Ant Pratiti - 10 books and stories free download online pdf in Gujarati

અંત પ્રતીતિ - 10

અંત પ્રતીતિ

નીતા કોટેચા

(૧૦)

સમય જ બળવાન

માનવી સમયના હાથનું રમકડું, કદીક હસાવતું, કદીક રડાવતું,

જાણે પ્રત્યેક ક્ષણ વખતની ચાવીથી ચાલતું, હાલતું, ડોલતું...

ધ્વનિ પણ ખૂબ જ ટૂંકા ગાળામાં સફળતા પ્રાપ્ત કરતી જતી હતી. બધા એને પ્રેમ અને માનની દ્રષ્ટિથી જોતાં. હવે તો મનસુખરાય ઓફિસ આવતાં પણ ફાઈલ પર સહી કરવા, બધાને મળવા... બાકી બધું જ કામ ધ્વનિએ સરસ રીતે સંભાળી લીધું... બિઝનેસને લગતા બધા જ કાર્યક્ષેત્રમાં તે નિપૂણ થતી જતી હતી અને ક્યાંય પણ અટકતી, તો સમીર તેની પડખે ઊભો હતો. તેની અને કંપનીની પ્રગતિથી બધા જ ખૂબ જ ખુશ હતાં. બાળકો મોટા થઈ ગયા હતા. મનોજે જે સપનું જોયું હતું તેને હકીકતમાં બદલવા તે આકાશ પાતાળ એક કરીને પણ કાર્ય સફળતાથી પાર પાડતી. મનોજ સાથે વિતાવેલી ક્ષણોને, તે સ્નેહના સંભારણાને, પોતાનું પ્રેરકબળ, પ્રેરણાસ્તોત્ર બનાવીને જીવતી હતી.

કામની વ્યસ્તતાના હિસાબે ધ્વનિ બીજા બધા સાથે બહુ સંપર્કમાં રહી શકતી ન હતી. પરંતુ સમીરની સાથે વધારે સંપર્ક થતો જતો હતો. પરંતુ વર્ષાના આયોજનને લીધે બધા મિત્રોનું અવારનવાર મળવું, પાર્ટી મનાવવી, એ તો રાબેતા મુજબ ચાલુ હતું. એવામાં ધૂળેટીનો તહેવાર નજીક આવતો હતો અને બધા મિત્રોએ ભેગા મળીને ઉજવાનું નક્કી કર્યું. સમીરે કહ્યું, “આ વખતે ધૂળેટીનો તહેવાર મારે ત્યાં ઉજવીએ. બધાને આ સૂચન ગમ્યું અને બે દિવસનો પ્રોગ્રામ બનાવવાનું નક્કી કર્યું. બધા ફેમિલી સાથે આવવાના હતાં. ધ્વનિને પણ વર્ષાએ ફોનથી કહ્યું. પહેલાં તો ધ્વનિએ ના પાડી. પરંતુ વર્ષાના આગ્રહવશ ધ્વનિએ ત્યાં આવવાની આ વાત તેણે ઉષાબહેનને જણાવી. ત્યારે મહેક અને યશ પણ ત્યાં જવા ઉત્સુક હતાં. બધાં મિત્રો મળશે, તે જાણીને મહેક અને યશ પણ ખૂબ જ ખુશ હતાં.

આજે હોળીનો તહેવાર હતો. ફાગણ મહિનામાં વસંતઋતુ પૂરબહારમાં ખીલી હતી. મુંબઈ જેવા ઈમારતોના જંગલમાં તો તેનો રંગ જોવા મળતો નહીં. પરંતુ, ખરી વસંત ઋતુને માણવી હોય તો ગામડામાં કુદરતના સાનિધ્યમાં જઈને માણી શકાય. વસંતઋતુને ઋતુઓનો રાજા કહ્યો છે. તેના આવવાથી ધરતી પર ચારે બાજુ આનંદ-ઉલ્લાસ છવાઈ જાય છે. બધાના હૈયામાં ઉલ્લાસ અને ચેતનાનો અહેસાસ થાય છે. તેમાં ખીલેલાં કેસુડાના ફૂલ વસંતના વધામણાં આપતા હોય છે. એવા આ ફાગણ ફોરમમાં આજે હોળીનો તહેવાર હતો.

