Phool aur Patthar - Review books and stories free download online pdf in Gujarati

ફૂલ ઔર પત્થર (૧૯૬૬) – રીવ્યૂ

ફિલ્મનું નામ : ફૂલ ઔર પત્થર       

ભાષા : હિન્દી

પ્રોડ્યુસર : ઓ. પી. રાલ્હન    

ડાયરેકટર : ઓ.પી. રાલ્હન     

કલાકાર : મીના કુમારી, ધર્મેન્દ્ર, શશીકલા, મદન પૂરી, જીવન, લલિતા પવાર, રામ મોહન, સુંદર. ઓ.પી. રાલ્હન અને મનમોહન કૃષ્ણ  

રીલીઝ ડેટ : ૧૪ ઓગસ્ટ ૧૯૬૬

        ફિલ્મફેરની ન્યુ ટેલેન્ટ સ્પર્ધામાં વિજેતા બનેલ પંજાબી જાટ ધર્મેન્દ્ર કેવલ કૃષ્ણ દેઓલ વિજેતા માટેની ફિલ્મમાં કામ કરવા માટે મુંબઈ આવ્યો, પણ તે ફિલ્મ શરૂ જ ન થઇ. તેણે ફિલ્મોમાં પદાર્પણ કર્યું અર્જુન હિંગોરાનીની ૧૯૬૦ની ફિલ્મ ‘દિલ ભી તેરા હમ ભી તેરે’. ત્યારબાદ તેણે ૧૯૬૧માં અશોક કુમારની કિસ્મતની રીમેક અને શમ્મી કપૂરને ચમકાવતી ‘બોય ફ્રેન્ડ’ માં કામ કર્યું. બંને ફિલ્મો સફળ હતી અને આ પંજાબી પુત્તર ચાલી નીકળ્યો. તેની શરૂઆતની ફિલ્મોમાં તેના રોલ રોમેન્ટિક હીરોના હતા તેમ જ મોટાભાગની ફિલ્મો સ્ત્રીપ્રધાન હતી.  

        ૧૯૬૬માં આવેલી ફિલ્મ ફૂલ ઔર પત્થરે તેના કરીકીર્દીની દિશા અને દશા બંને બદલી દીધી. અગાઉ તે મીના કુમારી સાથે ચાર ફિલ્મોમાં કામ કરી ચૂક્યો હતો અને બંનેની જોડી સફળ ગણાતી. જો કે આ ફિલ્મ માટે તે પહેલી ચોઈસ નહોતો. આ ફિલ્મ માટે ઓ.પી. રાલ્હને પોતાના જીજાજી રાજેન્દ્રકુમારને ફિલ્મના હિરોનો રોલ કરવાનું કહ્યું, પણ તેમણે હીરોને બદલે પ્રેઝેન્ટર બનવાનું સ્વીકાર્યું. ત્યારબાદ રાલ્હન ગયા સુનીલ દત્ત પાસે અને તેમણે પણ ના પાડી. નિરાશ થયેલ રાલ્હને પ્રસ્થાપિત હિરોને બદલે કોઈ નવા હિરોને લેવાનું નક્કી કર્યું. તેણે ધર્મેન્દ્રને વાત કરી અને ધર્મેન્દ્રે હા પાડી. ધર્મેન્દ્ર હિરોનો રોલ કરવાનો છે એ જાણીને મીના કુમારીના પતિ કમાલ અમરોહીએ વિરોધ કર્યો, પણ રાલ્હન પોતાના નિર્ણય ઉપર અડગ હતા.

        વિધિની વક્રતા જુઓ કે આ ફિલ્મ ૧૯૬૬ની ટોપ ગ્રોસિંગ ફિલ્મ બની અને તેની સામે કમાણીમાં રાજેન્દ્ર કુમારની સુરજ બીજા નંબરે રહી અને સુનીલ દત્તની મેરા સાયા ત્રીજે નંબરે રહી. આ જ ફિલ્મે ધર્મેન્દ્રને સામાન્ય હિરોમાંથી સુપરસ્ટાર બનાવી દીધો.

