Vaidehima vaidehi - 15 books and stories free download online pdf in Gujarati

વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-15)

પ્રકરણ – 15

“મારી મનોદશા કદાચ તને નહિ સમજાય, વૃંદા. કારણ કે તું તારી ઊર્મિઓને દબાવી દે છે. કારણ કે તેં કદી કોઈનેય પ્રેમ કર્યો નથી.”
તે વીજળીવેગે ઊભી થઈને મારી નજીક આવી અને ખેંચીને એક લાફો મને વળગાળી દીધો….. બરાડી-
“કર્યો હતો પ્રેમ…. ત્રણ વર્ષ પહેલાં…”
“કોને?”
“તને…”
સન્નાટો…..
તે મારી બાજુમાં બેસી પડી…
હું ચૂપ…
તું ચૂપ….
ને ત્રીજું કોઈ છે નહિ.
નિરવતા….
તને અને મને વીંટળાઈ વળેલી નિરવતા.
મૌન….
શાંત નથી એ…
ઢંઢોળી રહ્યું છે મને…
ને તને પણ, કદાચ.
કંઈક શોધી રહ્યું છે તારામાં, જે મારે જોઈએ છે…
ને કંઈક શોધીને મારામાંથી આપવા માંગે છે તને.
હા, ચૂપ તો જરાય નથી એ…
બૂમો પાડી રહ્યું છે….
કહી રહ્યું છે કંઈક….
ને સાંભળવું છે તેને કંઈક.
ચાલને, કરીએ તેની સાથે વાત!
મૌન… જીવંત છે…
તારામાં અને મારામાં ધબકે છે એ….
એ અનુભવાય છે ને તને?
મૌન સ્વયં મૌન નથી હોતું…
એને સાંભળે છે ને તું?
એ… મૌન…
કેમ કે….
તું ચૂપ….
હું ચૂપ…
ને ત્રીજું કોઈ છે નહિ.
થોડો સમય વીત્યો.
“હવે વૃંદા રહસ્યો પરથી પડદો હટાવે અથવા મૅર્વિના મારા માથામાં ગોળી મારી દે.” મેં જાહેર કર્યું- “ત્રીજું કંઈ મને મંજૂર નથી.”
“પગ ખોલ.” કહીને તે ઊભી થઈ.
હું પગ પરનું બંધન દૂર કરવા લાગ્યો. તે પલંગ પર બેઠી.
“અહીં આવ.” તેણે બીજો હુકમ કર્યો.
ગયો તેની પાસે.
“બેસ.” તેણે પોતાની બાજુમાં હાથ મુકીને કહ્યું.
હું જરા આશ્ચર્ય સાથે ઊભો રહ્યો.
“વાત સાંભળવી છે?” તેણે પૂછ્યું.
હું પલંગ પર પલાંઠી વાળીને બેસી ગયો. તેણે પગ પલંગ પર લીધા. મારી તરફ ફરી. પલાંઠી વાળી. હું વૃંદાની વાત સાંભળવા માટે તલપાપડ થઈ રહ્યો છું!
તેણે વાત શરૂ કરી-
“મારો જન્મ ક્યાં, ક્યારે અને કોના દ્વારા થયો એ ખબર નથી.”
“લ્લે!”
“વચ્ચે ન બોલીશ!” તે જરા ચિડાઈ- “આમ વચ્ચે ચૂંચા કર્યે રાખીશ તો વાત ક્યારે પતશે?”
“સોરી!”
“તો, મારો જન્મ ક્યાં, ક્યારે અને કોના દ્વારા થયો એ ખબર ન-”
“જીવનની શરૂઆત જ રહસ્યમય!”
“ડોન્ટ નીડ યોઅર કમેન્ટ્સ, વેદ!”
“પણ વાત છે જ એવી, યાર!”
“હવે સાંભળીશ?”
“ચોક્કસ!”
“હા, તો-”
“તારો જન્મ ક્યાં, ક્યારે અને કોના દ્વારા થયો એ ખબર નથી.” હું બોલી ગયો- “પછી?”
“…..”
“સોરી…. હવે એકદમ ચૂપ!”
“વેદ!” તે ખૂબ જ ગંભીર સ્વરે બોલી- “જીવનમાં આ પહેલો પ્રસંગ છે કે કોઈની આગળ હું મારા મનની વાત કહી રહી છું.”
હું મૌન રહ્યો.
તે અમુક ક્ષણો પછી સ્વસ્થ થઈ અને વાત શરૂ કરી-
“કદાચ, ૧૯૯૮ કે ૧૯૯૯માં હું જન્મી હોઈશ. લગભગ ૨૦૦૧ કે ૨૦૦૨ની સાલમાં હું ચીનના દાશેતાઈ નામના શહેરમાં રહેતી હતી. એ પહેલાનું મને કઈં જ યાદ નથી. હું ત્રણ-ચાર વર્ષની હોઈશ. ચીનની રાજધાની બેઈજીંગથી લગભગ આઠસો કીલોમીટર દૂર આવેલું છે એ શહેર. દાશેતાઈ ખાસ વિકસિત નથી. પશ્ચિમી સંસ્કૃતિની હવા આ શહેરને ત્યારે તો નહોતી લાગી જ્યાતે હું ત્યાં રહેતી હતી. ખૂબ જ ઠંડો પ્રદેશ હતો એ. મેદાની પ્રદેશમાં છે એ શહેર. અમારા ઘરને ઘરના ક્ષેત્રફળથી લગભગ ચાર ગણાં ક્ષેત્રફળનું કમ્પાઉન્ડ હતું. એ ઘરમાં અમે બે જ જણ રહેતાં, હું અને વીસ- બાવીસ વર્ષની એક છોકરી. એનું નામ તો મને બહુ પાછળથી ખબર પડેલી. એનું નામ ગુઆન-યીન. ચાઈનીઝ ભાષામાં ગુઆન-યીન એટલે દયાની દેવી.”
“તને એનું નામ ખબર નહોતી ત્યાં સુધી તું એને શું સંબોદ્જન કરતી?”
“મૅડમ.”
“એ ટેવ એણે જ તો પડાવી હશે.”
“હા, હું આજેય એને મૅડમ જ કહું છું.” એણે કહ્યું.
“આ તારી મૅડમ છે એ જ?” મેં પૂછ્યું.
“હં.”
“અરેરે! આ દયાની દેવી!”
“તેં તો હજી મૅડમના સ્વભાવનું ટ્રૅઈલર પણ નથી જોયું!” વૃંદા સાહજિક રીતે બોલવા લાગી છે- “તને ખબર છે, હું સાત વર્ષની થઈ ત્યાં સુધી મેં મૅડમ સિવાય કોઈ માણસનો ચહેરો પણ નહોતો જોયો.”
“એવું કેમ?”
“કમ્પાઉન્ડની બહાર નીકળવાની મનાઈ હતી.”
“પણ તને બહાર જવાની તાલાવેલી તો થતી હશે.”