સવારે તો ધ્વનિ ઓફિસમાં ગઈ હતી. સાંજે વર્ષાને ત્યાં જવાનું હતું તેથી જ બધા જ કામ પતાવવાના હતા. આજે ઓફિસે વહેલી નીકળી ગઈ હતી. બપોરે સમીરનો ફોન આવી ગયો. તેને યાદ દેવડાવવા... “યાદ છે ને? ઘરે બધાએ આવવાનું છે?” ધ્વનિએ હસીને જ ઉત્તર આપ્યો. “હા, સમીર. મને યાદ છે. બસ, હવે ઘરે જવા માટે નીકળું છું. પછી બાળકો સાથે તમારે ત્યાં જ આવું છું.” “ઓકે, મેડમ.” સમીરે કહીને ફોન મૂકી દીધો. ઘરે જઈને ધ્વનિએ બાળકોના કપડાં વગેરે તૈયાર કર્યા અને બાળકોને લઈને નીચે આવી. ત્યારે મમ્મીને કહ્યું, “મમ્મી, અમે વર્ષા અને સમીરને ત્યાં જઈએ છીએ. એક દિવસ રહીને કાલે આવીશું. ધૂળેટીનો તહેવાર ઉજવવા બધાએ ત્યાં જવાનું નક્કી કર્યું છે. ઉષાબહેન ખુશ થતાં બોલ્યા, “ભલે, બેટા શાંતિથી જાવ અને પ્રેમથી તહેવાર ઉજવજો.”

ધ્વનિએ કાર બહાર કાઢી, સામાન ગોઠવ્યો. બાળકો પણ ખુશ થતાં ગોઠવાયાં. અને થોડીક વારમાં જ તેઓ સમીરના ઘર પાસે આવી ગયાં. ત્યાં જોયું તો ઘણા બધા મિત્રો આવી ગયા હતાં. બધા મિત્રો અંદર બેસીને વાતો કરતાં હતાં. બહાર ગાર્ડનમાં જ હોળી પ્રગટાવવાની તૈયારી થઈ ગઈ હતી, બસ બધા સાંજ પડવાની રાહ જોતા હતાં. સમય થતાં, સાંજે હોળી પ્રગટાવી. દર્શન કરી... બધાએ ડિનર પતાવીને મોડે સુધી વાતચીત કરતાં બેઠા.

બીજે દિવસે સવારથી જ તેમના ઘરમાં ખૂબ જ ધમાલ થઈ રહી હતી. એક સાથે બધા બાળકો મળ્યા હોવાથી, ધુળેટી રમવાની મજા જ અલગ હતી. સમીર અને વર્ષાએ આયોજન પણ ખૂબ જ સરસ કર્યું હતું. વિવિધ પ્રકારના નાસ્તાના કાઉન્ટર રાખેલા હતા, એટલે બધાએ નાસ્તા પાણી કરીને ધુળેટી રમવાની શરૂઆત કરી. ધ્વનિ આ બધું જોતી એક ખુરશી પર બેઠી હતી. એને મનોજ સાથેની રમેલી ધુળેટી ખૂબ જ યાદ આવી. એટલામાં સમીર અને વર્ષા ધ્વનિ પાસે આવ્યા અને એને રંગ લગાડી બધા સાથે રમવા માટે લઈ ગયા. ધ્વનિએ ખૂબ જ આનાકાની કરી, પરંતુ બધા મિત્રો અને બાળકોએ ધ્વનિને રંગ લગાડીને એને રંગોથી રંગી. આમ ને આમ ધમાલમસ્તીમાં દિવસ પસાર થતો હતો. પછી રમવાનું પત્યા પછી બધા વારાફરતી સ્નાન કરવા માટે જવા લાગ્યા.

ધ્વનિ પણ વર્ષાના રૂમમાં આવેલા બાથરૂમમાં સ્નાન કરવા માટે ગઈ. બાથરૂમનો દરવાજો ખોલવા ગઈ તો દરવાજો અંદરથી બંધ હતો. તેથી તેણે પૂછ્યું, “કોઈ છે અંદર?” અંદર સમીર હતો, જે હજી સ્નાન કરતો હતો. શાવરના અવાજમાં તેને એવું લાગ્યું કે, વર્ષા છે... તેથી તેણે અંદરથી જ બૂમ પાડીને કહ્યું, “વર્ષા, ટોવેલ લેવાનું ભૂલી ગયો છું. જરા બેડ પર પડ્યો છે, તો આપી દે ને.” ધ્વનિ સમીરનો અવાજ સાંભળીને બહાર જતી રહી. ત્યાં તેની વાત સાંભળી પહેલાં તો વર્ષાને બૂમ પાડવાનો વિચાર કર્યો. પછી તેને થયું કે આટલી વાતમાં તેને ક્યાં બોલાવવી? પોતે તો અહીં જ છે, તો એને ટોવેલ આપી દઉં. એમ વિચારીને તેણે બાથરૂમના દરવાજા પર નોક કરીને કહ્યું, “આ લ્યો.” સમીરે સાંભળ્યું, પરંતુ તેને એમ જ થયું કે બહાર વર્ષા છે. તેથી તેને ધીરેથી બાથરૂમનો દરવાજો ખોલ્યો અને તેનો હાથ પકડ્યો અને અંદર ખેંચી લીધી. અને દરવાજો બંધ કરીને તેની સાથે વર્ષા છે, એ જ મસ્તીમાં તેને શાવર નીચે ખેંચી ગયો.

