Ek selfi Khushio ni books and stories free download online pdf in Gujarati

એક સેલ્ફી.....ખુશીઓની...

એક સેલ્ફી.....ખુશીઓની...

ફ્લેટ ના દરવાજા નું લૉક ખોલતાં ખોલતાં પલ ની નજર એક પળ માટે બારણે લગાવેલી નેમપ્લેટ “ પલ અને આલાપ” પર પડી, નેમ પ્લેટ પર લાગેલી ધૂળ ને પર્સ માંથી રૂમાલ કાઢીને પલ જેવી લૂછવા જ જતી હતી કે અટકી ગઈ, મનમાં સવાલ થયો કે હવે નેમ પ્લેટ સાફ કર્યા નો શો અર્થ? દરવાજો ખોલતાં જ નજર ઘર ના સમાન પર પડી, આ જ ઘર ને કેટ કેટલી ખુશીઓ થી સજાવ્યું હતું, સહેજવાર માટે પણ અસ્તવ્યસ્ત ના રહેતું ઘર આજે ધૂળ ને છેપટ થી ખરડાઇ ગયું હતું, ઘર માં રહેલી વસ્તુઓ જેમની તેમ પડી હતી જેવી એ મૂકીને ગઈ હતી, દુપટ્ટા ને કમર માં બાંધી ને ખૂણા માં રહેલી સાવરણી પકડી ને સાફ સફાઈ કરવા જ જતી હતી કે મન માં ફરી પાછો એ જ સવાલ કે હવે શું અર્થ? જો આ ઘર માં રહેવાનુ જ ના હોય તો હવે ઘર ને સાફ કર્યા નો શો અર્થ? જે કામ માટે આજે એ ઘર માં આવી હતી એ કામ યાદ આવતાં પલ ના પગલાં ઝડપ થી પોતાના બેડરૂમ તરફ વળ્યા, પોતાના વૉર્ડરોબ માંથી એક એક વસ્તુ બે યાદ કરી ને પોતાની બેગ પૅક કરવા લાગી, અચાનક પલ ની નજર વૉર્ડરોબ ના સૌથી નીચેના ખાના માં રહેલા ફોટો આલ્બમ પર પડી, જેની પર લખ્યું હતું....... એક સેલ્ફી ખુશીઓ ની.

પલ નો સ્પર્શ જેવો આલ્બમ ને થયો કે પલ નું મન ખુશીઓ ને એ ક્ષણો માં ખોવાઈ ગયું. આલ્બમ માં પહેલો જ ફોટો પોતાના લગ્ન ની પહેલી રાત નો હતો. પોતાના લગ્ન ની પહેલી રાત પર એક દુલ્હન ના શણગાર માં સાજ સજેલી પલ આજે એક અપ્સરા ને પણ શરમાવે એવું ચહેરા પર તેજ લઈ ને આલાપ ની રાહ જોઈ રહી હતી.

“આલાપ કેટલી વાર? હું કયાર ની તારી રાહ જાઉં છું અને તને હજુ ય તારા ફ્રેન્ડસ ને વિદાય આપવાની ખબર નથી પડતી.” ગુસ્સા અને પ્રેમ નો મિશ્ર ભાવ પલ ના ચહેરા પર ઉપસી આવ્યો.

“ ઓહો, તો મારી રાહ જોવાતી હતી એમને? મને એમ કે તું માથે ઓઢી ને બેસી હોઈશ, હું આવીશ ને ધીમે રહી ને ઘુંઘટ ઉઠાવી ને તારો ચહેરો જોઈશ ને તું શરમાતી શરમાતી મને એક સ્મિત આપીશ.” પલ સાથે શરૂ થયેલા પોતાના નવા જીવન ની આ પહેલી રાતે આલાપ પોતાના હ્રદય માં અનેક ઊર્મિઓ લઈ ને પલ ના પ્રેમ માં ભીંજાઇ જવા અધીરો બન્યો હતો.

“ બસ હવે, બહુ ફિલ્મી ના બન, એ બધુ ફિલ્મો માં હોય.” ને પલે આલાપ ને ભેટી ને પોતાનો માથું આલાપ ની છાતી પર ઢાળી દીધું.