“અલબત્ત, હું એકવાર બહાર નીકળી હતી.”
“પછી?”
“આમ તો કમાઉન્ડના ગૅટનું હેન્ડલ એટલું ઊંચું હતું કે હું ત્યાં સુધી પહોંચાતી જ નહિ. પણ એકવાર મેં કોઈક વસ્તુ પર ચડીને ગૅટ ખોલી નાખેલો. ગૅટ ખોલીને હું ત્યાં જ ઊભી રહી. ત્યાંથી એક રસ્તો પસાર થતો હતો. હું બહાર નીકળતાં ડરતી હતી. કેમ? કેમ કે બહાર ઘણું મોટું વિશ્વ હતું, વેદ! જન્મથી માંડીને મેં મૅડમ સિવાય કોઈ મનુષ્ય જોયેલો નહિ, કમ્પાઉન્ડની ચાર દીવાલોની અંદર જ મારું વિશ્વ સીમિત હતું. ખરેખર, એ દરવાજો ખોલતી વખતે મને એવું નહોતું થયું કે, હું ‘બહાર’ નીકળું.”
“હં, તને એમ હશે કે આ દરવાજામાં કઈંક હશે.” મેં કહ્યું.
“બિલકુલ! જેમ બ્રહ્માંડની ‘બહાર’ નીકળવાનો વિચાર મનુષ્યને આવે જ નહિ! તેને એમ જ થાય કે બ્રહ્માંડના વિવિધ ભાગ તપાસીએ અને એને જાણીએ. મને પણ એમ જ હતું કે આ દરવાજાની પાછળ અમારા ઘરનો જ કોઈ ભાગ હશે. આ ચાર દીવાલોની બહાર પણ કંઈક છે એવું તો કલ્પનામાં જ નહોતું.”
“બહાર તેં શું જોયું?”
“એ દ્રશ્ય આજે પણ મને બરાબર યાદ છે, વેદ!” વૃંદા જાણે એ દ્રશ્ય ફરીથી જોઈ રહી હોય એમ મારી જમણી બાજુએ તાકી રહી. બોલતી રહી-
“રસ્તાની પેલી બાજુએ એક સ્ત્રી અને મારી ઉંમરની એક છોકરીને મેં જોયા. છોકરી પેલી સ્ત્રીની આંગળી પકડીને ચાલતી હતી. એ બંને એક બાંકડા પર બેઠાં. છોકરીએ પેલી સ્ત્રીની સામે જોઈને કહ્યું- ‘મમ્મી!’ અને પેલી સ્ત્રીએ એની પર્સમાંથી કંઈક ખાવાનું કાઢીને એ છોકરીને આપ્યું. બંને એકબીજા સામે મલક્યાં અને એ છોકરી મજાથી ખાવા લાગી. હું એ બંનેને જોતી રહી. એ સ્ત્રીએ છોકરીને ખોળામાં બેસાડી અને વ્હાલ કરવા લાગી. એ બંને વચ્ચે આ શું થઈ રહ્યું છે એ મને સમજાતું જ નહોતું. મારી સાથે કદી આવું વર્તન થયું જ નહોતું. હું કદી મૅડમના ખોળામાં બેઠી જ નહોતી. મૅડમે કદી મારા ગાલ પર ચુંબન કર્યું જ નહોતું. હું મૅડમની સામે જોઈને મલકી જ નહોતી. પણ હું એ જોઈ રહી. થોડા સમય પછી એ સ્ત્રીએ એ છોકરીને જમીન પર ઊભી રાખી. પોતાની પર્સ ખભે ભરાવીને તે ઊભી થઈ. એ છોકરીએ તેની આંગળી પકડી અને બંને ચાલવા લાગ્યા. હું તેમને દૂર સુધી જતાં જોઈ રહી. પછી મેં દરવાજો બંધ કર્યો. હું ઘરમાં ગઈ. મને ભૂખ લાગી હતી. મારા માનસપટ પરથી પેલું દ્રશ્ય ખસતું નહોતું. મેં ‘મૅડમ’ને બદલે ‘મમ્મી’ કહીને ખાવાનું માંગ્યું. વેદ, હું તો એ શબ્દનો અર્થ પણ નહોતી જાણતી.”
“પછી?”
“એક સખત તમાચો. હું નીચે પડી ગઈ. મને એક બાવડેથી ઝાલીને ઊભી કરી. પૂછ્યું, ‘બહાર ગઈ હતી ને?’. હું ગભરાઈ ગઈ હતી. આંખો વહેવા લાગી હતી. કાનમાં તમરાં બોલતાં હતા. ‘બહાર જવાની ના નહોતી પાડી?’ બીજો તમાચો. હું ધ્રુસકાભેર રડવા લાગી. પછી કેટલા લાફા પડ્યા એ ખબર નહિ. શું થઈ રહ્યું છે એનું મને કંઈ ભાન નહોતું. હું રડતી હતી. પેલી છોકરી મને યાદ આવતી હતી. એની ‘મમ્મી’ યાદ આવતી હતી. જ્યારે મેં રડવાનું બંધ કર્યું અને આજુબાજુ જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે હું ક્યાંક પૂરાયેલી હતી. અંદર અંધારું હતું. મને કંઈ દેખાતું નહોતું. બીક લાગતી હતી. મારા ગાલ સખત દુઃખતાં હતા. આંખો ઘેરાતી હતી. હું ‘મૅડમ’ને બૂમો પાડવા લાગી. દરવાજો ખૂલ્યો. મૅડમ આવ્યા. વધુ એક લાફો મારીને કહ્યું, ‘સહેજ પણ અવાજ ન જોઈએ’. હું ચૂપ થઈ ગઈ. ફરી દરવાજો બંધ. અંધારું. ખબર નથી હું કેટલો સમય પૂરાયેલી રહી. પણ એ યાદ છે કે હું ત્રણ વાર ઊંઘી હતી. મને ભૂખ પણ લાગી હતી, તરસ પણ ખૂબ જ લાગી હતી. ગળું સૂકાતું હતું. પેટ બૂમો પાડતું હતું. ગાલ સૂજી ગયાં હતાં. જ્યારે દરવાજો ખૂલ્યો ત્યારે હું લગભગ બેભાન થઈ ગઈ હતી. આખું શરીર ભયંકર ગરમ હતું. ધીખતો તાવ હતો. શરીર સાવ અશક્ત બની ગયું હતું. વેદ, એ વખતે હું પાંચ વર્ષની હતી.”
“……”
“……”
“આ પ્રસંગ તું આટલી સરળતાથી કઈ રીતે બોલી શકે છે? સાંભળીને મારા રુંવાડા ઊભાં થઈ ગયાં. તને આ વાત બોલતી વખતે સહેજે-”
“કારણ કે એ તો ફક્ત શરૂઆત હતી, વેદ! ને એ જ તો વાસ્તવિક શિક્ષણ છે! તમને તો સુખ નામનાં ભ્રમમાં ફસાવી દેવાયાં છે. મૅડમે મને એનાથી દૂર રાખી છે.”