ધ્વનિ પણ આ બધું અચાનક થયું હોવાથી ખૂબ જ ડઘાઈ ગઈ હતી. તે કશું બોલી ન શકી. સમીરને ભાંગનો નશો થયો હોવાથી તેને ખ્યાલ પણ ન રહ્યો કે આ ધ્વનિ છે કે વર્ષા છે? સમીર પર પ્રેમનું ભૂત અને ભાંગની અસર હતી... તેથી તેને ધ્વનિનો અવાજ સંભળાયો પણ નહીં. ધ્વનિએ સમીર પાસેથી છૂટવાની ઘણી કોશિશ કરી, પરંતુ વ્યર્થ... શરૂઆતમાં તો ધ્વનિએ ઘણો વિરોધ કર્યો. પરંતુ પછી પાણીના ફુવારા સમા પ્યારના આવેગમાં, તેની અતૃપ્ત ઈચ્છાઓ આગળ ઝૂકી ગઈ અને તે પણ સમીરની બાહોમાં અને આવેશમાં ક્યાંય ખોવાઈ ગઈ. સમીર તો ભાંગના નશામાં હતો પણ ધ્વનિ પણ મદહોશ થઈ ગઈ હતી. પછી દરવાજો ખખડાવવાનો અવાજ આવ્યો અને ધ્વનિને વાસ્તવિકતાની ભાન પડી... અને તેને ખૂબ જ અફસોસ થયો કે આ બધું શું થઈ ગયું? આ વિચારતાં જ એની આંખમાં આંસુ આવી ગયાં. બહાર આવી તો દરવાજા ખખડાવવાનો અવાજ બંધ થઈ ગયો હતો. પછી ધ્વનિ બહાર નીકળી અને ફટાફટ પોતાના કપડાં બદલીને એ તૈયાર થઈ ગઈ. સમીર પણ બાથરૂમમાંથી બહાર નીકળ્યો ધ્વનિએ કહ્યું, “સમીર, ભાનમાં આવો.” સમીરને ભાનમાં લાવવા માટે ધ્વનિએ તેના ગાલે એક તમાચો માર્યો. સમીરની તંદ્રા તૂટી અને સામે વર્ષા નહિ પરંતુ ધ્વનિ છે, એ જોઈને ખૂબ જ હેબતાઈ ગયો.

બધું જ યાદ આવતાં જ તેના પગ નીચેથી ધરતી ખસી ગઈ. પછી થયું કે ભાંગના નશાની મસ્તીમાં તે શું કરી બેઠો? અજાણતાં જ... આ બધો વિચાર આવતાં જ તે શરમથી નીચું જોઈ ગયો. સમીરે ધ્વનિને કહ્યું, ના જાણે મારાથી આવડી મોટી ભૂલ કેમ થઈ ગઈ?”

સમીરને ગ્લાનિ અનુભવતો જોઈને ધ્વનિએ કહ્યું, “સમીર, હું પણ સમજુ છું કે જે થયું છે એ ખોટું થયું છે, પરંતુ જાણી જોઈને આ નથી કર્યું. ભાંગના નશામાં તને પણ કોઈ વસ્તુનો ખ્યાલ જ ન રહ્યો.” પરંતુ સમીર તેની સામે આંખ મિલાવી ન શક્યો અને ધ્વનિની હાલત પણ એ જ હતી. રૂમમાં વાતાવરણ ખૂબ જ બોઝિલ બની ગયું હતું. વધારે સહન ન થતાં ધ્વનિ રૂમ છોડીને જતી રહી.

