Partnership books and stories free download online pdf in Gujarati

પાર્ટનરશીપ

સાંજ નો સમય હતો અને આકાશના વિવિધ રંગો એને વધારે સુંદર બનાવી રહ્યા હતા. સામે ધીરે ધીરે ઘૂઘવતા દરિયા પરથી ઠંડો પવન લહેરાઈ રહ્યો હતો.

"જો પેલું આકાશ આજે વધારે ઊંડું ઉતરી ગયું છે, દરિયો થોડો વધારે ગર્ભમાં વિસ્તર્યો છે હને?. તને શું લાગે છે?" સંજય એ ક્ષિતિજ સામે ઝીણી આંખે જોતા જોતા કહ્યું. ઇશાએ કહ્યું "ઠંડી".

સંજય એ ઈશા તરફ તિરસ્કાર ભરેલી નજરે જોતા કહ્યું, તારા જેવી છોકરીને મારી સાથે ઠંડી ના લાગવી જોઈએ. I am hot you know.

ઈશા એ કહ્યું બવ સારું, જઈએ? મને સાચે જ બવ ઠંડી લાગી રહી છે સંજય.

મરીન ડ્રાઇવની પાળી એથી નીચે ઉતરીને સંજયએ પોતાનો હાથ ઈશા તરફ લંબાવ્યો. ઇશા હાથ પકડીને સ્મિત સાથે નીચે ઉતારતાં બોલી, મને ખબર છે તારે તો આજે અહીંયા રાતે 8 સુધી બેસવું હતું પણ મને નોતી ખબર કે શિયાળાની શરુવાતમાં જ આટલી ઠંડી શરૂ થઈ જશે. સંજય કંઈ પણ બોલ્યા વગર ચર્ચગેટ તરફ ચાલવા લાગ્યો.

સંજય અને ઈશાને મરીન ડ્રાઈવની પાળ પર બેસીને ગપ્પા મારવા બહું ગમે. જ્યારે પણ એ લોકોનું સાઉથ મુંબઈમાં આવવાનું થાય ત્યારે બંને અચૂક મરીન ડ્રાઈવની પાળ પર બેસીને કલાકો ના કલાકો સુધી ગાપાટા મારે. આજે પણ સંજયની ઈચ્છા તો રાતના 8 વાગ્યા સુધી બેસવાની હતી. પણ ઈશાનો હુકમ થાય એટલે મને કમને પણ સંજય માની જ લેય.

સંજય થોડી ઉતાવળથી ચર્ચગેટ સ્ટેશન તરફ ચાલવા લાગ્યો. ઇશાએ તરત ટોક્યો...

ઈશા- બોલશે કાંઈ? કે ચાલ્યા જ કરશે?

સંજય- તને તો ફિજમાં પાણી લેવા જતાં પણ ઠંડી લાગતી હશે. Right?

ઈશા- નો. નથી લાગતી. મને ખબર છે તને ગુસ્સો આવ્યો છે. પણ આપણે થાકી પણ ગયા છે. એ તું કેમ નથી જોતો.

સંજય એ ઈશા તરફ ગુસ્સામાં જોયું.

ઈશા- સોરી, હું થાકી ગઈ છું એટલે હવે ઘરે જવું છે. બસ. બીજું મને કંઈ નથી ખબર. આજે બેકસ્ટેજમાં બવ વધારે કામ હતું. આખે આખો રવિવાર ગયો કામમાં.

સંજય- ઓકે. ઘરે જ જઇ રહ્યા છીએ ને.

સંજય કશું પણ બોલ્યા વિના ચાલ્યા કરતો હતો. ઈશા સામે જોઈ પણ નહતો રહ્યો. ઈશાને આજે સવારથી જ સંજયના મગજમાં કઈ ગડમથલ ચાલી રહી છે એ જાણવું હતું પણ એની ઈચ્છા હતી કે સંજય એને સામેથી કહે. પણ સ્ટેશન સુધી પહોચવા આવ્યા હતા અને સંજય ચાલ્યો જતો હતો. એટલે ઇશાએ એને રોકીને પુછ્યું, શુ થયું છે આજે તને?

સંજય ચોંકી ને અટકી ગયો. શુ થયું છે મને એટલે.?

ઈશા - 7 વરસથી આપણે પાર્ટનર છીએ. તારા ચહેરાના હાવભાવ થી સમજાઈ જ જાય કે તું આજે સવારથી કોઈક વિચારમાં છે. શુ થયું છે, કે મને.

સંજય થોડો શાંત પડી ગયો. સવારે વિચારીને જ આવેલો કે આજે ઈશાને પોતાના મનની વાત કહી જ દેશે. પણ ઈશાને લાગતી ઠંડીના કારણે થયેલા મૂડ ઓફ ની મહેરબાની કે એને કહેવાનું ટાળી દીધું પણ ઇશા એ સામેથી પૂછતાં સંજય શુ ઉત્તર આપવો એ વિચારવા લાગ્યો.

સંજય- કાંઈ નથી વિચારી રહયો. ઘરે જવું છે બસ. બીજું કાંઈ નહીં.

ઈશા- શુ વિચારે છે સવારથી એટલું કહી દે. પછી જઈએ. એમ પણ હજી 8 નથી વાગ્યા. ઈશા આંખ મિચકારીને મરક મરક હસી.

સંજય- વાત કહેવાનો મૂડ તો જતો રહ્યો. એ મૂડ ત્યાં જ બેઠો છે. મરીન ડ્રાઈવની પાળ ઉપર. અને હું અહીંયા ચર્ચગેટ પર આવી ગયો. કેવી રીતે વાત કરીશ હવે.?

ઈશા- પાછા જઈએ? ઈશા ફરી હસી.

સંજય- ના. ચાલશે. સંજયનો અવાજ પીગળી રહ્યો હોય એવો થઈ ગયો. થોડો સંકોચાઈ પણ ગયો. લજામણીના છોડની જેમ.

