Ikarar - 6 books and stories free download online pdf in Gujarati

ઇકરાર - (ભાગ ૬)

મેં આંખોનો પલકારો કર્યો ને મારી જૂની યાદોમાં ગયેલી આત્મા ઓફિસમાં બેઠેલા મારા શરીરમાં પાછી આવી. મેં બે ત્રણ વાર આંખો પટપટાવી વીતી ગયેલા ભૂતકાળને ખંખેરી નાંખ્યો. ઝાડા થઈ ગયા હોય અને જોરથી છીંક ખાવામાં જે બીક લાગે એવી બીક મારા પ્રેમના ત્રણ ખતરનાક અનુભવો પછી મને સુંદર છોકરી જોઈને પ્રેમમાં પડવામાં લાગવા લાગી હતી. ફ્રેશ થવાના હેતુથી ટેબલ પર પડેલી બોટલમાંથી બે ઘૂંટ પાણી પીને સામે પડેલી ફાઈલમાંથી એક ફાઈલ હાથમાં લઈને હું તેમાં રહેલા ડોક્યુમેન્ટ્સ ચેક કરવા માંડ્યો.

એકાદ બે મિનીટ વીતી હશે ત્યાંજ મારી ઓફીસના બારણે પહેલાં બે ટકોરા થયા ને પછી ‘મે આઈ કમિંગ’ નો સુરીલો રણકાર સંભળાયો. મેં ફાઈલમાંથી ધ્યાન હટાવ્યા વિના જ યસ નો ઉત્તર આપ્યો. મારા કાને દરવાજો ખુલવાનો અવાજ સંભળાયો ને મારી નજર ફાઈલમાંથી દરવાજા તરફ ગઈ. દરવાજા સામે જોતાં જ મને શરીરમાં વીજળીનો શોક લાગ્યો હોય એવો આંચકો અનુભવાયો. હાથમાંથી ફાઈલ પડતા પડતા રહી ગઈ. મારા જમણા હાથને મગજનો સંકેત મળ્યો હોય એમ ખિસ્સામાં એ ચેક કરવા આપોઆપ જતો રહ્યો કે ખિસ્સામાં એકાદ રાખડી પડી છે કે નહીં.

દરવાજામાંથી પ્રવેશેલી યુવતીને જોઇને મારી નજર એની ઉપરથી તુરંત હટીને ફાઈલમાં આવી ગઈ. મારી નજર ભલે ફાઈલમાં હતી, પણ મગજ ચકરાવે ચડી ગયું હતું.

યુવતી ઝપાટાભેર મારી સામે આવીને બોલી, “હલકા, શું ધારી ધારીને જોતો હતો. ઘરમાં માં બહેન છે કે નહીં. કોઈ છોકરી જોઈ નથી કે ડોળા ફાડીને ધારી ધારીને જોયા કરવાનું... હં. તમારા જેવા લંપટોના કારણે જ અમે છોકરીઓ અમારી આઝાદી પણ ભોગવી નથી શકતી. અરે કોઈ છોકરી વરસાદમાં... સર... સર.

‘સર, સર’ ના મધુર અવાજે મારી તંદ્રામાંથી મને બહાર કાઢ્યો. ઊંડા ધ્યાનમાંથી બહાર આવી મેં મારી જાતને વ્યવસ્થિત કરી.

ભાનમાં આવતા જ મારી સામે ત્રેવીસ ચોવીસ વર્ષની જે યુવતીને બેઠેલી જોઈ એ યુવતી એ જ હતી જેને સવારે વરસાદમાં નહાતા અને કુદતા જોઈ હતી. મારું પ્રાણપખેરુ એને જોઈને એ વિચારીને ઉડી ગયું હતું કે આ શોધતી શોધતી આવી લાગે છે, પણ એ જે શાંતિભર્યા સ્વરમાં બોલી હતી એ જોઇને મને ટાઢક થવાને બદલે પ્રચંડ ડર લાગ્યો, કારણ કે સવારે અવનીએ પણ શરૂઆત શાંતિથી જ કરી હતી.

એ બોલી, “મારું નામ રીચા છે. રીચા પટેલ.”

મારાથી ‘હા બોલો’ ને બદલે બોલાઈ ગયું, “મારું નામ મહર્ષિ પટેલ.” એનું પટેલ સાંભળીને હું પણ મારું નામ અટક સાથે એવી રીતે બોલ્યો જાણે કે એ મને જોવા આવી હોય.

મેં તરત સુધારીને કહ્યું, “જી બોલો.”

એણે મારી સામે જોઇને કહ્યું, “મારે ઓસ્ટ્રેલીયા સ્ટુડન્ટ વિઝાની ઇન્ફોર્મેશન લેવી છે.” અને તેના હાથમાં અમારી ઓફિસનું તેની ઇન્ફોર્મેશન ભરેલું ક્લાયન્ટ ઇન્ફોર્મેશન ફોર્મ હતું તે મને આપ્યું.

