premnu vartud - 9 books and stories free download online pdf in Gujarati

પ્રેમનું વર્તુળ - ૯

પ્રકરણ-૯ વૈદેહીના પ્રયત્નો

વૈદેહી ધીમે ધીમે રેવાંશના ઘરમાં સેટ થવાનો નિરર્થક પ્રયત્ન કરી રહી હતી. સમય ધીમે ધીમે વહી રહ્યો હતો. વૈદેહી ક્યારેક ફોન પર પોતાની માતા જોડે વાત કરી લેતી જેથી એનું મન હળવું થઇ જતું. વૈદેહી અને રેવાંશના લગ્નને લગભગ એકાદ વર્ષ જેટલો સમય વીતી ગયો. એ દરમિયાન વૈદેહીનો પી. એચ. ડી. નો અભ્યાસ પણ ચાલુ થઇ ગયો હતો. એક વર્ષ પછી એને એ જે કોલેજમાં પી. એચ. ડી. કરી રહી હતો ત્યાં જ લેકચરર ની જોબ માટેની ઓફર આવી. એણે તે સ્વીકારી લીધી. વૈદેહીને જોબ મળવાથી રેવાંશ ખુબ ખુશ થયો. કારણ કે, એ તો ઈચ્છતો જ હતો કે એની પત્ની કમાતી હોય.
આજે વૈદેહીને જોબ શરુ કર્યા ને લગભગ એક મહિનો થઇ ગયો હતો. આજે એના હાથમાં પહેલો પગાર આવવાનો હતો. એ મનોમન વિચારી રહી હતી કે, મારા પહેલા પગારમાંથી હું મારા સાસુ, સસરા, રેવાંશ અને નણંદ માટે ભેટ લઇ આવીશ. લગભગ બે દિવસ પછી એના હાથમાં પગારનો પહેલો ચેક આવ્યો. એ ખુશ થતી ઘરે આવી અને એણે રેવાંશ ને બતાવ્યો. રેવાંશ ખુબ ખુશ થઇ ગયો. અને એણે રેવાંશને કહ્યું, રેવાંશ, હું આ પૈસામાંથી બધાં માટે ભેટ ખરીદવા માંગું છું.”
“ના, એની કોઈ જરૂર નથી. લાવ, આ ચેક મને આપી દે. હું તારા ખાતામાં જમા કરાવી આવીશ. અને ચેક જમા થઇ જય પછી તારું એ ટી એમ પપ્પાને આપી દેજે.” રેવાંશ એ માત્ર એટલું જ કહ્યું.
“પણ કેમ?’” વૈદેહી એ પૂછ્યું.
“તને કહું એટલું કર તું. તારે મને સામા પ્રશ્નો નહિ પૂછવાના. જેટલું કીધું એટલું તું કર.” રેવાંશ એ કહ્યું.
વૈદેહી ઘરમાં શાંતિ રહે એટલું જ ઇચ્છતી હતી એટલે એણે ચુપચાપ ચેક અને એ ટી એમ બંને રેવાંશને આપી દીધા. રેવાંશ એ લઇ લીધા અને ત્યાંથી ચાલ્યો ગયો. વૈદેહી તકિયા નીચે પોતાના આંસુ છુપાવીને રડવા લાગી. એના કેટલા અરમાનો હતા કે, એ પોતાના પહેલા પગારમાંથી બધાં માટે ભેટ લાવશે પણ...
એના હાથમાં તો એનો પગાર આવ્યો જ નહિ. હા, રેવાંશ વૈદેહીને વાપરવા માટે પૈસા જરૂર એ માંગે એટલા આપી દેતો અને ક્યારેય હિસાબ પણ ન માંગતો. પણ તો ય વૈદેહીને દુઃખ થયું કે, હું પોતે કમાતી હોવા છતાં મારે તો પૈસા રેવાંશ પાસે માંગવા જ પડે છે. પછી એણે પોતાના મનને મનાવ્યું, “ધીમે ધીમે બધું સરખું થઇ જશે. મારા મૌન રહેવાથી જો ઘરમાં શાંતિ જળવાતી હોય તો મારું મૌન જ ધારણ કરવું ઉચિત છે.
વૈદેહી ઘરના કામકાજ અને નોકરી અને ઉપરથી પી. એચ. ડી. નો અભ્યાસ. આ બધું ભેગું થતા વૈદેહી ખુબ થાકી જતી. એક વર્ષ વીતી ગયું છતાં એના સાસુ એને રસોઈને હાથ પણ અડાડવા ન દેતા. માત્ર લગ્નના પહેલા દિવસે એણે રસોઈ બનાવી એ પછી જયારે એના સાસુ ન હોય ત્યારે જ એ રસોઈ બનાવતી. બાકી તો એના સાસુ જ રસોઈ બનાવતા. વૈદેહીના ભાગે તો માત્ર કચરા પોતા અને વાસણ ઉટકવાનું કામ જ આવતું. વૈદેહીના સાસુ કામ તો કરતા પરંતુ સાથે શબ્દોનો મારો પણ ચલાવતા. “મારે તો વહુ આવી તો ય નિરાંત નથી. મારે માથેથી તો કામ ઉતાર્યું જ નહિ. મારા કામમાં તો કઈ ઘટાડો જ થયો નહિ. ઉલટું મારે તો એક માણસનું કામ વધ્યું.”