ઈશાને ખબર હતી કે સંજય એને ચાહે છે. પણ કહી શકવાની હિંમત નથી. ઈશા રોજ એવું વિચારતી કે સંજય આજે એને પ્રોપોસ કરી દે તો એ સામે શું કહેશે. ક્યારેક ઘરે અરીસા સામે સંજય પ્રપોઝ કરે તો શું ઉત્તર આપવો એનું રિહર્સલ પણ કરે.

ઈશા અને સંજય. બાળપણમાં એક પૂંઠા માંથી વર્તુળથી બે સરખા માપ નાં ગોળાકાર બને, એવાં હતા. બંનેને એકબીજા સાથે બહું ફાવે.

બંનેની પાર્ટનરશીપ પણ બવ સરસ ચાલી રહી હતી. બન્નેનું સરખું રોકાણ અને સરખી મનેનત અને નફો પણ સરખે ભાગે વહેચી લેવાનો. અને નફામાંથી નવું રોકાણ કરવાનું. સાત વરસમાં આમ કરતાં કરતાં બંને પાસે મળીને ૨૫ લાખ સુધીનો સામાન છે. નાટકના હોલમાં લાગતી લાઇટ્સ, સાઉંડ સિસ્ટ્મ અને વિવિધ કોસ્ટ્યુમ્સ. આ બધું ભાડે આપવાનું સાથે સાથે નોકરી પણ કરવાની. અને અઠ્વાડીયે એક વાર તો પાકુ મળવાનું જ. ક્યારેક તો રોજ મળવાનું થાય. બંનેના ધરની પરિસ્થિતિ સાધારણ એટલે કેટલી વીસે સો થાય એની શિખામણ આપવાની બંનેને જરુર નહીં, આમ જોઇએ તો બંને એક બીજા થી સાવ અલગ પણ બંને એકબિજા ના સાવ પુરક. ઇશાને સંજય ગમતો. મિત્ર કરતાં પણ વધારે. ઈશા પોતાને સંજય સાથે સેફ છે એમ કાયમ મહેસુસ કરતી. "તું ના હોત તું મારુ શું થાત સંજય" એવું વારે વારે બોલીને સંજયને ગુસ્સે કરવાની ઈશાને બહું મજા પડતી. સંજય આમ બધી વાતો ઈશાને આસાની થી કહી દેતો. પણ આજે સંજયનું મગજ ચકડોળે ચડ્યું હતું એ ઈશા સવારથી જોઈ રહી હતી અને ઇશાને એ જાણવાની ખુબ ઉતાવળ હતી કે સંજયના મગજમાં શુ ચાલી રહ્યું છે.

ઇશાએ સંજયનો હાથ પકડીને કહ્યું.

ઇશા- એમ ચાલશે કહીને અટકી નહીં જા. મને કહે તું આજે આખો દિવસ શું વિચારી રહ્યો છે. I am sure. કંઇક તો વાત જરુર છે.

સંજય- વાત છે. એ પણ ખાસ વાત છે. ખબર નહી કેવી રીતે શરુવાત કરુ.!

ઇશા- ત્યાં સામેની ટપરી પર ચાની ચુસકી લઇને શરુવાત કર. એક્દમ કડક શરુવાત થશે.

ત્યાં જ ઇશાનો ફોન રણક્યો. ઈશાએ સાંભળ્યું નહીં સાંભળ્યું કરીને, પછી ફોન કરું કહીને ચાની લારી તરફ સંજય સાથે ચાલવા લાગી.

બન્ને સાથે ચાની લારી એ પહોચ્યાં. અને ઈશા સંજયની આંખોમાં આંખ પરોવીને ઉભી રહી.

સંજય- ઇશા, હું ઘણા સમયથી આ વાત તને કહેવા માંગતો હતો. પણ છેલ્લાં બે ત્રણ મહિનાથી મને રોજ આ વાત કરવાનું મન થાય પણ હિંમત ના કરી શકું.

ઇશા ને વાત કઈ દિશામાં જઇ રહી છે એનો અણસાર આવી ગયો. એણે સંજયની આંખો માં જોયા કર્યુ, ઈશાને જે વાત સાંભળવાની ઈચ્છા છેલ્લા 4 વર્ષથી હતી એ વાત સંજય એને હમણાં કહેશે એ વાતનો વિચાર કરીને ઇશાના શરીરમાં રોમાંચ સાથે કંપારી છૂટી ગઈ. સંજયના અવાજથી ઈશાના વિચારોના ઘોડા થંભી ગયા.

સંજય-ઈશા...

સંજય થોડો અચકાયો.. પણ પછી હિંમત કરીને ફરીથી બોલવાની શરૂઆત કરી.

સંજય- ઇશા મને ખબર છે આપણે બન્ને સરખી ઉંમરના છિએ અને આપણી જરુરીયાતો ઓછી પણ સરખી જ છે. પણ જવાબદારીનો બોજો તારા માથે વધારે છે. એટલે હું તને એમ કહી રહ્યો છું કે આજથી નફાના ૮૦% તું રાખશે અને ૨૦% હું રાખિશ. તારા પપ્પાની બિમારીનો ઇલાજ આના કારણે સહેલાઇથી થઇ શકશે. મને તારાં માટે આટલું કરવું છે તો પ્લીઝ ના નહીં કહેતી.

ઇશા વિસ્મય ભરેલા ચહેરા સાથે બધું સાંભળી રહી. અને બોલી

ઈશા- સંજય આ ખોટું છે. હું આનું વળતર ક્યારેય નહીં ચૂકવી શકીશ.

સંજય આગળ બોલ્યો...

પણ ઇશા આની સામે મેં કોઈ વળતર માગ્યું જ નથી. મને ફક્ત તારા સંગાથની જરૂર પડશે... તારા આલીંગનમાં અગણિત રાતો વિતાવવી છે મારે...મારે તને પ્રેમ કરવો છે. હું તુટી જાઉં ત્યાં સુધી. ...તારો પ્રેમ પામવો છે. તારા પ્રત્યેના પ્રેમની લાગણી....

