Pratishodh - 1 - 21 books and stories free download online pdf in Gujarati

પ્રતિશોધ પ્રથમ અંક - 21

પ્રતિશોધ પ્રથમ અંક

ભાગ:21

ઓક્ટોબર 2019, માધવપુર, રાજસ્થાન

જે મૃતદેહનાં જોડેથી સમીરનું લોકેટ મળી આવ્યું હતું એ મૃતદેહ સમીરનો નહોતો એ જાણ્યાં પછી સમીરની શોધમાં આવેલાં આધ્યા, રાઘવ, જાનકી, રેહાના, યુસુફ અને જુનેદ અસમંજસભરી સ્થિતિમાં મુકાઈ ચૂક્યાં હતાં. આગળ શું કરી શકાય એની થોડી ચર્ચા બાદ જાનકી તુરંત જ બોલી.

"આપણે મોહનગઢ પોલીસ સ્ટેશન જવું જોઈએ. પોતાનાં પોલીસ સ્ટેશનની હદમાં આવો હિચકારો હત્યાકાંડ થયો છે એ જાણ્યાં બાદ ગુજરાલ સમીર જીજુને શોધવમાં અવશ્ય આપણી મદદ કરશે."

"મને લાગે છે જાનકી સાચું કહી રહી છે." જાનકીની વાતને સમર્થન આપતાં રાઘવ બોલ્યો. "આટલાં બધાં મૃતદેહો એક જગ્યાએ મળી આવ્યાં છે એ જાણ્યાં પછી આટલો મોટો કેસ સોલ્વ કરવા એ પોલીસ ઈન્સ્પેકટર આપણી મદદ કરશે."

"તો પછી ફટાફટ અહીંથી નીકળીએ..મોહનગઢ પહોંચતાં રાત પડી જશે." આધ્યાની વાત માની બધાં ફટાફટ પગથિયાં તરફ અગ્રેસર થયાં. પુનઃ ક્ષત-વિક્ષત મૃતદેહો પાસેથી પસાર થવું એ લોકો માટે દુઃસ્વપ્ન સમાન હતું.

જીંદગીમાં ક્યારેય આવું દ્રશ્ય ના જોનાર એ છ લોકો આખરે પોતાની કાર જોડે આવી પહોંચ્યાં. એ આવ્યાં ત્યારે સૂર્યાસ્ત થઈ ગયો હતો. રાઘવે બધાંને ગાડીમાં બેસવા કહ્યું; જેવાં બધાં ગાડીમાં ગોઠવાઈ ગયાં એ સાથે જ રાઘવે ગાડીને મોહનગઢ તરફ જતાં રસ્તે ભગાવી મૂકી. રસ્તાની હાલત સાવ બિસ્માર હોવાથી એમને મોહનગઢ પહોંચતાં સહેજે એક કલાક લાગી ગયો.

પોતાની વાતનું વજન વધુ પડે એ હેતુથી આ વખતે એ છ એ છ જણા એક સાથે ગુજરાલની પર્સનલ કેબિનમાં પ્રવેશ્યાં.

"શું થયું? આટલાં બધાં લોકો એકસાથે અંદર કેમ આવ્યાં?" ગુજરાલ ક્રુદ્ધ સ્વરે બોલ્યો. "સવારે તો તમને કીધું હતું કે મેં બે કોન્સ્ટેબલોને માધવપુર જઈને તપાસ કરવા મોકલ્યાં હતાં. તો પછી હવે અહીં શું કામ આવ્યાં છો?"

"સાહેબ, તમે એ બંને કોન્સ્ટેબલોને અહીં બોલાવો એટલે એમની હાજરીમાં જ તમારાં સવાલોનો જવાબ આપું.!" રાઘવે કહ્યું.

રાઘવના અવાજમાં ભળેલો ક્રોધ જોઈને ગુજરાલને કંઈક ના બન્યું હોવાનું બન્યાંનાં અણસાર આવી ગયાં. એને પોતાનાં ટેબલ પર પડેલી ઘંટડી વગાડી, જે સાંભળી એક કોન્સ્ટેબલ એની કેબિનમાં આવ્યો.

