A love triangle ... a sensational story. books and stories free download online pdf in Gujarati

પ્રણય ત્રિકોણ ... એક સંવેદના કથા.

પ્રણય ત્રિકોણ ... એક સંવેદના કથા.

(અહીં રજુ કરવામાં આવેલી પ્રણયકથા સંપૂર્ણપણે લખાયેલી સ્વરચિત કાલ્પનિક વાર્તા છે. તેમાં દર્શાવેલ દરેક પાત્ર, સ્થળ, પરિસ્થિતિ વગેરે કાલ્પનિક જ છે. આ બાબતે કોઈએ આ વાર્તામાં પ્રવાહમાં બંધબેસતી પાઘડી પહેરવી નહીં)

રાજન દવે એક મધ્યમવર્ગીય ઉચ્ચ બ્રાહ્મણ ખાનદાન ધરાવતા શિક્ષક પરિવારનો શિક્ષિત દીકરો હતો. તેનાં લગ્ન તેમની જ જ્ઞાતિની નજીકના ગામના મણીલાલ જોષીની એકની એક દીકરી રેવતી સાથે થયાં હતાં. મણીલાલ પોતે ગામની જ પ્રાથમિક કુમાર શાળામાં મુખ્યશિક્ષક હતા. લગ્ન સમયે રાજનની ઉંમર 25 વર્ષ અને રેવતીની ઉંમર 23 વર્ષની હતી. રાજન તેના ગામની જ માધ્યમિક શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતો હતો. રાજન ઘરમાં સૌથી મોટો હતો. તેને એક ભાઈ અને એક બહેન હતાં.
તેમનો ધરસંસાર સુપેરે ચાલતો હતો. બાળકોમાં તેને માત્ર બે દીકરા જ હતા. તેને નોકરી દરમિયાન ગામમાં પોતાની એક અલગ છાપ પણ ઉપસાવી હતી. તે વિદ્યાર્થીઓમાં પ્રિય અને આચાર્યનો માનીતો હતો. ગામની શાળાની દશેક વરસની નોકરી બાદ તે આગળ વધવાની ઈન્તજારમાં હતો. હવે તેને આચાર્ય બનવાનો રાગ તેના મનમાં આલાપ્યો.
આચાર્ય બનવા માટે તેના પ્રયત્નો સઘન બન્યા. તેની અરજીની પ્રતિભાશાળી વિગતો, કાર્યકુશળતા, બોલવાની છટા તથા હોશિયારીને કારણે ધનસુરાની માધ્યમિક શાળામાં તેની આચાર્ય તરીકે પસંદગી પણ થઈ. જૂન માસથી શરૂ થતા નવા શૈક્ષણિક વર્ષથી તેણે પોતાનો પદભાર પણ સંભાળી લીધો. શાળામાં બાલવર્ગથી શરૂ કરી 10 ધોરણ સુધીની શાળા હતી.
તેણે દરેક વિભાગમાં સંચાલન માટે સ્ટાફમાંથી જ યોગ્ય શિક્ષકની પસંદગી કરી તેમને કન્વીનર બનાવ્યા. ઘોરણ 8 થી 10ની જવાબદારી પોતાની પાસે રાખી. ધોરણ 01 થી 04 તથા 05 થી 07ના અનુક્રમે 16 અને 18 વર્ગો માટે 07 વધારના તાલીમી શિક્ષકોની નિમણૂંક કરાવી. આથી શિક્ષકોનો ઉત્સાહ વધી ગયો.
માધ્યમિકમાં શિક્ષણ બોર્ડના નિયમ મુજબ શિક્ષકો હતા.તેથી આ વર્ષ પછીના વર્ષો માટે ધોરણ 11 સામાન્ય પ્રવાહ તથા વ્યવસાયલક્ષી પ્રવાહ શરૂ કરવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને અરજી પણ કરી દીધી.
શિક્ષણકાર્ય સુપેરે ચાલે અને વિદ્યાર્થીઓ શિક્ષણ સહિત સ્વવિકાસની અન્ય પ્રવૃત્તિ ઓમાં ભાગ લેતા થાય તે માટે શાળામાં વિવિધ પ્રકારની સાંસ્કૃતિક અને અને શૈક્ષણિક પ્રવૃત્તિઓની ક્લબોની રચના કરી અને આયોજનનો દૌર શરૂ થયો. તે સૌને સાથે લઈને ચાલતો હતો. તેનું સૂત્ર હતું ... "ચાલો, સાથે મળી આપણે શાળા વિકસાવીએ." "તમે કરો નહિ, આપણે કરીએ." બધા ઉત્સાહથી કોઈપણ રાગદ્વેષ વગર સાથે મળી શાળા હંકારતા હતા. શાળાએ ધનસુરા નગરમાં એક આગવી ઓળખ ઊભી કરી હતી અને તેની સુવાસ પુરા સાબરકાંઠા જિલ્લામાં ફેલાઈ ચૂકી હતી.
