Kamal Kamal books and stories free download online pdf in Gujarati

કોમલની કમાલ

***

જીવનમાં દરેક વ્યક્તિની આગવી સમજ હોય છે. સમજ શબ્દ સરળ છે. માનવ પોતાના તર્ક બુદ્ધિ દ્વારા તેને અટપટી બનાવે છે.

આજે મારો હરખ માતો ન હતો. કંપનીમાં નવી હતી પણ દિમાગમાં જાતજાતના નાવા વિચારો હંમેશા આવતા. ખાલી ૮ થી ૫ ની નોકરી હતી. કિંતુ મન દઈને કામ કરવાને કારણે બોસ હંમેશા મારા વખાણ કરતા.

અમોલને હતું ઘરની બહાર કમાવા જાય છે તો ચાર માણસની ઓળખાણ થશે અને ઘરમાં રહીને ખાલી ગામની પંચાત તેમ જ રસોડામાં જીવન પૂરું કરશે ! ક્યારે પણ વધારે કામ કરવું નહીં. જે મળે તેમાં ખૂબ સંતોષ હતો.

કામવાળી કોમલ ખૂબ સારી હતી. સવારથી આવે રાતના જાય. ઘરનું બધું સાચવે. બે બાળકોને બપોરે શાળામાંથી લઈ આવે. પમી, બંનેને નાસ્તો આપી તૈયાર કરી શાળામાં મૂકવા જતી. કોમલ લેવા જાય અને પાછા આવતા શાક કે ફળ લેતી આવે. કોમલ લિસ્ટ બનાવી રાખતી, પમી નોકરી પર જાય ત્યારે તેને દાણાવાળાને આપે. ઘરે સામાન પહોંચી જાય. કોમલ સાફ કરી બધું ગોઠવી દે.

સાસુમા ગામથી આવે તેને કોમલ ગરમા ગરમ જમાડે. તે ખૂબ ખુશ થાય. રાતના બધું કામ પરવારી કોમલ ઘરે જાય. પમી અને અમોલ તેને ઘરના સભ્યની જેમ રાખે. તેની બધી જરૂરિયાત પૂરી કરે.

આજે પમી નોકરી પર ગઈ. રોજ કૃષ્ણને પગે લાગીને જવાનો નિયમ. બરાબર દસ વાગે તેના બોસ આવ્યા અને પમીને  કેબિનમાં બોલાવી. ખુશ જણાતા હતા.

પમીને  બેસાડી, ચા મંગાવી. પમીને નવાઈ તો ખૂબ લાગી. બોસ એની સામે ટગર ટગર જોઈ રહ્યા હતા. અચાનક બોલ્યા, 'તમારા ઉમદા વિચારો અને કાર્યને કારણે કંપનીને લાખો રૂપિયાનો ફાયદો થયો છે. આજે તમને ૧ લાખ રુપિયા આપી તમારું અભિવાદન કરું છું. તમારો પગાર પણ બમણો કરું છું. '

પમીને પોતાના કાન પર વિશ્વાસ ન બેઠો. પછી તો ફૂલનો ગુલદસ્તો આવ્યો. ઓફિસમાંથી મેનેજર આવ્યા. સહુએ પમીને અભિનંદન આપ્યા. આ હકીકત છે કે સપનું, જે હોય તે પમીને ગમ્યું.

પમીને થયું ' રાતના અમોલને જાતે સમાચાર આપીશ'.

કોમલને કહીને ખૂબ સુંદર રસોઈ બનાવડાવી. ફુલનો ગુલદસ્તો લઈને ઘરે ગઈ. રાતના સરસ રીતે તૈયાર થઈને બેઠી. અમોલને નવાઈ લાગી પણ કશું બોલ્યા નહીં. માત્ર આંખોથી પૂછ્યું, આજે શું છે?

પમીએ ધીરે રહીને કાનમાં કહ્યું.

ખરેખર ?

પમી તેને વળગીને બોલી 'હા'.

પૈસાનો ચેક બેંકમાં મૂકવા ગઈ ત્યારે દિમાગમાં જરા અભિમાન આવી ગયું. આટલા પૈસા અમોલ ક્યારે પણ લાવ્યા ન હતા. ખેર ગાડી રાબેતા મુજબ ચાલતી હતી. અમોલને પમીમાં થોડો ફરક લાગ્યો પણ કાંઈ બોલ્યો નહીં. વર્ષોથી એ કમાતો હતો. ક્યારે પમીને ઓછું આવવા દેતો નહીં. પમી સુંદર વ્યવહાર કરી ઘરમાં સહુના મન જીતી લેતી. અમોલના, મમ્મી અને પપ્પાને પણ હ્રદયપૂર્વક આદર આપતી.

આ '૧ લાખ' રુપિયા અને કામમાં બઢતીએ તેને દિમાગમાં પારો વધાર્યો હતો. આજે નોકરી પરથી આવી રોજના નિયમ પ્રમાણે, કોમલ ચા લઈને આવી. ત્યાં કોઈએ બારણું ઠોક્યું.

કોમલે દરવાજો ખોલ્યો તેનો પતિ હતો. તેની સાથે વાત કરી જોઈતા પૈસા આપ્યા. પમીએ પૂછ્યું,

'કોમલ તારો પતિ પૈસા લેવા આવ્યો હતો'?

'જી, મેમ સાહેબ'

કેમ ?

મેમ સાહેબ ,"છેલ્લા ત્રણ મહિનાથી એની નોકરી છૂટી ગઈ છે. ગાડીમાં પેટ્રોલ ભરી પંપ પરથી બહાર આવતા સ્કૂટર તેને ઠોકાયું. તેનો વાંક ન હતો. પણ શેઠની નવી ગાડી હતી એટલે તેમનો ગુસ્સો ગયો. શેઠે અપમાન કર્યું, તે મારા વરથી સહન ન થયું. ખૂબ વફાદાર હતો. દસ વર્ષની નોકરી હતી. છતાં નોકરી છોડીને આવી ગયો. ત્રણ મહિના થઈ ગયા. નવી નોકરી મળતાં વાર લાગે ને ?'

'તું કમાય છે, એ પૈસા તો કેમ આપ્યા.?'

'એવું કેમ બોલો છો બહેન ? આટલા વર્ષોથી એ સારું કમાતો હતો. મારા પૈસા હંમેશા બચત કરતા. હવે એની પાસે નોકરી નથી. કુટુંબમાં અમે ક્યારે મારા પૈસા તારા પૈસા કર્યું નથી. આજે એની પાસે નોકરી નથી, બહેન મને વિશ્વાસ છે જલ્દી પાછો નોકરી પર લાગી જશે'.

છેલ્લું વાક્ય પમીના હૈયામાં સોંસરું ઊતરી ગયું. નોકરી પર બઢતી મળી પછી એની વર્તણૂક બદલાઈ ગઈ હતી. ગયા મહિને અમોલે કહ્યું હતું, 'મારું જૂનું સ્કૂટર બહુ તકલીફ આપે છે. તું ૨૫ હજાર આપે તો નવું ખરીદવું છે. "

પમી,' તારા પૈસા ભેગા થાય ત્યારે લેજો. મારે હીરાની વીંટી લેવી છે'.

કોમલની વાત સાંભળી, પમીએ પૈસા બેંકમાં જમા કર્યા અને અમોલને ટેક્સ્ટ મેસેજ કર્યો, 'આજે ઘરે પાછા આવતા પહેલા સ્કૂટર બુક કરીને આવજે'.