Ajukt - 4 books and stories free download online pdf in Gujarati

અજુક્ત (ભાગ ૪)

જીપમાં શરૂ થયેલા વિચારોની વણઝાર હજુ સુધી મિશ્રાના મગજનો પીછો છોડતી ન હતી. મગજ થાકી જવાથી શરીર પણ થાક અનુભવતું હતું. મિશ્રા સાત કપ ચા પી ગયા હતા. આ ઘટના એમના માટે કલ્પના બહારની હતી. મિશ્રાએ પાટીલને બોલાવ્યો અને સુચના આપી કે છોકરીને એમની ઓફિસમાં લઈ આવવામાં આવે.

થોડીવારમાં લેડી કોન્સ્ટેબલ જીયાને બાવડેથી પકડીને લઈ આવી. જીયાને નીચે બેસવાનો હુકમ કર્યો. પોલીસ અધિકારીની ઓફિસમાં ગુનેગારોને જમીન પર ઉભા પગે બેસાડીને પૂછપરછ કરવાનો રીવાજ કોણે શરૂ કર્યો હશે એ તો કોઈને ખબર ન હતી, પણ પ્રણાલી પ્રમાણે વર્ષોથી ચાલતું આવતું હતું.

મિશ્રાએ લેડી કોન્સ્ટેબલને રોકાતા કહ્યું, “એને ત્યાં નીચે નહીં, અહીં મારી સામે ખુરશી પર બેસાડો.”

 

જીયા નીચે બેસવા જતી હતી તે ઉભી રહી ગઈ અને લેડી કોન્સ્ટેબલે તેને ખુરશીમાં બેસાડી.  

મિશ્રા જીયાની સામે જોઈ રહ્યા હતા. મિશ્રા તેને હકીકત વિષે પૂછવા માંગતા હતા. તેઓ જાણવા માંગતા હતા કે આટલી નાની ઉંમરમાં આવું પગલું શા માટે ભરવું પડ્યું.

મિશ્રા પહેલો સવાલ પૂછવા જતા હતા ત્યાં જ બહાર કોઈનો અવાજ સંભળાયો. કોઈ જોર જોરથી બુમો પાડતું હતું. પોલીસ સ્ટેશનમાં બુમોના અવાજો સામાન્ય હતા. ગુનેગારોની પૂછપરછ કરવામાં આવતી હોય ત્યારે રીઢા ગુનેગારો મોં ના ખોલે, તો તમને મળતા મારની અસર બુમો સ્વરૂપે બહાર સંભળાતી. પણ અત્યારે જે અવાજ સંભળાઈ રહ્યો હતો તે જુદા પ્રકારનો હતો. મિશ્રાના અનુભવી કાનોએ એ પારખી લીધું કે આ કોઈ પંદર સોળ વર્ષના છોકરાનો અવાજ છે. તેઓ ઉભા થવા જતા હતા ત્યાં જ એક સોળેક વર્ષનો યુવાન છોકરો ઉતાવળે મિશ્રાની ઓફિસમાં ધસી આવ્યો. પાછળ બે હવાલદાર તેને રોકવાની કોશિશ કરતા કરતાં અંદર આવ્યા.

 કોઈ શીખાઉ ડ્રાઈવરના હાથમાંથી ગાડી છૂટે અને ગાડી જે ગતિ પકડે એવી ગતિ આવનાર યુવાનની હતી. કોઈ કંઈ પૂછે કે સમજે એ પહેલાં જ પેલો છોકરો બોલ્યો, “મારી ગર્લફ્રેન્ડને મને પૂછ્યા વિના અહીં કેમ લાવ્યા છો? તમારી હિંમત કેવી રીતે થઈ? સમજો છો શું તમારી જાતને? ખબર છે હું કોણ છું? એક એકને નાગા કરી ઊભી બજારે દોડાવીશ.”

મિશ્રા આશ્ચર્યથી આવનારને જોઈ રહ્યા હતા. પોલીસ ટીમ માટે આગંતુક અપરિચિત હતો. છોકરો વધુ કંઈ બોલે કે કરે એ પહેલાં જ પાટીલે એક સણસણતો તમાચો છોકરાના ગાલ પર ઝીંકી દીધો. છોકરો તમ્મર ખાઈ ભોંય ભેગો થઈ ગયો. જીયા તેની તરફ કરનની બુમ પાડી ધસી ગઈ. જીયાના કરન નામ બોલવાથી બધાને તેના નામની ખબર પડી કે આવનાર યુવાન કરન છે.