મને સખત ધક્કો વાગ્યો. થોડા સમય પછી હું જરા સ્વસ્થ થયો. પૂછ્યું-
“ગુઆન-યીન અને તું ઘરમાં એકલાં જ હતા. તું ઘરની બહાર જઈ શકે એમ નહોતી. ઘરમાં તું શું કરતી?”
“રમકડાં રમતી.” તેણે કહ્યું- “હા, રમકડાં ઘણાં હતા ઘરમાં. પ્લાસ્ટિકની પિસ્તોલ, રાયફલ, પ્લાસ્ટિકની ગોળીઓ, નાનકડી તોપ, ધાર વગરના છરા, લાકડાની તલવાર અને ધનુષ-બાણ. મૅડમ મને આ વસ્તુઓ વિશે સમજાવતાં. વિવિધ પિસ્તોલ, તલવાર કે ધનુષ કેવી રીતે પકડાય અને કેવી રીતે ચલાવાય એ મને શીખવવામાં આવતું. પિસ્તોલમાંથી ગોળીઓ પણ છૂટતી હતી. નિશાન તાકવાની રમત મને ખૂબ ગમતી. પછી અમુક રમકડાંનો ઉમેરો થયો. મારા જેટલાં જ કદના અને સાચુકલાં માણસ જેવા જ લાગતાં ઢીંગલાઓ ઘરમાં લવાયા. પછી રમતો પણ બદલાઈ. મૅડમ લીલીછમ સોટી કાપી લાવતા. મને બે-ત્રણ સોટીઓ ફટકારતા અને કહેતા, ‘હવે આને માર, એના લીધે તને માર પડ્યો’. હું બધી દાઝ એ ઢીંગલા પર ઉતારી દેતી. ક્યારેક કોઈક ઢીંગલાને દોરીથી બાંધીને એને મારવાનું કહેવામાં આવતું.”
થોડુંક અટકીને તે આગળ વધી-
“હું છ વર્ષની થઈ ત્યારે ભણવાનું પણ શરૂ થયું. મૅડમ જ મને ભણાવતા. અંગ્રેજીથી શરૂઆત થઈ.”
“ચાઈનીઝથી કેમ નહિ?” મેં પૂછ્યું- “તમે ઘરમાં તો ચાઈનીઝ જ બોલતાં હશો.”
“હા, મારી માતૃભાષા ચાઈનીઝ જ છે.” તેણે કહ્યું- “પણ હું ચૌદ વર્ષની થઈ ત્યાં સુધી ચાઈનીઝમાં લખી કે વાંચી નહોતી શકતી. એ પછી મારી જાતે હું થોડું શીખી છું.”
“મૅડમે તને ચાઈનીઝ ભાષા કેમ ન શીખવી?”
“મારું અનુમાન એવું છે કે મૅડમે બહુ પહેલાંથી એ નક્કી કરી લીધું હશે કે અમારે ચીનમાં વધારે સમય નથી રોકાવાનું. અમારે ભારતાં કામ કરવાનું છે. એટલે જ તો મૅડમે મને અંગ્રેજી પછી હિન્દી શીખવાડ્યું હતું. ભણતી વખતે પણ મને ઘણો માર પડતો. માર ખાધાં પછી મારે ઢીંગલાઓ પર દાઝ ઊતારવાનું ફરજિયાત હતું. અમુક મહિનાઓમાં જ એ ઢીંગલાઓ ચીંથરેહાલ થઈ ગયેલા. નવા અને થોડાં મોટા કદનાં ઢીંગલા ઘરમાં લવાયા. ભણવાની સાથે જ શારીરિક તાલીમની પણ શરૂઆત થઈ. જાતજાતની કસરતો મને કરાવવામાં આવતી. હા, કરાટેની તાલીમ પણ શરૂ થઈ ગયેલી.”
“તું છ વર્ષની હતી ત્યારથી જ?”
“હા, એ જ સમય દરમિયાન બીજી એક નોંધપાત્ર ઘટના પણ બનેલી. બે માણસો અમારાં ઘરમાં આવ્યાં. એ લોકો મૅડમને ગુઆન-યીન કહીને બોલાવતાં, ત્યારે મને મૅડમનું નામ જાણવા મળેલું. એ બંને લોકો મારું ખૂબ જ નિરીક્ષણ કરતાં. હું એ ઢીંગલાઓને ઝૂડતી ત્યારે એ બંને ખુશ થઈ જતાં અને મને ચોકલેટ આપતાં. એ બંને અમારા ઘરમાં બે દિવસ રોકાયા. પછી એ લોકોની સાથે મૅડમને ક્યાંક બહાર જવાનું થયું. ઘણાં બધાં ફળ અને નૂડલ્સ બનાવવાની સામગ્રી મૅડમ બજારમાંથી લઈ આવ્યા. મને નૂડલ્સ બનાવતાં શીખવ્યું અને તે ત્રણેય રવાના થયા. કમ્પાઉન્ડનો ગૅટ બહારથી લૉક કરતા ગયા. હું એ ઘરમાં સાત દિવસ સુધી એકલી રહેલી.”
“તું ખરેખર છ વર્ષની જ હતી?” મારાથી પૂછાઈ ગયું.
“હાસ્તો!” તેણે આગળ ચલાવ્યું- “અઠવાડિયા પછી મૅડમ પાછા આવ્યા. હવે એક નવો કાર્યક્રમ શરૂ થયો. મૅડમ પાસે જે લેપટોપ હતું એમાં મને વીડિઓ દેખાડવાની શરૂઆત થઈ. મને રોજ દુઃખી માણસો, ગરીબ માણસો, આપઘાત કરતાં, મારામારી કરતાં, લોહીલૂહાણ હાલતે પોક મૂકીને રડતાં, કોઈકનું ખૂન કરતાં માણસોના વીડિઓ દેખાડવામાં આવતાં. સાથોસાથ સમજણ આપવામાં આવતી- ‘આ ઉકરડા દેવી દુનિયામાં માણસ ગૂંગળાયા કરે છે, સંબંધોની જાળમાં ફસાય છે અને છૂટવા માટે તરફડે છે, રડે છે. હું કોણ છું એ તો ખબર નથી ને સદીઓથી ભટકી રહી છે આ માનવજાતિ… કેટલી કરૂણતા! આ નરકમાં માણસ દિવસભર ફટકાં ખાય છે અને રાત પડ્યે ગંધાતા પલંગમાં પછડાય છે.’ મૅડમ રોજ મને આ વાતો સમજાવતાં.”
“આને સમજણ ન કહેવાય!”
“તારે વાત સાંભળવી છે કે નહિ?”
“તને ઘરની બહાર ક્યારે કાઢવામાં આવી?”
“લગભગ ૨૦૦૬માં. હવે મને બહાર જવાની છૂટ મળી.”