“આલાપ, આજે આપણાં લગ્ન ની પહેલી રાતે એક પ્રોમિસ આપીશ?” આલાપ ના છાતી પર માથું ઢાળી ને બંધ આંખો સાથે ના પલ ના શબ્દો માં પ્રેમ ની ભીનાશ વર્તાતી હતી,

“ હા પલ, પ્રોમિસ, શું જોઈએ તને ?” આલાપ પલ ની આંખો માં આંખો પરોવી દીધી.

“ આલાપ, પહેલાં આમ જો ને એક સ્માઇલ આપ.” હજુ આલાપ કંઈ સમજે ના સમજે પલ એ પોતાના મોબાઇલ ને બહાર કાઢી ને પોતાના ના મોબાઇલ માં એક સેલ્ફી લઈ લીધી.

“ આપણી લાઇફ માં જ્યારે પણ ખુશીઓ ની પળ આવશે, ત્યારે આપણે એક સેલ્ફી લઈશું ને આ સેલ્ફી ની હું પ્રિન્ટ લઈ ને એક આલ્બમ માં સાચવીશ, બસ મને એક ફોટો પ્રિન્ટર લઈ આપ.”

“ બસ આટલું જ ! પલ, મને એમ કે તું……” હજુ આલાપ પોતાનું વાક્ય પૂરું કરે ના કરે પલ એ આલાપ ના હોઠ પર આંગળી મૂકી ને બેડરૂમ ની લાઇટ બંધ કરી દીધી.

આલાપ સાથે જીવન ની શરૂઆત ની આ પહેલી સેલ્ફી જોઈ ને પલ ઘડીક માં બધુ જ દુખ ભૂલી ગઈ.
“ જો જે આલાપ, દાઝી ના જવાય, સાચવીને ” બીજી એક સેલ્ફી આલાપ એ પહેલી વાર પલ માટે ઓવન માં કેક બનાવી હતી, ત્યારે સેલ્ફી લેતાં લેતાં પલ ના પોતના શબ્દો અચાનક એના મન માં આવી ગયા.
આલ્બમ ને એક પેજ પૂરું થયું ને બીજા પેજ પર એક સેલ્ફી શિમલા ની હતી.

“ આલાપ મસ્તી નહીં, મને જો બહુ ઠંડી લાગે છે,” શિમલા માં બરફ સાથે મસ્તી કરી રહ્યા હતા ત્યાર ના શબ્દો હજુ પલ ના મન માં ગુંજી રહ્યા હતા.

જેમ જેમ આલ્બમ માં એક પછી એક પેજ પલ ફેરવતી એમ એમ પોતાની આલાપ સાથેના સહજીવન ની પ્રેમ ની એ પળો ને પણ ફરી જીવી રહી હતી.

“ આલાપ, આમ જો” ને પોતાની નવી કાર માં પહેલી જ લોન્ગ ડ્રાઇવ વખતે આલાપ ના ગાલ પર લિપસ્ટિક ની છાપ સાથે ની એ સેલ્ફી જોઈ પલ ના હોઠો જરા ખેંચાઇ ને સ્મિત આપવા મજબૂર બન્યા કેમ કે એ લિપસ્ટિક ની છાપ ની આલાપ ને ખબર જ નહોતી ને ગાલ પર લિપસ્ટિક ની છાપ સાથે જ બંને ફ્લેટ માં સાથે ફરતાં હતાં ત્યારે નીચે બેસેલા વડીલો આલાપ ને ઘૂરી ઘૂરી ને જોઈ રહ્યાં હતાં.

આલ્બમ ના પાનાં જેમ આગળ ફરતાં એમ પલ એક પછી એક યાદો માં ખોવાતી જતી હતી.

આલ્બમ ના હજુ ઘણાં પાનાં કોરાં હતાં, પલ એ આલ્બમ બંધ કર્યું, આંખો સહેજ ભીની થઈ.

થોડીવાર મન ને શાંત રાખી ને ત્યાં જ બેસી રહી. છેલ્લે પોતાના આલાપ સાથે ના એ શબ્દો દિલ માં ઊંડો ઘા કરી ગયાં.
“ હું મારી જોબ છોડી ને તારી સાથે નહીં આવું, તારે મને છૂટાછેડા આપી ને જવું હોય તો જવાની છૂટ છે. મારૂ એમબીએ મેં કંઈ આના માટે કર્યું છે?”