ઇશાની આંખો ગુસ્સામાં લાલ ચોળ થઇ ગઈ. અને સંજય કઈ આગળ બોલે એ પહેલા જ ઇશાએ સંજયને ચાની લારી પર બધાની સામે જ તમાચો ચોડી દિધો. સંજય કઇ સમજી જ નહી શક્યો.

ઇશા એ ચિસ પાડી- How dare You!

આજ પછી મારી સાથે વાત કરવાનો પ્રયત્ન નહી કરતો, તારુ મગજ આટલી હદ સુધીની હલકી વ્રુત્તીનુ હશે એની મને ખબર હોતે તો તારી સાથે partnership તો દુરની વાત છે પણ વાત સુદ્ધા ન કરત. Its all over. you have spoiled it. તારા જેવા શરીરના ભુખ્યા માણસ સાથે મારો કોઇ જાતનો સબંધ હતો એનો અફસોસ મને જીવનભર રહેશે.

આટલું બોલીને ઇશા સડસડાટ નીકળી ગઇ. ઇશાની આંખોમાં ગુસ્સો હતો અને સાથે આંસુ પણ. એને દુખ પણ હતું કે સંજયને એ હવે ક્યારેય નહીં મળી શકે.

સંજય દોડ્યો અને ઇશાને બુમો પાડી "ઈશા, તું મારી વાત તો સાંભળ તું કાંઈ ખોટું સમજી રહી છે.

પણ ઇશાએ ભાગીને ચાલુ ટ્રેન પકડી લીધી. પાછળ વળીને જોયું પણ નહીં.

સંજય અવાક બનીને સ્ટેશન પર જ ઉભો રહ્યો. આંખમાંથી એક આંસુ એના ગાલ પર આવીને થીજી ગયું. સંજયને સમજાયું કે એની રજુવાત ખોટી થઈ ગઈ. સંજયના લગ્નના પ્રસ્તાવને સાંભળ્યા વગર જ ઇશા એનો જુદો અર્થ લઇને એના જીવનમાંથી હંમેશા માટે જતી રહેશે એનો એને જરા પણ અંદાજ નહતો. સંજયે તરત મોબાઈલ કાઢીને ઈશાને ફોન કર્યો. ઇશાએ ફોન કટ કરી દીધો. ફરીથી ફોન કર્યો તો ફોન સ્વીચ ઓફ આવ્યો. સંજય ટ્રેનને દુર સુધી જતાં જોઈ રહ્યો.

સપનામાંથી સંજય ચમકીને ઉઠી ગયો. કપાળ પર પરસેવો વળી ગયેલો. સવારના સાડા સાત થયા હતાં. આ વાતને છ મહિનાં વિતી ગયાં છતાં પણ એને આ સ્વપ્ન વારંવાર આવ્યા કરતું.

સંજય રાવળ. દિલથી અને દિમાગથી બંનેથી પાક્કો ગુજરાતી. ધર્મથી બ્રાહ્મણ પણ ઇંડાના ઓમલેટનો શોખીન. પણ કોઈપણ જાતનું વ્યસન નહીં. મુલુંડ માં 1bhk ના ફેલટમાં એકલો જ રહે. માબાપ બંને સંજયના ગ્રેજ્યુએશનના દિવસે જ રોડ એક્સિડન્ટમાં ગુજરી ગયા. સંજયની નવજુવાનીના 21 વરસનાં સપના એક ટ્રકના પૈડાં નીચે હાઇવે પર આસાનીથી કચડાઈ ગયા. એને દિલ ખોલીને રડાવનો મોકો પણ નહીં મળ્યો. કોની પાસે રડે. એનું કોઈ હતું પણ નહીં. ગરીબનું કોણ હોય. લોકો પાસેથી ઉછીના પૈસા લઈને અંતિમક્રિયા પતાવી. અને ચાલીના ઘરની કેટલીક વસ્તુઓ વેચી નાખી લોકોના પૈસા ચૂકવી દીધા. ભૂલેશ્વરના એક મકાનમાં ચાલીની 10 બાય 10ની રૂમ સિવાય એના માતા પિતા તરફથી વારસામાં કાંઈ નહીં મળ્યું. નોકરી શોધવાના ઘણા પ્રયત્નો કર્યા પણ બીકોમ છોકરાને કોઈ નોકરી પર રાખવા તૈયાર ના થાય. કોઈ જોબ મળે તો સેલ્સમેનની મળે. સેલ્સમેનની જોબમાં સંજયના પિતાનું આખું જીવન વીતી ગયુ હતું. એ બધા જ સેલ્સમેનને ઘણા આદરના ભાવ સાથે જોતો. પણ પિતા જેવું બનીને ફરીથી એમની યાદમાં ઢીલા પડી જતા સંજયને સેલ્સમેન બનવું મંજુર નહતું. અંતે એક દૂરના સગા ની ઓળખાણથી પીઉન ની નોકરી મળી. B.Com. ની ડિગ્રી એણે ફ્રેમ કરાવી પણ એના માબાપના ફોટાની પાછળની જગ્યા એ. જેથી એના ગ્રેજ્યુએશનનો અને માબાપનો ગુજરી ગયા નો સંયોગ હંમેશા બનેલો રહે.

પ્રાઇવેટ કંપનીમાં એની કામગીરી, ધગશ અને આવડત જોઈને એને ઓફિસનું ઘણું કામ મળવા લાગ્યું. અને Executive સુધી પહોંચતા સંજય 24 વર્ષની ઉંમરે ઠેકાણે પડ્યો. લોનના હફતા ભરી શકવાને લાયક થયો એટલે પોતાનું ભૂલેશ્વરનું ઘર વેચીને નવું 1બીએચકેનું ઘર ખરીદ્યું અને સાથે સાથે એક મિત્રની મદદ અને શિખામણથી રૂ 25000ની ફોટોગ્રાફર ની લાઇટ્સ પણ ખરીદી.પોતાના ઘરે સામાન રહે એટલી પૂરતી જગ્યા હતી જ એટલે એને કોઈપણ વધારે વિચાર કર્યા વગર પોતાના જીવનનું પહેલું રોકાણ કર્યું.