“હા, પણ બહાર જવાની છૂટ આપતાં પહેલાં તારી માનસિકતા કેવી કરી નાંખી?”
“એવી કે જેથી હું સત્ય સમજી શકું, કે જથી હું હકારાત્મકતાના ભ્રમમાં ન ફસાઉં.”
“એ દયાની દેવીએ તારો દ્રષ્ટિકોણ સંપૂર્ણપણે નકારાત્મક બનાવી દીધો. તારો ઉછેર જ એ રીતે કર્યો એણે…. સહયોગ અને સેવાના સંસ્કાર આપવાને બદલે એને તને ક્રૂર બનાવી દીધી… એણે પોતે પણ હંમેશા તારી સાથે એવું જ વર્તન કર્યું, જેથી અનુકરણ પણ તું એવું જ કરે… દયાની દેવી નહિ, નિર્દયતાથી ભરપૂર રાક્ષસી છે એ…”
“વેદ…” મૅર્વિના ગુસ્સે થઈને બોલી- “હવે મૅડમ વિશે એકપણ શબ્દ બોલ્યો છે તો એક લાફો ઠોકી દઈશ!”
“ગુઆન-યીન માટે તું મને મારીશ?”
“તું છે એટલે હજી સામે પ્રશ્ન પણ કરી શકે છે. બીજું કોઈક હોત તો મારીમારીને કચુંબર બનાવી દીધું હોત એનું.”
“અરે, એણે તારી જીંદગી નર્ક બનાવી દીધી છે, વૃંદા!”
“મૅડમે મને ભ્રમથી દૂર રાખી છે.”
“તું હજીય ભ્રમમાં જ છે.”
“દુનિયા સારી છે એ ભ્રમમાં હું નથી સપડાઈ, તું સપડાયો છે, વેદ! એમાં દોષ તારો નથી. તમારો ઉછેર જ એ રીતે થાય છે.”
“તું તદ્દન ઊંધી વાતો કરી રહી છે, વૃંદા!”
“માણસ સ્વર્ગની અપેક્ષા કેમ રાખે છે? કેમ કે આ દુનિયા સારી નથી. આ વિશ્વ નકારાત્મક છે, વેદ! એટલે જ તો માણસ કોઈ સારી દુનિયાના સ્વપ્ન જુએ છે. એટલે જ તો માણસ અહીંથી છૂટવા માંગે છે.”
“એમ? તો માણસ નર્ક જેવી કોઈ દુનિયાની બીક કેમ રાખે છે? કારણ કે આ દુનિયા સારી છે. અલબત્ત, હું એ વાતમાં નથી માનતો કે મર્યા પછી સ્વર્ગ-નર્કમાં રહેવાનું થાય. હું તો આ ધરતીને સ્વર્ગ બનાવવામાં માનું છું. તારી મૅડમ જેવા રાક્ષસો આ ધરતીને નર્ક બનાવવા પર ઉતારુ કેમ થયા છે એ મને સમજાતું નથી. બાકી આ દુનિયા કેટલી સુંદર છે! તેં અમુક ક્ષણો માટે મા-દીકરીનો પ્રેમ જોયો હતો! તટસ્થતાથી, પ્રામાણિકતાથી તારી જાતને તું પૂછી જો, એ દ્રશ્ય જોઈને તને સુખદ અનુભૂતિ થઈ હતી કે નહિ? એ જ સૌંદર્ય છે આ વિશ્વનું. સંબંધોને કારણે જ તો આ બધું આટલું વ્યવ્સ્થિત રીતે ચાલે છે. એ જ તો વાસ્તવિકતા છે!”
“તું સમજતો જ નથી, વેદ!” કહીને તેણે કપાળે હાથ દીધો.
મારાથી નિઃસાસો નખાઈ ગયો. કહ્યું-
“તું તારી વાત આગળ વધાર, વૃંદા!”
“હું સાત વર્ષની હોઈશ.” તેણે આગળ ચલાવ્યું- “હવે જાસૂસીની તાલીમ શરૂ થઈ.”
“સાત વર્ષે?” મારાથી બોલાઈ ગયું.
“બે વર્ષ સુધી આ બધું એમ જ ચાલતું રહ્યું. એની વધારે ડિટેઈલ્સ જોઈએ છે કે આગળ વધવું છે?”
“જવા દે.”
“૨૦૦૮માં અમે એ ઘર છોડ્યું. અલબત્ત, ફક્ત ઘર જ નહિ, અમે ચીન છોડ્યું. અમે ગુજરાતમાં આવ્યા. સુરત શહેરમાં એક હોટેલમાં રોકાયા. મને કે મૅડમને ગુજરતી નહોતુ આવડતું. મૅડમે મને કહ્યું- ‘હું તો જોતાવેંત જ ચાઈનીઝ તરીકે ઓળખાઈ આવું છું. પઆણ તારો દેખાવ ભારતીય છે. તારે ગુજરાતી શીખવું પડશે. તું ગુજરાતી શીખી જઈશ તો કોઈ એમ નહિ કહી શકે તું ગુજરાતી નથી.’ મેં એ વાત બરાબર યાદ રાખી લીધી હતી. એતલે જ તો હું આજે વૃંદા હોવાનું નાટક કરી શકું છું! ને હા, આ કંઈ પહેલું નાટક નહોતું. આ અગાઉ હું નાનાં-મોટાં કેટલાય રોલ ભજવી ચૂકી છું. એની શરૂઆત સુરતમાંથી જ થયેલી. ત્યાં મને ‘અંજલી’ નામ આપવામાં આવેલું. હું હજી ગુજરાતી શીખી નહોતી એટલે મારી ઓળખાણ પણ પ્રવાસી તરીકેની જ રાખવામાં આવેલી.”
જરા અટકીને તેણે આગળ ચલાવ્યું-
“સુરતમાં આવ્યાને બીજા જ દિવસે અમને ત્રણ માણસો મળવા આવ્યા. હું એમને નહોતી ઓળખતી પણ એ ત્રણેય મને ઓળખતાં હતા! મૅડમને ત્રણેય સાથે જૂનો પરિચય હોય એવું લાગ્યું. મારી હાજરીમાં જ એ લોકોએ મૅડમ સાથે ચર્ચાઓ શરૂ કરી. અમે લોકો અંગ્રેજીમાં વાતો કરતાં. સૌપ્રથમ તો અમારી સૌની શું ઓળખાઆણ બનાવવી એ મુદ્દા પર ચર્ચાઓ થઈ, જે અંતર્ગત મારું નામ અંજલી રાખવામાં આવ્યું. મૅડમની ઓળખાણ એક પ્રવાસી તરીકેની જ રાખવી પડે એમ હતું. પછી જોરદાર ચર્ચાઓ શરૂ થઈ. સુરતવાસીઓને પાઠ ભણાવાવવાની યોજના ઘડાઈ.”
“એટલે?”
“બોમ્બ-બ્લાસ્ટ!”
“ઓહો!”