જીયાએ તેનો હાથ પકડી તેને બેઠો કર્યો. બંને સામ સામે હતા. જીયાએ કરનના હોંઠ પર લોહી જોયું. તેણે તેના હોંઠ પરથી પોતાના હાથથી લોહી સાફ કર્યું. કરનનો ચહેરો લાલચોળ થઇ ગયો હતો. તેની આંખોમાં લોહી તરી આવ્યું હતું.

કરન ગુસ્સામાં ઉભો થયો અને પાટીલ પર તૂટી પડ્યો. પાટીલને લાત મારવા કરને જેવો પગ ઊંચો કર્યો કે પાટીલના મગજે અગમચેતીનો કમાન્ડ આપ્યો અને લાત વાગે એ પહેલાં જ પાટીલે કરનનો પગ પકડી તેને હવામાં ઉછાર્યો. પાટીલ સામે કરન બાળક હતો. બંનેની તાકાતમાં ફરક હતો. કરન ફરીથી ઉછળીને ભોંય ભેગો થઈ ગયો. તેનું માથું જમીન પર પછડાયું. પાટીલ તેના ઉપર ધસ્યો. તેના હાથ પકડીને પીઠ પાછળ આંટી મારી મજબુતીથી પકડી લીધા. જીયા ઉભી થઈ અને પાટીલ તરફ ધસી. તેણે પાટીલને પીઠ પાછળ જોરદાર લાત મારી. પાટીલ અણધાર્યા હુમલાથી સંતુલન ગુમાવી બેઠો અને તેના હાથમાંથી કરનના હાથ છૂટી ગયા. લેડી કોન્સ્ટેબલે પળનો પણ વિચાર કર્યા વિના જીયાના વાળ પકડી તેને એક તરફ ખેંચી. જીયાએ પોતાની બધી તાકાત એકઠી કરીને જોરથી લેડી કોન્સ્ટેબલના પેટમાં કોણી મારી. લેડી કોન્સ્ટેબલના હાથમાંથી જીયાના વાળ છૂટી ગયા. જીયાએ પોતાની જાતને તરત સંભાળી લીધી ને ઉંધા ફરી જોરથી એક ફેંટ લેડી કોન્સ્ટેબલના મોં પર ઝીંકી દીધી. લેડી કોન્સ્ટેબલ સંતુલન ગુમાવી ગબડી ગઈ. જીયા કંઈ કરે એ પહેલાં જ તેને બોચીમાંથી કોઈએ પકડી તેને ખેંચી. જીયા આંચકા સાથે ફેંકાઈ. મિશ્રાએ તેને ખેંચીને ફેંકી હતી. સુરેશ આવી ગયો હતો. તેણે જીયાને પકડી લીધી. પાટીલે ઉભા થઈ ફરીથી કરનને પકડી લીધો હતો. બંનેને દીવાલ તરફ ધકેલી મિશ્રાએ ખૂણામાં પડેલી બેટન ઉઠાવી બે બે ચોડી દીધી. બેટન પડવાની સાથે વારાફરથી બંનેની ચીસો રૂમમાં ગુંજી ઊઠી. આ રમખાણના અવાજો સાંભળી ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં હાજર બીજા અધિકારીઓ પણ દરવાજે આવી ગયા હતા.

થોડીવાર પછી મિશ્રાએ બધું શાંત પાડી, બધાને રવાના કર્યા. અણધાર્યા રમખાણથી પાટીલ, લેડી કોન્સ્ટેબલ, જીયા અને કરનને નાની મોટી ઈજાઓ થઈ હતી. જીયા અને કરનને અલગ અલગ દીવાલને ટેકે બેસાડ્યા હતા. જીયાની બાજુમાં લેડી કોન્સ્ટેબલ સ્વસ્થ થઈને ઉભી હતી. કરનની બાજુમાં પાટીલ અને સુરેશ ઉભા હતા અને મિશ્રા પોતાના ટેબલને અઢેલીને આ બધાની તરફ નજર રહે એ રીતે ઉભા હતા.

મિશ્રાએ કડક અવાજે જીયાને પૂછ્યું, “બેનેટ રિબેલો, તારા પપ્પાનું મર્ડર કેમ કર્યું?”