મન માં એક જ સવાલ શું પોતાનો નિર્ણય યોગ્ય તો છે ને ? પલ નું મન પોતાના આ સવાલ નો જવાબ આપવાં મથામણ કરી રહ્યું હતું. ત્યાંજ પલ ના મોબાઇલ માં આલાપ નો કૉલ આવ્યો.

“ પલ, શું એકવાર બંને આપણાં આ નિર્ણય પર ફરી વિચાર ના કરી શકીએ? પલ માન્યું કે મે તને કહ્યું કે તું તારી જોબ છોડી ને મારી સાથે આવવાનું કહ્યું, કંપની મને સીઇઓ ની જોબ ઓફર કરતી હતી, મારાથી ના રહેવાયું, મને એક પળ માં મારૂ શમણું પૂરું થતું એમ લાગ્યું, ભૂલી ગયો હું કે પલ તારા પણ શમણાં છે, તું પણ તારી જોબ માં ઘણી મહેનત કરી રહી છે, કદાચ હું ત્યાં સ્વાર્થી બની ગયો, તું તારી જોબ ને છોડી ને મારી સાથે ના આવી, તને ત્યાં જ મૂકી ને જ બસ આવી ગયો, 6 મહિના થી આમ કંપની માં સીઇઓ છું, પણ આ 6 મહિના માં દિલ્લી માં એકલો રહી ને મને સમજાઈ ગયું કે પલ તારા વગર આ બધુ જ નકામું છે, પલ યાદ છે તને તે એક આલ્બમ બનાવ્યું હતું, આપણી સેલ્ફીઓ નું ? આજે સવારે હું આવ્યો હતો આપણાં ઘરે, મારી વસ્તુ ઓ ને લેવા માટે, અચાનક મારી નજર આલ્બમ પર પડી, દરેક પળ સેલ્ફી માં જેને તે કંડારી હતી, બધી જ પ્રેમ ની પળો આંખ સામે ફરી તરવરી ઉઠી, મનના દરેક ખૂણે બસ એક જ અવાજ હતો કે આલાપ પલ વગર અધૂરો છે. માફ કરીશ મને? છૂટાછેડા ની અરજી તો આજે જ સવારે ફાડી નાખી. બસ હવે તારી માફી ની રાહ જોવું છું, પલ એ આપણી ખુશીઓના આ આલ્બમ ને તારી સાથે પૂરું કરવું છે, હજુ એમાં આપણી પ્રેમ ની અને ખુશીઓ ની દરેક પળ ને મારા જીવન માં અને આ આલ્બમ માં જોડવી છે, ને જો દરવાજો ખોલે તો બહાર જ ઊભો છું.” આલાપ ની આંખો માં પલ ને જોવાની પ્રતિક્ષા ટપકી રહી હતી.
ને જેવો પલ એ દરવાજો ખોલ્યો કે આલાપ પલ ને ભેટી પડ્યો “ સોરી પલ, માફ કરીશ મને, તને છોડી ને આમ હવે ક્યાય નહીં જાઉં, સોરી પલ , આઇ લવ યૂ પલ.”

“ આઈ લવ યૂ, ટૂ આલાપ” બંધ અને સહેજ ભીની આંખો એ પલ ને પ્રત્યુત્તર આપ્યો કે તરત જ આલાપ પોતાના મોબાઇલ માં એક સેલ્ફી લઈ લીધી, પલ અને આલાપના એ આલ્બમ માં ઉમેરવા.

પલ અને આલાપ ના એ આલ્બમ માં એક પછી એક સેલ્ફી ઉમેરાતી ગઈ. એક સેલ્ફી જ્યારે બંને એ સાથે નવી કંપની શરૂ કરી, એક સેલ્ફી જ્યારે બંને ના જીવન માં પ્રેમ નો સેતુ બની ને બંને ની લાડલી “ન્યારી” આવી ત્યારે, એક સેલ્ફી........................

“નીલ”

ડૉ. નિલેશ ઠાકોર