“ફરી મળવાની તારીખ નક્કી કરીને પેલાં લોકો રવાના થયા. મેં એ લોકો વિશે મૅડમને પૂછ્યું તે મારો કાન મરડાયો અને લાફો પડ્યો- ‘કહેવામાં આવે એટલું કરવાનું, વધારે પ્રશ્નો નહો કરવાના’. બે દિવસ પછી મને પેલાં લોકો પાસે મોકલવામાં આવી. એ લોકોએ કેટલીક સામગ્રી લાવી રાખી હતી. અમે બોમ્બ બનાવવાનું કામ શરૂ કર્યું. મને આવડતું નહોતું, એ વખતે જ શીખી. આ દરમિયાન જ એ લોકોની વાતો પરથી મેં જાણી લીધું કે એ લોકો ‘અલ-મુજાહિદ્દીન’ જૂથના આતંકવાદીઓ છે. એ વખતે મને ખબર પડી કે હું પણ એક આતંકવાદી છું. અમે લોકોએ સાથે મળીને અઢાર બોમ્બ બનાવ્યા.”
“પછી?”
“એક રાત્રે મૅડમ પણ ત્યાં આવી ગયા. એ લોકોએ મારી હાજરીમાં જ બોમ્બ ક્યાં મૂકવા એ મુદ્દા પર ચર્ચાઓ કરી. એ લોકો જે રીતે વિવિધ સ્થળોનું વિશ્લેષણ કરતાં એ સાંભળીને મને ઘણું શિખવા મળ્યું. હવે નક્કી એવું કર્યું કે મૅડમ પ્રવાસીની જેમ જ સુરતમાં ફરશે અને વિવિધ સ્થળોના ફોટો ખેંચી લાવશે. એ બધી પ્રક્રિયાને અંતે અમે માતાવાડી, મીની ડાયમંડ માર્કૅટ, લંબેશ્વર, સંતોષીનગર, વરાછા-કપોદરા ફ્લાય ઓવર જેવા વિવિધ સ્થળો નક્કી કર્યાં.”
કંઈક યાદ કરીને તેણે વાત આગળ ધપાવી-
“હા, ઓગસ્ટ મહિનો હતો એ. એ અઢારેય બોમ્બ ગ્રીન કલરનાં પૅકેટમાં પૅક કરી દીધાં. એમાંના ત્રણ બોમ્બ મને સોંપાયા હતા.”
“તું દસ જ વર્ષની હતી?”
“હા! તો, બોમ્બ ક્યાં મૂકવાના છે એ મને બરાબર સમજાવાયું હતું. મને એક સ્કૂલનો યુનિફોર્મ પહેરાવ્યો. ત્રણેય બોમ્બ એક સ્કૂલબૅગમાં મૂકીને મને આપવામાં આવ્યાં. હું ધોળે દિવસે જ નીકળી પડી. માતાવાડી વિસ્તારમાં એક ઝાડ પર ચડીને એ ગ્રીન પૅકેટ ડાળીઓની વચ્ચે ભરાઈ દીધું. લંબેશ્વર વિસ્તારમાં કપડાની દુકાનની બહાર મુકાયેલી કચરાપેટીમાં એક ગ્રીન પૅકેટ મુક્યું. મીની ડાયમંડ માર્કેટમાં પાછળથી દુકાન પર ચડીને બે દુકાનોના સાઈન બોર્ડની વચ્ચે એક પૅકેટ મૂક્યું.”
“તું દસ વર્ષે આ કામ કઈ રીતે કરી શકી, યાર?”
“આ પ્રકારના કામ બહુ સાવચેતીપૂર્વક કરવાની મને તાલીમ આપવામાં આવેલી.”
“એ વળી કેવી તાલીમ?”
“મને જાતજાતનાં અસાઈન્મેન્ટ્સ આપવામાં આવતાં. અમુક વ્યક્તિની જાસૂસી કરીને અમુક માહિતી શોધી લાવવાની, કોઈકના ઘરની આજુબાજુમાંથી કંઈક ચોરી લાવવાનું કે કંઈક મૂકી આવવાનું અને એવા જેવા કેટલાંય કામ મને સોંપવામાં આવેલાં. દરેક કામ મેં ખૂબ ચપળતાથી કરેલું. હું એકેય વખત પકડાઈ નહોતી. એટલે જ તો ત્રણ બૉમ્બની જવાબદારી મને મળી હતી.”
“પછી બોમ્બનું શું થયું?”
“એ જ સાંજે હું અએ મૅડમ સુરતમાંથી રવાના થઈ ગયા. બૉમ્બમાં ગોઠવેલા સમય મુજબ બીજા દિવસે સવારે બૉમ્બ ફૂટવાના હતા. અમે સુરતથી ઘણે દૂર આવી ગયેલા. થયું હતું એવું કે અઢારેય બૉમ્બ પકડાઈ ગયા હતા અને ડિફ્યુઝ પણ થઈ ગયેલા.”
“અરે હા,-” મને યાદ આવ્યું- “આ જ દિવસોમાં અમદાવાદમાં બોમ્બ-વિસ્ફોટ થયેલાં.”
“હા, મને પાછળથી જાણવા મળેલું કે અમારી જેમ જ એક ટુકડી અમદાવાદમાં પણ કાર્યરત હતી. સુરતમાં મુકાયેલાં બૉમ્બ પકડાઈ ગયાં હતાં અને અઢારેય બૉમ્બ ડિફ્યુઝ પણ થઈ ગયેલાં. પેલાં ત્રણ સાથીઓ પણ પકડાઈ ગયા હતા. અમદાવાદમાં આ કામ સફળ રહ્યું હતું.”
“તને ખબર પણ હતી કે એ ‘સફળતા’ ખરેખર કેટલી મોટી દુર્ઘટના હતી? માણસના આ પ્રકારના મૃત્યુથી એના પરિવારની શું હાલત થાય છે એ તને આજેય નહિ સમજાતુ હોય.”
“તો એની હાજરીમાં એનો પરિવાર સુખી હોય છે?”
“તું વાત આગળ વધાર!”
“સુરતમાં મળેલી નિષ્ફળતાને કારણે મૅડમને એ તો અંદાજ આવી ગયો હતો કે પોલીસને અમારા બંનેની બાતમી પણ મળી ગઈ હશે. એટલે અમારે સંતાઈ રહેવું પડે એમ હતું. એક વર્ષ તો અમે વેશભૂષા બદલીને રહ્યાં. એ પછી પણ ચાર-પાંચ વર્ષ અમારે નિષ્ક્રિય રહેવું પડ્યું. કોઈ કામ કરવાની સંભાવનાઓ ગુજરાતમાં બહુ ઓછી દેખાતી હતી. પણ એ સમય દરમિયાન મારી તાલીમ તો ચાલુ જ હતી. ૨૦૧૧-૧૨ સુધીમાં હું એક કાબેલ જાસૂસ બની ગઈ હતી.”
“પછી?”