એક વાર એની મુલાકાત એની જ કોલેજની, પણ બીએ માં ભણતી ઈશા મનહર જોશી સાથે નાટક દરમ્યાન થઈ. ઈશાએ સંજયને કોલેજમાં કલચરલ પ્રોગ્રામમાં ભાગ લેતા જોયો હતો. ઈશાને એ પણ જાણ હતી કે સંજય એક મિડલ કલાસ ફેમિલીમાં મોટો થયો છે. સંજયને પહેલી હરોળમાં બેસેલો જોઈને ઈશા એનાથી ઈમ્પ્રેસ થઈ ગઈ હતી. કે સંજય જેવા સામાન્ય છોકરાએ પહેલી હરોળની મોંઘી ટિકિટ ખરીદી શકે એટલી પ્રગતિ કરી લીધી. ઈશાની ટિકિટ પણ સંજયની બે સીટ છોડીને હતી એટલે ઈન્ટરવલમાં વાતો શરૂ થઈ. સંજય એ પહેલાં જ ફોડ પાડી ને કહી દીધું હતું કે ટિકિટ એણે ખરીદી નથી પણ નાટકમાં સ્ટેજ પર ની લાઇટ્સ એના મિત્રની છે. એટલે ફ્રીમાં મળી છે. ઈશાને સંજયની નિખાલસતા ગમી એટલે ઇશાએ પણ કહી દીધું કે એની કંપની ના બોસ ના આવી શક્યા એટલે એ એકલી આવી છે અને એની બાજુની સીટ ખાલી જ છે. જેની ટિકિટ પણ એની પાસે જ છે. બંને હસી પડ્યાં. એ દિવસે બંને બવ હસ્યાં. અને બંને એ એકબીજાને મળ્યા એની ખુશી વ્યક્ત કરીને ફોન નંબરની આપ કે કરી. પાછા મળીશું એવાં વચન સાથે.

સંજય અને ઈશાની ઓફિસ અંધેરી લોખંડવાળા વિસ્તારમાં જ હતી. એટલે બંનેનું અવારનવાર મળવાનું થવા લાગ્યું. ઈશા મનહર જોશી, સ્વભાવે શાંત અને ઠરેલ છોકરી. ઈશાને એના પિતા પ્રત્યે વિશેષ પ્રેમ. કોઈ એનું નામ પૂછે તો ફક્ત ઈશા ના કહેતા પૂરું નામ ઈશા મનહર જોશી એમ જ કહે. પોતાની જવાબદારીનું પૂરેપૂરું ભાન અને એને ઉઠાવી જાણવાની આવડત પણ ખરી. ઈશાને ઘણું બોલવા જોઈએ પણ

બહું ઓછા જણાં સાથે બોલે. સંજય એમાં નો એક જેને ઈશાની બધીજ વાતો સાંભળવી પડતી. પણ ક્યારેય એને કંટાળો ના આવે. ઘરે સંજયની રાહ જોવા વાળું કોઈ નહતું અને ઈશાને સાંભળવા વાળું. એટલે બન્ને ને એકબીજા સાથે ફાવી ગયું. ઈશાના પપ્પા મનહરભાઈ ક્યારેક પથારીમાં પડ્યા પડ્યા ચિંતા કરતાં કે મારી દીકરીનું ભાગ્ય ક્યારે સુધરશે. ક્યારે એ દુનિયાની બીજી દીકરીઓની જેમ હરશે ફરશે. ક્યારે એની સંભાળ રાખવાવાળું કોઇ એને મળશે. ઇશાના પિતા મનહરભાઈને કેન્સર થયાં ની જાણ થતાં જ કંપની એ વીઆરએસ અપાવી દીધું. પીએફમાં મળેલી રકમને ઇશાના લગ્ન માટે સાચવી રાખીને એફડી કરાવી દીધી. પણ વ્યાજના પૈસે ઘર ચાલે એવું નહોતું એટલે ઈશાએ ટ્યૂશન કરાવ્યા સીવણકામ કર્યું અને અંતે એક પ્રાઇવેટ કંપનીમાં ઓપરેટરની જોબ શરૂ કરી. સંજય ઈશાની સ્થિતી થી અજાણ નહતો. પણ એના સ્વમાનને ઠેસ ના પહોંચે અને એની કમાણી થઈ શકે એટલે એણે ઈશાને થોડા રૂપિયા નું રોકાણ કરવાની વાત કરી. પણ ઈશાને વાત ગળે નહીં ઉતરી. રોકાણ કરવાના પૈસા ઈશા પાસે નહોતા અને સંજય પર આટલો જલ્દી ભરોસો કરવો એને યોગ્ય ના લાગ્યો એટલે ઇશાએ સંજયને પોતાના પૈસાનું રોકાણ કરવાની ના પાડી દીધી.