સાસુની આવી વાત સાંભળીને વૈદેહી એને મદદ કરવાના પુરા પ્રયત્નો કરતી પરંતુ જેવી એ રસોડામાં જતી કે તરત જ એની સાસુ એને કહી દેતા, તું રહેવા દે બેટા, તને નહિ ફાવે. હું કરી નાખીશ. આવું સાંભળીને વૈદેહી ચુપચાપ રસોડાની બહાર નીકળી જતી. એ રસોડાની બહાર નીકળતી તો સામે એની નણંદ મહેણા મારવા ઉભી જ હોય. એ બોલી ઉઠતી, “ભાભી, રસોડામાં જઈને મમ્મીને મદદ કરો. અહી શું બેઠા છો?” એટલે વૈદેહી ફરી પછી રસોડામાં જઈને ઉભી રહેતી અને સાસુને મદદ કરવા આવી જતી. એને સમજ જ નહોતી પડતી કે એ શું કરે?
પછી વૈદેહીએ નક્કી કર્યું કે, જયારે સાસુ રસોડામાં હોય ત્યારે એણે પણ રસોડામાં જ રહેવું અને એમને જોઈતી સાધનસામગ્રી આપવી. અને પછી રસોઈ થઇ જાય એટલે બધાં જમવા બેસતા ત્યારે વૈદેહીના સાસુ પોતે જ રોટલી ઉતારતા અને વૈદેહીને પણ બધાની જોડે જમવા બેસાડી દેતા. એટલે રેવાંશ તરત બોલતો, મમ્મી, તું બેસી જા ને અને વૈદેહીને રોટલી કરવા દે.”
“ના, દીકરા, એને વાર લાગશે, એના કરતા હું ફટાફટ કરી નાખું. તમે બધાં જમી લો.”
“મમ્મી, તું આવી રીતે કરીશ તો એને કોઈ દિવસ રસોઈ જ નહિ આવડે.” રેવાંશ બોલ્યો.
“આવડી જશે બેટા, ધીમે ધીમે એને પણ આવડી જશે.” એની મમ્મી જવાબ આપતી.
સાથે મહેક પણ બોલી ઉઠતી, “ભાભીને તો જલસા છે. સાસુના હાથનું જમવાનું મળે છે. મારી મમ્મીને ભાભીના હાથનું ક્યારે જમવા મળશે?’
નણંદની આવી વાતો સાંભળીને વૈદેહી મનોમન સમસમી ઉઠતી કે, પહેલા મને કરવાનો મોકો તો આપો પણ એ કઈ જ ન બોલતી અને ચુપચાપ જમવા લાગતી. કારણ કે, એ ઇચ્છતી હતી કે ઘરમાં શાંતિ સ્થપાયેલી રહે. પણ વૈદેહી ક્યાં જાણતી હતી કે, એના આ બધાં પ્રયત્નો નિરર્થક છે.
સમય વીતી રહ્યો હતો. એ દરમિયાન વૈદેહી ની ફોરેસ્ટ ઓફિસરની મુખ્ય પરિક્ષા આવી. જે આપવા એને અમદાવાદ જવાનું હતું. ત્રણ દિવસના એના પેપર હતા એટલે એણે ત્રણ દિવસ ત્યાં રોકવાનું હતું. વૈદેહી એ એમાં પાસ થવા માટે ખુબ મહેનત કરી હતી.
રેવાંશએ અમદાવાદ હોટલ માં બંનેનું બુકિંગ કરાવી રાખ્યું હતું. લગ્ન પછી આ પહેલો મોકો હતો કે જયારે રેવાંશ અને વૈદેહી બંનેને એકલા સાથે રહેવાનો મોકો મળ્યો હતો. કારણ કે, બંનેને લગ્ન પછી ક્યાંય ફરવા પણ મોકલવામાં નહોતા આવ્યા.
રેવાંશ અને વૈદેહી હવે અમદાવાદ જવા માટે બસમાં નીકળ્યા. વૈદેહીને લાગ્યું હતું કે, બંનેને કારમાં જવાનું હશે પણ લગ્નના એક વર્ષમાં વૈદેહીને ક્યારેય કારમાં બેસવા મળ્યું નહોતું. એને અને રેવાંશને તો હમેશા બસમાં જ જવાનું થતું. કાર માત્ર ત્યારે જ બહાર નીકળતી કે જયારે આખા પરિવાર ને સાથે જવાનું હોય. વૈદેહીને સમજાતું નહોતું કે, ઘરમાં ગાડી હોવા છતાં બસમાં જવાનો આગ્રહ શું કામ? અને રેવાંશ તો ક્યારેય પોતાના માતા પિતા વિરુદ્ધ કદી કઈ બોલતો જ નહિ. કારણ કે એનો તો ઉછેર જ એવો થયો હતો એટલે પોતાને કારમાં જવાની ઈચ્છા હોવા છતાં એ પોતાની ઈચ્છાને મનમાં જ દબાવી દેતો અને ક્યારેય કઈ બોલતો જ નહિ.
વૈદેહી અને રેવાંશ બંને હવે અમદાવાદ જવા રવાના થયા.
કેવી રહેશે વૈદેહી અને રેવાંશની અમદાવાદની સફર? શું વૈદેહી ફોરેસ્ટ ઓફિસરની પરિક્ષા પાસ કરશે?