VARGHODO books and stories free download online pdf in Gujarati

વરઘોડો

વાર્તા- વરઘોડો લેખક- જયેશ એલ.સોની.ઊંઝા મો.નં.9601755643
જાન ની લકઝરી બસ ગામમાં પ્રવેશી એટલે પાદરે રમતાં છોકરાં દોડતાં લગ્નના માંડવે જઇને વધામણી આપી આવ્યાં.લકઝરી બસ જાનીવાસ આગળ પહોંચી.કન્યાના પિતાજી સુમતિભાઇ એમના આખા કુટુંબ સહિત વેવાઇને આવકારવા આવી ગયા હતા.વેવાઇઓ અને વેવાણ ગળે મળ્યા.જાનૈયાઓ પણ મહેમાનો સાથે હળીમળી ગયા.વિઠ્ઠલ ઢોલી મન ડોલી જાય એવો ઢોલ વગાડી રહ્યો હતો.કન્યાપક્ષની જે મહિલાઓ આવી હતી એ સહુ વરરાજા રજનીકુમારને જોવા આતુર હતી.સૌથી છેલ્લે શેરવાની અને માથે ગુલાબી રંગનો સાફો પહેરેલા વરરાજા લકઝરીમાં થી ઉતર્યા ત્યારે ત્યાં હાજર સહુની આંખો પહોળી થઇ ગઇ.વાર્તાઓમાં આવતા રાજકુમાર જેવું રૂપ હતું.તન્વી ના ભાગ્યની ઇર્ષા આવે એવો વરરાજા હતો.મહેમાનોને એવો વિચાર તો આવ્યો જ કે ગામડામાં સામાન્ય કરિયાણાની દુકાન ધરાવતા સુમતિભાઇને આ વેવાઇએ કેવી રીતે પસંદ કર્યા હશે.જો કે તન્વી પણ રૂપરૂપનો અંબાર હતી અને ગ્રેજ્યુએટ સુધી ભણેલી તો હતી જ.
રજનીકુમારના પિતાજી ઓમકારભાઇ શહેરના પ્રતિષ્ઠિત બિલ્ડર અને ધનકુબેર હતા.તેમને સંતાનમાં એક દીકરો રજની અને બે દીકરીઓ હતી રાજવી અને સમૃદ્ધિ . બંને દીકરીઓ પરણાવી દીધી હતી.શહેરમાં એમનો વૈભવી બંગલો અને મોંઘીદાટ ગાડીઓ જોઇને લોકો દંગ થઇ જતા હતા.કોઇપણ કંપનીની ગાડીનું નવું મોડલ બહાર પડે એટલે પહેલું બુકિંગ રજનીકુમારનું જ હોય.આટલું ધન હોવા છતાં પણ ઓમકારભાઇ ના પગ જમીનને જ અડકેલા હતા.તેમના લગ્ન પણ રમાબેન સાથે નાના ગામડામાં જ થયા હતા.પંચાવન વર્ષની ઉંમરે પહોંચેલા ઓમકારભાઇ ના જીવનનાં ત્રીસ વર્ષ તો દારૂણ ગરીબીમાં વિત્યા હતા.પણ પછી ભાગ્ય એ સાથ આપ્યો અને ધનપતિ થયા.તેમનો ઉછેર નાના ગામડામાં જ થયો હતો એટલે ગામડાં ઉપર એમને વિશેષ પ્રેમ હતો.વર્ષમાં ચારેક વાર તો એ અલગઅલગ ગામડાઓમાં હવન કરાવતા અને હજારો લોકોને જમાડતા.બંને દીકરીઓનાં લગ્ન પણ એમણે પોતાના વતનના ગામડે જ દેશી પરંપરા પ્રમાણે જ કરાવ્યા હતા.
દીકરો યુવાન થયો એટલે લગ્ન માટે માગાં આવવાની શરૂઆત થઇ ગઇ.દીકરાને પણ પપ્પાની જીવનકથા ખબર હતી એટલે એને પણ ગામડામાં રસ હતો.શહેરની ઘણી કન્યાઓ જોઇ પણ તેનું મન સ્વીકારતું નહોતું.છેવટે ઓમકારભાઇએ એમની રીતે તપાસ કરાવીને તન્વી સાથે મુલાકાત કરાવી અને સગપણ નક્કી કર્યુ.
જાનીવાસે સુમતિભાઇએ ચા નાસ્તાની વ્યવસ્થા વેવાઇને શોભે એવી કરી હતી.જાનૈયાઓ પણ ખુશ હતા.જાનૈયાઓને એવું તો હતું જ કે આખી જાન અલગઅલગ ગાડીઓમાં જશે પણ વેવાઇએ બે લકઝરીઓ જ બોલાવી હતી અને વેવાઇ પોતે તથા રજનીકુમાર પણ સહુની સાથે લકઝરીમાં જ બેઠા હતા.એકપણ કાર લાવ્યા નહોતા.