એક દિવસ અચાનક ઇશાના પિતાની તબિયત ખરાબ થઈ ગઈ અને રાતોરાત હોસ્પિટલ લઇ જવા પડ્યા ત્યારે સંજયે ઇશાના હાથમાં પાછા ના લેવાની શરતે 1 લાખ રૂપિયા રોકડા મૂકી દીધા. ઈશા અવાક બની ગઈ હતી. પરિસ્થિતિ વિકટ હતી પણ પૈસા વગર છૂટકો ના હતો. એટલે ઇશાએ પૈસા રાખી લીધા. ઇશાના પપ્પાની તબિયત સ્થિર થતાં એમને ઘરે લઈ જવાની પરવાનગી આપી. પણ તેના પિતા ત્યાર પછી પથારીવશ જ રહેશે એ વાત પણ ઇશા એ પોતાને સમજાવી દીધી હતી. એ દિવસે પહેલી વાર સંજયે ઈશાને રડતા જોયી. એ રાતે સંજય સુઈ ના શક્યો અને બીજા દિવસે સવારે ઈશાને મળીને જણાવી દીધું કે તારે મને હવે 25000 રૂપિયા આપવાના છે. મેં તારા વતી 50000 નું રોકાણ 6 મહિના પહેલા કરી દીધું હતું. જેનું વળતર અત્યાર સુધી માં 125000 થયું હતું. જેમાંથી મેં તને 100000 તારા પિતાના ઈલાજ માટે ચૂકવ્યા. 25000નો નફો બાદ કરીએ તો હવે મારે તારી પાસે 25000 લેવાના નીકળે છે. કરવી છે પાર્ટનરશીપ 50:50?

સંજય એક શ્વાસે બધું ગોખેલું બોલી ગયો.

ઈશાને ખબર હતી કે 6 મહિનામાં આટલો નફો થતો હોય તો સંજયનું જીવન સંઘર્ષ ભરેલું ના હોત. ઇશાએ સંજયને ખોટું બોલતા જોયો નહતો. પણ આજે એ ખોટું બોલી રહ્યો હતો એ સ્પષ્ટપણે દેખાતું હતું. પણ એ સમયે ન જાણે કેમ ઇશાએ દરેક વખતની જેમ દિમાગથી નિર્ણય લેવા કરતાં દિલ થી નિર્ણય લીધો. કોઈ પણ સવાલ જવાબ વગર સંજયના હાથ માં 5000 લાવીને મૂકી દીધા અને કહ્યુ બાકી ના આવતા અઠવાડિયે આપીશ તો ચાલશે ને.?

સંજય એ સસ્મિત પૈસા સ્વીકારી લીધા. અને શરૂવાત થઈ એક સફળ ચપળ અને પ્રેમભરેલી પાર્ટનરશીપની.

સમય એનું કામ કરી રહ્યો હતો. સંજય એ પોતાની જે સઘળી બચત અને મિત્રો પાસે કરેલી ઉધારી કરીને જે રૂપિયા ઇશાના પિતાના ઈલાજ માટે આપ્યા હતા તે ઉપરાંત 200000 રૂપિયા સંજય અને ઈશા પાસે મળી ને ભેગા થઈ ગયા હતા એ પણ ફક્ત 2 વર્ષના ટૂંક સમયમાં. ઈશા અને સંજય નોકરીની સાથે સાથે પોતાના કાર્યમાં વ્યસ્ત રહેવા લાગ્યા એટલે એમણે કામ સાંભળવા માટે એક અજય નામના 18 વર્ષના છોકરાને રાખી લીધો. જે એમનું સઘળું ભાડે આપવાનું કામ સાંભળતો. એના પગારની ચુકવણી સંજય જ કરતો. ઈશા ક્યારેક ગુસ્સો કરતી. તો કહેતો તું તારા પપ્પા નું જો. હું બીજું બધું જોઇશ. અને ઈશા કાંઈ નહીં બોલતી.

બંનેનો બિઝનેસ 5 વરસમાં કરેલી મહેનતના કારણે સરસ જામી ગયો હતો. અજય બધું બરાબર સાંભળી લેતો. કામ કરવા બીજા છોકરાઓ પણ એક દિવસના પગાર માટે મળી જતા. બન્ને ની મહેનત રંગ લાવી રહી હતી. સંજય પણ નોકરીના કામમાં વ્યસ્ત રહેતો. બહારગામ જવાનું પણ થતું. એક પીઉન ને કોઈ મેનેજર બનાવી દે એ સામેવાળા વ્યક્તિમાં આવડત હોય ત્યારે જ શક્ય હોય.

ઈશા મનોમન સંજયને ચાહવા લાગી. સંજયને પોતે પ્રેમ કરે છે એ કઈ રીતે કહેશે એ વિચારવા લાગી પણ સંજય પોતાને ચાહે છે કે નહીં એની ખાતરી કર્યા વગર સંજયને પોતાના મનની વાત કહી ને સંજયને અણગમતી પરિસ્થિતિ માં નહોતી મુકવા માંગતી. સંજય પણ ઈશાને ચાહતો પણ ક્યારેય કહેવાની હિંમત જ ન કરી શકતો. દેખાવે સાધારણ હોવાથી સંજયને થતું કે હું ઈશાને ફક્ત ચાહી શકું. પણ એને પામી ના શકું. ઈશા દેખાવડી છે એટલે એને તો પોતાના કરતા સારો છોકરો મળી શકે છે. પોતાનું જીવન જેવું સંઘર્ષમય છે એવું જીવન એ ઈશાને આપવા નહોતો માંગતો. ઈશા ને અત્યારથી જ ઘણી જવાબદારીઓ છે. તો હજી એનું જીવન કેમ કરી ને વધારે અઘરું બનાવું. આવા ને આવા વિચારો કરીને સંજય હંમેશા પોતે ઈશાને આજે એને પ્રેમ કરે છે એ જણાવી જ દેશે એવા મક્કમ નિર્ણયો કર્યા બાદ પણ કાંઈ બોલી નહીં શકતો. સંજય ઈશાને હરહાલમાં ખુશ જોવા માંગતો હતો. અને ઈશા સંજયને ખુશ જોવા માંગતી હતી.

ઈશાને પોતાની જિંદગી માંથી કોઈ અણસમજના કારણે જવા દેવી એ સંજયને મંજુર ન હતું. પોતે શુ કહેવા માંગતો હતો એ જાણ કરવું ખૂબ જરૂરી હતું. એટલે બીજા જ દિવસે સવારે સંજય ઇશાના ઘરે ગયો. સંજય એ ડોરબેલ મારી. ઈશા એ દરવાજો ખોલ્યો. જોયું તો સામે સંજય ઉભો હતો.. ઇશાએ તરત દરવાજો બંધ કરી દીધો.

