Giggling Old Man books and stories free download online pdf in Gujarati

એક કાકાની કિલકારી

આજે કંઈક વણકલ્પેલી જ બીના બની. મે મહિનાની તપતી એકાદ સાંજે હું, ઓફિસથી છૂટીને કકડીને ભૂખ લાગી હતી, ઑફિસની પાસે એક નાસ્તાની દુકાનમાં ભાવતા નાસ્તાનો ઓર્ડર આપીને લાઈનમાં ઉભો રહ્યો ને મારો વારો આવવાની રાહ જોતો હતો. થોડીક જ વાર થઈ હશે એવામાં મારી બાજુમાં લગભગ આધેડ, એવા કાકા આવીને ઊભા રહ્યા, ઊંચાઈ મને ઢાંકી દે એવી ને કાયા પણ એવી પડછંદ. અડીખમ શરીરના આ  માલિક તેમનો ઓર્ડર આપીને મારી જેમ એમના વારાની રાહ જોઈ રહેલા. હું હજુ તો વિચારતો હતો કે ક્યારે બનાવશે આ દુકાનવાળો, સાથોસાથ દયા પણ આવી કે આવી સાંજની ગરમીમાં જો મહિલા વર્ગ ગેસ આગળ ઉભા રહીને રાંધતા પણ 2 ઘડી ખચકાતો હોય તો આ માણસની શુ હાલત થતી હશે જે આવી ભઠ્ઠી સામે નિરંતર ઉભો રહીને કોઈને કોઈના ઓર્ડર બનાવી રહેલો!!

એકાએક એક ખડખડાટ હાસ્ય સંભળાયું! કેવું હાસ્ય પણ! નાનું બાળક ઘોડિયામાં ઊંઘમાં ને ઊંઘમાં હસી પડે ને એના આસપાસમાં રહેલા લોહીના સગાઓ મનોમન હરખાય એવું હાસ્ય.. આગળ કાઈ વિચારું એ પેહલા ફરી વાર એવું જ હાસ્ય કાને પડ્યું. મેં કૌતુકવશ બાજુમાં નજર કરી તો પેલા આધેડ કાકા ખડખડાટ હસી રહેલા. મનમાં થયું 'હશે, કંઈક એમને પણ એવો કોઈ રમુજી કિસ્સો યાદ આવી ગયો હશે'. આ કાકાએ જીવનના કેટલા તડકા છાયા જોઈ લીધા હશે!! ને ધીરે ધીરે હાથ ઉપર કરીને મનોમન બબડતા હતા જાણે એમને કોઈ આત્મીયજનનો ભાસ થતો હોય ને એની સાથે વાત કરતા હોય એમ..
"બેટા જલ્દી બટરમાં એક વડાપાઉં બનાવ ને, મારાથી ઉભા નથી રહેવાતું"! કાકા અધીરા બની રહ્યા હતા હવે.
"ઓ કાકા, બીજા લોકો પણ તમારી પહેલાના ઓર્ડર આપીને ઉભા જ છે, તમારો વારો આવશે થોડી વારમાં" દુકાનવાળો એની લાક્ષણિક અદા માં એક શ્વાસે બોલી ગયો. એના માટે તો આવા ઘરાક રોજના હોય.
"ભલે દીકરા" બોલીને ફરી પાછું એજ ખડખડાટ હાસ્ય..એમ કહીને એ કાઉન્ટરનો ટેકો પકડીને ઉભા રહ્યા, કેટલું સહજ અને મૌલિક ગુજરાતી!! રંગમંચ પર નાટકમાં કોઈ કલાકાર દ્વારા બોલાયેલું ગુજરાતી પણ આની સામે વાણીવિલાસ જ લાગે.. કાકાના હાથના પંજા કાઉન્ટરના ટેકા ને પકડીને થર થર ધ્રુજતા હતા. એટલે ઉંમર અને શારીરિક તેમજ માનસિક હાલતનો તો થોડો ઘણો ક્યાસ મેં ત્યાંજ કાઢી લીધો..

સાચું કહું તો આજે હું તેમના આ હાસ્ય જોઈને 2 ઘડી મનમાં ગલગલિયા થયા કે લાવ પૂછી તો જોઉં કે "કેમ કાકા, કઈ વાત પર હસો છો? મને કહો ને, હું ય તમારી સાથે હસું." પણ હિંમત ન ચાલી પૂછવાની.. રખેને મારે કઈક ઊંધું સાંભળવું પડે? ભાન થતા, હું એમના ફરી હસવાની રાહ જોતો ઉભો રહ્યો..

મારો પણ ઓર્ડર આવી ગયો ને કાકાનો પણ. કાકા દૂર જઈને એમની પ્લેટ હાથમાં લઈને બેઠા ને ખાતાં ખાતાં ફરી હસવા લાગ્યા.. ખાતા જાય ને હસતાં જાય ને એકલા એકલા કઈક બબડતા જાય. થોડી વારમાં નાસ્તો પતાવીને આવ્યા પછી હાથ ધોઈને કહે: "ભાઈ શુ સ્વાદ છે તારા વડાપાઉંમાં, મજા આવી ગયી!. લસણની ચટણી જરા તીખી હતી. પણ દોડે, કઈ વાંધો નહીં. ચાલ આ તીખાશ દૂર કરવા એક મસ્ત બટરવાળી સેન્ડવીચ બનાવી દે. જોરદાર બનાવે છે ભાઈ તું તો. લાગે છે હવે નાસ્તો કરવા અહીંયા જ આવવું પડશે" બોલીને ફરી પાછા એમના 'નિજાનંદ' માં વ્યસ્ત ને મસ્ત થઈ ગયા! ભીડ વધતી જતી હતી એટલે ભીડને લીધે તે થોડા આઘા જતા રહ્યા.