સમીર ક્યાંય સુધી અવાચક બનીને બેસી જ રહ્યો. પોતે કરેલી ભૂલ પર વિચારતો રહ્યો, ધ્વનિ મારી માટે શું વિચારશે? હવે હું કેવી રીતે તેની સામે જઈશ? બાળકો તો મને પપ્પા જ કહે છે તેમની સામે કઈ રીતે જઈશ? સમીરને ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો. ધ્વનિ નીચે આવીને બધા પાસે બેઠી. ચૂપચાપ બેસી ગઈ હતી. વર્ષા કામમાં હતી, થોડી વાર પછી ત્યાં આવી... તો ધ્વનિને જોઈને વર્ષા બોલી, “અરે, તને શું થયું છે? શા માટે અપસેટ થઈ ગઈ છે?” ત્યારે ધ્વનિની વિચાર તંદ્રા તૂટી. તે વર્ષા સામે જોઈ જ રહી... અને એને મનમાં એમ થતું હતું કે વર્ષાને શું કહે? ન કરવાનું થઈ ગયું હતું અને વર્ષા જ્યારે આ બધું જાણશે તો તેના મન પર શું વીતશે? હું તેની સામે નજર પણ મેળવી નહીં શકું.

ધ્વનિને ખૂબ જ ચિંતિત બેઠેલી જોઈને વર્ષાને ફાળ પડી કે ચોક્કસ કાંઈક બન્યું છે... શું કોઈએ ધ્વનિને કશું કહ્યું હશે? કે તેનું મન દુભાયું હશે? સમીરને ખબર હશે... તેને પૂછી લઉં. તે ક્યાં છે? પછી યાદ આવ્યું કે સમીર તો સ્નાન કરવા પોતાના રૂમમાં ગયો છે. તો તે પણ ત્યાં જવા લાગી. ધ્વનિ તેને અનિમેષ નજરે જતી જોઈ રહી. રૂમમાં આવીને જોયું તો, સમીર સામે ખુરશી પર ખૂબ જ ચિંતિત મુદ્રામાં બેઠેલો હતો. તેણે 'સમીર, સમીર' બૂમ પાડી. પરંતુ જાણે કે બૂમ પણ સમીરે ના સાંભળી. તેથી તે નજીક ગઈ અને તેને ઢંઢોળતાં બોલી, “સમીર, તમને શું થયું છે?” અચાનક વર્ષાને સામેથી આવતી જોઈને તે બોલ્યો, “હા વર્ષા, શું કહે છે?” વર્ષાએ કહ્યું, “ક્યારની બૂમો પાડું છું. ક્યાં ખોવાઈ ગયા હતા? શું વિચારતા હતા?” “કંઈ નહીં.” સમીરના અવાજમાં પણ થોડું દર્દ હતું. વર્ષા બોલી, “ધ્વનિને શું થયું છે? તે ખૂબ જ ઉદાસ અને ચૂપચાપ બેઠી છે. કોઈએ તેને કશું કહ્યું લાગે છે.” ધ્વનિનું નામ આવતાં જ સમીરની ધડકન વધી ગઈ... એને કઈ રીતે કહે આ બનેલી ઘટના? તે પણ અજાણતાં જ... અવઢવમાં પડી ગયો હતો. આટલા વર્ષોનો ભરોસો ન જાણે કેમ તોડી બેઠો? અને પોતે કઈ રીતે આ બધું કહી શકાય? તેનું તો મગજ બહેર મારી ગયું હતું. તે વર્ષા સામે જોઈ રહ્યો. કશો પણ ઉત્તર ન આપી શક્યો. વર્ષાની ચિંતા વધી ગઈ. તે બોલી, “પ્લીઝ, તમે કહો ને શું થયું છે? તમને કેમ ચૂપચાપ બેઠા છો? નીચે ધ્વનિની હાલત પણ ખરાબ છે. કોઈએ કશું કહ્યું છે?” વર્ષા સવાલો પર સવાલ કરતી હતી. તેથી સમીર ચૂપકીદી તોડીને બોલ્યો. “અરે, નહીં વર્ષા, આ તો ભાંગનો નશો થોડો વધારે ચઢી ગયો હતો. તેથી મારો ખૂબ જ માથું દુઃખે છે. બીજું કશું જ નથી.”

સમીરને બીજો કોઈ પ્રોબ્લેમ નથી. તે જાણી વર્ષાને થોડી રાહત થઈ, તેણે કહ્યું, “સારું, તો તમે આરામ કરો. હું હમણાં લીંબુનું શરબત મોકલાવું છું. તે લઈ લેજો. માથું દુ:ખતું ઓછું થઈ જશે.” એમ કહી વર્ષા રૂમમાંથી બહાર નીકળી, ત્યાં સુધી સમીર તેને અપલક નજરે જોતાં જ રહી ગયો. પોતે તેનો ગુનેગાર બની ગયો હતો, તે યાદ આવતાં જ પહેલી વખત તેની આંખમાં આંસુ આવી ગયાં.