હું સ્વસ્થ થઈ ગયો હતો, તેથી મજાકમાં કહ્યું, “ફક્ત ઇન્ફોર્મેશન લેવી છે કે જવું પણ છે.” બોલતા બોલતા જ મેં એને નીરખી લીધી. તેણે સવારના કપડાં બદલી નાંખ્યા હતા એનો અર્થ કે એ ઘરે જઈને આવી હતી.

રીચાએ હસીને કહ્યું, “ઇન્ફોર્મેશન લીધા પછી ખબર પડેને કે જવું કે નહીં.”

મેં પણ હસીને કહ્યું, “સાચી વાત છે. ક્યા કોર્સમાં જવું છે?”

એણે કહ્યું, “મારે તો ફક્ત ત્યાં જવું છે. તમે જોઇને કહોને કયા કોર્સમાં જવાય અથવા કયા કોર્સમાં ઇઝીલી વિઝા મળી શકે.”

મેં ફોર્મમાં એના ક્વોલિફિકેશનના ખાનામાં જોઇને કહ્યું, “તમે એમએસસી વીથ એગ્રીકલ્ચર કર્યું છે. તમારા માટે તો સારા સ્કોપ છે ત્યાં.”

એણે આશ્ચર્ય સહ પૂછ્યું, “ખરેખર?”

મેં તેની શંકા દૂર કરતાં કહ્યું, “હા. તમને તો હોર્ટીકલ્ચરના કોઈ પણ કોર્સમાં એડમીશન મળી જશે. વિઝા પણ ૧૦૦ ટકા મળી જશે. પણ ફી... તમારું બજેટ કેટલું છે?” મોટેભાગે ઓસ્ટ્રેલીયા માટે આવતા સ્ટુડન્ટને અમે આખી ઇન્ફોર્મેશન આપતા પહેલાં જ બજેટ એટલા માટે પૂછી લઈએ છીએ કારણ કે ઓસ્ટ્રેલીયામાં ફી બીજા દેશો કરતાં વધારે હોય છે.”

એને આત્મવિશ્વાસ સહ કહ્યું, “ફીની ચિંતા નથી. એજ્યુકેશન લોન લઈ લઇશ. પણ ગમે તે કરીને મારે ઓસ્ટ્રેલીયા જવું છે.”

મેં એનો ઓસ્ટ્રેલીયા પ્રત્યેનો અગાધ પ્રેમ જોઇને મારી જાણકારી માટે પૂછ્યું, “કેમ ઓસ્ટ્રેલીયા જ જવું છે?”

“પૈસા. પૈસા કમાવા માટે જવું છે. ત્યાં બીજા દેશો કરતાં ઇન્કમ હાઈ છે.” એ બોલી રહી હતી ત્યારે મેં એને ધ્યાનથી જોઈ. તેના ચેહરામાં સાદગી અને નૈસર્ગિકતા હતી. મેક અપ વગર પણ તે સુંદર લાગતી હતી.

મેં એને ઓસ્ટ્રેલીયા સ્ટુડન્ટ વિઝા માટેની આખી અથ થી ઇતિ સુધીની માહિતી આપી. છેલ્લે મેં એને કંઈ ખબર ના પડી હોય તો પુછવા કહ્યું, પણ એને કહ્યું તમે જે રીતે સમજાવ્યું એમાં બધી ખબર પડી ગઈ. મારા એમ પૂછવાથી કે ક્યારથી પ્રોસેસ શરૂ કરાવવી છે ના જવાબમાં એણે કહ્યું કે એક બે દિવસમાં વિચારીને કહું.

મેં મહત્વની જાણકારી આપતા કહ્યું, “જે પણ વિચારવું હોય એ જલ્દી વિચારીને જણાવજો, કારણ કે આ ઇન્ટેક માટે મોટાભાગની બધી યુનિવર્સીટીમાં દસેક દિવસમાં એડમીશન ક્લોઝ થઈ જશે પછી તમારે બીજા છ મહિના મહિના રાહ જોવી પડશે.”

‘ઠીક છે કાલે જ જણાવી દઈશ’ કહીને તે મારી ઓફિસમાંથી નીકળી ગઈ. હું મારા કામમાં પરોવાયો.

બીજે દિવસે મેં રીચાએ ભરેલા ફોર્મમાંથી એનો મોબાઈલ નંબર જોઇને ફોન કરીને પૂછ્યું કે શું વિચાર્યું ઓસ્ટ્રેલીયાની પ્રોસેસ ક્યારથી શરૂ કરવી છે.

એણે અસમંજસમાં જવાબ આપતા કહ્યું, “મારે તો જવું જ છે, પણ..”

મેં એના પણના પ્રશ્નાર્થનો જવાબ લેવા માટે પૂછ્યું, “પણ શું? કોઈ પ્રોબ્લેમ છે?”

એણે ચોખવટ કરતાં કહ્યું, “હા. ફી વધારે છે.”