કરન વચ્ચે બોલ્યો, “એણે કંઈ નથી કર્યું.”

પાટીલે કરનને થપ્પડ ઝીંકી દીધી, “તને પૂછ્યું? વચ્ચે બોલીશ એટલીવાર પડશે. ”

મિશ્રાએ અવાજ વધુ ઊંચો કરી પૂછ્યું, “બોલ છોકરી.”

લેડી કોન્સ્ટેબલે નીચે બેસી જીયાના વાળ પકડ્યા. જીયાના કમરમાંથી ચામડી પકડી ચૂંટલી ભરી ફેરવી. જીયા ઊંચી થઇ ગઈ અને તેના મોંમાંથી ચીસ નીકળી, “કહું છું.”

લેડી કોન્સ્ટેબલે જીયાને છોડી દીધી. જિયાનો શ્વાસ નીચે બેઠો. જીયાએ એક ઊંડો શ્વાસ લીધો. ફરી બીજો શ્વાસ લીધો અને શાંત થઇ. થોડીવાર સામેની જમીનને તાકી રહી. પછી મોં ઉપર કરી સામે ઊભેલા મિશ્રા સામે જોયું. તેના મોંમાંથી ડૂસકું નીકળી ગયું. આંખમાંથી આંસુ સરકીને ગાલ પર આવ્યા.

મિશ્રાએ ટેબલ પરથી પાણીની બોટલ લીધી અને ખુરશી ખેંચીને તેની સામે લાવી બેઠા. મિશ્રાએ જીયાને પાણી આપ્યું. જીયાએ પાણીના બે ઘૂંટ પીધા અને થેંક યુ કહી બોટલ મિશ્રાને પાછી આપી. મિશ્રાએ બોટલ પોતાના જમણા પગ પર મૂકી બોટલ પર હથેળી ટેકવી જીયાને પૂછ્યું, “બોલ.”

જીયાએ રાહતનો શ્વાસ લીધો અને બોલવાનું શરૂ કર્યું. હું ફૂટપાથ પર રમકડા વેચતી હતી. સિગ્નલ બંધ થાય એટલે ત્યાં આવીને ઉભી રહેતી ગાડીઓ પાસે જઈને હું રમકડા વેચતી. આજથી ત્રણેક વર્ષ પહેલાં એક ગાડી મારી પાસે આવીને ઉભી રહી. એમાંથી એક વ્યક્તિ ઉતરીને મારી પાસે આવી અને મને પૂછ્યું, “બધા રમકડાં શું ભાવમાં આપીશ બેટા?”

મેં કહ્યું, “પાંચસો રૂપિયા.”

એમણે પ્રેમથી પૂછ્યું, “પાંચસો રૂપિયાનું શું કરીશ?”

મેં કહ્યું, “બીજા રમકડાં લાવીશ અને તેને વેચીશ. વધારે પૈસા કમાઇશ.”

એમણે પૂછ્યું, “પછી.”

મેં કહ્યું, “કંઈ નહીં.”

એમણે પૂછ્યું, “ભણવા જાય છે?”

મેં નકારમાં માથું હલાવ્યું.

એમણે પૂછ્યું, “મમ્મી પપ્પા છે?”

મેં ના કહ્યું.

એમણે પૂછ્યું, “મારી સાથે આવવું છે? મારે કોઈ દીકરી નથી. હું તને ભણાવીશ, નવા કપડાં આપીશ. સારું જમવાનું આપીશ અને ઘણો બધો પ્રેમ આપીશ. બોલ મારી દીકરી બનીશ”

મેં એમની સામે જોયું. એમણે સરસ કપડાં પહેર્યા હતા. એકદમ ચોખ્ખા. એમના કપડામાંથી મસ્ત સુગંધ આવતી હતી. મેં એમની ગાડી સામે જોયું. મોટી કાળા કલરની ગાડી હતી.

મેં મનમાં વિચાર કર્યો. મારી પાસે કંઈ નથી. ના માં બાપ, ના રહેવા ઘર કે ના કોઈ સગું. મેં એમની સામે જોયું. એમનામાં મને પ્રેમ દેખાયો, એક બાપ જેવો પ્રેમ. એ સજ્જન દેખાતા હતા.

એમણે મને ફરી પૂછ્યું, “મારી સાથે આવીશ.”

મેં હા કહ્યું.