તો ધ્વનિ...વિચારતી હતી... પોતાની પ્યારી દોસ્ત, પોતાની ખાસ મિત્રની પત્ની, તેના પર કેટલો ભરોસો રાખતી હતી... અને તેણે શું કર્યું? કેવો અઘટિત વ્યવહાર કર્યો તેની સાથે? હવે કેવી રીતે સામનો થશે? બાળકોનો સામનો કેવી રીતે થશે? આ બધું વિચારતાં જ તેનું મગજ ફાટફાટ થતું. બધા સાથે નીચે બેઠા હતાં. પરંતુ તેની મનોદશા ખૂબ જ ખરાબ હતી, તે જલદીથી અહીંયાથી ચાલી જવા માંગતી હતી. વધુ વખત સહન ન થતાં, તે વર્ષા પાસે ગઈ, ઘરે જવાની રજા માંગી. વર્ષાએ કહ્યું, “એકદમ શું થયું? તું સાંજે જવાની હતી. શું થાય છે તને?” ધ્વનિ બોલી, “કશું થયું નથી. બસ, મને મજા નથી.” બાળકો જીદ્દ કરવા લાગ્યા કે ના અમારે તો અહીંયા રહેવું છે, સમીર પપ્પાના ઘરે... મમ્મી, પ્લીઝ રોકાઈ જાવ. બાળકોના મુખેથી સમીર પપ્પાનું નામ સાંભળીને તેના મનમાં ચક્રવાત સર્જાયો. પપ્પા...બોલાયેલા શબ્દો આજે કેવા સાચા બની ગયાં? સમીર પપ્પા... ખરેખર આજે શું બની ગયું? તે આગળ વિચારી શકે તેમ ન હતી. તેણે કહ્યું “તમે રોકાઈ જાવ. હું અત્યારે નીકળું છું. પ્લીઝ, વર્ષા તું સાંજે તેમને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરજે અથવા ફોન કરજે તો ગાડી ડ્રાઈવરને લેવા મોકલીશ.” વર્ષાએ કહ્યું, “એવું કરવાની જરૂર નથી ધ્વનિ, સમીરે મૂકી જશે બાળકોને.” સમીરનું નામ આવતાં જ તેની મનોદશા ઓર બગડી. “સારું.” એમ કહીને ઝડપથી રૂમમાં જઈ સામાન લઈને આવી. બધા ફ્રેન્ડ્સને બાય કહી ઝડપથી એની કારમાં ગોઠવાઈ ગઈ. બધાને થયું કે એને મનોજની ખૂબ જ યાદ આવી હશે, તેથી તેઓએ પણ જવા માટે રોકી નહીં.

ધ્વનિ પોતાની કારમાં બેઠી, ત્યારે તેની આંખમાં આંસુ આવી ગયાં. એક નજર સામેના બંગલા તરફ નાખી, ઝડપથી કાર ચલાવીને જલદર્શન તરફ જવા લાગી. રસ્તામાં પણ કાર ચલાવતાં ચલાવતાં તેની મનની સ્થિતિ ખૂબ જ નાજુક હતી. થોડા જ સમયમાં તે ઘરે આવી ગઈ. ઘરમાં આવીને દાખલ થઈ, સામે મમ્મી-પપ્પા મળ્યાં અને અત્યારે એકદમ આવેલી જોઈ ઉષાબહેને ચિંતિત સ્વરે પૂછ્યું, “બેટા, તમે બધા તો સાંજે આવવાનાં હતાં, અત્યારે કેમ? બાળકો સાથે નથી આવ્યા?” ધ્વનિએ કહ્યું, “હા મમ્મી, આવવાના તો સાંજે જ હતા. પરંતુ ખૂબ થાકી ગઈ છું, તેથી હું ઘરે આવી ગઈ. ત્યાં બધા હતા તો બધા વચ્ચે આરામ ન મળે તેથી વર્ષાની રજા લઈને ઝડપથી આવી ગઈ. બાળકો સાંજે આવશે.” એમ બોલી ધ્વનિ પોતાના રૂમમાં ચાલી ગઈ. દાદર ચડતાં ચડતાં જાણે હજારો જોજન ચાલીને આવી હોય એમ એને લાગ્યું. પોતાનો રૂમ આવતાં જ તેના પગ પાણી પાણી થઈ ગયાં. રૂમમાં મનોજની છબી, મનોજની યાદ... એ બધા સમક્ષ આજે કેવી રીતે જઈ શકશે? મનોજની સામે કઈ રીતે ઉભી રહેશે? શું કહે છે તેને કે આજે તે શું કરી બેઠી છે? એ વિચારે તો તેને એકદમ જ શિથિલ કરી દીધી. થોડી જ વાર યંત્રવત ચાલતી તે રૂમમાં પહોંચી. સામે મોટા કદની મનોજની છબી હતી... તે જોતાં જ તેને હૈયે બાંધેલો આંસુઓનો બંધ તૂટી ગયો. રૂમનો દરવાજો બંધ કરીને ઝડપથી મનોજની છબી આગળ જઈને રડવા લાગી. ખૂબ જ રડી ધ્વનિ આજે... મનોમન મનોજ સાથે સંવાદ પર ચાલુ હતાં.