        ઓમ પ્રકાશ રાલ્હને અખબારમાં એક સમાચાર વાંચ્યા હતા કે કોઈ ઊંચા ખાનદાનની સ્ત્રી એક દલિતના ઘરે જઈને રહી અને તેની સાથે લગ્ન કર્યાં. આ વાત તેમના મનમાં ઘૂંટાતી રહી અને આ જ વિષય ઉપર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. ફિલ્મ બનાવતી વખતે કોઈ વિવાદ ન  થાય તેથી પુરુષને ચોર બતાવ્યો અને અન્ય રંગો પણ ઉમેર્યા. રાલ્હન આમ તો ૧૯૫૦થી કાર્યરત હતા, પણ તે ફિલ્મોમાં નાના મોટા રોલ કરતા. રાજેન્દ્રકુમાર સફળ થતાં જીજાજીની સલાહ પ્રમાણે ફિલ્મ પ્રોડ્યુસ કરવાની નક્કી કર્યું અને રાજેન્દ્રકુમારને લઈને ‘ગેહરા દાગ’ બનાવી. તે આંશિક સફળ રહી અને તે નિર્માતા અને નિર્દેશક તરીકે પ્રસ્થાપિત થઇ ગયા. ઝીનત અમાનને બ્રેક આપનાર પહેલા નિર્દેશક પણ રાલ્હન જ હતા. દેવ આનંદની ‘હરે રામા હરે ક્રિશ્ના’ પહેલાં ઝીનત અમાન એક પણ ગીત વગરની રાલ્હનની કોમેડી સસ્પેન્સ થ્રીલર ‘હલચલ’ કામ કરી ચૂકી હતી. રાલ્હને કૂલ મળીને સાત કે આઠ જ ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું અને તેમની સૌથી સફળ ફિલ્મ ફૂલ ઔર પથ્થર હતી.

        ફિલ્મની શરૂઆત થાય છે એક નાના બાળકથી જે અનાથ છે અને પોતાની ભૂખ ભાંગવા તે ચોરી કરે છે અને તેને લાગે છે ચોરી કરીને ભૂખ ભાંગી શકાય છે. આ બાળક એટલે શક્તિસિંહ ઉર્ફ શાકા (ધર્મેન્દ્ર). તે ચોરી કરવામાં મહારત હાંસલ કરે છે અને તેની જેલમાં આવન જાવન થતી રહે છે. તે કામ કરે છે જોન ઉર્ફ બોસ (મદન પૂરી) માટે. ચોરીનો માલ બોસને વેચીને શાકા કમાણી કરતો હોય છે.

        એક દિવસ બોસ શાકાને બોલાવીને સેઠ જીવનરામ (જીવન) ની માહિતી આપે છે જે એક નાના ગામમાં રહેતો હોય છે. ગામમાં ગયેલા શાકાનો ભેટો થાય છે સડકરામ (ઓ.પી. રાલ્હન) સાથે જે તેની જેમ ચોર છે અને તેનો મિત્ર પણ છે. તે જ સમયે સમાચાર મળે છે કે ગામમાં પ્લેગ ફેલાયો છે. સડકરામ શાકાને ચોરીનો કાર્યક્રમ પડતો મુકીને જતાં રહેવાનું કહે છે, પણ શાકા તેનું ન માનીને જીવનરામના મકાન તરફ જાય છે. મકાનની તિજોરીઓ ખાલી હોય છે, મકાનની વધુ તલાશી લેતાં શાકાના કાનમાં કોઈના કણસવાનો અવાજ પડે છે. તે જુએ છે કે સ્ત્રી તાવમાં ફફડી રહી છે. તે હોય છે શાંતી દેવી (મીના કુમારી) તે ઘરની વિધવા વહુ. શાકા ચોર છે, પણ દિલનો સાફ તેથી તે તેની સેવા કરે છે અને વૈદ્યરાજ અલોપીનાથ (સુંદર) ને બોલાવીને તેની સારવાર કરાવે છે. તે સાજી થાય છે ત્યાં સુધીમાં જીવનરામ, તેની પત્ની (લલિતા પવાર) અને તેમનો નાનો દીકરો કાલીચરણ (રામ મોહન, નદિયા કે પાર ફિલ્મના સચિનના કાકા) ઘરે પાછા ફરે છે. તેમનો વિચાર હતો કે શાંતી મારી ગઈ હશે, પણ તેને જીવતી જોઇને તે લોકો નિરાશ થઇ જાય છે. તેની રૂમમાં સિગરેટનાં ઠુંઠા જોઇને તેઓ શાંતીના ચરિત્ર ઉપર લાંછન લગાડે છે અને મારઝૂડ કરે છે. રાત્રે કાલીચરણ શાંતીની રૂમમાં જાય છે અને બળાત્કાર કરવાનો પ્રયત્ન કરે છે, પણ તે સમયે શાકા તેને બચાવે છે અને બેહોશ થયેલી શાંતીને પોતાની સાથે લઈને આવે છે.