બે વર્ષના શિક્ષણયજ્ઞના ફળ સ્વરૂપ S. S. C. E. ધોરણ 10 ની પરીક્ષામાં રાજનભાઈનો દીકરો વૈભવ 89-67 % સાથે સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ અને માધ્યમિક શિક્ષણ બોર્ડમાં 07 મા ક્રમે હતો. હવે તો આ નગરના બહાર દેશ-વિદેશમાં વસતા સ્થાનિક નાગરિકોનું ધ્યાન પણ ધનસુરા નગરની આ શાળા પ્રત્યે આકર્ષિત થયું. આ સમય દરમિયાન ધોરણ 11 અને 12ના સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહના વર્ગો પણ શરૂ થઈ ગયા હતા. આ અરસામાં શાળાની સ્થાપનાને દશ વર્ષ પૂરાં થતાં હોવાથી દશાબ્દિ મહોત્સવ ઉજવવાનું નક્કી થયું. તે પણ રંગેચંગે પાર પાડયો અને મંડળને લાખો રૂપિયાની આવકનો પ્રવાહ શરૂ થયો.
આ ત્રણ-ચાર વરસના ગાળા દરમિયાન રાજનને શાળાના કેટલાક ટેલેન્ટેડ શિક્ષકોની પણ પ્રાપ્તિ થઈ. શાખા કોઈ પણ હોય, તેના હૈયે કોઈ ભેદ નહોતા. તેણે આમાંથી ચાર જેટલા શિક્ષકો અલગ તારવ્યા. જે માત્ર M. A; B. Ed. હતા તેમને મોડાસાની B.Ed. કોલેજમાં M. Ed. કરવા શનિવારે અને રવિવારે જવાની મંજુરી આપી. B. A; B. Ed. ઍક્સટર્નલ M.A. કરવા માટે તથા માત્ર P. T. C. થયેલાની ઍક્સટર્નલ B. A. કરાવવા ભણાવવાની જવાબદારી પોતે લીધી. આમ બે બહેનો અને બે ભાઈઓમાં માત્ર P. T. C. થયેલ બહેન રાજવીને શરૂઆતમાં ત્રણ વર્ષ ભણાવવાની માટેની પૂર્ણ જવાબદારી રાજનના શિરે આવી. બીજા બે જણને તો માત્ર બે વર્ષ માર્ગદર્શન જ કરવાનું હતું.
રાજવી પણ એક ઉચ્ચ બ્રાહ્મણ પરિવારમાંથી આવતી હતી. તેને આજ શાળામાં ધોરણ 10 સુધી અભ્યાસ કરી P. T. C. કર્યું હતું. હોશિયાર હતી અને સમજદાર પણ. તેના પિતાની આર્થિક સ્થિતિ પણ ઘણી નબળી હતી તેથી આગળ ભણવાની ઈચ્છા દબાવી દીધી હતી. ત્રણ ભાઈ-બહેનોમાં તે સૌથી મોટી. તે થોડી સ્વામાની પણ ખરી. પણ આચાર્યના નિર્ણયથી તેના દિલમાં છુપાયેલ આગળ અભ્યાસ કરવાનો કીડો સળવળ્યો અને બેઠો થયો. તે ભણવા માટે તૈયાર થઈ. તેના સંપૂર્ણ ભણતરનો તમામ ખર્ચ પણ રાજને પોતાના શિરે લીધો.
રાજનની પત્ની રેવતી ગુજરાતી સાથે B. A. થયેલી હતી. રાજવીને ગુજરાતી વિષયમાં તૈયાર કરાવવાની જવાબદારી રેવતીએ સ્વીકારી. આમ કેટલોક સમય ભણવા તે રાજનના ઘેર આવે. તે રેવતીની અતિપ્રિય અને લાડકી બની ગઈ. દરેક શનિવારે અને રવિવારે રાજન નિયમિત અંગ્રેજી તથા બીજા વિષયો ભણાવવા રાજવીને ઘેર જાય. રાજનના દિલમાં રાજવી માટે સંવેદનાનો ભાવ હતો. આમને આમ ભણતાં-ભણાવતા બંન્ને એકબીજાની નજીક આવતા ગયા. પરંતું સંબંધ તો ગુરુ-શિષ્યની વેદી પર સલામત હતો.