“પ્લીઝ, મને માફ કરી દો. આજે મારાથી ન કરવાનું થઈ ગયું છે. તમારો ભરોસો, મમ્મી-પપ્પાનો ભરોસો, બધાના જ વિશ્વાસનો મેં વિશ્વાસઘાત કર્યો છે. સમીર નશામાં હતો, હું તો ભાનમાં હતી... છતાં પણ મેં કેમ ભૂલ કરી? મનોજ, તમે કેમ જતાં રહ્યાં? મને મૂકીને... જુઓ, આજે તમારી ધ્વનિની શું હાલત થઈ ગઈ છે? હું તમારી પણ ગુનેગાર બની ગઈ છું.” એમ મનોમન બોલીને ધ્વનિ ખૂબ જ રડી. પછી પલંગ પર આડી પડી, ને રડતાં રડતાં તે ક્યારે સૂઈ ગઈ, તેની એને પણ ખબર ન પડી. સાંજ પડતાં, ધ્વનિ ઊઠીને નીચે ન આવી, તેથી ઉષાબહેનને ચિંતા થઈ અને તે ખુદ ધ્વનિને ઉઠાડવા ધીમે ધીમે આવ્યાં. રૂમના દરવાજાને ધક્કો માર્યો, તો દરવાજો અંદરથી બંધ હતો. તે જોઈને એમને વધારે ચિંતા થઈ... શું હશે? આજ સુધી ધ્વનિએ કોઈ દિવસ રૂમનો દરવાજો બંધ કર્યો જ નહોતો. તેથી તેઓ બૂમ પાડવા લાગ્યા. તો પણ અંદરથી કોઈ જવાબ ન મળ્યો, તેથી તે વધારે ચિંતિત થઈ ગયાં. તેમણે જોરથી બારણાં ખખડાવ્યા અને ઘણી બૂમો પાડી ત્યારે ધ્વનિની નીંદર તૂટી. અચાનક સામે ઘડિયાળ જોતાં જ તેને સમયનો ખ્યાલ આવ્યો, પછી લાગ્યું કે દરવાજો બહારથી કોઈ ખટખટાવે છે... તેથી તે ઝડપથી બેડ ઉપરથી ઉતરી અને ઝડપથી ચાલીને દરવાજા પાસે ગઈ. દરવાજો ખોલ્યો તો સામે ઉષાબહેન હતા. “મમ્મી, તમે?” ઉષાબહેને તેની સામે જોયું, તો તેની આંખો રડી રડીને લાલ થઈ ગઈ હતી. ખ્યાલ આવતો હતો કે તે રડીને સૂઈ ગઈ હશે.

તેમણે કહ્યું, “હા બેટા, ખૂબ સમય થઈ ગયો અને તું ઊઠીને નીચે ના આવી, તેથી મને તારી ચિંતા થઈ... તેથી તેને જગાડવા આવી. શું થયું છે બેટા? તબિયત તો સારી છે ને?” ધ્વનિએ કહ્યું, “કશું થયું નથી. આ તો બે દિવસનો થાક હતો, તેથી વધારે વખત નીંદર આવી ગઈ. આવો ને” એમ કહીને તે દરવાજા પાસેથી હટી અને ઉષાબહેનને અંદર બોલાવીને કહ્યું, “મમ્મી, બેસો. હું જરા ફ્રેશ થઈને આવું.” એમ કહીને ધ્વનિ પોતાની મનોદશા મમ્મી સમક્ષ દેખાઈ ન જાય માટે ઝડપથી બાથરૂમમાં જતી રહી. ઉષાબહેન રૂમમાં સોફા પર બેસીને જોયું તો ધ્વનિ જે સામાન લઈને આવી હતી તે એમ જ પડ્યો હતો. ધ્વનિએ પોતાની બેગમાંથી સામાન કાઢ્યો જ ન હતો. એ જોતાં જ વિચારમાં પડી ગયાં. કેમ કે આવું તો ધ્વનિેએ કોઈ દિવસ કર્યું જ હતું. તે ઘરને અને પોતાના રૂમને ખૂબ જ સજાવીને રાખતી હતી. તેમને મનમાં થયું કે ચોક્કસ વર્ષાને ત્યાં કશું બન્યું છે .કોઈએ કંઈ કહીને ધ્વનિને દુઃખી કરી નહીં હોય? તેમના મનમાં પણ જાતજાતના સવાલો ઊઠવા માંડ્યા, પણ કોઈ પણ સવાલનો જવાબ એમની પાસે ક્યાં હતો?