"જા ગણપત અને હમીરને અંદર મોકલ."

એ કોન્સ્ટેબલના ત્યાંથી ગયાંની બીજી મિનિટે તો બે કોન્સ્ટેબલો ગુજરાલની પર્સનલ કેબિનમાં હતાં. જેમાંથી એકની ઉંમર પચાસ વર્ષની આજુબાજુ હતી અને બીજાંની પાંત્રીસ વર્ષ.

"હવે જણાવો શું કહેવું હતું.?" રાઘવને ઉદ્દેશીને ગુજરાલે પૂછ્યું. "આ બંને ગયાં હતાં માધવપુર."

"તો તમે લોકો માધવપુર કિલ્લામાં ગયાં હતાં તપાસ કરવા?" રાઘવે આગઝરતી આંખે ગણપત અને હમીર તરફ જોતાં કહ્યું.

રાઘવના આ પ્રશ્નનો જવાબ આપવાનાં બદલે એ બંને નતમસ્તક થઈને મૌન ધારણ કરી જડવત થઈને ઊભાં રહ્યાં. આ જોઈ ગુજરાલ સમજી ગયો કે ગણપત અને હમીર બંને માધવપુર ગયાં જ નથી અથવા ગયાં છે તો ખાલી નામ માત્રની તપાસ કરીને આવતાં રહ્યાં છે.

"હવે કંઈક બકો તો ખરાં.!" ક્રોધિત સ્વરે ગુજરાલે કહ્યું.

"સાહેબ.." પચાસ વર્ષની આયુ ધરાવતો ગણપત મહાપરાણે આટલું બોલ્યો.

"આગળ બોલો મારાં ભાઈ.." ઊંચા અવાજે ગુજરાલે પોતાનાં ટેબલ પર હાથ પછાળતા કહ્યું.

"સાહેબ, હું અને હમીર માધવપુર કિલ્લામાં તો ગયાં હતાં પણ અમે ગાડીમાંથી નીચે ઊતર્યા વગર..ખાલી આજુબાજુ નજર ઘુમાવીને પાછાં આવી ગયાં."

"તમારી માં ને.." ગુજરાલ ગાળ બોલવા જ જતો હતો પણ આધ્યા, જાનકી અને રેહાનાની હાજરીનાં લીધે એને પોતાનાં ગુસ્સાને કંટ્રોલ કર્યો અને કહ્યું.

"પણ સાહેબ એ હવેલીમાં જીન્ન છે..જે લોકોની આત્માને પોતાનો ગુલામ બનાવે છે." હમીર થોથવાતી જીભે બોલ્યો.

હમીરની વાત સાંભળી ગુજરાલનો ગુસ્સો ક્ષણમાં ગાયબ થઈ ગયો. એને હમીર અને ગણપતને ત્યાંથી જવા માટે રજા આપી અને એમનાં જતાં જ એ રાઘવ અને અન્ય લોકો તરફ જોઈ દિલગીર સ્વરે બોલ્યો.

"સોરી, આ લોકોને મોકલવાનાં બદલે મારે જ ત્યાં જવું જોઈતું હતું. પણ, મારી વાઈફને હમણાં મિસકરેજ થયું છે તો હું એનાં તણાવમાં હોવાનાં લીધે મારાં કામ પર ધ્યાન નથી આપી શકતો. વધારામાં મારી સાત વર્ષની દીકરીની જવાબદારી પણ અત્યારે મારાં માથે છે. સવારે તમારી જોડે અણસાજતું વર્તન કર્યું એ પાછળ પણ આ જ કારણ છે."

ગુજરાલના અવાજમાં રહેલ દર્દને અનુભવતો રાઘવ બોલ્યો.