મેં પ્રશ્નનું સમાધાન આપતા કહ્યું, “એમાં શું? એજ્યુકેશન લોન કરાવી લેવાની. અમે એના માટે પણ મદદ કરીએ છીએ. એકવાર તમે ડીસાઈડ કરી લો કે જવું છે, પછી બધું થઈ જશે. મન મક્કમ કરી લો તો ગમે તેવો પહાડ પણ ચડી જવાય.” જાણે કોઈ ફિલોસોફર બોલતો હોય એમ હું એને સમજાવતો હતો. કંપનીને ફાયદો કેવી રીતે કરાવવો એના અમારી કંપનીના ટ્રેનીંગ સેમિનારમાં અમને આ શબ્દો બોલતા શીખવાડવામાં આવતા.

મારા પ્રવચનથી એની ઓસ્ટ્રેલીયા જવાની ઈચ્છા દ્રઢ બની ને એ બોલી, “ હું કાલે જ બધા ડોક્યુમેન્ટ લઈને આવું છું.” એણે ફોન કટ કર્યો.

બીજે દિવસે રીચાની ઓસ્ટ્રેલીયા જવાની અદમ્ય ઈચ્છા અને તેના અરમાનો પર પાણી ફરી વળ્યું જયારે એને ખબર પડી કે લોન મારે પ્રોપર્ટી મોર્ગેજ કરવી પડે. રીચા એટલી હદે હતાશ થઈ ગઈ હતી કે એની આંખોમાં પાણી ભરાઈ આવ્યું હતું, કારણ કે તેનો પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો.

મેં એને સાંત્વના આપતા કહ્યું , “રડવાથી કંઈ પ્રશ્નનું સમાધાન આવી જશે?”

એના ગળામાં રુદનથી ભરાયેલા ડૂમાને કારણે તેનો અવાજ બદલાઈ ગયો હતો, “ઓસ્ટ્રેલીયા જવું મારું એકમાત્ર સપનું છે અને એ જ પુરૂ ન થાય તો હતાશ તો થઈ જવાયને. પળવારમાં સપના તૂટી જાય તો દુઃખ તો થાય જ ને.”

મેં તેને હિંમત આપતા કહ્યું, “મારે પણ ઓસ્ટ્રેલીયા જવું છે, પણ હું નિરાશ થયો છું. અરે, ધીરજ રાખો તો કોઈને કોઈ રસ્તો મળી જ જાય.”

“પણ ધીરજ રાખવામાં ક્યાંક મોડું થઈ જાય તો” એના અવાજમાં એ રણકાર ન હતો છતાં મને એવું લાગ્યું જાણે આ વાક્ય એણે મને ટોણો મારતાં કહ્યું હોય. એની વાત એક રીતે તો સાચી પણ હતી. તે નિરાશ થઈને મારી ઓફિસમાંથી નીકળી ગઈ.

એ દિવસે એના ગયા પછી મને ચેન ન પડ્યું. એની નિરાશા મને પણ ઘેરી વળી. એના આંખના આંસુઓએ મને અંદરથી હચમચાવી મુક્યો હતો, કારણકે એના જેવી જ મારી પણ હાલત હતી. મારું પણ એની જેમ જ ઓસ્ટ્રેલીયા જવાનું સપનું તૂટ્યું હતું. હું રીચાના ખયાલોમાં ખોવાયેલો હતો ત્યાં જ મારા મગજમાં ઝબકારો થયો.

બીજે દિવસે સવારે આવીને મેં રીચાને કોલ લગાડ્યો. ફોન ઉપાડતા જ એણે કહ્યું, “કંઈ સેટીંગ નથી થયું.”

હું એની ભાવના અને એની માનસિક સ્થિતિ સમજતો હતો, મેં એને કહ્યું, “એક રસ્તો મળી ગયો છે. તમને વાંધો ન હોય તો આપણે બહાર ક્યાંક મળી શકીએ?”

“પણ બહાર કેમ?” એણે હું પુરુષ હતો એટલે મને આવો સવાલ કર્યો એ ચોક્કસ હતું.

મેં ચોખવટ કરતાં કહ્યું, “આ વાત ઓફીસમાં થઈ શકે એમ નથી અને ફોન ઉપર બહુ લાંબી ચર્ચા થઈ જશે.”

એણે હકારમાં જવાબ આપ્યો એ સાંભળીને જ મારો ખ્યાલ મજબુત બન્યો હતો કે તેની અદમ્ય ઈચ્છા છે ઓસ્ટ્રેલીયા જવાની. અમે સાંજે કર્મા કાફે મળવાનું નક્કી કરીને ફોન કટ કર્યા.

સાંજે નક્કી કરેલા સમયે હું કર્મા કાફે પહોંચીને એક ખાલી ટેબલ પર ગોઠવાયો. હજી તો હું માંડ ખુરશીમાં ગોઠવાયો હતો ત્યાં જ મારી સામેનું દ્રશ્ય જોઈ હું ડઘાઈ ગયો