Strange story sweetheart .... 29 books and stories free download online pdf in Gujarati

અજીબ કહાની પ્રિયાની....29

મીત હવે મોટો થઈ ગયો હતો. પ્રિયા એને હવે ભણાવતી નહોતી. મીતને ભણાવવા માટે એક સર ઘરે આવતાં હતાં. નામ એમનું દક્ષેશ સર. એ સર ખૂબ જ નમ્ર અને વિવેકી હતાં. પ્રિયાની સાથે વાતો કરવાનું એમને ખૂબ જ ગમતું હતું. એ અવાર- નવાર પ્રિયાનાં વખાણ કરતાં, પ્રિયાનાં હાથની ચા એમને બહુ ભાવતી એટલે રંજનબેનને ચા બનાવવા માટે ના પાડતાં ને પ્રિયા જ એમનાં માટે ચા બનાવે એવો એ આગ્રહ રાખતાં. પ્રિયાને પણ એમની સાથે વાતો કરવું ગમવા માંડ્યું હતું, એમની સાથે ફાવવા લાગ્યું હતું. દક્ષેશ સર આવે એટલે એનાં મનનો ખાલીપો થોડીવાર માટે ભરાઈ જતો હતો. થોડાંક જ મહિનાઓમાં બેય સારાં મિત્રો જેવાં બની ગયાં હતાં.

એમનો આવવાનો સમય થાય એની પહેલાં પ્રિયા સરસ સજી - ધજીને રહેતી. દક્ષેસ સર એની સુંદરતાનાં વખાણ કરે એ એને ખૂબ જ ગમતું હતું. બધાંથી અતડી રહેનારી પ્રિયા દક્ષેશ સર સાથે એકદમ ભળી ગઈ હતી.

એક દિવસ પ્રિયા ઘરે એકલી જ હતી. દક્ષેશ સર આવ્યાં.
"મીત...નથી....?" એમણે પ્રિયાને પૂછ્યું.

"ના...., એ સ્કૂલમાંથી પિકનિક ગયો છે."

"ઓહ..., એણે મને કાલે કહી દીધું હોત તો આજે હું આવત જ નહિ...."

"સોરી....., તમને મેસેજ પણ ન થઈ શક્યો. સવારથી મમ્મી - પપ્પા બહારગામ જવાનાં હતાં એની દોડધામમાં જ હતી."

"ઘરમાં....કોઈ...નથી....?"

"ના....., હું એકલી જ છું."

"પ્રિયાજી.....,"

"હં...."

"આજે તમે ખૂબ સુંદર દેખાઓ છો...."

"થેન્ક...યૂ...."

"આજે...શું...., તમે રોજ જ સુંદર લાગો છો. મીત જેવડાં મોટાં દીકરાનાં તમે મમ્મી હશો એવું લાગતું જ નથી."

ઘણાં દિવસો પછી પ્રિયાનાં કાનમાં પોતાનાં માટે સારાં શબ્દો સાંભળવા માટે મળ્યાં હતાં. આ સાંભળી એ પહેલાં તો ખિલખિલાટ હસી પડી. પછી બોલી,
"થેન્ક યૂ."

બીજી થોડી આડી -અવળી બે જણ વચ્ચે વાતો થઈ. વાતોમાં ને વાતોમાં દક્ષેશે પ્રિયાને કીધું કે,
"ખબર નહિ પણ કેમ મારું મન તમારાં પ્રત્યે ખેંચાયા કરે છે. મનમાં તમારાં જ વિચારો ચાલ્યા કરતાં હોય છે, રાત્રે સૂતી વખતે તમારો ચહેરો જ મારી આંખો સામે ફર્યા કરતો હોય છે. મને ખબર નથી કે મારી સાથે આવું કેમ થાય છે? પણ થાય છે, ને આ મારાં મનની સચ્ચાઈ છે. તમે મને ખૂબ જ ગમી ગયાં છો."

પ્રિયાને આ શબ્દો કાને સાંભળવા આમ તો સારાં જ લાગ્યાં. પણ છતાં એણે દક્ષેશ સરને રોક્યા.

"ન બોલો આવું બધું. આ ઠીક નથી. હું તો માત્ર મિત્રભાવથી જ તમારી સાથે વાત કરી રહી હતી. મને સારું લાગતું હતું એટલે....., પણ...."

"પણ....શું.....?'

"પણ....., આવી વાત ન શોભે....."

"કોને......? કોને આવી વાતો ન શોભે? તમને ને મને.....? કોઈ વ્યક્તિ દિલને ગમી જાય એમાં ખોટું કાંઈ જ નથી. પ્રેમની લાગણી બસ માત્ર સામેવાળી વ્યક્તિને જ જુએ છે, એ સિંગલ છે કે મેરિડ એ સ્ટેટસને નહિ."

"પ્રેમ......!!!!!"

"હા....., પ્રિયાજી પ્રેમ. મને તમારી સાથે પ્રેમ છે. હું ચાહું છું તમને. હું પણ પરિણીત છું, ને છતાં તમારાં પ્રેમમાં પડી ગયો છું. યોગ્ય છે કે અયોગ્ય એ તો મને ખબર નથી, પણ પ્યાર સાચો છે, એ વાત એકદમ સાચી છે. મારાંથી હવે આ લાગણીને અંદર દબાવીને રાખી શકાતી નથી."

દક્ષેશનાં મોઢાંમાંથી આવા શબ્દો સાંભળી, પ્રિયાને અનાયસે જ લલિત યાદ આવી ગયો. એ લલિતનાં વિચારમાં ખોવાયેલી હતી ને દક્ષેશે એનો હાથ પકડી લીધો. પ્રિયાની વિચારધારા તૂટી ને એ ચમકી ગઈ. ઘણાં સમય પછી એને કોઈ પુરુષનો સ્પર્શ મળ્યો હતો. પોતાનો હાથ છોડાવવાને બદલે એણે શરમાઈની નીચું જોઈ લીધું. મનોમન એને પણ દક્ષેશનો આ સ્પર્શ ગમ્યો હતો.

દક્ષેશ એની વધારે નજીક આવ્યો. એણે પ્રિયાની આંખોમાં આંખો પરોવી. પોતાની અંદર રહેલી અખૂટ પ્રેમની લાગણી એ પોતાની આંખો વડે જાણે પ્રિયાની આંખોમાં ઠાલવી રહ્યો હોય એવું લાગતું હતું. એટલી પ્યારભરી એની નજર હતી કે પ્રિયા એની નજરમાં કેદ થઈ રહી હતી. બંને એકબીજામાં ખોવાયેલા હતાં ને અચાનક પ્રિયાનાં મોબાઈલમાં રીંગ વાગી.

(ક્રમશ :)