"ઓફિસર, અમે સમજીએ છીએ કે ઘણીવાર પરિવાર અને પોતાની ફરજ વચ્ચે ઝઝૂમતા તમારાં જેવાં પોલીસકર્મીઓ ઉપર હકીકતમાં કેટલું દબાણ હોય છે."

"તમે માધવપુર ગયાં હતાં એમને.?" ગુજરાલે થોડી સ્વસ્થતા મેળવી પૂછ્યું.

"હા અમે લોકો ત્યાં ગયાં હતાં.." વાતચીતની જવાબદારી સંભાળી રહેલાં રાઘવે કહ્યું. "ત્યાં અમે જે દ્રશ્ય જોયું એ જોયાં પછી અમારાં બધાંનું હૃદય દ્રવી ઉઠ્યું છે."

"એવું તે તમે ત્યાં શું જોયું.?"

"ત્યાં પંદર-પંદર લોકોનાં મૃતદેહો પડ્યાં છે."

"શું પંદર લોકોનાં મૃતદેહ..!" રાઘવની વાત સાંભળી ગુજરાલને વીજળીનો ઝાટકો લાગ્યો હોય એમ એ પોતાની ખુરશી પરથી ઊભો થઈ ગયો.

"મતલબ કે મારો શક સાચો હતો..! એ લોકોનાં ગાયબ થઈ જવા પાછળ રણમાં આવતી આંધી જ જવાબદાર છે." ગુજરાલ પોતાનાં ટેબલ પર પડેલાં ગ્લાસમાંથી પાણીનો ઘૂંટ ભરતાં બોલ્યો.

"ઓફિસર, અમે જે મૃતદેહો જોયાં એ કોઈ રેતીમાં દટાયેલાં નથી.." રાઘવે કહ્યું. "ત્યાં ભયંકર નરસંહાર થયો છે. પંદર લોકોની નિર્મમ અને ઘાતકી રીતે હત્યા કરવામાં આવી છે."

"શું વાત કરી રહ્યાં છો? માધવપુર કિલ્લામાં પંદર લોકોની હત્યા!" રાઘવના મુખેથી આ હત્યાકાંડની ખબર સાંભળી ગુજરાલનું મગજ સુન્ન મારી ગયું હતું.

"ત્યાં બીજાં લોકોનાં મૃતદેહ મળ્યાં છે પણ મારાં હસબંડ સમીરનો કોઈ પત્તો નથી." આધ્યાએ કહ્યું. "સાહેબ, મહેરબાની કરીને તમે સમીરને શોધવામાં અમારી મદદ કરો, સાથે એ પણ તપાસ કરો કે આ હત્યાકાંડ પાછળ આખરે કોણ છે.?"

"ચોક્કસ, હું તમારી અવશ્ય મદદ કરીશ." પોતાની કાંડા ઘડિયાળ તરફ જોતાં ગુજરાલે કહ્યું. "પણ જોવો અત્યારે નવ વાગવા આવ્યાં, મારી પારિવારિક સમસ્યાને લીધે મારે અત્યારે ઘરે જવું પડે એવું છે. તમે મારી પરિસ્થિતિ સમજી શકો છો. આવતીકાલે સવારે સાડા આઠ વાગે તમે અહીં આવી જજો, આપણે સાથે માધવપુર જઈશું."

ગુજરાલની પારિવારિક સ્થિતિ અને રાતે માધવપુરનાં કિલ્લામાં પ્રકાશનાં અભાવે શોધ કરવામાં રાતે પડનારી તકલીફોને ધ્યાને લઈ બધાંએ ગુજરાલનો પ્રસ્તાવ સ્વીકારી લીધો અને સવારે પોતે ટાઈમસર આવી જશે એમ કહી ત્યાંથી વિદાય લીધી.

*************

પોલીસ સ્ટેશનથી નીકળી એ લોકો પુનઃ પોતે રોકાયાં હતાં એ લોજમાં પાછાં આવ્યાં. બપોરે જમ્યાં નહીં હોવાનાં લીધે બધાં જમવા માટે લોજનાં ગ્રાઉન્ડ ફ્લોર પર બનેલાં રેસ્ટોરેન્ટમાં એકઠાં થયાં.