રાજવી રાજન કરતાં 14 વર્ષ નાની હતી. હાલ રાજવી 24 વર્ષની છે. તેના પિતા તેને લગ્ન માટે સમજાવી હતી પણ તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. રાજન અને રેવતીએ પણ આ માટે ઘણા પ્રયત્નો કર્યા પણ નિષ્ફળતા મળી. આમ ને આમ રાજવી M.A. M. Ed. થઈ ગઈ અને રાજન ના વિભાગમાં તે આવી ગઈ. તે 33 વર્ષની થઈ ચૂકી હતી. આ દરમિયાન તેણે રાજનના સહયોગથી ગજરાત સરકાર દ્વારા લેવાતી શિક્ષણાધિકારીની પરીક્ષા પ્રથમક્રમે પાસ કરી હતી.
સમયના વહેણ સાથે તેની ગુજરાત સરકાર દ્વારા પસંદગી પણ થઈ અને રાજવી વ્યાસની પહેલી નિમણૂંક સાબરકાંઠા જિલ્લાના શિક્ષણાધિકારી તરીકે થઈ. શાળા તરફથી યોજાયેલ સત્કાર સમારંભમાં તેણે શાળા આચાર્ય રાજનભાઈનાં ખૂબ વખાણ કર્યાં. તેણે પોતાની આ પ્રગતિને રાજનભાઈની પ્રગતિ ગણાવી. તેણે જણાવ્યું કે, "મારા આ પદની ગરિમા આચાર્ય સાહેબની દાસી બનીને સાચવીશ. મારું જીવન તો મેં વરસો પહેલાં તેમના ચરણે ધરી દીઘેલું છે. આ પછી મેનેજમેન્ટનો આભાર માન્યો.
આજનો દિવસ તેણે રાજનભાઈ માટે ફાળવ્યો હતો. તે તેની મમ્મી તથા ભાઈ-ભાભીને મળી સીધી રાજનભાઈ ના ઘેર આવી. જમી પરવારીને રાજનભાઈ, તેમનાં પત્ની રેવતીબહેન (જેને રાજવી મોટીબહેન કહે છે) અને રાજવી ત્રણે બેઠા છે. તે રાજનભાઈના ચરણોમાં ઝૂકી જાય છે અને કહે છે, "હું એક પામર સ્ત્રી, આવા ઉચ્ચ સ્થાને બિરાજમાન છું તેમાં માત્ર અને માત્ર આપ જ છો. કોઈ પણ સફળ સ્ત્રીની પાછળ કોઈક પુરુષનો હાથ હોય છે. આપ મારા આ યશસ્વી જીવનના દેવતા છો.મારું આ જીવન આપને જ સમર્પિત છે. જે ગણો તે તમે મારા દેવ છો." તેની આ વાતોથી રેવતી પણ ગળગળી થાય છે અને કહે છે, "રાજવી, તું ચિંતા ના કર, આ ઘર તારું જ છે. અમે નિવૃત્તિ પછી તારી સાથે જ હોઈશું." આંખ મિચકારીને કહે, "આ રાજન પણ તારો જ છે."
પછી તો રાજનના બંને દીકરા પરણીને પરદેશ સેટ થઈ ગયા છે. રાજનભાઈ નિવૃત્ત થઈ ગયા અને તેમણે પોતે જ નોકરી દરમિયાન હિંમતનગરમાં બસસ્ટેશન પાસે આવેલી સુમંગલ સોસાયટીમાં બંધાવેલા ભવ્ય બે માળનું મકાનમાં રહેવા આવી જાય છે. હવે તો રાજવી પણ ગાંધીનગરની GCERT શૈક્ષણિક અને સંશોધન વિભાગમાં મદદનીશ નિયામક તરીકે ફરજ બજાવે છે અને અવારનવાર હિંમતનગર મળવા પણ આવે છે. તે ગાંધીનગરમાં તેના ક્વાર્ટરમાં જ નિવાસ કરે છે. આજે તેની નિવૃત્તિનો દિવસ છે. રાજન અને રેવતી પણ પોતાની ગાડી લઈને ગાંધીનગર પહોંચી ગયા. વિદાય સમરંભ બાદ રાજવી ક્વાર્ટરમાં સામાન પેક કરાવે છે. સરકારી ટેમ્પો સમાન સાથે તથા રાજનભાઈ ગાડીમાં રેવતી અને રાજવીને લઈ હિંમતનગરના વિશાળ ઘરમાં આવી જાય છે. તેઓ ત્રણે ઘણા આજે ખુશ છે. રાજનભાઈના બંને દીકરા અને પુત્રવધુઓ રાજવીને ફોન પર "મમ્મી તરીકે સંબોધન કરે છે ત્યારે તેને અપાર ખુશી થાય છે.
