધી હતી અને કતરાતી આંખે મારી સામે જોઈ ગાંધીસાહેબને કહ્યું. “સાંજ સુધીમાં ફેંસલો કરી લેજો. નહિંતર સાંજે હું આને ભરબજારેથી લઇ જઈશ.” અને એ પગ પછાડતો ગયો.
એના ગયા પછી ગાંધીસાહેબે મારી સામે જોયું. હું લજ્જિત હતો. પણ મેં કશો ગુનો કર્યો ન હતો. મને તો હજુ કશી સમજ જ પડી ના હતી કે શું બબાલ હતી? ગાંધીસાહેબ મારી મુશ્કેલી સમજી ગયા. “બેટા.. આ રાજકારણ છે. તારા પિતા સુબોધભાઈ ઘણા લોકોને આંખમાં કણાની જેમ ખૂંચે છે. ખેર.. અત્યારે એમની તબિયત સારી નથી એટલે એમને આ વાતથી ડીસ્ટર્બ ના કરતો. હું સંભાળી લઈશ. તું સાંજે મારી ઓફિસે આવી જજે. જોઈએ શું થાય એમ છે.”
આટલી વાત એકધારી કરી ગૌતમ જરા અટક્યો. એણે જોયું કે સામેની દીવાલમાં તાકી રહેલા ગાંધીસાહેબ તેની વાતો સાંભળવામાં ખુબ જ ઊંડા ઉતરી ગયા હતા. ગાંધીસાહેબ પોતે આ ઘટનાઓમાં એક ભૂમિકામાં હતા. એટલે સ્વાભાવિક રીતે તેઓ આ બધું જ જાણતા હતા. છતાં જાણે કોઈ પાસે નવી જ વાત પહેલી જ વખત જાણતા હોય તેવી તન્મયતાથી તેઓ સાંભળી રહ્યા હતા. ગૌતમ સમજી ગયો. ગાંધીસાહેબ મારા શબ્દોમાં કૈંક શોધી રહ્યા છે. શું હશે એ? રાજનીતિમાં પોતાના કટ્ટર દુશ્મન ગણાતા સુબોધ જોશીના પુત્રને પણ પોતાનો કટ્ટર દુશ્મન ગણવો કે નહિ ? એ નક્કી કરવા માટે સંજીવમાં સુબોધ જોશીનો વૈચારિક અંશ છે કે નહિ તે શોધી રહ્યા હશે?
“કેમ અટક્યો ગૌતમ..” આખરે ગાંધીસાહેબની તંદ્રા તૂટી. એમણે ગૌતમ સામે જોયું. “મેં સંજીવને સાંજે ઓફિસે આવી જવા કહ્યું. પછી શું થયું?” એમણે વાતનો તંતુ સાધી આપ્યો એટલે ગૌતમે આગળ કહ્યું.
“સંજીવની આંખમાં આપના માટે શ્રદ્ધા ભાવ મેં જોયો. એણે કહ્યું કે ગૌતમ ભાઈ.. તમે નહીં માનો.. પણ હું એક ખતરનાક કાંડમાં ફસાઈ ગયો હતો. કાં ખરેખર ગોટાળો થયો હતો અને કાં પછી કોઈ કાવતરું હતું. પણ જે રીતે ઘટનાઓ બની એ રીતે જોતા. અમારો પરિવાર આખો સમાજમાં મોં દેખાડી ન શકે એવડી મોટી આફત આવી હતી. પણ ગાંધીસાહેબે મારા પિતાનો વિરોધ ભૂલીને જે રીતે ઘરમેળે મામલો સુલજાવ્યો અને મને સહી-સલામત જામનગર છોડી જવાની સવલત કરી આપી. એ દિવસથી ગાંધીસાહેબની છબી મારા દિલમાં કોતરાઈ ગઈ. ખાલી વાતો નહીં. ગાંધીસાહેબે મારા માટે પાંચ લાખ રૂપિયા પણ ત્યારે ખર્ચી નાખ્યા.”
“પાંચ લાખ?” મને આશ્ચર્ય થયું. “શાના પાંચ લાખ?”