        શરૂઆતમાં શાંતી શાકા સાથે શહેરમાં જવાની ના પાડે છે, પણ શાકા તેની સુરક્ષાની ખાતરી આપે છે એટલે તેની સાથે તે જે ચાલમાં રહેતો હોય છે ત્યાં રહેવા જાય છે. શાંતી શાકાને ચોરી કરવાની ના પાડે છે ત્યારે શાકા તેને પોતાના ફૂલમાંથી પથ્થર બનવાની કહાની કહે છે. શાકા શાંતીના પ્રેમમાં પડી ગયો હોય છે અને તેની દરેક વાત માનવા તૈયાર થાય છે. પ્રેમનો ત્રીજો ખૂણો પણ આ ફિલ્મમાં છે. બોસ પાસે કામ કરતી ડાન્સર રીટા (શશીકલા) પણ શાકાને ચાહે છે અને તેના માટે કંઈ પણ કરવા તૈયાર છે.

        બીજી તરફ શાંતીના કોઈ કાકા ગુજરી જાય છે અને શાંતી માટે છ લાખની જાયદાદ મુકીને જાય છે. જીવનરામ અને તેના પરિવારને ખબર પડતાં તેઓ પોલીસમાં ખબર કરે છે જેથી શાંતીને ઘરે લાવીને તે જાયદાદ મેળવી શકાય.

        બોસ શાકા માટે એક ટીપ મેળવે છે, જેનાથી લાખો રૂપિયા શાકાને મળી શકે. ચોરી ન કરવાનું નક્કી કરેલ શાકા છેલ્લી ચોરી કરવાનું નક્કી કરે છે. શું શાકા ચોરી કરે છે? શું શાંતી તેને ચોરીના રસ્તેથી પાછો વાળે છે? શું જીવનરામ અને તેનો પરિવાર તેમના ઘરની બહુને પાછી લાવી શકે છે? આ પ્રશ્નોનો જવાબ મેળવવા ફિલ્મ જોવી રહી.

        ભારોભાર કમર્શિયલ એવી આ ફિલ્મમાં કલાકારોનો શંભુમેળો છે. ફિલ્મનો મુખ્ય ફોકસ ધર્મેન્દ્ર, મીના કુમારી, ઓ.પી. રાલ્હન, મદન પૂરી અને શશીકલા ઉપર રહે છે અને તે સિવાય જીવન, લલિતા પવાર, રામ મોહન, સુંદર, ટુનટુન (સુંદરની પત્નીના રોલમાં છે), બેબી ફરીદા (હાલની ફરીદા જલાલ), ઈફ્તેખાર (આ ફિલ્મમાં ઇન્સ્પેક્ટરને બદલે બોસના માણસનો રોલ કર્યો છે.આવો ફાલતુ રોલ કેમ કર્યો હશે? એવો પણ વિચાર આવે) લીલા ચીટનીસ (ગરીબ ભિખારણ, જેને ધર્મેન્દ્ર મદદ કરતો રહે છે) ડી. કે. સપ્રુ (જજ), મનમોહન કૃષ્ણ (ઇન્સ્પેકટર, સંત જેવો ઇન્સ્પેક્ટર બતાવવો હોય તો આ જ ચાલે), બ્રહ્મ ભારદ્વાજ (સરકારી વકીલ, હંમેશાં સફેદ વિગમાં દેખાયેલ એક્ટર), રામ અવતાર (જાડિયો ચોર, ફિલ્મમાં કોમેડી ઉમેરવા રાલ્હને રામ અવતારને અને બીજા ત્રણ ચોરોને સ્ત્રીના વેશમાં દેખાડ્યા છે. હે રામ!)

