Ajukt - 3 books and stories free download online pdf in Gujarati

અજુક્ત (ભાગ ૩)

મિશ્રા પોતાની ઓફિસમાં એકલા બેઠા બેઠા સિગરેટના ધુમાડામાં લપેટાઈ ગયા હતા. તેમની સામેના ટેબલ પર રહેલી એશ ટ્રે સિગરેટના ઠુંઠાથી ભરાઈ ગઈ હતી. તેમને સુજતુ ન હતું કે તપાસ આગળ વધારવી કઈ રીતે? લાશના બીજા અંગો મળ્યા ન હતા. ફોન નંબર હતો નહીં કે જેનાથી કોન્ટેક્ટ કરી શકાય. આખા મુંબઈના લોકોના ડીએનએ એકઠા કરી શકાય એમ ન હતા.

સર ના અવાજથી મિશ્રા ધ્યાનમાં આવ્યા. તેમણે સામે જોયું તો કોન્સ્ટેબલ પાટીલ ઉભો હતો.

મિશ્રાએ પૂછ્યું, “બોલ, પાટીલ કોઈ લીડ મળી?” મિશ્રાના અવાજમાં થાક વરતાતો હતો.

પાટીલે જવાબ આપ્યો, “ના સર. તમારે માટે ચા મંગાવું?”

મિશ્રાએ માથું હલાવી હા કહ્યું. પાટીલે ચાવાળાને ફોન કરીને ચાનો ઓર્ડર આપ્યો.

મિશ્રાએ કહ્યું, “પાટીલ, ખબર નથી પડતી કે તપાસ આગળ કેવી રીતે વધશે?”

પાટીલે અવાજ ભારે કરી કહ્યું, “સર, સોશીયલ મીડિયાનો ઉપયોગ કરીએ તો. નામ એવું છે કે શોધવામાં તકલીફ નહીં પડે.”

મિશ્રાની આંખોમાં તેજ આવ્યું. મિશ્રાએ ટટ્ટાર થતાં પાટીલની સામે જોયું, “મારા મગજમાં આવો વિચાર કેમ ના આવ્યો?”

પાટીલે કહ્યું, “સર, અમુકવાર એવું થાય. આપણું મગજ એટલા વિચારોથી ઘરાયેલું હોય છે કે સમાન્ય બાબતો પણ આપણા ઘ્યાન...”

પાટીલ વાત પૂરી કરે એ પહેલાં મિશ્રા ઉભા થઈ ચાલવા માંડ્યા. પાટીલ પણ વાત અધુરી મુકીને તેમની પાછળ ગયા. મિશ્રા સીધા કમ્પ્યુટર રૂમમાં ગયા અને ત્યાં જઈ કમ્પ્યુટર ઓપરેટરને કહ્યું, ફેસબુક ખોલ. પેલાએ તરત આજ્ઞાનું પાલન કર્યું અને ફેસબુકની સાઈટ ઓપન કરી પોતાનું લોગીન કર્યું.

ઓપરેટરનું ફેસબુક પ્રોફાઈલ ઓપન થતાં જ મેસેજની વણઝાર લાગી. આ મિશ્રાના ધ્યાન બહાર ન ગયું, પણ અત્યારે મિશ્રા મજાકના મુડમાં ન હતા. બાકી એમ કહેત જરૂર કે મિત્રોનું બહુ લાંબુ લીસ્ટ છે તારું તો.

મિશ્રાએ કહ્યું, “બેનેટ રિબેલો સર્ચ કર.”

પેલાએ તરત બેનેટ રિબેલો ટાઇપ કરી સર્ચ પર ક્લિક કર્યું. સ્ક્રોલ કરતાં તેમણે જોયું તો લગભગ ૫૦ જેટલી પ્રોફાઈલ સામે આવી.

મિશ્રાએ કહ્યું, “બેનેટ રિબેલો મુંબઈ સર્ચ કર.”