દુકાનવાળો મારી સામે જોઇને હસતાં હસતાં કહે - "કાકો તો ગાંડો છે, બસ હસે જ જાય છે ક્યારનો". આગળ કઈ તે બોલે તે પહેલા મેઁ તેને ટોક્યો. "હસવા દે ને એમને! તને શું ભારે પડ્યા?? હસવા દે!! હશે કંઈક માનસિક તકલીફ હશે એમને! તો જ આમ બને, અને તેમના ઘરવાળા આ બાબતની પુરી કાળજી લેતા જ હશે, એટલે તું તારો ઓર્ડર સંભાળ."

દુકાનવાળો પ્રતિવાદી વકીલની માફક મારુ બોલવાનું કાપીને બોલતો રહ્યો.. "પણ આ કાકાને કોઈના મરણ પ્રસંગે અથવા કોઈ ગમગીન વાતાવરણમાં ના લઈ જવાય હોં, માર ખાય અને આપણનેય ખવરાવે" એટલા માં કાકા હાથ ધોવા ઉભા થયા. પાણી પીને, પૈસા ચૂકવીને એમના સ્કૂટર પાસે થોડી વાર જઈને ઉભા રહ્યા.. ને ફરી એજ હાસ્ય.. હું તો સાચે વિસ્મિત થઈ ગયેલો તેમને આમ હસતાં જોઈને.. કેવું નિર્દોષ હાસ્ય!! જીવનમાં કદી ના અનુભવેલી ઘટનાનો આજે હું સાક્ષી બનેલો.

એટલામાં કાકાએ રોડ ઉપર જ ટીશર્ટ ઊંચી કરી અને તેનાથી મોઢું લૂછયું ને ફરી સ્કૂટરને કિક મારીને ટ્રાફિક ને ચીરતા ચીરતા ભીડમાં અલોપ થઈ ગયા. અનાયાસે સંજોગે મળેલા આ કાકા કેટલું બધું શીખવી ગયા! ખુદના વિશે કેટલું બધું કહી ગયા જાણે! એમના હાસ્યમાં કદાચ કંઈક અવાજ પણ આવતો હતો, કંઈક કહેવા કદાચ માંગતા હોય કે "જો✋ આમ જ જીવાય, ભાન હોય કે ના હોય!! 'લાફિંગ ક્લબ' ના સભ્ય બનીને સ્વાસ્થ્યને બરકરાર તરોતાજા રાખવું પડે, ખોટું ખોટું હસવું પડે એના કરતાં આ મારુ હાસ્ય શુ ખોટું!!"

નાનપણથી સાંભળેલું ને વાંચેલું કે ચાર્લી ચેપ્લીને તેના બાળપણમાં ખૂબ સંઘર્ષ વેઠેલો. બહારથી દુનિયાને હસાવતો ચાર્લી ચેપ્લિન અંદરથી એટલો જ દુઃખી હતો.. મારા અતિપ્રિય શાહબુદ્દીન રાઠોડ સાહેબની એક રેકોર્ડમાં મેં સાંભળેલું કે "હાસ્ય ઉત્પન્ન એ જ કરી શકે જેણે જીવનમાં જખ્મો ઝીલ્યા હોય ને વેઠયા હોય, તમે હાસ્ય કલાકાર બનવા માંગો છો? Where are your wounds?" આ કાકા કોઈ હાસ્ય કલાકાર તો નહોતા, કે નહોતા કોઈ હાસ્ય લેખક.. ચોક્કસ, જીવન માં બનેલી કોઈ દુર્ઘટનાના સાક્ષી રૂપે "આવી" માનસિક હાલતનો સામનો કરી રહ્યા હતા કદાચ, અથવા વધતી ઉંમરે તેમની દિમાગી હાલતને આવી બનાવી દીધેલી. હસવા માટે 'ધ કપિલ શર્મા શૉ' ની જરૂર નહીં પડતી હોય આમને, ને આ રીતે હસી હસીને જ એમની પડછંદ કાયા તંદુરસ્ત હશે!!

તોય અંદર રહેલું બાળમાનસ તો તોય એમ જ ઝંખે છે કે ભગવાન કરે ને આ કાકાનો ફરી સામનો થઈ જાય અને મારી બધી પ્રશ્નાવલીઓ તેમની સામે ખડકી દઉં અને કહું કે "ચાલો કાકા, આપણે જોડે હસિયે, જેને જે વિચારવું હોય એ વિચારે, ભાડમાં જાય એ બધા!!" ને પછી હું પણ હાથ ધોઈને નિરાશ મને, "કોઈક દિવસ આ જ જગ્યા એ કાકા મળશે" એમ વિચારતા વિચારતા બાઇકને કિક મારીને વાહનોની ભીડને ચીરતા ચીરતા અલોપ થઈ ગયો!!😊