સમય સમયનું કામ કરતો રહ્યો. આ ત્રણના સુખભરેલ સંસારને માનો કે કોઈની નજર લાગી ગઈ. રાજન ઊઠીને પૂજા પાઠથી પરવારી રેવતી અને રાજવી બંનેને જગાડે છે. રાજવી રાજન માટે ચા બનાવે છે. રેવતી બાથરૂમમાં નાહવા માટે જાય છે. રાજન ચા - નાસ્તો કરે છે અને રાજવી પોતે પણ સાફસફાઈમાં વ્યસ્ત થાય છે. ઘણો સમય થયો રેવતીબહેન બાથરૂમમાંથી બહાર ન આવતાં રાજવી બાથરૂમ પાસે જાય છે અને તેની મોટીબહેનને બુમ પાડે છે. રેવતી ચક્કર આવતાં હોવાની ફરિયાદ કરે છે અને બેઠાં બેઠાં જ અંદરથી બાથરૂમ ખોલે છે. રાજવી રેવતીને કપડાં પહેરાવી ટેકો આપી બહાર લાવી પલંગમાં સુવડાવે છે. ફેમિલી ડૉક્ટર આવી ચેક કરે છે. BP હાઈ બતાવે છે. દવા લખી આપી કાળજી રાખવાનું સૂચન કરે છે.
રાજવી રેવતીની સેવામાં જ રત રહી રાજનની ઘણી સંભાળ લે છે. રાજન દીકરાઓને અમેરિકા ફોન કરી રેવતીના સમાચાર આપે છે. દીકરાઓ પણ પરિવાર સહિત પરદેશથી આવ્યા પણ રેવતીની તબીયત વઘારે બગડવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તે કોઈને ઓળખતી નથી અને બેભાન અવસ્થામાં જીવી રહી છે. ડોક્ટરના કહેવા મુજબ તેનું જમણી બાજુનું શરીર અચેતન અવસ્થામાં હતું. દવાખાનામાં દસેક દિવસનો સમય વિત્યો હશે ત્યાં એક દિવસ રેવતી આ હર્યોભર્યો સંસાર રાજવીના સહારે મૂકી અનંતની યાત્રાએ નીકળી ગઈ.
સગા-સંબંધીઓની હાજરીમાં વિધિ-વિધાન પૂરાં થયાં. દીકરાઓ પરદેશ રવાના થયા પણ એક સુંદર વિચાર ... અમેરિકા આવવાનું સૂચન મૂકતા ગયા. રાજનભાઈએ મજાકમાં આ વાત હસી કાઢી. પરંતુ પછીથી ગંભીરતા સમજાતાં તે અને રાજવી આ બાબતે ચર્ચા-વિચારણા કરે છે. અંતે બંને કોર્ટ મેરેજ કરી લે છે. લગ્ન સમયે રાજવી 62 વર્ષ અને રાજનભાઈ 76 વર્ષ ની વય ધરાવે છે. જરૂરી તમામ દસ્તાવેજોની જરૂરી ફેરફાર સાથેની બંનેની ફાઈલો તૈયાર કરી દીકરાઓને મોકલી દીધી. દીકરાઓએ મમ્મી-પપ્પાને બોલાવવા માટેની ફાઈલ ઈમીગ્રેશનમાં રજુ કરી દીધી. છ માસમાં તો તેઓ અમેરિકા પહોંચી ગયા. હવે તો તેઓ સપ્ટેમ્બર થી ફેબ્રુઆરી ભારતમાં બાકીનો સમય અમેરિકામાં વિતાવે છે.
આજે સૌથી વધારે ખુશી રાજવીને છે, કારણ કે અંતે રાજને તેના પ્રેમનો લાગણી ગણો કે સંવેદના પણ પ્રેમબંધન સ્વરૂપે સ્વીકારતાં તેની તપસ્યા ફળી હતી.જીવન માણ્યા વગરના રાજવીની આ પ્રેમ-તપસ્યાને "રાધા-કૃષ્ણ" ના પ્રેમથી સહેજ પણ ઊતરતી ન ગણી શકાય. ધન્ય છે આ નિર્મળ પ્રેમને અને રાજવીના શુદ્ધ જીવન બલિદાનને.
💐💐💐💐💐💐💐💐💐💐
મહેન્દ્ર રમણભાઈ અમીન, 'મૃદુ'.
માત્ર વૉટ્સ ઍપ (No Phone) : 87804 20985
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