Subhashchandra bose netaji books and stories free download online pdf in Gujarati

સુભાષચંદ્ર બોઝ aka નેતાજી

"Freedom is not given, It is taken"

શબ્દોમાં જ આઝાદીના હક્કની અને લોકમાન્ય ટિળક ની ભાષાની ઝાંખી વર્તાય. સ્વામી વિવેકાનંદથી પ્રેરિત, ગાંધીજીનું જીવન જેટલું સ્પષ્ટ છે તેનાથી એકદમ વિરુદ્ધ જેમનું જીવન (ખાસ તો મૃત્યુ) રહસ્યમય છે તેવા સુભાષચંદ્ર બોઝ નો જન્મ 23 જાન્યુઆરી 1897 ના રોજ કલકત્તામાં થયો.

નાનપણથી જ ક્રાંતિકારી વિચારો ધરાવતા સુભાષબાબુ એ એક વખત તેમની કોલેજમાં ભારતીયો ને ગાળ આપતા એક પ્રોફેસર ને માર્યો હતો. તેમણે ઇંગ્લેન્ડ જઈને એ સમયે આઈ.સી.એસ. ની પરીક્ષામાં ચોથો નંબર પ્રાપ્ત કર્યો હતો. પણ નારસૈંયા, મીરાંને જેમ શ્યામ ની ધૂન લાગી તેમ માંભોમ ની ધૂનમાં ગાંડા થયેલા ક્રાંતિકારીઓમાંના સુભાષબાબુ હતા. આઈ.સી.એસ. ની ડીગ્રી ને ઠોકર મારી ભારતપુત્ર માં ની સેવા માટે પાછો આવ્યો.

જન્મજાત નેતા એવા ચંદ્ર જેવી શીતળતા સમી મુખકાંતિના સ્વામી સુભાષચંદ્ર ગાંધીજી સાથે કૉંગ્રેસમાં જોડાયા અને ત્યાં પણ સૂર્ય જેમ પ્રભાવી થઈ રહ્યા. સૂર્ય ક્યાં સુધી ઘેરાઈને રહેવાનો? વાદળ દૂર હડસેલી તે પોતાનું અસ્તિત્વ પોકારે જ. એમ 1938 અને 1939 માં તે આઈ.એન.એસ (ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ) ના પ્રમુખ તરીકે જંગી બહુમતીથી ચૂંટાયા.
એક વખત તો ગાંધીજીના ઉમેદવાર પટ્ટાભી સીતારામૈયા ઉભેલા સુભાષબાબુ સામે સમજી લો ગાંધીજી જ ઉભા કેમકે ગાંધીજીએ એમનું નામ ઘોષિત કર્યું હતું, તો પણ સુભાષ બાબુ જીત્યા. પણ ભવિષ્યમાં ગાંધીજી સાથે મતભેદ થતાં સ્વેચ્છાએ કૉંગ્રેસથી અલગ થયા અને 'ફોરવર્ડ બ્લોક' ની સ્થાપના કરી.

પાછળથી અંગ્રેજોને સુભાષબાબુ તેમના માટે ખતરારૂપ લાગતા નજરકેદ કર્યા પણ અંગ્રેજોને હાથતાળી દેવામાં તો પાવરધા હતા અને હંમેશ સફળ પણ થતા. પહેલા પણ એ આ રીતે ભાગી ગયેલા અને તેમણે 'ધ ઇન્ડિયન સ્ટ્રગલ' પુસ્તક લખેલું. ત્યારે તેમની આસિસ્ટન્ટ એમિલી શ્રેન્કલ સાથે પાછળથી તેમણે લગ્ન કરેલા. આ વખતે સુભાષબાબુને ઘરમાં જ નજરકેદ કરેલા પણ તે કુનેહપૂર્વક છટકી ગયા અને અફઘાનિસ્તાન ગયા. ત્યાં રશિયનોની મદદ ન મળી એટલે તે હિટલરની મદદ મેળવવા જર્મની ગયા. ત્યાં જઈને જર્મનીએ કેદ કરેલા ભારતીય સૈનિકો ભારતની આઝાદી માટે સાથે લઈ જવા હિટલરને સમજાવી શક્યા. સતત યુદ્ધમાં ત્રસ્ત થયેલા એ સૈનિકોમાં સુભાષબાબુ એ નવું જોમ ભર્યું. પગારદારી સૈનિકોમાં તેમણે માંભોમ માટે ફના થવાની ભાવના જગાવી અને આ રીતે તૈયાર થઈ 'આઝાદ હિંદ ફોજ'.

આવા ધગધગતા અંગારાને હિટલરે પણ 'નેતા' કહેલા અને 'આઝાદ હિંદ ફોજ' ના સૈનિકો માટે તે સુભાષચંદ્ર બોઝ નહિ પણ 'નેતાજી' બની રહ્યા. પછીથી ભારતભરમાં તે 'નેતાજી' નાં હુલામણા નામથી ઓળખાવા લાગ્યા. દુરંદેશી નેતાજી એ 'રાણી લક્ષ્મીબાઈ રેજીમેન્ટ' શરૂ કરી અને સ્ત્રીઓને પણ માતૃભૂમિ માટે બલિદાન આપવા માટે પ્રેરણા આપી.

જ્યારે બધાને ચિંતા હતી કે, સુભાષ બાબુ આર્મી લઈને જીતીને પોતે તાનશાહ બનશે, ત્યારે આશ્ચર્ય વચ્ચે સિંગાપોરથી રેડિયો દ્વારા જાહેર કર્યું કે, ગાંધીજી રાષ્ટ્રપિતા છે અને પોતાની અને ગાંધીજી માં માત્ર વિચારભેદ જ છે બીજો ભેદ નથી એ વાત અને તેમની ભૂમિકા માત્ર મા-ભોમ ને આઝાદ કરાવવાની છે તે સ્પષ્ટ કરી.

બાબા સાહેબ આંબેડકર જેવા પ્રખર ચિંતક અને વિદ્વાને પણ બી.બી.સી. ને આપેલા ઇન્ટરવ્યૂ માં કહ્યું કે, આઝાદી મળી તેમાં સુભાષની ગતિવિધિઓને કારણે અંગ્રેજો પર દબાવ હતો.

'જય હિંદ' અને 'ચલો દિલ્હી' નાં નારા સાથે નેતાજીએ તૈયાર કરેલી 'આઝાદ હિંદ ફોજ' નીકળી પડી માતૃભૂમિને આઝાદ કરાવવા. પણ નિયતીને ઇતિહાસ કંઈક અલગ લખવો હશે.

"તુમ મુજે ખૂન દો, મેં તુમ્હેં આઝાદી દુંગા"

આપણી નસોમાં ઠંડા થઈને જામી ગયેલા લોહીને ઉકાળવા માટે આ શબ્દો કાફી છે.

એ ભારતનાં પુત્રને શત શત નમન.