ઈશા ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી. દરવાજાના ટેકે ઉભા ઉભા જ ઈશા ત્યાં જ બેભાન થઈને ફસડાઈ પડી. બહાર ઉભેલા સંજયને કશુંક અજુગતું ઘડ્યાનો અંદાજ આવી ગયો. સંજયે સામે ના ઘરે રહેતા વર્ષો જુના પાડોશી વિમલામાસી પાસેથી ઇશાના મેઈનડૉર ની ચાવી લઈને ઘર ખોલ્યું. વિમલામાસી ઇશાના પપ્પાની દેખરેખ કરતા. અને ઈશાને પોતાની સગી દીકરી જ ગણતા. વિમાલામાસી દોડીને પાણી ભરેલું ગ્લાસ લાઇ આવ્યા. સંજય એ ઇશાને પાણી છાંટી ને ભાન મા લાવી. ભાનમાં આવતાની સાથે જ ઇશાએ સંજયને ઘરેથી નીકળી જવા કહ્યું. સંજયની કોઈપણ વાત સાંભળ્યા વગર ઇશાએ બાથરૂમમાં જઈને દરવાજો બંધ કરી દીધો. ઇશાના પિતાને અને વિમાળામાસીને ખબર પડે તો વધારે દુઃખી થાય એ આશયથી સંજય ત્યાંથી ચૂપચાપ નીકળી ગયો.

એ દિવસ પછી સંજય ઈશાને રોજ સાંજે એક મેસેજ મોકલતો. મળીએ? પણ એનો ઉત્તર નહીં મળતો. સંજયનું જીવન આમ જ ગુજરી રહ્યું હતું. રોજ સાંજે સંજય ઇશાના ઘરના પાસે જઈને એના આવવાની રાહ જોતો ઉભો રહે. ઈશાને ઘરે જતા જોય એના પછી પોતે ઘરે જાય. નિયમિત પણે સંજય ઇશાના ભાગનો નફો એના બેન્કના એકાઉન્ટમાં જમા કરાવી દેતો. સંજય પોતાનાથી થતી દરેક કોશિશ કરતો કે જેના થકી ઈશા ને જીવન માં કોઈ તકલીફ ના થાય. સમય આમ જ વીતી ગયો.

આજે સવારે ચમકીને ઉઠી ગયેલા સંજયે મગજમાં ગાંઠ વળી લીધી હતી. કે આજે સાંજે ઈશાને એના ઘરે જતાં ફક્ત જોશે નહીં પણ હાથ પકડીને સીધો લગ્નનો પ્રસ્તાવ મુકશે. સંજય છેલ્લા છ મહિનાથી ચાલતા ઈશા સાથેના તણાવ ના કારણે કોઈ પણ કામમાં વ્યવસ્થિત ધ્યાન આપી શકતો નહીં. આટલા સમયમાં એનું વજન પણ દસ કિલો ઉતરી ગયું હતું. સાંજ પડી કે સંજય રોજ ના નિયમ પ્રમાણે ઇશાના ઘરની સામેની ગલી માં ઉભો રહ્યો. ઇશાના પસાર થવાનો સમય થયો હતો. પણ ઈશા ત્યાં હજી આવી નહોતી. ત્યાં ઉભા ઉભા સંજયને એક કલાક વીતી ગયો. સંજયે ઇશાના ઘરે જવાનો વિચાર કર્યો. ઘરે જઈને જોયું તો ઘરે તાળું હતું. વિમલામાસી પાસેથી જાણ થઈ તો ખબર પડી કે ઇશાના પપ્પાની તબિયત અચાનક બગડી જતાં ઈશા એના પપ્પાને હોસ્પિટલમાં દાખલ કરવા લઇ ગઈ છે. સંજય તરત જ હોસ્પિટલ પહોંચ્યો. નીચે inquiry કાઉન્ટર પરથી ખબર પડી કે ઇશાના પપ્પાની તબિયત નાજુક હતી. ICUમાં ભરતી કરવામાં આવ્યા હતાં. સંજયે દૂરથી ઈશાને આવતા જોઈ એ છુપાઈ ગયો. ઈશા બીલિંગ ડેસ્ક પર આવીને પૂછપરછ કરવા લાગી.

ઈશા- આટલા રૂપિયા હું ક્યાંથી લાવું સાહેબ. મારી પાસે તરત 150000ની સગવડ થાય એવું નથી.

સાહેબ- બેન, અમારા હોસ્પિટલની પોલિસી પ્રમાણે તમારે ઓપરેશન પહેલા પૈસા ભરવા જ પડશે. નહીં તો ડોકટર પેશન્ટને ઓપરેટ નહીં કરે. સોરી.

ઈશા (રડમસ અવાજમાં)- મારા પપ્પાની જિંદગીનો સવાલ છે સાહેબ. મહેરબાની કરીને કાંઈ રસ્તો કાઢો. અત્યારે મારી પાસે ફક્ત 50000 છે. હું થોડાં જ દિવસોમાં બાકીના પૈસા જમા કરાવી દઈશ. પ્લીઝ હેલ્પમી સર.