        આ ફિલ્મમાં ધર્મેન્દ્રે પહેલીવાર પોતાનું શર્ટ ઉતાર્યું હતું. ફિલ્મમાં દારુ પીને ધર્મેન્દ્ર પોતાના ઘર તરફ આવતો હોય છે અને આંધળી ભિખારણને ઠંડીમાં થથરતી જુએ છે એટલે પોતાનો શર્ટ ઉતારીને તેને ઓઢાડે છે અને ઘરે આવે છે. તેને ઉઘાડો જોઇને ડરેલી મીના કુમારી સુવાનું નાટક કરે છે અને ધર્મેન્દ્ર તેની ચાદર સરખી કરીને જતો રહે છે. ફિલ્મના પોસ્ટર ઉપર પણ આ જ સીન હતો. આ સીન માટે ધર્મેન્દ્રની બહુ તારીફ થઇ હતી. આ ફિલ્મથી તેને હીમેનનું બિરુદ મળ્યું. તેની ગણના એક્શન હિરોમાં થવા લાગી.

આ ફિલ્મ માટે પહેલી વાર ધર્મેન્દ્રને ફિલ્મફેર માટે નોમીનેશન મળ્યું, જો કે એવોડ મળ્યો નહિ.  ફિલ્મફેરનો લાઈફટાઈમ એવોર્ડ દિલીપકુમારના હાથે મેળવતી વખતે ધર્મેન્દ્રએ વસવસો વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેને હિરો તરીકે ક્યારેય ફિલ્મફેર એવોર્ડ મળ્યો નથી. જો કે તે સમયે દિલીપકુમારે ફિલ્મફેરના મંચ ઉપરથી જાહેર કર્યું કે મર્યા પછી પોતે ઈશ્વર પાસે જશે ત્યારે એક ફરિયાદ જરૂર કરશે કે મને ધર્મેન્દ્ર જેવો હેન્ડસમ કેમ ન બનાવ્યો? ૭૦ ના દાયકામાં ધર્મેન્દ્રને વિશ્વના સૌથી હેન્ડસમ પુરુષોમાંથી એક જાહેર કરવામાં આવ્યો હતો.    

         આ ફિલ્મ એટલી સફળ રહી કે આ ફિલ્મને તમિલમાં એમ. જી. રામચંદ્રના લઈને બનાવવામાં આવી અને તેલુગુમાં ધર્મેન્દ્રનો રોલ એન. ટી. રામારાવે કર્યો હતો. મલયાલમમાં જયનને લઈને રીમેક બનાવવામાં આવી.

        આ ફિલ્મનું નબળું પાંસુ એ તેનું સંગીત છે. રવિ એક મહાન સંગીતકાર હતા એમાં કોઈ બેમત નથી, પણ તેમણે ઓ.પી. રાલ્હન સાથે જેટલી પણ ફિલ્મો કરી તેમાં બહુ નબળું સંગીત પીરસ્યું છે. ‘યે રાતેં યે મૌસમ, નદી કા કિનારા’, ‘ચૌદહવી કા ચાંદ હો’ જેવાં જબરદસ્ત ગીતો આપનાર રવિ આ ફિલ્મમાં એક પણ ઉલ્લેખનીય ગીત આપવામાં અસફળ રહ્યા છે. કદાચ ભૂલ રાલ્હનની જ હોવી જોઈએ બાકી અન્ય નિર્દેશકોએ તેમની પાસે જબરદસ્ત કામ કરાવ્યું છે, પાછા ગીતકાર શકીલ બદાયુની હતા. તેમની સાથે પણ આવા ફાલતુ ગીતો આપ્યાં.  જો કે કથાવસ્તુ મજબુત હોવાને લીધે ફિલ્મ સૌથી સફળ રહી.

 

સમાપ્ત.