જમી પરવારીને રાઘવ સિવાય બાકીનાં બધાં સુવા માટે પોતપોતાનાં રૂમ તરફ આગળ વધ્યાં. જે કંઈપણ પોતે આજે જોયું હતું એ ખરેખર હૃદયદ્રાવક હતું એ વિચારી રાઘવનું મન વિહ્વળ બની ગયું. પોતાની કંપનીનાં ચાર જુનિયર અધિકારીઓની લાશ જોયાં બાદ સમીર ક્યાં હતો એ વિશે વિચારતાં રાઘવનું મગજ ચકરાવે ચડી ગયું.

રાઘવે માનસિક તાણ દૂર કરવાં બિયરની એક ચિલ્ડ બોટલ મંગાવી અને બિયર પીતાં-પીતાં જ પોતાનાં મોબાઈલમાંથી એક નંબર ડાયલ કર્યો. ત્રણ-ચાર મિનિટ વાત કર્યાં બાદ રાઘવે ફોન ડિસ્કનેક્ટ કરી દીધો. ત્યારબાદ એને ફટાફટ બિયર પુરી કરી અને પોતાનાં રૂમ તરફ અગ્રેસર થયો.

ઈન્સ્પેકટર ગુજરાલના કહ્યાં મુજબ એ લોકો ફિટ સાડા આઠ વાગે મોહનગઢ પોલીસ સ્ટેશન આવી પહોંચ્યાં. એ લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યાં ત્યારે ગુજરાલ ગણપત, હમીર અને અન્ય બે કોન્સ્ટેબલો સાથે હાજર હતો.

રાઘવ અને અન્ય લોકોનાં આવતાં જ ગુજરાલે હમીરને પોલીસ જીપને માધવપુર કિલ્લા તરફ હંકારવા આદેશ આપ્યો. હમીર અને ગણપત બંનેનાં ચહેરા પર હજુપણ ભય ડોકાતો હતો.

કલાકની સફર બાદ પોલીસ જીપ અને સ્કોર્પિયો માધવપુર કિલ્લામાં પ્રવેશી ચૂકી હતી. રાઘવે સ્કોર્પિયો તળાવની નજીક ઊભી કરી અને સ્કોર્પિયોમાંથી હેઠે ઉતર્યો. સ્કોર્પિયોમાં બેસેલાં બાકીનાં બધાં પણ એની જોડે નીચે આવ્યાં. ગુજરાલ અને એની ટીમ પણ જીપમાંથી હેઠે ઉતરી એ લોકો જોડે આવીને ઊભી રહી ગઈ.

"ચલો ઓફિસર, આ તરફ..!" આટલું કહી રાઘવ કિલ્લામાં નિર્મિત જાહેર ઈમારતો તરફ આગળ વધ્યો.

થોડું આગળ ચાલ્યાં બાદ એ લોકો જઈને મંદિર અને મસ્જિદ વચ્ચે પડતી અંધિયારી ગલીમાં આગળ આવીને ઊભાં રહી ગયાં. રાઘવે પોતાની ટોર્ચ ઓન કરી અને ટોર્ચનો પ્રકાશ ગલીમાં ફેંકતા કહ્યું.

"જોવો ઓફિસર, અહીં આ ત્રણ..!" રાઘવના શબ્દો જાણે એનાં ગળામાં આવીને જ અટકી ગયાં.

રાઘવની સાથે એની જોડે આવેલાં પાંચેય લોકોનાં ચહેરા પર અત્યારે દુનિયાભરનું આશ્ચર્ય ઉભરાઈ આવ્યું હતું. એ લોકોએ ગઈકાલે જે મૃતદેહો જોયાં એમાંથી એકપણ મૃતદેહ અત્યારે ત્યાં મોજુદ નહોતો.

*********

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)