પેલાએ બેક જઈને બેનેટ રીબેલો નામની પાછળ મુંબઈ લખી ફરી સર્ચ કર્યું. સાતેક પ્રોફાઈલ સામે દેખાઈ અને તેમાં બીજા અને ત્રીજા નંબરની પ્રોફાઈલ એક જ વ્યક્તિની હતી કે જેની ઉંમર લગભગ ૫૫ થી ૬૦ ની વચ્ચે હતી.

મિશ્રાએ ઓપરેટરને બીજા નંબરની પ્રોફાઈલ ખોલવા કહ્યું. ઓપરેટરે પ્રોફાઈલ પર ક્લિક કર્યું. પ્રોફાઈલ પિકચરમાં એક આધેડ પુરુષ તેની જ સમકક્ષની ઉંમરની એક સ્ત્રીને કેક ખવડાવી રહ્યો હતો અને તેના પ્રોફાઈલ કવરમાં ઘરના એક રૂમનો ફોટો હતો. નીચે પહેલી વિગતમાં લહ્યું હતું, “ફાઉન્ડર એન્ડ ઓનર ઓફ ફન એન્ડ મ્યુઝીક એન્ટરપ્રાઈઝ.

મિશ્રાએ ઓપરેટરને સૂચન કર્યું, “ફોટા ખોલ.” ઓપરેટરે મિશ્રાની સૂચનનો અમલ કર્યો. ઘણા બધા ફોટા નજર સામે હતા. પહેલાં ફોટામાં બેનેટે કાળું શર્ટ પહેર્યું હતું અને હાથમાં ગીટાર હતું. તેણે લંબચોરસ ફ્રેમના ચશ્માં પહેર્યા હતા. અલગ અલગ ફોટાઓમાં તે અલગ અલગ મ્યુઝીકના વાજિંત્રો વગાડી રહ્યો હોય એવા ફોટા હતા. મિશ્રાએ અનુમાન લગાવ્યું કે આ વ્યક્તિ કદાચ મ્યુઝીશિયન હશે. ફોટા જોતાં જોતાં એક ફોટો જોઈને મિશ્રાના ભવાં તંગ બન્યા. તેમણે ધ્યાનથી ફોટો જોયો અને બોલ્યા, “આ એજ છે જેને આપણે શોધી રહ્યા છીએ. આ ફોટામાં એણે જે સ્વેટર પહેર્યું છે એ એજ છે જે સુટકેસમાંથી મળ્યું છે.”

મિશ્રાએ ઓપરેટરને બધા ફોટા જોઈને તેમાંથી આ વ્યક્તિનું કોઈ સરનામું મળે તો તે પોતાની ઓફિસમાં આપી જવા કહ્યું અને પોતે પોતાની ઓફીસ તરફ જવા રવાના થયા.

લગભગ દસેક મીનીટ પછી મિશ્રાના દરવાજે કોઈએ ટકોરા માર્યા. તે કમ્પ્યુટર ઓપરેટર હતો. મિશ્રાએ અંદર આવવા કહ્યું, ઓપરેટરે એક કાગળ મિશ્રાને આપતા કહ્યું, “સર, બેનેટ રિબેલોનું એડ્રેસ.” એડ્રેસ કલીના વિલેજ, સાન્તાક્રુઝનું હતું. એડ્રેસની સાથે એક ફોન નંબર પણ હતો. મિશ્રાએ તે નંબર લગાડ્યો, પણ નંબર સ્વીચ ઓફ હતો.

લગભગ એકાદ કલાકમાં મિશ્રાની ગાડી એક બંગલા આગળ આવી ઉભી રહી. મિશ્રા તેમના બે સાથીદારો સાથે ગાડીમાંથી નીચે ઉતરીને દરવાજા આગળ ઉભા રહ્યા. દરવાજાની બાજુમાં તકતી લગાડેલી હતી, “બેનેટ હાઉસ.”

દરવાજા ઉપર તાળું લગાડેલું હતું. મિશ્રાએ આજુબાજુમાં તપાસ કરવા કહ્યું. પાટીલ અને સુરેશ બાજુના ઘરે જઈને પૂછી આવ્યા.

મિશ્રાએ તેમને પછ્યું, “શું થયું? કંઈ ખાસ.”