થોડીવારમાં ધ્વનિ ફ્રેશ થઈને મમ્મી સમક્ષ આવીને બેઠી. ઉષાબહેને તેનો હાથ પોતાના હાથમાં લેતાં કહ્યું, “બેટા, કશું થયું છે વર્ષાને ત્યાં? કોઈએ તને કાંઈ કહ્યું છે?” “ના, ના, મમ્મી... તમને એવું કેમ લાગ્યું?” “બેટા, તારો ચહેરો ખૂબ જ ઉદાસ છે. હમણાં પણ મેં જોયું કે જાણે તો ખૂબ રડી હોય એવું લાગે છે. બેટા, ચિંતા થાય છે તેથી તને પૂછું છું, શું થયું દીકરા?” તે ખૂબ જ રડી. મમ્મી સમક્ષ પોતાની મનોવ્યથા કહી શકતી નથી, તેથી જૂઠું બોલવું પડે છે. તે ફરીથી બોલી, “ના, મમ્મી... કશું થયું નથી. ત્યાંથી આવ્યા પછી મનોજની ખૂબ યાદ આવી ગઈ. તેમની સાથે કેટલી મસ્તીથી ધુળેટી રમતી હતી. તે બધું યાદ આવી, આંખો મારી વરસી પડી. મમ્મી, બીજું કંઈ જ નથી.” આ સાંભળીને તેમની આંખમાં આંસુ આવી ગયાં. તે સાડીના પાલવથી લૂછ્યાં ને કહ્યું, “હા બેટા તારી વાત સાચી છે. હવે તો ફક્ત યાદ છે જે આપણાં જીવનની જીજીવિશા છે. આમ બોલી તેની માથે પ્રેમથી હાથ ફેરવીને ઊભા થયા અને કહ્યું, “બેટા, થોડીવારમાં નીચે આવી જા. પપ્પા પણ તારી ચિંતા કરે છે” “હા મમ્મી, હું હમણાં જ આવું છું.” ઉષાબહેન રૂમમાંથી જતાં ધ્વનિને મનોમન પસ્તાવો થવા લાગ્યો. પરંતુ મમ્મીને સાચું કારણ પણ કહી શકાય એવી હાલત ન હતી પછી અસહાય નજરે મનોજની તસ્વીર સામે જોયું અને એક નિશ્વાસ નાખીને ઉભી થઈ. માથું ઓળીને નીચે જવા લાગી એટલામાં જ મહેક અને યશને લઈને સમીર દાખલ થયો. મહેક અને યશ પાપા કહેતાં દાદાને ભેટી પડ્યાં અને ઉષાબહેન બોલ્યાં, “આવ સમીર બેટા.” આ નામ કાને પડતાં જ ધ્વનિ પગથિયાં પર અટકી ગઈ. તે મૂંઝવણમાં પડી ગઈ કે શું કરું? નીચે જાઉં કે ન જાઉં? તો સામે સમીરની નજર પણ ધ્વનિ પડતાં તે પણ ત્યાં જ અટકી ગયો. પછી ઝડપથી પોતાની નજર ફેરવીને બોલ્યો, “ના, હું હમણાં જાઉં છું. ઘરે હજી બધા મહેમાનો જવાના બાકી છે.” એમ કહીને જવા માટે ફરી ગયો. મનસુખરાયને ખૂબ જ આશ્ચર્ય થયું કે તે આજે આવું વર્તન કેમ કરે છે? પહેલાં તો કદી આવું બન્યું જ નથી કે તે ઘરે આવ્યો હોય અને ઉષાબહેનના હાથની ચા પીધા વગર પાછો ગયો હોય. તેમણે કહ્યું પણ ખરું, “અરે, ચા પીને જજે.” “ના, ના, પછી કોઈ વખત... આજે ખૂબ જ ઉતાવળ છે.” તેમ બોલીને ઝડપથી બહાર નીકળી ગયો. તેનાથી કોઈની આંખોમાં આંખો નાખીને જોવાતું નહોતું. તે બધા સમક્ષ એક અપરાધી બની ગયો. આજે એક એવી ક્ષણ... કે તે જિંદગીભર નહીં ભૂલી શકે અને આજે બે સ્ત્રીઓના વિશ્વાસને છેહ દીધો હતો એવી ભાવના થઈ રહી હતી.