“૨૦૧૨માં અમે પાટણમાં હતા. પાટણમાં અમારે લાંબા સમય સુધી રોકાવાનું હતું. મૅડમે મને દસમા ધોરણ સુધીનું વિજ્ઞાન તો ભણાવી દીધું હતું. મારે આગળ ભણવું હતું. મૅડમની મંજૂરી મળી ગઈ. મેં ઘણા ક્લાસિસની જાસૂસી કરી. એક ક્લાસ મને એટલા માટે ગમ્યો હતો, શિક્ષક જ્યાં ઊભા રહીને ભણાવે તે દીવાલમાં બે બારીઓ હતી અને એ દીવાલની પાછળના ભાગે એવી જગ્યા હતી જ્યાં લોકોની અવજવર શૂન્ય રહેતી. હું પાઠ્યપુસ્તકો ખરીદી લાવી. ક્લાસની પાછળના એ ભાગે હું દીવાલને અઢેલીને બેસી જતી. શિક્ષકનો અવાજ મને સ્પષ્ટ સંભળાતો પણ હું પાટિયા પર શિક્ષક જે લખે એ વાંચી ન શકું. સૈદ્ધાંતિક ચર્ચાઓમાં ખાસ વાંધો નહોતો આવતો પણ દાખલાઓમાં ઘણી તકલીફ પડતી. પણ મારે ક્યાં પરીક્ષા દેવાની હતી! મારે તો સૈદ્ધાંતિક સમજણ જોઈતી હતી, જે મળી જતી હતી.”
“સરસ!”
“વર્ગમાં શિક્ષક દ્વારા પૂછાતાં પ્રશ્નોના વિદ્યાર્થીઓ દ્વારા જે કંઈ જવાબ અપાય એ પણ મને સંભળાતા. કોઈક વખત મને ‘આવું હોય તો આવું કેમ નહિ?’ કે પછી ‘આમ હોય તો કેવું?’ અથવા તો ‘આવું જ કેમ?’ જેવા પ્રશ્નો થતાં પણ પૂછવા કઈ રીતે? સદ્‌ભાગ્યે એકાદ વિદ્યાર્થી એ જ પ્રશ્ન પૂછી લેતો, જેથી મારા પ્રશ્નનું સમાધાન થઈ હતું. થોડા સમય પછી ધ્યાનમાં આવ્યું કે આ પ્રકારનાં પ્રશ્નો પૂછનાર અવાજ દરવખતે એકનો એક જ હોય છે. વળી, શિક્ષક દ્વારા પૂછાતા પ્રશ્નોના જવાબ આપવામાં પણ એનો એ જ અવાજ વધારે વખત સંભળાતો. એક વખત શિક્ષકે ખૂબ જ અટપટો પ્રશ્ન કર્યો. આખાય વર્ગમાં સન્નાટો છવાઈ ગયો હતો. મનેય જવાબ નહોતો સૂઝતો. ત્યારે પણ એ જ અવાજે જવાબ આપ્યો અને શિક્ષક બોલી ઉઠ્યા- ‘શાબાશ, વેદ!’”
“શુંઊંઊં?”
“બસ, પછી શરૂ થઈ વેદની જાસૂસી. સૌપ્રથમ તો આટલા બધાં છોકરાંઓમાંથી વેદ કોણ એ મોટો પ્રશ્ન હતો. આ પ્રશ્નનો જવાબ કઈ રીતે મેળવવો એ હું વિચારતી રહી. હવે એ અવાજ મને મીઠો લાગવા માંડેલો. એ અવાજ કાને પડતો અને થતું કે બારીમાંથી ડોકિયું કરી લઉં! એક દિવસ ટ્યુશન પૂરું થયાં પછી દરવખતની જેમ હું બધાં વિદ્યાર્થીઓ જતાં રહે એની રાહ જોતી બેસી રહી હતી. કાને એ અવાજ પડ્યો, ‘સર, આ થીઅરી આ રીતે સાબિત કરી શકાય?’ મારી અંદર જાણે એક થડકારો થયો. હું સહેજ ઊંચી થઈ અને ક્લાસમાં ડોકિયું કર્યું. શિક્ષક અને એક છોકરો… હા, વેદને જોયો. પછી પ્રશ્ન થયો કે એ છોકરાને જોવાની આટલી તાલાવેલી કેમ થયેલી? એનો કોઈ જ જવાબ મારી પાસે નહોતો. હા, કંઈક સળવળાટ થવા લાગેલો. હવે તારી જાસૂસી કરવાની આશા તીવ્ર બની. ક્લાસ છૂટ્યા પછી તારો પીછો કરવા લાગી. તું જે હૉસ્ટેલમાં રહેતો ત્યાંથી થોડે દૂર આવીને હું અટકતી. ટ્યુશન જતાં પહેલાં પણ હું તારી હૉસ્ટેલે આવતી. તું નીકળે પછી તારી પાછળ પાછળ આવતી. ખબર નહિ કેમ પણ તું નજર સામે હોય કે કાન પર તારો અવાજ રેલાતો હોય ત્યારે મને અજીબ અનુભૂતિ થતી. મને થતું કે હું આખીય જીંદગી આ અનુભૂતિમાં જીવી શકું તો કેટલું સરસ! વેદ, હદ તો ત્યારે થઈ….”
“કે…”
“હું તારા માટે થઈને મૅડમને છોડવા તૈ-”
“હેં? ખરેખર?”
“હા.”
“ના હોય!”
“મેં પ્રયત્ન પણ કરેલો.”
“શું વાત કરે છે, યાર…”
“એક કાગળ પર મેં ગુજરાતીમાં લખ્યું-
વેદ,
હું તને પ્રેમ કરું છું. તેં મને જોઈ નથી. પરંતુ, હું તને રોજ જોઉ છું. અત્યાર સુધી કોઈનાય પ્રત્યે ન જાગેલી ભાવનાઓ તારા પ્રત્યે, તને જોઈને, જાગવા માંડી છે. હું ક્યાંક ખોવાઈ ગઈ છું, જાણે પરી બનીને હવામાં ઊડવા લાગી છું! તને ખબર છે વેદ, તારી આજુબાજુ ગજબનું રેડિએશન ફેલાય છે, પ્રેમનું રેડિએશન. જેની ‘રૅન્જ’માં આવતાં જ હું મારામાં વિચિત્ર સળવળાટ અનુભવું છું. તને સમર્પિત થઈ જવાની તીવ્ર ઈચ્છા થઈ આવે છે. વેદ, હું તને મળવા માંગુ છું. આવતી કાલે રવિવાર છે. કાલે સાંજે આપણે આંનંદ સરોવરના મિડ-પોઈન્ટ પર મળીશું. તું ત્યાં આવજે. હું તારી પાસે આવીને બોલીશ- ‘વેદ, હું એ જ છું.’
વેદ, આપણે નવી જિંદગીની શરૂઆત કરીશું. હા, મને પામીને તારા જીવનમાં કોઈ ફરક પડે કે ન પડે, મારી જિંદગી તને પામ્યા બાદ ચોક્કસ બદલાઈ જશે.