સુરેશે માહિતી આપતા કહ્યું, “સર, આ ઘર અઠવાડિયાથી બંધ છે અને આજુબાજુવાળાનું કહેવું છે કે ઘણા દિવસથી કોઈએ બેનેટને જોયા નથી. તે ઘણીવાર આવી રીતે મ્યુઝીકના પ્રોગ્રામ માટે લાંબા સમય માટે બહાર જાય છે. એમનું માનવું છે કે કદાચ કોઈ પ્રોગ્રામ માટે ગયા હશે.”

મિશ્રાએ ઉલટ તપાસની અદાથી પૂછ્યું, “ઘરમાં કોણ કોણ છે?”

પાટીલે જવાબ આપતા કહ્યું, “તેની ૧૮ વર્ષની છોકરી અને તે બંને એકલા જ રહે છે.”

મિશ્રાએ બીજો સવાલ કર્યો, “તો એ ક્યાં છે અત્યારે?

પાટીલે કહ્યું, “સર, એને પણ અઠવાડિયાથી કોઈએ જોઈ નથી. કદાચ એ પણ એની સાથે ગઈ હોય.”

મિશ્રાએ વાત ચાલુ રાખતા કહ્યું, “હોઈ શકે. એ છોકરીનો કોઈ કોન્ટેક્ટ નંબર મળ્યો?”

સુરેશે નકારમાં માથું હલાવ્યું.

મિશ્રાએ પૂછ્યું, “બીજી કોઈ માહિતી.”

પાટીલે માહિતી આપતા કહ્યું, “ બેનેટે બે લગ્ન કર્યા છે, પણ બંનેમાંથી એકપણ પત્ની તેની સાથે નથી રહેતી. સર, તેની આ છોકરી જીયા તેની સગી છોકરી નથી. ગયા વર્ષે જ બેનેટે તેને ફૂટપાથ પરથી લાવી ખોળે લીધી છે.”

મિશ્રાના મગજમાં કંઇક વિચારો દોડવા લાગ્યા. મિશ્રાએ કહ્યું, “છોકરીને શોધો. કદાચ તેનું પણ ખૂન થયું હોય કે પછી.” પણ તરત બંનેને હુકમ કરતાં કહ્યું, “ઘરનું તાળું તોડી નાંખો, અંદર જઈને તપાસ કરવી પડશે.”

પાટીલે તાળું ખોલવાવાળાને બોલવી તાળું ખોલાવ્યું. ત્રણેય જણા ઘરમાં પ્રવેશ્યા. ઘરમાં અલગ અલગ જગ્યાએ તપાસ શરૂ કરી. પાટીલના હાથમાં એક નોટબુક આવી. તેના ઉપર જીયા બેનેટ લખેલું હતું. પાટીલે નોટબુકના પાના વાંચવા માંડ્યા. એક પછી એક પાના વાંચતા વાંચતા એક પાનાં પર પાટીલની નજર સ્થિર થઇ અને તેણે મિશ્રા પાસે જવા પગ ઉપાડ્યા.

મિશ્રાને નોટબુક આપતાં પાટીલે કહ્યું, “ સર, આ વાંચો. નોટ વાંચતા જ મિશ્રાના ચેહરાની નસો તંગ થવા લાગી.”

નોટમાં લખ્યું હતું, “ સોરી ડેડ, આઈ એમ સોરી.. સોરી.. રીયલી રીયલી સોરી. સોરી ડેડ. સોરી ફોર યુ. આઈ એમ એ બેડ ગર્લ. કેમ મેં મારા ડેડને મારી નાંખ્યા. કેમ? જેણે મને ઘર આપ્યું. મારી બધી જરૂરિયાતો પૂરી કરી. મને ફૂટપાથ પરથી ઉઠાવી મહેલમાં લાવી દીધી, છતાં મેં તમને મારી નાંખ્યા. સોરી ડેડ. સોરી... સોરી...”

આટલું વાંચતા મિશ્રાનું મગજ ચકરાવે ચડી ગયું. એક પછી એક અલગ અલગ વિચાર આવીને બદલાઈ જાવ લાગ્યા. ત્રણેય જણ ઘરની બહાર આવ્યાં. સિગરેટ સળગાવી અને વાતનો દોર શરૂ થયો.