ત્યાંજ એક નર્સ આવી અને ઈશાને કાનમાં કાંઈ કહીને ચાલવા લાગી. ઈશા ભાગી. ICU તરફ. સંજય એની પાછળ પાછળ પહોંચ્યો. ત્યાં જતા ખબર પડી કે ઇશાના પપ્પાનું અવસાન થયું છે. હાર્ટ એટેક ના કારણે ઈશાના પપ્પા ઈશાને હંમેશ માટે એકલી છોડીને જતાં રહ્યાં. ઇશાએ એકપછી એક બધી જરુરી કાર્યવાહી કરીને ચક્ષુદાન, ત્વચાદાન અને ઓર્ગન ડોનેશન માટે પોતાના પિતાની બોડી હોસ્પિટલને દાનમાં આપી દીધી. ઇશા પૈસા ભરવા માટે રાતના 3 વાગે હોસ્પિટલના બીલ કાઉંન્ટર પર આવી. ત્યાં એને જાણ થઇ કે હોસ્પિટલનું બિલ ભરાઈ ગયું હતું અને એની રસીદ ઈશાએ કાઇન્ટર પરથી લઇ લેવાની હતી. નામ પુછ્યું તો કહ્યું તમારા કોઇ રિલેટીવ હતાં. ઇશાનું પોતાનું કહી શકાય એવું કોઇ સ્વજન નહતું. ઇશા એ કોઇને જણાવ્યું સુધ્ધા નહતું. સંજય એની સાથે હોતે તો એણે બિલ ભરી લિધું હોતે. એવો વિચાર આવ્યો કે તરત ઇશા ફરીથી બીલ કાઉંન્ટર પર આવી. પોતાના ફોન પરનો વોલપેપરનો ફોટો બતાવીને ખાત્રી કરવા માટે બીલ કાઉંન્ટર પર પુછયું "બિલ ભરવા આ વ્યકિત આવ્યાં હતાં". બીલ કાઉંન્ટર પર બેસેલી મહિલાએ હકારમાં માથું હલાવ્યું કે તરત ઇશા રડવા લાગી. ઇશાએ તરત સંજયને ફોન કર્યો. ઇશાને સંજયના ફોનની રીગટૉન સંભળાઇ રહી હતી. ઇશા આજુબાજુ જોતાં સંજયને શોધવા લાગી. સંજય સાંજથી અત્યારે મધરાત સુધી ઇશાથી છુપાઇને એની પાસે ને સાથે જ હતો. સંજય ઇશા તરફ ચાલવા લાગ્યો. ઇશાએ પાછળથી સંભળાતી રીંગટોનની દિશામાં જોયું. સંજય ઇશાની સામે ઉભેલો હતો.

ઇશાએ સંજયને જોયો અને કંઇ બોલે એ પહેલાં જ ત્યાં જ જમીન પર બેભાન થઈ ફસડાઈ પડી. સંજય એ ઈશાને પકડી લીધી. પાણી છાંટીને એને ભાન માં લાવવાની કોશિશ કરી. ઈશા ભાનમાં ના આવી. પાસે ઉભેલા ડોક્ટરે તપાસ કરાવી તો ઈશાને તરત ભરતી કરવાની સલાહ આપી.

સંજય એડમિશન ને જરુરી એવું સઘળું કામ પતાવીને ઈશા પાસે આવ્યો. ઈશા હોસ્પિટલના બેડ પર સુતી હતી. ઇશાને ભાનમાં આવેલી જોઇને સંજય થોડો સ્વસ્થ થયો. ઇશાએ સંજયને પાસે બોલાવ્યો અને એને ભેટીને રડી પડી. સંજય એને સાંત્વના આપતો માથે હાથ ફેરવવા લાગ્યો. સંજય ઇશાને સાંત્વના આપતા કહ્યું. "હું છું ત્યાં સુધી તારે કોઇ ચિંતા કરવાની જરુર નથી." ઇશાએ સંજયને ગાલ પર એક હલવી કીસ કરીને કાનમાં કહ્યું "બસ, હવે મને કોઇ જ ચિંતા નથી., મારું સઘળું કામ પતી ગયું. તું પણ મારી પાસે આવી ગયો!"

સંજયએ ઇશાનું આલિંગન છોડાવીને કહ્યું " તું હમણાં આરામ કર ઇશા, હું અહિંયા તારી પાસે જ છું" ઇશા ફરીથી પહેલા કરતાં વધારે જોરથી ભેટી પડી. સંજયે ઇશાને પકડી રાખી. ઇશા સંજયના કાનમાં ધીરેથી બોલી "મને માફ કરી દે સંજય, મેં તને બવ દુખી કર્યો." ઇશાનો અવાજ રડમસ થઇ ગયો. ઇશાએ બોલવાનું ચાલું રાખ્યું "સંજય હું પણ તને બહુ પ્રેમ કરું છું, તું મને કરે છે એનાથી પણ વધારે., પણ મે તને દુખ પહોચાડ્યું અને તારાથી દુર જતી રહી એમાં હું કેટલી દુખી થઇ છું એનો તને અંદાજ પણ નહીં હોય." સંજયે ઇશાને બાહુપાશમાં વધારે જકડી લિધી. તું એ દિવસે મને શું કહેવા માંગતો હતો એ મને ખબર છે સંજય. હું એ દિવસની રાહ છેલ્લા ઘણાં વર્ષોથી જોઇ રહી હતી., તું મારી સામે જ હતો. અને હું બહું જ ખુશ હતી, મને અંદાજ આવી ગયો હતો, કે તું મને પ્રેમ કરે છે, એ વાત તું આજે મને કહી દેશે. પણ ભગવાનને આપણી ખુશી મંજુર નહી હતી સંજય" સંજય સાંભળી રહ્યો હતો. ઇશા આગળ બોલી "તારા ચાની લારી પર જતાં પહેલા, મને મોબાઇલ પર આવેલા એક ફોને, મારું તારી સાથેના સપનાઓથી સજાવેલું આખું જીવન એક જ સેકંડમાં અંધારાની ઉંડી ગર્તામાં ધકેલી દિધું." સંજય મને બ્રેસ્ટ કેન્સર છે એની ખબર મને ત્યારે જ પડી. ઇશા જોરથી રડવા લાગી. છ મહિનાની હિંમત એક સાથે સંજયના આલિંગનમાં તુટી રહી હતી. " મેં સ્વસ્થ રહીને એ સમયે જે નિર્ણય લિધો એ તારા ભવિષ્યને ધ્યાનમાં રાખીને લિધો હતો. મેં તને તારા ડાબા ગાલ પર લાફો માર્યો હતો. એની સજામેં મારા હાથને એ રાતના જ આપી દિધી હતી. સંજય અને ઇશા વિખુટા પડ્યાં. ઇશાએ સંજયના ડાબા ગાલ પર હાથ ફેરવતાં ફેરવતાં "આઇ એમ સોરી સંજય" કહ્યું. સંજયે ઇશાનો જમણી હથેળી ખોલીને જોઇ, સંજય અવાક બની ગયો. ઇશાની હથેળીમાં ચાકુથી પાડેલાં ઘણાં કાપા હતાં, એક આંસુ ઇશાની હથેળીમાં પડ્યું ત્યારે ઇશા બોલી, "તારા પર હાથ ઉપાડવા માટે આ સજા ઘણી ઓછી છે સંજય.!" ઇશા આગળ બોલી "મને લાગતું હતું કે તારા સાથે જીવન સુખેથી વિતી જશે. પણ મારા હિસ્સામાંથી સુખ જતું રહ્યું અને જીવન વિતી ગયું! હવે બસ. દિવસો ગણી રહી છું. મારી તમામ બચત, પપ્પાની પીએફની એફડી. મારુ સેવિંગસ એકાઉન્ટનું બેલેન્સ બધી જગ્યાએ તું જ નોમીની છે. મારી ને મારી દરેક મિલકત પર તારો જ અધિકાર છે. સંજય તે જ મને જીવતા શીખવ્યું છે. તારો ઋણ હું આ જન્મ માં નહીં ચૂકવી શકું. હું આ જન્મમાં તારી જીવનસંગીની બની શકી હોત તો પોતાને ભાગ્યવાન સમજતે. પણ હું કેન્સરના લાસ્ટ સ્ટેજમાં છું સંજય અને કોઇ પણ દિવસે... સંજયે ઇશાના હોઠ પર આંગળી મુકતાં કહ્યું, "I Love you ઈશા", "મારી સાથે લગ્ન કરીશ?"

