Strange story Priyani ... 28 books and stories free download online pdf in Gujarati

અજીબ કહાની પ્રિયાની...28

મીતને આવી રીતે હસતાં જોઈ પ્રિયા મનનું દુ:ખ થોડીવાર માટે ભૂલી ગઈ. એણે હવે પોતાનું મન મીતનાં સારાં ઉછેર માટે વાળવાનું નક્કી કરી લીધું હતું. મીતને લઈ એ અંદર પોતાનાં રૂમમાં સૂવા માટે જતી રહી. આચાનક અડધી રાત્રે એની આંખ ખુલી. એણે બાજુમાં જોયું તો હજુ સુધી સુશીલ આવ્યો ન હતો. એણે ઘડિયાળ સામે જોયું, ત્રણ વાગ્યા હતાં. એ ઉઠીને સુશીલને ફોન કરવા ગઈ. અડધો કલાક સુધી એણે ટ્રાય કરી પણ રીંગ જ વાગતી, સુશીલ ફોન ઉપાડતો જ ન હતો. એક પછી એક ખોટાં વિચારો એનાં મનમાં ભરાતાં ગયાં ને એને અકળાવી રહ્યાં હતાં. એ ફરી પાછી સૂઈ ન શકી. લગભગ પરોઢિયે સાડા ચાર વાગ્યાની આસપાસ સુશીલ ઘરે આવ્યો. પ્રિયાને એણે જાગતી જોઈ, ને પ્રિયા કંઈપણ બોલે એનાં પહેલાં જ એણે કહી દીધું કે,
"મને અત્યારે ખૂબ જ ઉંઘ આવે છે, આપણે સવારે વાત કરીશું....." આવું બોલીને એ સૂઈ ગયો.

પ્રિયાને મનોમન ઘણો જ ગુસ્સો આવી રહ્યો હતો કે, ' આ દિવસ જોવા માટે મેં તારી સાથે લગ્ન નહોતાં કર્યા, સુખી દામ્પત્ય જીવન માણવા માટે મેં તારી સાથે લગ્ન કર્યા હતાં....'

સવાર થઈ, પ્રિયાએ નિત્યક્રમ પતાવી, નાહી - ધોઈ, ભગવાનનાં રૂમમાં ગઈ. પૂજા - પાઠ કર્યા, બહાર આવી...., રંજનબેને એને ચા આપી. પ્રિયા ચા પી રહી હતી ને સાસુજી રૂમમાંથી બહાર આવ્યાં.

"રંજનબેન....., ચા લાવજો......"

"હા....."

"રાત્રે....., સુશીલ બહુ મોડો આવ્યો....હતો.....?"

"વહેલી....સવારે...આવ્યો...."

"મોડું થશે.., એવું તને કીધું હતું...?"

"ના....."

"લગ્ન પહેલાં તો એ બરાબર હતો, લગ્ન પછી ખબર નહિ કેમ આવો બદલાઈ ગયો છે....!!"

આ સાંભળી પ્રિયા ચમકી. ચાનો કપ નીચે મૂકી એ પોતાનાં રૂમમાં જતી રહી. સાસુજીની વાતનું એને ખરાબ લાગી આવ્યું હતું, આંખમાં આંસુ આવી ગયાં હતાં પણ કોને આ વાત કરે? એણે મીત સામે જોયું. મીત શાંતિથી પોતાનાં કોટમાં સૂઈ રહ્યો હતો. ઘરનાં સભ્યો પાસેથી હવે મ્હેણાં -ટોણાં સિવાય એને સારું કહી શકાય એવું બીજું કશું જ સાંભળવા મળતું નહોતું. એટલે હવે એ બધાંની સાથે રહેવા કરતાં એકલી રહેવા માંડી હતી. ચા પીવાનો, જમવાનો સમય એણે પોતાનાં સાસુથી જુદો કરી દીધો હતો, સાથે જમવાને બદલે હવે એકલી જમી લેતી હતી.

મીત મોટો થયો. એને સ્કૂલમાં મૂક્યો. પછી તો એને ભણાવવામાં એનો સમય પસાર થવા લાગ્યો. વેકેશનમાં કમલેશભાઈને ત્યાં અઠવાડિયું રોકાવા જતી. કમલેશભાઈ અને માયાભાભી સાથે હવે પહેલાં જેવું બોલતી નહોતી. એણે પોતાની જાતને અજાણતાં જ બધાંથી અતડી કરી દીધી હતી. એનું ધ્યાન બસ મીતમાં જ રહેતું હતું. મીતનાં મન પર ઉંડી અસર ન થાય એ માટે એણે સુશીલ જોડે માથાકૂટ કરવાનું બંધ કરી દીધું હતું. સુશીલ લગભગ રોજ જ પીને હવે ઘરે આવતો હતો. પ્રિયાથી એ સહન નહોતું થતું પણ એ કંઈ બોલી શક્તી નહોતી. પ્રિયા જેવી છોકરી એ વાત સહન કરી શક્તી નહોતી કારણ તે આવી આદતોથી અજાણ હતી, આવી આદતો રાખનાર માણસ એને ક્યારેય સ્વીકાર્ય થયો જ નહિ. એણે નાનપણથી એવું જ સમજ્યું છે કે પીવું એ ખરાબ આદત છે ને પીનાર વ્યક્તિ પણ ખરાબ હોય છે. એટલે એ બને ત્યાં સુધી પોતાની જાતને સુશીલથી દૂર રાખવા માંડી હતી. સુશીલ સાથે રહેવાનું એની પાસે એક જ માત્ર કારણ હતું મીત. મીતનો ઉછેર એક સિંગલ પેરેંટ કરે એવું એ નહોતી ઈચ્છતી એટલે એણે સુશીલ સાથે રહેવા માટે પોતાનું મન મનાવી લીધું હતું. પોતાની જાતને એકલી રાખવામાં ને રાખવામાં એક જાતનું અતડાપણું એની અંદર ઘર કરી રહાયું હતું. આમ ને આમ એનાં લગ્ન જીવનને પંદર વર્ષ થઈ ગયાં. ને લગ્ન જીવનનાં પંદર વર્ષ પછી પોતાને બધાંથી દૂર કરી એ માટે જીવનમાં હવે એને એકલાપણું જણાતું હતું. કોઈ એની સુંદરતાનાં વખાણ કરે, એનાં સ્વભાવનાં વખાણ કરે, એની પ્રશંસા કરે, એને મહત્તવ આપે એવી ઝંખના એનાં મનમાં થવા લાગી હતી.