-યાદ છે?” તેણે ધારદાર નજર મારી આંખોમાં પરોવીને પૂછ્યું- “એક ટેણિયા આગળ એ કાગળ મોકલાવ્યો હતો મેં.”
હું સાવ થીજી ગયો….
“ને બીજા દિવસે હું તારી રાહ જોતી બેસી રહેલી…. રાત સુધી…. બધી જ ઈચ્છાઓ ધોવાઈ ગયેલી એ સાંજે…. ઘડીભર થઈ આવેલું કે આ જ આનંદ-સરોવરમાં કૂદી પડું….”
“મ…. મારે.. આવ…વું…. જોઈ..”
“તારા પર વિશ્વાસ મૂકીને ભૂલ કરી હતી મેં!”
“પણ…” કોણ જાણે કેમ પણ મારે બોલવું છે ઘણું ને શબ્દો ગળામાં જ ભરાઈ રહે છે.
“પણ શું? મૅર્વિના મરવાની હતી…. ત્રણ વર્ષ પહેલાં… તું આવ્યો હોત તો….”
“વૃંદા,.. મને…. હું.. એ વખતે ભણવામાં જ…. અને મને…ક્યાં ખબર…. કે તું… એટલે એ છોકરી… આતંકવાદી… અરે, યાર... બહુ મોટી ભૂલ થઈ ગઈ… પણ એમાં મારી… ખરેખર, મારી શું ભૂલ… મને ક્યાં… એ સમયે તો ક્યાં હું એ જાણતો હતો… તને ક્યાં ઓળખતો હતો….”
“મને ઓળખતો નહોતો એ વાત સાચી.” તેણે કહ્યું- “પણ પત્રનું છેલ્લું વાક્ય નહોતું વાચ્યું? ‘મને પામીને તારા જીવનમાં કોઈ ફરક પડે કે ન પડે, મારી જિંદગી તને પામ્યા બાદ ચોક્કસ બદલાઈ જશે.’ લખ્યું હતું ને આવું?”
“…..” હવે જીભ જ ઉપડતી નથી.
“પ્રેમ કર્યાનો પારાવાર પસ્તાવો થતો હતો મને, વેદ! ને આનંદ-સરોવરથી ઘરે ગઈ ત્યારે ‘પૂછ્યા વિના ક્યાં જતી રહી હતી’ એ પ્રશ્નનો કોઈ જવાબ નહોતો મારી પાસે… માર પડ્યો હતો. એ માર ખાતી વખતે જાતને કોસતી રહી, ‘શું કામ ગઈ હતી? મૅડમે સમજાવ્યું તો હતું કે દુનિયા સ્વાર્થી છે. મૅડમને છોડવા તૈયાર થઈ ગઈ હતી! હવે માર ખા! એ જ લાયક છે તું!’… વેદ, દુનિયા બહુ…… સારી છે ને…?”
આ પ્રશ્ન નીચે કચડાઈ મર્યો હું….
……
અમુક મિનિટો એમ જ વીતી… શાંત… ભીની… ભારેખમ…
બંને પગ ઢીંચણમાંથી ઊંચા કરીને, દાઢી ઢીંચણ પર ટેકવીને, બંને હાથ પગના પંજા પર મૂકીને તે બેઠી છે સામે. મારી સામે જોઈ રહી છે.
હું મારી મનોદશાને વ્યક્ત નથી કરી શકતો. એમ થાય છે કે મારે વૃંદાને કંઈક સમજાવવું છે, મારે તેની આગળ કેટલાક ખુલાસા કરવા છે, મારે તેને અમુક કારણો જણાવવા છે પણ… કંઈક બોલવા તૈયાર થઉં છું ને એક જ વાત મનમાં ખટકે છે… મારે જવું જોઈતું હતું… હું ન ગયો એ મારી ભૂલ નહોતી એ વાત સાબિત કરવાના અનેક તર્ક વિચારોમાં આવે છે પણ સામે બેઠેલી વૃંદા દેખાય છે અને બધાં જ તર્ક સપાટાભેર ધોવાઈ જાય છે.
“તારા પ્રત્યેની સહાનુભૂતિનું કારણ સમજાયું હવે?” બારી બહાર નજર સ્થિર કરીને તેણે પૂછ્યું.
“એટલે..” મારામાં અચાનક જ જોમ પ્રગટ્યું- “તું હજીય મને-”
ઢીંચણ પર દાઢી ટેકવવા માટે તે આગળ ઝૂકેલી હતી, અચાનક જ ટટ્ટાર થઈને બોલી- “બિલકુલ નહિ!”
“તો હજીય મારા માટે થઈને તું ગુઆન-યીનના હુકમોનું ઉલ્લંઘન કેમ કરે છે?”
“વેદ…” તે ચિડાઈ- “મોડું થઈ ગયું છે.”
“અરે! શેનું મોડું? આમાં ક્યાં કોઈ ટ્રેન પકડાવાની હતી, યાર? કંઈ મોડું નથી થયું.”
“વેદ… તું…” તે નિરાશાભર્યા સ્વરે બોલી- “તને.. નહિ સમજાય! બહુ મોડું થઈ ગયું હવે.”
“એટલે.. પ્રશ્ન ફક્ત સમય વીતી ગયાનો જ છે? તારી ના નથી?”
“તું ખોટી દલીલો ન કર, વેદ!”
“તારા જેવી વિચારશીલ, તલવારની ધાર જેવા તર્ક કરવાવાળી છોકરી તર્કથી દૂર કેમ ભાગી રહી છે? મારા તર્કનો તર્કથી જવાબ આપનાર વૃંદા દલીલો ન કરવા માટે વિનંતી કેમ કરી રહી છે?”
“…….”
“કેમ કે, ભાવ તર્કથી ઉપર છે, વૃંદા!” મેં કહ્યું- “મૂળ વાત તો એમ છે કે તું આવી જીંદગી જીવવા માટે નથી બની, જે તું જીવી રહી છે.”
“દરેક બાળક આવી જ જીંદગી જીવવા માટે જન્મે છે, વેદ! દર્દભરી જીંદગી જીવવા માટે જ તો આપણે પૃથ્વી પર અવતરીએ છીએ.”
“ભ્રમ છે આ.”
“સત્ય છે. કોઈપણ બાળકને એના માતાપિતા જૂટ્ઠું બોલવાની સલાહ નથી આપતાં. છતાં પણ તે બાળક જૂટ્ઠું બોલવા લાગે છે. કેમ? કારણ કે જૂટ્ઠાપણું, ઈર્ષ્યા, દ્વેષ અને એવાં ગુણો બાળક પોતાની સાથે લઈને જન્મે છે. બાળક પાસે સારું કામ કરાવવા માટે કેટલી મહેનત કરવી પડે છે, જ્યારે ખરાબ કામો તે તેની મેળે કરવા લાગે છે. સો વાતની એક વાત, હું જે મૂલ્યોની વાત કરું છું એ મૂલ્યો બાળક સાથે લઈને ધરતી પર અવતરે છે, જ્યારે તું જે મૂલ્યોની વાત કરે છે તો એને મહાપરાણે શીખવવા-”
“તારી મૅડમે તને પ્રેમ કરતાં શીખવ્યું હતું?”