ધ્વનિ તેને અપલક નજરે જતા જોઈ રહી. તે પણ કશું બોલી શકી નહીં. પછી ધીરે-ધીરે તે નીચે આવી અને બાળકો સાથે વાતો કરવા લાગી. સમીર પપ્પાએ તેમને રસ્તામાં જે ગિફ્ટ આપવી એ બતાવવા લાગ્યા. ધ્વનિ બોલી, “હા, ખૂબ સરસ છે, બેટા.” ઉષાબહેન બોલ્યાં,” સમીરને કહેવું પડશે કે દર વખતે બાળકોને આવી મોંઘી ભેટો આપીને ખર્ચા ન કરે. ઘરમાં પહેલેથી જ એટલું બધું છે. ચાલો બાળકો, હવે તમે ફ્રેશ થઈ જાવ એટલે બધા સાથે જમવા બેસીએ.”

ધ્વનિ પણ ઉઠીને કિચનમાં જવા લાગી પણ આજે તેની ચાલમાં રોજ જેવો ઉત્સાહ ન હતો, એ ઉષાબહેન અને મનસુખરાયથી છાનું ન રહ્યું. જમતી વખતે મહેક અને યશ હોળી ધુળેટીની બધી વાતો દાદા-દાદીની કહેતાં હતાં અને તેઓ પણ ખુશીથી સાંભળતા હતાં. પરંતુ ધ્વનિ ચૂપચાપ જમતી હતી. કશું પણ બોલતી ન હતી. ત્યાં મહેકે કહ્યું, “તમને ખબર છે? બધા મમ્મીને પણ રંગવા માંગતા હતાં પણ મમ્મીએ ના જ પાડી દીધી, પરંતુ વર્ષાઆંટીએ તેમના ગાલ પર રંગ લગાવી દીધો, પછી બધાએ તેમને રંગી નાખી હતી. ઉષાબહેન લાચાર નજરે એની સામે જોયું, તે નીચે નજર કરીને ખાવાનો ડોળ કરતી હતી. તેના મનમાં તો યુદ્ધ ચાલતું હતું. વારે વારે તેને તે ઘટના યાદ આવી જતી.

તે રાત્રે ધ્વનિ શાંતિથી સૂઈ પણ ન શકી. જાણે આંખોમાંથી નિંદ્રા દૂર જ સરકી ગઈ હતી. તે પથારીમાં પાંસા ફેરવતી હતી. વિચારોને મનમાંથી કાઢી નાખીને સૂઈ જવા માંગતી હતી, પરંતુ તે થતું જ નહોતું. અહીંયા સમીરની પણ હાલત એવી જ હતી. વર્ષા તેની બાજુમાં સૂઈ ગઈ હતી. તે ક્યાંય સુધી તેને જોઈ રહ્યો, પછી ધીરેથી નિશ્વાસ નાખતાં મનમાં ને મનમાં તેની માફી માંગીને કહ્યું, “મને માફ કર. આજે હું ના કરવાનું કરી બેઠો.” તે ખુલ્લા મને રડી શકે એમ પણ ન હતો અને વેદના વર્ષાને કહી શકે તેમ પણ ન હતો. આ બધા વિચારમાં જ આખી રાત થઈ ગઈ.

બીજે દિવસે સવારે ધ્વનિ વહેલી ઊઠીને પરવારીને કિચનમાં ગઈ. ત્યાં કામ પરવારીને થોડીવાર ગાર્ડનમાં ચાલવા લાગી. ત્યાં બાળકો આવ્યાં. તેમની સાથે થોડી ઘણી વાતો કરી, બધા સાથે નાસ્તો ફટાફટ પતાવીને પોતાની રૂમમાં ગઈ. આજે ધ્વનિ ખૂબ જ શાંત હતી અને ખાસ વાત પણ કરતી ન હતી થોડી જ વારમાં તૈયાર થઈને ઓફિસ જવા રવાના થઈ. ઉષાબહેનના મનમાં સવાલોની સંખ્યા ઘટતી જ ન હતી. તેમનું મન માનવા તૈયાર હતું જ નહીં કે કશું નથી થયું, પણ નાહક ઘરમાં પાછુ ટેન્શન ઊભું થાય તો? બધા મનોજના ગમને ભુલાવવાની વ્યર્થ કોશિશ કરી રહ્યાં છે, અને જીવી રહ્યાં છે, તો શું કામ કોઈ વાત ઉચ્ચારવી? તેથી તે ચૂપ જ રહ્યાં.

***