સુરેશે વાત શરૂ કરી, “સર, એક છોકરી પોતાના બાપનું ખૂન શું કરવા કરે. અને એ પણ એવા બાપનું કે જેણે એને નવી જિંદગી આપી. ફૂટપાથ પરથી લાવી સારું જીવન આપ્યું. મને તો કંઇક ગરબડ લાગે છે.”

પાટીલે ઉમેર્યું, “સર, આ કોઈની ચાલ પણ હોય. કદાચ બંનેને મારી નાંખ્યા હોય અને ખુનીએ આ નોટ લખી હોય.”

મિશ્રાએ લાંબુ હં... નો હુંકાર કર્યો અને પૂછ્યું, “છોકરીનો કોઈ કોન્ટેક્ટ નંબર મળ્યો?”

સુરેશે કહ્યું, “હા સર, પણ નંબર બંધ બતાવે છે.”

મિશ્રાએ કહ્યું, “ એક કામ કર, બેનેટ અને જીયાના મોબાઈલને સર્વેલન્સ પર મુકો.”

સુરેશે એક મોબાઈલ આપતા કહ્યું, “સર, રિબેલોનો મોબાઈલ તો આ લાગે છે.”

મિશ્રાએ મોબાઈલ પર નજર કરી અને કહ્યું, “તો બીજા નંબરની તપાસ કરો.”

ત્રણેય સિગરેટ પૂરી કરીને પોલીસ જીપમાં બેઠા અને પોલીસ સ્ટેશન જવા રવાના થયા.

બીજા દિવસે સુરેશ જયારે મિશ્રાની ઓફીસમાં આવ્યો ત્યારે મિશ્રા કાગળો વાંચી રહ્યા હતા. મિશ્રાએ સુરેશની સામે જોઈ પૂછ્યું, “શું સમાચાર છે?”

સુરેશે કહ્યું, “સર, છોકરીનો મોબાઈલ ઓન થયો છે. લોકેશન ઘાટકોપરનું બતાવે છે.”

મિશ્રાએ હાથમાં રહેલા કાગળો ટેબલ પર મૂકી તેના ઉપર ફાઈલ મૂકી. તેઓ ઝડપથી ઉભા થયા અને સુરેશને કહ્યું, “પાટીલ ક્યાં છે, બોલાવી લે અને એક લેડી કોન્સ્ટેબલને સાથે બોલાવી લે. આપણે હાલ ઘાટકોપર જઈએ છીએ.” ચારેય ઘાટકોપર લોકેશન તરફ રવાના થયા. પોલીસ જીપ રોડ ઉપર દોડી રહી હતી. જીપમાં મિશ્રા એકદમ શાંત હતા.

લોકેશન પર પહોંચી ફલેટનો પાટીલે દરવાજો ખખડાવ્યો. અંદરથી અવાજ આવ્યો, “ખોલું, એક મિનીટ.”

એક ૧૭-૧૮ વર્ષની છોકરીએ દરવાજો ખોલ્યો. પાટીલે પૂછ્યું, “જીયા?” છોકરીએ હા કહ્યું.

પાટીલે કહ્યું, “ક્રાઈમ બ્રાંચ.”

ક્રાઈમ બ્રાંચ સાંભળી છોકરીના મોં પર આવેલો ભય પાટીલની નજરે આવ્યો. છોકરીએ દરવાજો ખોલતાં જીયાના નામની બુમ પાડી. પોલીસ ટીમને ખબર પડી કે દરવાજો ખોલનાર છોકરી જીયા નથી. જીયા દરવાજે આવી. મિશ્રાએ તેની સામે જોયું. જીયા આશરે સાડા પાંચ ફૂટ ઊંચી શ્યામવર્ણની અઢારેક વર્ષની મધ્યમ બાંધાની હતી. તેણે પીળા રંગનું ટી શર્ટ અને શોર્ટ પહેર્યું હતું.

મિશ્રાએ તેને પૂછ્યું, “જીયા, તારા પપ્પા ક્યાં છે?”