જાનીવાસથી માંડવે વરઘોડો લઇને જવાનું હતું.બેન્ડવાજા અને ઘોડો આવી ગયો હતો.મુરત જોઇને વરઘોડો ઉપડ્યો.ધૂળની ડમળીઓ ઉડી રહી હતી.જાનૈયાઓ મન મૂકીને નાચ્યા.જાનૈયા શહેરના હતા એટલે આવો વરઘોડો કદી જોયો નહોતો પણ આજે બધા ખુશખુશાલ થઇ ગયા.મહિલાઓએ પણ વરઘોડામાં રાસ ગરબા કર્યા.આખું ગામ વરઘોડો જોવા ઉમટી પડ્યું હતું.ગામલોકો કહેતા હતા કે સુમતિભાઇ ભલા માણસ હતા એટલે એમની દીકરીને સારા ઘરનો મુરતિયો મળ્યો.
વરઘોડો માંડવે પહોંચ્યો.ઘર આગળ જ નાનો મંડપ અને ચૉરી બનાવી હતી.ઓમકારભાઇએ જ વેવાઇને કહ્યું હતું કે વર્ષો પહેલાં જેવી રીતે સાદાઇથી લગ્ન થતા એવું જ દ્રશ્ય લાગવું જોઇએ.મહેમાનો માટે ગાદલા પાથર્યા હતા અને શરબત પીરસવામાં આવી રહ્યો હતો.શરણાઇ અને ઢોલ વાગી રહ્યો હતો.ફોટા પાડવામાં આવી રહ્યા હતા તથા વિડિયો પણ ઉતરી રહ્યો હતો.દેશી લગ્નગીતો ગવાઇ રહ્યા હતા.
ગોરમહારાજે લગ્નવિધિ ચાલુ કરી.દ્રશ્ય એવું લાગી રહ્યું હતું કે પચાસ વર્ષ પહેલાંનો સમય હોય.ફોટા અને વિડિયો જોઇને તો એમજ લાગશે કે વર્ષો જૂનો કોઇ પ્રસંગ હશે.ઓમકારભાઇની આંખો સહેજ ભીની થઇ.
' બેટા ઓમકાર તારા લગ્ન ઉકેલાય એની ઉત્કંઠા માં આ શરીર ચાલી રહ્યું હતું.હવે સમય થઇ ગયોછે દીકરા'
' ના બાપુજી તમારેતો હજી ઘણું જીવવાનું છે.દાદા બનવાનું છે.' ઓમકારભાઇએ બાપાનો હાથ પંપાળતાં કહ્યું.
' બેટા, મેં તો આખી જિંદગી ગરીબીમાં કાઢી પણ તારૂં ભવિષ્ય ઉજ્જવળ છે.અંબારામ જ્યોતિષીએ તારી જન્મકુંડળી જોઇને કહ્યું હતું કે આ દીકરો ધનકુબેર બનશે.'
' તો મને ધનકુબેર બનતો જોવાતો તમારે જીવવું જ પડશે'
' દીકરા મને એક વચન આપીશ?'
' બોલો બાપુજી તમારે મારી પાસે માગવાનું હોય જ નહીં.હુકમ કરો'
' બેટા, આપણા વડવાઓ પણ ગામડામાં જ રહ્યા હતા અને આપણે પણ.હવે પછીનો સમય શહેરમાં લોકો વસવા લાગ્યા છે એટલે ગામડાઓની પરંપરા લુપ્ત થઇ રહી છે.ગામડાના જીવનમાં જે મજાછે એ શહેરમાં નથી એ બધા જાણેછે છતાં શહેર તરફ ભાગેછે.તું ગામડાને ભૂલતો નહીં.ભવિષ્યમાં તારાં સંતાનોના પ્રસંગો કરે એ પણ ગામડામાં જ કરજે.'
અઠવાડિયા પછી બાપુજીનું અવસાન થયું પણ એમના છેલ્લા શબ્દો દિલમાં જડાઇ ગયા હતા.
ગોરમહારાજ વરઘડિયાંને લગ્નફેરા ફેરવી રહ્યા હતા અને સપ્તપદી નો અર્થ તથા મહત્વ સમજાવી રહ્યા હતા.રજનીકુમાર અને તન્વી બંનેના મુખ ઉપર હરખ છલકાઇ રહ્યો હતો.
જમણવાર નો સમય થઇ ગયો હતો.નીચે બેસીને જમવાની પંગત પાડવામાં આવી અને ગામના યુવાનો પીરસી રહ્યા હતા.મહેમાનો ને પ્રેમ થી આગ્રહ કરીકરીને જમાડ્યા.જાનૈયાઓ દેશી પદ્ધતિના જમણવાર થી સંતુષ્ટ થઇ ગયા.
રજનીકુમાર ના મિત્રો તથા શહેરથી આવેલા જાનૈયાઓ એવું બોલી રહ્યા હતા કે શહેરના લગ્નો માં કૃત્રિમતા જ હોયછે, માત્ર વૈભવનો દેખાડો અને ભપકો જ હોયછે.અહીં જે અનુભવ કર્યો એ ખરેખર અદ્ભુત છે.બે ચાર મિત્રોએ તો સંકલ્પ પણ કર્યો કે લગ્ન ગામડામાં જ કરવાછે.ગામડામાં જ ધબકતું જીવન છે.ઓમકારભાઇ અને રમાબેનના ચહેરા ઉપર સંતોષ સાથે નો આનંદ છલકાઇ રહ્યો હતો.
( સમાપ્ત)