“…..” ચૂપ!
“વૃંદા, તારી માન્યતા ખોટી છે. દરેક બાળક સત્યપ્રિય અને ન્યાયયાચક હોય છે. એ વાત અલગ છે કે સમાજ જે પ્રકારનું વાતાવરણ બાળકને આપે છે એ બાળકે અવળા રસ્તે લઈ જાય છે. પણ… દરેક બાળક કંઈક ‘સારું’ કરવા માટે તત્પર હોય છે. ને પ્રેમ તો માનવમાત્રનું લક્ષણ છે. આટલા ક્રૂર ઊછેર છતાં તારામાં મારા પ્રત્યે-”
“વેદ…” તેના ભાવવિભોર અવાજે મને અટકાવ્યો.
તે બંને પગ પાછળ વાળીને બેઠી. મારી તરફ નમી. બંને હાથની હઠેળી મારા ગાલ પર મુકી. મારી આંખોમાં જોઈ રહી. એકદમ ધીમા અવાજે, અંતરના ઊંડાણમાંથી ભાવમાં તરબોળ થઈને આવતાં અવાજે તે બોલી-
“વેદ, હું તને નથી ભૂલી શકતી. મને મૅડમે જે કંઈ સમજાવ્યું છે એ બધું જ ભૂલાઈ જાય છે જ્યારે તું યાદ આવે છે. પણ…. તું બહુ અલગ રીતે જીવે છે, હું બહુ અલગ છું. તારી વાત સાથે સહમત નથી થઈ પણ એક વાત હું સ્વીકારું છું કે તારી સાથે ભમરાહમાં મેં સમય વીતાવ્યો એ દરમિયાન મારી માન્યતાઓ ડગમગી છે, તારી નહિ. ઊંડેઊંડે ક્યાંક એવું થાય છે કે હું કંઈક ભૂલ કરી રહી છું. તું સાથે હોય છે ત્યારે જ એ અવાજ મને સંભળાય છે, જે કહે છે કે હંમેશને માટે વૃંદા બની જા… વેદની વૃંદા! પણ… તને ખબર નથી, હું કામ કરી રહી છું એ ક્ષેત્રમાં કેવા માણસો છે. મૅડમ તો એક ઉદાહરણ છે, મૅડમ જેમનાથી ડરે છે તેવા માણસો પણ છે. હું આ બધું છોડીને તારી પાસે આવું, મારી માન્યતાઓને ફરીથી ચકાસું, નવી શરૂઆત કરું…. પણ આ માણસો મને શોધી કાઢશે. તને પણ બહુ હેરાન કરશે. કદાચ, તને મારી પણ નાખે. ને જો તું મારી સાથે આવવા તૈયાર થાય તો? સતત મોતનો ભય રહેશે. આ ઈન્ડિયન આર્મી, એર ફોર્સ અને નેવી શા માટે છે? અમને ઠાર કરવા માટે જ તો છે. જો હું તારી સાથે આવીશ તો આ આતંકવાદીઓ સામે સંઘર્ષ અને તું મારી સાથે આવીશ તો મિલિટરી સામે સંઘર્ષ. હું નથી ઈચ્છતી કે મારા કારણે તારું જીવન સંઘર્ષમાં વેડફાય. તું શાંતિપ્રિય માણસ છે. તું આ વિશ્વમાં કંઈક અલગ પરિવર્તનો ઈચ્છે છે અને હું કંઈક અલગ. આપણા બંનેમાંથી કોણ સાચું છે અને ખોટું એ ચર્ચા છોડ. વેદ, તું તારી રીતે જીવ, તારા વિચારો સાથે સહમત હોય એવી છોકરી સાથે લગ્ન કર…. હું મારી રીતે જીવું છું… ક્યારેક કોઈકની મશીનગનની ગોળીથી હું વીંધાઈ જઈશ… સમાચાર સાંભળવા મળશે તને, કદાચ…. તું…. બસ, મને ભૂલી જા. આપણે સાથે નહિ રહી શકીએ. અત્યારે તું ભાગ અહીંથી. જા, તારા ઘરે…. જા… હું તો તને યાદ કરતી રહીશ… ક્યારેક રડીશ..… વેદ,… આઈ લવ યુ… સો મચ….”
તેના ગાલ પર રહેલા મારા હાથ તેના અશ્રુઓથી ભીંજાઈ રહ્યાં છે અને તેના હાથ મારા અશ્રુઓથી.
“વૃંદા, મારી ભૂલ સુધારવાનો મોકો આપ મને. નથી ખબર મને કે બે ડગલાં પછીનો રસ્તો શું છે અને આપણે કેવી રીતે ચાલીશું. પણ… થઈ પડશે બધું, યાર! ભલે, તારે મારી વાત ન જ માનવી હોય તો ના માનીશ, ના આવીશ મારી સાથે, ફક્ત મારા અમુક પ્રશ્નોના જવાબો આપી દે. તો હું તને કદીય આગ્રહ નહિ કરું. પાટણમાં તેં ભૂલ કરી હતી એમ તું કહે છે પણ હજી આજેય તું મારા સહવાસને સુખદ નથી માનતી? તારા કાન પર મેં ફૂલ લગાવ્યા ત્યારે ત્યારામાં શું ઊછળ્યું હતું? તારે મૅર્વિના બનીને જ રહેવું હતું તો વૃંદા બનવાનું નાટક કેમ કર્યું? પત્ર કેમ મોકલ્યો, કેમ બોલાવ્યો મને? આયોજક તરીકેની ભૂમિકા કે-”
બારણામાંથી તેનો પ્રવેશ….
કોનો?
એનો…
ગુઆન-યીન
વૃંદાના ગાલ પરથી મારા હાથ પાછા ખેંચાઈ ગયા. ગુઆન-યીન તરફ પીઠ રાખીને બેઠેલી વૃંદાને નવાઈ લાગી. અમને જોઈને મૅડમ ઉકળી….
એક હાથે તેણે વૃંદાના વાળ પકડ્યા અને પાછળની તરફ જોરથી ખેંચ્યા. વૃંદા પાછળની તરફ ખેંચાઈ. તેને પકડવા માટે મેં હાથ લંબાવ્યા. તે પલંગ પરથી નીચે પટકાઈ… ઊંધી ગુલાંટ ખાઈને ફટાક કરતી ઊભી થઈ ગઈ… અણધાર્યા હુમલાનો પ્રતિકાર કરવા માટે સજ્જ થઈ… ‘મૅડમ!’ ગુઆન-યીનને જોઈને ઠરી ગઈ.
(ક્રમશઃ)