જીયા સાદા વેશમાં ભલે હોય પણ ક્રાઈમ બ્રાંચ સાંભળી થોડીક ગભરાઈ હતી. તેણે હિંમત એકઠી કરી જવાબ આપ્યો, “એ તો કેનેડા ગયા છે. એમનો ત્યાં મ્યુઝીક કોન્સર્ટ છે.”

મિશ્રાએ બીજો સવાલ કર્યો, “તો તું અહિયાં?”

જીયાએ ઉમેર્યું, “હું મારા ડેડ સાથે એકલી રહું છું. એકલા મને ડર લાગે છે એટલે હું અહીં મારા ફ્રેન્ડસ સાથે રહેવા આવી છું.”

મિશ્રાએ સુરેશ સામે જોયું. સુરેશે નોટબુક મિશ્રાને આપી. મિશ્રાએ પાનું ખોલી પૂછ્યું, “આ તારી નોટબુક છે?”

જીયાએ હકારમાં માથું હલાવ્યું.

મિશ્રાએ આગળ ચલાવ્યું, “આ હેન્ડરાઈટીંગ તારા છે.”

જીયાએ ફરી હકારમાં માથું હલાવ્યું. મિશ્રા પૂછવા જતા હતા, પણ તે કંઈ પૂછે એ પહેલાં જ જીયા રડવા માંડી. મોં પર હાથ રાખી રડતાં રડતાં પાછી હટી અને દરવાજાનો ટેકો લઈને ફસડાઈ પડી. રડતાં રડતાં બોલી રહી હતી, “મેં જ મારા ડેડને માર્યા છે. મેં જ માર્યા છે.” જીયાને રડતાં સાંભળી પેલી અંદર ગયેલી છોકરી દરવાજે આવી. તેની સમજની બહાર બધું બની રહ્યું હતું.

મિશ્રા માટે પણ આ ઘટના કપરી હતી. મિશ્રા પોતે ૨૦ વર્ષના દીકરાના બાપ હતા. મિશ્રા તેની પાસે નીચે બેસી ગયા. તેમણે પેલી બીજી છોકરીને પાણી લાવવા કહ્યું. પેલી છોકરી પાણી લઈ આવી. મિશ્રાએ જીયાને પાણી આપતા કહ્યું, “પાણી.”

જીયાએ માથું ઊંચું ન કર્યું. મિશ્રાએ ફરી કહ્યું, “પાણી પી લે. જે થવાનું હતું એ થઇ ગયું છે. રડવાથી કંઈ બદલાઈ જવાનું નથી.”

જીયાએ પાણી પીધું અને ગ્લાસ પાછો આપ્યો. તેના ડૂસકાં ચાલુ હતા. મિશ્રા ઊભા થયા. લેડી કોન્સ્ટેબલ માટે આ રોજનું હતું. તે તેને ઉઠાવવા આગળ વધી, પણ મિશ્રાએ તેને રોકી. થોડીવાર માહોલમાં ગમગીની છવાયેલી રહી.

મિશ્રાએ જીયા પાસે જઈ કહ્યું, “જઈશું હવે.” જીયા પણ સમજી ગઈ હતી કે મિશ્રા ક્યાં જવાનું કહી રહ્યા છે. તે ઊભી થઈ. લેડી કોન્સ્ટેબલે તેનો બાવડેથી હાથ પકડ્યો. હજી જીયાની દોસ્ત ડરેલી હતી. પોલીસ ટીમ જીયાને લઈને જીપમાં ગોઠવાઈ.

મિશ્રાની મન:સ્થિતિ સાવ બદલાઈ ગઈ હતી. તેમણે તેમના જીવનમાં ઘણા કેસ ઉકેલ્યા હતા, પણ આ કેસ તેમના માટે આચંકા સમાન હતો. એક અઢાર વર્ષની છોકરીએ પાલક પિતાના ટુકડા કર્યા હોય એવો આ પહેલો કેસ હતો. જીપની બહાર એક પછી એક બદલાતા દ્રશ્યોની જેમ મિશ્રાના માનસપટલ પર પણ દ્રશ્યો બદલાઈ રહ્યા હતા.