“પેલો સબ-ઇન્સ્પેકટર એવા જડબેસલાક પુરાવાઓ ભેગા કરી લાવ્યો હતો કે ખુદ જજસાહેબ પણ કન્વીન્સ થઇ ગયા હતા. મને યાદ આવ્યું. એ ઇન્સ્પેકટર પ્રતાપ મારી જ કોલેજમાં એક અગત્યની પરીક્ષા આપવા આવ્યો હતો. તેના ક્લાસમાં મારું જ સુપર વિઝન હતું. અને મેં એને ચોરી કરવા નહોતી દીધી. એ દિવસે એણે મને ખૂબ ગાળો આપી હતી અને વખત આવ્યે જોઈ લેવાની ધમકી આપી હતી. અને આજે એ કુત્તાનો વખત આવ્યો હતો.” બોલતી વખતે સંજીવની આંખમાં થોડો ગુસ્સો દેખાયો. એણે ગૌતમ સામે જોઈ આગળ કહ્યું. “આતો તમે ગાંધીસાહેબના અંગત છો એટલે તમને વાત કરું. સબ-ઇન્સ્પેકટર પ્રતાપથી શરુ કરી છેક જજસાહેબ સુધીના સૌ કોઈને ગાંધીસાહેબે પોતાની રીતે જ સંભાળ્યા. ક્યાંક સબંધ વાપર્યો તો ક્યાંક રાજકારણ રમ્યા. પણ બધું જ છાને ખૂણે પતી ગયું. કુલ પચ્ચીસ લાખ રૂપિયા એ લોકોએ માંગ્યા. ગાંધીસાહેબે દબાવી-દબાવીને એ દસ લાખ કર્યા ત્યારે ગાંધીસાહેબ વિરોધપક્ષમાં હતા. છતાં તેમણે મારા પિતાની તબિયતને ધ્યાને લઇ પોતાની પાસે હતી એ બધી જ રકમ કાઢી તો પાંચ લાખ થયા. મેં ત્રણ-ચાર લાખનો બંદોબસ્ત કર્યો. કોલેજે પણ દોઢેક લાખ ખર્ચી નાખ્યા અને જજસાહેબે મને કેટલીક શરતોના આધારે છૂટો કર્યો. જેમાં મારે કોલેજમાં રાજીનામું આપી જામનગર છોડી જવાનું હતું.” સંજીવ ફરી અટક્યો. ઊંડો શ્વાસ લીધો અને કહ્યું. “એક તરફ બદનામી હતી. ગુનો સાબિત થાય એટલે નોકરી તો જવાની જ હતી અને બીજી તરફ કલંકિત જીવન હતું. પિતાની તબિયત સારી ન હતી એટલે બધો વિચાર કરી અમે એક દિવસ નક્કી કર્યો. તે દિવસે સવારે મારે જામનગર છોડી નીકળી જવાનું હતું. પણ આગલી રાત્રે જ ગાંધીસાહેબનો એક માણસ મારી પાસે આવ્યો અને મને કહ્યું કે પેલો પ્રતાપ આ સમાધાનથી ખુન્નસ ખાઈ ગયો છે. કાલ સવારે એ તને જામનગર છોડી જતો પકડીને પોતે અથવા કોઈ અન્યની મદદથી તને ખોખરો કરી નાખશે. માટે આજની અર્ધી રાત્રે જ ભાગીશ અને હું મારા માતા-પિતાને કહ્યા વિના એ રાત્રે ભાગી છૂટ્યો. અને એટલે જ હજુ જીવતો છું.” હવે સંજીવની આંખ સહેજ ભીની થઇ. “ગાંધીસાહેબને મારા પ્રણામ કહેજો.”
વાત પૂરી થયા પછી ઘણો સમય ગાંધીસાહેબ અને ગૌતમ ખામોશ બેસી રહ્યા.
ખાસ્સો સમય વીતી ગયો હતો. ગોપાળકાકા કમરામાં પ્રવેશ્યા. “સાહેબ .. બે વાગ્યા. જમવાનું તૈયાર થઇ ગયું છે. થાળી પીરસું?” કહ્યું ત્યારે બંને વર્તમાનમાં આવ્યા. “હા કાકા.. પીરસો.” ગાંધી સાહેબે કહ્યું અને પછી ગૌતમ સામે જોઈ બોલ્યા. “ગૌતમ.. તે આજ ખૂબ જ સારું કામ કરી આપ્યું. જમીને આરામ કરજે.” કહી તેઓ ઊભા થયા. એક જ વાત ગાંધીસાહેબને સતાવતી હતી. “સંજીવે આ આખી ઘટનાનું વર્ણન અત્યારે ગૌતમ સમક્ષ શા માટે કર્યું? શું એ સાવ ભોળો ભટાક હતો? કે પછી એની પાછળ સંજીવની કોઈ ગહેરી ચાલ હતી?”
===========