લાઈફ ટાઇમની પાર્ટનરશીપ કરશે?

ઇશા હર્શનાં આંસુ સાથે "Yes I will" કહીને સંજયને ભેટી પડી. સંજયએ એને પોતાના ભાહુપાશમાં લઇ લિધી. ઇશાના ચહેરા પર થાક હતો પણ એનાં હ્રદય પરનો બોજો આજે ઉતરી ગયો હતો. ઇશા ધીરે ધીરે સંજયની બાહોમાં પોગળી રહી હતી. સંજય પોતાના આંસુઓને રોકતાં રોકતાં ઇશાના માથે હાથ ફેરવતો રહ્યૉ, ઇશાને છ મહિના પછી આજે નિરાંતે ઉંધ આવી હતી.

બે દિવસ બાદ હોસ્પિટલમાંથી ઇશાને જવાની પરવાનગી મળી કે એના બીજા જ દિવસે સંજય અને ઈશા સાદગીથી પરણી ગયાં. લગ્નના દિવસે ઇશા પરી જેવી સુંદર લાગી રહી હતી. એના ચહેરા પર સંતોષની લાગણી હતી. સંજય ઇશાની મરજી પ્રમાણે એને ફરવા લદાખ લઇ ગયો. હિમાલયને જોવાનો રોમાંચ ઇશાના ચહેરા પર સ્પષ્ટ પણે જોઇ શકાતો હતો. પાછા ફરતી વખતે ઇશાએ હરિદ્વારમાં ગંગા સ્નાન પણ કર્યુ અને ત્યાર બાદ મુંબઇ પાછા ફર્યા. ઇશા અને સંજય ૧૦ દિવસે ઘરે પહોચ્યાં હતાં. ઇશાએ પાછલા ૧૦ દિવસ ફક્ત સંજયની નજદીક રહીને જ વિતાવ્યાં હતાં. ઇશાની તબિયત ખરાબ હતી તે છતાં પણ સંજય એને ફરવા લઈ ગયો એના માટે ઇશાએ ઘરે આવીને કહ્યું. "તારામાં તારી બિમાર પત્નીને લઇને ફરવાની હિંમત છે પણ આટલા વર્ષથી મને પ્રેમ કરે છે એ કહેવાની હિંમત હોત તો આજે વાત જુદી હોત સંજય." કહીને ઇશાના આંખમાં આંસુ આવી ગયું. સંજય ઇશાને ભેટી પડ્યો. ઇશા એ સંજયના ગાલ પર એક હળવી કીસ કરી સંજયના કાનમાં "i love you" કહ્યું અને સંજયની બાહોમાં જ ઇશાએ આખરી શ્વાસ લિધો. સંજય એ સ્વથતા કેળવીને ઇશાને કપાળ પર કિસ કરીને "i will love you forever" કહ્યું.

ઇશાના ગુજરી ગયાના ૬ મહિના બાદ સંજયે ઇશા ફાઉન્ડેશન નામની સંસ્થાની સ્થાપના કરી. જેના હેઠળ સંજય બ્રેસ્ટ કેન્સરની જાગરુકતા ફેલાવાના કાર્યો કરતો. અને ઇશા પાસેથી મળેલી બધી બચત સંજયે બ્રેસ્ટ કેન્સરથી પોડાતા દર્દીઓની સારાવાર અને જાગ્રુકતા ફેલાવવાના કાર્યો માટે ખર્ચ કરવાની શરુવાત કરી. અને પોતે ભાડે આપવાના ધંધામાંથી થતાં નફાનો ઇશાના ભાગનો ૫૦ ટકા હિસ્સો એમાં ઉમેરીને એના ફંડમાં વધારો કરતો રહ્યો.

ઇશા અને સંજયના પ્રેમની મજલ ઘણી જ ટુંકી હતી પણ મંઝિલ હજારો લાખો લોકોને પ્રેરણા પુરી પાડનારી હતી. પ્રેમ એટલે ફક્ત પામવું નથી એ આજે સંજય એ સાબિત કરી બતાડ્યું હતું.

-------------------------------------સમાપ્ત-----------------------------------------